બદનક્ષી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

ભારતીય બંધારણે વાણી–અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને મુળભુત હક તરીકે સ્વીકારેલ છે; પરન્તુ આ હક અબાધીત નથી. અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની નદી મોકળાશથી વહે તે હેતુથી કાંઠાઓ – નીયન્ત્રણો પણ બંધારણે રચ્યા છે. તેમાંનું એક નીયન્ત્રણ છે : બદનક્ષી.

બદનક્ષી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

–રમેશ સવાણી

કોઈ પણ હક નીરંકુશ હોઈ શકે નહીં. નદી છુટથી, મોકળાશથી વહે છે; પણ તેનો પ્રવાહ બે કાંઠા વચ્ચે બંધાયેલો હોય છે. નદીની છુટ, મોકળાશ તેના બે કાંઠાને લીધે છે. હકને નદીની મોકળાશથી માણવો હોય તો વાજબી નીયન્ત્રણોના કાંઠા હોવા જરુરી છે. આ કાંઠાઓ મુકવાની સત્તા પણ નીરંકુશપણે કોઈને આપી શકાય નહીં. નીયન્ત્રણો વાજબી હોવાં જોઈએ. મનસ્વી નીયન્ત્રણો–અંકુશો હકરુપી નદીને પ્રદુષીત કરી નાખે છે. ભારતીય બંધારણે વાણી–અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને મુળભુત હક તરીકે સ્વીકારેલ છે; પરન્તુ આ હક અબાધીત નથી. અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની નદી મોકળાશથી વહે તે હેતુથી કાંઠાઓ – નીયન્ત્રણો પણ બંધારણે રચ્યા છે. તેમાંનું એક નીયન્ત્રણ છે : બદનક્ષી.

1988માં, વડા પ્રધાન રાજીવ ગાંધીએ ‘ડેફેમેશન બીલ’ લોકસભામાં પસાર કરાવેલ; પરન્તુ તે સામે લોકોએ ઉગ્ર વીરોધ કરતાં ચોવીસ દીવસમાં તેનું બાળમરણ થયેલું. કાયદા ઘડવાનું કોઈ કારણ હોય છે, સંજોગો હોય છે, પરીસ્થીતી હોય છે. કલાકો સુધી રૅશનની લાઈનમાં ઉભા રહેતા લોકોની બદનક્ષી કરવામાં અખબારો મર્યાદા ઓળંગી ગયાં હોય તેવો એક પણ કીસ્સો બન્યો ન હોય ત્યારે બદનક્ષી ખરડો કોના માટે લાવવામાં આવ્યો હતો? આ ખરડામાં કેવી કેવી વીચીત્ર જોગવાઈ હતી તેનો અભ્યાસ એટલા માટે જરુરી છે કે બદનક્ષીના હથીયારથી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને કઈ રીતે અવરોધી શકાય તેનો સ્પષ્ટ ખ્યાલ આવે. આ ખરડામાં ‘ગોસ્લી ઈન્ડીસન્ટ’ (અશીષ્ટ, અણછાજતું) અને ‘સ્કરીલસ’ (અશ્લીલ) શબ્દોને વ્યાખ્યાબદ્ધ કર્યા નહોતા. આ શબ્દો એવા છે જેનો અર્થવીસ્તાર જેટલો કરવો હોય તેટલો થઈ શકે. દા.ત. રામાયણ લખી કે છાપી શકાય નહીં, કેમ કે એમાં સીતાને અગ્નીમાં મુકવાનો પ્રસંગ આવે છે. અગ્ની દ્વારા પવીત્ર થવાની બાબત અશીષ્ટ, અનુચીત, અસભ્ય, નીર્લજ્જ કહેવાય. મહાભારત છાપી શકાય નહીં. એક સ્ત્રીને પાંચ પતી! કલમમાં વપરાયેલા ખાસ શબ્દનો અર્થ ઉદાહરણથી સ્પષ્ટ કરવો જોઈએ. મેકોલેએ ઈન્ડીયન પીનલ કોડમાં ઠેર ઠેર ઉદાહરણો આપી, મનસ્વી અર્થવીસ્તારને રોક્યો છે. દરેક ગુનો ચોકસાઈથી દર્શાવવો આવશ્યક છે. અસ્પષ્ટ ભાષા, અભદ્ર ઈરાદાઓની સાક્ષી છે. અસ્પષ્ટ કાયદાઓ એટલે નાગરીક ઉપર લટકતી તલવાર. ફોજદારી કાયદામાં ગોળગોળ ખ્યાલો કે આત્મલક્ષી અર્થઘટન ન ચાલે. નક્કર હકીકતો પાયામાં હોવી જરુરી છે. સ્પષ્ટ ઉદાહરણો હોવાં જોઈએ. એક અને એક–બે, એમ સ્પષ્ટ દર્શાવેલું હોવું જોઈએ. ગાંધીજીએ કહ્યું છે : ચોરને ચોર કહેવો અને બદમાશને બદમાશ કહેવો એ અપશબ્દ નથી. જ્યોર્જ ઓરવેલ અસ્પષ્ટતાને વૈચારીક પાપ માનતા.

