શું કમુરતા ખરેખર કમુરતા હોય છે?

મકરસંક્રાંત પહેલાનો મહીનો કમુરતાનો મહીનો શા માટે છે, શા માટે હતો તેનું સાચું કારણ લોકો જાણતા નથી અને અન્ધશ્રદ્ધાથી તેને કમુરતાનો મહીનો કહે છે. ભારતમાં જ આ કમુરતાનો મહીનો છે.

શું કમુરતા ખરેખર કમુરતા હોય છે?

– ડૉ. જે. જે. રાવલ

આગામી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંત છે. મકરસંક્રાંત એટલે સુર્યનો મકરમાં પ્રવેશ. કોઈ વળી આ વખતે મકરસંક્રાંત 15 જાન્યુઆરીએ ઉજવશે. (આ લેખ ગત 9 જાન્યુઆરી, 2022ના રોજ પ્રગટ થયો હતો.) તેના પછીનો દીવસ તે ટાઢી મકરસંક્રાંત. હકીકતમાં ખગોળવીજ્ઞાનીઓની દૃષ્ટીએ મકરસંક્રાંત 21મી જાન્યુઆરીએ થશે. ખગોળીય આકાશના અર્વાચીન ખગોળવીદોએ 88 તારકસમુહોમાં ભાગ પાડ્યા છે, જે આડી અને ઉભી લાઈનોનું બનેલું સન્દર્ભ ચોકઠું છે. પ્રાચીન ખગોળવીદો તારકસમુહના રુપમાં આકાશને ઓળખે છે. તેથી તારકસમુહ ‘રાશીઓ અને નક્ષત્રો’ની બોર્ડર નથી. તેઓ અનુમાન પ્રમાણે રાશીઓ અને નક્ષત્રનો વીસ્તાર લે છે. અર્વાચીન ખગોળવીજ્ઞાનીઓએ ચોક્કસતા માટે આકાશના આડી અને ઉભી રેખાઓથી 88 ભાગ પાડ્યા છે. આ સન્દર્ભે સુર્ય મકર રાશીમાં 21 જાન્યુઆરીએ પ્રવેશે છે. લોકો મકર રાશીમાં સુર્ય સંક્રમણને ઉત્તરાયણ કહે છે તે હવે બરાબર નથી. ઉત્તરાયણ તો 21 કે 22 ડીસેમ્બરે જ થાય છે અને તે દીવસે વર્ષનો ટુંકામાં ટુંકો દીવસ અને લાંબામાં લાંબી રાત હોય છે. 2000 વર્ષ પહેલાં ઉત્તરાયણ અને મકરસંક્રાંત 22 ડીસેમ્બરે સાથે થતા હતા. માટે મકરસંક્રાંતને ઉત્તરાયણ કહેવું વાજબી હતું. હવે નથી.

પૃથ્વીની પરાયન ગતીને લીધે વસંતસંપાત પશ્ચીમ તરફ ખસે છે. તે દર 72 વર્ષે એક અંશ પશ્ચીમમાં ખસે છે. તેથી પુરું રાશીચક્ર પશ્ચીમમાં ખસે છે. માટે હવે મકરસંક્રાંત, ઉત્તરાયણથી છુટી પડી હવે 21 જાન્યુઆરીએ થાય છે. 2000 વર્ષ પહેલા ઉત્તરાયણ સમયે સુર્ય મકર રાશીમાં રહેતો. હવે તે ઉત્તરાયણ સમયે મકર રાશીની પહેલાની રાશી – પશ્ચીમ તરફની રાશી, ધનુરાશીમાં રહે છે, નહીં કે મકર રાશીમાં. 2000 વર્ષ પહેલા ઉત્તરાયણ (ત્યારે મકરસંક્રાંતી પણ) પહેલા ધનારખનો – કમુરતાનો મહીનો શરુ થતો. હવે જો આ કમુરતાનો મહીનો ગણીએ તો તે ધનારખનો મહીનો નથી; પણ વૃધીકારખનો મહીનો છે એટલે કે સુર્ય વૃશ્ચીક રાશીમાં રહે છે. મકરસંક્રાંત થાય એ પહેલાનો મહીનો લોકો કમુરતાનો મહીનો ગણે છે અને તેથી આ મહીનામાં કોઈ શુભકામ થતા નથી, કરવામાં આવતા નથી. આ મહીનો કમુરતાનો મહીનો શા માટે છે, શા માટે હતો તેનું સાચું કારણ લોકો જાણતા નથી અને અન્ધશ્રદ્ધાથી તેને કમુરતાનો મહીનો કહે છે.

