વગડાઉ ટીટોડી- vanellus malabaricus

ટીટોડી દરીવાસમ વર્ગનું જાણીતું સ્થાયી અધિવાસી પંખી છે. ટીટોડીના ઘણા પ્રકાર છે પરન્તુ મુખ્યત્વે ત્રણ પ્રકારની ટીટોડી આપણે ત્યાં વિશેષ જોવા મળે છે. 1. સામાન્ય ટીટોડી (RedWatted Lapwing), 2. વગડાઉ ટીટોડી (YellowWatted Lapwing) અને 3. મળતાવડી ટીટોડી (Sociable Lapwing).

પક્ષી પરીચય : 6

વગડાઉ ટીટોડી

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : પારસન ટીટોડી, પીળા ગાલવાળી ટીટોડી
હિન્દી : झिर्दि मालटिटवी
અંગ્રેજી નામ : yellow – wattled lapwing
વૈજ્ઞાનિક નામ : vanellus malabaricus

પરિચય :
ટીટોડી દરીવાસમ વર્ગનું જાણીતું સ્થાયી અધીવાસી પંખી છે. ટીટોડીના ઘણા પ્રકાર છે પરન્તુ મુખ્યત્વે ત્રણ પ્રકારની ટીટોડી આપણે ત્યાં વીશેષ જોવા મળે છે. 1. સામાન્ય ટીટોડી (Red – Watted Lapwing), 2. વગડાઉ ટીટોડી (Yellow – Watted Lapwing) અને 3. મળતાવડી ટીટોડી (Sociable Lapwing).

વગડાઉ ટીટોડી સામાન્ય ટીટોડી કરતાં કદમાં નાનું પક્ષી છે. તેનું કદ 26થી 28 સે.મી. હોય છે. તેનું વજન 108થી 203 ગ્રામ હોય છે. તેની પાંખોની લંબાઈ 65–69 સે.મી. હોય છે. આ પક્ષીનો અવાજ તીક્ષ્ણ હોય છે. તે ઝડપી ઉડાન ભરવા માટે સક્ષમ હોય છે; પરન્તુ તેઓ ઘણું લાંબુ ઉડાન ભરતાં નથી. વગડાઉ ટીટોડીને માથે કાળો તાજ હોય છે. તેના માથાની અને પીઠની વચ્ચે ગરદન ઉપર હલકા બદામીથી સફેદ રંગની સાંકડી પટ્ટી હોય છે જે મોટા પીળા ચહેરાના વાટથી અલગ પડે છે. આ ટીટોડીને ચાંચ પાસે લાલને બદલે પીળી ખુલ્લી ચામડી હોય છે. તેનું ગળું, છાતી અને શરીરનો ઉપરનો ભાગ ભુરાશ પડતા ખાખી રંગનો હોય છે. તેના પેટનો અને પુંછડીનો રંગ સફેદ હોય છે તેમાં વચ્ચે કાળા રંગના પટ્ટા હોય છે. માદા કરતાં નરની પાંખો થોડી લાંબી હોય છે, તે ઉડાન ભરે છે તે વખતે કાળી પાંખોમાં સફેદ પટ્ટો ખાસ નજરે પડે છે. આમ આ ટીટોડી ગરદન ઉપર સફેદ રંગની સાંકડી પટ્ટી અને ચહેરા ઉપર પીળા રંગના વાલ્ટસથી તે અલગ તરી આવે છે. તેની છાતીનો ભાગ પુરો થાય અને પેટનો ભાગ શરુ થાય તે વચ્ચે કાળા રંગની સાંકડી રેખા હોય છે. તેની આંખોની ઉપર અને આગળ માંસના પીળા લોચા હોય છે. એટલે તો તેને પીળા ગાલવાળી ટીટોડી પણ કહેવામાં આવે છે. તેની ચાંચ આગળથી કાળા રંગની હોય છે; પરન્તુ પગ પીળા રંગના હોય છે.

આ પક્ષી સુકા પથ્થરો અને ખુલ્લા ઘાસના મેદાનો અથવા ઝાડો – ઝાંખરામાં વધારે જોવા મળે છે તેથી તેને ખેતરો કરતાં ઉજ્જડ વગડાનું પક્ષી કહેવામાં આવે છે.

વગડાઉ ટીટોડીનાં નર – માદા સરખાં દેખાતાં હોય છે; પરન્તુ નર તેની થોડોક લાંબી પાંખોના કારણે અલગ પડે છે. વગડાઉ ટીટોડીની સંખ્યા સામાન્ય ટીટોડી કરતાં ઘણી ઓછી છે. વગડાઉ ટીટોડીનો અવાજ સામાનય ટીટોડી કરતાં થોડો વધુ તીણો હોય છે; પરન્તુ એટલો બધો કર્કશ હોતો નથી. તે ટી… વીચ… ટી… વીચ… એવી બોલી બોલે છે.

