વૈષ્ણવધર્મને અધર્મી કર્મકાંડમાંથી બહાર કાઢીને સાત્ત્વીક ધર્મરીતીઓ પ્રત્યે વાળવા માટે જીંદગીભર લડતા રહેલ અખાના સેંકડોમાંના થોડા છપ્પાને માણીએ…
પાખંડી પ્રપંચ : કવીયોદ્ધો અખો
–ભગવાનજી રૈયાણી
19–20 એમ બન્ને સદીઓમાં જીવી જનાર મહારાષ્ટ્રના સંત ગાડગે મહારાજ એક પ્રખર સમાજ સુધારક હતા. ગરીબી માથે ઓઢીને ગામેગામ ફરતાં ફરતાં લોકોને ધર્મનો સાચો રાહ બતાવતા રહ્યા. એમની ધારદાર શૈલીમાં લખાયેલ કવીતામાંથી મળેલી બે પંક્તીઓ આ રહી :
‘પથ્થર કા શેર હમેં ખા નહીં સકતા,
પથ્થરકી ગાય હમેં દુધ નહીં દે સકતી;
ફીર પથ્થરકા ભગવાન હમેં ક્યા દે સકતા હૈ?‘
પણ ચારસો વર્ષ પર અમદાવાના એક ગરીબ સોની પરીવારમાં જન્મેલ અખા ભગતે તો પ્રવર્તમાન ધાર્મીક ક્રીયાઓને મુળમાંથી જ ઝંઝેડી નાખી. ગાડગે મહારાજ અને અખા ભગત બન્ને સંપુર્ણ આસ્તીક જ્ઞાની કવીઓ હતા. આ લેખકની જેમ નીરીશ્વરવાદી નહોતા. ઈશ્વર અને મા આપણને પ્રાણથી પણ વધારે વહાલાં હોઈને આપણે એમને તુંકારે બોલાવીએ છીએ. એમ મુગલ સામ્રાજ્યના એ મધ્યકાલીન સમયના અન્ધકાર યુગમાં પણ અખા ભગતનાં તીક્ષ્ણ બાણો સહેતાં રહીને પણ એમને ખુબ પ્રેમ અને સન્માન આપીને તુંકારે બોલાવીને ‘અખો’ નામથી અમર કર્યા.
એમની ટુંકી કવીતાઓ છંદ, છપ્પા અને કડવા એમ ત્રણ વર્ગમાં પ્રસીદ્ધ થતી. આજે વાત કરીએ અને માણીએ અખાના સેંકડોમાંના થોડા છપ્પાની.
‘કનક–કામીની નોહે આસક્ત,
ધનને અર્થે માંડે જાળ,
તેથી કહો કો શું નીપજે.’
આપણા સમયમાં કબીર, નાનક કે ગાડગે મહારાજ જેવા સંતો કેટલા, આંગળીને વેઢે ગણી શકાય એટલા. અહીં કવીએ કહ્યું છે કે અત્યારે તો સોનુ (કનક) દેખી સાધુ ચળે એવો ઘાટ છે. કહેવાતા પરમ પુજ્ય ધર્મધુરંધરો જેમને અમે પપુધધુ કહીએ છીએ. તેમની જીભ એવી વાકપટ્ટુ હોય છે કે અનુયાયીઓ એમનાં પ્રવચનો અને ઉપદેશો સાંભળીને ‘ગુરુચરણ’માં ધનના ઢગલા કરી દે છે. કયા ધર્મના આ સ્વામીઓ કંચન અને કામીનીના કૌભાંડમાં સંડોવાયા નથી?
‘આભડછેટ અંત્યજની જણી,
બ્રાહ્મણ વૈષ્ણવ કીયા ધણી.’
અહીં કવી પાંચ હજાર વર્ષ પહેલાં સીંધુ સંસ્કૃતી પોતાની સાથે લઈને આ દેશમાં સ્થાયી થવા આવેલા આર્યોએ મુળ નીવાસીઓને જીતી લઈને શુદ્રો બનાવી અછુત કરી દીધા અને પોતે બ્રાહ્મણ અને વેષ્ણવ થઈને ઉચ્ચ વર્ણમાં ગોઠવાઈ જઈને જુના વતનીઓને ગુલામીની કક્ષાએ ઉતારી દીધા અને પોતે માલીક બનીને બેસી ગયા એનો નીર્દેશ છે.
‘આંધળો સસરો અને શણગટ વહુ,
કથા સાંભળવા ચાલ્યાં સહુ;
કહ્યું કાંઈ ને સમજ્યાં કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.’
