બોરડમ એટલે શું? બોરડમ એટલે વીચારનું સતત રીપીટેશન છે? બોરડમ સર્જનાત્મકતાને પ્રેરે છે? દુનીયામાં જેટલી પણ મહાન શોધખોળો થઈ છે તે બોરડમમાંથી થઈ છે?
બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!
– રાજ ગોસ્વામી
એક ‘વીચીત્ર’ કેસમાં, ફ્રાન્સના એક માણસને ત્યાંની અદાલતે કામ કરતી વખતે ‘બોર થવાનો’ અધીકાર આપ્યો છે. પેરીસની એક મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ફર્મમાં કામ કરતા આ માણસને એટલા માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો; કારણ કે તેણે કમ્પનીના એ પ્રોગ્રામમાં જોડાવાની ના પાડી હતી, જેમાં કર્મચારીઓને દર અઠવાડીયે, કામકાજના કલાકો પછી, મોજ–મસ્તી કરાવવામાં આવે છે, જેથી તેઓ કામમાં બોર ન થાય અને વધુ સારું કામ આપી શકે.
કમ્પનીએ તેની પર આરોપ મુક્યો હતો કે તે બોરીંગ માણસ છે અને કોઈનું સાંભળતો નથી. પેલો અદાલતમાં ગયો હતો અને કહ્યું હતું તે કમ્પનીની ‘ખુશ’ થવાની રીત સાથે સમ્મત નથી અને પોતે જો ‘બોરીંગ’ હોય, તો તે તેનો અધીકાર છે અને તેને બળજબરીથી ખુશ કરી ન શકાય. અદાલતે તેની દલીલ મંજુર રાખી હતી અને કમ્પનીને વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
સમાચાર આટલા જ છે. કેસની બીજી વીગતો જાહેર થઈ નથી. કમ્પનીએ તેને કાઢી મુકવા માટેનાં બીજાં ક્યાં કારણો રજુ કર્યા હતાં એ પણ આપણને ખબર નથી. કમ્પનીની ‘ખુશ’ રહેવાની વ્યાખ્યા શું છે તે પણ સમાચારમાં નથી. આપણા માટે એક જ વાત ધ્યાન આપવા જેવી છે કે પેલો માણસ બોર હતો અને કમ્પની તેને ‘ખુશ’ કરવા મથતી હતી. આવું બનતું હોય છે.
2016માં, સ્કોટલેંડના પર્થશાયર શહેરમાં, એક શીક્ષીકાને એટલા માટે છોકરાં ભણાવામાંથી ‘ઉઠાડી’ દેવામાં આવી હતી કારણ કે તે બોરીંગ છે તેવી વીધાર્થીઓએ ફરીયાદ કરી હતી. બીજાં બધાં કારણો પણ હતાં જ; પણ સ્કોટલેંડની ટીચીંગ કાઉન્સીલે એ વાત પણ નોંધી હતી કે શીક્ષીકાનું ભણાવાનું એટલું ‘શુષ્ક અને એકવીધ’ હતું કે છોકરાઓમાં ઉત્સાહ જ આવતો ન હતો.
આ બન્ને કીસ્સામાં, અભીપ્રેત ખયાલ એવો છે કે બોરીંગ હોવું એ ‘અપરાધ’ છે. બોરીંગનો વીરોધાર્થી રસીક છે. જે રસીક નથી તે બોરીંગ છે એવું આપણે માનીએ છીએ. વાસ્તવમાં, બોરીંગ હોવું એ ઓબ્જેક્ટીવ ગુણ નથી, સબ્જેક્ટીવ છે. ધારો કે તમે આ વાંચીને એવું કહો છો કે લેખ બોરીંગ છે; પણ બીજો કોઈ વાચક તેને ઉત્તમ ગણે છે. એનો અર્થ એ થયો કે તમારી પસંદનું અથવા તમે જેણે રસીક કહો છો તેવા મતલબનું લખાણ આ લેખમાં નથી; પણ એ જ લખાણ બીજા વાચકને રસપ્રદ લાગે છે કારણ કે તેની પસંદગી એમાં ઝળકે છે. જે ફીલ્મ તમને બોરીંગ લાગે છે તે બીજાને રસપ્રદ લાગે છે.