એક નોંધવા જેવી બાબત એ છે કે મળતાવડી ટીટોડીનું નીવાસ સ્થાન મોટા ભાગે અફ્ઘાનીસ્તાન, જ્યોર્જીયા, ઈરાન, લેબનોન, ઈઝરાઈલ અને સાઉદી અરેબીયા છે. આમ તો આ ટીટોડી ગુજરાતમાં સ્થળાંતર કરીને આવતી નથી; પરન્તુ 2018માં પહેલી વખત 120 જેટલી ટીટોડી નળ સરોવરમાં આવી હતી. વધારે અગત્યની બાબત એ છે કે આ ટીટોડીની સંખ્યા આખા વીશ્વમાં 1100 જેટલી છે. હવે મળતાવડી ટીટોડી લુપ્તપ્રાય થતી જાતીમાં આવી ગઈ છે.

આ ટીટોડી અંગે લોકોમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે આ ટીટોડી પોતાના ઈંડાંને ફોડે છે ત્યારે ખાસ પ્રકારના પારસ પથ્થરનો ઉપયોગ કરે છે. અને આ પારસ પથ્થર લોઢાને પણ સુવર્ણ બનાવી દે છે. તે માત્ર કલ્પના જ છે, તેવું હોતું નથી. બીજી એક માન્યતા એવી છે કે ટીટોડી જેમ વધારે ઉંચાઈ ઉપર ઈંડાં મુકે તો વરસાદ વધારે આવે; પરન્તુ આ બાબતમાં પણ વૈજ્ઞાનીક તથ્ય નથી. ગ્રામ્ય વીસ્તારોમાં આજે પણ ટીટોડી જમીન ઉપર જ ઈંડાં મુકે છે. આજે શહેરીકરણના કારણે ટીટોડીનું નીવાસસ્થાન માનવે છીનવી લીધું હોવાથી મજબુરીવશ તેને છત કે છજા ઉપર ઉંચે ઈંડાં મુકવાં પડે છે.

આહાર :
વગડાઉ ટીટોડીના ખોરાકમાં તીતીઘોડા, ભૃંગ, ઉધઈ, કીડા મંકોડા, ખડમાંક્ડીઓ, તીડ, ભમરા, અળસીયાં, કરોળીયા અને અન્ય અપૃષ્ઠવંશી મૃદુકાય જીવોનો સમાવેશ થાય છે. વગડાઉ ટીટોડી પોતાનાં બચ્ચાંઓને જમીન ઉપરથી અથવા તો જમીનમાં રહેલાં જંતુઓ, કરોળીયા, નાનાં દેડકાં વગેરે ખવડાવે છે.

આ પક્ષી સામાન્ય રીતે ધીમું ઉડે છે. તે પોતાની પાંખો આસાનીથી હલાવતું જાય છે અને થોડું ઉડીને તે નીચે જમીન ઉપર ઉતરી પડે છે. ઉતર્યા પછી સામાન્‍ય રીતે થોડાંક પગલાં દોડે છે.

પ્રજનન :
વગડાઉ ટીટોડી ખુલ્લામાં ધરતી ઉપર છીછરો ખાડો કરીને તેમાં કંઈ પણ પાથર્યા વગર માળો બનાવે છે. કોઈવાર આસપાસ માટીનાં ઢેફાં કે કાંકરા હોય છે. ગામડાના તળાવનું તળીયું સુકાઈ રહ્યું હોય કે પડતર ખેતર હોય ત્યાં તે પોતાનો માળો બનાવે છે. ક્યારેક અસામાન્ય જગ્યા પણ પસંદ કર્યાના દાખલા જોવા મળ્યા છે. તે ક્યારેક બંગલાનું કોંક્રીટનું છાપરું કે છાજલી હોય ત્યાં પણ ઈંડાં મુકે છે.

વગડાઉ ટીટોડીની પ્રજનન ઋતુ માર્ચથી મે સુધીની હોય છે. જ્યારે શ્રીલંકામાં આ પક્ષીની પ્રજનન ઋતુ માર્ચથી ઓગસ્ટ સુધીની હોય છે.

