હસ્તરેખાશાસ્ત્રીઓ

જ્યોતીષશાસ્ત્રીઓની જેમ હસ્તરેખાશાસ્ત્રીઓ હથેળી જોઈને મનફાવે તેમ ગપ મારે છે અને અન્ધશ્રદ્ધાળુઓ તે માની લે છે. હસ્તરેખાશાસ્ત્ર ગપગોળાશાસ્ત્રથી વધારે કંઈ નથી. તે તો ફક્ત એક જ કલાકમાં સાબીત કરી શકાય. કોઈ પણ હસ્તરેખાશાસ્ત્રીને […………]

હસ્તરેખાશાસ્ત્રીઓ

–લક્ષ્મીદાસ ખટાઉ

જ્યોતીષવીદ્યાની જેમ હસ્તરેખાવીદ્યા પણ બહુ જુના સમયથી પ્રચલીત છે. જો કે જ્યોતીષવીદ્યા જેટલી તે લોકપ્રીય બની નથી; પણ એ ઠગવીદ્યાનો ઉપયોગ કરી, લોકોને મુર્ખ બનાવી કમાણી કરનારાઓ પણ અલ્પ સંખ્યામાં છે.

હસ્તરેખાવીદ્યાની માન્યતા પ્રમાણે હથેળીમાં જે રેખાઓ હોય છે એ તો વીધાતાની સાંકેતીક ભાષામાં લખાયેલ મનુષ્યના પ્રારબ્ધ અને જીવનનો નકશો છે. હસ્તરેખાશાસ્ત્રીઓએ હાથમાં પડતી કરચલીઓને વીશેષ નામ તથા વીશેષ ગુણદોષ આપ્યા. છે. તે નીચે મુજબ છે :હસ્તરેખાશાસ્ત્રીઓએ જ્યોતીષવીદ્યામાંથી મંગળ, શની વગેરે ગ્રહોના શુભ–અશુભ પ્રભાવોની માન્યતાઓ ઉછીની લીધી છે અને અલગ અલગ રેખાઓનું જે અર્થઘટન કરવામાં આવે છે તથા તેમને નામ આપવામાં આવ્યાં છે તે તો નરી કલ્પનાથી વધારે કંઈ નથી. હથેળીનાં ઉપસેલાં સ્થાનોને મંગળનો, શનીનો વગેરે ટેકરા કહ્યા છે તેમ જ આરોગ્યરેખા, જીવન વગેરેનાં સ્થાન અને નામ આપ્યાં છે. તે માટે કોઈ વૈજ્ઞાનીક કે શરીરશાસ્ત્રનો કોઈ આધાર નથી. જીવનરેખાની લંબાઈ પરથી આયુષ્યની લંબાઈ જાણી ન શકાય તેમ જ ધન કે ભાગ્યરેખાની લંબાઈ કે તેના આકાર પરથી કોઈ વ્યક્તી ધનવાન છે કે ગરીબ છે, નસીબદાર છે કે બદનસીબ છે તે જાણી ન શકાય.

પણ જ્યોતીષશાસ્ત્રીઓની જેમ હસ્તરેખાશાસ્ત્રીઓ હથેળી જોઈને મનફાવે તેમ ગપ મારે છે અને અન્ધશ્રદ્ધાળુઓ તે માની લે છે. હસ્તરેખાશાસ્ત્ર ગપગોળાશાસ્ત્રથી વધારે કંઈ નથી. તે તો ફક્ત એક જ કલાકમાં સાબીત કરી શકાય. કોઈ પણ હસ્તરેખાશાસ્ત્રીને દસ વ્યક્તીઓની હથેળીની છાપ બતાવવામાં આવે – હસ્તરેખાશાસ્ત્રીને જાણ ન હોય કે આ કઈ વ્યક્તીઓની હાથની છાપ છે અને તેને પુછવામાં આવે કે આ દસ જણામાંથી કોણ જીવંત છે કે મૃત્યુ પામેલ છે. જન્મતારીખ હસ્તરેખાશાસ્ત્રીને કહેવામાં આવે છે. કોણ શ્રીમંત કે ગરીબ છે, કોણ બુદ્ધીશાળી કે બુદ્ધુ છે, કોણ તંદુરસ્ત અને કોણ રોગીષ્ઠ છે તે કહી બતાવે. આ દસ જણમાંથી એક મૃત્યુ પામ્યો હોય, બાકીના નવ જીવતા હોય. બાકીના નવમાંથી એક શ્રીમંત, એક ગરીબ, એક બુદ્ધીશાળી, એક બુદ્ધુ હોય. એક તંદુરસ્ત હોય, એક રોગીષ્ઠ હોય. ફક્ત હથેળીઓની છાપ પરથી હસ્તરેખાશાસ્ત્રી આ દસ લોકો વીશે જે કાંઈ કહેશે તે લગભગ ખોટું પડશે. અનાયાસે કોઈ એકાદ–બે અનુમાન યોગાનુયોગ સાચાં પડી જાય.

