આપણા સમયમાં મળતાં મળે તેવા અખબારી લેખનનું પુસ્તક

પુસ્તકના દરેક લેખના મુદ્દા ૫૨ જરુરી અદ્યતન અભ્યાસ અને ઈતીહાસનો પાસ છે. આધાર વીના કશું જ લખાયેલું નથી. એટલે વીશ્વસનીય આંકડા અને સ્ત્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નીષ્ઠાથી કોઈ વીષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વીનાની ટીકા, વૈચારીક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટીબીંદુ, જાહેર જીવન માટેની ચીંતા સાથે પ્રગટેલાં પરીપક્વ સુચનો છે. સંવેદનની આક્રોશ વીનાની પણ અસરકારક અભીવ્યક્તી છે. બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દુર કરનારાં જુજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.

આપણા સમયમાં મળતાં મળે તેવા
અખબારી લેખનનું પુસ્તક

– સંજય સ્વાતી ભાવે

ભાઈશ્રી ચંદુ મહેરીયાના અખબારી લેખોનો સંગ્રહ ‘ચોતરફ’ એ સાંપ્રત દેશકાળના મૌલીક વીશ્લેષણથી ઓપતું આપણા સમયનું મહત્ત્વનું પુસ્તક છે. સંઘેડાઉતાર શૈલીમાં લખાયેલા 49 લેખો મુખ્યત્વે સંસદીય લોકશાહી, નાગરીક અધીકારો, શીક્ષણ, પોલીસતંત્ર, કુદરતી આપત્તીઓ અને ગરીબી વીષયો પરના છે. કેટલાક પ્રકીર્ણ લેખો ઉપરાંત અહીં 12 વ્યક્તીવીશેષોના જીવનકાર્ય વીશે પણ વાંચવા મળે છે. આ લેખો ‘સંદેશ’ દૈનીકમાં નવેમ્બર 14, 2018થી ફેબ્રુઆરી 19, 2020 દરમીયાન ‘ચોતરફ’ નામની અઠવાડીક કતાર તરીકે પ્રસીદ્ધ થઈ ચુક્યા છે. એ કતાર જ્યારે કીતાબ તરીકે આવે છે ત્યારે મારી માન્યતા પાકી થાય છે કે ચંદુભાઈનું અખબારી લેખન પ્રબુદ્ધ નાગરીક તરીકેની તેમની ખુદની વૈચારીક સજાગતા માટેનું સાધન અને પત્રકારત્વના પ્રશીષ્ટ ઉદ્દેશ્ય કહેતાં લોકકેળવણી માટેનું માધ્યમ છે.

ચોતરફ’ પુસ્તકની મહત્તા એ છે કે તેના લેખોમાં એક સાથે અનેક ક્વાલીટીઝ છે. દરેક લેખના મુદ્દા ૫૨ જરુરી અદ્યતન અભ્યાસ અને ઈતીહાસનો પાસ છે. આધાર વીના કશું જ લખાયેલું નથી. એટલે વીશ્વસનીય આંકડા અને સ્ત્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નીષ્ઠાથી કોઈ વીષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વીનાની ટીકા, વૈચારીક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટીબીંદુ, જાહેર જીવન માટેની ચીંતા સાથે પ્રગટેલાં પરીપક્વ સુચનો છે. સંવેદનની આક્રોશ વીનાની પણ અસરકારક અભીવ્યક્તી છે. બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. આ બધી સીદ્ધીઓ ચંદુભાઈએ કતારના સાડા આઠસો શબ્દોના બંધનમાં રહીને સાધી છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દુર કરનારાં જુજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.

ખુદની કોઈ છાપ ઉપસાવવા કોશીશ ન કરનાર ચંદુભાઈ ગુજરાતભરના પત્રકારો અને અભ્યાસીઓ માટે દલીત ક્ષેત્ર અંગેનું પુછવાઠેકાણું છે. ગુજરાત સરકારની નોકરીમાંથી જુન 2017માં નીવૃત્ત થયેલા આ કર્મચારીએ તેમની નોકરી દરમીયાનનાં 13 વર્ષ સહીત પંદરેક વર્ષ ‘દલીત અધીકાર’ નામનું પખવાડીકમાં રાજ્ય સરકારની પણ સીધી ટીકા કરતાં લખાણો સાથે અને જાહેરખબર વગર ચલાવ્યું. એ ઉપરાંત પણ ચંદુભાઈએ ગુજરાતની દલીત ચળવળમાં ઍક્ટીવીઝમની રીતે નહીં; પણ નેપથ્યેથી મહત્ત્વની બૌદ્ધીક ભુમીકા ભજવી છે. એટલે ગયા ચાર દાયકાના દલીતવીચારનાં કેટલાંક સામયીકો અને સંપાદનોમાં તે પ્રમુખ સહયોગી રહ્યા છે. અલબત્ત ‘ચોતરફ’ પુસ્તક, દલીત–વીમર્શ ઉપરાંત પણ જાહેર જીવનના જે અનેક પાસાંમાં ચંદુભાઈને ગંભીરતાપુર્વકનો રસ છે તેની ઝલક આપે છે. તેમની વ્યાપક સંચેતનાનો ખ્યાલ તો તેમણે અનેક વીચારપત્રો અને સાહીત્યીક સામયીકો તેમ જ દૈનીકોમાં લખેલા હજારેક લેખોમાંથી ચુંટેલા લેખોના, અંગેજીમાં ‘ઓમ્નીબસ’ કહે છે તેવા બૃહદ્‌ ચયન થકી આવી શકે.