સંવનન દરમીયાન વગડાઉ ટીટોડીનો નર પોતાની છાતીને ફુલાવીને વારંવાર અવાજ કરે છે. માદાનો પ્રતીસાદ સાંભળી તેની તરફ ઉડે છે અને સમાગમ કરે છે. આ પક્ષી સામાન્ય રીતે છીછરો ખાડો કરીને માટેભાગે ચાર ઈંડાં મુકે છે. ક્યારેક 3 ઈંડાં પણ મુક્યાં હોય તેવું પણ જોવા મળ્યું છે. ઈંડાં મુક્યાં પછી નર અને માદા બન્ને આસપાસ જ્યાં પાણી હોય ત્યાં બેસીને પોતાની છાતીનાં પીંછાં ભીનાં કરે છે અને એ ભીનાં પીંછાં વડે પોતાનાં ઈંડાને અથવા બચ્ચાંને ઠંડાં કરે છે. નર અને માદા પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરે છે. કોઈ પણ જનાવર કે માંસાહારી પ્રાણી તેમની હદમાં ઘુસી આવે તો ઉશ્કેરાટમાં આવીને શોર – બકોર મચાવી મુકે છે. જ્યારે માળો કે બચ્ચાં ભયમાં હોય ત્યારે અત્યંત ઉશ્કેરાટમાં ચીસો પાડતાં માથે આસપાસ ઉડાઉડ કરે છે. જાતે હુમલો કરવાનાં હોય તેમ ઘુસણખોરના માથા પર ડુબકીઓ મારે છે. નર અને માદા પોતાનાં બચ્ચાંઓને ભય જેવું લાગે ત્યારે એલાર્મ કોલ કરીને સાવચેત કરી દે છે. બચ્ચાં પણ પોતાના માતા–પીતાનો કોલ સાંભળી, જમીન પર બેસીને સ્થીર થઈ જાય છે. વગડાઉ ટીટોડી ઈંડાંઓને 27થી 30 દીવસ સુધી સેવવાનું કામ કરેછે. બચ્ચાં જન્મે છે ત્યારે માટી જેવાં ભુરા રંગનાં હોય છે જે એક સંપુર્ણ છદ્માવરણ પ્રદાન કરે છે. માદા બચ્ચાંઓને એકાદ મહીનો પાળી પોષી અને ખોરાક ખવડાવી તૈયાર કરે છે. બચ્ચાં પણ પોતાનાં માતા – પીતાની સાથે રહી સ્વતંત્ર રીતે ખોરાક મેળવતાં થઈ જાય છે.

આવાસ :
વગડાઉ ટીટોડી ભારતના મોટાભાગના વીસ્તારોમાં જોવા મળે છે. તે ખુલ્લા નીચાણવાળા વીસ્તારો, સુકા પ્રદેશો અને ઉજ્જડ વીસ્તારમાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. વગડાઉ ટીટોડી સામાન્ય ટીટોડી કરતાં પણ વધારે સુકા રહેઠાણમાં જોવા મળે છે. તે પડતર જમીન હોય કે લણી લીધેલા ખેતરો હોય ત્યાં પણ વસવાટ કરે છે. સામાન્ય રીતે ભેજવાળી ધરતી હોય અથવા તો નજીકમાં તળાવડી કે ખાબોચીયું હોય તો વધારે પસંદ કરે છે.

પ્રાતીસ્થાન :
વગડાઉ ટીટોડી ભારત, નેપાળ, બાંગલાદેશ, પાકીસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, મલેશીયા, અફ્ઘાનીસ્તાન, ઈરાન, સાઉદી અરેબીયામાં વીશેષ જોવા મળે છે. ભારતમાં હીમાચલપ્રદેશ, હરીયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બીહાર, બંગાળ, ઓડીશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે.

સં. : પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com જુન, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02–01–2023

 

 

3 Comments

  1. ટીટોડી અંગે આજ સુધી પ્રવર્તતી કેટલીક માન્યતા કે ગેરસમજ આજનો લેખ વાંચ્યા પછી કેટલી અલગ હતી એ સમજાયું. જેમકે ટીટોડી ભારત બહારનું પંખી છે એ જાણ જ નહોતી. એવી રીતે ટીટોડીએ મૂકેલાં ઈંડાને આધારે વરસાદની આગાહી અંગે પણ ગેરસમજ દૂર થઈ.

    Liked by 2 people

  2. ” ટીટોડી દરીવાસમ વર્ગનું જાણીતું સ્થાયી અધિવાસી પંખી છે. ટીટોડીના ઘણા પ્રકાર છે પરન્તુ મુખ્યત્વે ત્રણ પ્રકારની ટીટોડી આપણે ત્યાં વિશેષ જોવા મળે છે. 1. સામાન્ય ટીટોડી (Red – Watted Lapwing), 2. વગડાઉ ટીટોડી (Yellow – Watted Lapwing) અને 3. મળતાવડી ટીટોડી (Sociable Lapwing).” અંગે સચિત્ર સ રસ માહિતી બદલ : પ્રા. દલપત પરમારને ધન્યવાદ

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s