મહેમાં જો હમારા હોતા હૈ

રમણભાઈ પાઠકના વીચારોમાં એ બળ છે, જે સાધુ–સંન્યાસીઓમાં પણ નથી. એમનું જીવન સાદગીભર્યું છતાં વ્યવસ્થીત છે. જીવનને બરાબર જાણીને જીવી જવું, એ તો રમણભાઈ પાસેથી જ શીખવા જેવું છે.

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું ચોથું– 1

મહેમાં જો હમારા હોતા હૈ  

– તરુલતા દવે

ચીખલીમાં કોઈ પ્રસંગે જવાનું હતું ને ત્યાં તેઓ મળ્યા : રમણ પાઠક નામ સાંભળેલું પણ મારે પ્રત્યક્ષ ઓળખાણ તો નહોતી જ. સાહેબને પરીચીત ખરા. ત્યારે મન પર એક ઉમદા માણસ તરીકે છાપ પડેલી; પછી તો નવસારીમાં બે–ત્રણ વાર મળવાનું બન્યું. સાહેબ તો ધીમેધીમે એમના ગાઢ પરીચયમાં આવતા ગયા ને મીત્ર પણ બની ગયા. એમની મુલાકાતો સુરતમાં સાહેબને થતી ને એમની વાતો થતી અમારા ઘરમાં! સુરતમાં મારે પણ જવાનું બન્યું. એકાદ વાર સરોજબહેન પણ મળી ગયાં. એમની સાથે પણ મજા આવી. સરોજબહેન રહે બારડોલી, પણ શની–રવીની રજાઓમાં સુરત અચુક આવે; ત્યારે રમણભાઈનું ઘર, ઘર બની જાય. એમનું ઘર એટલે મીત્રોની મહેફીલ જ. નજીકના મીત્રો તો સંકોચ વગર ત્યાં રહી શકે. પછી તો અમે નવસારી છોડીને રાજકોટ ગયાં ને ત્યાંથી દોઢ–બે વરસની સફર કરીને, આવી ગયાં અમદાવાદમાં –

અમદાવાદમાં આવ્યા પછી અર્ચનાને લીધે રમણભાઈનો પરીચય ગાઢ બન્યો. અર્ચના એમને મન પુત્રી–સમાન. એની સગાઈના પ્રશ્ને ઘર છોડી, એ ભુગર્ભ નીવાસ માટે અમારે ત્યાં આવેલી ને એકાદ મહીના સુધી અમે સાચવેલી. પછી તો બધા પ્રશ્નો પતી જતાં ડૉ. બંકીમ જોડે એની પસંદગીથી જ લગ્ન થયાં, ને અત્યારે તો અમેરીકામાં સ્થાયી પણ થઈ ગઈ છે ને એક પુત્રની માતા પણ છે. હા, તો એની ચીંતા રમણભાઈને ખુબ જ. ને એ હતી ત્યારે તો અવાર–નવાર અહીં આવતા. એથી એમની જોડે વધુ નીકટતા કેળવાઈ. એમના રૅશનાલીસ્ટ વીચારોએ સાહેબને ખુબ આકર્ષ્યા. વીચારધારા ન હતી એમાં બળ ઉમેરાયું. ને ઘરમાંથી સર્વપ્રકારના ક્રીયાકાંડને તીલાંજલી મળી. પરમ્પરાગત રીતરસમો પણ દુર થયાં. હું રહી આસ્તીક પણ ખોટાં ક્રીયાકાંડોમાં મને પણ રસ નહીં જ. સાહેબ સાથે ખુબ જ ચર્ચા થાય. એમની સાથે દલીલો પણ કરું; પણ મનમાં બરાબર સમજું કે એ જે કંઈ વાત કરે છે તે તદ્દન સાચી કરે છે. દલીલો કરવાનો હેતુ એમની અંદર જે કંઈ પડેલું હોય તે વીચારો દ્વારા બહાર વ્યક્ત થાય. ને રમણભાઈ તો પાછા રૅશનાલીસ્ટોના ગુરુ કહેવાય.

