સોનેરી ગરુડ (ધોળવો)

સોનેરી ગરુડ મોટું શીકારી પક્ષી છે. તેના ભારે પીંછાવાળા પગના લીધે તેને ‘બુટેડ ઈંગલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં સામાન્ય રુપે દેખાતું ગરુડ સમડી જેવડા કદનું પણ [……….…….]

પક્ષી પરીચય : 7

સોનેરી ગરુડ (ધોળવો)

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : સોનેરી ગરુડ
હીન્દી નામ : उकाब
અંગ્રેજી નામ : Tawny Eagle
વૈજ્ઞાનીક : Aquila rapax

પરીચય :
સોનેરી ગરુડ મોટું શીકારી પક્ષી છે. તેના ભારે પીંછાવાળા પગના લીધે તેને ‘બુટેડ ઈંગલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આપણે ત્યાં સામાન્ય રુપે દેખાતું ગરુડ સમડી જેવડા કદનું પણ ભારે શરીરવાળું શીકારી પક્ષી છે. આ ગરુડની બે જાતો જોવા મળે છે. એક સમડી જેવા ધેરાશ પડતા બદામી કાળા રંગની અને બીજી ધોળકાતા ભુખરા રંગવાળી. આ પક્ષી ઉડતું હોય ત્યારે વર્તુળાકાર પુંછડી પરથી એને ઓળખી શકાય છે. સોનેરી ગરુડની પુંછડી ગીધની પુછડીની જેમ ટુંકી નથી પણ સમડીની પુંછડી જેવી હોય છે, જો કે એમાં ખાંચ નથી. તેની લાંબી ગરદન અને આંખ વચ્ચે જગ્યા હોય છે. તેની ચાંચ લાંબી હોય છે પરન્તુ પાંખો અને પગ ટુંકા હોય છે. ચાંચ અને માથું મજબુત હોય છે. તેનો ચહેરો એકદમ ઉગ્ર દેખાય છે. પુખ્તોની આંખો પીળાથી આછા બદામી અને પીળાથી બદામી સુધીની હોય છે. પુખ્તવયના પક્ષીઓનો રંગ ગ્રે–બ્રાઉન હોય છે જે માદા કરતાં થોડાક મોટી હોય છે.

સોનેરી ગરુડ ઉડે છે ત્યારે તેની લાંબી ગરદન નોંધપાત્ર રીતે બહાર નીકળેલી દેખાય છે. તેની લાંબી પહોળી પાંખો હોય છે અને પુંછડી ગોળાકાર મધ્યમ લંબાઈની હોય છે. તેથી આ પક્ષીને ધેરા રંગવાળા અને લાંબા પાંખવાળા ગરુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સફાઈ કામદાર અને શીકારી પક્ષી બન્ને રીતે ઓળખાય છે. તેની લંબાઈ 65 થી 72 સે.મી. અને વજન 2.0થી 2.5 કીલો જેટલું હોય છે. સોનેરી ગરુડના પીળા રંગનાં પીંછાં તેના પગને ઢાંકી દે છે. તે મેદાની ગરુડથી તદ્દન વીપરીત મોટાભાગે બેઠાડુ અને બીન સ્થળાંતર કરનારું છે. તે કેટલીક મોસમ પ્રમાણે હીલચાલ કરે છે. તેઓ જંગલી અવસ્થામાં ઓછામાં ઓછા 16 વર્ષ સુધી જીવી શકે છે. આ પક્ષી ગુજરાતનું ખાસ ગરુડ છે. વળી તે આપણે ત્યાંનું સ્થાયી અધીવાસી પણ છે.

આવાસ :
સોનેરી ગરુડ એકલ યા જોડીમાં ફરનારું પક્ષી છે. વન અને જંગલો કરતાં એને ખુલ્લા પ્રદેશો વધુ માફ્ક આવે છે. જ્યારે સંવર્ધન ન થાય ત્યારે સુકા જંગલો અને અર્ધરણમાં રહે છે. તે ખેતી લાયક જમીનો, રસ્તાના કીનારે, ડેમ, ઢોરના ગોચર કે રમતના વીસ્તારોમાં જ્યાં ખોરાકની ઉપલબ્ધતા હોય ત્યાં જોવા મળે છે.

આહાર :
સોનેરી ગરુડનો ખોરાક ઉંદર, ખીસકોલી, સાપ, દેડકાં, ગરોળી, નબળા માદા પક્ષી અને વાસી મુડદાલ માંસ છે. બચ્ચાં માટે ખોરાક પુરો પાડતી વેળા એ નોળીયા, સસલાં, લોકડી વગેરે જેવાં મોટાં પ્રાણીઓ પર પણ હુમલા કરે છે. આવા હુમલા નર અને માદા ભેગાં થઈને કરતાં હોય છે. લાગ ફાવ્યે યા પેધી જતાં તે મુરઘીવાડામાં પેસી જઈ બચ્ચાં તેમ જ નાનાં મુરઘાંને પણ ઉપાડી જાય છે.

શીકારની શોધમાં સોનેરી ગરુડ આખો દીવસ આસમાનમાં ચકરાવા લેતો હોય છે. શીકાર નજરે પડતાં તે તરત નીચે ઉતરી આવે છે. મરેલાં પ્રાણીઓનો નાસ્તો ઉડાવવાનું ગીધ શરુ કરે તે પહેલાં સોનેરી ગરુડ ત્યાં પહોંચી જાય છે.

