શું છે મારું વસીયતનામું? 

મને તો પારસીભાઈઓની સમગ્ર જીવનરીતી બહુ ઉત્તમ લાગે જ છે; પરન્તુ મૃતદેહની પણ જો આવી વ્યવસ્થા હોય તો, એ ખરેખર પારસી પુર્વજોની અદભુત દુરંદેશી જ કહેવાય અને પારસીઓના તથા ભારતીય આર્યોના પુર્વજો તો [……………]

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું ત્રીજું–5

શું છે મારું વસીયતનામું?

– રમણ પાઠક વાચસ્પતી

Our Sincerest Laughter With Some Pain Is Fraught….

– P. B. Shelly?

પેથાણ ક્યાં આવ્યું એ તો ખબર નથી. પરન્તુ ત્યાંથી એક વાચકમીત્ર ‘મનીષ પટેલ’ લખે છે : તા. 30–7–’94એ તમારો જન્મદીન. અભીનન્દન! આવતા શનીવારે ‘રમણભ્રમણ’માં આ નીમીત્તે કંઈક હાસ્યરમણા કરાવો તો? કંઈક તોફાની બાળક જેવું!

આભાર, મનીષભાઈ! પરન્તુ તમારો આ અનુરોધ વાંચતાં, મને (શેલી કે કીટ્સ? બરાબર યાદ નથી, કીંતુ) ઉપર ટાંકેલ કાવ્ય–પંક્તી યાદ આવી ગઈ. કવી કહે છે કે, આપણા ગમે તેવા હાર્દીક હાસ્યમાં પણ ઉંડે ઉંડે અલ્પ દર્દ વણાયેલું હોય છે. એ જ રીતે આપણાં મધુરતમ ગીતોમાં પણ કરુણતમ સુર તો ગુંજતો જ હોય છે. (હમણાં કોઈકે આ પંક્તી સાથે કીટ્સ એમ લખેલું મેં વાંચ્યું, એથી ઉપર્યુક્ત દ્વીધા જન્મી… બીજી પંક્તીનો અનુવાદ શબ્દશ: નથી.)

મતલબ કે, જીવન પુર્ણ થવાને આરે આવીને ઉભું છે; ત્યારે ચારેકોરથી વેદનાનો એવા તો ઘોર આક્રંદ સંભળાય છે કે, હાસ્ય વીલાઈ ચુક્યું છે. તેમાંય આ દેશ તથા આ સમાજની અવદશા અસહ્ય દયાજનક છે. એના પ્રતી પુણ્યપ્રકોપથી હસવાની શક્તીય હવે નષ્ટ થઈ ગઈ છે. કેવળ રુદન, અરણ્યરુદન જ ભાગ્યમાં બચ્યું છે : હમણાં આપણા ચીંતકલેખક ડૉ. ગુણવંત શાહે કહ્યું કે, ‘આપણે આત્મઘાતી પ્રજા છીએ…. હાથે કરીને દુઃખી થવું એ જ આપણી પ્રકૃતી છે.’ સાવ સાચી વાત છે. સર્વત્ર યાતના… યાતના જ દૃષ્ટીગોચર થાય છે. જેમાંની લગભગ બધી જ આપણે જાતે પેદા કરેલી છે. પુર્વજોએ ભગવાનને સત્, ચીત્ તથા આનન્દ કહ્યા : કીંતુ આપણે એ જ ભગવાનને દુઃખનું કારણ બનાવી રાખ્યા છે. ગોર્કીની ફરીયાદ બરાબર છે કે હે, ભગવાન, તેં બનાવી બનાવીને આવી જ દુનીયા બનાવી!

