નાનો મકડીખોર Arachnothera longirostra

નાનો મકડીખોર પક્ષીનાં નર અને માદા સમાન હોય છે; પરન્તુ માદાનો દેખાવ નર કરતાં થોડોક નીસ્તેજ હોય છે. તેનું માથું નાનું અને ગરદન પાતળી હોય છે. તેમના પગ પાતળા અને નારંગી રંગના હોય છે. નાનો મકડીખોરના પીંછાં [……………..]

પક્ષી પરીચય : 5

નાનો મકડીખોર

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : નાનો મકડીખોર
હીન્દી નામ : छोटा मकडीखोर
અંગ્રેજી નામ : Little spiderhunter
વૈજ્ઞાનીક : Arachnothera longirostra

પરીચય :
નાનો મકડીખોર પક્ષીનાં નર અને માદા સમાન હોય છે; પરન્તુ માદાનો દેખાવ નર કરતાં થોડોક નીસ્તેજ હોય છે. તેનું માથું નાનું અને ગરદન પાતળી હોય છે. તેમના પગ પાતળા અને નારંગી રંગના હોય છે. નાનો મકડીખોરના પીંછાં મુખ્યત્વે ઓલીવ લીલા રંગનાં હોય છે. તેમના ગળાનો અને પેટનો રંગ અનુક્રમે સફેદ અને પીળો હોય છે. તેમની પાંખો ભુખરા કાળા રંગની હોય છે અને તે કદમાં નાનું હોવા છતાં ભારે પ્રભાવશાળી હોય છે.
નર મકડીખોરનું વજન 10.3થી 16.1 ગ્રામ જેટલું હોય છે. જ્યારે માદાનું વજન 8.8થી 13.7 ગ્રામ હોય છે. કુદરતે આ પક્ષીને વીશીષ્ટ પ્રકારની લાંબી, પાતળી, નીચેની બાજુ વળેલી અને તીક્ષ્ણ ચાંચ આપી છે. આ ચાંચ તેમના શરીર જેટલી લાંબી હોય છે. તેની ચાંચ લગભગ 1.4 ઈંચ લાંબી હોય છે.
મકડીખોરને સુર્યપક્ષીઓ (sunbirds)થી અલગ પાડનારું ધ્યાનાકર્ષક અંગ તે તેની વીશીષ્ટ પ્રકારની ચાંચ છે. સુર્યપક્ષીઓની ચાંચ મકડીખોર પક્ષીઓ જેટલી લાંબી હોતી નથી. પુખ્ત નર મકડીખોરની ચાંચ કાળા રંગની હોય છે. જ્યારે માદાની ચાંચનો નીચેનો ભાગ કેસરી રંગનો હોય છે અને નરની ચાંચના રંગ કરતાં હલકા રંગની હોય છે.
Nectriniidae કુટુંબમાં સુર્પક્ષીઓ (sunbirds) અને મકડીખોરનો સમાવેશ થાય છે. સુર્યપક્ષીઓ અને મકડીખોરની ચાંચની રચના જ એવી છે કે તે ફુલોમાંથી અમૃત પીવા માટે ખુબ જ યોગ્ય છે. નર માદા કરતાં વધારે લાંબી ચાંચ ધરાવે છે તેનો અર્થ એવો છે કે નર પક્ષીઓ લાંબા ફુલો સુધી પહોંચી શકે છે. તેમની ચાંચ અને જીભની રચના જ એવી હોય છે કે તે સરળતાથી ફુલોનો રસ પી શકે છે.
નાનો મકડીખોર જંગલી કેળાના સૌથી સારા પરાગરજક છે. પરાગનયન પ્રક્રીયા કુદરતે રચેલી ઘણી ઉમદા પ્રક્રીયા છે. આ પ્રક્રીયા માટે પવન, પ્રાણીઓ, ચામાચીડીયાં, પક્ષીઓ, પાણી અને જંતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વનસ્પતી અને પક્ષીઓ બન્નેનો ખોરાક અને પ્રજનન માટે પરસ્પર લાભ માટે સહવીકાસ થયો છે. કેટલાંક પક્ષીઓ ફુલના પરાગનયનની પ્રક્રીયા માટે ખાસ વીકસીત થયાં છે. અમેરીકન ખંડોમાં જોવા મળતાં હમીંગ બર્ડ, ઓસ્ટ્રેલીયામાં જોવા મળતાં મધ ખાનારાં મેલીફાગીડે અને વચ્ચેના વીસ્તારોમાં જોવા મળતાં સનબર્ડસ અને થોડી અન્ય જાતો પરાગરજક છે.
વીશ્વમાં મકડીખોર (સ્પાઈડરહંટર)ની 14 પ્રજાતીઓ છે. જેમાંથી માત્ર બે બાંગ્લાદેશમાં રહે છે. તેમાં (1) લીટલ સ્પાઈડરહંટર અને (2) સ્ટ્રીકડ સ્પાઈડરહંટર. જો કે સ્ટ્રીક્ડ સ્પાઈડરહંટર માત્ર પહાડી જંગલોમાં જ જોવા મળે છે. તાજેતરમાં લીટલ સ્પાઈડરહંટર પક્ષી બાંગ્લાદેશનું એક દુર્લભ પક્ષી બની ગયું છે. આજે ગામડાંઓમાં ખેતીમાં રાસાયણીક જંતુનાશકો અને હર્બીસાઈડ્સના વધુ પડતા ઉપયોગોને કારણે નાના સ્પાઈડરહંટરનું પતન થયું છે. આજે ઝેરી જંતુનાશક અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. પરીણામે નાના જંતુભક્ષી પક્ષીઓ ખુબ જ ઝડપથી મરી રહ્યાં છે. કૃષી, બાગાયત અને ચાના બગીચાઓમાં આપણે જે ઝેરનો ઉપયોગ કરીએ છીએ તે પુખ્ત પક્ષીને તરત મારી શકતું નથી; પરન્તુ સફળતાપુર્વક પુનઃ ઉત્પાદન કરવાની તેની ક્ષમતાને નબળી પાડે છે.

