ડૉ. આંબેડકર : લોકશાહી અને માનવ અધીકારોના પુરસ્કર્તા

અસમાનતા, અનીતી, અન્યાય પર આધારીત કે ચાલતા ભારતીય સમાજની વીરુદ્ધ બાબાસાહેબ ડૉ. આંબેડકરે બળવો તો પોકાર્યો, પણ એ કેવળ બોલીને કે લખીને જ નહીં; પરન્તુ જ્ઞાનપુર્વકની અખંડ ઉપાસના દ્વારા, અને મૌલીક વીચારોનો પ્રકાશ પ્રસારાવતી ક્રાન્તીની મશાલ વડે!

ડૉ. આંબેડકર : લોકશાહી અને
માનવ અધીકારોના પુરસ્કર્તા

– પુરુષોત્તમ ગણેશ માવળંકર

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર દલીતવર્ગના ઉપદેશક નહીં પણ ઉદ્ધારક હતા; પરન્તુ એમનું અસ્તીત્વ તે વર્ગ પુરતું જ સીમીત રહ્યું નહોતું. દલીતોના તેઓ ‘મસીહા’, ‘મીત્ર’ તથા ‘માર્ગદર્શક’ જરુર બની રહ્યા; પણ ડૉ. આંબેડકરની દૃષ્ટી વીશાળ હતી, તેવી જ એમની સૃષ્ટી પણ વ્યાપક રહેલી. લોકશાહી બંધારણના સર્જક અને રક્ષક તરીકે ડૉ. આંબેડકરે આધુનીક ભારતના ઈતીહાસમાં અનેરું સ્થાન અંકીત કર્યું છે; ન્યાયયુક્ત અને સમાનતાભીમુખ સમાજના તેઓ લડાયક ઉપાસક હતા. પોતાના પુરુષાર્થી જીવનના આખરી દસકામાં તેઓએ લોકશાહી મંત્રનું ગુંજન કરતા રહીને સબળ લોકતંત્રનું સરસ ચણતર કર્યું. આજીવન સંઘર્ષકાર રહીને એમણે મુળભુત માનવ હક્કો અને મુલ્યોમાં કોઈ પ્રકારે બાંધછોડ કે પીછેહઠ કરી નહીં. ડૉ. આંબેડકરની માન્યતા હમ્મેશ રહી કે સહુ નાગરીકોને અધીકારોની સમાન તકો અનીવાર્યપણે સુલભ હોય, ત્યારે જ સાચી લોકશાહીનાં પગરણ દેશમાં અને સમાજમાં થઈ શકે.

બાબાસાહેબ આંબેડકરે શીક્ષણ પર હરહમ્મેશ ભાર અને ભરોસો મુક્યો. એમના સમયમાં આમેય શીક્ષણની માત્રા ઓછી અને દલીત સમાજમાં તો નહીવત્‌ પણ ડૉ. આંબેડકરે એકધારી લગનથી ભણતર અને સંસ્કાર મેળવીને જીવન–સંગ્રામ માટે પોતાને ઘડ્યા. દેશમાં અને વીદેશોમાં ઉચ્ચ અભ્યાસક્ષેત્રે એમણે એકએકથી ચડીયાતી મજલ કાપીને ઉત્તરોત્તર ઉચ્ચતર પદવીઓ પ્રાપ્ત કરી, અને ખુબી એ કે સંઘર્ષસભર કારકીર્દીમાં શીક્ષણની અને કેળવણીની પોતાની સાધનાને નીરંતર ચાલુ રાખી. લોકશાહી કેવળ કાયદાથી બનતી નથી, હકીકતમાં તે કેળવણીથી ઘડાય છે અને વીચાર–વાચનની નીત્ય ઉપાસનાથી ટીપાય છે. ડૉ. આંબેડકર આરંભથી જ કેળવણીનું મુલ્ય અને મહત્ત્વ બરાબર પામી ગયેલા.

