વીકાસ એટલે શું? વંચીતોને આધારહીન કરીને, સંગઠીત ક્ષેત્રના લોકોની સુખાકારીમાં વધારો કરવાની બાબતને વીકાસ કહી શકાય? વીકાસ કોના માટે? […………]
ડુબે ફુલડાં, તરે પથ્થરો
– ઈન્દુકુમાર જાની
ગામડાંના સફાઈ કામદારો કે કાળી મજુરી કરતા અસંગઠીત ક્ષેત્રના આદીવાસીઓ કલ્યાણરાજ્યનાં ફળ ચાખી શક્યા નથી, વળી એમની પાસે જે તકો હતી એ પણ વીકાસના નામે ઝુંટવી લેવામાં આવી. અંત્યોદય ક્યારે થશે? કદાચ, આ પ્રશ્ર કાયમ માટે પુછાતો રહેશે. પરીણામ ઉલટું આવ્યું છે : વંચીતો વધુ વંચીત બન્યાં છે, અસમાનતા વધી છે. માણસ વંચીત કઈ રીતે બને છે? કારણો ઉઘાડાં છે; પરન્તુ તેના ઉપાય માટે ગંભીરતાનો, શુભનીષ્ઠાનો અભાવ છે.
[1]
માણસ વંચીત ત્યારે બને, જ્યારે કુદરતી સંપત્તી ઉપર સ્થાપીત હીતોએ કબજો જમાવી દીધો હોય… આદીવાસી અર્થતંત્રમાં કૃષીનું મહત્ત્વ છે પરન્તુ તેનાથી આદીવાસીઓની બહુ ઓછી જરુરીયાતો સંતોષાય છે. કૃષીથી ફક્ત અનાજ મળે છે, તેમનું બાકીનું જીવન વન આધારીત છે. ફળ, ફુલો, પાંદડાંઓ, કંદમુળ, શાકભાજી વનમાંથી મળે છે. નદી, ઝરણાંમાંથી માછલીઓ ને કરચલા મળી રહે છે. કૃષી અને વનપેદાશ એકબીજાનાં પુરક છે. આદીવાસીઓ અમુક વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. આવી ખરીદી માટે નાની વનપેદાશોનો વીનીમય કરે છે અથવા તેનું વેચાણ કરીને મેળવેલ નાણાંનો ઉપયોગ કરે છે. વધારે નાણાંની જરુર પડે તો બહાર બીજી કોઈ જગ્યાએ કામ કરીને પૈસા રળે છે. આ રીતે મીઠું, તેલ, કપડાં જેવી સામાન્ય જરુરીયાતોને પુરી કરે છે. જન્મ, લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોએ આદીવાસીઓને વધારે નાણાંની જરુર પડે છે, તે વખતે એકબીજાને મદદ કરીને કે પશુઓની અદલાબદલી કરીને આ પ્રકારની જરુરીયાતો પુરી કરવામાં આવે છે. આ પશુઓની ખાસ દેખભાળ કરવામાં આવતી નથી, તે વનમાં ચરે છે ને કુદરતી રીતે જ વીકાસ પામે છે. ઝુંપડી બાંધવા વાંસ અને ખોરાક રાંધવા તથા ઝુંપડાને ગરમ રાખવા બળતણનાં લાકડાંની જરુરીયાત રહે છે. આમ વન સાથે ગુંથાયેલું આદીવાસીઓનું જીવન, સરકારનો અને સ્થાપીત હીતોનો પગ જંગલમાં પડતાં જ છીન્નભીન્ન થઈ જાય છે. જંગલની જમીન સંપાદીત કરીને, તેનું વળતર આપીને આદીવાસીઓને પોતાના પ્રદેશમાંથી ખસી જવાની ફરજ પાડવામાં આવે ત્યારે ખેતી સીવાયનાં અન્ય કુદરતી સાધનસંપત્તી સાથે આદીવાસીઓના સમ્બન્ધો પર ધ્યાન અપાતું નથી. આપણી માન્યતા એવી છે કે કુદરતી સાધનસંપત્તી સરકારી સંપત્તી છે, અને તેથી આદીવાસીઓના આજીવીકા માટેના અધીકાર પ્રત્યે ધ્યાન આપવું જરુરી નથી. આદીવાસીઓનો સરકાર સામેનો સંઘર્ષ અહીંથી શરુ થાય છે. જમીન સંપાદન કાયદાનો ઉપયોગ કરનારાઓ આ સ્થીતી સમજી શકતા નથી. સ્થાનીક લોકોનું શું થશે એની ચીંતા સરકાર કરતી નથી. દેડીયાપાડામાં 650 ચો.