વહુએ તો ઘુમટો તાણેલો એટલે બન્ને દૃષ્ટીહીન હતા. કથાકારે કહ્યું કાંઈ અને આ બન્ને સમજ્યાં કાંઈ બીજું જ. ઉપદેશ મગજમાં ઉતર્યો જ નહીં જેમ કે આંખે આંજવાની મેશ ગાલે ચોપડી દીધી.
‘તીલક કરતાં ત્રેપન થયાં,
જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન!’
અન્ધશ્રદ્ધામાં ડુબેલો એ જમાનાનો સમાજ આજના કરતાં વધારે સહનશીલ હતો. આજે જો કોઈ આવી વાતો કરે તો કટ્ટરધર્મીઓ ક્યાં તો એની ચામડી જ ઉતરડી નાખે અથવા એણે ઈશનીંદા (બ્લાસ્ફેમી) કરી છે એમ કહીને અદાલતમાં ઘસડી જાય, સજા કરાવે અથવા ટોળું મારી જ નાખે.
‘હરીજનને ગ્રહો શું કરે?
જો ગ્રહ બાપડા પરવશ ફરે,
રવી ભમંતો, શશી તાંખે,
રાહુ તો ધડવહોણાં વહે,
કાણો શુક્ર ને લુલો શની,
ગૃહસ્પતે નાર ખોઈ આપની,
ગ્રહનો ગ્રહ હરી તે મુજ રુદે,
રુદે તો અખા દીન વચન કોણ વદે?’
કવી સમજાવે છે કે ગ્રહો ધરતીથી લાખો કરોડો માઈલ દુર હોઈને પ્રભુભક્તોને કેવી રીતે નડી શકે? ભમતો સુર્ય, ક્ષયગ્રસ્ત ચંદ્ર, કાણો શુક્ર (દૈત્યોના દેવ શુક્રાચાર્ય કાણા હતા ને?), લંગડો શની, ગુરુની તો પત્નીયે ગુમ થઈ ગઈ છે, રાહુને તો પોતાનું ઘર પણ નથી. આ બધાનો બાપ તો સ્વયં ભગવાન જ છે. મારા હૃદયમાં તો એ જ છે. આજે ચારસો વરસ પછી પણ આપણને ડહાપણ આવ્યું નથી. ડગલે ને પગલે મુહુર્ત અને ગ્રહને પુછ્યા વીના પાણી પણ પીતા નથી.
‘અન્ધે અન્ધ અન્ધારે મળ્યા,
જેમ તલમાં કોદરા ભળ્યા,
ન થાય ઘેંસ ન થાયે ઘાણી,
કહે અખો એ વાતો અમે જાણી.’
જુદાજુદા દરદવાળા આંધળાઓ અન્ધારામાં ભેગા થાય, એ તો તલ સાથે કોદરાના દાણા ભળી ગયા જેવું થાય. એમને ઘાણીમાં પીસીને તેલ કાઢી ન શકાય અને કોદરાનો લોટ ન થાય એટલે ઘેંસ પણ ન થાય.
‘એક મુરખને એવી ટેવ,
પથ્થર એટલા પુજે દેવ,
તુલસી દેખી તોડે પાન,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?’
દુનીયામાં નાનામોટા સેંકડો ધર્મો છે જેમાં માત્ર હીન્દુ ધર્મ જ એવો છે કે જ્યાં ગણ્યા ગણાય નહીં એવા ૩૩ કરોડ દેવતાઓ છે એમાં કેટલાને રીઝવશો? અખાને માટે સચરાચર ઈશ્વર તો એક જ છે.
‘બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય ને
શુદ્ર એ હરીનો પીંડ,
અખા કહે કોણ શુદ્ર?’
અહીં ઈંગીત છે કે ચારેય વર્ણો તો ઈશ્વરના એક જ પીંડમાંથી પેદા થયા છે એમાં આવા વર્ણભેદ કોણે કર્યા? (વાંચો મનુસ્મૃતી અને ગીતા). અખો કહે છે કે આમાં શુદ્ર કોને કહેવો? આ તો ઈશ્વરનું અપમાન છે.
‘જ્ઞાન વીના ભક્તી નવ થાય,
જયમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય,
પણ અખા જે ગુરુ ન જાણે,
એમ તે શીષ્યને શું આપે નેમ?’
