જ્યોતીષ જેવા વીષયો પરત્વે  

જે દીવસોમાં હજુ હું અર્ધદગ્ધ અવસ્થામાં હતો, તે દીવસોમાં સમભાવપુર્વક છતાં સચોટ રીતે મારી દલીલોનો રમણભાઈ કેવો રદીયો આપતા હતા, તેના નમુનારુપ આ પત્રાંશ. – રજનીકુમાર

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું નવમું 2

જ્યોતીષ જેવા વીષયો પરત્વે

– રમણ પાઠક

4.08.1993

સ્નેહી ભાઈ રજનીકુમાર,

પત્ર મળ્યો. તમે કોઈ ‘પેટર્ન છે’ એમ જ સ્વીકારો યા જ્યોતીષમાં માનો – એનો મને કંઈ જ વાંધો નથી. દરેકને સ્વતંત્રતા છે. મારો મુદ્દો જુદો જ છે. તમે જે ત્રણ દલીલ જ્યોતીષની શક્યતા બાબતે કરો છો. એ ત્રણે ખોટી છે, અતાર્કીક છે. તમારે માટે મને એટલો બધો આદર છે કે, તમે મારે મન પુર્ણ પુરુષ, ત્યારે તમે ખોટી દલીલ કરો, એથી મને તીવ્ર દુઃખ થાય. એમાંય જ્યારે જાહેરમાં એ કરો; ત્યારે તો અસહ્ય દુઃખ થાય; કારણ કે શ્રોતાઓમાં થોડાક તો એવા હોય કે જેઓ સમજતા હોય કે રજનીભાઈની આ દલીલ ખોટી કહેવાય.

બાકી, નામ સાથે તમારી વીરુદ્ધ લખતાં પહેલાં તો મારાં આંગળાં ખરી પડે; ન ખરે, તો કાપી નાખું. એટલે એ તો પ્રશ્ન જ નથી.

અગાઉ મેં અછડતો ઉલ્લેખ કર્યો કે, રીમોટ કન્ટ્રોલનો દાખલો વીપરીત છે. પ્રથમ એ સમજાવું : તમે દલીલ કરો છો કે, ‘દસ વર્ષ પહેલાં કોઈને રીમોટની કલ્પના હતી? માટે પૉસીબીલીટી (જ્યોતીષની) તો સ્વીકારો! હવે આ દાખલો ખોટો; કારણ કે કોઈ પણ નવું સાધન શોધાય, એ પહેલાં એની કલ્પના સામાન્ય માણસને ન જ હોય. પાંચસો વર્ષ પુર્વે કાર કે ટ્રેનની કોઈનેય કલ્પના નહોતી. હવે જ્યોતીષની વાત એથી બીલકુલ ઉલટી છે, પાંચ હજાર વર્ષથી એની કલ્પના ચાલ્યા જ કરે છે અને છતાં હજી એ રીમોટ કે કાર જેવું, વૈજ્ઞાનીક સીદ્ધાંતોને આધારે કામ કરતું અફર સાધન (ભવીષ્ય જાણવાનું) પુરવાર નથી થતું. રીમોટ શોધાયા પછી, નાનું બાળક કે પાળેલો કુતરો પણ એ ચલાવી શકે છે. કારણ કે નક્કર વૈજ્ઞાનીક સીદ્ધાંતને આધારે એ ચાલે છે. જ્યોતીષમાં એવું એક ને એક = બે જેવું છે, ખરું? પણ આવી ચર્ચા તો લાંબી થાય. મારે તો એટલું જ કહેવાનું કે, રીમોટ શોધાયું, એ પહેલાં એની કલ્પના જ નહોતી; જયારે જ્યોતીષની કલ્પના પાંચ હજાર વર્ષ પુરાણી છે. માટે એ દાખલો વીપરીત ગણાય.

