આપણે વીકલાંગને ‘દીવ્યાંગ’ નામ આપી દીધું, અને તેઓ ‘દીવ્ય’ શક્તી ધરાવતા હોવાની સરકારી રાહે વાર્તા કરી, પણ ખરેખર તેમના ગૌરવ માટે કશું કરાયું ખરું? ગૌરવ તો દુરની બાબત ગણાય, તેમની મુળભુત જરુરીયાતને લક્ષમાં રાખીને કશાં પગલાં લેવાયાં?
એક પગ ગુમાવનાર
અવકાશયાત્રી બની શકે?
– બીરેન કોઠારી
કોઈ વ્યક્તીની શારીરીક કે માનસીક ક્ષતીને મજાક બનાવવી એ સભ્યતાનું લક્ષણ નથી, એ પ્રજાકીય રીતે અપરીપકવતાની નીશાની છે; પણ આપણે ત્યાં એમ કરવાની પ્રથા સામાન્ય છે. 2022ની ગુજરાત વીધાનસભાની ચુંટણીમાં ‘ડાઉન્સ સીન્ડ્રોમ’ ધરાવતા ‘કમાભાઈ’ નામની વ્યક્તીનો ઉપયોગ લોકોના મનોરંજન થકી પ્રચાર માટે કરવો એ આપણા જાહેર જીવનમાંથી સંવેદનાનો કઈ હદે લોપ થયો છે એનું સુચક છે. ‘કાણીયો’, ‘લંગડો’, ‘ઠુંઠો’, ‘બાડો’, ‘આંધળો’, ‘બહેરો’ જેવા શબ્દો હજી છુટથી ચોક્કસ પ્રકારની શારીરીક ક્ષતીઓ ધરાવતી વ્યક્તી માટે વપરાતાં જોવા મળે છે.
આવા માહોલમાં એક સમાચાર ખરેખર આનંદ પમાડનારા છે, ભલે એ આપણા દેશના નથી. ‘યુરોપીયન સ્પેસ એજન્સી’ (ઈ.એસ.એ.) દ્વારા તેના અવકાશી કાર્યક્રમ માટે અવકાશયાત્રીઓની ભરતી કરવામાં આવી. આમાં જહોન મેક્ફૉલ નામના 41 વર્ષીય માણસની પસંદગી થઈ એ બાબત વીશીષ્ટ છે. મેક્ફૉલ વીકલાંગ છે. મોટર સાઈકલના એક અકસ્માતમાં માત્ર 19 વર્ષની વયે તેમણે પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. અલબત્ત, એમ થયા પછી હીમ્મત હારીને તેઓ બેસી રહ્યા ન હતા. 2008ની બીજીંગ પેરાલીમ્પીક રમતોમાં તેમણે દોડવીર તરીકે યુ.કે.નું પ્રતીનીધીત્વ કર્યું હતું અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. હવે તેમની પસંદગી અવકાશયાત્રા માટે થવામાં તેમની વીકલાંગતાએ ચાવીરુપ ભુમીકા ભજવી છે.
અવકાશયાત્રાને હજી ઘણી વાર છે, અને આ દાયકાની આખર સુધીમાં ઈ.એસ.એ. દ્વારા ચંદ્ર પર પોતાના પહેલવહેલા અવકાશયાત્રીને મોકલવામાં આવશે. આ માટે ઈ.એસ.એ. પાસે લાયક ઉમેદવારોની બાવીસેક હજાર અરજીઓ આવી હતી. એ પૈકી દ્વીતીય તબક્કામાં 1,361 અરજીઓની પસંદગી થઈ હતી, જેમાં કુલ 257 વીકલાંગ ઉમેદવારો પૈકીના 27ની અરજીનો સમાવેશ થતો હતો. શરીરના નીચલા અંગની ચોક્કસ પ્રકારની ક્ષતીઓ હોય એવા ઉમેદવારની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમ કે, પગનો નીચલો હીસ્સો ન હોય, જન્મથી જ યા કોઈ અકસ્માતને કારણે અંગ ટુંકાં હોય અથવા ઉમેદવારની ઉંચાઈ 130 સે.મી.થી ઓછી હોય.
