તીરસ્કાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

‘અદાલતનો તીરસ્કાર અને વીધાનસભા કે સંસદનો તીરસ્કાર’ વચ્ચે સંઘર્ષ થાય તો શું કરવું? અદાલત વીધાનસભાનો તીરસ્કાર કરે અને વીધાનસભા–સંસદ અદાલતનો તીરસ્કાર કરે તો કોનો હાથ ઉપર રહે?

તીરસ્કાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

–રમેશ સવાણી

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર તરાપ મારવા માટે ‘અદાલતના તીરસ્કાર’નું હથીયાર પણ છે. ‘ઈન્ડીયન એક્સપ્રેસ’માં એક અભ્યાસપુર્ણ લેખ છપાયો હતો. તેમાં લખ્યું હતું કે પેટ્રોકેમીકલ્સનો 700 કરોડનો પ્રોજેક્ટ છે પણ તેને ચાર વર્ષ તો લાગશે જ એટલે વર્ષે 200 કરોડથી વધુની જરુર ન પડે છતાં રીલાયન્સને 700 કરોડ એકઝાટકે મેળવવાની છુટ શા માટે મળી? સર્વોચ્ચ અદાલતે આ લેખ પ્રસીધ્ધ કરવા છેલ્લી ઘડીએ પરવાનગી આપી હતી. ‘સમકાલીન’ દૈનીક, મુમ્બઈના તંત્રીએ (31.08.1988) લખ્યું હતું : ‘અખબારના તંત્રીએ પોતાના અખબારમાં શું પ્રસીધ્ધ કરવું અને શું નહીં તે વીશે કદી કોઈનીય રજા લેવાની ન હોય. તેને કોઈની પરવાનગી લેવાની જે દહાડે ફરજ પડે તે દહાડે અખબારી સ્વાતન્ત્ર્યની ઠાઠડી નીકળે. દલીલ એવી છે કે એક્સપ્રેસના લેખોથી રીલાયન્સના બીઝનેસ ઉપર, તેના હીતો ઉપર અસર થશે. અમે પુછીએ છીએ કે કોનું હીત વધુ મહત્ત્વનું અને ચઢીયાતું છે? કમ્પનીનું કે પ્રજાનું? કોણ ચઢે : એક કમ્પનીનું હીત કે અખબારી સ્વાતન્ત્ર્ય? લખાણમાં કશીક બદનક્ષી કે ગલતી થઈ હોય તો દેશની અદાલતોનાં દ્વાર ઉઘાડાંફટાક છે.’

અદાલતનો તીરસ્કાર કરવાનું કોઈ ન ઈચ્છે; પરન્તુ પ્રામાણીક ચર્ચાના દ્વાર બન્ધ થઈ જાય તે સ્થીતી ન હોવી જોઈએ. ‘તીરસ્કાર’ની બાબતમાં કાયદો અમુક અંશે અસ્પષ્ટ રહ્યો છે તેથી અદાલત અને અખબાર વચ્ચે અથડામણના પ્રસંગો બને છે.

અદાલતનો તીરસ્કારકઈ રીતે બને છે, તેના થોડાં ઉદાહરણ જોઈએ :

(1) ખુનના આરોપી ‘હેગે’ અગાઉ કેટલાં ખુનો કરેલા તેનો વીસ્તૃત અહેવાલ ઈંગ્લેન્ડના ડેઈલી મીરર ઓફ લંડનમાં પ્રગટ થયો. આરોપી હેગ ઉપર હજુ કામ ચાલવાનું બાકી હતું. મુખ્ય જજે કહ્યું હતું : અખબારનો ફેલાવો વધારવાની આ મનોદશા છે. ન્યાય અને નીષ્પક્ષ વ્યવહારના સીદ્ધાંતનો ભોગ લેવાયો છે. અદાલત અપરાધની તપાસ કરે. અને એનો નીર્ણય અખબારો કરે એવું બની શકે નહીં. આરોપીનો એ હક છે કે તેના અપરાધની તપાસ નીષ્પક્ષ અને ન્યાયસંગત રીતે થાય, નહીં કે પુર્વગ્રહભર્યાં અખબારો દ્વારા.

