ચીલ્મીયા- Blood Pheasant

ચીલ્મીયા’ પુર્વી હીમાલયના બરફવાળા પ્રદેશનું પક્ષી છે. તે સિક્કિમ રાજ્યનું રાજ્યપક્ષી છે. સીક્કીમમાં આ પક્ષીને સેમો, સુમોંગ ફો કે સમાનના નામથી ઓળખવામાં આવે છે. ‘ચીલ્મીયા’ તેતર પરિવારનું તેની પ્રજાતિનું એકમાત્ર પક્ષી છે.

પક્ષી પરીચય : 11

ચીલ્મીયા

સં. : પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : ચીલ્મીયા
હીન્દી નામ : चिलमे, रक्त जीवक
અંગ્રેજી નામ : Blood Pheasant
વૈજ્ઞાનીક : Blood Partridge

પ્રસ્તાવના :
Indian Board of Wild Life (ભારતીય બોર્ડ ઑફ વાઈલ્ડ લાઈફ) દ્વારા 1985માં આદેશ આપ્યો હતો કે ભારતના તમામ કેન્દ્રશાસીત રાજ્યો સહીત સૌ રાજ્યોએ પોતાના રાજ્યનાં રાજકીય પશુ, પક્ષી, વૃક્ષ અને પુષ્પ જાહેર કરવાં. તે પ્રમાણે સીક્કીમ રાજ્યે ‘ચીલ્મીયા’ને રાજ્યપક્ષી તરીકે સ્વીકાર કરેલ છે.

ચીલ્મીયા તેતર પરીવારનું તેની પ્રજાતીનું એકમાત્ર પક્ષી છે. આ પક્ષીને કુકકુટ વર્ગ (Gulli formes)માં મુખ્યત્વે વીજન કુળ Family Phusianidae)માં સમાવેશ કરવામાં આવેલ છે. વીજનકુળનાં પક્ષીઓને ભક્ષ્ય પક્ષીઓ (Game Birds) ક્હેવામાં આવે છે. તેમાં વનમોર (Pheasants), જંગલી ફુકડા (Jungle Fow’s), તેતર (Partridges) અને બટેર (Quails)નો સમાવેશ થાય છે. આ બધાં કણભક્ષી પક્ષીઓની એક ખાસ વીશેષતા એ હોય છે કે તેમની ચાંચ મજબુત અને મધ્યમ કદની હોય છે. પગ મજબુત અને મધ્યમ કદની લંબાઈના કે ટુંકા હોય છે. નરને પગે લડવા માટેનો કાંટો (Spur) હોય છે અને ખોરાક માટે ધરતી ખોતરવા બુઠ્ઠાપણ મજબુત નહોર હોય છે.

પરીચય :
ચીલ્મીયા બરફવાળા પર્વતીય પ્રદેશનું એક સુંદર પક્ષી છે. તે મુખ્યત્વે પુર્વી હીમાલય પ્રદેશમાં જોવા મળતું મધ્યમ આકારનું પક્ષી છે. તેને એક પ્રકારે પહાડી મુરઘો પણ કહેવામાં આવે છે. તે વજનની રીતે વધારે ભારે હોતું નથી પરન્તુ તે ઉડવાને બદલે દોડવાનું વધારે પસંદ કરે છે. પોતાની નજીક કાંઈ ભયજનક જેવું લાગે ત્યારે પણ ઉડવાને બદલે દોડી જાય છે. તેનો મતલબ એવો નથી કે આ પક્ષી ઉડતું નથી. તેની ઉડવાની રીત ઘણી ગતીવાળી કે ઘણી ઉંચી હોતી નથી. તેનામાં ઘણા લાંબા સમય સુધી ઉડવાની ક્ષમતા હોતી નથી; પરન્તુ શીયાળાની ઋતુમાં તે ઉંચા બરફવાળા પહાડી વીસ્તારમાંથી નીચે તળેટીવાળા વીસ્તારોમાં આવી જાય છે અને શીયાળો પુરો થતાં પાછું ઉડીને ચાલ્યું જાય છે.

ચીલ્મીયા મધ્યમ કદના જંગલી કુકડા જેવું લાગે છે. તેનું કદ 19 સે.મી. થી 22 સે.મી. અને વજન 500 ગ્રામથી 650 ગ્રામ જેટલું હોય છે. તેની પુંછડીની લંબાઈ 16થી 18 સે. મી. સુધીની હોય છે. આ પક્ષીની શારીરીક રચના અને શરીરના રંગો વીજન કુળના તમામ પક્ષીઓથી જુદાં હોય છે. આ પક્ષીની તરત જ તરી આવતી વીશેષતા તેના શરીરની રચના અંગેની છે. નરના શરીરના રંગો માદાથી વધારે આકર્ષક અને ચમકદાર હોય છે. ચીલ્મીયા મધ્યમ આકારનું લાલ, કાળો, રાખોડી અને સફેદ રંગ ધરાવતું પક્ષી છે. નર અને માદાના શરીરની રચના, દેખાવ અને રંગોથી જુદાં હોવાથી સરળતાથી અલગ અલગ ઓળખી શકાય છે.