ભુતકાળમાં ઠંડી બહુ પડતી. પૃથ્વી પર અને ભારતમાં ગાઢ જંગલો હતા, વસતી ઓછી હતી, પોલ્યુશન હતું નહીં. તેથી ઉત્તરાયણ વખતે અને તેની પહેલાના મહીનામાં ઠંડી ખુબ પડતી. તેથી લોકો તેમના ઘરની બહાર નીકળવું પણ અઘરું પડતું. માટે તેઓએ સ્વયં રીતે ઉત્તરાયણ થાય પહેલાના મહીનામાં કોઈ શુભ કાર્ય, લગ્ન કે મીલન સમારંભ કરવા નહીં તેવો નીશ્ચય કર્યો. આ બાબતે કોઈ કમુરતા જેવું હતું જ નહીં; પણ સમજ્યા વગર લોકોએ તેને કમુરતાનો મહીનો લઈ લીધો. હાલમાં જો કે ઠંડી પડે છે, પણ ગ્લોબલ વોર્મીંગને હીસાબે ખુબ ઠંડી પડતી નથી. તેમ છતાં લોકોએ ઉત્તરાયણ પહેલાના મહીનાને એટલે કે મકરસંક્રાંત પહેલાના મહીનાને કમુરતા તરીકે ચાલુ રાખ્યો છે. ભારતમાં જ આ કમુરતાનો મહીનો છે.

પૃથ્વીની પરાયન ગતીને લીધે કર્કવૃત્ત હવે મીથુનવૃત્ત બની ગયું છે અને મકરવૃત્ત ધનવૃત્ત બની ગયું છે; પણ લોકો આ ખગોળીય પરીવર્તન વીશે અજાણ છે. આ જ કારણે એટલે કે પૃથ્વીની પરાયન ગતીને કારણે રાશીચક્ર પશ્ચીમમાં સરકે છે અને તેથી રાશીચક્રનું વસંતસંપાત બીન્દુ પશ્ચીમમાં ખસે છે. આના કારણે ઋતુઓ પાછી પડે છે. તેને સરભર કરવા મહીનાને 15 દીવસ કુદાવવો પડ્યો છે. ભુતકાળમાં – મહાભારત વખતમાં મહીનાનો પ્રારંભ પુર્ણીમાના દીવસ પછી થતો હતો. હવે તે અમાસના દીવસ પછી થાય છે. આ મહીનો કુદાવવાનું કાર્ય અને ઋતુચક્રના મહીના સાથે બંધ બેસાડવાનું કાર્ય છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ભારતીય ખગોળવીજ્ઞાની વરાહમીહીરે કર્યું હતું. વરાહમીહીર ઉજ્જૈનના રાજદરબારના ખગોળવીજ્ઞાની હતા. તેમ છતાં ઉત્તર પ્રદેશમાં હજુ પણ મહીનાનો પ્રારંભ પુર્ણીમા પછી થાય છે. તેઓ જન્માષ્ટમી વગેરે તહેવારો આપણા કરતાં 15 દીવસ વહેલા કરે છે. ઉત્તર પ્રદેશના લોકોએ આ ફેરફાર હજુ કર્યો નથી. આપણે લોકો ફેરફાર કરવામાં નબળા છીએ. આમ કમુરતાનો મહીનો હકીકતમાં કમુરતાનો મહીનો નથી.

હવે જો કમુરતાનો મહીનો મકરસંક્રાંત સુધી લંબાતો હોય તો તે 21 જાન્યુઆરી સુધી લંબાય અને 14 જાન્યુઆરી પછી તરત જ જે લોકો શુભ કાર્ય કરવા માંડે તે હકીકતમાં 21 જાન્યુઆરી સુધી કમુરતામાં જ શુભકાર્ય કરે છે, તે તેમને ખબર નથી. આપણા લોકોમાં અન્ધશ્રદ્ધા ખુબ જ છે. લોકોમાંથી અન્ધશ્રદ્ધા દુર કરવાનું પણ એક અભીયાન ચલાવવું પડે તેમ છે.

આ ઉત્તરાયણ, વસંતભપાત, દક્ષીણાય શરદસંપાત, ઋતુઓનો બદલાવ, ધ્રુવ પ્રદેશો પર છ મહીનાનો દીવસ અને છ મહીનાની રાત વર્ષનો લાંબામાં લાંબો દીવસ ટુંકામાં ટુંકો દીવસ લાંબામાં લાંબી રાત, ટુંકામાં ટુંકી રાત વસંતસંપાતનું પશ્ચીમ તરફ સરકવું એ બધું જ પૃથ્વીની ધરી ઝુકેલી છે અને તે વીષુવવૃત્ત પર ફુલેલી છે તેને લીધે થાય છે.

– ડૉ. જે. જે. રાવલ

ફુલછાબ’ દૈનીકમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘વીજ્ઞાન જગત’માં તા. 9 જાન્યુઆરી, 2022ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘ફુલછાબ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય એની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–01–2023

9 Comments

 1. Interesting article based on objective analysis (against current perception) … it motivates us to be analytical and open-minded!