ખેર, આટલો ઈશારો બસ છે યા તો માનો કે વ્યર્થ છે. અંગત વાતને અલ્પ નીર્દેશ કરું તો, લાંબું જીવવાથી તમે નીરંતર દરીદ્ર બનતા જાઓ છો. મહાકાલ તમારું સારું, સુખદ, ગમતું. પ્રેમભર્યું, સુંદર બધું જ ધીરે ધીરે ઝુંટવતો રહે છે. પછી બાકી રહે છે, અસીમ એકલતા. છતાં જીવવા જેવું અલ્પ અદ્યાપી ટક્યું છે; મતલબ કે કોઈ હજી મરવા નથી દેતું. સીદ્ધાંત છે : તમને તમારું અસ્તીત્વ જ્યારે કેવળ નીરર્થક પ્રતીત થાય; ત્યારે આત્મહત્યા કરી લેજો! એથીય આગળ વધીને કહું તો, તમારી જાત તમને સ્વજનો તથા સમાજ પર વ્યર્થ તથા ગંભીર બોજારુપ સમજાય. પછી એક ક્ષણ પણ જીવવાનો અપરાધ કરતા નહીં. આની સામે ઘણા દલીલ કરશે કે આવી ઘડીઓ આવવી જ દુષ્કર છે; તો એય સાચું… ખેર. એકદા મૃત્યુ તો આવવાનું જ છે. સંવેદનશીલ મનુષ્ય હમ્મેશાં સન્દર્ભોથી જીવનનો અનુભવ કરે છે. હમણાં જ ચી. બીંદુનું અવસાન થયું અને તીવ્ર વેદના થઈ કે, સન્દર્ભોનો એક સમૃદ્ધ ખુણો સાવેસાવ ખાલીખમ થઈ ગયો. મૃત્યુની મંગલતાની મીથ્યા ફીલસુફી એ બધાં તો આત્મપ્રતારણાનાં ફાંફાં જ છે. મરણ એક અતી ભયાનકતમ તથા કરુણતમ ઘટના છે જ. માટે જ કવી ઉશનસે લખ્યું કે, ગમે તેમ કહો; પરન્તુ માનવજાતને મરણ હજી કોઠે નથી પડ્યું….

થોડા મહીના પહેલાં રૅશનાલીસ્ટ, વયોવૃદ્ધ મીત્ર શ્રી છોટુભાઈ શાહ લુવાડાવાળાનું અવસાન થયું. મારો છેલ્લો નીબંધસંગ્રહ મેં તેઓને અર્પણ કરેલો; પરન્તુ એ જોવા તેઓ ન જ જીવ્યા. સ્મરણીય છોટુભાઈ પાકા વીવેકબુદ્ધીવાદી; એટલે મરતાં પહેલાં, તેઓએ પોતાના વસીયતનામામાં જણાવેલું કે, ‘મારો મૃતદેહ મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓના લાભાર્થે દાન કરી દેજો!’ છતાં એમ ન થઈ શક્યું. તેઓના સુપુત્રોએ દીલગીરી પાઠવી કે, મરનારની આ ઈચ્છા અમે પુર્ણ નથી કરી શક્યા; કારણ કે અમે લાચાર હતા. તેઓની આ દીલગીરી પુરા અંતઃકરણની એવી સત્ય છે. આપણા સમાજમાં, મરણની ઘટના એક જાહેર સામાજીક પ્રસંગ બની રહે છે; ત્યારે મરણોત્તર ક્રીયાઓનો દોર નજીકનાં સ્વજનોના હાથમાંથી લગભગ પુર્ણતઃ છટકી જાય છે… ધાર્યું બધુંય કરી શકાતું નથી, અને મરનારની ઈચ્છા–અનીચ્છા એ તો સાવ નગણ્ય શરત છે; કેવળ લાગણીનો સવાલ છે. કારણ કે પોતાની પાછળ શું થયું ને શું નહીં? એ મૃત વ્યક્તી તો કદાપી…. કદાપી જ જાણી શકવાની નહીં! આત્માની અમરતાની આત્માની ઈચ્છાઓની તો બધી કપોળકલ્પનાઓ માત્ર છે.

