રાજ ધનેશ – Great Hornbill

રાજ ધનેશ અરુણાચલ પ્રદેશ અને કેરલનું રાજ્ય પક્ષી છે. તે ભારતમાં મળી આવતા તમામ ધનેશમાં સૌથી મોટો છે. તે જંગલી પક્ષી છે અને વૃક્ષવાસી છે. તે ઉંચા વૃક્ષોની ડાળીઓ ઉપર બેસવાનું વધારે પસંદ કરે છે. [……………]

પક્ષી પરીચય : 9

રાજ ધનેશ

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : મોટો ચિલોત્રો
હીન્દી નામ : भीमकाय धनेश, महान धनेश
અંગ્રેજી નામ : Great Hornbill
વૈજ્ઞાનીક નામ : Buceros bicomis

પરીચય :
રાજ ધનેશ અરુણાચલ પ્રદેશ અને કેરલનું રાજ્ય પક્ષી છે. તે ભારતમાં મળી આવતા તમામ ધનેશમાં સૌથી મોટો છે. તે જંગલી પક્ષી છે અને વૃક્ષવાસી છે. તે ગામ, શહેર કે માનવવસ્તીની પાસે આવતું નથી. તે પોતાનો મોટાભાગનો સમય વૃક્ષો ઉપર વ્યતીત કરે છે. તે નીચે પડેલાં ફળ ખાવા અને પાણી પીવા નીચે જમીન ઉપર ઉતરે છે. તેની એક વીશીષ્ટ આદત એ છે કે તે ઉંચા વૃક્ષોની ડાળીઓ ઉપર બેસવાનું વધારે પસંદ કરે છે.

રાજ ધનેશ ભારે ઘોંઘાટીયું પક્ષી છે. તે વૃક્ષ ઉપર આશરો લેતી વખતે, ભોજન કરતી વખતે અને ઉડતી વખતે ખુબ અવાજ કરે છે. તે વીભીન્ન પ્રકારના અવાજો કરવામાં ભારે કુશળ છે. ઉડતી વખતે તે તાકાતથી પોતાની પાંખો ફફડાવે છે તેના કારણે ભારે તેજ અવાજ નીકળે છે. તે અવાજ અમુક અન્તરથી પણ સંભળાઈ શકે છે. મોજાં ઉંચાં નીચાં થતા હોય તેવી તેમની ધીમી પણ મજબુત ઉડાન હોય છે. થોડીક વાર પાંખો વીંઝે અને પછી ઢાલ લેતી સપાટીએ હવામાં સરકતા જાય છે. ત્યારે તેમની પાંખોના છેડેના લાંબા પીંછાના છેડા ઉંચે વળેલાં હોય છે.

રાજ ધનેશની શારીરીક રચના અન્ય ધનેશ પક્ષીઓના જેવી જ હોય છે; પરન્તુ આકાર અને શરીરના રંગોમાં ઘણો મોટો તફાવત હોય શકે છે. રાજ ધનેશ શ્વેત–શ્યામ અને પીળા રંગનું પક્ષી 2થી 4 કી.ગ્રા વજન ધરાવે છે. માદાઓ નર કરતાં નાની હોવાથી તેમનું વજન 2.59 કી.ગ્રા. જેટલું હોય છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે પરન્તુ થોડોક તફાવત હોય છે. માદાને લાલ આંખોને બદલે વાદળી–સફેદ હોય છે. માદાની આંખની કીકીનું કુંડાળું શ્વેત હોય છે જ્યારે નરમાં કીકી લાલ રંગની હોય છે. નરને પ્રાથમીક પીંછાઓ અને ઉપરની ચાંચ તેજસ્વી પીળા રંગની હોય છે. ચાંચને દાણાદાર ધાર હોય છે.