નર ચીલ્મીયાના શરીરની લંબાઈ લગભગ 45 સે.મી. હોય છે. તેના શરીર, ગરદન અને પાછળનો ભાગ પીઠ અને શરીરનો ઉપરનો ભાગ ત્રુટક ત્રુટક સફેદ પટ્ટાવાળો અને રાખોડી રંગનો હોય છે. તેની ગરદનથી માંડી પીઠ સુધીનો ભાગ હલકા રંગનો હોય છે. અને બાકીનો ભાગ ઘાટા રંગનો હોય છે. તેની છાતીનો ભાગ પણ આવા જ રંગોવાળો હોય છે; પરન્તુ પેટથી માંડી પુંછડી સુધીનો ભાગ સફેદ પડતા રાખોડી રંગનો હોય છે અને તેની ઉપર પીળા રંગની તુટીફુટી રેખાઓ હોય છે. તેનો ચહેરો ચમકતો લાલ અને કાળા રંગનો હોય છે. માથા ઉપર હલકો કથ્થાઈ રંગ જોવા મળે છે અને ઉપર રાખોડી રંગની કલગી હોય છે જેમાં વચ્ચે કથ્થાઈ રંગની પટ્ટી હોય છે. તેની ચારે બાજુ હલકો પીળાશ પડતો લાલ રંગ હોય છે. તેની દાઢી અને ગળાનો રંગ લાલ હોય છે. તેની ચાંચ કાળા રંગની હોય છે. તેની બન્ને આંખો અને ચાંચ વચ્ચેનો ભાગ કાળા રંગનો હોય છે. તેના માથા અને ગળા પર કાળા અને લાલ રંગની થોડીક ડીઝાઈન જોવા મળે છે. તેની છાતી પર લાલ રંગના ધબ્બા હોય છે. તેની પાંખોનો રંગ લાલ હોય છે, તે માત્ર ઉડવાના સમયે જ જોવા મળે છે. તેની પાંખો ઉપર લાલાશ પડતી કથ્થાઈ રંગની લીટીઓ હોય છે, જે માથા સુધી પહોંચીને પહોળી લીટીઓમાં ફેરવાઈ જાય છે. તેની પુંછડી અન્ય પક્ષીઓની તુલનામાં નાની હોય છે અને તેનો રંગ રાખોડી હોય છે; પરન્તુ તેની પાંખોના છેડા કાળા–સફેદ રંગના હોય છે. તેની પાંખો પર સફેદ રંગની લીટીઓ જોવા મળે છે. તેના પગ અને પગના પંજા પણ લાલ રંગના હોય છે અને તેની ઉપર કોઈ પણ જાતના ધબ્બા કે લીટીઓ જેવાં નીશાન હોતાં નથી. નર ચીલ્મીયાના પગમાં બે–ત્રણ કાંટા હોય છે; પરન્તુ બન્ને પગમાં કાંટાની સંખ્યા એક સરખી હોતી નથી. તેના બન્ને પગો ઉપર 9 જેટલા કાંટા હોઈ શકે છે.

માદા ચીલ્મીયાની શારીરીક રચના નરથી જુદી હોય છે. તે નરથી નાની હોય છે. માદા ચીલ્મીયાની ચાંચથી માથા સુધીની લંબાઈ 38સે.મી.થી 40 સે.મી. સુધીની હોય છે. માદાના શરીરનો મોટાભાગનો રંગ રાખોડી અને હળવો કથ્થાઈ હોય છે. તેના માથાથી ક્લગીનો રંગ પણ રાખોડી હોય છે. તેની ગરદન અને બન્ને બાજુનો રંગ બદામી પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ગરદનની પાછળનો ભાગ ભુખરા રંગનો હોય છે અને તેની ઉપર ભુરા, કાળા રંગની આડી–અવળી પાતળી લીટીઓ હોય છે. તેની પુંછડીનો છેડો લાલાશ પડતો હળવા કથ્થાઈ રંગનો હોય છે અને તેની ઉપર કથ્થાઈ રંગના ટપકાં હોય છે. તેની દાઢી, ગળાનો અને શરીરની નીચેનો રંગ કથ્થાઈ હોય છે અને તેની ઉપર કથ્થાઈ રંગનાં ટપકાં અને આડી–અવળી લીટીઓ હોય છે. માદાના શરીર ઉપર ચમકીલા રંગો જોવા મળતા નથી. તેના કારણે દુશ્મનોથી તેનો બચાવ થઈ જાય છે.