ચોતરફ’ પુસ્તકમાં કેવળ દલીત મુદ્દાને સીધા સ્પર્શતા બે જ લેખ છે. તેમાંથી એક તે ‘લોકસભામાં દલીત પ્રતીનીધીત્વ’. ઉપરાંત, સંસદમાં જાન્યુઆરી 25, 2020થી ઍન્ગ્લો–ઈન્ડીયનોનાં પુરા થઈ રહેલા પ્રતીનીધીત્વના, માધ્યમોમાં જવલ્લે જ ચર્ચાયેલા, મુદ્દા અંગે પણ લેખ છે. અલબત્ત, આ બન્ને લેખોને સંસદીય લોકશાહી પરના નવ લેખોના, એક જુદેરી જણસ સમા જુથમાં મુકી શકાય છે. વાચક જેને ‘આ તો રાજકારણ પરના છે’ એમ જાડી રીતે ખતવી નાખે તેવા, નીરસ જણાતા આ લેખોમાં રાજનીતીની, જે સમજ અને તેની રજુઆતની સુબોધતા છે તે હમણાંનાં વર્ષોમાં અખબારી લેખનમાં ઓછી જોવા મળે છે.

પુસ્તકનો બીજા ક્રમનો લેખ સંસદમાં એક જ પક્ષની બહુમતી ધરાવતી ‘મજબુત આપખુદ’ સરકાર અને ઘણાં પક્ષોના ગઠબંધનથી રચાયેલી ‘મજબુર’ સરકાર દેશમાં હોય તે પરીસ્થીતીઓના લેખાંજોખાં કરે છે. તેમાં છેક 1977ની ચુંટણીઓ પછીની સંસદથી લઈને અત્યાર સુધીની સરકારોના ઈતીહાસનો આધાર છે. ‘સ્પીકરનું પદ કેટલું નીષ્પક્ષ? કેટલું પક્ષપાતી?’ એની વીગતવાર તપાસ લેખક કરે છે. પુસ્તકના છેલ્લેથી બીજા ક્રમનો રસપ્રદ લેખ છે ‘અસંસદીય શબ્દોની સુચી : સંસ્કાર અને સભ્યતાનો શરમજનક દસ્તાવેજ’!

દુનીયાભરમાં લોકશાહી રાજ્યવ્યવસ્થાના અવીભાજ્ય ઘટક ચુંટણી વીશે ચંદુભાઈ જેવા નીરીક્ષકને કંઈ કહેવાનું ના હોય તો જ નવાઈ. તેઓ પક્ષોના ‘રાજકીય ઢંઢેરા અને પ્રજાનો અવાજ’ વીશે લખે છે. ‘ઈલેક્ટોરલ બૉન્ડ : રાજકીય પારદર્શીતાનો સવાલ’ એ વીવાદાસ્પદ નીતીને સામાન્ય વાચકને સમજાય તે રીતે મુકે છે. ‘2019ની લોકસભાની ચુંટણીનું અવનવું’ લેખ ભારતનાં ચારેક રાજ્યોની ખાસ હકીકતો કહે છે, જેમાં છાપાંમાં ‘અવનવું’ શબ્દની સાથે જોડાયેલું ચટપટાપણું નથી; પણ રાજકીય આટાપાટાનો ચીતાર છે. ‘એક રાષ્ટ્ર, એક ચુંટણીના લાભાલાભ’ લેખમાં બન્ને વીકલ્પો એક સરખા યોગ્ય લાગે એ રીતે રજુઆત થઈ છે. હમણાંનાં વર્ષોમાં ચુંટણી પંચનાં નબળાં અંગો ખુલ્લાં પડતાં રહ્યાં. તેમાંથી કેટલાંકનાં ઉલ્લેખ સાથે પંચની અકાર્યક્ષમતા પરના લેખનું શીર્ષક, ચંદુભાઈએ ઉત્તર પ્રદેશના એક લોકગીતના મુખડા પરથી આપ્યું છે :બઢતી ઉમરીયા, ઘટતી ચુનરીયા’.