પીપલ્સ એજ્યુકેશન સોસાયટીસ્થાપીને, અને એની મારફત કૉલેજો તથા સંસ્થાઓ કાઢીને, બાબાસાહેબ આંબેડકરે ખરેખર તો લોકશાહી ભારત માટેના સુબુદ્ધ અને પ્રબુદ્ધ નાગરીકો તૈયાર કરવાનું જ પુણ્યકાર્ય બજાવ્યું. દલીત સમાજના પોતાના બાંધવોને સવીશેષ નજર સમક્ષ રાખીને એ સહુને માટે કેળવણીનો પ્રબંધ કરવા પર હરહમ્મેશ ભાર મુક્યો. અકસ્માતે દલીત કે દીન કુટુંબોમાં જન્મેલાં ભાઈ–બહેનો પણ સ્વસંકલ્પે અને સ્વપ્રયત્ને ટટ્ટાર ઉભા રહે એ માટે ડૉ. આંબેડકરે રાતદીવસ જહેમત ઉઠાવી; સ્વમાન સાથે જીવવાની નવી આશા દલીત બંધુઓમાં ફેલાવીને એમને નુતન દીશા દાખવી. આમ કરીને ડૉ. આંબેડકરે વાસ્તવમાં લોકશાહીનો જ અર્થ અને અભીગમ પ્રગટાવ્યો. આજે આપણા દેશમાં અને વીશ્વમાં લોકશાહી માટેની પ્રજાકીય જાગૃતી વધી છે એ નીઃશંક; પણ લોકશાહીને ચલાવવી અને જીરવવી હોય તો શીક્ષણની નીતાંત આવશ્યક્તા છે, અને કેળવણીની અનીવાર્ય જરુરીયાત છે, એના પર કેટલા નાગરીકોનું અને નેતાઓનું ધ્યાન કેન્દ્રીત થયું છે? ડૉ. આંબેડકરે લોકશાહીના જતન અને સંવર્ધન માટે જે અહર્નીશ સંગ્રામ ખેડ્યો અને ખેલ્યો તે શીક્ષણના આધાર વડે અને કેળવણીના ઓજારોથી!

સ્વાતંત્ર્યના આરે આવી ઉભેલા ભારતમાં નુતન બંધારણની રચના કરવા માટે જે લોકપ્રતીનીધી સભા સને 1946માં મળી, તેમાં રાષ્ટ્રના લગભગ બધા જ ધુરંધરો અને ધૈર્યશીલો એકત્ર થયેલા. બાબાસાહેબ આંબેડકર પણ એમાં હતાં જ. બંધારણ સભાના સભ્ય ચુંટાયેલા ડૉ. આંબેડકરને શીરે બંધારણ ઘડવા માટેની ખાસ સમીતીનું અધ્યક્ષપદ આવ્યું એથી તો તેઓ પોતે જ આશ્ચર્યચકીત થયેલા! બાબાસાહેબે એ ઐતીહાસીક કામગીરી ઉત્તમ રીતે અદા કરી. આમ તો, તેઓ વ્યક્તીવાદી અને વારંવાર એકલકેડીએ ચાલનારા એકલવીર! પરન્તુ સ્વતંત્ર રાષ્ટ્ર માટે સર્વસંમત અને સર્વોત્તમ એવું લોકશાહી બંધારણ તૈયાર કરવાનું આહ્વાન જ્યારે અનાયાસે બાબાસાહેબના સુપાત્ર અને સુસજ્જ હાથમાં આવ્યું ત્યારે બાબાસાહેબે બંધારણ સભામાં એક અચ્છા સમન્વયકારની કાર્યભુમીકા આબાદ ભજવી! સહુ સભ્યોને એમણે આતુરતાથી અને આદરપુર્વક સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો, જેના પરીણામસ્વરુપ અનેક સભ્યોના વીધવીધ અભીપ્રાયોને અને આગ્રહોને ડૉ. આંબેડકરે બંધારણના ખરડામાં સરવાળે સરસ રીતે આમેજ કર્યા. એક સંવાદસાધક સમન્વયકાર તરીકેની આંબેડકરની વીશીષ્ટ પ્રતીમા બંધારણ સભામાં ઉપસી. ભારતનું બંધારણ જુનાનવા રાજકીય વારસાનું અને વીચારનું આકર્ષક ફળ બની રહ્યું તે ડૉ. આંબેડકરની આવી આગેવાનીને કારણે જ.