આ ખરડામાં એવી જોગવાઈ હતી કે વીદેશી રેડીયો, ટેલીવીઝન સંસદ કે કોઈ સમીતીની કાર્યવાહીમાંથી પ્રાપ્ત થયેલા એવા સમાચાર કે એવી માહીતી છાપી શકાશે નહીં, જેને કારણે રાજકારણીઓ કે તેના મીત્રોની પ્રતીષ્ઠાને આંચ આવે. બોફર્સ સોદામાં કટકી થઈ છે તેવા સમાચાર સૌપ્રથમ સ્વીડન રેડીયોએ પ્રસારીત કર્યા હતા. વીચારો, આખી દુનીયા જાણે; પણ ભારતીય નાગરીકોને ખબર ન પડવી જોઈએ! સામાન્ય નાગરીકની બદનક્ષી રોકવા ખરડો લાવવો પડ્યો એવું ગપ્પુ સરકારે હાંકેલું. ભારતના કયા સામાન્ય નાગરીકની સ્વીડન કે અમેરીકાની સંસદમાં ચર્ચા થવાની હતી?

આ ખરડાથી પુરાવાઓ એકઠા કરવાની જવાબદારી આરોપી ઉપર નાખવામાં આવેલી. આ જોગવાઈથી જાહેર હીતમાં ટીકા કરવાનો અધીકાર છીનવાઈ જાય, કેમ કે ટીકા કરનાર, આક્ષેપ કરનાર પુરાવા વીણવા જાય તો તેની હાલત કફોડી થઈ જાય. ઉદાહરણ તરીકે, અજીતાભ બચ્ચને સ્વીટઝર્લેન્ડમાં 40 કે 60 લાખનો ફ્લેટ ખરીદીને ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટનો ભંગ કર્યો છે. એવો આક્ષેપ કરનાર ફલેટખરીદીનો પુરાવો રજુ કરી શકે; પરન્તુ ફેરાનો ભંગ થયો છે કે નહીં તેના પુરાવા તો સરકારના નાણાખાતાની ફાઈલમાં પડેલા હોય. આક્ષેપ કરનાર નાણાખાતા પાસે પુરાવા માંગે, દસ્તાવેજ માંગે ત્યારે ફાઈલ ખોલવી તે જાહેર હીતમાં નથી તેવો જવાબ નાણાખાતું આપે તો? સત્યને પ્રગટ કરવામાં કોઈ પણ પ્રકારની બદનક્ષી થતી નથી એ સીદ્ધાંતનું ગળું જ કપાય. મધુ દંડવતેએ કહ્યું હતું, આ તો સત્યનું રાષ્ટ્રીયકરણ કહેવાય.

એવી પણ જોગવાઈ હતી કે સેશન્સ કોર્ટને ઠીક લાગે તો બન્ધબારણે આવા કેસની સુનાવણી કરી શકે. એચ. એમ. સીરવાઈ કહે છે : “પ્રચાર ન્યાયનો આત્મા છે. જ્યાં પ્રચાર નથી ત્યાં ન્યાય નથી. કેસને આપવામાં આવતી પ્રસીદ્ધી, અદાલતી કાર્યવાહી ચલાવતા ન્યાયમુર્તીને અંકુશમાં રાખે છે. પ્રચાર અને પ્રસીદ્ધી તો સલામતીની સલામતી છે.” બન્ધબારણે સુનાવણી થાય તો ભ્રષ્ટ નેતા કે જાહેર સેવક તેનાં અપકૃત્યો અંગે ઉલટતપાસમાં કેવો ફસાય છે તે જાણવાની લોકોને તક ન મળે.

