ચોટીવાળા કોશીને ચળકતો કોશી પણ કહેવામાં આવે છે. કાબર જેવડું દેખાતું આ પક્ષી ચળક્તું વાદળી પડતું કાળું જાણે કે શરીરે આભલા કે તારા–ટપકીઓ ચોડી હોય એવો દેખાવ ધરાવે છે. તેની પુંછડી લાંબી, છેડેથી થોડીક [………………]
પક્ષી પરીચય : 4
ચોટીવાળા કોશી
સં. : પ્રા. દલપત પરમાર
ગુજરાતી નામ : ચોટીવાળા કોશી
હીન્દી નામ : कृष्णराज, केसराज, भुजंगा
અંગ્રેજી નામ : Spangled Drongo
વૈજ્ઞાનીક : Dicrurus hottentottus
પરીચય :
ચોટીવાળા કોશીને ચળકતો કોશી પણ કહેવામાં આવે છે. કાબર જેવડું દેખાતું આ પક્ષી ચળક્તું વાદળી પડતું કાળું જાણે કે શરીરે આભલા કે તારા–ટપકીઓ ચોડી હોય એવો દેખાવ ધરાવે છે. તેની પુંછડી લાંબી, છેડેથી થોડીક બે ફાંટવાળી અને ફાડીયાના બહારની બાજુના છેડા ઉપરની તરફ વળેલા હોય છે. પુખ્ત પક્ષીઓનાં પીંછાં પહોળાં હોય છે. નર અને માદા દેખાવે સરખાં હોય છે; પરન્તુ માદા થોડીક નાની હોય છે. આ પક્ષીના માથા ઉપર કપાળમાં બારીક વાળ જેવી કલગી હોય છે. આ કલગી ફ્ક્ત કેટલીક પેટાજાતીઓમાં જ હોય છે.
ચોટીવાળા કોશીને છાતી, સ્તન અને ગરદનના પાછળના ભાગમાં મેઘધનુષી રંગની પાંખો હોય છે જે ચળકતી દેખાય છે. તેની આંખ લાલ–ભુરી અથવા તો ઘેરા બદામી રંગની અને પ્રમાણમાં મોટી હોય છે તેના કારણે તે શીકારીઓને દુરથી જોઈ શકે છે.
આ પક્ષીઓ એકલ–દોકલ કે નાના સમુહમાં રહેતાં હોય છે. તે મેદાનોમાં ભાગ્યે જ જોવા મળે છે એટલે કે જંગલમાં વૃક્ષોની ઘટામાં નીવાસ કરવાનું તેને વધારે પસંદ પડે છે. મોટાભાગના કોશીની જાતો જીવજંતુઓ ખાય છે; પરન્તુ ચોટીવાળા કોશી ફુલોનો રસ માણી શકે તે માટે કુદરતે વીશીષ્ટ પ્રકારની કાળી અણીદાર થોડીક વળેલી ચાંચ આપી છે. આ પક્ષીને શીમળાનાં ફુલોનો રસ પીવામાં સૌથી વધારે આનન્દ આવે છે. જુદા જુદા સમયે ફાલતાં મનગમતાં અને મધમધતાં ફુલોનો મધુરસ ચુસવા લાંબુ ઉડ્ડયન કરવું પડે તો પણ તે કરે છે.
આ પક્ષીની લંબાઈ 25થી 32 સે.મી. હોય છે અને વજન 80થી 100 ગ્રામ જેટલું હોય છે. આ પક્ષીનાં નર અને નારી દેખાવે સમાન હોય છે; પરન્તુ માદાઓ કદમાં થોડીક નાની હોય છે. આ પક્ષીનાં બચ્ચાં બદામી જેવા રંગનાં અને ઓછાં ચળકાટવાળાં હોય છે. આ પક્ષી નાના ટોળામાં ફરે છે અને ખુબ ઘોંઘાટીયાં હોય છે.
આ પક્ષીના આયુષ્ય અંગે સ્પષ્ટતાપુર્વક કહી શકાય તેમ નથી; છતાં એક અનુમાન અનુસાર તેમનું આયુષ્ય લગભગ 12 વર્ષનું માનવામાં આવ્યું છે.
