તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રી ડેવીડ હીલ્બર્ટ અને 186 વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે જ્યોતીષશાસ્ત્રમાં વીજ્ઞાન નથી પણ લોકોને મુર્ખ બનાવવાની કલા થોડા પ્રમાણમાં છે.
જ્યોતીષશાસ્ત્રીઓ
–લક્ષ્મીદાસ ખટાઉ
“ચોક્કસ સમયે નક્ષત્રો, રાશીઓમાં ગ્રહોના સ્થાન પરથી તેના શુભ–અશુભ પ્રભાવ મુજબ સારી–માઠી ઘટનાઓની ભવીષ્યવાણી કરવાનો નીષેધ છે.” – તથાગત્ બુદ્ધ
“તમને જણાશે કે જ્યોતીષશાસ્ત્ર અને બીજી ભેદભરમવાળી વીદ્યાઓ નબળા મનની નીશાની છે. તેથી આવી વીદ્યાઓ આપણા મન પર પ્રભાવ પાડવા મંડે એટલે તરત આપણે કોઈ વૈદ્યને મળવું જોઈએ, પૌષ્ટીક અન્ન ખાવું જોઈએ અને આરામ કરવો જોઈએ.” – સ્વામી વીવેકાનંદ
“વીશ્વભરની સૌથી વધારે જ્ઞાની એવી દશ વ્યક્તીઓને તમે પુછશો કે સૌથી વધારે મુર્ખ કોણ છે તો તેઓ કહેશે કે જ્યોતીષશાસ્ત્રીથી વધારે મુર્ખ વ્યક્તી તેમણે જોઈ નથી.” – ડેવીડ હીલ્બર્ટ વીશ્વનો એક મહાન ગણીતશાસ્ત્રી
“જ્યોતીષશાસ્ત્રીઓ તરફથી ખાનગીમાં તેમ જ જાહેરમાં થતી ભવીષ્યવાણીઓ તથા તેમના તરફથી અપાતા માર્ગદર્શન સામે અમે નીચે સહી કરનારા વૈજ્ઞાનીકો લોકોને સાવધાન કરવા ઈચ્છા ધરાવીએ છીએ. જે લોકો જ્યોતીષશાસ્ત્રમાં માને છે, તેઓએ સમજવું જોઈએ કે આ વીદ્યાને વૈજ્ઞાનીક આધાર નથી. અમે માનીએ છીએ કે જ્યોતીષશાસ્ત્રીઓના જુઠા દાવાઓને પડકારવાનો સમય પાકી ગયો છે.”
– 186 વૈજ્ઞાનીકોની સહીવાળું જાહેર આવેદનપત્ર.
આ 186 વૈજ્ઞાનીકોમાંના 18 તો નોબેલ પ્રાઈઝના વીજેતાઓ હતા.
તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રી ડેવીડ હીલ્બર્ટ અને 186 વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે આ શાસ્ત્રમાં વીજ્ઞાન નથી પણ લોકોને મુર્ખ બનાવવાની કલા થોડા પ્રમાણમાં છે. બાકી ગ્રહો, નક્ષત્રોના શુભ–અશુભ પ્રભાવ એ તો અન્ધમાન્યતાઓ છે અને જ્યોતીષશાસ્ત્ર એક ધતીંગ છે. સમજદાર વ્યક્તીને તો જ્યોતીષશાસ્ત્ર વીરુદ્ધ વધારે કહેવાની જરુર પણ નથી. પણ ઘણા લોકો એ દ્વીધામાં હોય છે કે આ વીદ્યામાં કેટલો વીશ્વાસ રાખી શકાય અથવા આ વીદ્યા કેટલા પ્રમાણમાં ધતીંગ છે. તે માટે અહીં આપેલી માહીતી માર્ગદર્શક બની શકે – જો બુદ્ધી અને તર્કની બારી ખુલ્લી રાખવામાં આવે તો. બાકી જે લોકોને જ્યોતીષના ધંધામાંથી કમાણી કરવી છે અને જેઓ તદ્દન અન્ધશ્રદ્ધાળુ છે તેમના મગજમાં અહીં જે લખાયું છે તે નહીં ઉતરે.
