કાળી કાંકણસારને ગુજરાતમાં કાંકરોલી અથવા કાંકણ પણ કહે છે, જ્યારે કચ્છમાં તેને રણકાગડાના નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે બગલા જેવું હોય છે પણ તેના રહેઠાણો અને વર્તણુંકમાં વીવીધતા હોય છે. આ જાતીના […………….]
પક્ષી પરીચય : 8
કાળી કાંકણસાર
સં. : પ્રા. દલપત પરમાર
ગુજરાતી નામ : કાંકરોલી
હીન્દી નામ : काला बाबा, कराकुल
અંગ્રેજી નામ : Red naped Ibis
વૈજ્ઞાનીક નામ : Pseudibis papillosa
પરીચય :
કાળી કાંકણસારને ગુજરાતમાં કાંકરોલી અથવા કાંકણ પણ કહે છે, જ્યારે કચ્છમાં તેને રણકાગડાના નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે બગલા જેવું હોય છે પણ તેના રહેઠાણો અને વર્તણુંકમાં વીવીધતા હોય છે. આ જાતીના પુખ્ત પક્ષીઓને પાંખના પીંછા અને પુંછડી હોય છે. તેની લંબાઈ 5.4થી 6.2 ઈંચ હોય છે. તેમની પાંખો 14.4થી 15.7 ઈંચ પહોળી હોય છે અને પુંછડીનો ભાગ 6.5થી 7.6 ઈંચનો હોય છે.
પુખ્ત કાળી કાંકણસારની પાંખો ચળકાટવાળી વાદળી–લીલા રંગની અને કાળા રંગની હોય છે. તેની ગરદન અને શરીર ભુરા રંગનું પરન્તુ ચળકાટ વગરનું હોય છે. આ મોટા કાળા પક્ષીના પગ લાંબા ઈંટાળીયા રંગના હોય છે. તેના પગના અંગુઠામાં ફ્રીન્જ મેમ્બ્રેન હોય છે અને પાયામાં સહેજ જાળી હોય છે. તેના પીંછા વગરના માથાના તાલકા ઉપર લાલ–કીરમજી રંગની ત્વચાનો પેચ હોય છે. નજીકથી જોતાં તે નારંગી–લાલ રંગનું દેખાય છે. તેના માથાની ટોચ પર અને પાછળના તાજની પાછળ ત્રીકોણ જેવી લાલ રંગની ટોપી પહેરી હોય તેવું લાગે છે. તે માત્ર પુખ્ત પક્ષીઓમાં જ જોવા મળે છે. તેના ખભા પહોળા અને ખભા ઉપર સફેદ પટ્ટો તેની ઓળખ માટે મહત્ત્વનું નીશાન છે. તેને પ્રમાણમાં લાંબી પરન્તુ મજબુત નીચેની તરફ વળેલી ચાંચ હોય છે અને આંખો નારંગી રંગની હોય છે.
કાળી કાંકણસારનાં યુવાન પક્ષીઓ ભુરા રંગનાં હોય છે. શરુઆતના સમયમાં તેમના માથા ઉપર લાલ રંગનો મુકુટ હોતો નથી. તેમના પગ અને ચાંચ પણ ભુરા રંગની હોય છે; પરન્તુ પ્રજનનના સમય દરમીયાન તેમના પગ અને ચાંચ લાલ રંગની થઈ જાય છે.
આ પક્ષીઓ મોટાભાગે જોડીમાં ફરે છે અને સામાન્ય રીતે મૌન હોય છે; પરન્તુ પરોઢ અને સાંજના સમયે અને ખાસ કરીને પ્રજનનના સમયે વધારે અવાજ કરે છે. આ પક્ષીઓ સંધ્યાટાણે રાતવાસો કરવા ઉડે છે ત્યારે તેમની ગરદન વીસ્તરેલી હોય છે અને તેઓ અંગ્રેજી અક્ષર V આકારમાં ઉડે છે. ઉડતી વેળા તેઓ એકધારી પાંખો વીંઝે છે પછી પાંખો હલાવ્યા વીના સરકતા જાય છે. આમ તો તેઓ સામાન્ય રીતે મુંગાં રહે છે; પણ પ્રસંગોપાત તેઓ ઉડતાં ઉડતાં બે–ત્રણ બુલંદ અનુનાસીક અવાજ કરે છે. આ અવાજ બ્રાહ્મણી બતકના અવાજની યાદ આપે છે.
કદમાં અને દેખાવમાં કાળી કાંકણ ધોળી કાંકણ જેવી જ લાગે છે.