રૅશનાલીસ્ટ એટલે?’ રમણભાઈ કહે “માનવતાવાદી બનવું તે. ખોટી રીતે કોઈને નુકસાન ન કરવું. જાતને પણ ખુશ રાખવી. બીજાના મનને સાચવતાં પણ સત્યને વળગી રહેવું. સત્યનીષ્ઠ બનવું એ.” એમની વાત પણ ખરી જ લાગે. અમારે ત્યાં અવાર–નવાર આવવાનું બને. એ આવે ત્યારે મહેમાનનો ભાર અમને બીલકુલ લાગે જ નહીં. સવારમાં વહેલાં ઉઠીને એમનું નાહવા–ધોવાનું કામ પતાવી લે. ચા જાતે બનાવીને પી લે. ને પાછા સુઈ પણ જાય. અમે તો મોડા ઉઠીએ; ત્યારે રમણભાઈ તો એમના નીત્યક્રમથી પરવારી પણ ગયા હોય. મને તો ઉઠીને છાપાંઓ વાંચવાની ટેવ. છાપાં વાંચી લઉં એટલે ચા બનાવું. ને ફરીથી રમણભાઈ ચા પીએ એકલા બેઠા બેઠા. કારણ કે સવારની ચા તો હમ્મેશાં હું અને સાહેબ જોડે જ, અમારા રુમમાં પીવાની ટેવવાળાં પણ, અમને એમ ન લાગે કે રમણભાઈ જોડે ચા ન પીધી એટલે એમને ખરાબ લાગશે. ઘરના સભ્ય જેવા જ થઈ ગયેલા ને? એટલે આવી બધી ફોર્માલીટીથી અમે દુર જ રહેતાં. એ ઘરમાં હોય ત્યારે અમે વડીલ ઘરમાં રહેતા હોય એવું અનુભવીએ. ખાવાની બાબતમાં પણ કોઈ જાતની માથાકુટ નહીં. આરામથી જમે, સાહેબ તો એ અડધે પહોંચ્યા હોય ને ઉભા થઈ જાય. રમણભાઈનાં કામ બધાં શાંતીવાળાં, જીવનને બરાબર માણે. સાહીત્યનું કામ કર્યા કરે. વીદ્વાન પણ ખુબ જ. ચહેરા પર વીદ્વત્તાની ઝલક જોવા મળે. વ્યક્તીત્વ જ પ્રેમાળ. માણસ તરીકે જોઈએ તો એકદમ ઉમદા માણસ.

એમની સાથે સફર પણ ઘણી કરી છે; કારણ કે રજાઓમાં હમ્મેશાં અમે સાથે જ હોઈએ. ઘણી વાર યાત્રાના સ્થળે જવાનું પણ બને. મંદીરોમાં એ ન આવે. બીજાં જાય, એનો છોછ નહીં. મંદીરો અંગે પોતાના વીચારો પણ જણાવે. પુરા નાસ્તીક; છતાં પણ વહેવારમાં પુરા ‘આસ્તીક’. લોકોનું ધ્યાન બરાબર રાખે. દયાળુ પણ એવા જ : કોઈનું દુઃખ જોઈ દ્રવી ઉઠે. ‘લોકો આમ શા માટે કરતાં હશે?’ એવા પ્રશ્નો એમને થયા કરે. કોઈ પણ જાતની લોકોની પીડા એમના સંવેદનતંત્રને પહોંચે. સમાજલક્ષી નહીં; પણ વ્યક્તીલક્ષી માન્યતાને પહેલું સ્થાન આપે. સમાજના મુળમાં વ્યક્તી જ પડેલી છે, ને જો વ્યક્તી પોતે જ બંધનમાં જકડાયેલી હોય તો સમાજને કઈ રીતે ઉપયોગી બનવાની?