(2) હાઈકોર્ટ સમક્ષ ‘મીલ્ક પ્રોડક્ટ કંટ્રોલ ઓર્ડર’ અંગે અપીલ ચાલી રહી હતી. દરમ્યાન મુખ્યમંત્રીએ આકાશવાણી પર એક ભાષણ આપતાં કહ્યું કે જે લોકો દુધની મીઠાઈઓ બનાવે છે એ ગુનેગાર છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે આ ભાષણ ન્યાયના માર્ગમાં અવરોધરુપ હતું.

(3) કેરળના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘અદાલત અત્યાચારનું એક સાધન છે. ન્યાયમુર્તીઓ વર્ગસ્વાર્થ, વર્ગપુર્વગ્રહ, વર્ગધૃણાથી પ્રેરીત હોય છે.’ કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રીને એક હજાર રુપીયાનો દંડ કર્યો. સુપ્રીમકોર્ટે કેરળ હાઈકોર્ટનો ચુકાદો સ્વીકારતાં એક હજાર રુપીયાને બદલે પચાસ રુપીયાનો દંડ કર્યો અને આ દંડ ન ભરે તો એક અઠવાડીયાની સજા ફરમાવતાં કહ્યું : “મુખ્યમંત્રીના ભાષણમાં અદાલતોની એક વીકૃત તસવીર ખેંચવામાં આવી છે. એના આક્ષેપમાં અદાલતોના બધા નીર્ણયો પ્રત્યે જનમાનસમાં અવીશ્વાસ અને અસંતોષ પેદા કરવાની પ્રવૃત્તી હતી. આમાં અદાલતો અને ન્યાયમુર્તીઓના ગૌરવને ક્ષતી પહોંચી છે. ભલે મુખ્યમંત્રીનો ઈરાદો અદાલતનો તીરસ્કાર કરવાનો ન હોય; પરન્તુ એમનું ભાષણ એ માટે દોષી હતું.”

(4) એક કેસમાં કેરળ હાઈકોર્ટે કહ્યું છે : “જો કોઈ અખબારના અહેવાલ દ્વારા કોઈ કેસની સુનાવણી પહેલાં કે તે દરમ્યાન પુર્વગ્રહ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવે, જેનાથી અદાલત દ્વારા ન્યાયપુર્ણ રીતે અને નીષ્પક્ષ વાતાવરણમાં એ કેસની સુનાવણી ઉપર અસર પડતી હોય તો અદાલતનો તીરસ્કાર ગણાય. વાસ્તવમાં ન્યાયના માર્ગમાં બાધા પડી કે ન પડી એ પ્રાસંગીક નથી; પરન્તુ સવાલ એ છે કે પ્રગટ થયેલ સામગ્રીમાં એવી કોઈ પ્રવૃત્તી છે કે નહીં, જેના કારણે ન્યાયના માર્ગમાં અવરોધ પડી શકે.”