એક લેખમાં ચંદુભાઈ નવી શીક્ષણનીતી માટેની પાર્શ્વભુમી અને તેનો સાર આપે છે અને બીજામાં તેનું વંચીત વર્ગોના સન્દર્ભમાં મુલ્યાંકન કરે છે. શાળાશીક્ષણ અંગે તે પાયાના પ્રશ્નો પણ પુછે છે. સરકારની અસંવેદનશીલતાને કારણે વંચીત વર્ગો પાસેથી ‘શીક્ષણનો અધીકાર છીનવાઈ રહ્યો છે’ એ હકીકતને લેખક વીસ્તારથી ઉજાગર કરે છે (અન્ય બે લેખોમાં તે માહીતી અધીકારને પંગુ બનાવવાની પેરવીની અને ‘શ્રમીક અધીકારો પર શ્રમસુધારની તરાપ’ની પણ ચર્ચા કરે છે). ‘પરીણામોના પરીણામે’ લેખ દસમા અને બારમા ધોરણનાં પરીણામોની ઝીણવટભરી તપાસને આધારે શીક્ષણજગતની ભારે અસમાનતા તરફ ધ્યાન દોરે છે.

‘પોલીસ શું વીચારે છે અને કેમ વર્તે છે?’ અને ‘કાર્યબોજ તળે દટાયેલ, સાધનહીન પોલીસતંત્ર’ લેખો તાજેતરના વીશ્વસનીય અભ્યાસો પર આધારીત છે. ‘કસ્ટોડીયલ ડેથ : પોલીસનો હીંસક ચહેરો’ લેખ સનસનાટીભરી વીગતો વીના પણ વાચકને અસ્વસ્થ કરી શકે તેમ છે. ગુજરાતી માધ્યમોમાં જેની નહીંવત્‌ જીકર થઈ છે તે ‘ઈન્ડીયા જસ્ટીસ રીપોર્ટ 2019’નાં 146 પાનાંનો સાર આપીને લેખક ‘સમુચીત ન્યાયની તાકીદ’ કરે છે.

‘ભુખમરામુક્ત વીશ્વની તાકીદ’ શીર્ષક હેઠળનો પુસ્તકનો પહેલો લેખ ભાવુક થયા વીના, કેવળ આંકડા અને વીગતોથી, ભુખ્યા ભારતનું વીદારક ચીત્ર આપે છે. વર્ષ 2020ના બજેટમાં ખેડુતો, અનુસુચીત જાતીઓ, આદીવાસીઓ, લઘુમતીઓ અને મહીલાઓ એવા આર્થીક રીતે નબળા સમુહોને કેન્દ્રમાં રાખીને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, એ મુદ્દો આંકડા સાથે સમજાવતાં લેખનું શીર્ષક છે ‘કેન્દ્રના અંદાજપત્રમાં ગરીબો ક્યાં?’

ભારતના ગરીબો દર વર્ષે દુષ્કાળ અને પુરની પરસ્પર વીરોધી આપત્તીઓથી પીડાય છે; પણ તે આપણી જનતાના મનમાં ઉનાળા તેમ જ ચોમાસાની એકાદ–બે ઘટનાઓના ધ્યાનપાત્ર સમાચાર કરતાં વધુ ટકતી નથી. વાચકના આવા નજરીયામાં કંઈક બદલાવ લાવવાની ક્ષમતા બે આપત્તીઓ પરના લેખો ધરાવે છે. દેશમાં અરધા લાખથી વધુ સફાઈ કામદારો માથે મેલું કે હાથથી મળસફાઈના કામમાં જોતરયેલા છે. તેમની પીડા અંગે ગુજરાતમાં જે કંઈ જાગરુકતા આવી છે તે લાવવામાં ફાળો આપનારામાંના એક એવા ચંદુભાઈનો ‘ગટર નામે ગૅસ ચેમ્બર’ લેખ અહીં વાંચવા મળે છે.

