તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે.
નાડીશાસ્ત્રીઓ
–લક્ષ્મીદાસ ખટાઉ
જ્યોતીષશાસ્ત્રને તીમીરશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રને ફાલતુશાસ્ત્ર અને ફેંગશુઈશાસ્ત્રને ગપગોળા ‘ફેંક–શું’શાસ્ત્ર કહી શકાય તો નાડીશાસ્ત્ર માટે યોગ્ય નામ અનાડીશાસ્ત્ર રાખી શકાય. ઘણા વાચકોએ આ નામ સાંભળ્યું પણ નહીં હોય. તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. આ લોકો દાવો કરે છે કે અગત્સ્યઋષીએ કંઈ બે–ત્રણ હજાર વર્ષો પહેલાં તાડપત્રો પર જે જે વ્યક્તીઓ તેમના સમયની હયાત હતી તેના વીશે લખી ગયા છે, ત્યાર પછી તેમાં અબજો લોકોનો વધારો થયો તે બધા વીશે પણ અગત્સ્યઋષી લખી ગયા છે અને તે પ્રમાણે જ બનતું રહ્યું છે.
જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે. જે લોકો તેમની પાસે પોતાનાં ભુત, વર્તમાન અને ભવીષ્ય જાણવા જાય છે તેમના અંગુઠાની છાપ જોઈને તેઓ પોતાના યજમાનોનાં પુર્વજન્મ તથા આ જન્મનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ અગત્સ્ય મુનીએ બે–ત્રણ હજાર વર્ષો પહેલાં લખેલા તાડપત્રમાંથી વાંચી સંભળાવે છે! બુદ્ધી બહેર મારી જાય તેવી વાત છે ને! બે–ત્રણ હજાર વર્ષો દરમીયાન અબજો માનવીઓએ જન્મ લીધો હશે. તેમાંના જેટલા લોકો આ નાડીશાસ્ત્રીઓ પાસે જાય તો નાડીશાસ્ત્રી તેના અંગુઠાની છાપ લઈને પોતાના બાજુના કમરામાં જાય. ત્યાંથી એક બહુ જ પુરાણું દેખાતું તાડપત્ર લઈ આવે અને યજમાનને તેનાં નામ, ઉમ્મર, ધંધો, સગાંસમ્બન્ધીનાં નામ વગેરે પુછ્યા વગર તાડપત્ર વાંચીને આ નાડીશાસ્ત્રી પોતાના યજમાન વીશે બધી હકીકતો કહે તે સંપુર્ણપણે સાચી હોય! નવી નવી પ્રકારની ચમત્કારીક વીદ્યાઓ, સીદ્ધીઓનાં તુત ઉભાં કરનારા લફંગાઓના ફળદ્રુપ ભેજાને તો સલામ ભરવી પડે અને આવી ચમત્કારીક વીદ્યાઓ અને સીદ્ધીઓમાં માનનારાઓને પણ સલામ ભરવી પડે. આવા અન્ધશ્રદ્ધાળુઓ અને મુર્ખાઓ દુનીયામાં ન હોય તો બીચારા ઠગોને કુટુંબને માટે રોટી, કપડાં, મકાન માટે પસીનો ઉતારી કમાણી કરવી પડે; પણ અન્ધશ્રદ્ધાળુઓ અને મુર્ખાઓની સંખ્યા તો કરોડોની છે. એટલે ધુર્ત વીદ્યાઓ મારફતે કમાણી કરવા ગ્રાહકો શોધવા જવું પડતું નથી. મુર્ખાઓ સામે ચડીને તેમની પાસે જાય છે.