રાજ ધનેશનું માથું, શરીરનો ઉપરનો ભાગ અને ઉડવાવાળી પાંખો કાળા રંગની હોય છે. તેની છાતીનો રંગ કાળો હોય છે, પરન્તુ ગળાનો, છાતીનો ઉપરનો ભાગ અને પેટની નીચેનો ભાગ પીળાશ પડતો સફેદ હોય છે. તેની પાંખોની આરપાર સફેદ રંગની પટ્ટી હોય છે. તેની પુંછડીનો રંગ સફેદ હોય છે પરન્તુ તેની વચ્ચે કાળા રંગનો પટ્ટો હોય છે. આ પટ્ટો તે પક્ષી બેઠું હોય ત્યારે સ્પષ્ટ દેખાય આવે છે. તેની પુંછડી લાંબી હોય છે અને તે પુંછડી ઉપર આવેલ કાળા રંગના પટ્ટાને બાદ કરતાં સફેદ રંગની ગોળાઈ ધરાવતી દેખાય છે. તેના પગ ભારે મજબુત હોય છે અને સફેદ પડતા સ્લેટી રંગના હોય છે.

રાજ ધનેશ પક્ષીની વીશીષ્ટતા એ છે કે તેની ચાંચ લાંબી, ભારે અને શીંગડા આકારની મોટી હોય છે અને ચાંચની ઉપર ચળક્તા પીળા–કાળા રંગની પેટડી (ટોપી, હેલમેટ) હોય છે. જે તેના માથાના પાછળના ભાગથી શરુ થાય છે અને ચાંચના વળાંક સુધી આવે છે. તેના માથા ઉપર આવેલી પેટડી ઉપરની બાજુ ઉપસેલી નથી; પરન્તુ અંદરની તરફ વળેલી (અંતર્મુખ) હોય છે.

આ પક્ષીઓનું વર્ગીકરણ તેમના કદની વીવીધતાના આધારે કરવામાં આવે છે. હીમાલયનાં પક્ષીઓ દક્ષીણના પક્ષીઓ કરતાં મોટાં હોય છે. નર મોટા કદના ભારે અને નક્કર પીળી ચાંચ અને પીટડી (હેલમેટ) વાળાં હોય છે. તેમની ગરદન અને પાંખોના કીનારા સફેદ રંગના હોય છે જેની ઉપર પીળાશ પડતી છાંટ જોવા મળે છે. તે ઉડે છે ત્યારે કાળા પટ્ટાવાળી સફેદ પુંછડી અને સફેદ ધારવાળી પાંખો નોંધપાત્ર દેખાય છે. ઉડતી વખતે આ પક્ષી એકની પાછળ એક નેતાનું અનુકરણ કરતા હોય તે રીતે ઉડે છે. સામાન્ય રીતે જોડામાં અથવા નાના નાના ટોળામાં જોવા મળે છે.

આહાર :
રાજ ધનેશને પહોળા પાંદડાવાળા ફળોના વૃક્ષો ઉપર રહેવું વધારે પસંદ પડે છે. તે મોટાભાગે નાના સમુહમાં જોવા મળે છે; પરન્તુ ખોરાકની ઉપલબ્ધી વધારે માત્રામાં હોય તો તે ફળોના ઝાડ ઉપર વધારે મોટું ટોળું પણ જોવા મળે છે.

રાજ ધનેશના આહારમાં ફળોનો સમાવેશ થાય છે. આમ તો તેને મોટા ભાગનાં ફળો ગમે છે પરન્તુ ઉંચા વૃક્ષો ઉપર થતાં ફળો જેવાં કે વડ, ઉંબરા, પેપડાં, ટેટાં પસંદ પડે છે. તેમાંય અંજીરનું ફળ તેને વીશેષ ગમે છે. ફળો ઉપરાંત વીભીન્ન પ્રકારના કીડા–મંકોડા, ઉંદર, ખીસકોલી જેવા કતરી નાખનારા જીવો, ઉપરાંત ગરોળી, સાપ, કાંચડા જેવા સરીસૃપોનો પણ શીકાર કરે છે. તે વૃક્ષો ઉપર બેસીને કુદકા મારી આગળ વધે છે અને શીકાર કરે છે. શીકાર કરવા કે ખોરાક મેળવવા તે સૌ પ્રથમ ખુલ્લા વીસ્તારોમાં આવેલાં વૃક્ષો ઉપર આવીને બેસી જાય છે અને શીકારની પ્રતીક્ષા કરે છે. તેની દૃષ્ટી ભારે તેજ હોય છે તેથી જમીન પર કોઈ શીકાર હાલતો–ચાલતો દેખાય કે તરત જ નીચેની તરફ તરાપ મારી શીકારને ઝાપટ મારીને પકડી લે છે.