ચોતરફ ચકોર નજરે જોનાર ચંદુભાઈ લીંગભાવ (સેક્સ્યુઆલીટી) અને તેને આધારે વ્યક્તીની આપઓળખને લગતા વીષય એલજીબીટી અંગે ‘અબ નૉર્મલ કે ઍબ્નૉર્મલ’ નામના લેખ દ્વારા વાચકોને હકારાત્મક રીતે સભાન કરવાનું ચુકતા નથી. પુસ્તકમાં આ એકમાત્ર લેખ છે કે જેમાં રમતગમત, સીનેમા અને સાત રંગોનો આનન્દદાયક ઉલ્લેખ હોય. હકારાત્મક બનાવ બતાવતો બીજો એક જ વૈચારીક લેખ છે :ગુરુ નાનક, શબદ કીર્તન અને સ્ત્રીઓ’.

ગણતંત્રદીન નીમીત્તે લખાયેલો ચીંતન લેખ પ્રજાસત્તાક, પુર્ણ સ્વરાજ અને આપણે ચંદુભાઈના સંવીધાન સાથેના સરોકારનો અંદાજ આપે છે. સ્વતંત્રતા દીન વીષે ‘અંગ્રેજી પંદરમી, આઝાદી અને આપણે’ લેખના ઉપસંહારમાં તે ‘ગરીબોને સ્વરાજનો શાતાદાયી સ્પર્શ’ મળે તેવી આઝાદીની ઝંખના વ્યક્ત કરે છે. ‘વંદે માતરમ્‌’ના ગાનના વીવાદ અંગેની ચર્ચા પણ પુસ્તકમાં છે. ‘મરાઠા અનામત : મામાનું ઘર કેટલે?’, ‘દક્ષીણનો હીન્દી વીરોધ’ અને ‘કોંગ્રેસની કાયાપલટ’ લેખોને પ્રકીર્ણ વર્ગમાં મુકી શકાય. ડૉ. બાબાસાહેબ આંબેડકર પરનાં કાર્ટુનને લગતા પુસ્તક ‘નો લાફીન્ગ મેટર’ પરના લેખથી પુસ્તક પુરું થાય છે.

કેટલાક વાચકોને સંભવતઃ પુસ્તકનો સહુથી ગમી જાય તેવો હીસ્સો ચરીત્રકીર્તનનો છે. દરેક ચરીત્રનાયક વીશેના લેખમાં, ચંદુભાઈએ વ્યક્તીનું બીલકુલ પોતાની નજરે કરેલું મુલ્યાંકન વત્તાઓછાં પ્રમાણમાં સમાયેલું છે. પ્રાસંગીક રીતે તેમણે કાર્લ માર્ફ્સ, જોતીરાવ ફુલે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, વીનોબા ભાવે અને ઉમાશંકર જોશીને અંજલી આપી છે. કેટલીક ઓછી જાણીતી વ્યક્તીઓ છે : ઠક્કરબાપા, મૌલાના અબુલ કલામ આઝાદ અને અર્થશાસ્ત્રી અશોક મહેતા.

આંકડા એ ચંદુભાઈના લેખોની તાકાતનો એક મુખ્ય આધાર છે. એક એક વાક્યથી ચોંકાવી જાય તેવા આંકડા આપીને લેખક જે અનેક મુદ્દા સાબીત કરતા રહે છે તેમાંથી કેટલાક આ મુજબ છે : દસમા ધોરણમાં સફળ થનારા તમામ વીદ્યાર્થીઓ બારમા ધોરણનું ભણતર ચાલુ રાખી શકતા નથી; લોકસભામાં દલીત મહીલાઓનું પ્રતીનીધીત્વ પર્યાપ્ત નથી અને દલીત સમાજની પેટાજ્ઞાતીની વીવીધતા અતીઅલ્પ છે; દેશનો દર બીજો પોલીસકર્મી માને છે કે મુસ્લીમો ગુનાઈત વૃત્તીના હોય છે; દેશમાં નક્સલી અને આતંકી હીંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે; તબીબો પરનો ગ્રામીણ વીસ્તારમાં ફરજીયાત સેવા આપવાના બૉન્ડનો ગાળીયો નીષ્ફળ રહ્યો છે. ‘કેન્દ્રના અંદાજપત્રમાં ગરીબો ક્યાં?’ શીર્ષક હેઠળનો આખો લેખ પુરેપુરો આંકડા પર જ લખાયો છે.