મને રાતના એ મોડેથી જમે એ ટેવ ઓછી પસંદ, ને મારા મનના ભાવો તો ચહેરા ઉપર અંકીત થયા વગર રહે જ નહીં. મારામાં ગમા–અણગમા છુપાવવાની કળા નહીવત્ છે. મને શું નથી ગમતું એ વાત મારો ચહેરો જોઈને જ સામી વ્યક્તી પામી જાય. સાહેબે નક્કી કર્યું કે, આપણે આપણા સમયે જમી લેવું. રમણભાઈ માટે ઢાંકી રાખવાનું મને ગમ્યું. પછી તો અમે જમી લઈએ ને એમના માટે ટેબલ પર બધું ઢાંકી રાખીએ.

દીવાળીમાં તો ખાસ અમે બધાં સાથે જ હોઈએ. એ પણ ‘મુની સેવા આશ્રમ’, ગોરજમાં આવે. અનુબહેન સાથે વરસોથી અમે દીવાળી મનાવીએ છીએ. અનુબહેન પણ રમણભાઈ રૅશનાલીસ્ટ છે તે વાત બરાબર જાણે અને રમણભાઈ પણ ત્યાં રહે ત્યાં સુધી આશ્રમના કોઈ નીયમનો ભંગ ન કરે. અરે, સવારની પ્રાર્થનામાં પણ આવે. અનુબહેનના આગ્રહથી રોજ પ્રાર્થના પતી ગયા પછી પાંચ મીનીટ બોલે પણ ખરા. એમાં વાત હોય ઉપનીષદની; પણ એવી સરસ રજુઆત કરે કે સાંભળનારા ખુશ થઈ જાય. ગીતા ઉપર પણ બોલે. ને એમાં સીફતથી એમના રૅશનાલીસ્ટ વીચારો જોડી દે. અનુબહેન કહે પણ ખરાં, રમણભાઈ સારું બોલે છે, નહીં? અનુબહેન પોતે કર્મયોગી સંત છે. સાહીત્ય સાથે એમનો નાતો હું જાણું છું ત્યાં સુધી ધાર્મીક વાંચન પુરતો જ છે; છતાં પણ રમણભાઈની વાતોથી એ પ્રભાવીત બની જાય. એમને ગમે, કહે, રમણભાઈનો કોઈ ઉપદ્રવ નહીં. કેવા સીધાસાદા છે! ને સાહેબને જ્યારે આ વાત હું પહોંચાડું; ત્યારે ખુશ થઈને બોલી ઉઠે, “હું પણ તને એમ જ કહું છું ને?”

હવે તો હું રમણભાઈને બરાબર ઓળખી ગઈ છું. અમારે મન મોટાભાઈ જેવા છે. એમને મોઢે ક્યારેય મેં ‘હું રૅશનાલીસ્ટ છું.’ એવું સાંભળ્યું નથી. છતાં એ વર્તનથી પુરા રૅશનલ માણસ છે. ને સાહેબના મતે તો રૅશનાલીસ્ટ એટલે માનવતાવાદી, એ રૅશનલ તો હોવો જ જોઈએ. માનવને જ લક્ષમાં રાખવાની વાત. માનવીના આંતર સુખદુઃખની વાત આવા માણસોને પહોંચે જ. સમાજ જ્યારે કોઈને ધુતકારે ત્યારે આવા માણસો સહાનુભુતીથી વર્તે. જીવનનો મર્મ બરાબર જાણે–સમજે. સમાજ જ્યારે જીવનને કચડે; ત્યારે આવા પ્રકારના માણસો જીવનને સંવારે અને એ કારણે સમાજમાં આંખે પણ ચડી જાય; પણ તેઓને એની દરકાર તો હોય જ નહીં ને? સમાજ આખરે છે શું? વ્યક્તીઓનો બનેલો સમુહ જ ને? ને વ્યક્તીઓ વ્યક્તીગત રીતે આવા માણસોને માનતી જ હોય. ને બરાબર જાણતી હોય કે, આ લોકો જે કંઈ બોલે છે તે સત્યની વધુ નજીક છે.