હાથમાં કે પગમાં પડતી રેખાઓ તો એ કારણે પડે છે કે ત્વચા સ્થીતીસ્થાપક છે. હાથને વાળવા માટે, મુઠ્ઠી વાળતી વખતે હથેળીની ચામડી સંકોચાય છે અને જ્યાં જ્યાં સંકોચન વખતે બન્ને બાજુથી સરખું દબાણ આવે ત્યાં કરચલીઓ પડે. તમારી હથેળીને આંખ સામે રાખીને ધીમે ધીમે બંધ કરો. તે સમયે બારીકાઈથી જોશો તો જ્યાં જ્યાં હાથ અને આંગળીઓના સાંધા છે અને જ્યાં જ્યાં હથેળી સંકોચાય છે ત્યાં ત્યાં રેખાઓ પડે છે. પગમાં પણ રેખાઓ પડે છે. હથેળીની જેમ મનુષ્યના પગની મુઠ્ઠી વાળી શકાતી નથી; પણ મનુષ્ય જ્યારે વાનર અવસ્થામાં હતો ત્યારે ઝાડ પરથી કુદાકુદ કરવા માટે હાથ અને પગ બન્ને વાપરતો હતો. તેના હાથ અને પગ બન્નેમાં રેખાઓ પડતી હતી. હવે પગમાં રેખાઓ રહી છે તે તો વાંદરા– અવસ્થાનાં તે ચીહ્નો ભુંસાયા નથી એટલે એ રેખાઓ રહી ગઈ છે; પણ હાથની રેખા તો મનુષ્ય હજી પણ હથેળીનો ઉપયોગ ખોલબંધ કરીને કરે છે એટલે આ રેખાઓ બહુ જ સ્પષ્ટપણે જળવાઈ રહી છે. તમે વાંદરાની હથેળી કે તળીયું જોશો તો તેમાં પણ તમને મનુષ્ય જેવી જ રેખાઓ જોવા મળશે. તો પછી વાંદરાની હથેળી જોઈને હસ્તરેખાશાસ્ત્રી તે રેખાઓનું અર્થઘટન કરી શકે ખરો? જેમ વાંદરાની હસ્તરેખાઓનું કંઈ મહત્ત્વ નથી, તેનું કંઈ અર્થઘટન નથી તેમ મનુષ્યની હસ્તરેખાઓનું પણ મનુષ્યના જીવનમાં કંઈ મહત્ત્વ નથી, કંઈ અર્થઘટન નથી. આ તુત તો ઠગોએ મુર્ખાઓને છેતરીને કમાણી કરવા ઉભું કર્યું છે.

એવા કેટલાય લોકો છે જેઓ પોતાના જાત–અનુભવ પરથી મક્કમપણે એમ કહી શકે કે ફલાણા હસ્તરેખાશાસ્ત્રીએ તેના હસ્તની રેખાઓ જોઈને જે કંઈ કહ્યું તે સાચું હતું. જ્યોતીષશાસ્ત્ર (સ્રોત : https://govindmaru.com/2023/02/03/khatau-11/ )ના પ્રકરણમાં કહેવાઈ ગયું છે તે પ્રમાણે હસ્તરેખાશાસ્ત્રનો તમે કક્કો પણ ન જાણતા હો તે છતાં પણ તમે દસ જણાની હથેળી જોઈને તમને ઠીક લાગે તેવા સોએક તુક્કા મારો તો તેમાંથી છેવટે યોગાનુયોગ દસેક તુક્કા સાચા પડી જવાનો સંભવ તો ખરો. હવે જે વ્યક્તી માટે હસ્તરેખા શાસ્ત્રીએ આ તુક્કા માર્યા હોય અને સાચા પડી ગયા હોય તે તો પ્રભાવીત થઈ જાય અને તેને હસ્તરેખાશાસ્ત્રીમાં વીશ્વાસ બેસી જાય.

લોકોને મુર્ખ બનાવી પૈસા કમાવવાની બીજી પણ કેટલીક તરકટી પદ્ધતીઓ છે. ટેરોટ કાર્ડ પરથી કોઈ પણ વ્યક્તીનું ચારીત્ર્ય કે ભવીષ્ય જાણી શકાય છે એવી માન્યતા છે. આપણા દેશમાં હજી ટેરોટ કાર્ડનું ધતીંગ બહુ પ્રચલીત નથી પણ યુરોપ–અમેરીકામાં આ પદ્ધતીથી ભાવી જોવાનો ધંધો ઠીક પ્રમાણમાં ચાલે છે. ગંજીફાનાં પત્તાંની જેમ ટોરેટ કાર્ડના પત્તાં હોય છે. તેમાં દરેક કાર્ડ પર અલગ અલગ ચીત્રો, નીશાનીઓ હોય છે. જેને આ પદ્ધતીથી પોતાનું ભવીષ્ય જાણવું હોય તેને ટેરોટ કાર્ડથી ભવીષ્ય જાણવાનો ધંધો કરનાર ટેરોટ કાર્ડની થપ્પીમાંથી પાંચ–દસ કાર્ડ ખેંચી કાઢવાનું કહે છે. આ કાર્ડોમાં અલગ ચીત્રો–ચીહ્નો હોય છે. તેમાંથી ગ્રાહકે જે કોઈ ચીત્રો ખેંચી કાઢયાં હોય તે પરથી તે ગ્રાહકનું ભવીષ્ય કહેવામાં આવે છે. પ્રદર્શનો, મેળાઓમાં ટેરોટ કાર્ડના સ્ટોલ હોય છે. ગમતની ખાતર બે–પાંચ રુપીયા આપીને જરા વાર આનન્દ મેળવવા આ પ્રયોગ કરો તો ઠીક છે પણ કોઈ ચાલાક લફંગાની ઍરકંડીશન ઑફીસમાં જઈને સો–બસો રુપીયા ખર્ચીને મુર્ખ બનશો નહીં.