જો કે જ્યોતીષશાસ્ત્રીઓ તો બહુ સારી રીતે પોતાના અનુભવો પરથી જાણે છે કે તેઓ છેતરપીંડી કરીને લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે; પણ પાપી પેટની ખાતર બધું કરવું પડે. કોઈ પણ પ્રમાણીક વ્યક્તી, ઈશ્વરનો ડર રાખનાર વ્યક્તી આ ધંધો કરી ન શકે. લોકોની અજ્ઞાનતા, તેમની આધી, વ્યાધી, ઉપાધીઓના લાભ ઉઠાવી કમાણી કરવી તે એક અધમ પ્રકારનો ધંધો છે. એમ તો છેતરપીંડી અન્ય વ્યવસાયોમાં પણ પ્રવર્તે છે એટલે જ્યોતીષના ધંધામાં પણ છેતરપીંડી છે તે કંઈ અપવાદ નથી એવો બચાવ કરવામાં આવે તો તે પહેલી નજરે તર્કબદ્ધ જણાય; પણ જ્યોતીષશાસ્ત્રીઓ આ વીદ્યાને વીજ્ઞાનમાં ખપાવવા પ્રયાસ કરે છે એટલે વીવાદ ઉભો થાય છે. અન્ય વેપાર–ધંધા – શેરબજાર, ઍસ્ટેટ એજન્ટ, ડૉક્ટરી, વકીલાતના ધંધાની જેમ જ્યોતીષશાસ્ત્ર પણ એક ધંધો છે એમ કબુલી લે તો પછી બે–ત્રણ હજાર વર્ષોથી ચાલતો આવેલ આ વીવાદ બંધ થઈ જાય.
જ્યોતીષશાસ્ત્રના સમર્થનમાં તો બહુ સાહીત્ય પ્રસીદ્ધ થયું છે, થાય છે અને થશે. તેની વીરુદ્ધ પણ થોડું સાહીત્ય પ્રસીદ્ધ થયું છે, થાય છે અને થશે. ઠગવીદ્યાઓમાં સૌથી પુરાણી ઠગવીદ્યા જ્યોતીષશાસ્ત્ર છે. કાયદાની દૃષ્ટીએ તેને છેતરપીંડી ઠરાવવામાં નથી આવી પણ નૈતીક દૃષ્ટીએ તો નીશંક છેતરપીંડી છે. કોઈ વ્યક્તી પ્રમાણીકપણે જન્મ–કુંડલીયો બનાવે, ભવીષ્ય–કથન કરે તો કદાચ ક્ષમ્ય ગણાય પણ જેઓ વીદ્યામાંથી ધન કમાય તેમને તો સફેદ ઠગ કહી શકાય. જ્યારે જ્યોતીષ વીરુદ્ધ બુદ્ધીયુક્ત, તર્કબદ્ધ દલીલો કરવામાં આવે અને જ્યોતીષીઓ પાસે તેનો કંઈ સંતોષકારક જવાબ ન હોય ત્યારે તેઓ આ મુંઝવણભરી દલીલોના જવાબ આપવાને બદલે પોતાના બચાવમાં છટકબારીઓ શોધી કાઢે છે. તેઓ કહે છે કે જ્યોતીષ વીજ્ઞાન નથી. એ તો દૈવી વીજ્ઞાન છે, પરાવીજ્ઞાન છે, સર્વસંપુર્ણ અને અન્ય વીજ્ઞાનોથી ઉચ્ચતમ કક્ષાનું વીજ્ઞાન છે. આ કારણે આ વીજ્ઞાનને કાર્યકારણ નીયમો, સામાન્ય વીજ્ઞાનના નીયમો, ભૌતીક સાબીતીઓ આપવાની જરુર રહેતી નથી. એ તો સ્વયંસીદ્ધ વીજ્ઞાન છે! એકવાર તમે એમ કહો કે જ્યોતીષવીદ્યાને સામાન્ય વીજ્ઞાનના નીયમો લાગુ ન પડે તો આ વીદ્યાને વીજ્ઞાન કહેવાને બદલે તેને અન્ધવીદ્યા, મેલીવીદ્યા, ભુવાવીદ્યા કહેવી એ જ વધારે યોગ્ય ગણાય.