પહેલાં તો આ એક સામાન્ય બુદ્ધીની વાત છે કે અગત્સ્યમુની ભલે ગમે તેટલા જ્ઞાની હોય તો પણ તેમના સમકાલીન લોકો ઉપરાંત તેમના પછી બે–ત્રણ હજાર વર્ષો પછી જન્મેલા લોકો વીશે અગાઉથી બધું જાણીને તાડપત્રો પર લખી ગયા એ વાત તદ્દન અશક્ય અને વાહીયાત છે. એ વાત ગળે ઉતરે તેવી જ નથી; પરન્તુ એવા કેટલાય સુશીક્ષીત લોકો પોતાના જાત–અનુભવ પરથી જરા પણ સંકોચ વગર કબુલ કરે છે કે તેઓ આ નાડીશાસ્ત્રીઓને મળ્યા હતા અને તેમનાં પોતાનાં નામ, વય, ધંધો તથા કુટુંબીજનોનાં નામ આપ્યાં ન હતાં છતાં પણ નાડીશાસ્ત્રીએ ફક્ત અંગુઠો જોઈને પછી તાડપત્રમાં તેમના વીશે જે કંઈ વાંચી બતાવ્યું તે સંપુર્ણપણે સાચું હતું! જયારે કોઈ સુશીક્ષીત વ્યક્તી આ બધું પોતાના જાત–અનુભવ પરથી કહે ત્યારે તેને અન્ધશ્રદ્ધાળુ કે મુર્ખ કહેવા પહેલાં બે વાર વીચાર કરવો પડે. તો પછી સવાલ એ થાય છે કે કોઈ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર એમ કહે કે તે કાંચીપુરમ્ ગયો હતો અને નાડીશાસ્ત્રીએ તેનો અંગુઠો જોઈને તેના જીવન વીશે જે જે હકીક્તો તાડપત્રમાં વાંચીને કહી તે બધી સાચી હતી. શું આવા ભણેલા–ગણેલા ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર અન્ધશ્રદ્ધાળુ હોઈ શકે? અથવા તેઓ શું જુઠું બોલે છે? આમાંથી પહેલા પ્રશ્નનો જવાબ ‘હા’માં હોઈ શકે. બુદ્ધી અને વીવેકબુદ્ધી – Intelligence અને Rationality વચ્ચે બહુ ફરક છે. કોઈ વકીલ કે ડૉક્ટર પોતાના વ્યવસાયને લગતા વીષય વીશે સારું જ્ઞાન અને સારી માહીતી ધરાવતો હોય પણ પછી અન્ય વીષયોમાં તેનું જ્ઞાન છીછરું હોય અને તે ભાવનાશાળી વધારે હોય અને તર્કવાદી ઓછો હોય તો તેવી વ્યક્તી બુદ્ધીશાળી હોઈ શકે પણ વીવેકબુદ્ધીશાળી ન હોય એવું બને. તે ઉપરાંત બાળપણથી જ જે બાળકના મગજમાં શ્રદ્ધા, ભક્તી, દૈવી ચમત્કારો, દૈવી સીદ્ધીઓ, ભુતપ્રેતની વાતો ઠસાવી દેવામાં આવી હોય તે બાળક પછી ભલેને ડૉક્ટર–વકીલ બને પણ તેના પર બાળપણમાં જે વીચારો, સંસ્કારોનો પ્રભાવ પડ્યો હોય તે વીચારો–સંસ્કારો વયસ્ક બન્યા પછી! પણ અકબંધ રહી જાય. આવા તો અનેક ભણેલા અન્ધશ્રદ્ધાળુઓ હોય છે.
બીજો સવાલ. શું તેઓ જાણી–બુઝીને નાડીશાસ્ત્રીઓ સાચા છે એવું પ્રમાણપત્ર આપે છે? તે શું તેઓ જુઠું બોલે છે? તેનો જવાબ એ છે કે તેઓ જુઠું બોલતા હોતા નથી. તેઓ પ્રમાણીકપણે માને છે કે તેમને નાડીશાસ્ત્રી સાથેનો જે અનુભવ થયો તે તદ્દન સાચો છે. તો પછી તેનો અર્થ એ થાય કે તેઓ સાચું બોલે છે? ના જી, તેઓ સાચું બોલતા નથી પણ તેઓ સાચું બોલે છે એવો ભ્રમ તેમના મગજમાં પેદા કરવામાં આવે છે. ફરી સવાલ ઉભો થાય કે કેવી રીતે બની શકે?