બંધારણનાઆમુખમાં જે ઉમદા અને ઉન્નત ભાવના અંકીત કરાઈ છે તેમાં પણ બાબાસાહેબ આંબેડકરની સુઝ, સમજ અને કલમ હોય જ એની શી નવાઈ? બાબાસાહેબની મુળ ઉમેદ તો બંધારણ સભાના સભ્યપદેથી દલીત વર્ગ માટે જરુરી જોગવાઈ કરવાની હતી; પણ અણધારી તથા અનન્ય તક મળતાંવેંત ડૉ. આંબેડકરે સમગ્ર બંધારણના સ્વરુપનું અને માળખાનું વીશુદ્ધ અને સ્વાદભર્યું નવનીત જ આમુખમાં પીરસી દીધું! ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના ચાર ઉત્તુંગ આદર્શો આપણા બંધારણના આમુખમાં જે રીતે સમાવાયા છે અને સુસ્પષ્ટ કરાયા છે તે ભાગ્યે જ બીજા કોઈ લોકશાહી બંધારણમાં એ રીતે વ્યક્ત થયા હોય! પ્રૉફેસર હૅરલ્ડ લૅસ્કીના ગુરુ અને રાજ્યશાસનના એક પીઢ પ્રાધ્યાપક તથા વીવેચક સર અર્નેસ્ટ બાર્કર દ્વારા ભારતના બંધારણની અને ખાસ કરીને એનાઆમુખની વાહવાહ થઈ, તેનું શ્રેય બાબાસાહેબ આંબેડકરને ઘટે છે. રાષ્ટ્રની એકાત્મતા અને અખંડીતતા સાથે વ્યક્તીની ગરીમાને સુપ્રતીષ્ઠીત કરવા પર સુયોગ્ય ભાર ‘આમુખ’માં મુકાયો છે. લોકશાહીમાં વ્યક્તી માત્રનું વીશેષત્વ અને ગૌરવ સચવાવું જોઈએ એ તો ખરું જ; પણ દરેક વ્યક્તી અન્ય વ્યક્તી સાથે સમાન સપાટીએ હોવાનું જોવાય અને સ્વીકારાય એ લોકશાહીનું હાર્દ છે.

બંધારણની ક્લમો 14, 15 અને 16 સમાનતાના અધીકારને પ્રયોજે છે અને પ્રમાણે છે. બાબાસાહેબ આંબેડકરનો સીધો સ્પર્શ સદર કલમોની જોગવાઈને હોય એ લગભગ સ્વ્યંસ્પષ્ટ છે. ડૉ. આંબેડકરનું આ કદાચ સૌથી મોટું પ્રદાન બંધારણ સીદ્ધીની દૃષ્ટીએ છે. સહુ નાગરીકો પ્રત્યે સમાનતા અને નીતીના ન્યાયે તથા ધોરણે વર્તન રખાય અને કરાય એ લોકશાહી રાજ્યમાંના સત્તાધીશો માટે કેવળ પડકારરુપ નહીં પણ બંધનકર્તા છે. કોઈ પણ વ્યક્તીનું શોષણ ન થાય, દરેકને વીકાસ માટેની તક સરખી હોય, અને સહુ નાગરીકોને લોકશાહી રાજકાજમાં તથા સામાજીક વ્યવહારમાં સામેલ થવાનો હક્ક અને હર્ષ રહે એવું ઓયોજન અમલી બને ત્યારે જ લોકશાહી સાર્થક બને અને સફળ નીવડે, એવી બાબાસાહેબ આંબેડકરની શ્રદ્ધા હતી.