જ્યોતીષવીદ્યા વૈજ્ઞાનીક છે કે ધતીંગ તે પર આ નીબંધમાં વીસ્તૃત ચર્ચા કરવી નથી. આ વીષય પર પણ બહુ સાહીત્ય થયું છે. અહીં તો બહુ જ ટુંકમાં આ કહેવાતી વીદ્યાના મુળભુત સીદ્ધાંતો, માન્યતાઓનું ખંડન કરીને પછી જ્યોતીષીઓ શ્રદ્ધાળુઓને અને અન્ય લોકોને પણ કેવી રીતે છેતરે છે તે વીશે માહીતી આપવી છે. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્ર અને જ્યોતીષશાસ્ત્ર એક જ વીદ્યા ગણાતી; પણ પાછળથી ખગોળશાસ્ત્રીઓને જણાયું કે કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ શાસ્ત્રના શુદ્ધ વૈજ્ઞાનીક માળખાને બદલી નાખે છે. ગ્રહોની ભ્રમણગતી, ચોક્કસ સમયે ચોક્કસ ગ્રહનું સ્થાન કયા નક્ષત્ર, રાશીમાં હશે તે ગણીતના આધારે નક્કી થાય છે ત્યાં સુધી તો ખગોળશાસ્ત્ર અને જ્યોતીષશાસ્ત્રના સીદ્ધાંતો પણ સમાન છે; પણ પછી જ્યોતીષશાસ્ત્રીઓએ નક્ષત્રો, ગ્રહોના સ્થાન અને જન્મ વખતે તે ગ્રહોના સ્થાન પરથી જન્મ લેનાર બાળક પર પડતા શુભ–અશુભ પ્રભાવના ગપગોળા ફેંકવા લાગ્યા. ત્યારથી ખગોળશાસ્ત્ર અને જ્યોતીષશાસ્ત્ર એ બે અલગ વીદ્યાઓ બની ગઈ.
જ્યોતીષશાસ્ત્રમાં ગણીતના આધારે નક્ષત્રો અને ગ્રહોના સ્થાન નક્કી થાય છે, ફક્ત આ એક જ કારણસર સમસ્ત જ્યોતીષવીદ્યા વૈજ્ઞાનીક બની જતી નથી. આ સીવાયના જ્યોતીષના બધા સીદ્ધાંતો, માન્યતાઓ અવૈજ્ઞાનીક છે. અન્ધ માન્યતાઓ છે, જ્યોતીષમાં એક ટકો વીજ્ઞાન અને નણાણું ટકા અન્ધ માન્યતાઓ છે. જેમ સુંઠના એક ગાંગડે ગાંધી બની શકાતું નથી તેમ ફક્ત જે વીદ્યામાં ફક્ત એક ટકો ગણીત–વીજ્ઞાન હોય અને નવાણું ટકા ધકેલપંચાં વાતો હોય તે વીદ્યાના જાણકારો પોતાને વૈજ્ઞાનીકમાં ખપાવવા પ્રયાસ કરે છે ત્યારે તેમનો એ પ્રયાસ હાસ્યાસ્પદ બની જાય છે.
