રમણભાઈએ કહ્યું : “બહેનો, તમે મોડી પડી નથી, પણ તમારી ગરીબી મોડી પડી છે. ગરીબી મેં જોઈ છે તેથી તમારી વ્યથા હું સમજી શકું છું. તમે કાલે સવારે આઠ વાગે આવી જજો.”
બધું બની શકાય, પણ માણસ બનવું કઠીન છે!
– રમેશ સવાણી
રૅશનલ/વીવેકબુદ્ધીવાદી વ્યક્તીએ હમ્મેશાં સામા પુરે તરવાનું હોય છે. સમાજની પ્રચલીત માન્યતાઓની આલોચના સમાજ સહજ રીતે ક્યારેય સ્વીકારતો હોતો નથી. સમાજને સત્ય નહીં પણ વીધીવીધાનો/કર્મકાંડો ગમતા હોય છે. કર્મકાંડોનો વીરોધ કરનાર વ્યક્તી સમાજને બંડખોર લાગે છે. આવો બંડખોર વ્યક્તી સાહીત્ય સર્જે તો સાહીત્યકારો પણ તેમને દુર રાખે છે. રમણ પાઠક [30 જુલાઈ, 1922 – 12 માર્ચ, 2015] બંડખોર હતા; તેમણે પ્રચલીત માન્યતાઓની વીરુદ્ધ સતત લખ્યું. એમણે કેટલાંયના જીવનને પરીવર્તીત કર્યા. કેટલાંયના અભીગમ બદલ્યા. વીવેકપંથી–Rational thinker, ગુજરાતમાં રૅશનાલીઝમના પીતામહ હતા તેમણે અવૈજ્ઞાનીકતા, બુદ્ધીબધીરતા, ગ્રંથીઓના રાફડા, અન્ધશ્રદ્ધા, કૃતક ધાર્મીકતા, કહેવાતા ધર્મોપદેશકો સામે અવાજ ઉઠાવ્યો. રમણ પાઠકને પોતાની વીદ્વત્તા, અભ્યાસ, વીશાળ વાંચન, બહુશ્રુતતાનું કોઈ અભીમાન નહીં, તેઓ સાદા, સરળ, લાગણી, પ્રેમથી છલકાતા હોય!
જમનાદાસ કોટેચા [2 ફેબ્રુઆરી, 1935 – 10 ઓક્ટોબર, 2012]એ રમણ પાઠકના જીવનપ્રસંગો લખ્યા છે : ‘સામા પુરનો તરવૈયો’ [પ્રથમ આવૃતી, જુલાઈ 2002]. આ પુસ્તકમાં રમણ પાઠકના અમુક પાસાંઓનો પરીચય મળે છે; પરન્તુ પત્રકાર, અનુવાદક, અધ્યાપક, નવલકથાકાર, નવલીકાકાર, નીબંધકાર, નાટ્ય અભીનેતા, કટાક્ષકાર, હાસ્યલેખક, વીવેચક અને સમાજ સુધારક તરીકે તેમનું મુલ્યાંકન કરવાનું હજુ બાકી છે. જીવનના દરેક પાસાંમાં રમણ પાઠકનો નુતન અભીગમ જોવા મળે છે. રમણ પાઠકે અમેરીકા જવા એકઠાં કરેલ પૈસા ગાઢ મીત્રના ફ્રીજ, પંખા અને ગેસ કનેક્શન માટે વાપરી નાખ્યા! કહે : “ધીક્કાર છે મારું અમેરીકા જવું! જ્યાં મારા ગાઢ સ્નેહીજનો આવી પ્રાથમીક જરુરીયાતો વગર ટળવળતા હોય, ત્યાં મારાથી અમેરીકા શીદને જવાય?” એમની નૈતીક હીમ્મત તો જુઓ : એક યુવતી દહેજ માંગનાર યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હતી. તે યુવતીને અમદાવાદ રજનીકુમાર પંડ્યાના ઘેર મોકલી આપી. યુવતી ક્યાં છે, તે જાણવા યુવતીના પીતા તથા પરીવારે રમણ પાઠક પર ત્રાસ ગુજાર્યો; પણ એક શબ્દ પણ ન બોલ્યા. રજનીભાઈએ રમણભાઈને કહ્યું કે ‘કહી દેવું હતું ને મારું નામ!’ રમણભાઈ કહે : “રજનીભાઈ, શરણાગતને હું પોતે આશરો ન આપી શક્યો, એ તો ઠીક; પણ એને બીજો આશરો આપનારના માળાને સળગાવનારને દીશા હું ચીંધી શકું, એના કરતાં હું જાતે જ જાન દઉં એ જ બહેતર!” સેક્સ–સમ્બન્ધો વીશે રમણ પાઠક કહે છે : “પાપ અને અનીતીની રુઢીગત વ્યાખ્યા જ ખોટી છે. કોઈને અને સમાજવ્યવસ્થાને પણ જરાય હાની કે ખલેલ ન પહોંચાડ્યા વીના જો બે વ્યક્તીઓ મનહૃદયનો સાચો અને દુર્લભ આનન્દ માણતી હોય, તો એમાં ખોટું શું? એમાં વળી પાપ ક્યાં આવ્યું?”
રમણભાઈના ભાગમાં 40 એકર ખેતીની જમીન આવી. તેમણે જાહેરાત કરી કે “હું મારી તમામ જમીન ગણોતીયાઓને ભેટરુપે, મફત સુપરત કરી દઉં છું. મારે વળતર પણ ન જ જોઈએ! ઘણા દીવસ એ લોકોની મહેનતનું, મફતનું ઘરમાં બેઠાંબેઠાં ખાધું, શોષણ જ કર્યું, એમ કહો ને! હવે ભલે એ લોક આનન્દ કરતા!” ભાડાના મકાનમાં રહેતા. પહેલી તારીખે મકાન ખાલી કરી કબજો સોંપવાનો હતો. ફુટપાથ પર ઉઘાડા આકાશ નીચે પોતાની ઘરવખરીનો સામાન સ્વેચ્છાએ ખસેડી લે તે રમણ પાઠક! બધું બની શકાય; પણ માણસ બનવું કઠીન છે! તેઓ ચીખલી કૉલેજમાં પરીક્ષામાં મુખ્ય સુપરવાઈઝર હતા; ત્યારે આદીવાસી ત્રણ બહેનો પરીક્ષા શરુ થઈ ગયા બાદ બે કલાકે આવી અને રડતાં રડતાં કહ્યું કે “અમારી બસ બગડી જવાથી અમે મોડાં પડ્યાં છીએ. અમે પરીક્ષા નહીં આપીએ તો અમારું વરસ બગડશે. અમારા મા–બાપ અમને આગળ ભણવા નહીં દે. અમારું ભવીષ્ય પણ બગડશે.” રમણભાઈએ કહ્યું : “બહેનો, તમે મોડી પડી નથી, પણ તમારી ગરીબી મોડી પડી છે. ગરીબી મેં જોઈ છે તેથી તમારી વ્યથા હું સમજી શકું છું. તમે કાલે સવારે આઠ વાગે આવી જજો.” પછી હેડ ક્લાર્કને કહ્યું : “પેપરના પાર્સલ સીલ ન કરવા. સવારે આઠથી દસ દરમીયાન આ ત્રણેય બહેનો પાસે પેપર લખાવી લેવાં અને પછી જ પાર્સલો રવાના કરવા!” રમણભાઈની ખાસીયત એ હતી કે તે જેવું વીચારતા તેવું લખતા અને જેવું લખતા તેવું જ જીવતા! રમણભાઈ કહે છે : “ધર્મ એક બાજું ઉપદેશ આપે છે તો બીજી બાજું જ્ઞાતીભેદ, વર્ણભેદ, બહુપત્નીત્વ, આતતાયીની હત્યા, સ્ત્રીજાતીનું હલકાપણું, સ્ત્રીનીન્દા, પશુબલી, નરબલી, કર્મકાંડ, બગાડ, વહેમો, અન્ધશ્રદ્ધાઓ, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, આત્મા–પરમાત્મા, ભુતપ્રેત