સમાજમાં કોઈ વ્યક્તી મશ્કરીપાત્ર, તીરસ્કારપાત્ર કે ધીક્કારપાત્ર બની જાય તે રીતે કોઈ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો ઉપયોગ કરી શકે નહીં. ‘અદાલતનો તીરસ્કાર અને વીધાનસભા કે સંસદનો તીરસ્કારવચ્ચે સંઘર્ષ થાય તો શું કરવું? અદાલત વીધાનસભાનો તીરસ્કાર કરે અને વીધાનસભા–સંસદ અદાલતનો તીરસ્કાર કરે તો કોનો હાથ ઉપર રહે? આ સવાલનો સંતોષકારક જવાબ આપી શકાતો નથી. 1964માં ઉત્તર પ્રદેશમાં એક રસપ્રદ કીસ્સો બન્યો. ઉત્તર પ્રદેશ વીધાનસભાના અધ્યક્ષે તીરસ્કાર સબબ કેશવસીંહને જેલની સજા કરી. કેશવસીંહ તરફથી હાઈકોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી. હાઈકોર્ટે કેશવસીંહને જામીન ઉપર છોડવા હુકમ કર્યો. વીધાનસભાએ ઠરાવ્યું કે ‘હાઈકોર્ટના બન્ને ન્યાયમુર્તીઓએ, તથા કેશવસીંહ અને તેના વકીલે વીધાનસભાનો તીરસ્કાર કર્યો છે. કેશવસીંહને ફરી અટક કરવો. તથા બન્ને ન્યામુર્તીઓ તથા કેશવસીંહના વકીલને પકડીને વીધાનસભા સમક્ષ હાજર કરવા.’ આ સમાચાર મળતાં જ બન્ને ન્યાયમુર્તીઓએ તથા કેશવસીંહના વકીલે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી કે “વીધાનસભાએ ‘અદાલતનો તીરસ્કાર’ કર્યો છે, અને વીધાનસભાનો ઠરાવ ગેરકાયદેસર છે.” હાઈકોર્ટની ફુલ બેન્ચ વીધાનસભાના સ્પીકરને નોટીસ આપી અને તેમને વોરંટ ન કાઢવા આદેશ આપ્યો. સ્પીકરે ઠરાવ્યું કે આ તો હાઈકોર્ટે વીધાનસભાનો તીરસ્કાર કર્યો કહેવાય. આ કેસમાં સુપ્રીમકોર્ટે ઠરાવ્યું કે ‘હાઈકોર્ટને આ મામલો સાંભળવાનો અધીકાર હતો. અને બન્ને ન્યાયમુર્તીઓને તથા વકીલને પકડીને વીધાનસભા સમક્ષ હાજર કરવાનો વીધાનસભાએ જે ઠરાવ કરેલો તે યોગ્ય નહોતો, કાયદેસર નહોતો.’

બીહાર વીધાનસભામાં મુખ્યમંત્રી વીરુદ્ધ એક ધારાસભ્યે ભાષણ કર્યું. આ ભાષણને કાર્યવાહીમાંથી કાઢી નાખવાનો આદેશ સ્પીકરે કર્યો; છતાં આ ભાષણ અંગે દૈનીક ‘સર્ચલાઈટ’માં સમાચાર પ્રગટ થયા. વીધાનસભાએ ‘સર્ચલાઈટ’ના સંપાદક ઉપર કારણદર્શક નોટીસ કાઢી, સંપાદકે નોટીસને સુપ્રીમકોર્ટમાં પડકારી. સુપ્રીમકોર્ટે કહ્યું : ‘આપણા દેશમાં અખબારી સ્વાતન્ત્ર્ય, લોકોના વાણી સ્વાતન્ત્ર્ય અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યથી વધુ, ઉપર કે અલગ નથી. વીધાનસભા પોતાની કાર્યવાહીનો ક્યો ભાગ રાખવો અને ક્યો ભાગ ભુંસી નાખવો તે નક્કી કરી શકે છે. ભુંસી નાખેલા રદ કરેલા ભાગને અખબાર પ્રગટ કરે તો, તેને વીધાનસભાનો તીરસ્કાર કર્યો કહેવાય. આ બાબત બીહાર વીધાનસભાના ક્ષેત્રાધીકાર હેઠળ ગણાય અને તેથી અદાલત આવા મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં.’