જ્યોતીષશાસ્ત્રનાં મુળભુત સીદ્ધાંતો, માન્યતાઓ બે–ત્રણ હજાર વર્ષો પુરાણાં છે. તે સમયે ખગોળશાસ્ત્રી અને જ્યોતીષશાસ્ત્રીઓને પણ ખબર ન હતી કે સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય ગ્રહ નથી પણ પૃથ્વી ગ્રહ છે. ચંદ્ર ગ્રહ નથી પણ ઉપગ્રહ છે. ઉપરાંત તે સમયે યુરેનસ, નેપ્યુન અને પ્લુટો ગ્રહોના અસ્તીત્વની પણ જ્યોતીષશાસ્ત્રીઓને જાણ ન હતી. રાહુ અને કેતુ જેવા કોઈ ગ્રહો જ નથી. એ તો ફક્ત કલ્પના છે. જ્યોતીષશાસ્ત્રીઓ આ બધી માહીતીથી તે સમયે અજાણ હતા. એટલે આ અજ્ઞાનતાના આધારે જે વીદ્યાની રચના થઈ તે વીદ્યા આજે તો તદ્દન નકામી બની ગઈ ગણાય. પણ આ વીદ્યામાં સ્થાપીત હીતો છે તેવા ધંધાદારી જ્યોતીષીઓ આ હકીકતોની અવગણના કરીને પણ પ્રાચીન સમયની જ્યોતીષશાસ્ત્રની જે માન્યતાઓ છે તેને વળગી રહીને આગાહીઓ કરે છે. તદ્દન અજ્ઞાનતાના આધારે રચાયેલ વીદ્યા અને તેના પરથી કરાતી ભવીષ્યવાણી તદ્દન ખોટી જ હોય. તે સાદી વાત સમજવા માટે કંઈ બહુ બુદ્ધીની જરુર પડતી નથી. જ્યોતીષશાસ્ત્રનો મુળ પાયો જ બોદો છે. કન્યા, સીંહ, કુંભ, વૃષભ વગેરે આકારનાં કોઈ નક્ષત્રો એ તો માત્ર કલ્પના છે. તદ્દન સામાન્ય બુદ્ધીની વાત છે કે જો અલગ અલગ પ્રકારની કલ્પેલી આકૃતીઓ આકાશમાં હોય જ નહીં તો પછી સીંહ રાશીવાળો બહાદુર અને બળવાન બને, કન્યા રાશીવાળો પ્રેમાળ અને કોમળ બને વગેરે માન્યતાઓ તદ્દન આધાર વગરના ઠંડા પહોરના ગપગોળા જ ગણાય.
જ્યોતીષમાં અન્ધશ્રદ્ધા ધરાવતી વ્યક્તીને તમે બુદ્ધી – તર્કયુક્ત દલીલોથી સમજાવી નહીં શકો. એ તો જયારે કોઈ વધારે ધનલોભી જ્યોતીષના હાથે છેતરાય, ઠોકર ખાય ત્યારે તેની આંખ ખુલે પણ જે લોકો જ્યોતીષમાં શ્રદ્ધા ધરાવે છે અથવા તેની આગાહીઓ, ફળ–આદેશો સાચાં પડે છે એમ માને છે તેમની જાણકારીની ખાતર જ્યોતીષીઓ લોકોને છેતરવા કેવી કેવી તરકીબો કરે છે એમાંથી થોડી વીશે અહીં વીવરણ કર્યું છે. તે વાંચ્યા પછી પણ જેમની આંખ ન ખુલે તો જેવાં તેમના નસીબ. કોઈને છતી આંખે કુવામાં પડવું હોય તો તેને કેવી રીતે અટકાવી શકાય?
ચાલાક જ્યોતીષી ક્યારે પણ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટ આગાહી ન કરે. તે તો હમ્મેશાં ગોળગોળ શબ્દોમાં આગાહી કરે અને તેમાં… સંભવ છે, સંકેત જણાય છે, એવું બને તેવી શક્યતા છે વગેરે… અથવા નજીકના ભવીષ્યની આગાહી નહીં કરે પણ પાંચ–દસ વર્ષો પછીની આગાહી કરશે. અસ્પષ્ટ શબ્દોમાં કરેલી આગાહી ખોટી પડે તો તેમાંથી છટકવા માટે સંભવ છે વગેરે શબ્દો હાથવગા બની જાય અને લાંબા ગાળાની આગાહી ખોટી પડે તો કયો યજમાન જ્યોતીષનો કાન પકડવા ક્યાં જશે?