જેવી અસત્ય, હીન, અસામાજીક બાબતોને પુરસ્કૃત કરે છે. શ્રાદ્ધ, પીંડદાન બ્રાહ્મણોની ધુર્તયોજના છે. યજ્ઞો એ ધન–ધાન્યનો બગાડ છે. કથા–પારાયણો સમય/શક્તીનો બગાડ છે. જ્યોતીષ વીજ્ઞાન નહીં; પણ હાનીકારક પાખંડ છે. જીવનનો હેતુ આનન્દ પ્રાપ્તીનો છે. વ્રત, ઉપવાસ, તપ, યોગ, ધ્યાન–શીબીર, બ્રહ્મચર્ય વગેરે પાછળ દુ:ખી થઈ મહામુલા જીવનને બરબાદ કરવાની જરુર નથી. કેમ કે મૃત્યુ બાદ કંઈ જ નથી. સ્વર્ગ, નરક, આત્મા–પરમાત્મા તથા પુનર્જન્મ એ બધું મીથ્યા છે. ઈશ્વરભક્તી માટે મન્દીર આવશ્યક નથી; પરન્તુ કુદરતી હાજત માટે સ્વચ્છ ટોઈલેટ અનીવાર્ય છે. પુરુષ સમક્ષ સ્ત્રીને ખુલ્લા માથે ન અવાય, એવી દેશની સંસ્કૃતી છે; પરન્તુ એ દેશમાં સ્ત્રીને ખુલ્લામાં કુદરતી હાજતે બેસવું પડે છે!”
આ પુસ્તક 2002માં પ્રસીદ્ધ થયું ત્યારે રમણભાઈ હયાત હતા. હવે નથી રમણ પાઠક હયાત કે નથી જમનાદાસ કોટેચા. એ સંજોગોમાં ગોવીન્દ મારુએ ‘સામા પુરનો તરવૈયો’ પુસ્તકને ‘ઈ.બુક’માં રજુ કરીને વાંચકોની સેવા કરી છે.
પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના જીવનના ખાટામીઠા પ્રસંગોને વીણીને સ્મરણ્સ્થ જમનાદાસ કોટેચા દ્વારા લખાયેલ ઉપરોક્ત પુસ્તકની ‘ઈ.બુક’ ડાઉનલોડ કરવા માટેની લીન્ક :
https://govindmaru.files.wordpress.com/2023/03/ebook_67_saamaa_poorno_tarvaiyo_2023-03-12-3.pdf
તા. 12 માર્ચ, 2023ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ તેમ જ ‘સામા પુરનો તરવૈયો’ ઈ.બુકનો આવકારમાંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 13–03–2023
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘બધું બની શકાય, પણ માણસ બનવું કઠીન છે!’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
પ્રા. રમણ પાઠક ના જીવનના ઘણાખરા ખાટામીઠા પ્રસંગો અમે એમની સાથે ચર્ચ્યા છે માણ્યા છે. કેટલા પ્રસંગોમા સંમત ન થતા .મતભેદ હતા પણ મનભેદ ન હતા
LikeLiked by 1 person
બધું બની શકાય, પણ માણસ બનવું કઠીન છે. —–– રમેશ સવાણી
માણસ ની ઘણી જાતો હોય છે. ઉચ્ચ વર્ગ ના માણસ, મધ્યમ વર્ગ ના તથા નીચલા વર્ગ ના માણસ. પરંતુ જો માણસ “માણસ” એટલે “મનુષ્ય” એટલે “ઇન્સાન” બની ને રહે તે માણસ માટે ગર્વ ની વાત છે..
LikeLiked by 1 person
આતતાયી ની હત્યા વાળું સમજાયું નહીં
LikeLike