ડૉક્ટર, વકીલ, એન્જીનીયરને પણ મુર્ખ બનાવી દેનારા ચાલાક નાડીશાસ્ત્રીઓ કેવી રીતે આ ભણેલાગણેલાઓને ઉલ્લુ બનાવે છે તેનું રહસ્ય જાણવું છે? તો આ રહ્યું ત્રીકાળજ્ઞાની નાડીશાસ્ત્રીઓની ચાલાકી, છેતરપીંડીનું રહસ્ય. કાંચીપુરમ્ બૅંગલોરથી થોડું દુર છે ત્યાં જનારાઓ કોઈ ધર્મશાળા કે હોટલમાં ઉતરે છે. ધર્મશાળાના અને હોટલના મૅનેજરો નાડીશાસ્ત્રીઓના એજન્ટ તરીકે કામ કરે છે. ધર્મશાળા કે હોટલમાં રહેવા આવનારા પ્રવાસીઓનાં નામ, તેમની સાથે આવેલ પત્ની, બાળકો વગેરેનાં નામ, વય વગેરે રજીસ્ટરમાં લખે છે. પછી આ પ્રવાસીઓ પાસે નાડીશાસ્ત્રીઓના દલાલો પહોંચે છે અને ફલાણા નાડીશાસ્ત્રી વધારે સચોટ હકીકતો કહી શકે છે એમ કહીને દલાલો પોતપોતાના નાડીશાસ્ત્રી પાસે લઈ જાય છે પણ તે પહેલાં તે હોટલ, ધર્મશાળાના મૅનેજર પાસેથી આ યજમાનોનાં નામ વગેરે હકીકતો મેળવી લે છે તથા દલાલો ચાલાકીપુર્વક આ પ્રવાસીઓ પાસેથી પણ સહેજે વાતચીત કરવાને બહાને તેમના જીવની કેટલીક ઘટનાઓ જાણી લે છે. નાડીશાસ્ત્રીના ઘેર કે ઑફીસે પહોંચ્યા પછી યજમાનને બહારના વેઈટીંગ રુમમાં બેસાડીને દલાલ અંદર જઈને નાડીશાસ્ત્રીને યજમાન વીશેની બધી હકીકતો જણાવી દે છે. પછી નાડીશાસ્ત્રી યજમાનને પોતાના કન્સલ્ટીંગ રુમમાં બોલાવે છે. અને તેને કંઈ પણ પ્રશ્નો પુછ્યા વગર ફક્ત તેનો અંગુઠો જુએ છે અને પછી બીજા રુમમાં જઈને થોડીવાર પછી પાછો બહાર આવીને સાથે એક પુરાણું દેખાતું તાડપત્ર લઈ આવે છે અને તે પત્ર પર તામીળભાષામાં જે કંઈ લખાયું હોય તે યજમાનને વાંચીને સંભળાવે છે અને તે સાંભળીને યજમાન તો ચકીત થઈ જાય છે કે નાડીશાસ્ત્રીએ બધી હકીકતો તાડપત્ર વાંચીને કહી સંભળાવી! હકીકતમાં તો આ બધી હકીકત તો નાડીશાસ્ત્રીએ પોતાના દલાલ પાસેથી મેળવી લીધી હોય છે! અને આ તરકીબની ડૉકટર–વકીલને જાણ પણ ન હોય એટલે એ તો નાડીશાસ્ત્રીના જ્ઞાનથી સ્તબ્ધ થઈ જાય અને પ્રમાણપત્ર આપી દે.