અત્રે આવી જ એક બીજી કરુણ ધટનાય સ્મરી લઈએ : આપણા લાડીલા શાયર સ્મરણીય ગનીભાઈની એક મહેચ્છા હતી કે, એમની ઉત્તમ રચનાઓનો એક સંગ્રહ પ્રગટ થાય અને તેઓનો કોઈ કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક બને. અમે એ કાર્ય ઉપાડ્યું અને પાર પણ પાડ્યું; પરન્તુ એ પહેલાં જ ગનીભાઈ તો આ સંસારની પેલે પાર પહોંચી ગયા! પછી એમને શું? કવીની મહેચ્છા પુર્ણ અવશ્ય થઈ; પણ કવીહૃદયની જે પ્રસન્નતા તેઓના ચહેરા ઉપર ઝળહળતી જોવાની અમારી મહેચ્છા તો સદાની અપુર્ણ જ રહી ગઈ. માટે જ મરણોત્તર એવા તમામ પુરસ્કારોને આપણે અર્થહીન ગણી, બંધ કરવા જોઈએ. મરનારની મહેચ્છા અમે પુર્ણ કરી – એવો સંતોષ પણ કેવળ પાછળ જીવનારાંએ જ લેવાનો ને? માટે જ કહું છું કે, મરણ એક ભયાનકતમ તથા કરુણતમ ઘટના જ છે.

ભુ–ખગોલીય ક્રમ અનુસાર મારો જન્મદીન આજે શનીવારે આવી ગયો. મને બોતેર પુરાં થયાં. હવે પછી, ત્રીસમી જુલાઈએ શનીવાર કેટલાં વર્ષ બાદ આવશે, એ અવશ્ય ગણી શકાય; પરન્તુ જરુર નથી. એ દીવસે બહુધા હું નહીં જ હોઉં. માટે આજે જ આ લખી નાખું : મેં મારું વસીયતનામું તો કરેલું જ છે; છતાં લોકની જાણ માટે, જાહેર જનતાને માર્ગદર્શન મળે એવા શુભ હેતુથી અત્રે એ ટુંકમાં જાહેર કરું. સાથે સાથે એવીય ઈચ્છા ખરી કે, એ પ્રસંગે સ્વજનો લાચાર બની બેઠા હોય ત્યારે, સમર્થ મીત્રોને મારી લોકહીતની અંતીમ ભાવનાનો અમલ કરવાની કદાચ શક્તી પ્રાપ્ત થાય. જો કે આવા પ્રસંગે ખુબ જ સમજદારીથી કામ લેવાનું હોય છે, પરીણામોનો પુરેપુરો અંદાજ લગાવીને. કદાચ સ્મરણીય છોટુભાઈના સુપુત્રો એવા કોઈ કારણે જ લાચાર બન્યા હશે.

મેં વસીયતનામામાં લખ્યું જ છે કે, મારો મૃતદેહ મેડીકલ કૉલેજને, વીદ્યાર્થીઓના લાભાર્થે દાન કરી દેજો! પરન્તુ મારી મુખ્ય ઈચ્છા તો એ કે, મને લાકડાંથી જલાવશો નહીં. આજે અત્રે મારે, માનવજાતના હીતાર્થે મુળ ચર્ચા આ બાબતની જ કરવાની છે કે, આ દેશમાં અગ્નીદાહનો રીવાજ છે અને આ જ દેશમાં કીમતી એવું લાકડું ખુબ ખુબ દુર્લભ બનતું જાય છે. વૃક્ષ એક અત્યંત મુલ્યવાન હસ્તી છે. મનુષ્યના જીવન કરતાંય ઝાડનું જીવન વધારે કીમતી છે; કારણ કે વૃક્ષ જ માનવીના જીવનનો આધાર છે. જંગલો કપાય છે, ત્યારે વૃક્ષો નથી મરતાં; પરન્તુ વાસ્તવમાં માણસ હણાય છે. વૃક્ષના કાપનારને માનવહત્યારો ગણી ફાંસી જ આપવી ઘટે – આ દેશમાં તો ખાસ.