કી.મી. વીસ્તારમાં વન્યપ્રાણી અભયારણ્ય એકાએક ઉભું કરી દીધું, અને આદીવાસીઓ પોતાની આજીવીકા, સલામતી, પોતાના માનવ અધીકારો શોધવા લાગ્યાં. વીસ્થાપન પછી મોટાભાગના આદીવાસીઓ સાધનવીહોણા થઈ જાય છે ને પોતાની સામાજીક ઓળખ પણ તેઓ ખોઈ બેસે છે. આપણા બંધારણમાં કોઈ પણ વ્યક્તીને તેની જીંદગી અને તેની જીંદગીના આધારથી વંચીત કરવાનો અધીકાર નથી. વ્યક્તીના જીવનનો આધાર રુપીયા આપીને લઈ શકાતો હોય તેવો કાયદો બંધારણની ભાવનાનો ભંગ કરે છે. માનવીય અધીકારોનું ઉલ્લંઘન કોઈ કાયદો કરી શકે નહીં.
સ્થાપીત હીતોએ વનમાંથી જાગીરો ઉભી કરી છે. આદીવાસીઓ ભુમીહીન મજુરો થઈને શહેરની ગંદી ફુટપાથ ઉપર કે ખેતરોના શેઢા ઉપર સલામતી શોધતા રહે છે. વંચીત આદીવાસી પોતાની નાની અમથી જરુરીયાત માટે જંગલનો ઉપયોગ કરે તો તંત્રનો બધો ગુસ્સો તેના ઉપર ઉતરે છે, અને સાચો ગુનેગાર હમ્મેશાં બચી જાય છે. આદીવાસીઓને પાંદડાં તોડવાની મનાઈ ફરમાવતું જંગલખાતું સ્થાપીત હીતોને હજારો ટન વાંસ કાપવાનો પરવાનો આપે છે. સરકારને આવક મળે પરન્તુ વંચીતો જંગલપેદાશો પરનો અધીકાર ગુમાવી દે છે, આજીવીકાનો અધીકાર ગુમાવી દે છે. સરકારના હાથે જ માનવ અધીકારનો ભંગ થાય છે. વન્ય પ્રાણી સંરક્ષણ કાયદામાં બંદુક અને ધનુષ્યબાણને એકસરખાં ગણેલ છે. પ્રાણીઓનો સંહાર ધનુષ્યબાણે નહીં પણ બંદુકે કર્યો છે. આ કાયદો ધનુષ્યબાણ લઈને જંગલમાં જવાની આદીવાસીઓને મનાઈ કરે છે. સરકાર એક બાજુ, દારુ પીવાના નાગરીકોને પરવાના આપે છે તો બીજી બાજુ, આદીવાસીઓ પરંપરા મુજબ દારુ પીએ તો તેને ગુનેગાર માને છે. કાયદાનું ઉલ્લંઘન દરેક સ્થીતીમાં કરવું પડે તેવી નવી વ્યવસ્થા સામે આદીવાસી લાચાર છે. બહારની ઔપચારીક વ્યવસ્થા ઠોકી બેસાડવાથી આખો આદીવાસી સમાજ ગુનેગાર બની ગયો. આદીવાસી સમાજમાં સ્વશાસન વ્યવસ્થાનાં સારા પાસાંને નવી વ્યવસ્થામાં વણી લેવાની સમજ સરકાર પાસે રહી નથી. રાજ્યપાલને બંધારણીય સત્તા આપવામાં આવી છે તેનો ઉપયોગ ન થવાને કારણે આદીવાસી વ્યવસ્થાને અનુરુપ ન હોય તેવો કોઈ કાયદો રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે ઘડ્યો હોય તો પણ રાજ્યપાલ સામાન્ય નોટીસ કાઢીને આવો કાયદો અનુસુચીત વીસ્તારો માટે નકારી શકે છે, તેને બદલી શકે છે; પરન્તુ આ અધીકારનો ઉપયોગ કરવાની શુભનીષ્ઠા હજુ સુધી જોવા મળી નથી. વીચીત્રતા એ છે કે આઝાદીનાં આટલાં વર્ષો પછી આદીવાસી સંમેલનોમાં એવી માગણી કરવામાં આવે છે કે અત્યાચારોની તપાસ કરવા સમીતી નીમવી અને સમીતીના અહેવાલ મુજબ ગુનેગાર ઠરેલ અધીકારી સામે પગલાં લેવાં. આ ચીત્કાર રાજ્યપાલોના કાને અથડાઈને પાછો ફર્યા કરે છે.
