ભારતમાં આ પ્રથા લાગુ પાડી શકાય? ધારાગૃહોને લોકોથી બચાવવાની જરુર છે? ચુંટાયેલા પ્રતીનીધીઓ લોકો સામે કોઈ વીશેષાધીકાર માંગી શકે? લોકપ્રતીનીધીઓ લોકોના એજન્ટ છે, તેઓ પોતાના પ્રીન્સીપાલ (લોકો) સામે વીશેષાધીકાર માંગી શકે?
વીશેષાધીકાર અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય
–રમેશ સવાણી
ધારાસભ્યો અને સંસદસભ્યો લોકો કરતાં વધુ સમાન – ‘મોર ઈક્વલ’ છે? લોકપ્રતીનીધીઓના વીશેષાધીકારોની પ્રથા બ્રીટનથી આવી છે. બ્રીટનમાં, રાજાશાહી–રાજતંત્રથી ધારાસભાને બચાવવા વીશેષાધીકારની પ્રથા ઉદ્ભવી હતી; ભારતમાં આ પ્રથા લાગુ પાડી શકાય? ધારાગૃહોને લોકોથી બચાવવાની જરુર છે? ચુંટાયેલા પ્રતીનીધીઓ લોકો સામે કોઈ વીશેષાધીકાર માંગી શકે? લોકપ્રતીનીધીઓ લોકોના એજન્ટ છે, તેઓ પોતાના પ્રીન્સીપાલ (લોકો) સામે વીશેષાધીકાર માંગી શકે?
લોકોને મળેલ વાણી સ્વાતંત્ર્ય કરતાં સંસદસભ્યનું વાણી સ્વાતંત્ર્ય વધુ વ્યાપક છે. આ અબાધીત વાણી સ્વાતંત્ર્ય સભાગૃહની ચાર દીવાલો વચ્ચે જ ભોગવી શકાય. સંસદસભ્યને અખબારની તુલનામાં અભીવ્યક્તીની અધીક સ્વતંત્રતા મળે છે. અખબારનો ફેલાવો ગમે તેટલો હોય છતાં તેનો આધાર સામાજીક નથી, જયારે લોકપ્રતીનીધીઓનો આધાર સામાજીક છે; લોકો ખાસ હેતુ માટે તેઓને ચુંટી મોકલે છે. તેથી તેમને વીશેષાધીકારો મળેલા છે. અખબાર ત્યારે જ વીશેષાધીકારની માંગણી કરી શકે, જયારે તેની માલીકીનો આધાર ખાનગી નહીં, સામાજીક હોય. અભીવ્યક્તી સ્વાતંત્ર્યની રુએ, સભાગૃહની કાર્યવાહી પ્રસીદ્ધ કરવાનો હક તેમ જ માહીતગાર થવાનો તંત્રીનો હક માર્યો જાય તેનું શું?
ગૃહના વીશેષાધીકાર અને મુળભુત અધીકાર, કોણ ચડે? નામદાર સુપ્રીમકોર્ટે કહ્યું છે :
(1) વીશેષાધીકારો નીયત કરતો કોઈ કાયદો સંસદ ઘડે તો તે કાયદો અને તે દ્વારા ઘડાયેલા વીશેષાધીકારો મુળભુત અધીકારોની જોગવાઈઓને આધીન ગણાય. કેમ કે વીશેષાધીકારો નીયત કરવાની પ્રક્રીયા કાયદો ઘડવાની પ્રક્રીયા હોવાથી મુળભુત હકો સાથે અસંગત હોય તેવો કે તેમાં ઘટાડો કરતો કાયદો ઘડી શકાય નહીં તે જોગવાઈ લાગુ પડે.