બીજું, રીમોટની કલ્પના સામાન્ય માણસને ભલે નહોતી; પરન્તુ વીજ્ઞાનીઓને હતી જ. પ્રથમ વીજળી ઉત્પન્ન કરવાનું શોધાયું, જોયું કે એ તારમાંથી પસાર થાય છે, એટલે પ્રયોગો થયા, પછી તાર વીના પણ ગતી કરી શકે એ શોધાયું ને વધુ પ્રયોગો થયા. તમારી ‘પૉસીબીલીટી તો સ્વીકારો!’ એ તમારી દલીલ ખરેખર રીમોટને નહીં, શીતળાના રોગને લાગુ પાડીએ તો, એની અતાર્કીકતા સમજાય : હજારો વર્ષથી (સદીઓથી કહો) લોકો માનતા આવ્યા હતા, અરે. આજેય માને છે કે, શીતળાનો રોગ શીતળા માતાના કોપથી થાય તો એને પ્રસન્ન કરવાથી જ મટે, દવા ના કરાય વગેરે! બબ્બે તો દેવ શોધ્યા–કલ્પ્યા : શીતળા માતા અને બળીયાકાકા (તમે તો બળીયાકાકા રોડ પર જ રહો છો ને?) ફક્ત બસો જ વર્ષ પુર્વ વીજ્ઞાને શોધ્યું કે શીતળાનો રોગ વાયરસ–ચેપથી થાય છે, એટલું જ નહીં, એના પ્રતીકારની રસી શોધી; અરે, દુનીયાભરમાંથી એ રોગ નાબુદ કરી દીધો. છતાં ધારો કે આજે કોઈ કહે કે ‘હજારો વર્ષથી, હજારો માણસો માને છે કે, શીતળાદેવી ને બળીયાકાકા નામના દેવ છે, તો એની પૉસીબીલીટી તો સ્વીકારો! તો એ કેવી રીતે સ્વીકારાય? (અને છતાં, આજેય હજારો બાળદર્દીઓને બાધા–આખડીથી, વગર દવાએ શીતળા મટે છે – એ શું માતાજીની કૃપા છે? ના, એય એની ઉગ્રતા તથા શરીરની પ્રતીકારશક્તી પ્રમાણે મટે યા દર્દી મરે. એવું જ આકસ્મીક કારણે કેટલાક કીસ્સામાં એમાં ઘણાં નક્કર, કાર્યકારણનાં પરીબળો અલબત્ત કામ કરતાં હોય તે શોધાયાં.

હવે બીજી દલીલ : ‘ચંદ્રના આકર્ષણથી દરીયામાં ભરતી આવે છે, શરીરમાં પાણી છે, તો શરીર ઉપર પણ ચંદ્રના આકર્ષણની અસર કેમ ન થાય?’ જવાબમાં પ્રથમ તો એ ચીંધવાનું કે ના જ થાય. માટલામાં કે સારા એવા મોટા સરોવરમાં ભરતી નથી જ આવતી; તો બીચારા શરીરના 30–35 લીટર પાણીને ચંદ્રની શી અસર થાય? થાય જ કેવી રીતે? બીજું કે, ચંદ્રના આકર્ષણથી તમામે–તમામ સાગરોમાં ભરતી આવે છે, તો જો ચંદ્રના આકર્ષણની માનવશરીર પર અસર થતી હોય તો, તેય બધાને સરખી જ થાય. પછી બારમો ચંદ્રમા ને આઠમો ચંદ્રમા, ઉચ્ચનો કે નીચનો એવું બધું શું? એ તો ઠીક; પણ સમુદ્રમાંય ભરતી કેમ આવે છે, એ જાણવું જોઈએ. ચંદ્ર તો રોજ અમુક પળ આકાશમાંથી પસાર થાય જ છે, ભરતી ચંદ્રના સીધા આકર્ષણથી નહીં, ટાઈડલ ફોર્સથી આવે છે. આકસ્મીક કારણે કેટલાક કીસ્સામાં જ્યોતીષની આગાહી સાચી પડી જાય! એમાં ઘણાં નક્કર, કાર્યકારણનાં પરીબળો અલબત્ત કામ કરતાં હોય.

બહુ ઓછા એ વાત જાણતા હશે કે, પુનમ–અમાસે સુર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં આવે છે, ત્યારે અમુક પ્રક્રીયાથી, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીષ્ક્રીય થઈ જાય છે અને ત્યારે જ ભરતી ચઢે છે. અન્યથા, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પાર્થીવ પદાર્થો પર એટલું પ્રચંડ છે કે એની આગળ સુર્ય–ચંદ્રના ગુરુત્વાકર્ષણની કોઈ વીસાત નથી. (સુર્યના દુરત્વને કારણે, ચંદ્રના દુરત્વ તથા કદ બન્ને કારણે) અને બીજા ગ્રહોની તો કોઈ વીસાત જ નથી.

એથીય વધુ મહત્ત્વની વાત તો વળી એ કે ભૃગુ કે પરાશર જેવા જયોતીષીઓ (આદ્ય પુરુષો) ગુરુત્વાકર્ષણ વીશે કંઈ જ જાણતા નહોતા. આર્યભટ્ટે પણ એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ન્યુટને એ સીદ્ધાંત શોધ્યો, પછી જ જ્યોતીષીઓ આ શક્યતાનો ગેરલાભ ઉઠાવવા દોડે છે. અરે, આ મહાન જ્યોતીષાચાર્યો નવ ગ્રહો પણ પુરા જાણતા નહોતા! સુર્ય અને ચંદ્ર(એક તારો ને બીજો ઉપગ્રહ)ને ગ્રહો માનતા. તેઓના નવ ગ્રહોમાંથી ફક્ત પાંચ જ સાચા છે.

(રીમોટના અનુસંધાનમાં એક મુદ્દો એ કે, તમે તો એટલું જ કહો છો કે ‘જ્યોતીષની પૉસીબીલીટી તો વીચારો!’ પણ દુનીયામાં તો પૉસીબીલીટી સીદ્ધ થતાં પહેલાં જ, ગ્રંથો લખાયા, લોકો માનતા થઈ ગયા, કુંડળીઓ બનવા લાગી ને મેળવાવા – વરકન્યાની – લાગી. ધંધો ધમધોકાર ચાલ્યો, સંઘો રચાયા ને પરીષદો યોજાઈ. રીમોટની શોધ પહેલાં આવું કંઈ થયેલું ખરું કે?)