આવાસ–માળો :
કાળી કાંકણસાર અન્ય પ્રકારની કાંકણસારથી વીપરીત પાણી પર બહુ નીર્ભર નથી, તેથી ઘણીવાર તે પાણીથી દુર સુકાં ખેતરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે બીજાં પક્ષીઓની સાથે માળા બાંધતા નથી; પરન્તુ એક જ ઝાડમાં તેમના 2–3 માળા સાથે હોઈ શકે છે. તે નવેમ્બર–ડીસેમ્બર માસની વચ્ચે માળા બાંધે છે. આ પક્ષીઓ મુખ્યત્વે 35–60 સે.મી વ્યાસ અને લગભગ 10–15 સે.મી. ઉંડા નાની સળેક્ડીઓથી માળા બનાવે છે.
તેમનો માળો મોટા પ્યાલા આકારનો અને ડાંખળીઓનો બનેલો હોય છે અને તેમાં ઘાસ તથા પીછાં વડે ગાદી બનાવવામાં આવે છે. તેઓ મોટાભાગે ઉંચા ઝાડની ટોચ પર કે તાડનાં ઝુંડમાં માળો બાંધે છે. સામાન્ય રીતે પાણીથી દુર હોય છે. કોઈવાર ગરુડના, કાગડાના કે ગીધના જુના માળાને થોડો ઠીકઠાક કરીને પણ ઉપયોગ કરી લે છે. તેઓ જુના માળાઓનો વારંવાર, વર્ષ–દર વર્ષે પુનઃ ઉપયોગ કરે છે. રાજસ્થાનમાં ખીજડાના વૃક્ષની ઉપરની ડાળીઓ ઉપર માળો બાંધે છે.
આહાર :
કાળી કાંકણસાર સર્વભક્ષી પક્ષી છે. તેમના ખોરાકમાં મુખ્યત્વે જીવડાં અને દાણા હોય છે. જંતુઓ, દેડકાં, નાના કરોડ અસ્થીધારી પ્રાણીઓ જેવાં કે કાચંડા, નાના સાપ અને કાનખજુરાનો પણ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ખેડુતો ખેતર ખેડ્યા બાદ ખેતરમાં પાણી પીવડાવે ત્યારે ખેડેલા ખેતરમાંથી નીકળતાં જંતુઓને ખાવા તેઓ પહોંચી જાય છે. તે છીછરાપાણીમાં રહેલા જળચર જીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ પક્ષીને કુદરતે વીશીષ્ટ પ્રકારની રચના ધરાવતા પગ અને પંજા આપેલા છે તેના કારણે અને તેમની સ્પર્શેન્દ્રીય તેજ હોવાના કારણે નરમ જમીનને તરત ઓળખી કાઢે છે અને તેમાં છુપાયેલા જીવ–જંતુઓને ખાય છે.
પ્રજનન :
આ પક્ષીઓની વસાહતો નાની હોતી નથી. તેમના સંવર્ધન–પ્રજનનની ઋતુ બદલાતી રહે છે; પરન્તુ મોટાભાગે માર્ચ અને ઓક્ટોબર માસની વચ્ચે અને ચોમાસા પહેલાંની હોય છે. આ જાતીમાં નર અને માદા દેખાવે સમાન હોય છે. નર અને માદા જોડીમાં જ્યારે ઝાડ ઉપર રહે છે ત્યારે શારીરીક સમ્બન્ધો બાંધે છે. તે સામાન્ય રીતે જમીનથી 6–12 મીટરની ઉંચાઈ ઉપર વડ કે પીપળાના વૃક્ષો પર માનવ વસવાટની નજીક માળો બાંધે છે. આ માળામાં ઈંડાં સેવવાનો સમય આવે ત્યારે તાજી સામગ્રી મુકે છે.
કાળી કાંકણસાર માળામાં 2થી 4 ઈંડાં મુકે છે. આ ઈંડાં વાદળી–લીલા રંગનાં હોય છે અને તેની ઉપર છુટા છવાયા આછા લાલ ભુરા રંગના ધબ્બા અને રેખાઓની ભાતવાળાં હોય છે. નર અને માદા બન્ને ઈંડાંને સેવવાનું કામ કરે છે અને 33 દીવસ પછી ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે.
પ્રાપ્તીસ્થાન :
કાળી કાંકણસાર ભારતીય ઉપ–મહાદ્વીપના મેદાની વીસ્તારોમાં મળી આવતી એક પ્રજાતી છે. તે ઉત્તર ભારતના હરીયાણા, પંજાબ અને ગંગાના મેદાનોમાં જોવા મળે છે. દક્ષીણે કર્ણાટકમાં જોવા મળે છે. તે પાકીસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને નેપાળમાં જોવા મળે છે.
સં. : પ્રા. દલપત પરમાર
વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું : ‘લોકનિકેતન’ મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com ઓગસ્ટ, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…
‘લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.
તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 06–02–2023
.
પ્રા. દલપત પરમાર દ્વારા કાળી કાંકણસાર અંગે સચિત્ર ખૂબ સ રસ માહિતી બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
ખૂબ જ ઉપયોગી માહિતી.
LikeLiked by 1 person
ખુબ જ સરસ માહિતી છે
LikeLiked by 1 person