કોશીની વીવીધ જાતો :
(1) કાળીયો કોશી : (Black Drongo)
(2) રાખોડી કોશી : (Ashy Drongo)
(3) શ્વેતપેટ કોશી : (White Pelled Drongo)
(4) કાગ ચાંચ કોશી : (Crow-billed Drongo)
(૫) કાંસ્યો કોશી : (Bronzed Drongo)
(6) ભીમરાજ કોશી : (Greater Racket tailed Drongo)
આહાર :
કાળો કોશી, પતરંગા અને માખીમાર કુળના પક્ષીઓ સામાન્ય રીતે જીવતાં જીવડાં ઉપર નભે છે. તે રીતે ચોટીવાળો કોશી પણ નાના જંતુઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ જેવાં કે ગરોળી, દેડકાં અને સાપ જેવા નાના સરીસૃપ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે રાત્રે શલભ અને ભૃંગ જેવા જંતુઓની શોધમાં સમય વીતાવે છે. આ ઉપરાંત તે ફુલો ઉપરની જીવાત પણ ખાય છે પરીણામે આડકતરી રીતે ફુલની પરાગનું વહન પરાગનયન થવામાં પણ તે મદદરુપ થાય છે.
અવાજ :
ચોટીવાળા કોશીનો અવાજ ધીમો, સંગીતમય અને ધાતુના રણકાર જેવો ખણખણતો હોય છે. આ પક્ષી બીજા પક્ષીઓના અવાજની નકલ પણ કરી જાણે છે.
પ્રજનન :
આ પક્ષીઓ સ્થળાંતર કરનાર પક્ષીઓ છે. તેઓ વસંતઋતુના અંતમાં ક્વીન્સલેન્ડમાં આવે છે અને એક વૃક્ષમાં ઉંચાઈ ઉપર પ્રજનન કરે છે. તેમનો ઉત્તરમાં પ્રજનનકાળ એપ્રીલથી જુન સુધીનો હોય છે અને દક્ષીણમાં માર્ચથી એપ્રીલ સુધીનો હોય છે; પરન્તુ તેમની પ્રજનનઋતુ ઓગસ્ટની શરુઆત સુધી ચાલતી હોય છે.
માળો :
આ પક્ષીની માદા નર સાથે સમાગમ ક્યા પછી એક સમયે 1થી 4 ઈંડાં મુકે છે. આ ઈંડાં જુદા જુદા રંગનાં, મલાઈની તર જેવા રંગથી માંડીને લાલાશ પડતા ગુલાબી રંગનાં હોય છે અને તેની ઉપર ઝીણી લાલ ટપકીઓની ભાત હોય છે. નર અને માદા બન્ને સાથે મળીને ઘરસંસાર ચલાવે છે અને બચ્ચાં ઉછેરે છે. આ ઈંડાને લગભગ 24 દીવસ સુધી સેવન કરવામાં આવે છે. બચ્ચાંના જન્મ પછી માદા બચ્ચાંનો સંપુર્ણ રીતે ઉછેર કરે છે. આ બચ્ચાં 14 અઠવાડીયા જેટલાં થાય પછી સ્વતંત્ર રીતે હરતાં–ફરતાં થઈ જાય છે.
ચોટીવાળો કોશી બીજા કોશીના માળાની જેમ જ કમજોર તળીયાવાળો ઘાસ, મુળીયાં, રેસા વગેરેમાંથી કમજોર તળીયાવાળો અને રકાબી જેવા આકારનો માળો બનાવે છે. જમીનને સમાંતર એવી આડી ડાળીના બે ફાંટા વચ્ચે તે માળો બનાવે છે.
પ્રાતીસ્થાન :
આફીકા, ભારત અને ઉષ્ણકટીબંધીય પ્રદેશોથી લઈને ન્યુગીની અને ટાપુઓ સુધી અને ઓસ્ટ્રેલીયા સુધી વીવીધ પ્રકારના કોશી જોવા મળે છે. તે ચીન, બાંગ્લાદેશ, ભુતાન, કંબોડીયા, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, મ્યાનમાર, નેપાળ, ફીલીપાઈન્સ, થાઈલેન્ડ અને વીયેતનામમાં જોવા મળે છે.
કોશી સમગ્ર ઉત્તરમાં જોવા મળે છે અને પાછળથી પુર્વ કીનારે સ્થળાંતર કરે છે. તે હીમાલયની તળેટીમાં, તેરાઈના જંગલોથી માંડી દક્ષીણમાં કેરળ સુધીના ભેજસભર એવાં પાનખર વૃક્ષોનાં જંગલો, મેદાનો અને ડુંગરાળ પ્રદેશમાં તથા પુર્વ હીમાલયમાં જોવા મળે છે. તે ઉત્તરાખંડ, ઓરીસ્સા અને મહારાષ્ટ્ર રાજ્યોમાં જોવા મળે છે.
સં. : પ્રા. દલપત પરમાર
વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું : ‘લોકનિકેતન’ મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com એપ્રીલ, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…
‘લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.
તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 5–12–2022
– પ્રા. દલપત પરમારની ચોટીવાળા કોશી પક્ષી અંગે રંર્ગીન તસ્વીર સાથે ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ
LikeLiked by 1 person