ફુટપાથ પર ભવીષ્ય જોનારાઓ ચકલીનો ઉપયોગ કરીને પણ તમારું ભવીષ્ય ભાખી આપે છે. એક–બે રુપીયા આપો એટલે આ ધંધો કરનાર પોતાની ચકલીને પીંજરામાંથી બહાર કાઢે અને ચકલીને તાલીમ આપેલી હોય તે પ્રમાણે ચકલી ફુટપાથ પર ગોઠવીને મુકેલાં કાર્ડમાંથી કોઈ પણ એક કાર્ડ ખેંચી કાઢે. તેમાં તમારું નસીબ લખાયેલું હોય! અને હવે તો વજન કરવાના ઈલેક્ટ્રીક મશીનમાંથી તમારું વજન દર્શાવતું જે કાર્ડ બહાર આવે તેની પાછળ પણ તમારું ચારીત્ર્ય કે નસીબ લખાયેલાં હોય છે. અખબારોમાં આવતી દૈનીક કે સાપ્તાહીક આગાહીઓ એક નમ્બરની બેવકુફી છે. ચકલીએ, વજન કરવાના મશીને કે અખબારે કરેલી આગાહીઓને કદી પણ ગંભીરપણે લેવી નહીં. આ એક બાલીશ ગમ્મતથી વધારે કંઈ નથી.

– લક્ષ્મીદાસ ખટાઉ

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–03–2023

 

7 Comments

  1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘હસ્તરેખાશાસ્ત્રીઓ’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર.. 🙏

   Like

 1. આદીકાળથી અનેક વિદ્વાનોએ દરેક ક્ષેત્રે થતી છેતરપીંડી અંગે ધ્યાન દોરતા રહ્યા છે આજે
  શ્રી લક્ષ્મીદાસ ખટાઉ દ્વારા ‘હથેળી જોઈને મનફાવે તેમ ગપ મારે છે અને અન્ધશ્રદ્ધાળુઓ તે માની લે છે. ‘ અંગે ધ્યાન દોરવા બદલ ધન્યવાદ
  યાદ આવે આ અંગે ગુજરાતી કવિઓ …
  પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
  ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે,
  મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?
  નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું,
  કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?
  મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે,
  અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?
  જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે,
  ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષા વળી શું? ટકોરા વળી શું? યામિની વ્યાસ
  ‘મહેનતકશ હસ્ત રેખા ભૂંસતા, દુઃખદર્દ ને નિષ્ફળતા નાસતા.’
  સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી..વ્રજલાલ
  કરામત ગજબની કરી જાય મિત્રો,
  બની હસ્તરેખા ફળી જાય મિત્રો,
  ‘કરીશું ઘણું’ એવું કહેતા ફરે સૌ;
  કહે ના કશું, બસ કરી જાય મિત્રો, હિતેંદ્ર
  સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
  ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.BHARAT SUCHAK
  કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
  તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.
  કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
  પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !
  છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
  છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !
  વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
  આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,
  ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
  ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?
  જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
  તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !
  મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
  એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.
  ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
  આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !
  ‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
  પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’– ચન્દ્રવદન મહેતા
  નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
  હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.
  હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે. ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે ! નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે.
  પોતાની હસ્તરેખા વાંચવાનો
  પ્રયત્ન કરતો ભિખારી બાળક ડૉ. નીલેશ રાણા
  યાદ છે?
  તે દિવસે મેં મારી હથેળી
  તમારી હથેળી પર મૂકેલી?
  હું ઘેર પહોંચ્યો, પછી જોયું તો-
  મારી હથેળીમાં
  એક પણ હસ્તરેખા નહોતી.હર્ષ

  Liked by 2 people

 2. આ ૨૧ મી સદી માં પણ તકસાધુઓ તરફ થી આવા ધતીંગો ચાલી રહ્યા છે. જ્યોતિશાસ્ત્ર , હસ્તરેખાશાસ્ત્ર, રૂહાની ઈલાજ (આધ્યાત્મિક ઉપચાર), ઝાડફુંક, તાવીજ (માદળિયું) વગેરે વગેરે, આ સર્વે પૈસા કમાવવાના ધંધા સિવાય કશું નથી.

  Liked by 1 person

  1. વહાલા મહેન્દ્રભાઈ,
   ‘હસ્તરેખાશાસ્ત્રીઓ’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગોવીન્દ મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s