ઉત્તર ગુજરાતમાં ‘દેવની મોરી’ના વીહાર–સ્તુપો–બુદ્ધની પ્રતીમાઓ, અસ્થીધાતુનું પાત્ર (દાબડો)ની શોધ થવાથી ઈ.સ.ની પ્રથમ સદીથી ચોથી સદી સુધી બૌદ્ધધર્મ અહીંયા પ્રજાધર્મ બન્યો હતો. રાજા અને પ્રજા બન્નેમાં બૌદ્ધધર્મ પ્રતી શ્રદ્ધા હતી. ‘દેવની મોરી’ના પુરાતત્વીય અવશેષો શામળાજી મેશ્વોનદી કીનારે બંધની નજીક મ્યુઝીયમ બનાવી તેમાં મુકવામાં આવે તો ઉત્તર ગુજરાતનું ‘દેવની મોરી’ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે.
બૌદ્ધ સ્તુપો/વીહાર/બુદ્ધની પ્રતીમાઓ
ધરાવતું ‘દેવની મોરી’ આંતરરાષ્ટ્રીય
પ્રવાસન સ્થળ બનશે?
– ડૉ. જયવર્ધન હર્ષ
પશ્ચીમ ક્ષત્રપો :
ઈરાનના હખામવંશના રાજા દારયના1 બેહીસ્તુન શૈલલેખમાં क्षथ्रपावन રુપ પ્રયોજાયેલ છે. क्षथ्रपावनનો અર્થ પૃથ્વીનો રક્ષક કે પ્રાંતનો રક્ષક–સુબો એવો થાય છે. क्षथ्र = રાજ્ય पात = રક્ષક–પાલક, ક્ષથ્રાપાવનનું પાલીમાં खतिय = ખત્રીયનું સંસ્કૃત રુપાંતર क्षत्रप હોવાનો અભીપ્રાય કેટલાક ઈતીહાસવીદનો છે. ભારતમાં પશ્ચીમભાગના ક્ષત્રપોને પશ્ચીમી ક્ષત્રપો કહેવાતા તેઓ એક સાથે રાજા અને મહારાજા અનુક્રમે ક્ષત્રપ અને મહાક્ષત્રપ કહેવાતા હતા. આ બન્ને પદથી તેઓ કોઈ મોટા રાજાના સુબેદાર ગણાય છે.2 કારણ કે કેટલાક ઈતીહાસકારો તેમને કૃષાણોના ઉપરાજ માને છે. કૃષાણવંશના રાજા કનીષ્કના વીશાળ સામ્રાજ્ય ઉપર કનીષ્કનું શાસન પંજાબ, કાશ્મીરથી બીહાર–બંગાળ સુધી ફેલાયેલું હતું. કેટલાક ઈતીહાસકારો પશ્ચીમી ક્ષત્રપોને તેમના સુબેદાર કે ઉપરાજ માનતા ન હતા. પશ્ચીમી ક્ષત્રપોનો રાજ્યવીસ્તાર ઉત્તરમાં અજમેરથી પશ્ચીમમાં સૌરાષ્ટ્ર સુધી, પુર્વમાં માળવા સુધી તથા દક્ષીણમાં દક્ષીણ ગુજરાત–ઉત્તર કોંકણ એહમદનગર–નાસીક–પુના સુધી હતો. શ્રી ડી. સી. સરકારના મતે ક્ષત્રપ કૃષાણના ઉપરાજો ન હતા.3 અભીલેખ સામગ્રીના આધારે ભારતના ક્ષહરાત વંશોના કુલ પાંચ રાજાઓની માહીતી મળે છે. જેમાં તક્ષશીલાના બે, મથુરાનો એક અને પશ્ચીમી ભારતના બે. પશ્ચીમી ક્ષત્રપોમાં પ્રથમ રાજકુલ ક્ષહરાત નામે ક્ષત્રપ – જેમાં 1 ભુમક અને 2 ચહવાન રાજાઓ વીશે માહીતી મળે છે. જ્યારે કાર્દમક ક્ષત્રપોના રાજકુલનો સ્થાપક ચષ્ટન હતો. ચષ્ટન અને તેના પુત્ર જયદામા પછી તેનો પુત્ર રુદ્રદામા–1નો (ચષ્ટનનો પૌત્ર) મહાક્ષત્રપ થયો. તેનું શાસન માળવા–અવન્તી (પશ્ચીમ) આર્નત, સુરાષ્ટ્ર, મધ્યદેશ, સમસ્ત ગુજરાત, સીંધ, રાજસ્થાન, દક્ષીણ પંજાબ પર સત્તા ધરાવતો હતો.