નજીકના ભવીષ્યની આગાહીઓ જ્યોતીષીઓ કરે છે તે આગાહીઓમાંથી કેટલીક આગાહીઓ લૉ ઑફ મેથેમેટીકલ પ્રોબેબીલીટીના – ગણીતના સંભાવનાના નીયમ અનુસાર સાચી કે ખોટી પડવાની સંભાવના 50–50 ટકા હોય છે. દાખલા તરીકે ક્રીકેટની મૅચમાં કોઈ ચોક્કસ દેશની ટીમ જીતશે કે હારશે એવી આગાહી કરવામાં આવે અથવા ચુંટણીમાં કોઈ ઉમેદવાર જીતશે કે હારશે તેવી ભવીષ્યવાણી કરવામાં આવે તો તે આગાહીઓમાં બે વીકલ્પ હોય છે. તેમાંથી એક વીકલ્પ પ્રમાણે ઘટના બને અને બીજા વીકલ્પ પ્રમાણે ઘટના ન બને. આવી પચાસ ટકા સંભાવના– વાળી આગાહી સાચી પડે તો જ્યોતીષી તેનો જશ ખાટે અને ખોટી પડે તો કોણ તેને પુછવા જવાનું છે.
ક્રીકેટની મૅચમાં કે ચુંટણી જીતવા–હારવાની આગાહી સાચી પડવાની સંભાવના પચાસ ટકાથી વધારવા માટે જે બે ટીમ મૅચમાં ભાગ લેવાની હોય તે ટીમના બૅટ્સમેન, બૉલર્સ, ફીલ્ડર્સની તુલનાત્મક ક્ષમતાની જાણકારી જો જ્યોતીષી પાસે થોડા પ્રમાણમાં હોય અથવા અખબારોમાંથી તે જાણકારી મેળવે તો આગાહી સાચી પડવાની સંભાવતા 70–80 ટકા વધી જાય. એક બહુ જ સબળ ટીમ હોય અને તેની સામે બીજી બહુ જ નબળી ટીમ હોય તો તેવી મૅચની આગાહીને જ્યોતીષની આગાહી કહી ન શકાય. એવી આગાહી તો ક્રીકેટમાં રસ ધરાવતી કોઈ પણ સામાન્ય વ્યક્તી પણ કરી શકે છે. તે જ પ્રમાણે ચુંટણીઓ વીશેની જ્યોતીષશાસ્ત્રીઓની આગાહીઓ પણ અખબારોમાં આવતા અહેવાલો પર આધારીત હોય છે. જનમતની હવા કઈ દીશામાં વહે છે તેના અનુમાન પર ફલાણો ઉમેદવાર કે ફલાણો પક્ષ ચુંટણીમાં જીતશે કે હારશે એવી આગાહી કરવામાં આવે તેમાં જ્યોતીષશાસ્ત્રના સીદ્ધાંતો કે નીયમો કામ કરતા નથી પણ સામાન્ય જાણકારી ધરાવનાર પણ આ પ્રકારની આગાહી કરી શકે છે અને તેની આગાહી પણ જ્યોતીષશાસ્ત્રીની આગાહી એટલી જ સાચી કે ખોટી પડવાની સંભાવના રહે. જ્યોતીષશાસ્ત્રનો કક્કો પણ ન જાણનાર આ પ્રકારની આગાહી કરે તો સાચી પડી જાય.
જ્યારે રાજીવ ગાંધી હયાત હતા અને જે સમયે તેમની હત્યા થઈ તે પહેલાંની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ બહુમતીમાં આવશે અને રાજીવ ગાંધી ફરી વડાપ્રધાન બનશે એવી આગાહી દેશના સૌથી અગ્રગણ્ય પાંચ–છ જ્યોતીષશાસ્ત્રીઓએ ઈલસ્ટ્રેટેડ વીકલીમાં કરેલ. તેમાં આ બધા પ્રખર જ્યોતીષીઓ એકીસાથે તદ્દન ખોટા પડ્યા. ભવીષ્યમાં શું થશે તેના ગપગોળા ફેંકતા આ સફેદ ઠગોમાંથી એકે પણ જ્યોતીષના આધારે એવી આગાહી ન કરી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને તેવી સંભાવના નથી અથવા તેઓ ચુંટણી પહેલાં મૃત્યુ પામશે કે હત્યા થશે. જ્યોતીષીની આગાહીઓ એક મોટું તુત છે તેનું આથી વધારે સચોટ દષ્ટાંત બીજું નહીં મળે. આ કહેવાતા પ્રખર જ્યોતીષશાસ્ત્રીઓને એવી તો ચોટ લાગી કે થોડો વખત તો તેઓએ મૌન ધારણ કરવામાં ડહાપણ માન્યું; પણ પેટને તો રોટલી વગર ન ચાલે એટલે ફરી પાછા થોડો સમય રહીને આગાહી કરવાનું શરુ કરી દીધું.
