જ્ઞાનની પ્રાપ્તીમાં અને સમજણની શોધમાં સનાતન સુખ મળે છે. એક હોય સાંભળેલું જ્ઞાન, જેમ કે તમારા જન્મની તારીખ. બીજું હોય અંદાજીત જ્ઞાન, જેમ કે ડોશી વૈદું.
આધુનીક યુગનો સૌથી મહાન યહુદી
– ઉદયન ઠક્કર
વીશ્વનાં ઉત્તમ પુસ્તકોની યાદીમાં વીલ ડુરાન્ટના ‘ધ સ્ટોરી ઓફ ફીલોસોફી’નો સમાવેશ કરી શકાય. એમાં પ્લેટો, એરીસ્ટોટલ, વોલ્ટેર, કાન્ટ જેવા પશ્ચીમના પંદર ફીલસુફોની વીગતે ચર્ચા કરાઈ છે. હોલેન્ડના યહુદી ફીલસુફ સ્પીનોઝા (1632–1677) વીશે આજે જાણીએ.
1640ની વાત છે. રેનેસાંની ઉદારમતવાદી હવા યુરોપમાં ફેલાતી જતી હતી. યુરીયલ અ કોસ્ટા નામના યુવાન યહુદીએ પુસ્તક લખ્યું કે ‘મૃત્યુ પછી સ્વર્ગ કે નરક હોતાં નથી’. યહુદી ધર્મગુરુઓએ આ યુવાનને ફરજ પાડી કે તેણે પોતાના વીચારો બદલ દીલગીરી જાહેર કરવી, એટલું જ નહીં પણ સીનાગોગના ઉમ્બરા પર સુઈ રહેવું જેથી આવતાં–જતાં આસ્થાળુઓ તેના પર પગ મુકીને જાય. અપમાનીત થયેલા યુરીયલે આત્મહત્યા કરી. આ બન્યું ત્યારે સ્પીનોઝાની વય આઠ વર્ષની હતી. આધુનીક યુગના શ્રેષ્ઠ ફીલસુફ બનવાનું તેમના ભાગ્યમાં લખાયું હતું. લેટીન શીખીને તેમણે મહાન ફીલસુફોનો અભ્યાસ કર્યો. બ્રુનોના વીચારોથી તેઓ આકર્ષાયા. કોણ હતો બ્રુનો? સ્વતંત્ર વીચારોને લીધે ચર્ચે તેને દેહાંતદંડ આપ્યો હતો– ‘આને દયાભાવ રાખીને મારવો, રક્ત વહાવવું નહીં.’ (અર્થાત્ જીવતો સળગાવી દેવો!)
સ્પીનોઝાની પ્રજ્ઞા વીકસતી જતી હતી. આખરે યહુદી ધર્મગુરુઓએ તેમના પર આરોપો મુક્યા, ‘શું તેં મીત્રોને કહેલું કે આ જગત પ્રભુની કાયા છે? અને પરીઓ કેવળ કલ્પના છે? શું તેં કહેલું કે જીવન એ જ આત્મા છે? અને બાઈબલના જુના કરારમાં અમરતાની વાત જ નથી?’ પોતાના વીધાનો પાછા ખેંચે તો 500 ડોલરનું સાલીયાણું આપવાની લાલચ અપાઈ, જે સ્પીનોઝાએ નકારી. 27 જુલાઈ 1656ના દીવસે તેમને ધર્મબહાર મુકાયા. ફરમાનમાં શું લખ્યું હતું? ‘આ માણસ દહાડે શાપીત થશે અને રાતે શાપીત થશે, સુતો હોય ત્યારે શાપીત થશે અને ઉભો થાય ત્યારે શાપીત થશે. પ્રભુ તેની નોંધ સુદ્ધાં નહીં લે. કોઈએ તેની જોડે વાતચીત કરવી નહીં, સાથે રહેવું નહીં, વ્યવહાર કરવો નહીં, બે ફુટ દુર રહેવું’ સ્પીનોઝા યહુદી મટી ગયા. ‘વીધીએ નીરમ્યું હતું કે તેઓ વીશ્વના બનીને રહેશે.’