ફક્ત અંગુઠા પરથી કોઈનાં નામ તથા તેના જીવનની ઘટનાઓ જાણી શકાય એ તો તદ્દન અશક્ય છે છતાં પણ જ્યારે ડૉક્ટર–વકીલ પણ એમ કહે કે નાડીશાસ્ત્રીએ તેનો અંગુઠો જોઈને બધી હકીકત કહી તે સાચી હતી તો તેની પાછળ બીજું રહસ્ય હોય છે. સંભવ છે કે નાડીશાસ્ત્રી હીપ્નોટીઝમ – સંમોહન–શક્તીનો ઉપયોગ કરીને પોતાના યજમાન પાસેથી તેની સંમોહીત હાલતમાં બધી વીગત તેને પુછી લે. પછી સંમોહીત અવસ્થામાંથી જાગૃત કરીને યજમાને પોતાના મોઢે કહેલ પોતાના જીવનની ઘટનાઓ નાડીશાસ્ત્રી તાડપત્રમાંથી વાંચવાનો ઢોંગ કરે. હીપ્નોટાઈઝ્ડ થયેલ યજમાનને તો એની યાદ પણ ન રહે કે નાડીશાસ્ત્રીએ તેને તંદ્રાવસ્થામાં શું પ્રશ્નો પુછ્યા હતા. આ રીતે ભણેલા–ગણેલાઓ પણ નાડીશાસ્ત્રીની શક્તીમાં શ્રદ્ધા ધરાવતા થઈ જાય છે. અહીં તો ડૉક્ટર–વકીલ તો ફક્ત દૃષ્ટાંતને ખાતર લખેલ છે. નાડીશાસ્ત્રીઓ પાસે જે લોકો જાય છે તે કંઈ બધા ડૉક્ટરો, વકીલો નથી હોતા. બીજા સામાન્ય વેપારીઓ, ઉદ્યોગપતીઓ, શ્રીમંતો અને સામાન્ય માણસો પણ હોય છે. એક જ યજમાન પાસેથી તેઓ બે–ત્રણ હજાર રુપીયા પડાવે છે અને પછી યજમાનના જીવનમાં સુખ, શાંતી, સમૃદ્ધી, આરોગ્ય રહે તે માટે જપ, મંત્ર, યજ્ઞ કરાવવા પણ ભલામણ કરે છે, જેની ફી પણ પાંચેક હજાર રુપીયા લઈ લે છે.
માની લઈએ કે અગત્સ્યમુનીએ તાડપત્રો લખ્યાં હોય તો પણ દુનીયાની આજે છ અબજની વસ્તી છે. તો આ નાડીશાસ્ત્રીઓ પાસે શું છ અબજ તાડપત્રો હશે? ના જી, તેમની પાસે તો ભાગ્યે જ સો–બસો તાડપત્રો હોય છે. કોઈ પણ યજમાન આવે એટલે પોતાની પાસેનાં આ સો–બસો તાડપત્રોમાંથી જે કોઈ તાડપત્ર હાથમાં આવે તે તાડપત્ર યજમાન વીશે છે એમ નાડીશાસ્ત્રી પોતાના યજમાનને કહી દે. બનાવટી તાડપત્રો બનાવવાનો તો કાંચીપુરમમાં કુટીર–ઉદ્યોગ ચાલે છે. કોઈ પણ તાડપત્ર બે–ત્રણ હજાર વર્ષ પુરાણું હોતું નથી અને હવે તો નાડીશાસ્ત્રીઓ કાંચીપુરમ્ છોડીને બીજા મોટા શહેરોમાં પણ પહોંચી ગયા છે. મુમ્બઈમાં નરીમાન પોઈન્ટ પર એક જણે ઑફીસ ખોલી છે!