માટે જ મૃતદેહને અગ્નીદાહ આપવાનો રીવાજ જીવનાર વીરુદ્ધ ભારે ભયંકર અપરાધ બની રહે છે. નેવું કરોડની વસ્તીનો જરા અંદાજ તો લગાવો! રોજના કેટકેટલા મૃતદેહોને બાળવામાં આવતા હશે? અર્થાત્ રોજનાં કેટલાં વીશાળ જંગલોનું સત્યાનાશ નીકળી જતું હશે? માટે આનો વીકલ્પ આપણે શોધવો જ રહ્યો :

સાંભળ્યું છે કે, પારસી કોમમાં મૃતદેહને બાળતા નથી, તેમ દાટતા પણ નથી; પશુપક્ષીઓના ભક્ષણ અર્થે એમ જ છોડી દેવામાં આવે છે. જો કે મેં કોઈ પારસીબંધુને વીગતે પુછપરછ કરી નથી; પરન્તુ જો ખરેખર જ આવી વ્યવસ્થા હોય તો એ ઉત્તમોત્તમ તથા સંપુર્ણ નૈસર્ગીક વ્યવસ્થા કહેવાય. મને તો પારસીભાઈઓની સમગ્ર જીવનરીતી બહુ ઉત્તમ લાગે જ છે; પરન્તુ મૃતદેહની પણ જો આવી વ્યવસ્થા હોય તો, એ ખરેખર પારસી પુર્વજોની અદભુત દુરંદેશી જ કહેવાય અને પારસીઓના તથા ભારતીય આર્યોના પુર્વજો તો એક જ હતા – એ જાણો છો ને ? તો આપણેય કંઈક આવી જ વ્યવસ્થા હવે ઉપજાવવી જોઈએ. આ રીતને મેં નૈસર્ગીક એટલા માટે કહી છે કે, પ્રકૃતીમાં તો મુળભુત આ જ વ્યવસ્થા પ્રવર્તે છે. મતલબ કે, એક પ્રાણીના મૃતદેહને અન્ય પ્રાણીઓ ખાઈ જાય…

લાકડાં વડે અગ્નીદાહ આપવાના વીકલ્પમાં વીજળીક ભઠ્ઠીનો ઉપયોગ સુચવી શકાય. જો કે ઉર્જાનાં સમીકરણનો મને પુરેપુરો ખ્યાલ નથી; છતાં ધારું છું કે વીજઉત્પાદન માટે લાકડું તો નથી જ વપરાતું, એને બદલે ખનીજ કોલસો યા પાણીના વેગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ છતાંય, ગામેગામ, વીજળીક ભઠ્ઠીઓ સ્થપાય ક્યારે અને ક્યારે જંગલ–વીનાશ અટકે? – એ પ્રશ્ન તાકીદનો છે. માટે આપણે ત્યાં સુધી રાહ જોઈ શકીએ નહીં. સાવ નીરુપયોગી લાકડા જેવા એક મૃતદેહનો નીકાલ કરવા માટે આપણે મોંઘું દાટ લાકડું વેડફી નાખવું જોઈએ નહીં. ટુંકમાં, લાકડાં દ્વારા અગ્નીદાહ એ સમજદારી વીહોણો હાનીકારક રીવાજ છે; જે આપણે તત્કાળ ત્યજીએ!

પશ્ચીમી સમાજમાં, મૃતદેહને દાટવાનો રીવાજ છે – એ પણ આપણને તો પોસાય એવો નથી; કારણ કે એટલી જમીન જ આપણે ત્યાં ક્યાં છે? એક જ કબરમાં, એક પછી એક એમ અનેક મૃતદેહોને દાટતા રહીએ, તો જ અહીં તો જમીનનો બગાડ અટકાવી શકાય, પશ્ચીમમાં તો વીશાળ કબ્રસ્તાનો હોય છે. વળી એમાં ચણેલી કબરો પર અંજલીરુપ લખાણ પણ હોય છે. એવું બધું જમીનવીહોણી, ગીચ, દરીદ્ર એવી આપણી પ્રજાને કેમ પોસાય? અહીં તો ખરેખર કબ્રસ્તાનોને ખેતીની જમીનમાં પરીવર્તીત કરવાનો પ્રશ્ન પ્રવર્તે છે એમ કહેવાય. ભુખી ને દુઃખી પ્રજાને બાળવા યા દાટવાના શોખ શી રીતે પરવડે? ત્યારે કરીશું શું?