આહાર :
ચીલ્મીયા એક શાકાહારી પક્ષી છે. તેનો મુખ્ય ખોરાક બરફ રેખાની પાસે આવેલા જંગલો અને ઝાડોઓમાં મળી આવતા વીવીધ પ્રકારનાં ફ્ળ–કુલ, નાના નાના છોડના ઉપરના કોમળ ભાગો છે. આ પ્રદેશમાં થતું ફન નામનું એક વીશેષ પ્રકારનું ઘાસ તેનું પ્રીય ભોજન છે. ચીલ્મીયા દીવસ દરમીયાન ભોજન કરે છે અને રાત્રે આરામ કરે છે. તે વહેલી સવારે ભોજનની શોધ માટે જમીન ઉપર આવી જઈને જમીનને ખોદી નાના નાના છોડ ઉખાડીને ખાય છે. તે અનાનસ તથા તે પ્રકારનાં ફળો પણ ખાય છે.

ચીલ્મીયા હીમાલયના બરફવાળા પ્રદેશનું પક્ષી છે. હીમાલયના પર્વતીય વીસ્તારમાં બરફ પડવાથી નાના નાના છોડ બરફ નીચે દબાઈ જાય છે તેને કાઢીને તે પોતાનો ખોરાક મેળવે છે. આ રીતે દીવસ દરમીયાન તેનો મોટાભાગનો સમય જમીન અને બરફ ખોદીને ખોરાકની શોધમાં જ પસાર થઈ જાય છે. આ પક્ષીની એક મુખ્ય વીશેષતા એ છે કે તે હમ્મેશાં ખુલ્લી જગ્યા પર અને સમુહમાં ભોજન કરે છે. ભોજન કરતી વખતે ક્યારેક સમુહનું કોઈ પક્ષી એક બીજાથી અલગ થઈ જાય છે અને એક બીજાથી ઘણું દુર ચાલ્યું જાય છે ત્યારે તે ચીયુ–યીયુ અને ચક…ચક એવો તીવ્ર અવાજ કરે છે. પરીણામે એક બીજાની હાજરીની જાણ થઈ જાય છે અને ફરી તેઓ સમુહમાં જોડાઈ જાય છે. તે અંધારું થતાંની સાથે જ વૃક્ષ ઉપર પાછું આવી જાય છે અને આખી રાત આરામ કરે છે. આ પક્ષી પાળી પણ શકાય છે.

પ્રજનન :
ચીલ્મીયાની સમાગમની રીત અને પ્રજનન ભારે રોચક હોય છે. સમાગમકાળ દરમીયાન નર ચીલ્મીયાના શરીરના રંગો વધારે આકર્ષક અને ચમકીલા થઈ જાય છે. અને તે ભારે પ્રસન્ન અને ઉત્તેજીત થઈ જાય છે. ચીલ્મીયા બહુપત્નીધારી પક્ષી છે. તે સમાગમકાળ દરમીયાન એક નાનું ટોળું બનાવે છે જેમાં 3–4 માદાઓ હોય છે; પરન્તુ જ્યાં માદાઓની સંખ્યા ખુબ ઓછી હોય ત્યાં તે તે જોડીમાં જોવા મળે છે.

ચીલ્મીયાનો સમાગમનો સમય એપ્રીલથી શરુ થાય છે અને જુનના અંત સુધી ચાલે છે. આ સમય દરમીયાન નર માદાઓને પ્રસન્ન કરવા જુદા જુદા પ્રકારના શારીરીક હાવભાવ કરે છે. ક્યારેક ક્યારેક માદાની સામે છાતી કાઢીને ઉભો થઈ જાય છે અને પરેડ કરતો જોવા મળે છે. તે પોતાનાં પીંછા ઢાળી દઈને માદાઓની ચારેબાજુ ફરતો જોવા મળે છે. ક્યારેક તે શાનદાર નૃત્ય પણ કરવા લાગે છે. ત્યારે માદા મોહીત થઈ જાય છે અને નરની પાસે આવી જઈ સમાગમ માટે આવકારે છે. આમ આ રીતે નર ટોળાની તમામ માદાઓ સાથે સમાગમ કરે છે.