મેક્ફૉલ હાલ તબીબ તરીકે કાર્યરત છે. તેમની પસંદગી થઈ છે, પણ હજી તેમણે વીવીધ પ્રકારની તાલીમમાંથી પસાર થવું પડશે. માનસીક, વ્યાવસાયીક, જાણકારીની રીતે તેમજ ટેક્નીકલ રીતે અવકાશયાત્રી બનવા માટે લાયકાત ધરાવતા હોય; પણ પ્રવર્તમાન યાંત્રીક વ્યવસ્થાને કારણે શારીરીક ક્ષતીને લઈને અવકાશયાત્રી તરીકે પસંદગી ન પામી શકે એવા ઉમેદવારો માટે ઈ.એસ.એ. દ્વારા ‘પેરાસ્ટ્રોનોટ્સ’ જેવો શબ્દપ્રયોગ પ્રયોજવામાં આવ્યો છે. હજી ઈ.એસ.એ. પણ વીકલાંગ અવકાશયાત્રીને મોકલવા માટેની શક્યતાઓ પર કામ કરી રહી છે.
મેક્ફૉલે એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર પોતાના પગની વીકલાંગતાને લઈને અવકાશયાત્રી બની શકવાની શક્યતા અંગે પોતે કદી વીચાર સુદ્ધાં કર્યો ન હતો. સમસ્યાઓને ઓળખવાના, ઉકેલવાના અને અવરોધોને ઓળંગવાના પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય સામાન્ય લોકોની જેમ જ કરવા બાબતે પોતે અતી ઉત્સાહીત છે. મેક્ફૉલે એમ પણ કહ્યું હતું કે અવકાશમાં વીકલાંગ વ્યક્તીને મોકલવાથી થતા વ્યવહારુ સવાલોના જવાબ મેળવવા માટે પોતે આતુર છે. અલબત્ત, હજી એ સોએ સો ટકા નક્કી નથી કે મેક્ફૉલ અવકાશમાં જશે જ, છતાં ઈ.એસ.એ. દ્વારા એમ કરવાના બનતા પ્રયાસો અવશ્ય કરવામાં આવશે એમ જણાવાયું છે. કારણ? ઈ.એસ.એ. દ્વારા અગાઉ પણ વીકલાંગોને અવકાશી કાર્યક્રમમાં ઉમેદવારી નોંધાવવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. તેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વીવીધતા અને સમાવેશકતા તરફની સમાજની અપેક્ષાઓ બદલાઈ છે. વીશીષ્ટ જરુરીયાત ધરાવતી (વીકલાંગ) વ્યક્તીઓને આ કાર્યક્રમમાં સમાવવાનો અર્થ એ પણ છે કે તેમના અસાધારણ અનુભવમાંથી, મુશ્કેલ પરીસ્થીતીમાં અનુકુલન સાધવાની તેમની ક્ષમતા અને દૃષ્ટીકોણ થકી સમાજને પણ લાભ થશે.