(2) વર્તમાન વીશેષાધીકારોનું સ્થાન મુળભુત અધીકારોની સમકક્ષ છે. આથી બન્ને વચ્ચે સંઘર્ષ ઉભો થાય ત્યારે સુસંવાદી અર્થઘટન કરવું જોઈએ; પરન્તુ એકનો ભંગ કર્યા વીના બીજા અધીકારને અમલી બનાવી શકાય તેવી સ્થીતી હોય ત્યારે મુળભુત અધીકાર કરતાં ધારાગૃહના વીશેષાધીકારને પ્રભુત્વ આપવું જોઈએ કેમ કે મુળભુત અધીકારો સામાન્ય જોગવાઈ છે, જ્યારે વીશેષાધીકારો ખાસ જોગવાઈ છે. છતાં આર્ટીકલ : 21 (જીવ અને શરીર સ્વાતંત્ર્યના રક્ષણનો મુળભુત અધીકાર) સંસદના વીશેષાધીકારોની સામે બીનઅમલી બનતો નથી. સંસદ કોઈને જેલની સજા કરવા ઈચ્છતી હોય તો કાયદા અનુસાર જ કરી શકાય. સંસદના હુકમને કારણે આર્ટીકલ – 21નો ભંગ થયો હોવાનું જણાય તો અદાલત ભોગ બનેલી વ્યક્તીને મુક્ત કરી શકે.
(3) આર્ટીકલ : 32 હેઠળનો (હકોનો અમલ કરાવવા નામદાર સુપ્રીમકોર્ટ પાસે જવાનો) મુળભુત અધીકાર ધારાગૃહના વીશેષાધીકાર સામે પણ ટકી શકે છે. આથી સભાગૃહના હુકમ સામે મુળભુત અધીકારોના ભંગ બદલ સુપ્રીમકોર્ટ સમક્ષ જઈ શકાય.
(4) લોકપ્રતીનીધીઓને જે અબાધીત વાણી સ્વાતંત્ર્ય મળ્યું છે તે બંધારણની જોગવાઈઓને આધીન રહીને મળે છે. એટલે કે સુપ્રીમકોર્ટ–હાઈકોર્ટના કોઈ ન્યાયમુર્તીની પોતાની ફરજો બજાવતી વેળાની વર્તણુક અંગે વીધાનસભામાં કોઈ ચર્ચા થઈ શકે નહીં, તેવું આર્ટીકલ : 211 અને 121માં ઠરાવેલ છે તે મર્યાદા લોકપ્રતીનીધી વીશેષાધીકારના નામે ઓળંગી શકે નહીં.
ધારાસભ્યો શું કામ કરે છે તે વીશે લોકોને જાગૃત રાખવાનું કામ અખબાર કરે તેથી ધારાગૃહના કે તેના સભ્યના વીશેષાધીકારનો ભંગ થઈ જતો નથી. ધારાસભ્યો મતદાતાઓના માર્ગદર્શકો છે, એમ વીચારવું એ એક ભ્રમણા છે. ગાંધીજીના મત પ્રમાણે તેઓ ચુંટાઈ આવ્યા છે એટલે તેઓ પ્રજાના સેવકનો દરજ્જો ધરાવે છે, માલીકનો નહીં. સંસદ એક જાહેર સંસ્થા છે. તેની અંદર જે કાંઈ થઈ રહ્યું હોય તે જાહેર મહત્ત્વની બાબત છે. જાહેર મહત્ત્વની બાબતો અંગે માહીતી મેળવવાનો લોકોને હક છે. તામીલનાડુની વીધાનસભાએ (એપ્રીલ, 1987) તમીળ સાપ્તાહીક ‘આનંદ વીક્ટન’ના તંત્રીને ત્રણ માસની સખ્ત કેદની સજા ફટકારી, ગુનો એ હતો કે સાપ્તાહીકના મુખપૃષ્ઠ પરના કાર્ટુનમાં સ્ટેજ પર બે વ્યક્તીઓ બેઠેલી દર્શાવાઈ હતી. સાથે લખાણ હતું કે આ બેમાંથી જે ખીસ્સાકાતરુ જેવો લાગે છે તે ધારાસભ્ય છે અને ડાકુ જેવો લાગે છે તે પ્રધાન છે! આ કાર્ટુન કોઈ ચોક્કસ ધારાસભ્ય કે પ્રધાન તરફ ઈશારો કરતું નહતું. આ કટાક્ષ તામીલનાડુની વીધાનસભા સામે છે એવો પણ કોઈ નીર્દેશ તેમાં નહોતો. તંત્રીને થયેલી સજાને કારણે ઉહાપોહ થયો. મુખ્યમંત્રી રામચંદ્રન્ વચ્ચે પડ્યા. અધ્યક્ષે પોતાની સત્તાઓનો ઉપયોગ કરી તંત્રીને જેલમાંથી મુક્ત કર્યા.
