પીતા તરીકે : મારા જીજા

મારે આજે વાત કરવી છે રમણ પાઠકની એક પીતા તરીકે અને એનાથી પણ આગળ વધીને એક માણસ તરીકે. મને પ્રશ્ન થાય કે આ સૃષ્ટીમાં મારા જેવા કેટલા સદભાગી હશે કે જેમને જીજા જેવા સ્નેહનીતરતા પીતા હશે? 

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું ત્રીજું–2

પીતા તરીકે : મારા જીજા 

– શર્વરી દેસાઈ

 ‘મારા જીજા’ આ બે શબ્દો ફક્ત બોલતાં જ – કે મનમાં પણ આવતાંની સાથે ડુમો ભરાઈ જાય, લાગણીના ઉમળકાથી મન, હૃદય, આંખો ભરાઈ આવે, અને પ્રશ્ન થાય કે આ સૃષ્ટીમાં મારા જેવા કેટલા સદભાગી હશે કે જેમને જીજા જેવા સ્નેહનીતરતા પીતા હશે?

વીચાર કરું છું ત્યારે થાય છે કે એમની આગળ કેટકેટલાં વીશેષણો લાગ્યાં છે! પ્રાધ્યાપક, લેખક, પત્રકાર, વીવેચક, નીબંધકાર, હાસ્યકાર, રૅશનાલીસ્ટ વગેરે, વગેરે, વગેરે. અલબત્ત, એક પુત્રી તરીકે તેમની આ સર્વ વીવીધ ક્ષેત્રો વીશેની સીદ્ધીઓનું મને ગૌરવ છે જ; પણ મારે આજે વાત કરવી છે રમણ પાઠકની એક પીતા તરીકે અને એનાથી પણ આગળ વધીને એક માણસ તરીકે.

નાનપણથી, હું સમજણી થઈ ત્યારથી યાદ કરવા મથું છું કે ક્યારેય એમણે મને ડારી હોય, મારી હોય, પીતા તરીકે ગુસ્સે થયા હોય, ખખડાવી નાખી હોય, કે પછી છેવટે સલાહ–સુચનોનાં લાંબા લાંબાં ભાષણો સંભળાવ્યાં હોય; પણ ખરેખર, એવો એક પણ પ્રસંગ માનસપટ પર ઉપસી શકતો નથી. હમ્મેશાં શાંત. સ્વસ્થ. પ્રેમાળ, લાગણીશીલ કરુણામુર્તી જ માનસપટ પર ઉપસી છે. એક વાર ખુબ નાની હતી ત્યારની વાત કરું તો યાદ નથી શા કારણે પણ મેં ગુસ્સામાં એમના માથામાં લાકડું મારી દીધું હતું. કપાળેથી લોહીની ધાર અને આંખોમાં ઝળઝળીયાં. ‘આવું કેમ કર્યું? કેમ માર્યું? આવું કરાય? આવી રીતે કરાય?” જેવો એક પણ શબ્દ નહીં. બસ એમની કરુણાભરી, વેદનાસભર, અશબ્દ દૃષ્ટી જ ઠપકો બનીને અંતરમાં ઉતરી ગઈ અને પારાવાર પસ્તાવા અને અફસોસની લાગણીથી અંતર હલી ઉઠ્યું.

આમ બાળકો સાથેના એમના વર્તનનો અભીગમ જ કંઈ જુદા પ્રકારનો અને એ અભીગમ એટલે પ્રેમ, પ્રેમ અને નકરો પ્રેમ જ. શ્રીમતી ઈન્દીરા ગાંધીએ આપણને સુત્ર આપ્યું હતું કે ‘કઠોર પરીશ્રમનો કોઈ વીકલ્પ નથી.’ તેમ ‘પ્રગાઢ પ્રેમનો કોઈ વીકલ્પ નથી.’ એમને માટે રસ્તા પરથી પસાર થતાં પણ કોઈ બાળકને મોટેથી રડતું, દુઃખી થતું જુએ, તોય એમની આંખમાં ઝળઝળીયાં આવી જાય, તો પછી મારાં બાળકો ચી. તર્જની અને ચી. મલ્હાર માટે તો પ્રેમની સીમા હોય જ ક્યાંથી? ચીખલી રહેતા ત્યારે તો, જ્યારે જઈએ ત્યારે એ ઓટલા પર ખુરશી નાખીને બેઠા હોય, ઘરમાં ફળીયાનાં આઠ–દસ બાળકો આનન્દથી રમતાં હોય અને જીજા એમની સાથે વહાલથી વાતો કરતા હોય.