ધ્યાન ધરીને ઉંડા ઉતરો તો જ્ઞાની થવાય; પણ છતી આંખે જે અબુધ ગુરુની પાછળ દોડે એ તો આંધળાની જેમ અહીંતહીં અથડાયા કરે. આવો ગુરુ શીષ્યને શું જ્ઞાન આપે?
અખા પછી જાણે એક યુગ વીતી ગયો પણ આપણે ‘હમ કભી નહીં સુધરેંગે.’
અખાનું સમાજસુધારક સર્જન એનું પોતાનું જ હતું. જે એણે કોઈને ગુરુ ધારીને ઉછીનું નહોતું લીધું. ગરીબ સોનીનો દીકરો. બાપ પાસેથી સોનીનું કામ શીખ્યો અને પીતાનું મૃત્યુ થયું. લગ્ન ન કર્યા. એક બહેન હતી, બહુ વહાલી, બહેનનું પણ મૃત્યુ થયું.. એક માનેલી બહેન રાખડી બાંધવા આવતી. અખાને એ પણ એટલી જ વહાલી હતી.
એ બહેને ભાઈને પોતાની જુની સોનાની માળા ધોઈને ઉજળી બનાવવા માટે આપી. તૈયાર થયા પછી એ પાછી લઈ ગઈ અને કોણ જાણે શું થયું કે પેટમાં પાપ પેઠું. રડતી રડતી ‘ભાઈ’ પાસે પાછી આવી. કહ્યું કે એણે ચોકસી પાસે વજન કરાવ્યું તો માળાનું વજન દોઢને બદલે સવા તોલો થયું. અખાને હૈયે ઝાટકો વાગ્યો. બહેન, આ સાવ ખોટી વાત છે. એ ધરમની ‘બહેને’ સુબેદારને ફરીયાદ કરી. અખાને પકડ્યો પણ ફરીયાદ ખોટી લાગતાં છોડી દીધો.
અખાનું સંસારમાંથી મન જ ઉઠી ગયું. ગોકુળ જઈને વૈષ્ણવ સંપ્રદાયના ગોકુળજીને ગુરુ માન્યા પણ સંતોષ ન થતાં કાશી જઈને બ્રહ્માનંદ નામના સંન્યાસીને સમર્પીત થયો અને એમણે પરમતત્ત્વની પ્રાપ્તી માટેની ઝંખના સંતોષી. 1615થી 1674સુધીનું અલ્પ જીવન પણ ધર્મમાં ચાલતા પ્રપંચ અને પાખંડને ઝકઝોરી ગયો.
તાજેતરમાં અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કૉલેજના વીદ્યાર્થીઓ અને વીદ્યાર્થીનીઓએ મળીને અખાના જીવન અને ક્વન પર એક સુંદર ડોક્યું ડ્રામા ભજવ્યો અને યુ–ટ્યુબ પર મુક્યો.
આમ ‘મરકર ભી અમર હો ગયે જો’ની વીભુતીઓની પંગતમાં સ્થાપીત થયેલ અખો, વૈષ્ણવધર્મને અધર્મી કર્મકાંડમાંથી બહાર કાઢીને સાત્ત્વીક ધર્મરીતીઓ પ્રત્યે વાળવા માટે જીંદગીભર લડતો રહ્યો.
–ભગવાનજી રૈયાણી
રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 06 ફેબ્રુઆરી, 202ટના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભુમી પ્રવાસી’ ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 02–12–2022
આ બધા અખાના છપ્પા વાંચવામાં તો આવી જ ગયેલા. પણ ફરી ફરી વાંચવા ગમે. દીલગીરી એટલી જ કે હીન્દુ સમાજ હતો ત્યાં ને ત્યાં પણ નથી, પાછળ ગયો છે. કદાચ કદી જાગશે જ નહીં એમ લાગે છે. છતાં પ્રયાસો તો કરવા જ રહ્યા, પણ જેમ ઉંઘેલાને જગાડતાં તે જગાડનાર પર ગુસ્સે થાય, ભલે ને જાગવું તેના હીતમાં હોય તો પણ, તેવું જ આ સમાજનું પણ છે.