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને અવરોધવાનું કામ ન્યાયતન્ત્ર ‘તીરસ્કાર’ના હથીયારથી કરી શકે! ન્યાયતન્ત્ર ‘બીનલોકશાહી’ છે લોકશાહી વ્યવસ્થામાં સત્તાની ગાદીએ બેસનાર પાસે જનાદેશ હોવો જોઈએ, વળી સત્તાના ઉપયોગમાં વધારેમાં વધારે પારદર્શકતા જાળવવી પડે છે, સત્તાનો ઉપયોગ લોકાભીમુખ કર્તવ્યપાલન માટે થાય છે, તેમની કામગીરી અંગે જાહેરમાં ટીકાટીપ્પણ થાય. આ લોકશાહી વ્યવસ્થાના પાયાના સીદ્ધાંતો છે. આમાંનું એક પણ લક્ષણ ન્યાયતન્ત્રને લાગુ પડતું નથી. ન્યાયતન્ત્રની કામગીરીની ટીકા કરવી જોઈએ પણ થતી નથી. કેમ કે જજની ટીકા અને જજના ચુકાદાની ટીકા વચ્ચે પાતળી ભેદરેખા ક્યારે ભુંસાય તે એક પ્રશ્ન છે. વળી આવી ભેદરેખા ભુંસાઈ છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતન્ત્રના હાથમાં છે! તેથી કોઈ ટીકા કરવાનું જોખમ ઉઠાવે નહીં. આપણા ન્યાયતન્ત્રનો પરીચય આ છે : ન્યાય એ કેવળ વધારે બળીયાનું હીત છે! દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના, લાખ ખાંડી લુંટનારા મહેફીલ મંડાય છે! છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે! ઘર–હીણાં ઘુમે હજારો ઠોકરાતાં ઠેરઠેર, ને ગગનચુંબી મહાલો જનસુનાં રહી જાય છે!

‘તીરસ્કાર’ના ભયના કારણે સાચી અને સંતુલીત ટીકા કરવાનું ટાળવામાં આવે છે. સત્યને ખુલ્લું કરવામાં ‘તીરસ્કાર’નો ગુનો બનશે એવો ભય સતત રહેતો હોય છે. ન્યાયમુર્તીઓ તથા વીધાનસભ્યો અને સંસદસભ્યો વધારે પડતા લાગણીવશ થાય તો ડગલે ને પગલે તીરસ્કારનો ગુનો ઉભો થયા કરે. લોકશાહીમાં આવી વધારે પડતી લાગણીવશતા નુકસાનકારક બને છે.

કવીનો વ્યંગ માણીએ :

વ્યંગ નહીં બોલો

ડંખે છે જોડા તો શું થયું
પગમાં નહીં તો માથા પર રાખી દો.
વ્યંગ નહીં બોલો.

આંધળાનો સાથ મળી જાય તો
પોતે પણ આંખ બન્ધ કરી દો,
જેમ બધા શોધે છે રસ્તો તમે પણ શોધો.
વ્યંગ નહીં બોલો.

કંઈક શીખો કાચીંડા પાસેથી
જેવી શાખા એવો રંગ
જીવવાનો આ જ છે ઢંગ
પોતાનો રંગ બીજાથી જુદો પડી જતો હોય તો
એને ઘસીને ધોઈ નાખો.
વ્યંગ નહીં બોલો.

ભીતર કોણ જુએ છે બહારથી સરસ રહો
આ નહીં ભુલો, આ બજાર છે
બધા આવે છે વેચવા,
રામ રામ કહો અને માખણમીસરી ઘોળો,
વ્યંગ નહીં બોલો.

–રમેશ સવાણી

લેખક રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણીઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–01–2023

3 Comments

  1. શ્રી રમેશ સવાણીનું ‘તીરસ્કાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય’અંગે ઘણી નવી વાત જાણવા મળી તે સરળ ભાષામા સમજાવવા બદલ ધન્યવાદ

    Liked by 2 people

  2. શ્રી રમેશ સવાણી દરેક વાત સરળ ભાષામા લખે છે. જે કુદરત ની દેન કહેવાય. આભાર સાથે ધન્યવાદ.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s