આમ તો રમણભાઈ માટે લખવું હોય તો પાનાંનાં પાનાં ભરીને લખી શકાય. ને એ માટે વ્યક્તીના પરીચયમાં આવવું જરુરી હોય છે. તો જ તમે વ્યક્તીને સાચો ન્યાય આપી શકો. સાહેબના કારણે એ રીતે રમણભાઈને ઓળખતી થઈ ગઈ છું. અત્યારે તો રમણભાઈ ઘરના જ સભ્ય બની ગયા છે. બે–ચાર મહીના સુધી એ ન દેખાય તો અમને બધાંને લાગે કે હવે રમણભાઈના આવવાનો ટાઈમ થઈ ગયો છે. અમારાં રસોઈવાળાં માસી પણ કહે, “બહેન, રમણભાઈ કેમ હજુ દેખાયા નથી?” એમનાથી બધાં જ ખુશ. રમણભાઈ બધાંને ખુશ કરી જ દે. એમની સાથે નાના કે મોટાને જરાય પરાયાપણું ના લાગે કે ન દેખાય એમના ચહેરા પર મોટાઈ – ઉમ્મરની કે વીદ્વત્તાની.

જાણ્યેઅજાણ્યે રમણભાઈએ અમને જીવનમાં ખુબ ખુબ શીખવ્યું છે; એની નોંધ ન લઉં તો પણ નગુણી કહેવાઉં ને?

રમણભાઈ ખુબ ખુબ લાંબું આયુષ્ય ભોગવે અને એમના વીચારોથી બધાને કશું ને કશું નવું આપતા રહે. કારણ કે એમના વીચારોમાં એ બળ છે, જે સાધુ–સંન્યાસીઓમાં પણ નથી. એમનું જીવન સાદગીભર્યું છતાં વ્યવસ્થીત છે. જીવનને બરાબર જાણીને જીવી જવું, એ તો રમણભાઈ પાસેથી જ શીખવા જેવું છે. એમનાં કોઈ દુશમન નથી, અનેક મીત્રો છે ને એવા મીત્રો છે કે જે એમને ખુબ જ માન આપે છે ને એમના વીચારોને પચાવી જાણે છે.

(તરુલતા દવે રજનીકુમાર પંડ્યાનાં લેખીકા પત્ની છે.)

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદકસમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09/01/2023

 

5 Comments

 1. Very impressive article on Ramanbhai Pathak … it touched my heart on his nobility and integrity … GOD’S Message 🙏
  Also, my deep respect to Tarulatabahen Dave for articulated effort on this topic 👏

  Liked by 2 people

 2. ‘એમને મોઢે ક્યારેય મેં ‘હું રૅશનાલીસ્ટ છું.’ એવું સાંભળ્યું નથી. છતાં એ વર્તનથી પુરા રૅશનલ માણસ છે. ને સાહેબના મતે તો રૅશનાલીસ્ટ એટલે માનવતાવાદી, એ રૅશનલ તો હોવો જ જોઈએ. માનવને જ લક્ષમાં રાખવાની વાત. માનવીના આંતર સુખદુઃખની વાત આવા માણસોને પહોંચે જ. સમાજ જ્યારે કોઈને ધુતકારે ત્યારે આવા માણસો સહાનુભુતીથી વર્તે. જીવનનો મર્મ બરાબર જાણે–સમજે. સમાજ જ્યારે જીવનને કચડે; ત્યારે આવા પ્રકારના માણસો જીવનને સંવારે અને એ કારણે સમાજમાં આંખે પણ ચડી જાય; પણ તેઓને એની દરકાર તો હોય જ નહીં ને? સમાજ આખરે છે શું? વ્યક્તીઓનો બનેલો સમુહ જ ને? ને વ્યક્તીઓ વ્યક્તીગત રીતે આવા માણસોને માનતી જ હોય. ને બરાબર જાણતી હોય કે, આ લોકો જે કંઈ બોલે છે તે સત્યની વધુ નજીક છે.’
  સુ શ્રી તરુલતાજી એ તો અમારા મનની વાત કહી
  ધન્યવાદ

  Liked by 2 people

  1. ‘મહેમાં જો હમારા હોતા હે’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s