તમીળ સામયીક ‘તુગલ્ક’ના તંત્રી ચો રામાસ્વામીએ અરક (દારુ)ની દુકાનોમાં સ્નાતકોને નોકરી આપવાની મુખ્ય મંત્રીની યોજનાની ઠેકડી ઉડાડતું એક કાર્ટુન (1985) પ્રસીદ્ધ કર્યું : કાર્ટુનમાં મુખ્યમંત્રી પ્લેકાર્ડ લઈને ઉભા હતા, પ્લેકાર્ડમાં લખ્યું હતું : સ્નાતકો માટે અરકની દુકાનો, અશીક્ષીતો માટે વીધાનસભા! ચો સમાસ્વામીએ એક બીજું કાર્ટુન પ્રસીદ્ધ કરેલ : વીધાનસભાની આગળ બે ગધેડા ઉભા છે. વીધાનસભામાંથી અર્થહીન અવાજો આવે છે : ‘હું તને મારી નાખીશ…’ એક ગધેડાએ કહ્યું : ‘ઉભો રહે, સ્પીકર બોલે છે, એને સાંભળીએ’ બીજા ગધેડાએ જવાબ આપ્યોઃ ‘નહીં, નહીં, આપણે ભાગી છુટીએ. તેઓ જે કંઈ બોલે છે તેને માટે આપણને દોષ દેશે. આપણે ભોંકતા હતા તેવું તેઓ કહેશે.’ આ બધાં માટે તમીળ વીધાનસભાએ નોટીસ મોકલી, ચો રામાસ્વામીએ કહ્યું હતું : “ગૃહના તીરસ્કાર સબબ સજા કરવાની સત્તાનો ઉપયોગ અભીવ્યક્તી સ્વાતંત્ર્યમાં કાપ આવે તે રીતે ધારાગૃહ કરી શકે નહીં, મારી ટીકા અને કાર્ટુનો એ કંઈ ગૃહની કાર્યવાહીના ભાગ નથી. ધારાગૃહ તેની કાર્યવાહીના સમ્બન્ધમાં જ વીશેષાધીકાર માંગી શકે.” મુમ્બઈના દૈનીક ‘મહાનગર’ના તંત્રી–માલીક નીખીલ વાગલેએ મહારાષ્ટ્રના ધારાસભ્યો અસામાજીક તત્ત્વો સાથે સમ્બન્ધ રાખે છે તેવી ટીકા કરેલી. વીધાનસભાએ ચાર દીવસની જેલ ફરમાવેલી, તે વાગલેએ સ્વીકારી લીધી હતી!