તે વૃક્ષોની છાલ ફાડીને તેની અંદર રહેલાં જીવજંતુઓને પકડી પાડે છે અને ભક્ષણ કરે છે. રાજ ધનેશની ફળ ખાવાની રીત ઘણી રસપ્રદ છે. તે સૌથી પહેલાં પોતાની ચાંચથી ફળ તોડે છે અને પછી તેને હવામાં ઉછાળે છે. ત્યારબાદ ક્રીકેટના દડાને કેચ કરીએ તે રીતે પકડીને ગળી જાય છે. તેની ચાંચ ઘણી મજબુત હોવાથી જો ફળનું ઉપલું પડ વધારે કઠોર છાલવાળું હોય તો પણ તે પોતાની ચાંચથી ફળની છાલને તોડી નાખે છે અને પછી ખાય છે.પ્રજનન :
રાજ ધનેશની સમાગમની અને પ્રજનનની રીત અન્ય ધનેશ પક્ષીઓના જેવી જ હોય છે. તેમના સંવર્ધનનો સમય જાન્યુઆરીથી શરુ થાય છે અને એપ્રીલના અંત સુધી ચાલે છે. પ્રજનનના સમયમાં નર સમુહથી અલગ થઈ જાય છે અને પછી જોડામાં જોવા મળે છે. આ સમય દરમીયાન નર માદાની સાથે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ઉડતા દેખાય છે અને સાથે ભોજન કરી અનેક વખત સમાગમ કરે છે.

પ્રજનન કાળ દરમીયાન નર અને માદા બન્ને ભારે અવાજ કરે છે. તેઓ મોટેથી ‘કોક’ કે ‘ગ્રોંક–ગોંક, ગ્રોંક–ગોંક’ એવો મોટેથી ઘોઘરો લગાતાર અવાજ કરે છે. ઉડતી વખતનો અવાજ પણ મોટો ‘ગ્રહ–ઓક’ એવો હોય છે.

માળો–ઈડાં :
રાજ ધનેશનો માળો અન્ય ધનેશ પક્ષીઓના જેવો સમાન હોય છે; પરન્તુ આ પક્ષી કોઈ ઉંચા વૃક્ષની બખોલમાં માળો તૈયાર કરે છે. તે પોતાનો માળો ઘાસ–ફુસ, વૃક્ષોની સાવ પાતળી–પાતળી ડાળીઓ, પાંદડા અને પીંછાંઓથી તૈયાર કરે છે. તેનો માળો દેખાવમાં સાવ સાધારણ હોય છે. માળો તૈયાર થઈ જાય એટલે માદા ધનેશ માળાની અંદર જતી રહે છે અને માળાના પ્રવેશદ્વારને માટી, છાણ, લાખ, મળ–મુત્ર વગેરેની મદદથી એક દીવાલ જેવું બનાવી માળાને બંધ કરી દે છે. આ દીવાલમાં એક નાનું કાણું રાખે છે કે જેના દ્વારા મળ–મુત્ર બહાર કાઢવામાં આવે છે. ધનેશના મળ–મુત્ર એવા પ્રકારના હોય છે કે સુકાઈ ગયા પછી કઠણ થઈ જાય છે તેના કારણે દીવાલ બની ગયા પછી માદા વધારે સુરક્ષીત થઈ જાય છે.

માદા ધનેશ તૈયાર કરેલ માળામાં 3થી 5 ઈંડાં મુકે છે અને તેને સેવે છે. આ સમય દરમીયાન નર ધનેશની જવાબદારી વધી જાય છે. તેને પોતાના ખોરાકની સાથે માદાના ભોજનની પણ વ્યવસ્થા કરવી પડે છે. નર પોતાની ચાંચમાં ભોજન લઈને આવે છે અને બખોલની પાસે વૃક્ષની છાલને પોતાના પંજાથી પકડી લે છે અને પોતાની ચાંચને દીવાલના કાણાંની પાસે લઈને જાય છે ત્યારે માળામાં રહેલી માદા તે કાણામાંથી પોતાની ચાંચથી ખોરાક મેળવી લે છે.