(કોઈ ધર્મ એક્સ–કોમ્યુનીકેટ કરે, તો કોઈ નાતબહાર મુકે, કોઈ વળી ફતવા કાઢે. સમય બદલાયો છે પણ સમાજ બદલાયો નથી. વીલ ડુરાન્ટ એવા વીદ્વાન છે કે અનેક ફીલસુફોનાં અવતરણો ટાંકતા જાય છે.)
સ્પીનોઝા અન્ય ધર્મમાં ન જોડાયા, એકલવાયું જીવ્યા. પીતાએ તેમને ઘરબહાર કર્યા, બહેને વારસો હડપવાની કોશીષ કરી, મીત્રો અળગા થયા. એક ખ્રીસ્તીના ઘરમાં તેમણે રહેવા માંડ્યું. તેઓ ચશ્માં માટે કાચ ઘસીને જીવનનીર્વાહ કરતા, અને માનતા કે કેવળ વીદ્વત્તાથી પેટ ન ભરાય– રોજગારી ન રળી શકનાર વીદ્વાનો મોડાવહેલા ગોરખધંધા કરવા માંડે છે. તેમના દીવસો ચીંતન–મનનમાં સુખે પસાર થવા માંડ્યા. સ્પીનોઝાની કીર્તી ફેલાવા માંડી. દેશવીદેશના વૈજ્ઞાનીકો, રાજનેતાઓ અને ફીલસુફો તેમને પત્રો લખતા અથવા મળવા આવતા. એમ્સ્ટરડેમના એક શ્રેષ્ઠીએ તેમને 1,000 ડોલરની ભેટ ધરી જે તેમણે નકારી. તે જ શ્રેષ્ઠીએ વસીયતનામામાં તમામ સંપત્તી સ્પીનોઝાને આપવાનો નીર્ધાર કર્યો, સ્પીનોઝાએ તે પણ નકાર્યું. ફ્રાંસના મહારાજા ચૌદમા લુઈએ તેમને મોટી રકમનું સાલીયાણું આપવાનું ઠેરવ્યું, એવી ઈચ્છા સાથે કે હવેનું પુસ્તક પોતાને અર્પણ કરાયું તેનો સ્પીનોઝાએ આનો સવીનય અસ્વીકાર કર્યો. ક્ષય રોગને કારણે તેમનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. તેમને ફીકર હતી કે જીવતેજીવ જે પુસ્તક પ્રકટ કરવાનું સાહસ નહોતું કર્યું, તે હસ્તપ્રત મૃત્યુ પછી સળગાવી દેવાશે. તેમણે હસ્તપ્રત મેજમાં મુકીને તાળું માર્યું અને ઘરધણીને સુચના આપી કે મારા મૃત્યુ પછી એ જ પ્રકાશકને આપી આવજે. નીત્ઝેએ કહ્યું છે કે છેલ્લો ખ્રીસ્તી ક્રોસ પર મુઓ. ડુરાન્ટ ટીપણી કરે છે, ‘નીત્ઝે સ્પીનોઝાને ભુલી ગયેલા.’
(દરેક ધર્મમાં ચારીત્ર્યવાન વ્યક્તીઓ હોય છે. પહેલા ખલીફ અબુ બકરે ખીલાફતમાંથી મળેલી બધી રકમ પરત કરી હતી. અખો સોની અને કબીર વણકર હતા. લુઈ ધ ગ્રેટનો શાસનકાળ યુરોપમાં સૌથી દીર્ઘ હતો, તેને પુસ્તક અર્પણ કરવાની ના પાડનાર સ્પીનોઝાનું સ્વમાન કેવું હશે? આજકાલના લેખકો પુસ્તકો કોને અર્પણ કરે છે? કોનો કોનો આભાર માને છે? સ્પીનોઝાને મળેલું સન્માન સંસ્કૃત સુક્તી સાચી પાડે છે : સ્વદેશે પુજ્યતે રાજા, વીદ્વાન્ સર્વત્ર પુજ્યતે.)