ધારાગૃહમાં જઈને સભ્યો કેવું વર્તન કરે છે તેની ચોકી કરવાનો લોકોને અધીકાર છે. લોકો પોતાના પ્રતીનીધીને ધારાગૃહમાં ગેરવર્તન કરવા મોકલતા નથી; પરન્તુ પોતાનું પ્રતીબીંબ પાડવા માટે ત્યાં મોકલે છે. પ્રતીનીધીઓ અવળચંડાઈ કરે તો તે પ્રગટ કરવાનો અખબારને અધીકાર છે. જ્યારે વીધાનસભ્યો ગેરવર્તન કરી કાર્યવાહી ખોરવી નાખે; એકબીજાની સામે માઈક, ચપ્પલ ફેંકે, મુક્કાબાજી કરે, ગાળાગાળી કરે, ગૃહના અધ્યક્ષ વારંવાર જાહેર હીતની ચર્ચા અટકાવે, એવા ચુકાદા આપે, જે અન્યાયી હોય અને તેમના અગાઉના ચુકાદાઓના જ વીરોધાભાસી હોય; સંસદીય સમીતીને જરુરી દસ્તાવેજોથી દુર રાખવામાં આવે, આવી સમીતી ઈરાદાપુર્વક સત્ય પર ઢાંકપીછોડો કરે, ત્યારે આ બધાથી માહીતગાર થવાનો લોકોને હક છે. સંસદીય વીશેષાધીકાર અને નાગરીકોના મુળભુત અધીકારો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે બન્નેનો સમન્વય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ધારાગૃહના વીશેષાધીકારની રક્ષા થાય, સાથે અદાલતો, વકીલો અને નાગરીકોના અધીકારોની સુરક્ષા પણ થઈ શકે.
1975ની ‘ક્ટોકટી’થી લોકપ્રતીનીધીઓ એવું માનવા લાગ્યા છે કે સંસદ સર્વોપરી સત્તા છે તેથી અમે સર્વોપરી છીએ. આ માનસીક બીમારીનો નમુનો છે. આ પ્રતીનીધીઓનું આયખું માત્ર પાંચ વર્ષનું છે એ ભુલી શકાય નહીં. સંસદના સભ્યો એ પ્રજા નથી. એ માત્ર પ્રજાના પ્રતીનીધીઓ છે. 1975માં સંસદસભ્ય પુરુષોત્તમ માવળંકરે કહ્યું હતું : ‘સ્વતંત્ર અખબારો અનીવાર્યપણે સ્વતંત્ર સંસદનો જ વીસ્તાર છે. અખબારો સ્વતંત્ર ન હોય તો સંસદ પણ સ્વતંત્ર ન રહી શકે.’
વીશેષાધીકારો સભ્યોને એટલા માટે આપવામાં આવે છે કે જેથી તેઓ કોઈ પણ જાતના અવરોધ વીના સંસદમાં તેમની ફરજ બજાવવા સમર્થ થઈ શકે. વીશેષાધીકાર ભંગ થાય છે કે નહીં તે નકકી કરવાનો માપદંડ એ છે કે સભ્ય તરીકે તેમની કામગીરી બજાવવામાં કોઈ વીક્ષેપ ઉભો થયો છે કે કેમ? વીશેષાધીકાર ભંગ માટે અખબાર સામે આરોપ મુકવાનાં ત્રણ બહાનાં છે : (1) ધારાગૃહની કાર્યવાહીનો ખોટો અહેવાલ પ્રસીદ્ધ કરેલ છે. (2) ધારાગૃહના અધ્યક્ષે કાર્યવાહીમાંથી જે ઉલ્લેખો રદ ઠરાવેલ હતા તે પ્રસીદ્ધ કરેલ છે. (3) અખબારે આપેલ પ્રસીદ્ધને કારણે ધારાગૃહની અને તેના સભ્યોની આબરુ હલકી પડી છે.