  Liked by 2 people

 2. – ડૉ. જે. જે. રાવલ દ્વારા ‘શું કમુરતા ખરેખર કમુરતા હોય છે? અંગે ખગોળ વિજ્ઞાન ની સ રળ ભાષામા સ રસ સમજાવ્યું.
  સાંપ્રત સમયે લગ્ન જ સમસ્યા રુપ મનાય છે…’ઇન રીલેશન’ કાયદાપ્રમાણે મનાય છે અને ડીવોર્સ ખર્ચાળ છે.પ્રેમ લગ્નમા ખૂન થવાનો ભય રહ્યો છે ત્યારે
  ‘કોઈ પૂછે કે ઘર તારું કેવડું?
  ઘર મારું કેવડું? ઓ હો હો હો…
  મારા વ્હાલમજી બાથ ભરે એવડું!
  મને પૂછે કે ઘર તારું કેવડું?
  આંખ ખટકે ઉજાગરાથી રાતી
  ઝીણા ધબકારે ફાટફાટ છાતી સાંવરિયો રે મારો ‘
  મળતો હોય તો કમુરતા કે ખમુરતાનુ મહત્વ….

  Liked by 2 people

 3. માત્ર દેખાદેખી કે જૂની વિચારધારાને પરિણામે હજી કમુરતા સચવાય છે. બધો બકવાસ છે.

  Liked by 2 people

 4. ખુબજ માહિતી સભર લેખ….ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ…સમજાય એને વંદન…
  ૮૮ ભાગ
  પરાયન ગતી
  કર્ક વૃત્ત નું મિથુન વૃત્ત બનવું
  વસંત સંપાત બિંદુ …૭૨ વર્ષે એક અંશ ખસવું…
  રાશિચક્ર નું ખસવું
  વરાહ મિહિર છઠ્ઠી સદી
  પૂર્ણિમા ઊં u.p.
  મહિનો કુદવવો
  સાચી ઉત્તરાયણ…
  હજુ વધુ માહિતી અને સંદર્ભ જરૂરી

  Liked by 1 person

 5. ગોવિંદભાઈ…કુશળ હશો.

  ખુબજ માહિતી સભર લેખ….ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ…સમજાય એને વંદન… ૮૮ ભાગ પરાયન ગતી કર્ક વૃત્ત નું મિથુન વૃત્ત બનવું વસંત સંપાત બિંદુ …૭૨ વર્ષે એક અંશ ખસવું… રાશિચક્ર નું ખસવું વરાહ મિહિર છઠ્ઠી સદી પૂર્ણિમા in u.p. મહિનો કુદવવો સાચી ઉત્તરાયણ… હજુ વધુ માહિતી અને સંદર્ભ જરૂરી…

  Liked by 1 person

  1. વહાલા અમુલભાઈ,
   નમસ્તે,
   આપના બન્ને પ્રતીભાવ Trashમાં હતા. જે આજે નવો લેખ મુકવાની તૈયારી દરમીયાન મારું ધ્યાન ગયું અને એપ્રુવ કર્યા. આપના બન્ને પ્રતીભાવ માટે હું કૃતજ્ઞ છું.
   આભાર.
   –ગોવીન્દ મારુ

   Liked by 1 person

 6. પાખાંડ પૂજારી ઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા શરીરે પાખાંડ કરતા ધ્રૂજી જતા હશે એટલે કમુરતા નો વહેમ ફેલાવી દીધો

  Liked by 2 people

 7. સમય સાપેક્ષ છે સમય કોઈ ખરાબ કે સારો હોતો નથી માણસનું મન ખરાબ છે એટલે એને સમય ખરાબ દેખાય છે બીજું કમુર્તા કુમુહૂર્ત ખરેખર પણ એ કમૂર્તા આપણા સૌરાષ્ટ્રમાં જ મનાય છે બાકી આખા ભારતમાં ક્યાંય નથી મનાતા ઇવન ગુજરાતમાંય નથી માનતા કોઈ. સૌરાષ્ટ્રમાં ઘર કરી ગયું છે બાકી મુદ્દાની વાત એ છે કે ઠંડી આ સમયમાં ખૂબ પડે એટલે બધાયને તકલીફ થાય એટલે એ સમય દરમિયાન માણસો ને બહાર નીકળવા માટે આ સમય ઠંડી ને કારણે તકલીફ થાય એટલે આ કમુરતા ઘૂસી ગયા છે બહારથી ફોરીન થી આવતા માણસો પણ આ સમયમાં અહીંયા લગ્ન કરીને સારા કામ કરીને જાય છે એટલે ભારતમાં બીજે ક્યાંય મારી જાણ મુજબ કમુરતા મનાવવામાં આવતા જ નથી ફક્ત સૌરાષ્ટ્રના માણસોમાં ઘર કરી ગયેલ ગેરમાન્યતા છે સમય કશો ખરાબ હોતો નથી.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s