સ્પષ્ટ શબ્દોમાં કરેલી સ્પષ્ટ આગાહીઓ ખોટી પડી હોય એવાં તો અનેક દૃષ્ટાંત આપી શકાય. જાહેરમાં અખબારો મારફતે કરાયેલી આગાહીઓ તદ્દન ખોટી પડે છતાં પણ ધંધાદારી જ્યોતીષીઓ બેશરમ બનીને આગાહીઓ તો કરતા જ રહે છે; કારણ કે આગાહી કરવાથી તેમને લાભ વધારે થાય છે, નુકસાન ઓછું થાય છે. જો આગાહી સાચી પડી જાય તો જ્યોતીષી છાપરે ચડીને બધાને કહેતો રહેશે કે જુઓ, તેણે કરેલી ફલાણી આગાહી સાચી પડી. બસ, પછી તો તેમની આ ઑફીસે કે ઘરે પણ મુર્ખાઓની લાઈન લાગી જાય. અગર જો આગાહી ખોટી પડી તો ચુપ! લોકોની યાદદાસ્ત બહુ લાંબી હોતી નથી. ત્રણ–ચાર સપ્તાહ પહેલાં કરેલી આગાહી પણ લોકો ભુલી ગયા હોય અને કોઈને યાદ ન આવે પણ આગાહી સાચી પડી જાય તો તો ઘી–કેળાં.
પોતાની આગાહી સાચી પડે તે માટે કેટલાક જ્યોતીષીઓ બહુ જ ચાલાકીવાળી તરકીબો કરે છે. દાખલા તરીકે ચુંટણી પછી બાજપાઈજી વડાપ્રધાન બનશે. આ આગાહી કલકત્તાના કોઈ અખબારમાં છપાય અને એ જ જ્યોતીષી બીજી એવી આગાહી કરે જેમાં ચુંટણી પછી બાજપાઈજી વડાપ્રધાન નહીં બને. અને આ આગાહી ગુજરાતના કોઈ અખબારમાં કરવામાં આવે. ચુંટણી પછી બેમાંથી જે આગાહી સાચી પડે તે અખબારનાં કટીંગ પ્રસ્તુત કરીને જ્યોતીષી પોતાની આગાહી સાચી પડી તેનો દસ્તાવેજી પુરાવો લોકો સમક્ષ મુકે અને લોકોને મુર્ખ બનાવે.
જેના જીવનની મુખ્ય ઘટનાઓ, સીદ્ધીઓ જાહેર હોય તેવી કોઈ પ્રતીષ્ઠીત વ્યક્તીની જન્મકુંડલી જ્યોતીષને બતાવવામાં આવે તો જોશીજી જન્મકુંડલી જોઈને કહી દે કે આ વ્યક્તીના જીવનમાં જે કંઈ ઘટનાઓ બની છે, જે સીદ્ધીઓ પ્રાપ્ત કરી છે તે બરાબર જન્મકુંડળીમાં ગ્રહોના સ્થાન મુજબ સંપુર્ણપણે સુસંગત છે. હકીકતમાં તો ઘટનાઓ અને સીદ્ધીઓ ગ્રહોના સ્થાન પ્રમાણે સુસંગત કરવા માટે ગ્રહોનાં સ્થાન અને તેમનાં પ્રભાવ, પ્રતીભાવ, દશા વગેરેનું એવી તો અટપટી ભાષામાં અર્થઘટન કરીને ગ્રહોને ઘટના સાથે મારીમચડીને બંધબેસતા કરી દે!