આહાર :
નાનો મકડીખોર મુખ્યત્વે કરોળીયાનો શીકાર કરે છે અને પોતે ખાય છે તથા પોતાનાં બચ્ચાંને ખવડાવે છે. એટલે તો તેનું નામ મકડીખોર પડ્યું છે. મકડીખોર કરોળીયાનો આહાર તરીકે ઉપયોગ કરે છે પરન્તુ આહારનો તે એકમાત્ર સ્ત્રોત નથી. આ પક્ષીઓ તેજસ્વી રંગીન ફુલોમાંથી અમૃત (રસ) યુસવાનો પણ આનન્દ માણે છે. એટલા માટે તો આ પક્ષીઓ ફુલોવાળા બગીચાઓની આસપાસ વધારે જોવા મળે છે.

પ્રજનન :
નાનો મકડીખોરની પ્રજનન ઋતુ પ્રમાણે તે સામાન્ય રીતે એપ્રીલ માસમાં પ્રણયની શરુઆત કરે છે. ઉત્તર–પુર્વ ભારતમાં તેમની પ્રજનન ઋતુ માર્ચથી સપ્ટેમ્બર છે અને દક્ષીણ ભારતમાં ડીસેમ્બરથી ઓગસ્ટ છે.
માદા મકડીખોર 2થી 3 ઈંડાં આપે છે. નાના મકડીખોરનાં ઈંડાં દેખાવમાં અન્ય મકડીખોર કરતાં અલગ હોય છે. ઈંડાં સફેદ અને ગુલાબી–લાલ ભુરા રંગનાં હોય છે. તેમનાં ઈંડાં ચળકતાં હોતાં નથી; પરન્તુ તદ્દન નાજુક હોય છે.

માળો :
મકડીખોરની માદા વીવીધ પાંદડા, શેવાળ, કરોળીયાના જાળા અને ઘાસનાં પાંદડાઓનો ઉપયોગ કરીને ઘટ્ટ કપ આકારનો માળો બનાવે છે. આ પક્ષી પોતાનો માળો ઝાડની ડાળીએથી અથવા તો કેળના જેવા પહોળા પાંદડાવાળા છોડની નીચે લટકતો હોય તે રીતે બનાવે છે પરીણામે માળો ઢંકાયેલો રહેવાથી સુરક્ષીત રહે છે.
નાનો મકડીખોર પ્રજનન સમયે અને કોઈ ભય જેવું લાગે ત્યારે સાથીદારોને ચેતવવા ઝીક–ઝીક એવો અવાજ કરે છે; પરન્તુ આ પક્ષી ભારે ઘોંઘાટીયું નથી. મલેશીયાના સારાવાકના જંગલમાંથી કેમ્ફર(કપુર)નું લાકડું ભેગું કરનારા સ્થાનીક લોકો સ્પાઈડરહંટરને ખુબ મહત્ત્વ આપે છે. તેઓ માને છે કે સ્પાઈડરહંટરને જોવું અથવા તો તેના અવાજને સાંભળવો એ એક શુભ શુકન છે. તેઓ આ પક્ષીને જોયા પછી અથવા તો અવાજ સાંભળ્યા પછી જ જંગલોમાં પ્રવેશ કરે છે.

પ્રાત્તીસ્થાન :
નાનો મકડીખોર દક્ષીણ અને દક્ષીણ પુર્વ એશીયાના ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. આ પક્ષીને ઉષ્ણકટીબંધીય અથવા નીચાણવાળા જંગલો વધારે અનુકુળ આવે છે.
આ પક્ષી બાંગ્લાદેશ, ભુતાન, બ્રુનેઈ, કંબોડીયા, ચીન, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, મ્યાનમાર, નેપાળ, ફીલીપાઈન્સ, થાઈલેન્ડ, વીયેતનામ અને ભારતમાં જોવા મળે છે. ભારતની અંદર પુર્વીય ઘાટમાં લામાસીંધી, વીશાખાપટ્ટનમ અને ઓરીસ્સાના ભાગોમાં જોવા મળે છે. તે દક્ષીણ–પશ્ચીમ ભારત, મધ્ય અને ઉત્તરપુર્વ ભારતમાં હીમાલયની તળેટીમાં પણ જોવા મળે છે.

સં. :  પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com મે, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–12–2022

1 Comment

  1. સં.: પ્રા. દલપત પરમારનો નાનો મકડીખોર પક્ષી અંગે ખૂબ સુંદર માહિતી
    ધન્યવાદ

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s