આંકડા અને અહેવાલો, છાપાં અને સામયીકો, પુસ્તકો અને સન્દર્ભગ્રંથો જેવાં માહીતીસ્ત્રોતોનો વીચારપુર્ણ ઉપયોગ ચંદુભાઈનાં લખાણને બહુ ઉંચા સ્તરે મુકે છે. આવા લેખો ‘ધ ઈન્ડીયન એક્સપ્રેસ’ દૈનીક કે ‘ઈકનોમીક એન્ડ પૉલીટીકલ વીકલી ઑફ ઈન્ડીયા’ જેવા પ્રકાશનોમાં જોવા મળે છે. એ સામયીકોમાં લેખકનો મીતાક્ષરી પરીચય હોય છે. તેમાંથી જાણવા મળે છે કે લેખક મોટે ભાગે કોઈ મોટી વીદ્યાસંસ્થા, નૉન ગવર્નમેન્ટ ઓર્ગનાઈઝેશન (એનજીઓ) કે જાહેર સંસ્થા સાથે જોડાયેલા અધ્યાપક, સંશોધક, અધીકારી છે. એટલે ઘણું કરીને તેમને સમૃદ્ધ ગ્રંથાલયો, સામયીકો, સાથેનાં કાર્યસ્થળ ઉપરાંત પ્રીન્ટર–સ્કૅનર–ઝેરોક્સ મશીન જેવાં કામની મહેનત ઘટાડનારાં અને ગુણવત્તા વધારનારા ઉપકરણોનો લાભ મળ્યો છે.

એવા લેખકોની હરોળના ઉત્તમ લેખો લખનારા ચંદુભાઈ એ લેખકોની સરખામણીમાં લગભગ સંસાધનવીહીન છે. લેખનનું ઝરણું સંસાધનોની અછતના પથ્થરોમાંથી ફુટ્યું છે. અત્યારે પણ સુલભ વાહનવ્યવહારની અછતવાળાં પાટનગર ગાંધીનગરમાં રહેઠાણ, ખુદનું ડ્રાઈવીંગ નહીં, પુરા સમયની સરકારી નોકરી, કોઈ સમૃદ્ધ સંસ્થા સાથે જોડાણ નહીં, વારંવારની માંદગી, પારીવારીક જવાબદારી, ઉંચી શૈક્ષણીક પદવી કે મોભાદાર વ્યાવસાવીક હોદ્દો નહીં, શીષ્યવૃત્તી (સ્કોલરશીપ), અભ્યાસવૃત્તી (ફેલોશીપ), અનુદાનીત સંશોધન પ્રકલ્પ (રીસર્ચ પ્રોજેક્ટ) નહીં. ટુંકમાં, ટકોરાબંધ વૈચારીક લેખો દર અઠવાડીયે તો શું, મહીનેય લખી શકાય તેવા સંજોગો નહીં. અને આમ છતાં આ 49 લેખો થયા. અત્યાર સુધી અનેક સામયીકોમાં લખાવેલા બીજા 951માંથી ચુંટીને પ્રસીદ્ધ કરવાના થાય તોય સાતસો–આઠસોથી ઓછા ન થાય!

       ‘ચોતરફ’ લેખસંગ્રહ એ વર્તમાનપત્રનું લેખન કેટલી નીષ્ઠાથી કરેલું અને વાચકને કેટલું સમૃદ્ધ કરનારું હોઈ શકે તેનો નમુનો છે. તેના પ્રકાશનમાં ‘સાર્થક’ પ્રકાશનની સાર્થકતા હોય તો તેના વાચનમાં વાચનની સાર્થકતા છે.

– સંજય સ્વાતી ભાવે
28 જુન 2021

શ્રી. ચંદુ મહેરીયા લિખિત કેટલાક મહત્ત્વના રાજકીયસામાજિકસાંસ્કૃતિકઆર્થિક મુદ્દા વિશેના વિચારપ્રેરકવિશ્લેષણાત્મક લેખોનો સંગ્રહ ‘ચોતરફ’માં પ્રગટ થયેલ શ્રી. સંજય સ્વાતી ભાવે (143, પારસકુંજ સોસાયટી, વીભાગ 3, સેટેલાઈટ રોડ, અમદાવાદ – 380 015 સેલફોન : 98797 31551 ઈ.મેલ : ssbhave65@gmail.com)ની પ્રસ્તાવનામાંથી ટુંકાવીને; લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

પ્રકાશક : ‘સાર્થક પ્રકાશન’, 14, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા  બસસ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ – 380 007 પ્રથમ આવૃત્તી : 2022 પૃષ્ઠ : 196 + 4, મુલ્ય : રુપીયા 230/– ઈ.મેલ : spguj2013@gmail.com

મુખ્ય વિક્રેતા : ‘બુક શેલ્ફ’, 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – 380 009.

ચોતરફના લેખક : શ્રી. ચંદુ મહેરીયા, નીરાંત, 1416/1, સેકટર 2બી, ગાંધીનગર – 382007 સેલફોન : 98246 80410 ઈ.મેલ : maheriyachandu@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/04/2023

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s