બોરીંગ હોવું અને રસીક હોવું બન્ને સ્વતંત્ર ગુણ નથી, તે જોવા–અનુભવવાવાળી વ્યક્તીની માનસીકતા પર નીર્ભર કરે છે. ઘણીવાર માણસો પોતે પણ બોરડમનો અનુભવ કરતાં હોય છે. બોરડમ ઉત્તેજનાના અભાવમાંથી આવે છે. ગમે તેટલો ઉત્તેજક અનુભવ હોય, તેનું સુખ એક અવધી પછી રુટીન થઈ જાય છે, તેની નોવેલ્ટી ખતમ થઈ જાય છે, અને પછી તમને તેનો કંટાળો આવવા લાગે છે. દરેક સુખ રુટીન થઈ જાય, પછી આપણને પ્રશ્ન થાય છે; બસ આટલું જ? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું, તેના કરતાં વધુ દીલચસ્પ બીજું કંઈક છે, ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે. બોરડમને દુર કરવાના તમામ પ્રયાસો છેવટે આપણને બોરડમમાં જ લઈ જાય છે. આપણે શેરડીના રસના સંચા જેવા છીએ. કુચ્ચામાંથી રસ કાઢ–કાઢ કરીએ છીએ, અને પછી તેને ફેંકી દઈને બીજો સાંઠો પીલીએ છીએ.
બોરડમ એટલે શું? બોરડમ એટલે વીચારનું સતત રીપીટેશન. ગમે તેટલો ફેન્ટાસ્ટીક વીચાર હોય, એ બહુ ઝડપથી ‘જુનો’ થઈ જાય છે, અને એનો કંટાળો આવવા લાગે છે. તમે ગમે તે કરો, વીચારની સાઈકલમાંથી મુક્ત થવું અશક્ય છે. એટલે તમે મન્દીરમાં, સીનેમા થીયેટરમાં કે દારુના પીઠામાં જઈને બેસી જાઓ છો, જેથી વીચારોના કન્વેયર બેલ્ટ પરથી ઘડીવાર ઉતરી શકાય.
આપણને સતત નવો અનુભવ કરવો છે, જેથી બોર ના થઈ જવાય; પણ દરેક અનુભવ તેની નીશ્ચીત અવધી પછી નવીનતા ગુમાવી દે છે, અને તમારા બોરડમનો કન્વેયર બેલ્ટ પાછો ચાલુ થઈ જાય છે. બોરડમ તળીયા વગરના કુવા જેવું છે. તમે એમાં ગમે તેટલાં એન્ટરટેઈનમેન્ટ અને ઍકસાઈટમેન્ટ નાખતા રહો, એ ભરાય જ નહીં.
વાસ્તવમાં, આ નકારાત્મક લાગતી વાત એક રીતે સકારાત્મક છે. ન્યુરોસાયન્સ કહે છે કે બોરડમ તંદુરસ્ત ભાવ છે. તે સર્જનાત્મકતાને પ્રેરે છે. આપણને એક ચીજમાં કંટાળો આવે છે એટલે આપણે બીજું કશું કરવા પ્રેરાઈએ છે. એકટર શાહરુખ ખાને એકવાર કહ્યું હતું કે, “હું ડીપ્રેશનને ટાળવા એક્ટીંગ કરું છું.” અમીતાભ બચ્ચન આટલી ઉંમરે પણ 15 કલાક કામ કરે છે કારણ કે કામ કર્યા વગર તે ઉબાઈ જાય છે.