આમ આખેઆખા એ લાગણીના માણસ. સામાન્ય રીતે રૅશનાલીસ્ટ એટલે બુદ્ધીપ્રધાન પણ લાગણીહીન માણસ એવી માન્યતા પ્રવર્તે છે; પરન્તુ જીજાના વ્યક્તીત્વમાં લાગણી જ પ્રધાનપણે પ્રવર્તે છે. ફક્ત બાળકો જ શા માટે, એમના જીવનમાં જેટલાં એમની નીકટ છે એ બધાંને એ હૃદયપુર્વક ચાહે. એમાં મીત્રો, સ્વજનો, પરીચીતો તો હોય જ; પણ એ ઉપરાંત એમને ત્યાં કામ કરવા માટે આવતી દરેક વ્યક્તીનોય સમાવેશ થઈ જાય. રસોઈ કરવા આવનારાં બહેનને રસોઈ થઈ જાય પછી રાહ જોઈને બેસી રહેવું ન પડે એટલા ખાતર એ ગમે તેવાં અગત્યનાં હજારો કામ પડતાં મુકીનેય સમયસર ઘેર પહોંચી જવાના. સાફસુફી માટે આવતા માણસને પોતે થોડું ઓછું ખાઈને પણ થોડું આપવું એવો નીયમ પાળવાના. ગમે તેટલી મુશ્કેલી હોય; છતાં મહેમાન બનીને આવનારને ઉમળકાભર્યો આવકાર આપવાના જ. માંદા હોય; છતાં એ કળાવા નહીં જ દેવાના, અને માંદગીમાંય અન્યની સગવડો સાચવીને અને સુખ આપવાની ખેવના રાખવાના જ. આ બધામાં અભીવ્યક્ત થાય છે : બીજા પ્રત્યેની એમની લાગણી, અન્ય પ્રત્યેની દરકાર, અને એ સહુની પાછળ અન્યને સુખ આપવાનો સતત પ્રયત્ન.

શરુઆતથી જ અમે ત્રણ – હું, જીજી (સરોજ પાઠક) અને જીજા બહુ જ ઓછું સાથે રહ્યા છીએ; છતાં અમારી વચ્ચે પીતા–પુત્રી કે માતા–પુત્રી કરતાંય વધુ મૈત્રીનો જ સમ્બન્ધ રહ્યો છે. વળી ઘરમાં અમે ત્રણ જ – એ બન્ને પ્રાધ્યાપક અને હું શાળાની વીદ્યાર્થીની. એટલે સવાર પડે ને દસેક વાગ્યા સુધીમાં તો ત્રણેને ઘરમાંથી નીકળી જવાનું હોય. એટલા સમયમાં સરળતાથી બધાં કામો નીપટાવી શકાય, એટલા માટે અમારા ઘરમાં સંપુર્ણ શ્રમવીભાજન, અને તે સવારસાંજ ઘરમાં રોજીંદા કામોમાં પાણ. દા.ત. જીજી રસોઈ બનાવે એટલે એણે રસોડામાંથી નીકળી જવાનું. પછી મારે જમવાની તૈયારી રુપે ટેબલ સજાવવાનું. અને જમવાનું પતે પછી જીજા હસતાં હસતાં કહે, ‘ચાલો હવે બધાં જાઓ, મારે પોસ્ટમૉર્ટમ કરવાનું છે…’ ચા તો એ જ મુકે. ઘરનાં માટે પણ અને મહેમાનો માટે પણ. ચાય પાછી ખુબ સરસ બનાવે. જાણીતાં મહેમાનો તો અમે ઘરમાં હોઈએ છતાંય કહે, ‘રમણભાઈ, અમારે તો તમારા હાથની ચા પીવી છે’ અને જીજા પણ આગ્રહપુર્વક, ઉમળકાપુર્વક દરેકને પોતે ચા બનાવીને પાય – આજે પણ.

હું કદાચ ચોથી–પાંચમીમાં હોઈશ ત્યારે જીજા એમ.એ. કરતા’તા અને જીજી શાળામાં શીક્ષીકા. સવારની શાળા હતી અને મને બરાબર યાદ છે હું ને જીજા મળીને કુકર ચઢાવતાં અને રસોઈની અન્ય તૈયારી કરતાં. આમ એમને કોઈ પણ કામમાં નાનમ નહીં. દરેક કામ ચીવટ, સ્વચ્છતાથી અને વ્યવસ્થીત રીતે થવું જોઈએ. એવો એમનો આગ્રહ. નીયમબદ્ધ રીતે, સમયસર અને ઘડીયાળને કાંટે કરવું એવો પણ આગ્રહ. સમયપાલનમાં બહુ જ ચુસ્ત અને એટલે જ કોઈ પણ કાર્યક્રમ હોય, એ વહેલા જ હોય અને મોટે ભાગે પહેલાય હોય.