સ્પીનોઝાનું પહેલું પુસ્તક ધર્મ અને રાજ્ય વીશેનું છે. તેઓ કહે છે કે ધર્મગ્રંથો સામાન્ય પ્રજાજનોને લક્ષ્યમાં રાખીને લખાય છે, માટે તેના પ્રસંગો અને શૈલી એવાં જ હોય જે સીધાસાદા માણસને આકર્ષી લે. આ ગ્રંથો તર્કપ્રધાન નહીં પણ કલ્પનાપ્રધાન હોય છે. તેનાથી ભણેલા– અભણ સૌ દોરવાઈ જાય છે. માટે જ શોમાં વારેવારે પ્રભુ પ્રકટ થાય છે અને ચમત્કારો સર્જાય છે. જો મોઝીસ એમ કહેતે કે પુર્વના પવનોને લીધે રાતા સમુદ્રને પાર કરવામાં સરળતા રહી, તો લોકો પ્રભાવીત ન થતે; પરન્તુ જ્યારે કહ્યું કે ઈશ્વરના આદેશથી સમુદ્રના બે ફાડચાં થઈ ગયાં, ત્યારે લોકો ‘ઓહો’ ‘ઓહા’ કરવા લાગ્યા. સ્પીનોઝાની દલીલ છે કે બાઈબલ સાચું છે, માત્ર તેમાં ઉપમા, રુપક, અતીશયોક્તી વગેરે અલંકારો વાપરવામાં આવ્યા છે. તમે એને શબ્દશ: સાચું માની લો, તો ઠેકઠેકાણે આંતર્વીરોધ અને અશક્યતા દેખાય. ઈસુ દૈવી નથી પણ માનવોમાં શ્રેષ્ઠ છે.
સ્પીનોઝાનું દ્વીતીય પુસ્તક પ્રજ્ઞાના વીકાસ વીશે છે. તેમના મતે પ્રકૃતી સાથે પ્રજ્ઞાના સાયુજ્યથી કલ્યાણ સધાય છે. જ્ઞાનની પ્રાપ્તીમાં અને સમજણની શોધમાં સનાતન સુખ મળે છે. એક હોય સાંભળેલું જ્ઞાન, જેમ કે તમારા જન્મની તારીખ. બીજું હોય અંદાજીત જ્ઞાન, જેમ કે ડોશી વૈદું. ત્રીજું તર્કથી તારવેલું જ્ઞાન, જેમ કે દુરની વસ્તુ નાની ભાસે માટે ક્ષીતેજે આથમતા સુર્યનું ખરું કદ વીશાળ હશે. અને ચોથું જ્ઞાન તે પ્રત્યક્ષ જાણકારી, જેમ કે અંશ કરતાં પુર્ણનું કદ વધારે હોય. કુદરત માટે કશું સારું કે ખરાબ નથી, હા, આપણી સંકુચીત દૃષ્ટીએ સારું કે ખરાબ હોઈ શકે. જેમ કે સંગીત ઉદાસ વ્યક્તી માટે સારું પણ ડાઘુઓ માટે ખરાબ છે. કુદરતમાં ન કશું સુંદર છે કે ન કશું અસુંદર.
(ભારતમાં સાધારણત: ફીલસુફી અને અધ્યાત્મનું મીશ્રણ કરાય છે. પશ્ચીમના ઘણા તત્ત્વવેત્તાઓએ કેવળ અને કેવળ ફીલસુફી કરી છે.)
સ્પીનોઝાએ કુલ 4 પુસ્તકો રચ્યાં છે. આનાતોલ ફ્રાંસ લખે છે, ‘જો નેપોલીયન બોનાપાર્ટ, સ્પીનોઝા જેટલા પ્રજ્ઞાવંત હતે, તો તેણે માળીયામાં બેસીને 4 પુસ્તકો લખ્યાં હતે.’
– ઉદયન ઠક્કર
‘ગુજરાત સમાચાર’, દૈનીકની 6 નવેમ્બર, 2022ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘વીન્ડો સીટ’માંથી આ લેખ, લેખકશ્રીના અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 10–02–2023
One of the best article EVER -published on this page
( lot to learn & clear our ( stupid ) religious belief
LikeLiked by 1 person
શ્રી ઉદયન ઠક્કરનો આધુનીક યુગનો સૌથી મહાન યહુદી હોલેન્ડના યહુદી ફીલસુફ સ્પીનોઝા અંગે સ રસ લેખ
ધન્યવાદ
LikeLiked by 1 person
૧૭ મી સદીના યહુદી ફીલસુફ સ્પીનોઝા વિશે ઘણું અવનવું જાણવા મળ્યું અને વિશ્વ માનવ તરીકે પ્રસિદ્ધ થયા.
LikeLiked by 1 person