LikeLiked by 1 person
Realistic and appropriate view-point … very impressive 👏
LikeLiked by 2 people
Best
LikeLiked by 1 person
ખૂબ સરસ જ્ઞાન થી ભરપૂર લેખ સમાજ જગૃતા નું કાર્ય .. આપનો આભાર સાહેબ
LikeLiked by 1 person
Saras लेख ì
LikeLiked by 1 person
શ્રી ભગવાનજી રૈયાણીન પાખંડી પ્રપંચ :સુંદર લેખ
તેમણે કવીયોદ્ધો અખો કહ્યો.અખાને અનેક વિદ્વાનોએ નામો આપ્યા છે.જેમકે
1)જ્ઞાનનો વડલો,
2). હસતો ફિલસૂફ,
3). ઉત્તમ છપ્પાકાર,
4). વેદાંતી કવિ (ઉમાશંકર જોશીએ આપ્યું),
5). બ્રાહ્મી સાહિત્યકાર(કાકા સાહેબ કાલેલકર દ્વારા આપ્યું)
અનેક વર્ષોથી અખાની આ પંક્તિઓ અમે તર્કસંગત વાતે વાપરતા
1). એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ…
2). ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર…
3). ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જાણ્યો…
4). આંધળો સસરો શણગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યા વહુ,
કહ્યું કશુંને સભાળ્યું કશું આંખનું કાજળ ગળે ઘસ્યું…
5). ન્હાયા ધોયા ફરે ફૂટંડા, ખાઈ પીને થયા ખૂંટડા
6). દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર..
7). સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ
8). અંધે અંધ અંધારે મળ્યાં જ્યમ તલમાં કોદરા ભળ્યા
9). પોતે હરિને ન જાણે લેશ, કાઢી બેઠો હરિનો જ વેશ
LikeLiked by 2 people
‘પથ્થર કા શેર હમેં ખા નહીં સકતા,
પથ્થરકી ગાય હમેં દુધ નહીં દે સકતી;
ફીર પથ્થરકા ભગવાન હમેં ક્યા દે સકતા હૈ?‘
LikeLiked by 3 people
જ્યાં લગી આત્મા તત્વ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે ? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે ? શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણ્યે ? શું થયું ખટ દર્શન સેવ્યાથકી, શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો. – નરસિંહ મહેતા
ગુજરાતમાં અખો અને નર્મદ તેમજ નર્મદના સમયમાં પાખંડ નો પર્દાફાશ કરનાર શ્રી કરસનદાસ મૂળજી વિગેરે વિરલાઓએ ઘણું કામ કરેલું. ‘મહારાજ Libel Case’ સાચા ગુજરાતીઓએ વાંચવો જોઈએ. એ ભ્રષ્ટ આચરણ કરનાર લોકોને ખુલ્લા પાડનાર વ્યક્તિઓ વિષે એક અદભૂત ફિલ્મ લખી શકાય પરંતુ હાલનુ ગુજરાત અને ગુજરાતી પાંગળા છે.
કદાચ નરસિંહ મહેતા ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન કવિઓમાં મોખરાના અને અગ્રણી કવિ રહ્યા છે. એમની રચના, જે મેં અહીં મૂકી છે, એમણે એમાં rituals ની મન ભરીને નીંદા કરી છે અને જાટકણી કાઢી છે. આવા કવિઓ અને વ્યક્તિઓનું ગુજરાત, હાલમાં માંદુ અને રુગ્ણ છે. અફસોસ થાય છે. આપની અદભૂત પોસ્ટ માટે આભાર. મારું ચાલે તો ચમત્કારોથી પરે હું નરસિંહ મહેતા અને અખો અને અન્ય મહાનુભાવો પર ગુજરાતીમાં કામ કરવાની આશા રાખું છું. એમનું સમાજ ઉપયોગી અસ્તિત્વ અને relevance એક સમાજ-સુધારક તરીકે, એ બધી વાત વિષે વધુ પરિચિત થાય (આજનો સમાજ), એજ એમણે સાચી શ્રદ્ધાંજલિ છે. આપ એ કામ કરી રહ્યા છો. આપને શત-શત વંદન.
LikeLiked by 1 person
બાળપણથી અખા ભગત, કબીર, રહીમ, મીરા અને નરસિંહ મહેતા ખૂબ ગમતા હતા. અત્યારે એમની વાણીમાં
અમે શબ્દોમાં સમાયેલ તાકાત પ્રિય છે. જ્ઞાન અને ભક્તિ સિક્કાની બે બાજુ સમાન છે. આભાર
LikeLiked by 1 person
‘આંધળો સસરો અને શણગટ વહુ,
કથા સાંભળવા ચાલ્યાં સહુ;
કહ્યું કાંઈ ને સમજ્યાં કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.’
કથા સંભાળી વહુએ કહ્યું
સીતાનું હરણ તો થયું
પણ એ હરણ માં થી
પછી સીતા ક્યારે થયું ?
LikeLiked by 1 person