હવે ત્રીજી દલીલ તે લ્યુનેટીક શબ્દ : ‘લ્યુના એટલે ચંદ્ર અને લ્યુનેટીક એટલે પાગલ, માટે આ શબ્દ સુચવે છે કે, ચંદ્રની કંઈક અસર માનવમન પર થતી હશે; ત્યારે જ આવો શબ્દ બન્યો હશે ને?’

ના જી! શબ્દ લોકમાન્યતાને આધારે પણ બને જ છે, ભલે પછી એ માન્યતા ધરાર ખોટી હોય. પ્રાચીન કાળમાં (છેક મધ્યકાલીન યુગ સુધી) પશ્ચીમના લોકો માનતા કે ‘ચંદ્રના પ્રભાવથી માણસ પાગલ થઈ જાય છે.’ એથી (ચંદ્રપ્રભાવીત) એવો ‘લ્યુનેટીક’ શબ્દ પ્રચલીત થયો. (બાય ધ વે વીનોદ ભટ્ટ સ્ટાઈલ –, ભારતીય જ્યોતીષમાં ચંદ્ર પ્રવાસ–યાત્રાનો ગ્રહ પણ ગણાય છે.)

એક દાખલાથી આ વાત સ્પષ્ટ થઈ જશે : ભારતમાં ડઝનેક ‘બાણગંગા’ નામનાં જળાશયો છે, જ્યાં સામાન્યતઃ જમીનમાંથી આપોઆપ પાણી ફુટી નીકળતું હોય એવા ઝરાને ‘બાણગંગા’ કહે છે. લોકવાયકા મુજબ, સીતાજીને કે યુધીષ્ઠીરને ખુબ તરસ લાગી, આસપાસમાં ક્યાંય પાણી નહોતું; એટલે રામે યા અર્જુને જમીનમાં બાણ મારીને પાણી કાઢ્યું. બસ, આ માન્યતાને અનુસરીને ‘બાણગંગા’ શબ્દ પ્રચલીત થયો. હવે, જો કોઈ એવી દલીલ કરે કે, ‘બાણગંગા’ શબ્દ જ પુરવાર કરે છે કે, બાણ મારવાથી જમીનમાંથી પાણી કાઢી શકાય અથવા તો ભુતકાળમાં આવા મહાન બાણાવળીઓ થઈ ગયા! શું આ માની શકાય એવી વાત છે? (નોળવેલ, મણીધર નાગ, સોમરસ વગેરે શબ્દો કેવળ લોકમાન્યતાને આધારે જ ઘડાયેલા છે.)

ચાલો, આ તો ટુંકમાં, દુઃખ–પીડાના માર્યા તમારી ત્રણ દલીલો ચર્ચી. બાકી, કોઈ આગ્રહ નથી. હજીય, તમે ઈચ્છો, તો આ દલીલ ભલે કરજો! મને ખોટું નહીં લાગે. તમે પણ આ પત્રથી ખોટું ના લગાડશો, પ્લીઝ! સંપુર્ણ તટસ્થ ભાવે જ આ પત્રના લખાણ પર વીચારજો! ઘણીવાર આપણે આવું બધું જાણતા તો હોઈએ જ છીએ; પણ સંપુર્ણ–તટસ્થ ભાવે વીચારતા નથી. એ જ ન્યાયે કહ્યું કે, તમે પણ આ પત્રમાંની ઘણી હકીકતો જાણો જ છો; જરુર ફક્ત તટસ્થ વીચારની છે. અસત્ય કે વીપરીત–અતાર્કીક લાગે તો બીનધાસ્ત ફગાવી દેજો!

પ્રેમ–આદર જ આવી ધૃષ્ટતા (મારી પાસે) કરાવે છે કે, ‘અમારા રજનીભાઈ આવી દલીલ તો ન જ કરે!’

– રમણ પાઠક

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદકસમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13/02/2023

5 Comments

 1. મા. રજનીકુમારની નમુનારુપ આ પત્રાંશમા-‘…જરુર ફક્ત તટસ્થ વિચારની છે.અસત્ય કે અતાર્કીક લાગે તો બીન્ધાસ્ત ફગાવી દેજો’
  વાત વધુ ગમી

  Liked by 1 person

 2. Very impressive (fact-based) article … thanks Ramanbhai Pathak for articulating your view (I am 77-yr old retired engineer, studied at IV-league school, USA resident for 53-years) couldn’t agree more to your perspective! Thanks for sharing 👍

  Liked by 1 person

  1. આદરણીય વલીભાઈ,
   નમસ્તે…
   ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘જ્યોતીષ જેવા વીષયો પરત્વે’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   –ગોવીન્દ મારુ

   Like

 3. દરેક બાબતોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s