આપણા એક અભ્યાસી અને પ્રસીદ્ધ સમાજવાદી સાંસદ મધુ લીમયેએ ડૉ. બાબાસાહેબ આંબેડેકરને ‘જ્ઞાનમાર્ગી બંડખોર’ તરીકે બીરદાવ્યા છે, એ યથાર્થ જ છે. આધુનીક ભારતીય બંધારણના શીલ્પકારોમાં ડૉ. આંબેડકરની ગણના થાય જ. અસમાનતા, અનીતી, અન્યાય પર આધારીત કે ચાલતા ભારતીય સમાજની વીરુદ્ધ બાબાસાહેબે બળવો તો પોકાર્યો, પણ એ કેવળ બોલીને કે લખીને જ નહીં; પરન્તુ જ્ઞાનપુર્વકની અખંડ ઉપાસના દ્વારા, અને મૌલીક વીચારોનો પ્રકાશ પ્રસારાવતી ક્રાન્તીની મશાલ વડે!

લોકશાહીના અને માનવ અધીકારોના પ્રખર પુરસ્કર્તા ડૉ. આંબેડકરે સ્વતંત્ર દેશના બંધારણને ઘડવાનું અનુપમ કાર્ય બજાવ્યું તે સાથે જ બંધારણ પસાર થવાની પુર્વસંધ્યાએ, તા. 25 નવેમ્બર, 1949ના રોજ, સહુ સાથી–સભ્યો આગળ કરેલા આખરી સંબોધનમાં ચેતવણી પણ સરસ આપી. આખરે બંધારણ એ સાધન છે, એક તંત્ર તે ઉભું કરે છે; પણ એની સારા બંધારણને ચલાવનારા લોકપ્રતીનીધીઓ કેવા ચતુર અને કેટલાં ચારીત્ર્યશીલ છે તેના પર આધાર રાખે છે. ડૉ. આંબેડકરે સાચું જ કહ્યું કે, સારા બંધારણને ચલાવનારાઓ જો ખરાબ નીકળ્યા તો ઉત્તમ બંધારણ પણ બગડતા અને ખતમ થતાં વાર નહીં લાગે; અને, બંધારણ ચલાવનારાઓનો ઈરાદો શુભ હશે અને વર્તાવ શંકારહીત તથા શ્રેષ્ઠ હશે તો કંઈક ઉતરતી કક્ષાનું બંધારણ પણ કદાપી બાધારુપ કે અવરોધક બનશે નહીં. લોકકલ્યાણ માટે મથનારા પ્રજાના પ્રતીનીધીઓ નીઃસ્વાર્થી અને પ્રામાણીક હોવા પર બાબાસાહેબ આંબેડકરે ખાસ ભાર મુક્યો.