દુનીયામાં જેટલી પણ મહાન શોધખોળો થઈ છે તે બોરડમમાંથી થઈ છે. માણસ જ્યારે ગુફામાં બેઠો–બેઠો બોર થતો હતો એટલે ગુફાની દીવાલો પર ચીત્રો દોરતો થયો હતો, એ બહાર નીકળીને પર્વતો ચઢવા ગયો હતો, દરીયો તરવા ગયો હતો, આકાશમાં તારાઓ જોઈને કલ્પનાઓ ઘડતો થયો હતો. બાળકો હમ્મેશાં કંટાળો આવતો હોવાની ફરીયાદ કરતાં હોય છે અને પેરેન્ટ્સને ખબર હોય છે તતેને કોઈ ગમતી પ્રવૃત્તીમાં પરોવી દઈએ તો તેમની સર્જનાત્મકતા ખીલી ઉઠે છે. હવે તો એ ભારતમાં પ્રતીબંધીત છે; પણ તમને ટીક–ટોકની રીલ્સ ખબર છે ને? તેમાં જે જાત–ભાતની કળા–કારીગરી અને પ્રતીભાનું પ્રદર્શન થતું હતું તે મુળભુત રીતે બોર થઈ રહેલા યુવાનોની સર્જનાત્મકતા હતી.
ઘણીવાર વ્યસ્ત રહેવાનો ફાયદો એ હોય છે કે “મને આમ ફીલ થયું અને તેમ ફીલ થયું” એવું અનુભવવા કે કહેવાનો સમય જ ન હોય. ફીલીંગ્સ તાકતવર હોય છે તે સાચું, પરંતુ મગજ વ્યસ્ત હોય તો તેની તીવ્રતા દબાયેલી રહે છે. અનેક અભ્યાસોમાં એ સાબીત પણ થયું છે પ્રોડકટીવ વ્યસ્તતા નકારાત્મક કે પીડાદાયક ફીલીંગ્સ પર હાવી થઈ જાય છે અને વ્યક્તીને ખુશીનો અહેસાસ કરાવે છે. આપણે પ્રવૃત્તીમાં વ્યસ્ત ન રહીએ ત્યારે વધુ પડતા વીચારો કરવા લાગીએ છીએ અથવા વીચારવાનું જ બંધ કરી દઈએ છીએ. બન્ને સ્થીતીમાં લાંબા ગાળે આપણે જીવનની વ્યર્થતાનો અનુભવ કરતા થઈ જઈએ છીએ. પ્રવૃત્તી આપણને સાર્થકતા બક્ષે છે.
જર્મન ફીલોસોફર માર્ટીન હેઈડેગરે બોરડમ પર બહુ ચીંતન કર્યું હતું. તેણે કહ્યું હતું કે બોરડમનો અનુભવ ઉત્તમ છે. હેઈડેગરના મતે બોરડમ આપણને આપણા અસ્તીવને સમજવા માટે પ્રેરે છે. તે કહેતો કે આપણે સતત આપણી જાતને વ્યસ્ત રાખીએ છીએ; પણ એ વ્યસ્તતાની નીચે આપણને આપણા જીવનનો અસલમાં કોઈ અર્થ છે કે નહીં તેવો સવાલ સતાવતો રહે છે. બોરડમ આપણને આપણા જીવનની અસલીયત સાથે પરીચય કરાવે છે એટલે એ ઉમદા ભાવ છે, એમ તેણે કહ્યું હતું.
બોરડમનો ઉપાય જીજ્ઞાસા છે. આપણે જો કોઈ પણ ચીજમાં ગહન દીલચસ્પી લઈએ, તો બોર થવું અશક્ય છે. દીલચસ્પી સમજણમાંથી આવે. કોઈ ચીજને આપણે જેટલી સમજીએ, તે એટલી જ દીલચસ્પ થતી જાય અને સમજવા માટે ઉંડા ઉતરવું પડે. આ સાઈકલ છે. ગહનતામાં દરેક ચીજ અર્થપુર્ણ હોય છે. એ ફાલતુ ત્યારે લાગે, જ્યારે આપણે ઉપરછલ્લી રીતે કનેક્ટ થઈએ.
ઈન ફેક્ટ, આધુનીક સમયમાં આપણે એટેન્શનના કુપોષણથી પીડાઈએ છે. આપણો એટેન્શન–સ્પાન બહુ ઓછો થઈ ગયો છે. આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તીઓ અને વસ્તુઓ પર પુરી એકાગ્રતા કેળવી શકતા નથી; કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઉર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનન્દ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.
