યોગશાસ્ત્રીઓ

તમને કોણ, કેવી રીતે છેતરે છે’ પુસ્તકમાં યોગ કે યજ્ઞના વીષયોને પણ સમાવી લેતાં જરા ક્ષોભ થાય છે; પણ યોગ અને યજ્ઞને પણ પૈસા કમાવવા માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. એટલે આ વીશે પણ કડવાં સત્યો કહેવાની જરુરત ઉભી થઈ છે.

યોગશાસ્ત્રીઓ

–લક્ષ્મીદાસ ખટાઉ

યોગશાસ્ત્ર એ તો વેદ–કાળના સમયની એક પુરાણી વીદ્યા છે. તન, મન અને આત્મા એ ત્રણેનો જ્યાં સંગમ થાય છે તે વીદ્યાને યોગવીદ્યા કહેવામાં આવી. યોગ એ કંઈ ફક્ત શારીરીક કે માનસીક વ્યાયામ નથી પણ એ તો અધ્યાત્મસાધના છે. તન, મન, અને આત્મા એમ ત્રણેની તંદુરસ્તી માટે યોગસાધનાનું મહત્ત્વ પરંપરાગત રીતે સ્વીકૃત થઈ ગયેલું છે. તે સમયે યોગસાધના એ એક તપસાધના હતી. સ્વલક્ષી હતી. તેને લગભગ ધાર્મીક સ્વરુપ અપાઈ ગયેલ. આ વીદ્યાનો ઉપયોગ વ્યવસાય તરીકે કમાણી કરવા જુના સમયમાં થતો ન હતો. પણ આજકાલ તો પ્રભુસેવા, દેશસેવા, સમાજસેવા, રોગનીવારણ–સેવાથી કરીને શીક્ષણ, મનોરંજન, રમતગમત, પત્રકારત્વ બધાનું વ્યાપારીકરણ થઈ ગયું છે. તો પછી યોગવીદ્યાનું પણ વ્યાપારીકરણ ન થાય તો જ નવાઈ ગણાય.

તમને કોણ, કેવી રીતે છેતરે છે’ પુસ્તકમાં યોગ કે યજ્ઞના વીષયોને પણ સમાવી લેતાં જરા ક્ષોભ થાય છે; પણ યોગ અને યજ્ઞને પણ પૈસા કમાવવા માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. એટલે આ વીશે પણ કડવાં સત્યો કહેવાની જરુરત ઉભી થઈ છે.

યોગ વીશે તેના મુળભુત સીદ્ધાંતો, નીયમો, કર્મકાંડ પર ટુંકમાં વીવરણ કરીને પછી આજકાલ આ વીદ્યાનો દુરુપયોગ કેવી રીતે થાય છે, લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે તે વીશે ચર્ચા કરીશું. યોગના આઠ તબક્કા છે : (1) યમ : મન અને શરીર પરનું અનુશાસન (2) નીયમ : આંતરશુદ્ધી (3) આસન : વીવીધ પ્રકારનાં શારીરીક આસનો (4) પ્રાણાયામ : એટલે શ્વાસોચ્છ્વાસની પ્રક્રીયા પર નીયંત્રણ (5) પ્રત્યાહાર : એટલે પાંચ ઈન્દ્રીયો પર નીયંત્રણ (6) ધારણા : મનને એક શબ્દ કે વસ્તુ પર કેન્દ્રીત કરવાની પ્રક્રીયા (ધ્યાન) (7) ધ્યાન : ભટકતા મનને મનોનીગ્રહ વડે નીયંત્રણમાં લાવી તેને તદ્દન નીષ્ક્રીય, સુષુપ્ત અવસ્થામાં મુકી દેવાની વીધી (8) સમાધી : દેહનાં, મનનાં અને કર્મનાં બધાં બંધનોમાંથી પ્રાણને મુક્ત બનાવવો. નીર્વાણ જેવી માનસીક, આધ્યાત્મીક કક્ષાએ પહોંચવું.