પ્રજાસત્તાક ભારતની છેલ્લા ચાર દાયકાની લોકશાહી મજલ જોતાં, ડો. આંબેડકરની ઉપરોક્ત ચેતવણી સવીશેષ સ્મરણમાં રાખવા જેવી છે. ભારતમાં હજી અસમાનતા અને અસ્પૃશ્યતા અપાર છે; એનો અંત લાવવાનો નીર્ણાયક આરંભ જે ભવ્ય અરમાનો અને ભર્યા ભર્યા પુરુષાર્થ સાથે સ્વતંત્ર ભારતની પ્રારંભીક નેતાગીરીએ કરી બતાવ્યો તે કમશ: ઓસરતો રહ્યો છે, એ હકીકત આગળ આંખ આડા કાન કરવાનો અર્થ નથી. બાબાસાહેબ આંબેડકરની જન્મશતાબ્દી ઉજવણીને સાર્થક કરાવાનો સંકલ્પ કરીને આપણે સહુએ, સવીશેષ તો સવર્ણ હીન્દુઓએ અને સંપત્તીવાન બુદ્ધીવાદીઓએ અને સત્તાધારીએ બહુ મોડું થાય તે પહેલાં જ પુરેપુરા જાગી જઈને કામે લાગી જવું જોઈએ! ડૉ. આંબેડકર જે દેશબાંધવોને અછુતપણાની ભાવના તથા સ્થીતીમાંથી ઉગારી લેવાનો અતીશય શ્રમ અને પ્રેરક પરીશ્રમ કર્યો તે એળે ન જાય એ જોવાની જવાબદારી દલીતો કરતાંયે વધુ તો દલીતોને અન્યાય કરનારાઓની છે! સામાજીક અસ્પૃશ્યતા અને રાજકીય આભડછેટ આપણા દેશમાંથી ઝડપભેર દુર કરીને આપણે જંપીએ! બાબાસાહેબે જેમના અંતરમાં ક્રાંતીની ચીનગારી પ્રગટાવી છે એવા આપણે સહુએ સમયસર, સમજપુર્વક અને સંવેદનશીલતા સાથે વર્તીને લોકશાહી પ્રજાસત્તાક ભારતની શાન અને શક્તી વધારવી એ જ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને સમુચીત આદરાંજલી હોઈ શકે! આ જન્મ ટેક વડે લડતા અને જીતતા રહીને ડૉ. આંબેડકરે જે  તેજસ્વીતા અને ટટ્ટારપણું પોતાના જીવનકાર્ય દ્વારા સમગ્ર ભારતવર્ષ સમક્ષ મુર્તીમંત કર્યાં તેના અંશો વર્તમાન અને ભાવી આપણી પેઢીઓના વીચાર–આચારમાં પ્રગટો અને કાર્યાન્વીત બની રહો!

        – પુરુષોત્તમ ગણેશ માવળંકર

જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર પુર્વ સાંસદ પુરુષોત્તમ ગણેશ માવળંકરનો આ લેખ અમદાવાદના ‘નયા માર્ગ’ સામયીક(હાલ બંધ છે)ના ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ–શતાબ્દી વીશેષાંક’(એપ્રીલ–1991)માં પ્રગટ થયેલ, તેમાંથી ટુંકાવીને; લેખકશ્રી અને તંત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/04/2023

4 Comments

 1. નમસ્તે ગોવીન્દભાઈ, બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે આપે આ સમુચીત લેખ પ્રગટ કર્યો એથી આનંદ થયો. ખુબ રસપુર્વક લેખ માણ્યો. કોળી લોકોને પણ કહેવાતી ઉચ્ચ વર્ણના લોકો અસ્પૃશ્ય ગણતા હશે તેની ખબર મને તો 15 વર્ષની વયે મારી સાથે થયેલા વર્તાવથી થયેલી અને આશ્ચર્ય થયેલું, કેમ કે કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો કરતાં મેં તો અમારે ત્યાંના કોળી લોકોને વધુ સારા ચારીત્ર્યવાન જોયા છે. લેખ માટે આપનો તથા પુરુષોત્તમભાઈનો આભાર.

  Liked by 2 people

  1. ‘ડૉ. આંબેડકર : લોકશાહી અને માનવ અધીકારોના પુરસ્કર્તા’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Like

 2. ‘આપણે સહુએ સમયસર, સમજપુર્વક અને સંવેદનશીલતા સાથે વર્તીને લોકશાહી પ્રજાસત્તાક ભારતની શાન અને શક્તી વધારવી એ જ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને સમુચીત આદરાંજલી હોઈ શકે! આ જન્મ ટેક વડે લડતા અને જીતતા રહીને ડૉ. આંબેડકરે જે તેજસ્વીતા અને ટટ્ટારપણું પોતાના જીવનકાર્ય દ્વારા સમગ્ર ભારતવર્ષ સમક્ષ મુર્તીમંત કર્યાં તેના અંશો વર્તમાન અને ભાવી આપણી પેઢીઓના વીચાર–આચારમાં પ્રગટો અને કાર્યાન્વીત બની રહો!’ મા પુરુષોત્તમ ગણેશ માવળંકર
  સાધુ સાધુ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s