‘દેવની મોરી’નો મહાવીહાર4 :
રુદ્રદામા 1લાની પછી એના પુત્રો – અનુજ – ઉત્તરાધીકારી રાજાઓના સીક્કાઓ ‘દેવની મોરી’ મહાવીહારમાંથી પ્રાપ્ત થયા છે. આ દર્શાવે છે કે ઉત્તર ગુજરાતમાં ઈ.સ. 23થી 400 સુધી પશ્ચીમી ક્ષત્રપ રાજાઓ રાજ્ય કરતાં હતાં. એમના જ શાસનકાળમાં ઉત્તર ગુજરાતમાં શામળાજીથી દક્ષીણમાં બે કીલોમીટર ભીલોડા તાલુકામાં સાબરકાંઠા જીલ્લામાં મેશ્વો નદીના સામા કીનારે આવેલ ભોજ રાજાનો ટેકરો ગામ ‘દેવની મોરી’માં ઉત્ખનન દરમ્યાન ઉપરોક્ત રાજાઓના સીક્કા સાથે તથાગત બુદ્ધના પવીત્ર અસ્થીધાતુનો દાબડો શોધી કાઢવામાં આવ્યો છે. જે રાજસ્થાનના ડુંગરપુર, સરહદી સીમાડાને સ્પર્શ કરે છે. અહીંયા અરવલ્લીના ડુંગરોની હારમાળાઓ છે. મેશ્વો નદી આ અરવલ્લીની પહાડીમાંથી નીકળીને શામળાજી આગળ વહે છે. આ મનોહર ભુમીમાં મેશ્વો નદીના ડાબે કીનારે બૌદ્ધ વસાહત આવેલી હતી. આ સ્થળની બન્ને બાજુએ પાસેના ડુંગરમાંથી નીકળતા સર્પાકારે વહી જતાં ઝરણાના વાઘા છે અને નદીથી સુરક્ષીત તેમ જ કુદરતી સૌંદર્યથી સભર આ પ્રદેશમાં આધ્યાત્મીક ચીંતન માટે બૌદ્ધોએ વસવાટ કર્યો હતો.
આ ભોજ રાજાના ટેકરાના મથાળે થોડો ભાગ સુરખીની તપાસ માટે ખોદેલો. તેમાં પ્રાચીન ઈંટોનું ચણતર દેખાતા ટેકરા નીચે કોઈ દટાયેલો સ્તુપ દેખાતો હોવાથી વડોદરાની એમ. એસ. યુનીવર્સીટીના પુરાતત્વ વીભાગે 11 ફેબ્રુઆરી, 1960માં અહીંયા ઉત્ખનન શરુ કર્યું. ત્યાર બાદ 6 ફેબ્રુઆરી, 1961થી એપ્રીલ 1961 ઉત્ખનન કરીને બૌદ્ધ વીહારને ખુલ્લો કરવામાં આવ્યો. આથી સ્તુપનો ભાગ સ્પષ્ટ થવા લાગ્યો. ફરી 28 નવેમ્બર, 1961માં ઉત્ખનન કામ શરુ કરીને 15 ફેબ્રુઆરી, 1962 દરમ્યાન સ્તુપનો ભાગ શોધવામાં આવ્યો. ત્યારબાદ 13 ડીસેમ્બર, 1962થી 3 એપ્રીલ, 1963માં ઉત્ખનન કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. આ સમયે સ્તુપની અંદરના ભાગમાં શોધ કરવામાં આવી અને સ્તુપના ગર્ભમાંથી તથાગત બુદ્ધના પવીત્ર અસ્થીવાળો દાબડો શોધી કાઢવામાં આવ્યો.5 આ સંપુર્ણ ઉત્ખનન 1960થી 1963 દરમ્યાન એમ. એસ. યુનીવર્સીટીના પુરાતત્વ વીભાગે સ્તુપ, બે વીહાર અને ચૈત્ય શોધી કાઢ્યા હતા. આ બધામાં સૌથી અગત્યની શોધ તથાગત બુદ્ધના પવીત્ર અસ્થીધાતુની હતી.