જેનું નામ જ મંગળ એટલે કે કલ્યાણકારી છે તેવો ગ્રહ કોઈનું અમંગળ કરે ખરો? ગુરુ તો હમ્મેશાં જ્ઞાન અને આશીર્વાદ આપે. તે ભલા કોઈ પર દશા બેસાડે ખરો? હા, જ્યોતીષીને જો સારી દક્ષીણા આપો. મંત્રજાપ કરાવો, તેણે આપેલ વીંટી કે માદળીયું પહેરો એટલે પછી ગ્રહો, નક્ષત્રો, રાશીઓ વીશેના બધા સીદ્ધાંતો, નીયમો તોડીને જ્યોતીષશાસ્ત્રી તમને અશુભ પ્રભાવો, દશામાંથી બચાવી શકે છે. મંગળ, શની, રાહુ અને કેતુ કરતાં પણ જ્યોતીષશાસ્ત્રી વધારે શક્તીમાન છે.
જ્યોતીષશાસ્ત્રની જન્મકુંડલી પરથી થતું અર્થઘટન, ફળાદેશ એક મોટું તુત છે એ તદ્દન સરળ પ્રયોગો, ચકાસણીથી સાબીત કરી શકાય. પણ તેવા પ્રયોગો, ચકાસણી કરાવવા કોઈ જ્યોતીષી તૈયાર ન થાય. કોઈ પણ ગમે તેવા પાંચ જ્યોતીષીઓ સમક્ષ પાંચ જુદી જુદી વ્યક્તીઓની જન્મકુંડલીઓ રજુ કરો અને તેમને કહો કે આ જન્મકુંડલીવાળી વ્યક્તીઓ સ્ત્રી છે કે પુરુષ, અભણ છે કે સુશીક્ષીત, ગરીબ છે કે શ્રીમંત, સ્વરુપવાન છે કે કદરુપી, તંદુરસ્ત છે કે રોગીષ્ઠ, સામાન્ય માણસ છે કે પ્રતીષ્ઠીત, સીદ્ધી પ્રાપ્ત વ્યક્તી છે કે નહી તે જણાવે. પાંચે પાંચ જ્યોતીષીઓ જુદી જુદી વ્યક્તીઓની પાંચ કુંડલી વાંચીને જે અર્થઘટન કરશે. તે બધાં અર્થઘટન એકબીજાથી અલગ હશે! અને બધાં ઓછામાં ઓછાં પચાસ ટકા અથવા તેથી વધારે પ્રમાણમાં ખોટાં હશે! અથવા તો કોઈ પ્રતીષ્ઠીત અને સીદ્ધી પ્રાપ્ત કરેલ વ્યક્તી જેનું નામ જ્યોતીષે સાંભળ્યું ન હોય અથવા તેની જન્મતારીખ તે જાણતો ન હોય તેવી વ્યક્તીનું નામ આપ્યા વગર તેની જન્મકુંડલી જ્યોતીષને બતાવીને આ વ્યક્તીનું વ્યક્તીત્વ, ચારીત્ર્ય, પ્રતીષ્ઠા, સીદ્ધી શું હોઈ શકે તે વીશે અર્થઘટન કરવાનું જ્યોતીષીને કહેવામાં આવે તો જ્યોતીષી સંપુર્ણપણે તે વ્યક્તી વીશે કંઈ સચોટ વર્ણન, માહીતી આપી નહીં શકે. કેટલીય બુદ્ધીવાદી સંસ્થાઓએ, ગુજરાતના જમનાદાસ કોટેચા અને અબ્દુલ વકાણીએ જ્યોતીષીઓને પડકાર્યા છે કે તેઓ કહે તેવી ઘટનાઓ વીશે સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરો. જો તે સાચી પડે તો રુપીયા એક લાખથી 20 લાખનો પુરસ્કાર આપવામાં આવશે; પણ હજી સુધી કોઈ જ્યોતીષીએ આ પડકાર ઝીલ્યો નથી. આ પુરસ્કાર બીજી કોઈ પણ ચમત્કારીક સીદ્ધી સાબીત કરનારને પણ આપે છે; પણ ચમત્કારીક સીદ્ધી ધરાવવાના દાવા કરનારા સેંકડો પાખંડીઓમાંથી એક પણ માઈનો લાલ આ પડકારનો પુરસ્કાર જીતવા સફળ થયો નથી.