એમાંથી પહેલા સાત તબક્કા તો શારીરીક અને માનસીક પ્રકારની ભૌતીક પ્રક્રીયાઓ છે. તે વીશે કંઈ વીવાદ નથી. તન અને મન આરોગ્ય માટે મર્યાદીત પ્રમાણમાં સહાયભુત બની શકે છે. આસનોથી સ્નાયુ તો થોડા પ્રમાણમાં મજબુત બને, વધારે સ્થીતી–સ્થાપક બને. એક પ્રકારની આ હળવી કસરત છે અને કસરતથી જે લાભ થાય છે તે પ્રકારના લાભ થોડા પ્રમાણમાં આસનોથી થાય છે પણ કેટલાંક આસનો અટપટાં હોય છે તેમ જ તે વધારે સમય માટે કે વધારે વાર ન થવાં જોઈએ, નહીંતર લાભ કરતાં હાની થવાનો સંભવ રહે. શીર્ષાશન પ્રકારનું આસન તો જોખમી બની શકે. મગજ પર લોહીની કોઈ નસ તુટી જાય તો પક્ષાઘાત થઈ જાય છે.

ધારણા અને ધ્યાનથી મન થોડા સમય માટે જીવનની આધી, વ્યાધી, ઉપાધીઓથી પર થઈ જાય. મનને શાંતી મળે. બ્લડપ્રેસર તત્કાલીન ઓછું થઈ જાય. ધારણા અને ધ્યાન પછી મન અને મગજ શાંત, સ્વસ્થ અને સ્ફુર્તીમય બને છે. એમ ધારણા અને ધ્યાન કરનારાઓ કહે છે. પ્રાણાયામ, ધારણા અને ધ્યાનથી બ્લડપ્રેસર પણ ઘટે છે એમ કહેવામાં આવે છે. પ્રાણાયામ, ધારણા–ધ્યાનની પ્રક્રીયાઓ એ કંઈ આધ્યાત્મીક પ્રક્રીયાઓ નથી પણ ભૌતીક પ્રક્રીયાઓ છે. એટલે આ પ્રક્રીયાઓ કરવાથી માનસીક શાંતી મળતી હોય કે બ્લડપ્રેસર ઘટતું હોય તો તેમાં કંઈ નવાઈ નથી. આ પ્રક્રીયાઓને બદલે તમે બીજી રીતે પણ માનસીક શાંતી વધારી શકો છો અને બ્લડપ્રેસર ઘટાડી શકો છો. પ્રાણાયામની પ્રક્રીયા લયબદ્ધ, તાલબદ્ધ હોય છે. તમે ઝુલા પર, ઝુલણ–ખુરશી – રૉકીંગચેર કે આરામ–ખુરશી પર બેસીને, આંખો બંધ કરીને તમારું મનપસંદ સંગીત સાંભળો તો પ્રાણાયામ, ધારણા અને ધ્યાન જેવી જ અસર થાય. મન શાંત થાય, સ્ફુર્તી આવે અને બ્લડપ્રેસર ઘટે. બાળકને પારણામાં સુવડાવી હીંચકવામાં આવે છે ત્યારે પ્રાણાયામ પ્રકારનાં લય અને તાલ પેદા થાય છે અને રડતું બાળક શાંત થઈ જાય અને ઉંઘી જાય છે. હજી સંપુર્ણપણે ઉંઘમાં ન હોય તે પહેલાં હીંચકા મારવાનું બંધ થાય તો તાલ તુટે અને બાળક તંદ્રાવસ્થામાં જાગી જાય છે. પારણામાં ઝુલતું બાળક હકીકતમાં યોગ–પ્રકારની એક વીધીમાંથી જ પસાર થતું હોય છે. ટ્રેન અને બસની એકધારી ગતીમાંથી લય અને તાલ પેદા થાય છે. પ્રવાસીનું મન શાંત થાય છે. અને ઝોકાં ખાવા મંડે છે. ત્યારે પ્રવાસી પણ યોગના પ્રકારની વીધીમાંથી પસાર થતો હોય છે. તે વખતે તેનું બ્લડપ્રેસર માપવામાં આવે તો થોડું નીચું ગયું હોય તેવું જણાય.