1975માં કટોકટી વખતે સરકારે અખબારોને માત્ર નમવાનું કહ્યું હતું ત્યારે તેઓ સરકારના પગમાં આળોટી પડેલાં. સાધારણ રીતે, જ્ઞાન કે માહીતીનું વીસ્તૃત પ્રસારણ થાય તે સ્થાપીત હીતોને કદી ગમતું હોતું નથી. આ ખરડો વ્યક્તીના હકો અને અન્ય વ્યક્તીના અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના હકો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરતો હતો એવો લુલો બચાવ સરકારે કર્યો હતો. પ્રેસ કાઉન્સીલના ચેરમેન જસ્ટીસ એ. એન. સેનનો સ્પષ્ટ અભીપ્રાય હતો : “ઈન્ડીયન પીનલ કોડમાં બદનક્ષી અંગેની જે જોગવાઈઓ છે તે પુરતી છે. બદનક્ષી ખરડો લાવવાની કોઈ જરુરીયાત જણાતી નથી.” એચ. એમ. સીરવાઈનું મંતવ્ય હતું : “અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર સીધી તરાપ મારતો આ ખરડો હતો. આ ખરડાને કારણે અન્વેષણાત્મક પત્રકારત્વનો જીવ જ નીકળી જશે. ભાગલપુરની જેલમાં કેદીઓને અન્ધ બનાવી દેવાના કુકર્મ પરથી પડદો ઉંચકાયો, મહારાષ્ટ્રના બે મુખ્ય પ્રધાનોએ રાજીનામાં આપવાં પડ્યાં તેનો યશ અન્વેષણાત્મક પત્રકારત્વને જાય છે.”

ચોરને ચોર કહેવાથી બદનક્ષી થતી નથી, કેમ કે ચોર મુળભુત રીતે જે ચારીત્ર્ય ધરાવતો નથી તેની હાની થઈ છે એમ ચોર કહી શકે નહીં, કહે તો માની શકાય નહીં. ફલાણા નેતા ભ્રષ્ટ છે તેમ છાપવાથી બદનક્ષી થતી નથી, જો એવું દોષારોપણ કરવા વાજબી કારણો હોય. સત્યથી વધુ બળવાન જગતમાં કંઈ નથી. વોટરગેટ કૌભાંડ, બોફર્સ કટકી કૌભાંડ, કે સ્તાલીનનો જુલમ હોય, સીધો પુરાવો અખબારોને મળ્યો નહોતો. ભ્રષ્ટ નીતીરીતીના ત્રાગડા સાંધીને અખબારોએ સરકારને ખુલ્લી પાડી હતી. સરકાર ભ્રષ્ટાચાર હટાવવા માંગતી હોય તો ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમને પ્રોત્સાહન આપવું જોઈએ. રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય તેવી બાબતમાં શાસકપક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બાંગારુ લક્ષ્મણ એક લાખ રુપીયા લાંચ પેટે સ્વીકારે એ દશ્ય ‘ગુપ્ત કેમેરા’ના કારણે લોકો ટીવી ઉપર જોઈ શક્યા. ‘ગુપ્ત કેમેરા’ને કારણે તેમણે રાજીનામું આપ્યું, નહીં તો આ ખોટો આક્ષેપ છે તેમ કહીને ‘તહેલકા’ સામે બદનક્ષીનો કેસ કરી દીધો હોત! ભારતમાં ઈસ્ટ ઈન્ડીયા કંપનીના અમલ દરમીયાન એક અંગ્રેજ દ્વારા પહેલું અખબાર શરુ થયું ત્યારે તેનો આદર્શ હતો : (1) રાજકર્તાઓને તેમની ફરજ બજાવવામાં પ્રવૃત્ત કરવા. (2) તેઓની ખામીઓ બદલ તેઓને ચેતવણી આપવી. (3) તેઓને અણગમતા સત્યો સંભળાવવા… આ કામ અખબારો બજાવે તો શાસકોને આપખુદ બનવાનો મોકો ઓછો મળે. લોકો સાચી પરીસ્થીતીથી વાકેફ હોતા નથી તે નોકરશાહીની સત્તાનો ખરો પાયો છે. ગ્લાસનોસ્ત–ખુલ્લાપણું નોકરશાહીનો આડંબર છીનવી લે છે. લોકોને શાસક પસન્દ કરવાનો હક છે તો તેની ગેરવર્તણુક સબબ ટીકા કરવાનો પણ હક છે. નેતાઓના રાઈટ ઓફ પ્રાઈવસી કરતાં લોકોને માહીતગાર થવાનો હક વધુ મહત્ત્વનો છે. અખબારોની સ્વતન્ત્રતા પરનો કોઈ હુમલો, અભીવ્યક્તીની આઝાદીને ગુંગળાવવાની કોઈ કોશીશ લોકશાહી પરંપરાનો ઈનકાર કરે છે અને તે આપખુદી ભણીનું પગલું છે. સમુહમાધ્યમો લોકશાહીને સફળ અને સાર્થક બનાવવામાં મહત્વની ભુમીકા ભજવે છે. તન્ત્ર અને લોકો વચ્ચે તે કડીનું કામ કરે છે. તન્ત્રમાં પારદર્શકતા જાળવી રાખવાનું કામ માસમીડીયા કરે છે. અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના કારણે જ લોકોનો માનસીક અને બૌદ્ધીક વીકાસ શક્ય બને છે.