કેટલાક સમય પછી ઈંડાં ફુટે છે અને તેમાંથી બચ્ચાં બહાર નીકળે છે. ત્યારે નર ધનેશની જવાબદારી ઘણી વધી જાય છે કારણ કે તેને પોતાના ખોરાકની ઉપરાંત માદા અને બચ્ચાંના ખોરાકની પણ વ્યવસ્થા કરવી પડે છે. આ સમય દરમીયાન નર વધારે પડતા શ્રમને કારણે દુબળો–પાતળો થઈ જાય છે. તેનાથી ઉલટુ માદાને કોઈ પણ જાતનો શ્રમ કરવો પડતો ન હોવાથી થોડોક મોટી થઈ જાય છે. આ સમય દરમીયાન માદા પોતાનાં પીછાં ખેરવી નાખે છે કેટલીક વાર તો એવી પરીસ્થીતી પેદા થઈ જાય છે કે તેની ઉડવાવાળી પાંખો પણ ખરી જાય છે; પરન્તુ ખુબ જ ઝડપથી તેને નવી પાંખો ફુટે છે અને પુર્વવત થઈ જાય છે.

માદા ધનેશને સ્વચ્છતા વધારે પસંદ હોય છે. તે પોતાના માળામાંથી મળવીસર્જન કરે ત્યારે માળાની સામે જે કાણું રાખેલું હોય છે તેની સામે રહીને મળવીસર્જન કરે છે તેથી મળ માળાની બહાર ફેંકાય જાય છે. તેના માળામાં લેડીબગ અને વંદા પણ પેસી જતા હોવાથી તે બચ્ચાંના મળને ખાઈ જાય છે. પરીણામે તેના માળામાં વધારે ગંદકી થતી નથી. આટલી સફાઈ રાખવા છતાં માળામાં એટલી બધી ગંદકી થઈ જાય છે કે તેનો બીજી વખત ઉપયોગ કરી શકાતો નથી.

રાજ ધનેશના બચ્ચાંના શરીર ઉપર દોઢથી બે માસની વચ્ચે ઉડવાવાળી પાંખો ફુટે છે અને તે ઉડવા માટે સક્ષમ બની જાય છે. ત્યારબાદ આ બચ્ચાં દીવાલ તોડીને બહાર આવી જાય છે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવવાની શરુઆત કરી દે છે.

રાજ ધનેશ માળો બાંધવા માટે પરીપક્વ જંગલો પસંદ કરે છે. જે વૃક્ષો મોટા હોય, જુનાં હોય અને ઝાડ ઉપર તાજ (છત્ર) હોય તેવાં વૃક્ષોને માળો બાંધવા પ્રાધાન્ય આપે છે.

પ્રાત્તીસ્થાન :
રાજ ધનેશ (મોટો ચીલોત્રો) ભારતમાં મળી આવતા તમામ ચીલોત્રા કરતાં મોટો છે. રાજ ધનેશ ભારતની સાથોસાથ નેપાળ, ભુતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મલાયા, સુમાત્રા તથા દક્ષીણ–પુર્વના કેટલાંક સ્થાનો પર જોવા મળે છે. ભારતમાં એક બીજાથી ઘણા દુરના અંતરે અલગ અલગ સ્થાનો પર તે જોવા મળે છે. આપણે ત્યાં પુર્વી હીમાલયના ઉષ્ણ કટીબંધીય ભાગો અને પશ્ચીમ ઘાટના જંગલોમાં તે જોવા મળે છે. પુર્વમાં ઉત્તરાંચલથી માંડી મ્યાનમારની સીમા સુધી તે જોવા મળે છે. તે હરીયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ, તામીલનાડુ, બીહાર, સીક્કીમ, પશ્ચીમ બંગાળ, આસામ અને ઉત્તરપુર્વનાં મોટાભાગના સમગ્ર રાજ્યોમાં જોવા મળતા નથી; પરન્તુ રાજ્યોના કેટલાક નાના–નાના ભાગોમાં જોવા મળે છે.

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com સપ્ટેમ્બર, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–02–2023

3 Comments

  1. પ્રા. દલપત પરમારે પક્ષી પરીચય 9 મા રાજ ધનેશનો સચિત્ર ખૂબ સુંદર લેખ બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. પ્રા. દલપત પરમારે પક્ષી પરીચય 9 મા રાજ ધનેશનો સચિત્ર ખૂબ સુંદર લેખ બદલ ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s