– + – + – + – + – + – + – + –
ભાષાશીક્ષક શ્રી ઉત્તમભાઈ ભગવાનદાસ ગજ્જર
લીખીત જોડણીચીંતનવૃક્ષ સમી એક નાનકડી પુસ્તીકા
‘ગુજરાતી જોડણીની ખોદણી’ની
ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2023/01/ebook-66_uttam-gajjar_gujarati_jodani_ni_khodani_-2023-02-01.pdf
– + – + – + – + – + – + – + –
ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 2–02–2023
ભવિષ્ય વાણી ઉપરાંત જ્યોતીષશાસ્ત્રીઓ ” ધન પ્રાપ્તિ ” તથા ” મુશ્કેલીઓ ના નિવારણ ” માટે પણ ભારી રકમ લઈ ને તેના ઉપાયો સુચવે છે. અહીં બહુજ મહત્વ નો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે તેઓ પોતે શા માટે “ધન પ્રાપ્તિ” ના ઉપાય થકી ધનવાન નથી બની જતા? શા માટે તેઓ દુકાન ખોલી ને પેટ નો ખાડો પુરવા માટે આ પાખંડી ધંધો કરે છે અને નિર્દોષ લોકો ને મુર્ખ બનાવે છે?
“ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે “
LikeLiked by 1 person
પહેલાના સમયની વાતો જેવીકે-‘જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે સૌમાં અગ્રગણ્ય હતા. મહારાજાની આજ્ઞાથી તેમણે ‘સિદ્ધાન્તસમ્રાટ’ નામે ગ્રહગણિતનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથ રચતાં પહેલાં જગન્નાથ ઇજિપ્શિયન (મૂળ ગ્રીક) વિદ્વાન ટૉલેમીએ રચેલા ‘એલ્માજેસ્ટ’ નામે ગ્રંથના અરબી રૂપાંતર ‘માજિસ્તી’નો અભ્યાસ કરવા સારુ મહારાજા સવાઈ જયસિંહના મોકલ્યા અરબસ્તાન ગયા અને ત્યાં અરબી ભાષાનો પરિચય કરી ‘માજિસ્તી’ ગ્રંથનું જ્ઞાન મેળવી આવ્યા. આ જ્ઞાનને આધારે તેમણે ‘સિદ્ધાન્તસમ્રાટ’ ગ્રંથનું નિર્માણ કર્યું. પોલૅન્ડના પ્રસિદ્ધ ખગોળવિદ કૉપર્નિકસ આ સમયમાં થઈ ગયા. મહારાજાએ સ્થાપેલ જયપુર, દિલ્હી, મથુરા, કાશી અને ઉજ્જૈનની વેધશાળાઓના ખગોળશાસ્ત્રી વિદ્વાનોએ કરેલાં ગ્રહો અને તારાઓનાં અવલોકનોની સહાયથી ગ્રહગતિનું ગણિત સુસ્પષ્ટ કરી ર્દકપ્રત્યય (પ્રત્યક્ષ અવલોકનમાં ચોકસાઈ) થાય એવો ગ્રંથ ‘સિદ્ધાન્ત સમ્રાટ’ જગન્નાથે રચ્યો. આ ગ્રંથના નામને આધારે જગન્નાથ ‘સમ્રાટજગન્નાથ’ તરીકે પ્રસિદ્ધ થયા.’ હવે નવા જમાનામા અપ્રસ્તુત છે
મા સ્વ–લક્ષ્મીદાસ ખટાઉએ જ્યોતીષશાસ્ત્રીઓ અંગે ‘ તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રી ડેવીડ હીલ્બર્ટ અને ૧૮૬ વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને અને અનેક તર્કો દ્વારા કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે જ્યોતીષશાસ્ત્રમાં વીજ્ઞાન નથી પણ લોકોને મુર્ખ બનાવવાની કલા થોડા પ્રમાણમાં છે.’દ્વારા મુર્ખ બનાવવાની કલા અંગે ખૂબ સ રસ રીતે સમજાવ્યું
ધન્યવાદ
LikeLiked by 1 person
Please read the book – Astrology: Science or Ego-Trip? Editors, B. Premanand, Mrs. Margaret Bhatty
FYI.
Sanat Parikh
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
Present generation should read this thoughtful article to be free from clutcges of these so called morden Astrologers showing way for your lucrative career wearing costly stones or doing costly poojaes etc.
LikeLiked by 1 person