ઔદ્યોગીકરણ ઝડપી બનાવવા તે માટેનાં સાધનો ઉભાં કરવામાં આવ્યાં. આ સાધનો જંગલો, પહાડોમાં ઉપલબ્ધ હતાં. ખનીજો, લાકડું, વીજળી જેવી સંપત્તી રાષ્ટ્રના આર્થીક વીકાસ માટે આવશ્યક બની ગઈ.
જંગલો–પહાડોના આધારે જીવતા આદીવાસીઓ સ્થાપીત હીતોને આંખના કણાની જેમ ખુંચવા લાગ્યા. પોતાના ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે આદીવાસીઓનાં ઝુંપડાંના દીવા ઓલવી નાખ્યા. વીકાસને બાધક કોઈ તત્ત્વોને સાંખી લેવાશે નહીં તેવી ઘોષણાઓ ખુલ્લેઆમ થવા લાગી. અહીં પ્રશ્ન એ છે કે વીકાસ એટલે શું? વંચીતોને આધારહીન કરીને, સંગઠીત ક્ષેત્રના લોકોની સુખાકારીમાં વધારો કરવાની બાબતને વીકાસ કહી શકાય? વીકાસ કોના માટે? આ પ્રશ્ન ખુબ જ અગત્યનો છે. ચકલી, માછલાં કે મકાઈ–તાડીથી પેટ ભરતા આદીવાસીઓને કાયમ તે સ્થીતીમાં રાખવા કે એમને પ્રદર્શનની વસ્તુ તરીકે રાખવા એ ગુનો ગણાવો જોઈએ. કરુણતા એ છે કે દરેક સ્થળે સહન કરવાનું આદીવાસીઓને આવે છે, અને વીકાસના લાભો અન્ય લોકોને મળે છે. જમવામાં જગલો અને કુટવામાં ભગલો! સ્થાપીત હીતોને કાયમ જમવાનું અને વંચીતોને કાયમ કુટવાનું. કવીએ કહ્યું છે : મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફુલડાં (વંચીતો) ડુબી જતાં ને પથ્થરો (સ્થાપીત હીતો) તરી જાય છે!
કુદરતી સંપત્તી–સાધનોનો ઉપયોગ વીકાસ માટે કરવામાં આવે ત્યારે બે પુર્વશરત હોવી જોઈએ : (1) આવી સંપત્તી ઉપર આધાર રાખતા લોકોને વૈકલ્પીક આર્થીક આધાર પુરો પાડ્યા પછી જ આવી સંપત્તીનો ઉપયોગ કોઈ સંસ્થા કે સરકાર કરી શકે. (2) આ નવો આધાર અગાઉના આધાર કરતાં સબળ હોવો જોઈએ.