યોગથી સમાધી–અવસ્થા સુધી પહોંચવાનો કે કુંડલીની–ચક્રો જાગૃત કરવાનો પ્રયાસ કરવાથી ફાયદો કરતાં નુકસાન થવાનો સંભવ વધારે રહે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘સમાધી’નો અર્થ – ‘જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરુપ જ ચીત્તમાં રહે છે તેવું ઉંડું ધ્યાન (યોગ)’ સમાધી–અવસ્થાએ પહોંચાય ત્યારે સાધકને શું જણાય એ તો અન્ય કોઈ કહી ન શકે. સમાધી–અવસ્થા દરમીયાન તત્કાલીન મોક્ષ કે નીર્વાણ જેવી ભાવના થતી હશે? સમાધી–અવસ્થા એ બૌદ્ધીક દૃષ્ટીથી સમજી ન શકાય એવી એક અવસ્થા છે. બહુ સમય યોગસાધના, તપ કર્યા પછી માની લઈએ કે કોઈ સાધક આ અવસ્થાએ પહોંચે તો પણ તે માટે જે સમય અને શક્તીનો વ્યય થયો હોય તે યથાર્થ ગણાય? સામાન્ય માણસ તો સમાધી–અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ ન કરે તે જ તેના હીતમાં છે.

યોગસાધનાથી કુંડલીની–ચક્રો જાગૃત કરી શકાય છે અને જેનામાં કુંડલીની–ચક્રો જાગૃત થાય તે વ્યક્તી ત્રીકાળજ્ઞાની બની જાય, તેનામાં દૈવી શક્તી પેદા થાય, જમીન પર હવામાં અધ્ધર આસન કરી શકે, પાણી પર ચાલી શકે, વગર વાહને પૃથ્વી પર એક સ્થળેથી બીજે સ્થળે કુંડલીની શક્તીથી પ્રવાસ કરી શકે. અરે! અંતરીક્ષમાં પણ વીમાન, રોકેટ વગર પ્રવાસ કરી શકે, ટૅલીપથીથી અન્યના મનની વાત જાણી શકે, અન્યના દેહમાં પ્રવેશ કરી શકે, એક જ સમયે યોગી બે અલગ અલગ સ્થળે દર્શન આપી શકે. આવા તો કેટલાય માની ન શકાય તેવા દાવા યોગના નામે કરવામાં આવે છે. યોગના ધંધાદારી પ્રચારકો અને આંધળા સમર્થકો જ આવા હાસ્યાસ્પદ દાવાઓ કરીને યોગને બદનામ કરે છે.

યોગના પહેલા સાત તબક્કાઓની સાધના થોડા યા વધુ પ્રમાણમાં લાભદાયી બની શકે છે. હવે તો યુરોપ, અમેરીકા, જાપાન, ચીન વગેરે દેશોમાં પણ યોગનો મહીમા વધતો જાય છે. રજનીશજી, મહેશ યોગી જેવા યોગસાધકોએ વીશ્વભરમાં યોગને એક વીશ્વસનીય વીદ્યા તરીકે સ્વીકૃતી અપાવી છે. ત્યાંની કેટલીક હૉસ્પીટલોમાં પણ પ્રાણાયામ, ધ્યાનના ઉપચાર કરવામાં આવે છે. આપણા માટે આ એક ગૌરવની વાત છે.

પરન્તુ યોગવીદ્યાની માન્યતા પ્રમાણે મનુષ્યના શરીરમાં પાંચ સુક્ષ્મ ચક્રો છે જેમને યોગસાધનાથી જાગૃત કરી શકાય છે અને તેમ થાય તો સાધકમાં દૈવી શક્તી પેદા થાય છે. એ તો એક અન્ધમાન્યતાથી વધારે કંઈ નથી. ન તો ભુતકાળમાં કોઈએ પોતાનાં ચક્રો જાગૃત કરવામાં સફળતા મેળવી છે ન તો વર્તમાનકાળમાં કોઈ તેમ કરવામાં સફળ થયેલ છે. કુંડલીની–ચક્રો એ કંઈ શરીરનાં અન્ય અંગોની જેમ ભૌતીક અંગો નથી. એ તો માત્ર કાલ્પનીક સંજ્ઞાઓ છે, જે નરી આંખે કે સુક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતાં નથી. સામાન્ય બુદ્ધીની વાત છે કે જો આ ચક્રોનું અસ્તીત્વ શરીરમાં ન હોય તો પછી તેમને જાગૃત કેવી રીતે કરી શકાય? કુંડલીની– ચક્રો જાગૃત કરવાના ચક્કરમાં ફસાતાં મગજના સ્ક્રુ ઢીલા થઈ જશે, ચીત્ત– ભ્રમ પેદા થશે કે તમારાં ચક્રો જાગૃત થયાં છે અને તમારામાં દીવ્ય શક્તી આવી ગઈ છે, અથવા તો સાધક જરા હોશીયાર હશે, તો પોતાનામાં દૈવી શક્તી આવી ગઈ છે એવો ઢોંગ કરીને પોતાનો મહીમા વધારશે.