ઝીણી ઝીણી બાબતોમાં પણ અત્યંત કાળજી, સફાઈ અને ચીવટ દેખાઈ આવે. જેમ કે કાગળ પરનું લખાણ હોય, કવર પર સરનામું કરવાનું હોય, કે એના પર ટીકીટ ચોંટાડવાની હોય, કવર બંધ કરવાનું હોય કે અંતર્દેશીય પત્રની ગડી વાળવાની હોય કે પછી ઘરની કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય અને આ બધાની પાછળ પણ બીજાની દરકાર. કાગળ ખોલતી વખતે ખોલનારને તકલીફ ન પડવી જોઈએ ને ગુંદરથી ચોંટીને લખાણ ફાટવું ન જોઈએ. અન્ય માટેની લાગણી અને કાળજીનો આ ગુણ એમના હૃદયના ઉંડાણમાંથી ઉદ્ભવેલો છે અને એટલે જ બધાંને માટે સરખી જ કાળજી રાખવાની એમની પ્રકૃતી જ થઈ ગઈ છે.

ઘણીવાર તો અમેય ખીજાઈ જઈએ કે ‘જીજા, હવે તમે આટલી બધી તકલીફ વેઠો છો, તો થોડી બીજાય વેઠી લે કોઈ વાર, એમાં શું?’ અને ખરેખર ઘણા એવી ઝીણી ઝીણી તકલીફોને તકલીફ ગણ્યાય વગર સહી લેતા, ચલાવી લેતા હોય છે! પણ જીજા! એ માને તો ને? એ તો બીજાને સગવડ આપવા ખાતર, અન્યનો જીવ નીરાંતવો રાખવા ખાતર અનેક અણગમતી બાબતોય શાંતીથી ચલાવી લેતા આવ્યા છે અને તે એટલે સુધી કે રોજીંદા ખોરાકમાંય અમુક જ વાનગી કે અમુક જ પ્રકારનો સ્વાદ વગેરેનો પણ દુરાગ્રહ નહીં. અને આ જ કારણે મીત્રોમાં, અડોશ–પડોશમાં, સ્વજનોમાં અત્યંત પ્રીય અને સહુ એમને ચાહે. આંખ મીંચીને એમનામાં વીશ્વાસ મુકી શકે. સ્પષ્ટવક્તા અને સત્યવક્તા છતાં સંવેદનાના માણસ. વચનપાલનના પણ ચુસ્ત આગ્રહી. મારાં બાળકોને કંઈ અમસ્તું વચન આપ્યું હોય તો એને વહેલામાં વહેલી તકે પુર્ણ કરવાની એમને સતત ચીંતા. અમે કહીએ કે કંઈ નહીં જીજા, એ તો ભુલી ગયાં હશે. એમનો જવાબ હોય કે, ના, જ્યારે યાદ આવશે ત્યારે બાળકોને તો એમ જ થશે ને, કે જીજાએ કહેલું પાળ્યું નહીં!

દરેક વ્યક્તીનો જન્મ અને પછી મૃત્યુ નીશ્ચીત છે; પરન્તુ એ બે કુદરતી ઘટનાઓ વચ્ચેનો ગાળો – માનવજીવન હમ્મેશાં સુખમય બને, આનન્દમય બને, સુવીધામય બને એવું આદીકાળથી દરેક માનવ ઈચ્છતો રહ્યો છે. દરેક આધુનીક ક્ષેત્રો, પછી એ વીજ્ઞાન હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, હેતુ માનવકલ્યાણ, સુખ, શાંતી અને આનન્દનો જ હોય છે ને? છતાં માનવ જડ રુઢીઓ, રીવાજો, ખોટી માન્યતાઓ, વળગણો, પુર્વગ્રહો વગેરેમાંથી મુક્ત થઈને ક્યાં ખુલ્લો, સ્વતંત્ર, આનન્દનો શ્વાસ લઈ શકે છે? બસ, આ જ એમની સતત વેદના છે કે માણસે શા માટે પોતાની જાતે દુઃખ વહોરી લેવું જોઈએ? લાગણીનાં બંધન અનીવાર્ય; પણ શા માટે ખોટાં બંધનોમાં જકડાઈને આનન્દની, સુખની ઝીણી ઝીણી પણ સાચી ક્ષણો માણવામાંથી વંચીત રહેવું જોઈએ? માનવીને વધુમાં વધુ સુખ, આનન્દ અને જીવનની પરીપુર્ણતા કેમ પ્રાપ્ત થાય એ જ એમનો સતત પ્રયત્ન રહ્યો છે; અને ચીંતન, મનન અને લેખનના વીષયો પણ એ જ રહ્યા છે.