[2]
માણસ વંચીત ત્યારે બને છે, જ્યારે ઉત્પાદનનાં સાધનો ઉપર વચેટીયાનો કબજો હોય… વંચીતોનું શોષણ કરીને બેઠાડુ જમીનદારો ઉભા થયા. આદીવાસીઓ મજુર બની ગયા. ‘ખેડે તેની જમીન’ આ સીદ્ધાંતનો અસરકારક અમલ સરકાર કરાવી શકી નહીં. સ્થાપીત હીતોએ જમીન સોંપી નહીં, જે જમીન જતી રહેલી તે પરત મેળવી લીધી. અત્યાચાર નીવારણ ધારા હેઠળ જમીન પડાવી લેવી કે નામફેર કરાવી લેવી તેને ખાસ ગુનો ગણવામાં આવ્યો છે; પરન્તુ ઘણું મોડું થયું છે. વંચીતોને સરકારે ફાળવેલી કે ભુમીદાનમાં મળેલી જમીનો પણ બેઠાડુ વચેટીયાઓએ મેળવી લીધી છે. જમીનનો કબજેદાર હમ્મેશાં ફાવે છે કેમ કે કબજેદાર જમીનમાંથી જે આવક મળે તેનાથી પોતાનો કેસ એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં લઈ જાય છે, જ્યારે વંચીતો તેમ કરી શકતા નથી. બે હક્ક વચ્ચે સંઘર્ષ ચાલે છે. એક બાજુ જીવન જીવવાનો હક્ક છે અને બીજી બાજુ મીલકતનો હક્ક છે. અગ્રતાની દૃષ્ટીએ મીલકતના હક્ક કરતાં જીવન જીવવાનો અધીકાર ઘણો આગળ છે; પરન્તુ આપણા વહીવટીતંત્રને હમ્મેશાં મીલકતના હક્કની ચીંતા વધુ રહે છે.
જમીન સાથે આદીવાસીઓનો સમ્બન્ધ મા–દીકરા જેવો છે; પરન્તુ આર્થીક પછાતપણાને કારણે વંચીતો ઉત્પાદનનાં સાધનો ઉપરનો પોતાનો હક્ક લાંબો સમય સાચવી શકતા નથી. બીજી તરફ વચેટીયાઓ આ તકનો લાભ લઈને જમીન પડાવી લે, નામફેર કરાવી લે. જે જમીનને આદીવાસી વહાલ કરતો હોય છે તે જમીન સરકારી ચોપડે બીજાના નામે ચડી ગઈ હોય છે. આપણું ન્યાયતંત્ર વંચીતને વીલંબ સીવાય કશું આપતું નથી. સુરત, ભરુચ અને વલસાડ જીલ્લાના આદીવાસીઓની જમીનોમાંથી વચેટીયાઓએ કરોડો રુપીયા ઉભા કર્યા છે. વંચીતોનો અંગુઠો નજીવી કીંમતે પડાવી લેવામાં આવે છે. જમીનની માલીકી વંચીતોને મળે તો તેનાં સુંદર પરીણામો મળે. સૌરાષ્ટ્રના પટેલો અગાઉ ગીરાસદારોના વેઠીયા જેવી જીંદગી જીવતા હતા. 1948માં સૌરાષ્ટ્ર સરકારે આ વેઠીયાઓને જમીન અપાવી. જમીનની માલીકી પટેલોના હાથમાં આવતાં, તેઓ આર્થીક વીકાસ સાધી શક્યા અને આગળ જતાં દરેક ક્ષેત્રમાં કબજો મેળવી લીધો છે. સાર એ કે જમીનની માલીકી જમીન ખેડે તેની પાસે હોવી જોઈએ.
આ માટે જરુરી છે :
(1) જમીન જે ખેડે છે તેની પાસે કબજો ચાલુ રહેવો જોઈએ. (2) ગામડાંમાં લોકોની હાજરી વચ્ચે આ બાબતની ઘોષણા થવી જોઈએ અને સરકારી રેકર્ડમાં ગણોતીયા અંગે નોંધ થવી જોઈએ. (3) બેઠાડુ જમીનદારો અધીકારનો ઈન્કાર કરીને ગણોતીયાને કાઢી મુકે તો તેને પુરેપુરું રક્ષણ સરકારે પુરું પાડવું જોઈએ. (4) જો આવું પુરેપુરું રક્ષણ સરકાર ન આપી શકે તો, સ્વરક્ષણ માટેનો અધીકાર વંચીતો પાસેથી કોઈ લઈ શકે નહીં. (5) આદીવાસીઓ જે જમીન ખેડે છે તે તેમના નામે કરવી. (6) ટીમરુપાન, મહુડા કે અન્ય ગૌણ પેદાશો એકત્ર કરનારને તે પેદાશોનો માલીકીહક્ક આપવો અને આ પેદાશોનું વેચાણ સહકારી મંડળી મારફતે થાય તે જોવું. (7) મોટાભાગના ડેમ આદીવાસી વીસ્તારોમાં છે છતાં સીંચાઈનો લાભ તેમને મળતો નથી. કુવા માટે, લીફ્ટ ઈરીગેશન માટે સરકારે આર્થીક સહાય કરવી. (8) માલીકીની જમીનમાં ઉછરેલા સાગ કે અન્ય પંચરાઉ ઝાડને કાપવાની મંજુરી આપવી. વંચીતોને અંગત જરુરીયાત માટે કે મકાન બાંધવા માટે સસ્તી કીંમતે લાકડાં આપવાં. (9) સરકારે જાહેર કરેલ અભયારણ્યોમાં રહેતા આદીવાસીઓના ઢોર ચારવાના, ગૌણ પેદાશો એકત્ર કરવાના, ખેતી કરવાના તેમ જ અન્ય હક્કોને માન્ય રાખવા અને આવાં જંગલોમાંથી આદીવાસીઓને તેમની મરજી વીરુદ્ધ ખસેડવા નહીં.