કુંડલીનીચક્રો જાગૃત કરવાની સાધના કરવાથી ચીત્તભ્રમ થયેલા અથવા દંભ કરતા બે યોગસાધકોના ખરેખર બનેલા પ્રસંગો અહીં ઉચીત ગણાશે.

(1)  ઘણાં વર્ષો પહેલાં મુમ્બઈના એક અંગ્રેજી સાપ્તાહીકના તંત્રીએ એક જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં એક યોગી પાણી પર ચાલી બતાવવાનો પ્રયોગ કરી બતાવવાનો હતો. સમસ્ત ભારતમાંથી તેમ જ છેક યુરોપ, અમેરીકાથી પણ જીજ્ઞાસુઓ, કૌતકપ્રેમીઓ અને પત્રકારો આ કાર્યક્રમ જોવા હાજર રહ્યા હતા. જાહેર સ્થળમાં તે પ્રયોગ માટે પાણીની એક ખાસ ટાંકી બાંધવામાં આવી. તે પર ચડીને યોગીએ જ્યારે ટાંકીમાં ભરેલા પાણી પર પગ મુકીને ચાલવા પ્રયાસ કર્યો ત્યારે પાણીમાં ડુબી ગયો! નીષ્ફળ ગયા પછી બચાવમાં તે યોગી તથા અંગ્રેજી સાપ્તાહીકના તંત્રીએ કહ્યું કે પ્રયોગના આગલે દીવસે યોગીને પગમાં ચોટ વાગી હતી એટલે પાણી પર ચાલવાની તેની શક્તીમાં અવરોધ પેદા થયો હતો! હકીકતમાં તો આ નીષ્ફળ પ્રયોગ માટે ઉપજાવી કાઢેલું બહાનું જ હતું. ખરેખર તો એમ જ માનવું પડે કે યોગીને ચીત્તભ્રમ થયેલ હોય કે તેણે દૈવી સીદ્ધી પ્રાપ્ત કરી છે. જો તે ઢોંગી ન હોત તો જાહેરમાં આ પ્રયોગ કરવા સુધી તૈયાર ન થાત અને તે સાપ્તાહીકનો તંત્રી પણ યોગનો એક આંધળો સમર્થક હતો એમ સાબીત થઈ ગયું.

(2)  પુનાના એક ડૉક્ટરને પણ આ પ્રકારનો ચીત્તભ્રમ થયો હશે અથવા દંભી હશે. અખબારોમાં પ્રસીદ્ધી થયેલ અહેવાલ મુજબ આ ડૉક્ટર યોગીએ દાવો કર્યો હતો કે એક દીવસે જ્યારે સમસ્ત પુનામાં વીજળીનો પુરવઠો કપાઈ ગયો હતો ત્યારે વીજળી વગરના એ ટૅલીફોન પરથી તેણે પોતાના મુમ્બઈના સમ્બન્ધીને ટૅલીફોન કર્યો હતો! આ દાવો તો હજી તદ્દન સામાન્ય છે પણ કલીયુગના આ યોગસાધકે તેથી પણ અતી દૈવી શક્તી સીદ્ધ કર્યાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સદેહે મંગળની યાત્રા કરી આવ્યા છે અને તેમણે મંગળના ગ્રહનાં ભૌગોલીક દૃશ્યોનું વર્ણન પણ કર્યું! આ ભવ્ય દૃશ્ય જોઈને તેમને પસીનો પણ છુટ્યો! ભલા માણસ, કોઈ યાંત્રીક સાધનો વગર અવકાશયાત્રા સદેહે કરી ન શકાય અને મંગળમાં તો એટલી બધી ઠંડી બારેમાસ હોય છે કે પુનાના યોગીને પસીનો કેમ છુટ્યો એ જ સમજી શકાતું નથી.