‘દેવની મોરી’માં મહાવીહાર વીશે શ્રી આર. એન. મહેતા અને શ્રી એસ. એન. ચૌધરી6 લખે છે કે ‘દેવની મોરી’નો મહાવીહાર ઈંટેરી બાંધકામ છે. તેનો એક વખત સંપુર્ણ જીર્ણોદ્વાર થયો હશે. એમ પણ દેખાય છે કારણ કે મુળ મહાવીહારની ફર્શબંદી પર તેમ જ તેની ભીંતોની બહાર માટી પુરીને બીજો વીશાળ વીહાર બાંધવામાં આવ્યો હતો. એ 135 X 125 ફુટ લાંબો પહોળો છે. વચ્ચે વીશાળ ચોક છે. આ ચોક નૈઋત્ય ખુણામાં ઢળતો હતો અને તેથી મોરીમાંથી પાણી બહાર જતું. ચોકની આજુબાજુ ઓરડીઓના અવશેષો છે. વીહારનું પ્રવેશદ્વાર ઉત્તરાભીમુખ છે. એની સામે ચોકમાં વીહારની અંદરનું નાનું મન્દીર છે. આ મન્દીરની ફર્શબંદી પથ્થરની હતી. જ્યારે બીજી ઓરડીઓ ઈંટોની હતી. વીહારની આ નાની નાની ઓરડીઓના પ્રવેશદ્વાર એક બારણાવાળા હતા. વીહારનું છાપરું એક ઢાળનું કે બે ઢાળવાળું હશે. એ બાબતે ચોક્કસ પુરાવા નથી; પરન્તુ તેને છાવા માટે બે કાણાવાળા લંબ ચોરસ નળીયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ ઉપલબ્ધ પુરાવાઓ દર્શાવે છે.
વીહારના ખુલ્લા ચોકની ચારે બાજુ હરોળબંધ આઠ આઠ કોટડી હતી. આ કોટડીઓ 10 X 9 ફુટ જેટલા કદની હતી તેના 3 ફુટ પહોળા પ્રવેશદ્વારમાં ચણીયારાવાળુ બારણું હતું. આ વીહારના બાંધકામમાં વપરાયેલો લાકડાનો કાટમાળ સંપુર્ણ નાશ પામ્યો હતો; પરન્તુ જુદી જુદી જાતના લોખંડના ખીલા, સાંકળો વગેરે લાકડાકામની સાક્ષી પુરતા હતા. ખંડ જુદા જુદા કદના હતા. ખુણા પરની ઓરડીઓ પર પહોંચવા માટે નાની નવેરી મુકવામાં આવી હતી. અગ્નીખુણામાં એક ઓરડી બહારના ઓટલા પર હતી. આ ઓરડીમાં દાખલ થવા માટે વીહારના અંદરના ભાગમાંથી બારણુ મુકવાની વ્યવસ્થા હતી. ખંડની આગળ ચોકને ફરતી ઓસરી છે. બહારની બાજુએ પણ ચોપાસ ફરતો ઓટલો છે. જે પાછળથી ઉમેરાયો હોય એમ જણાય છે.7 ઉત્તર દીશામાં 7’ 9” પહોળો પ્રવેશમાર્ગ છે. મન્દીર દક્ષીણની હરોળની મધ્યમાં અને પ્રવેશદ્વારની સામે છે. વીહારમાં પ્રવેશતા જ પ્રત્યેકની દૃષ્ટી સીધી મન્દીર ઉપર પડે એ રીતનું આ બાંધકામ ધાર્મીક દૃષ્ટીએ ખુબ સુચક છે. પ્રવેશ માર્ગના પગથીયા હોવાના ચીન્હો અવશીષ્ટ છે.