ધારાગૃહની કાર્યવાહીનો સાચો અહેવાલ પ્રગટ કરવામાં બદનક્ષી થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થીત થતો નથી. પ્રસીદ્ધ થયેલ અહેવાલમાં કોઈ નજીવી ભુલ હોય તો તે કારણે કોઈ સામે કામ ચલાવી શકાય નહીં, કેમ કે અહેવાલ વાસ્તવીક હોય તે પુરતું છે. ધારાગૃહમાં પાશવી બહુમતીના કારણે સત્ય લખવાને કારણે, પત્રકારને – અખબારને સજા કરવામાં આવે તો ‘સત્યમેવ જયતે’ આપણા રાષ્ટ્રીય મુદ્રાલેખ વીરુદ્ધનું કૃત્ય ગણાય. સત્યને પ્રગટ થતું અટકાવવાનો કોઈને હક આપી શકાય નહીં. સત્ય એ જ ઈશ્વર છે. ગાંધીજીના આ શબ્દોમાં સત્યનો ભાર કેટલો છે તે સમજી શકાય તેમ છે.
અખબારે આપેલ પ્રસીદ્ધીના કારણે ધારાગૃહની આબરુને ધક્કો લાગ્યો છે, પ્રતીષ્ઠા હલકી પડી છે એવો નીર્ણય કરવાની સત્તા ખુદ ધારાગૃહને હોવાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે. કાર્ટુન દ્વારા ટકોર કરવામાં આવે તે પણ ધારાગૃહથી સહન થતું નથી. લોકપ્રતીનીધીઓનું ‘સામંતશાહી માનસ’ કશું સહન કરી શક્તું નથી. યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને ટીકા કરવામાં આવે, જાહેર બાબતને સ્પર્શતા મુદ્દા અંગે લખવામાં આવે, શુદ્ધ–બુદ્ધીથી હકીકતો પ્રગટ કરવામાં આવે ત્યારે કોર્ટનો તીરસ્કાર ન થાય અને ધારાગૃહનો તીરસ્કાર થઈ જાય? અદાલતનો તીરસ્કાર ત્યારે જ થાય જ્યારે ખોટા ઈરાદાથી ટીકા કરેલી હોય. યોગ્ય અને વાજબી ટીકા ન્યાયમુર્તીને મદદરુપ થાય છે, તેના કામમાં જે અધુરપ હોય તેનો તેને ખ્યાલ આવે છે. ચુકાદાની માત્ર ટીકા કરવાથી તીરસ્કારનું કૃત્ય બનતું નથી. ન્યાયીક કાર્યની યોગ્ય ટીકા એ તીરસ્કાર નથી. શુદ્ધ–બુદ્ધીથી કરેલા નીવેદનથી તીરસ્કાર થતો નથી. જાહેર હીતમાં, શુભનીષ્ઠાથી ન્યાયીક કાર્યની હડહડતી ટીકા થઈ શકે તો વીધાનસભાની અને તેના સભ્યોની ટીકા કેમ ન થઈ શકે?
લોકશાહી માટે આડખીલીરુપ બની ગયેલા ધારાગૃહના વીશેષાધીકારોનું સ્વરુપ કેવું છે તે અંગે ચોક્કસ કંઈ કહી શકાય તેવી સ્થીતી નથી. ધારાગૃહને ઈચ્છા થાય ત્યારે, વીશેષાધીકાર ભંગની નોટીસ મોકલી આપે છે. લોકપ્રતીનીધી ધારાસભ્ય તરીકેની ફરજ બજાવતા ન હોય; પરન્તુ રાજકારણી તરીકે કોઈ દેખાવમાં ભાગ લેતા હોય ત્યારે પોલીસ એને ઝુડી નાખે, તો એ સંજોગોમાં વીશેષાધીકાર ભંગ કહેવાય નહીં. કેમ કે તેમની ભુમીકા વીધાનસભ્ય તરીકે નહીં; પણ રાજકીય નેતા તરીકેની ગણાય. વીશેષાધીકારનું કોડીફીકેશન કરવામાં આવે તો ત્રણ ફાયદા થાય : (1) વીશેષાધીકાર ભંગના પ્રશ્નોની ચર્ચામાં ધારાગૃહનો કીમતી સમય વેડફાય છે તે બચે. (2) શાસક પક્ષના સભ્યો દ્વારા વીપક્ષી સભ્યો સામે થતો વીશેષાધીકારનો દુરુપયોગ બંધ થાય. (3) ધારાગૃહ ગમે તેની સામે વીશેષાધીકાર ભંગની દરખાસ્ત મુકે છે તેના પર નીયંત્રણ આવે…
વીશેષાધીકારોને કોડીફાઈ કરવાથી, લેખીત રુપ આપવાથી ધારાગૃહનો તેમ જ અદાલતનો મોભો જાળવવાની મુશ્કેલીઓ વધવાની શક્યતા નકારી શકાય નહીં, ધારાગૃહ અને અદાલત સામસામે આવી એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલ કરવા લાગે. આ બાબતમાં, એકમાત્ર ઉકેલ છે, સમજણ. ધારાગૃહ અને અદાલતો વચ્ચે પરસ્પર વીશ્વાસ અને આદર હોય તો વીશેષાધીકારોને સંહીતાબદ્ધ કરવાની ભાગ્યે જ જરુર પડે.