સર્વસમાવેશકતાનો આ ખ્યાલ માનવીય ગૌરવને અનુરુપ છે, અને ઈ.એસ.એ. પોતાના અવકાશી કાર્યક્રમ થકી તેનો અમલ કરવાની પહેલ દર્શાવે એ એક ઉમદા ચેષ્ટા છે. આપણે વીકલાંગને ‘દીવ્યાંગ’ નામ આપી દીધું, અને તેઓ ‘દીવ્ય’ શક્તી ધરાવતા હોવાની સરકારી રાહે વાર્તા કરી, પણ ખરેખર તેમના ગૌરવ માટે કશું કરાયું ખરું? ગૌરવ તો દુરની બાબત ગણાય, તેમની મુળભુત જરુરીયાતને લક્ષમાં રાખીને કશાં પગલાં લેવાયાં? ખેર, આ તો સરકારી નીતીની વાત થઈ; પણ એક સમાજ તરીકે, નાગરીક તરીકે આપણે તેમને સમાન ગણતા થયા ખરા? તેઓ હજી દયા, તીરસ્કાર અને મજાકને પાત્ર ગણાય છે. તેમને પડતી અગવડો એવી હોય છે કે અનુકંપા સીવાય બીજો ભાવ જ પેદા ન થાય!
અસમાનતામાં પણ આપણે કેટકેટલું વૈવીધ્ય જાળવ્યું છે! પુરુષ-સ્ત્રી અસમાનતા, કોમ વચ્ચેની અસમાનતા, જ્ઞાતી વચ્ચેની અસમાનતા, અમીર-ગરીબની અસમાનતા, કામની અસમાનતા અને આવી તો બીજી અનેક! અને આ અસમાનતાનો રોગ હવે બારમાસી બની રહ્યો છે. રાજકારણીઓ પ્રજાના મનમાં ઉંડે સુધી ઉતરેલા અસમાનતાનાં મુળીયાંને નાબુદ કરવાને બદલે ખાતર-પાણી પાઈ પાઈને બરાબર મજબુત કરી રહ્યા છે.
હજી ગટરસફાઈનું કામ ચોક્કસ જ્ઞાતી પુરતું જ મર્યાદીત છે અને તેમાં ફેરફાર સાવ ધીમી ગતીએ થઈ રહ્યો છે. એ પુર્ણપણે નાબુદ થાય એ પહેલાં કોને ખબર તે કેટલાયનો ભોગ લેશે!
અલબત્ત, અસમાનતા કેવળ ભારતનો ઈજારો છે એમ નથી. વીશ્વભરમાં તે એક યા બીજે સ્વરુપે વ્યાપેલી છે. પણ આપણા સાંસ્કૃતીક મીથ્યાગૌરવની દુહાઈઓ વચ્ચે આવી અસમાનતા વીરોધાભાસ પેદા કરે છે. આવા માહોલમાં મેક્ફૉલની પસંદગી કરવાનું પગલું અભીનંદનીય છે. આ પગલું એક નવી કેડી કંડારવામાં નીમીત્ત બની રહેશે, જેમાં માનવગૌરવનો વીજય હશે, એમ કહેવામાં જરાય અતીશયોક્તી નથી.
– બીરેન કોઠારી
‘ગુજરાતમીત્ર’, દૈનીકમાં ચીન્તક–લેખક શ્રી. બીરેન કોઠારીની લોકપ્રીય કટાર ‘ફીર દેખો યારોં’ દર ગુરુવારે નીયમીત પ્રગટ થાય છે. તા. 08 ડીસેમ્બર, 2022ની એમની કટારમાંનો આ લેખ, લેખકશ્રીના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Biren Kothari, A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara. Pin Code: 390 023 Mobile: +91 98987 89675 બ્લૉગ : Palette – (અનેક રંગોની અનાયાસ મેળવણી) http://birenkothari.blogspot.in ઈ.મેલ : bakothari@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 20–01–2023
મેક્ફૉલની પસંદગી અભીનંદનીય છે.
LikeLiked by 1 person
ધન્યવાદ… પ્રજ્ઞાદીદી,
-ગો.મારુ
LikeLike
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
‘એક પગ ગુમાવનાર અવકાશયાત્રી બની શકે?’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLiked by 1 person
Khubaj sachot Lekh chhe. Ghanu vastavik Jivan maa compromise Karve pade chhe. Vanchi ne samjwano Aanand thayo chhe.
LikeLiked by 1 person
સરસ લેખ
LikeLiked by 1 person