લેખનમાં સતત આ અંગેના કડવા ઘુંટ વાચકોને પાતા રહે છે અને વર્તનમાં લાગણીની મીઠાશથી નવડાવતા રહે છે. સદા પ્રસન્ન, સુક્ષ્મ સેન્સ ઑફ હ્યુમર ધરાવતા, હસતા–હસાવતા, લાગણીભરી કાળજી લેતા, દરેકના અલગ વ્યક્તીત્વની સપ્રેમ નોંધ લેતા, વર્તનથી જ દૃષ્ટાંત બનતા, પ્રેમસભર જ નહીં પણ પ્રેમનો ધોધ વરસાવતા મારા–અમારા જીજાની હજીય ઘણાં ઘણાં વર્ષો સુધી અમને અનીવાર્ય આવશ્યક્તા છે જ, અને રહેશે જ. એટલે જીજા, તમારે હજી ઘણું ઘણું જીવવાનું છે અને જીવવું પડશે જ.

– શર્વરી દેસાઈ

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/11/2022

5 Comments

 1. કેમ છો, ગોવિંદજી … લંડનથી વિનુ સચાણીયાના સ્નેહ પૂર્વક વંદન
  રમણભાઈ પાઠક જોડે થોડી વાતોનો સ્વાદ લેવીની ઇચ્છા થઈ.. તેમની દિકરી શર્વરીબેન દેશાઈનો સંવાદ વાંચ્યો.. માટે મન થઈ ગયુ વાત રમણભાઈ જોડે કરુ…
  તમે ફોન નંબર તેમનો મોકલી શકશો?
  સ્નેહાધિન
  વિનુ સચાણીયા ગજ્જર

  Like

  1. કેમ છો, ગોવિંદજી … લંડનથી વિનુ સચાણીયાના સ્નેહ પૂર્વક વંદન
   રમણભાઈ પાઠક જોડે થોડી વાતોનો સ્વાદ લેવીની ઇચ્છા થઈ.. તેમની દિકરી શર્વરીબેન દેશાઈનો સંવાદ વાંચ્યો.. માટે મન થઈ ગયુ વાત રમણભાઈ જોડે કરુ…
   તમે ફોન નંબર તેમનો મોકલી શકશો?
   સ્નેહાધિન
   વિનુ સચાણીયા ગજ્જર

   Sent from my iPhone

   >

   Liked by 1 person

   1. વહાલા વિનુભાઈ,
    નમસ્કાર…
    હૃદયસ્થ રમણભાઈ પાઠકની ‘જન્મશતાબ્દી’ (જન્મ :30.07.1922) નીમીત્તે દર બીજા અને ચોથા સોમવારે ‘અભીવ્યક્તી’ પર પાસાંદાર ર.પા.નાં વીવીધ પાસાંઓને પ્રસ્તુત કરવામાં આવે છે. તા.12.03.2015ના રોજ ર.પા.નું દેહાવસાન થયું હતું; પણ ર.પા.નો અક્ષરદેહ ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર સદાય જીવંત રહેશે.
    ર.પા.ની દીકરી શર્વરીબહેન દેસાઈની સાથે તમારે સંવાદ કરવો હોય તો તેમનો નંબર હું ઈ.મેલથી મોકલી શકીશ.
    ધન્યવાદ,,,
    –ગોવીન્દ મારુ

    Like

 2. રમણ પાઠકની એક પીતા તરીકે અને એનાથી પણ આગળ વધીને એક માણસ તરીકે.
  શર્વરીબહેન નો ખૂબ સુંદર લેખ

  Liked by 1 person

  1. રમણ પાઠક નો મુખ્ય મંત્ર સર્વ સંતુ નિરામયા.
   સૌ જનોને સુખ સગવડ અને શાંતિ તેમના દ્વારા મળે.

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s