ચીત્તભ્રમની કે પાખંડ કરવાની વાત એટલેથી જ પુરી થતી નથી. આ યોગી તો બહુ જ મહાત્ત્વાકાંક્ષી હતો. તેણે દીલ્હીમાં રહેલા અમેરીકાના રાજદુતની ઑફીસને કાગળ લખીને જણાવ્યું કે તેની પાસે વગર રોકેટે અંતરીક્ષની યાત્રા કરવાની યોગસીદ્ધી છે. તે શક્તીનો લાભ તે અમેરીકાને અવકાશના સંશોધનમાં આપવા માગે છે! અમેરીકાના એલચી તો સમજી ગયા કે આ કોઈ ચક્રમનો પત્ર છે. એટલે જવાબ ન આપ્યો. પણ યોગી– મહારાજ તેથી હતાશ થાય તેવા ન હતા. તેમણે તો અવકાશ–સંશોધન કરતી અમેરીકન સંસ્થા નાસાને પત્ર લખીને પોતાની સેવાનો લાભ ઉઠાવવા પ્રસ્તાવ કર્યો. તે સંસ્થા પણ સમજી કે આ તો યોગની સાધનાના કારણે ચીત્તભ્રમ થયેલ કોઈ વ્યક્તી છે. એટલે જવાબ ન આપ્યો.

યોગની સાધનાથી પાણી પર ચાલી શકાય તેવો દાવો કરનાર એક યોગી સ્વામી રામકૃષ્ણ પાસે ગયો અને કહ્યું તેણે યોગસાધનાથી પાણી પર ચાલવાની સીદ્ધી પ્રાપ્ત કરી છે. સ્વામીજીએ તેને કહ્યું કે પાણી પર ચાલવા જેવી એક સામાન્ય સીદ્ધી પ્રાપ્ત કરવા માટે તમે જેટલાં વર્ષોની યોગ–સાધના કરી તે તદ્દન ફોકટ ગઈ. નદી પાર કરવા માટે તો હોડીવાળો એક રુપીયામાં કે મફત નદી પાર કરાવી દેત!

યોગસાધનાથી જમીન પર અધ્ધર હવામાં આસન કરી શકાય છે. તેનાં બે દૃષ્ટાંત અહીં યોગ્ય ગણાશે.

(1)  એક યોગીની આત્મકથામાં તે પુસ્તકમાં તે યોગીનો જમીનથી અધ્ધર હવામાં આસનવાળો ફોટો છાપવામાં આવ્યો હતો. ફોટોગ્રાફીક તરકીબવાળો આવો ફોટો ઉપસાવવો એ કંઈ બહુ અઘરી વાત નથી. પણ યોગની સીદ્ધીથી પ્રભાવીત બની જાય તે યોગી પાસે ખરેખર આવી સીદ્ધી હોત તો ફોટો પડાવવાને બદલે જાહેરમાં કોઈ મંદીરમાં પોતાની શક્તીનો પરચો દેખાડત તો જુદી વાત બનત. જો કે લફંગા યોગીઓ તો યાંત્રીક કરામતો યોજીને જમીનથી અધ્ધર આસન કરી બતાવવાના પ્રયોગો કરી બતાવે છે અને ભોળાં લોક તે સાચા માની લે છે.

(2)  મહેશ યોગીએ તો યુરોપ–અમેરીકાને યોગવીદ્યાથી પ્રભાવીત કર્યા છે. તેમણે પણ એવો દાવો કર્યો છે કે યોગસાધનાથી હવામાં આસન કરી શકાય છે અને તેનો જાહેર પ્રયોગ પણ તેમણે કરી બતાવ્યો હતો, જે ટૅલીવીઝન પર બતાવવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં તેમના વીદ્યાર્થીઓ રબરનાં ગાદલાંઓ પર પલાંઠી વાળી આસન કરીને બેઠા અને પછી દેડકાની જેમ કુદકા માર્યા! અને આ કુદકાઓને મહેશ યોગી હવામાં આસન કરવાના પ્રયોગ તરીકે ખપાવવા માગતા હતા! જો યોગથી ખરેખર હવામાં આસન કરી શકાતું હોય તો ખુદ મહેશ યોગીએ જ પોતે જ હવામાં આસન કરી બતાવવું હતું. પણ તેમ તેમણે ન કર્યું એ જ સાબીત કરે છે કે યોગની સીદ્ધીઓના નામે જે પ્રચાર થાય છે તે છેતરપીંડી છે.