માળો :
સમાગમ પછી ટોળામાં રહેલી દરેક માદાઓ એક બીજાથી થોડેક દુર અલગ અલગ માળા બનાવે છે. માદા ચીલ્મીયાનો માળો સાદો સીધો હોય છે. સૌ પ્રથમ તે જમીન ઉપર ખાડો કરે છે પછી તેમાં ઘાસ–ફુસ અને પાંદડાઓનું એક પડ બનાવે છે. આ માળામાં તે 4થી 9 સુધી ઈંડાં મુકે છે અને તેનાં ઈંડાંનો રંગ ઓલીવ જેવો પણ હળવા કથ્થાઈ રંગનો હોય છે. તેના ઉપર ઘાટા રંગનાં ટપકાં હોય છે. માદા ચીલ્મીયા જ ઈંડાનું સેવન કરે છે. નર ચીલ્મીયા માળો બનાવવામાં કે ઈંડાંનું સેવન કરવામાં કોઈ પણ જાતની મદદ કરતો નથી.

ચીલ્મીયાનાં ઈંડાં 22થી 29 દીવસની અંદર પરીપક્વ થઈને ફુટે છે અને તેમાંથી નાનાં નાનાં બચ્ચાં બહાર નીકળે છે. આ પક્ષીનાં નવજાત બચ્ચાંની એક મોટી વીશેષતા એ છે કે તે જન્મ લેતાંની સાથે જ દોડવા–ભાગવા લાગે છે. જન્મ સમયે તેમના શરીર ઉપર પાંખો હોતી નથી તેથી તે ઉડી શકતાં નથી. બચ્ચાંને જન્મ આપ્યા પછી માદા ચીલ્મીયાની જવાબદારી ઘણી વધી જાય છે. માદાને પોતાનો અને બચ્ચાંઓ માટે ખોરાક મેળવવા ઘણી ભારે મથામણ કરવી પડે છે.

માદા ચીલ્મીયા ભારે બુદ્ધીશાળી હોય છે. તે પોતાનાં ઈંડાંની સુરક્ષા માટે જ્યારે શીયાળ જેવા હીંસક પ્રાણીઓ ઈંડાં ખાવા માટે આવે છે ત્યારે તે પોતાનો માળો છોડી દઈને તરત જ શીયાળની સામે આવી જાય છે અને લંગડાતી લંગડાતી ચાલવા માંડે છે. શીયાળને એમ લાગે છે કે ચીલ્મીયા સરળતાથી પકડમાં આવી જશે તેમ માની શીયાળ તેની પાછળ દોડે છે ત્યારે ચીલ્મીયા પણ ઝડપથી દોડીને ભાગી જાય છે. આ રીતે માદા ચીલ્મીયા શીયાળને પોતાના બચ્ચાંથી દુર લઈ જવામાં સફળ રહે છે. આમેય શીયાળનો એક સ્વભાવ રહ્યો છે કે શીકાર દરમીયાન કોઈ મોટો શીકાર મળે તો નાના શીકારનો ત્યાગ કરે છે. આ પક્ષી શીયાળના આ સ્વભાવનો લાભ ઉઠાવી પોતાનાં ઈંડાંનું રક્ષણ કરે છે. ધીરે ધીરે બે અઠવાડીયામાં તેને પાંખો ફુટવા લાગે છે અને ઉડવા માટે સક્ષમ બની જાય છે.

પ્રાત્તીસ્થાન :
ચીલ્મીયા મુખ્યત્વે પુર્વી હીમાલયનું પક્ષી છે. તે ભારતમાં પશ્ચીમ નેપાળથી સીક્કીમ થઈ ઉત્તર પુર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી જોવા મળે છે. તેને હીમાલયના બરફવાળા પરન્તુ ખુબ ઉંચાઈવાળા વીસ્તારમાં રહેવાનું વધારે ગમે છે. તે ઢોળાવવાળા પહાડી જંગલો અને વાંસના જંગલોમાં નીવાસ કરે છે. તે ભુતાન, ચીન અને મ્યાનમાર જેવા દેશોમાં પણ જોવા મળે છે. સીક્કીમમાં આ પક્ષીને સેમો, સુમોંગ ફો કે સમાનના નામથી ઓળખવામાં આવે છે.

સં. : પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનીકેતન’ (સરનામું :લોકનીકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com નવેમ્બર, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનીકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

સંપાદક–સમ્પર્ક : સુનીલ શાહ, લોકનીકેતન, મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : lokniketanratanpur@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–03–2023

4 Comments

  1. કુદરતની કમાલ જેવાં પંખીઓ, એમની પ્રકૃતિ વિશે જાણવાની મઝા આવે છે. સાવ નાનકડું પંખી પણ પોતાનાં બચ્ચાની સલામતી માટે કેવી રીતે ઝઝૂમે છે એ જાણવું અત્યંત રસપ્રદ રહ્યું.

    Liked by 3 people

  2. પ્રા. દલપત પરમાર દ્વારા ચીલ્મીયા અંગે ખૂબ સ રસ માહિતી માણી ધન્યવાદ

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s