પ્રજનન :
સોનેરી ગરુડની માળા બાંધવાની ઋતુ નવેમ્બરથી એપ્રીલની છે. નર સંવનન વખતે આકાશમાં ગુલાંટો મારી જે કસબ દેખાડે છે તે ખુબ રમુજ ઉપજાવે તેવો છે.

આ પક્ષી પોતાનો માળો સામાન્ય રીતે ખુલ્લામાં ગામની નજદીક આવેલ બાવળના યા તો એવા કોઈ કાંટાળા એકલ ઝાડની ટોચે બાંધે છે. તે સામાન્ય રીતે રક્ષણ માટે જમીનથી 6થી 15 મીટરની ઉંચાઈ ઉપર કાંટાદાર ડાળીઓને વધારે પસંદ કરે છે. ભારતમાં આ પક્ષીઓ વારંવાર એક ઝાડમાં માળો બાંધે છે. આ માળો પહોળા સપાટ, છીછરા અને સળેકડીઓ ગોઠવીને બનાવાય છે. તેની ઉપર ઘાસ, પાંદડાં, અને કાગળ જેવી વસ્તુઓ પાથરી તે મુલાયમ શય્યા જેવું પ્રસુતીગૃહ તૈયાર કરે છે.

માદા 40થી 45 દીવસ સુધી ઈંડાં સેવે છે. ઈંડાં મુક્યા પછી માદા માળામાં બેસી રહે છે. બચ્ચાં ઈંડાંમાંથી બહાર નીકળ્યા પછી દેખીતી રીતે ખુલ્લા માળામાં અને તડકામાં તેમનો ઉછેર કરવામાં આવે છે. બચ્ચાં જન્મે છે ત્યારે નીચે સફેદ રંગથી ઢંકાયેલાં હોય છે. તેમની ચાંચ કાળી હોય છે અને પગે પીળા વાળ હોય છે. તેમની આંખો ભુરી હોય છે. બે અઠવાડીયા પછી બચ્ચાંને જાડા સફેદ વાળ આવવા લાગે છે. ત્રણ અઠવાડીયામાં તો તે થોડા થોડા ઉભા રહેતાં જોવા મળે છે. સાત અઠવાડીયા સુધીમાં તો મોટાભાગના પીંછા આવી જાય છે.

જન્મ સમયે બચ્ચાંનું વજન 80થી 85 ગ્રામ જેટલું હોય છે. સામાન્ય રીતે માળામાંથી નીકળ્યા પછી એક જ બચ્ચું જીવીત રહે છે. કારણ કે પહેલું બચ્ચું જન્મે છે તે તેની પાછળ જન્મતાં બચ્ચાંને તે ઘણીવાર મારી નાખે છે. શરુઆતના 10 દીવસ સુધી માતા–પીતા દ્વારા નવા જન્મેલા બચ્ચાંને ખોરાક આપવામાં આવે છે. બચ્ચાં 10–12 અઠવાડીયાનાં થાય પછી માળો છોડી દેવા સક્ષમ બની જાય છે.

સોનેરી ગરુડનો ઈંડાં મુકવાનો સમયગાળો ઝામ્બીયા, ઝીમ્બાબ્વે, આફ્રીકા, ઘાના અને ઈથોપીયામાં અલગ અલગ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બીહારમાં મુખ્યત્વે તે જાન્યુઆરીમાં ઈંડાં મુકે છે. માદા લાલ–બદામી છાંટણાંવાળાં એકથી ત્રણ સફેદ ઈંડાં મુકે છે. માળો બાંધવામાં નર–માદા બન્ને ભાગ લે છે પણ ઈંડાં સેવવાનું કામ એકલી માદા કરે છે. ઈંડામાંથી બચ્ચાં નીકળ્યા બાદ તેનું ઉદરપોષણ નર–માદા બન્ને કરે છે.

પ્રાત્તીસ્થાન :
સોનેરી ગરુડ આફ્રીકામાં દરેક જગ્યાએ અને દક્ષીણપુર્વ એશીયાથી ભારતના તમામ પ્રદેશોમાં જોવા મળે છે. તે ભારતીય ઉપખંડ ઉપરાંત પાકીસ્તાન, વીયેતનામ, થાઈલેન્ડ, શ્રીલંકા, અફ્ઘાનીસ્તાન, બાંગ્લાદેશ, બલુચીસ્તાન, નેપાળ, આસામ, બંગાળ, બીહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામીલનાડુમાં જોવા મળે છે.

સં. : પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com જુલાઈ, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–01–2023

2 Comments

  1. સ રસ ચિત્રો સાથે ખૂબ સુંદર લેખ બદલ ધન્યવાદ
    યાદ આવે–
    અમેરિકન ઇગલનું ગીત–અનામી દ્વારા
    હું પર્વતની ટોચ પર મારો માળો બાંધું છું,
    જ્યાં જંગલી પવન મારા ગરુડને આરામ કરવા માટે રોકે છે,
    જ્યાં વીજળી ચમકે છે અને ગર્જનાઓ તૂટી પડે છે,
    અને રોરિંગ ટોરેન્ટ્સ ફીણ અને આડંબર;
    મારા આત્મા માટે હવેથી મુક્ત રહેશે
    લિબર્ટીના પુત્રોનો એક પ્રકાર.

    Liked by 1 person

  2. ક્યારેય ન નજરે ન આવતાં પંખીઓની ખૂબી વિશે પ્રસ્તુત જાણકારીથી એ ભૂલાઈ ગયેલાં પંખીઓની જાણે નવેસરથી ઓળખ થાય છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s