એક વીકલ્પ સમુદ્ર તથા મોટી નદીઓનો ઉપયોગ આ હેતુસર કરવાનો છે ખરો, અને તે ઉત્તમ જ લેખાય. ભાતભાતનાં ધાર્મીક દ્રવ્યો ઠાલવીને આપણે અકારણ પાણીને પ્રદુષીત કરીએ છીએ; એને બદલે મૃતદેહોને પધરાવી દઈએ, તો એ બહેતર સમજદારી જ ગણાય. ઉપરાંત આ વ્યવસ્થાને સંપુર્ણ બીનહાનીકારક બનાવવા માટે, આવાં જળાશયોમાં મૃતદેહને ખાઈ જનારાં પ્રાણીઓને પણ ખાસ ઉછેરવાં જોઈએ, તો જ સરસ કામ થાય. અલબત્ત, જે ગામની ભાગોળે મોટાં જળાશયો નથી; એવાં ગામોની સમસ્યા તો પાછી ઉભી જ રહે છે. પરન્તુ આવાં ગામોના મૃતદેહો મોટાં જળાશયો સુધી લઈ જવાની વ્યવસ્થા કરી શકાય; નવાં મોટાં જળાશયો બાંધી પણ શકાય અને એ બન્ને જ્યાં શક્ય ન હોય, ત્યાં વીજળીક ભઠ્ઠીઓ સ્થાપી, એનો જ ઉપયોગ કરવાનું ફરજીયાત બનાવવું જોઈએ. ગમે તેમ પણ લાકડાં અને જંગલો તો બચાવવાં જ પડશે. જીવવાનો (મરવાના) બીજો રસ્તા જ નથી.

આ ઉપરાંત ચક્ષુદાન, અન્ય અંગોનો અપંગોના હીતાર્થે વીનીયોગ, મરણોત્તર વીધીઓનો સદંતર ત્યાગ વગેરે બાબતો પણ હવે અમલમાં લાવવી જ રહી. મેં મારા વસીયતનામામાં આ બધું લખ્યું તો છે જ, તો થાય તેટલું કરજો!

માફ કરજો, મનીષભાઈ, તમે તો જન્મદીનની ખુશાલીમાં હાસ્યપ્રેરક લખાણ માંગ્યું, જ્યારે મેં તો એથી ઉલટું, કરુણ અને કદાચ ભયાવહ લખી નાંખ્યું; પણ શું થાય? આ જીંદગીની તાસીર જ એવી છે, ત્યાં આપણે લાચાર છીએ. હા, આપણે એટલું જરુર કરી શકીએ કે જીવનને સુંદર, સુખમય, આનન્દમય બનાવી જીવીએ અને મર્યા પછી પણ સમાજને યા કોઈનેય લેશ માત્ર દુઃખ કે હાની ન પહોંચાડીએ! અસ્તુ!

– રમણ પાઠક વાચસ્પતી

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26/12/2022

4 Comments

  1. વર્તમાન સમયમાં પર્યાવરણ બચાવનો મુદ્દો મહત્વનો બન્યો છે ત્યારે અંગદાન, દેહદાન અને અંતે પારસી કોમની પ્રણાલી આવકાર્ય છે.

    Liked by 1 person

  2. .
    ‘જીવનને સુંદર, સુખમય, આનન્દમય બનાવી જીવીએ અને મર્યા પછી પણ સમાજને યા કોઈનેય લેશ માત્ર દુઃખ કે હાની ન પહોંચાડીએ! અસ્તુ!’ સ્વ – રમણ પાઠક ની વાતના અમે સાક્ષી હતા બાદ સાંભળ્યા પ્રમાણે તેમની પાછળ શોક પાળવામા આવ્યો ન હતો અને આ રીતે થોડા વ્યક્તીઓએ મરણ બાદ આનંદ મનાવી અંતીમ યાત્રા કાઢી હતી.!

    Liked by 1 person

    1. સ્મરણીય રમણભાઈ પાઠકના વસીયતનામામાં લખ્યા મુજબ જ મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓના લાભાર્થે તેઓનો મૃતદેહ મેડીકલ કૉલેજને દાન કરવામાં આવ્યો હતો. અને મરણોત્તર વીધીઓનો પણ સદંતર ત્યાગ કરવામાં આવ્યો હતો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s