પણ સાથે, એ ન ભુલવું જોઈએ કે કોઈ પત્રકાર આપખુદ થઈ શકે નહીં. અખબારી સ્વાતન્ત્ર્યની લક્ષ્મણરેખા પણ છે. પ્રકાશીત સામગ્રી સાચી, ચોક્કસાઈવાળી હોવી જોઈએ. તેમાં વીશ્વસનીયતા હોવી જોઈએ. નહીં તો બદનક્ષી કે કોર્ટના તીરસ્કારનો ગુનો બને. 1990માં ‘કરન્ટ’ પત્રમાં એક અહેવાલ પ્રગટ થયો, જેમાં જમ્મુ કાશ્મીરના ગવર્નર જગમોહને કહ્યું હતું : દરેક કાશ્મીરી મુસ્લીમ અલગતાવાદી છે… આ સામયીક સંસદમાં ચમક્યું, ઉહાપોહ થયો. પરીણામે જગમોહનને ગવર્નરપદ છોડવું પડ્યું. જગમોહને આ સામયીક ઉપર કેસ કર્યો. દીલ્હી હાઈકોર્ટ સમક્ષ ‘કરન્ટ’ના રીપોર્ટરે તથા તંત્રીએ કબુલ કર્યું કે જગમોહનને જે રીતે ટાંકવામાં આવ્યા હતા તે મુજબના કોઈ શબ્દો તેઓ બોલ્યા નહોતા. બન્નેએ માફી માંગી. પરન્તુ અહીં પ્રશ્ન એ છે કે આ ખોટી રજુઆતથી, તેના ભોગ બનનારને જે નુકસાન થયું તે આવી માફીથી ભરપાઈ થઈ શકે? જગમોહનને ખોટી રીતે ચીતરવાથી, વીદેશમાં ભારતની બદનામી થઈ, પાકીસ્તાનને અવળો પ્રચાર કરવાની તક મળી, કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સામેની ઝુંબેશમાં ઢીલાશ આવી, આ બધા નુકસાન સામે ‘કરન્ટ’ હજાર વાર માફી માગે તોય ગુનો ઉભો રહે છે. ઉપાય છે : આવા પત્રકારોને અદાલતમાં ઘસડી જવા જોઈએ જેથી સત્યને વળગી રહેવાનું વલણ વીકાસ પામે.

સરુપ ધ્રુવનો આક્રોશ જોઈએ :

મુંગી પુતળી!
આંધળી પુતળી!
હાથ ત્રાજવું ઉચું નીચું
આંખે પાટા બાંધી પુતળી!
કેવા પાટા?
શાના પાટા!
કોમના ચીથરાં!
ધર્મના ગાભા!
છોડી દે આ આટાપાટા!
કેવું માપ?
ને કેવો તોલ?
આ તે કેવું પોલંપોલ!
કદીક તો તું સાચું બોલ!
“એકને છે કણ; બીજાને મણ!’’
તમે કહોને, શું છે કારણ?

–રમેશ સવાણી

લેખક રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણીઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09–12–2022

3 Comments

  1. Very nice information on legality of rights and privileges of citizens with concurrent responsibilities and duties also.
    easy to understand and follow.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s