વીહારમાંથી ક્ષત્રપ રાજાઓના સીક્કા ચકચકીત રાતાં વાસણો વગેરે ઉપલબ્ધ થયા છે. સીક્કાઓમાં એક સીક્કો શર્વ ભટ્ટારકનો છે. આથી ફલીત થાય છે કે વીહાર ઈસુની ચોથી સદીના ચોથા ચરણ દરમ્યાન બંધાયો હોવાનો સંભવે છે. વીહારની પુર્વમાં કેટલાક ઈંટોવાળા ખેતરો છે. જે સઘળા ભગ્ન ઈમારતોવાળા છે. આ પૈકી એકમાંથી બૌદ્ધનો, દેવજંભલની પ્રતીમા મળી હતી. ‘દેવની મોરી’ના આ મોટા વીહારની પુર્વમાં એક નાના વીહારના અવશેષ ખોદી કાઢવામાં આવ્યા હતા. આ વીહારની રચના ઉપરના વીહાર જેવી જ હતી; પણ આ કદમાં નાનો હતો. આ વીહારનું પ્રવેશદ્વાર પશ્ચીમાંભીમુખ હતું. આ વીહારનો માત્ર થોડો ભાગ તપાસવામાં આવ્યો હતો.9 ‘દેવની મોરી’ની બૌદ્ધ વસાહત પર બીજા વીહાર હોવાનો સંભવ છે; પરન્તુ એનું અન્વેષણ થતું નથી. બાંધેલા બીજા વીહાર ગુજરાતના ગામો અને નગરો હેઠળ દટાયેલા હશે; પરન્તુ એની માહીતી માટે વધુ તપાસ અપેક્ષીત છે.10
બુદ્ધની પવીત્ર અસ્થી ધાતુનો દાબડો :
પીપળના પાનના ઘાટવાળા વલયોની વચ્ચે તથાગત બુદ્ધના પવીત્ર અસ્થી ધાતુનો દાબડો મુકવામાં આવ્યો હતો. આ દાબડાને માટીના ઘડાની વચ્ચે મુકીને ઈંટોની ફરશબંધી પર મુકવામાં આવ્યો હતો. પથ્થરનો, સાત ઈંચ વ્યાસ અને પાંચ ઈંચ ઉંચાઈનો આ દાબડો સંઘાડા પર ઉતારીને બનાવવામાં આવ્યો હતો. તેનું ઢાંકણુ, ઢાંકણાની ટોચ પરનો ગોળો અને દાબડાનો મુળ ભાગ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. એની ઉપર બે ફુટની ઉંચાઈએ પકવેલી માટીમાંથી બનાવેલી તથાગત બુદ્ધની પુર્વાભીમુખ પ્રતીમા હતી. આ દાબડો સ્તુપના પાયાથી 25’ 7’ની ઉંચાઈએ અને અંડાકાર ભાગની ટોચથી 13’ની નીચાઈ એ તથા અંડભાગના પાયાથી એક ફુટની ઉંચાઈએ મુકેલો હતો. દાબડાઓનો ચોથો ભાગ, ઢાંકણું અને ઢાંકણાને પકડવાનો દટ્ટો અલગ અલગ બનાવ્યા છે.11
પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી, ધાતુના ટુકડા અને એક મણકો હતો. દાબડીમાં તથાગત બુદ્ધના પવીત્ર અસ્થીધાતુ સોનાની શીશી, રેશમી વસ્ત્રની બે કોથળીઓ, ચંદનના બળેલા કટકા વગેરે હતા. બૌદ્ધ પ્રણાલીકામાં ‘દશબલ’ એ બુદ્ધનું વીશેષણ છે. આથી આ દશબલના ‘પવીત્ર અસ્થી’ તરીકે ઓળખાય છે. આ દાબડામાં દશબલના શરીરાવશેષો સાચવીને તેની ઉપર ઈ.સ. 205માં કલાના ઉત્તમ નમુનારુપ સ્તુપ બાંધવામાં આવ્યો હતો. આ સ્તુપ આ રીતે જોતા શરીરસ્તુપ છે. અને તેથી ખુબ મહત્ત્વનો છે.12 સ્તુપની ઉત્તરે પથ્થર અને ઈંટોથી બાંધેલી એક મોટી ભીંત હતી. તે ભીંત આ આખીયે બૌદ્ધ સ્થાપત્યનું મેશ્વોની રેલથી રક્ષણ કરતી હતી. તે સ્તુપની ઉત્તરેથી શરુ થઈ છેક નૈઋત્ય ખુણા સુધી પહોંચતી.