લોક પ્રતીનીધીઓ સમજણભર્યું–આદરપાત્ર વર્તન કરવાનું ભુલી જાય છે, એની તો બળતરા છે. ધારાગૃહનાં પગથીયાં ચડતાં જ ચુંટાયેલા પ્રતીનીધીઓની સમજણ બદલાઈ જાય છે; એનો તો ખરખરો છે. ધારાગૃહમાં તેઓ ધોતીયાં ઉંચાં કરે છે; સત્યને પ્રગટ થતું અટકાવવા દેકારો કરે છે; ગંદા શાસકોની પ્રતીભા સ્વચ્છ દેખાડવા કાર્યવાહીને ભુંસી નાખવામાં આવે છે; લોકપ્રતીનીધીઓની ગંદી પ્રવૃત્તીઓ સામે આંગળી ચીંધનાર અખબારને–પત્રકારને–કાર્ટુનીસ્ટને મનસ્વી રીતે સજા કરવાના તેઓ પેંતરા કરે છે, વીશેષાધીકારો સામંતશાહી માનસને પોષણ આપે છે. લોક–ટીકાને, અભીવ્યક્તી સ્વાતંત્ર્યને ભીંસમાં લેતા વીશેષાધીકારોને બાળી નાખવાથી જ લોકશાહી વધુ પ્રકાશમય બને.
કવીની વેદના કહે છે :
સંસદ!
પેલી ઝેરી મધમાખીઓ સામે આંગળી ના કરો,
કેમ કે તમે જેને મધપુડો માનો છો
ત્યાં તો લોકોના પ્રતીનીધીઓ વસે છે.
–રમેશ સવાણી
લેખક રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી – ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 17–02–2023
શ્રી રમેશ સવાણીની ‘ ધારાગૃહમાં તેઓ ધોતીયાં ઉંચાં કરે છે; સત્યને પ્રગટ થતું અટકાવવા દેકારો કરે છે; ગંદા શાસકોની પ્રતીભા સ્વચ્છ દેખાડવા કાર્યવાહીને ભુંસી નાખવામાં આવે છે; લોકપ્રતીનીધીઓની ગંદી પ્રવૃત્તીઓ સામે આંગળી ચીંધનાર અખબારને–પત્રકારને–કાર્ટુનીસ્ટને મનસ્વી રીતે સજા કરવાના તેઓ પેંતરા કરે છે, વીશેષાધીકારો સામંતશાહી માનસને પોષણ આપે છે. લોક–ટીકાને, અભીવ્યક્તી સ્વાતંત્ર્યને ભીંસમાં લેતા વીશેષાધીકારોને બાળી નાખવાથી જ લોકશાહી વધુ પ્રકાશમય બને.’વાતો સમજવા પ્રયત્ન કર્યો
ધન્યવાદ્
LikeLiked by 1 person