સ્વામી રામકૃષ્ણ, વીવેકાનંદજી, દયાનંદજી અને રજનીશજી પણ યોગના અઠંગ ઉપાસકો હતા છતાં પણ તેઓએ યોગની દૈવી સીદ્ધીઓ પ્રાપ્ત કરી હોવાનો દાવો કર્યો ન હતો. યોગની સાધના સ્વલક્ષી છે. પોતાનાં તનમન કે આત્માની તંદુરસ્તી માટે કોઈ યોગસાધના કરે તો તેમાં કંઈ ખોટું નથી પણ યોગ એ કંઈ સ્વર્ગમાંથી ટપકી પડેલી વીદ્યા નથી, મનુષ્યસર્જીત છે. મનુષ્યની પાંચ ઈન્દ્રીયો અને દેહની શક્તીની જે મર્યાદા છે, તે મર્યાદા ઓળંગી જવાની શક્તી યોગમાં નથી. એટલી સાદી–સરળ વાત યોગના ઉપાસકો સમજે તો બસ છે.

આજકાલ યોગનો પ્રચાર બહુ થાય છે. યોગના અનેક નીષ્ણાતો ફુટી નીકળ્યા છે. યોગસાધના માટેના આશ્રમો અને શીબીરોનું આયોજન થાય છે. યોગસાધના એક ધંધો બની ગયો છે. યોગસાધના એ તો એક અંગત વ્યક્તીગત સાધના છે. સેવાભાવે કોઈ સંસ્થા કે યોગસાધક યોગના પ્રાથમીક તબક્કાઓ માટે માર્ગદર્શન સેવાભાવે આપે ત્યાં સુધી તેમાં કંઈ હરકત જેવું નથી પણ પછી પંચતારક હોટલના જેવા મોંઘાદાટ આશ્રમોમાં સામુદાયીક યોગશીક્ષણ અપાય છે તેમાં તો યોગવીદ્યાનું વ્યાપારીકરણ થઈ ગયું છે. આ ધંધાદારી યોગશીક્ષકોને તેમ જ યોગના નામે દૈવી સીદ્ધી પ્રાપ્ત કરનારા ઢોંગી યોગીઓને તો નવગજના નમસ્કાર કરજો. તેમને પનારે પડ્યા તો છેતરાશો. પૈસાનું પાણી થશે અને મુર્ખ બનશો.

– લક્ષ્મીદાસ ખટાઉ

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–12–2022

 

5 Comments

  1. Very nice and informative article. Big commercialization of yoga and religion, particularly in the rich countries of west. Why? Not for spreading message of religion or spirituality and teaching true art of yoga, but for profit and making money.

    Liked by 2 people

  2. શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો ‘ યોગ અને યજ્ઞને પણ પૈસા કમાવવા માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે.’ વાત પર ધ્યાન દોરવા બદલ ધન્યવાદ

    Liked by 2 people

  3. ખુબ સરસ માહીતીપ્રદાન લેખ. રજનીશજીની બુકમાં વાંચવામાં આવ્યું છે કે શીર્ષાસન કદી પણ લાંબા સમય માટે કરવું નહીં, માત્ર થોડી સેકન્ડ માટે જ કરવું. લાંબા સમય સુધી શીર્ષાસન કરવાથી મગજની નાજુક નસોને નુકસાન થાય છે, આથી મગજશક્તી ક્ષીણ થાય છે, એમ એમણે કહ્યું છે એવું સ્મરણ છે. આભાર ગોવીન્દભાઈ આ સુંદર લેખનો પરીચય કરાવવા બદલ.

    Liked by 2 people

    1. ‘યોગશાસ્ત્રીઓ’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s