આખાયે ઢાંકણા પર, બહાર બાજુ પર અને અંદરના ભાગ પર ઈ.સ.ની શરુઆતની સદીઓમાં વપરાતી બ્રાહ્મી લીપી ‘પાલી ભાષા’માં “નીદાનસુત્ર” અથવા “પ્રતીત્ય સમુત્પાદ” બૌદ્ધધર્મનો પ્રસીધ્ધ સીદ્ધાંત કોતરેલો છે.13 આ સુત્ર બીજા સ્તુપોમાંથી પણ મળી આવ્યું છે. બાર નીદાનોની ઉત્પત્તી અને નીરોધની વાત એમાં દર્શાવી છે.
(આ લેખનો બીજો/અંતીમ ભાગ 8 મે, 2023ને સોમવારે બપોરે પ્રગટ કરીશ. તે વાંચવાનું ચુકશો નહીં. ધન્યવાદ... –ગો.મારુ)
સંદર્ભો – Reference:
(1) મુળ ઈરાની ‘દારયવદુષ’ ગ્રીક પરથી અંગ્રેજી Darius (2) Raychaudhri – Political History of Ancient India P. 310 (3) D. C. Sicar – The Saka Satraps of Western India P. 180 (4) આર. એન. મહેતા અને ચૌધરી લીખીત ‘એક પ્રાચીન બૌદ્ધ વીહાર’ લેખ “કુમાર” સામયીકનો અંક 471 પૃ. 93 અને R. N. Mehta and S. N. Chowdhary – Journal of the Orient Institute Baroda – Vol XII December 1962 P 173–176 (5) M. S. Moray – History of Buddhism in Gujarat P. 32 (6) આર. એન. મહેતા અને ચૌધરી – એજન – પૃ. 13 (7) – એજન – (8) S. N. Chowdhary – Excavation of Buddhist Stup and Vihar Devni Mori P. 451 (9) – એજન – (10) – એજન – (11) રસેશ જમીનદાર – ક્ષત્રપકાલનું ગુજરાત – પૃ. 200 (12) ઉમાકાંત પી. શાહ ‘ગુજરાતમાં બૌદ્ધ ધર્મ’ પૃ. 290 (13) આર. એન. મહેતા અને ચૌધરી – એજન – પૃ. 98
નેશનલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઑફ બુદ્ધિસ્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરના નિયામકશ્રી ડૉ. જયવર્ધન હર્ષ લિખિત ‘ઉત્તર ગુજરાતમાં બૌદ્ધધર્મ’ પુસ્તકમાં પ્રગટ થયેલ ‘તથાગત બુદ્ધના અસ્થીધાતુની શોધ’ લેખમાંથી ટુંકાવીને; લેખકના, મૈત્રી પ્રકાશનના અને સૌજન્યથી સાભાર…
Picture courtesy: Unreveal the Buddhist World and RK STUDIOZ.
ડૉ. જયવર્ધન હર્ષ સાહેબના મિત્ર અને પડોશી શ્રી કનુભાઈ સુમરા સાહેબનો સમ્પર્ક કરીને મારા મીત્ર નરેન્દ્ર પ્રીયજને ‘ઉત્તર ગુજરાતમાં બૌદ્ધધર્મ’ પુસ્તક ‘અભીવ્યક્તી’ને મોકલ્યું. અમદાવાદના આ બન્ને મીત્રોનો અઢળક આભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણસ્થ ડૉ. જયવર્ધન હર્ષ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 5/05/2023
.
‘દેવની મોરી’ના પુરાતત્વીય અવશેષો અંગે ખૂબ સુંદર માહિતી
ધન્યવાદ
LikeLiked by 2 people