કોઈવાર એવું બને કે કોઈ પ્રવાસી કોઈ ધર્મશાળા કે હોટલમાં ઉતર્યા વગર અને કોઈ દલાલને મળ્યા વગર સીધેસીધો નાડીશાસ્ત્રીને ઘેર કે ઑફીસે પહોંચી જાય તો નાડીશાસ્ત્રીને તે ગ્રાહક વીશે કંઈ પણ જાણકારી દલાલ મારફતે મળી ન હોય. એટલે પછી નાડીશાસ્ત્રી તેને તેનાં, નામ, વય અને અન્ય ઘટનાઓ કહી શકે તેવી સ્થીતીમાં ન હોય. એટલે પછી બહાનું કરીને કહેશે કે તે યજમાનનું તાડપત્ર હમણાંનું તેની પાસે નથી કે બીજા નાડીશાસ્ત્રી પાસે તાડપત્રો છે તેમાંથી શોધવું પડશે!
લાખ રુપીયાનો સવાલ તો એ છે કે અગત્સ્યમુનીએ સંસ્કૃતને બદલે જુની તામીલલીપી અને ભાષામાં તાડપત્રો શા માટે લખ્યાં? જવાબ છે લફંગા નાડીશાસ્ત્રીઓ જો સંસ્કૃતમાં લખેલાં તાડપત્રો વાંચે તો કોઈ સંસ્કૃત જાણકાર યજમાન તે તાડપત્ર વાંચવા માટે આગ્રહ રાખે તો તેમની ચાલાકી પકડાઈ જાય; કારણ કે તાડપત્રમાં તો યજમાન વીશે કંઈ ઉલ્લેખ જ ન હોય. તામીલભાષાના તથા લીપીના જાણકારને લઈને તમે નાડીશાસ્ત્રી પાસે જાઓ અને તાડપત્ર વાંચવા માટે માગણી કરો તો નાડીશાસ્ત્રી તમને તે જ વખતે દરવાજો બતાવી દેશે.
ગુજરાતના જમનાદાસ કોટેચા નામે સત્ય–શોધક કાર્યકરે કાંચીપુરમમાંના એક અગ્રગણ્ય નાડીશાસ્ત્રીને રજીસ્ટર પોસ્ટથી પત્ર લખીને પડકાર ફેંકેલ કે તે નાડીશાસ્ત્રી કાર્યકરનો અંગુઠો જોઈને તેના જીવનની બધી સાચી હકીકતો કહી દે તો તેને રુપીયા વીસ લાખનું ઈનામ આપે; પણ નાડીશાસ્ત્રીએ તો વીસ લાખ રુપીયા જતા કર્યા અને જવાબ પણ ન આપ્યો.
– લક્ષ્મીદાસ ખટાઉ
ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 7–04–2023
શ્રી લક્ષ્મીદાસ ખટાઉએ’ તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે.’
અંગે અભ્યાસપૂર્ણ લેખ બદલ
ધન્યવાદ
LikeLiked by 1 person
ખુબ સરસ ઉપયોગી માહીતી. “બુદ્ધી અને વીવેકબુદ્ધી – Intelligence અને Rationality વચ્ચે બહુ ફરક છે. વ્યક્તી બુદ્ધીશાળી હોઈ શકે પણ વીવેકબુદ્ધીશાળી ન હોય એવું બને.” આ હકીકત સરસ રીતે સમજાવી એ માટે લક્ષ્મીદાસ ખટાઉ તથા આપનો હાર્દીક આભાર ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
Very very much eye opener
For present people life style livings
Even today’s many doctors are regularly visiting astrologers
Some more educated people are still deeply believing in astrology.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
The difference between buddhi & vivekbuddhi – intelligence vs. rationality is very nice explanation, by Shree Lakshmidas Bhai, of why and how even highly educated people get fooled so easily!
LikeLiked by 1 person
When people wanted to be fooled by this kind of charlatans, then nobody can save them. Who go to such deceivers, only rich, who have spare money and some what “educated”. The poor people,laborer and middle class have no money to spare on these kind of extravagnza.
LikeLiked by 1 person