પાણી ઉપર ધનીક લોકોનો કબજો છે. આપણી કૃષી સીંચાઈલક્ષી છે. જોરુકા લોકો ભુગર્ભ જળ ખેંચી લે છે. ફુવો, વીજળી, એન્જીન વગેરે દ્વારા ભુગર્ભ પાણી ઉપર ધનીક લોકોનો કબજો થઈ ગયો છે. સરકારી સીંચાઈ યોજનાઓ રાહતભાવે પાણી પુરું પાડે છે. આશય એ હતો કે વધુ અનાજ પેદા થાય; પરન્તુ આવું પાણી મેળવનારા વ્યક્તીગત નફાને ધોરણે તમાકુ, મગફળી કે શેરડી ઉગાડે છે. પાણીની અછત છે ત્યારે વ્યક્તીગત નફાના બદલે રાષ્ટ્રીય હીત અને સામાજીક ન્યાયના ધોરણે જ સરકારી સીંચાઈ યોજનાનો ઉપયોગ થવો જોઈએ. વળી નદી, તળાવ, સીંચાઈ યોજનામાંથી પોતાના ઉપયોગ માટે માછલાં પકડવાનો વંચીતોને અધીકાર હોવો જોઈએ. અમદાવાદથી ખંભાતના અખાત સુધી સાબરમતી એટલી દુષીત થઈ ગઈ છે કે એનું પાણી પશુઓ પણ પી શકતાં નથી. સાબરમતીની આજુબાજુ ફુવાઓનાં, ડંકીઓનાં પાણી પણ દુષીત થઈ ગયાં છે. આમ ધનીક લોકો પોતે પાણીનો છુટથી ઉપયોગ કરે છે અને વંચીતો પાણીનો ઉપયોગ કરી શકે નહીં તેવી સ્થીતી ઉભી કરે છે. નાછુટકે વંચીતોને ગંદું પાણી પીવું પડે છે. (ક્રમશ:) (અસલ સ્રોત : નયા માર્ગ, મે 16, 1995)
ઈન્દુકુમાર જાની
સ્મરણીય ઈન્દુકુમાર જાની સમ્પાદીત લોકપ્રીય પુસ્તીકા ‘આસુંભીનાં રે હરીના લોચનીયાં’માંથી.. લેખક અને સમ્પાદકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ સ્મરણીય ઈન્દુકુમાર જાની આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 27–01–2023
સ્વ.ઈન્દુકુમાર જાની ‘ડુબે ફુલડાં, તરે પથ્થરો’ અભ્યાસુ લેખમા આદીવાસીઓનું જીવન, સ્થાપીત હીતોનો પગ જંગલમાં પડતાં જ છીન્ન ભીન્ન થઈ જાય છે તે અંગે વિસ્તારપુર્વક સમજાવ્યું.આ અંગે
યોગ્ય પગલા તાકીદે લેવાય તેવી આશા
LikeLiked by 1 person
સ્વ.ઈન્દુકુમાર જાની ‘ડુબે ફુલડાં, તરે પથ્થરો’ અભ્યાસુ લેખમા આદીવાસીઓનું જીવન, સ્થાપીત હીતોનો પગ જંગલમાં પડતા આદીવાસીઓ ની જિંદગી બરબાદ થઇ અંધકાર મય થઇ જાયછે. એ મેં ઘણી બધી વ્યક્તિઓ અને ખૂદ આદીવાસી પ્રજા પાસેથી પણ સાંભયું છે.
સરસ લેખ બદલ આભાર.
LikeLiked by 1 person