– રાજ ગોસ્વામી
પ્રગટ : ગુજરાત મીત્ર અને મુમ્બઈ સમાચાર, તા. 11 ડીસેમ્બર, 2022
લંડનથી પ્રગટ થતા ગુજરાતી ડીજીટલ માસીક ‘ઓપીનીયન’ (સ્રોત : https://opinionmagazine.co.uk/boredom-aapano-janmasiddha-adhikaar-chhe/)ના તા. 13-12-2022ના અંકમાંથી, ચીન્તક–લેખક શ્રી. રાજ ગોસ્વામી તેમ જ ‘ઓપીનીયન’ના તંત્રીશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક : લેખક સીનીયર પત્રકાર અને રાજકીય વીશ્લેષક છે. ફીડબૅક માટે rj.goswami007@gmail.com પર લેખકશ્રીનો સમ્પર્ક કરી શકો છો.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય એની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 17–03–2023
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
Interesting & appropriate view-point 👍
LikeLiked by 1 person
શ્રી રાજ ગોસ્વામીએ ‘ આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તીઓ અને વસ્તુઓ પર પુરી એકાગ્રતા કેળવી શકતા નથી; કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઉર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનન્દ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.’ વાત તર્કબધ્ધ સમજાવવા બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
‘બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
“આપણો એટેન્શન–સ્પાન બહુ ઓછો થઈ ગયો છે. આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તીઓ અને વસ્તુઓ પર પુરી એકાગ્રતા કેળવી શકતા નથી; કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઉર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનન્દ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.”
માનનીય લેખક રાજ ગોસ્વામી એ બહુ સારી રીતે ઉપરનું વ્યતિક્ય સમજાવ્યું છે.
ચારે બાજુ સાંભળીએ છીએ બોર થવાય છે. રસ પેદા કરો તો કેરી થવાય.
LikeLiked by 1 person
SHREE GOVINDBHAI,
ARTICLE BY SHREE RAJ GAUSWAMI,
REF: BOREDOM
THERE IS ALWAYS YOU MEET PEOPLE WHO ARE VERY BORING. TO THESE PEOPLE, WHAT I DO FREQUENTLY, PRVOKE THEM. BEST THING IS TO TALK ABOUT A SUBJECT AND THE GROUP OF THESE PEOPLE STARTS TALKING AND EVERYONE JOINS IN THE CONVERSATION. IF WE THINK ANYONE CAN GET RID OF THEIR BOREDOM. THERE ARE SEVERAL SUBJECTS, FOR EXAMPLE GOOD AND BAD INCIDENTS, SPORTS, FOOD POLITICS, RELEGION, EDUCATION, MEDICAL, AND CREATIVE IDEAS. HAVE ALSO COME ACROSS MANY CHILDREN, DURING SCHOOL HOLIDAYS GETS BORED. THEIR MINDS ARE VERY ACTIVE AND FIND SOMETHING VERY INTRESTING.
I AM NOT TRYING TO DISRESPECT ANY INDIVIDUAL, BUT AS ADULTS IF WE FIND SOMETHING, LIKE TALK TO THEM, ENCOURAGE THEM, DISCUSS WITH THEM, GET TO KNOW WHAT IS HAPPENING IN THEIR SCHOOL AND ALSO VISIT THE SCHOOLS. THIS WILL MAKE THEM FEEL WE ARE KEEPING AN EYE ON THEM.
THERE IS LIMIT OF THINGS WHICH WE SAY IS BIRTHRIGHT, HOWEVER THREE IS ALWAYS SOME SORT OF REGULATIONS IN LIFE WHICH IS TO BE FOLLOWED. NOONE LIKES TO BE DEPRIVED, BUT A LAW IS A LAW AND WE LIKE IT OR NOT IF THERE IS NO CONSTITUTION THIS WORLD WOULD BE HELL
LikeLiked by 1 person