વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમનું સપનું છે કે ‘દેવની મોરી’ ખાતે “ભવ્ય બુદ્ધસ્મારક” બનાવવું. શું આપણી ડબલએન્જીન સરકાર મોદીસાહેબનું આ સપનું સાકાર કરશે? આવો આજે ‘દેવની મોરી’નો મહાસ્તુપ, બુદ્ધની પ્રતીમાઓ, ક્ષત્રપકાલીન સીક્કાઓ અને ક્ષત્રપ કાળમાં બૌદ્ધધર્મ વીશે જાણીએ…
મોદીસાહેબનું ‘દેવની મોરી’
સપનું સાકાર થશે?
– ડૉ. જયવર્ધન હર્ષ
(ગત લેખ ‘બૌદ્ધ સ્તુપો….આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે?’ https://govindmaru.com/2023/05/05/jayvardhan-harsh/ ના અનુસન્ધાનમાં.. )
‘દેવની મોરી’નો મહાસ્તુપ :
દીધનીકાયના મહાપરીનીર્વાણ સુત્ત14માં તથાગત બુદ્ધે તેમના શરીરાવશેષ પર માત્ર સ્તુપ બનાવવાની આજ્ઞા કરી હતી. આથી તેમના મહાપરીનીર્વાણ બાદ તેમના પવીત્ર અસ્થીધાતુ ઉપર 10 સ્તુપ બનાવવામાં આવ્યા હતા.15 સમ્રાટ અશોકે તેનું વીભાજન કરી 84000 સ્થળોએ સ્તુપ બનાવ્યાનો16 ઉલ્લેખ મળે છે. ‘દેવની મોરી’માં પહેલા વીહાર હતો. અને ત્યારબાદ અહીંયા મહાસ્તુપ બંધાયો હતો. તેનું બાંધકામ સંપુર્ણ ઈંટેરી છે. ઈ.સ. 205માં17 અગ્નીવર્મા અને સુદર્શન નામના બૌદ્ધભીક્ષુઓએ મુળ વીહારની ઉત્તરે બંધાવ્યો હતો. તેમાં તથાગત બુદ્ધના પવીત્ર અસ્થીધાતુને મુકવામાં આવ્યા હતા. ઉત્ખનન દરમ્યાન આ મહાસ્તુપ ભગ્નાવશેષ થયેલો મળી આવ્યો હોવાથી તેની બહારની રચના કેવી હશે તે નક્કી કરવા માટે પુરતા પુરાવા ઉપલબ્ધ નથી. તેથી તે માત્ર એક પ્રદક્ષીણા માર્ગ અને પીઠીકાવાળી રચના હતી તેની ઉપર બે પીઠીકાઓ હતી. આ તેમ જ બીજી કેટલીક હકીકતો સ્પષ્ટ થતી નથી. આજની પરીસ્થીતીમાં તેની નીચેની પીઠીકા, પ્રદક્ષીણા માર્ગ અને તેની ઉપરનો ગોખ, કુંભીવાળી બીજી પીઠીકાનો કેટલોક ભાગ સરળતાથી સમજાય છે. બાકીનો ઘણો ભાગ તુટી ગયો હોઈ સ્તુપની રચનાના ઘણા સવાલોના જવાબ આપી શકાય તેમ નથી; પણ સ્તુપનો ભાગ સુશોભીત કરવામાં આવ્યો હતો. એ તેના અવશેષો તથા આકૃતીઓ – અલંકરણ વગેરેથી સુશોભીત કરવામાં આવ્યો હતો. એમ. એસ. યુનીવર્સીટીના પુરાતત્વખાતાના વડા ડૉ. રમણલાલ મહેતા અને ડૉ. એસ. એન. ચૌધરી લખે છે કે ‘મહાસ્તુપો નીચેની પીઠીકાના મધ્યભાગે નાની થાંભલીઓ હતી. તેની કુંભી સ્તંભ અને શરા સુડોળ હોઈ શરા તો ખુબ સુશોભીત છે. એ સુશોભનો ગંધાર અને પાશ્ચાત્ય શૈલીની યાદ આપે છે. સ્તુપની દરેક બાજુએ આવી થાંભલીઓ હતી તે પૈકી દક્ષીણ બાજુએ દશ થાંભલી હોવાના પુરાવા છે. પશ્ચીમ બાજુ પર પણ આવા પુરાવા છે; પરન્તુ સ્તુપના ખુણા તુટી ગયા છે. જો તુટેલા ખુણા પર બે બાજુ પરથી જોઈ શકાય એવી થાંભલીની કલ્પના કરવામાં આવે તો સ્તુપની નીચેની પીઠીકા બાર થાંભલીવાળી હતી એમ કહી શકાય. આ મનોરમ શરાવાળી કુંભીઓ ભીંતને વીભક્ત કરીને તેજ છાયાને બળે સ્તુપને વધુ રમણીય બનાવતી અને પ્રથમ પીઠીકાની કેવાલતો સ્તુપના સૌંદર્યમાં ખુબ વધારો કરતી. આ કેવાલને સુશોભીત કરવા માટે ત્રણ પ્રકારના સુશોભનો વાપર્યા છે.’
સૌથી નીચેનું સુશોભન નાના ચોરસોનું છે. આ ચોરસોમાં એક કોતરેલો અને એક કોતર્યા વગરનો હોઈ વીશાળ પાયા પર આ તદ્દન સાદો જણાતો ઘાટ સુંદર લાગે છે. આ સમતલ ઘાટ પર સુશોભનોનો બીજો ઘાટ વેલભાતનો છે. મોટા પાંદડા અને વચ્ચે ગોળાવાળી આ મનોરમ વેલનું ઉદ્ભવ સ્થાન પણ પાશ્ચાત્ય હોવાનું અનુમાન થઈ શકે એમ છે. પ્રથમ સુશોભન કરતાં તે સહેજ આગળ આવતું સુશોભન છે. તેની ઉપર ત્રીજુ સુશોભન ટોડલાનું છે. હારબંધ મુકેલા આ ટોડલાઓ પ્રથમ બન્ને સુશોભનો કરતાં વધારે આગળ આવીને સુશોભીત કેવાલને ઐક્ય બક્ષે છે. આ ત્રણેય સુશોભનો ઈંટોના બનાવેલા છે. માત્ર ગણતરી ખાતર કહીએ તો આ ત્રણ સુશોભનોની પટ્ટી લાંબી મુકવામાં આવે તો તે 1032 ફુટ એટલે કે આશરે દોઢ ફલાંગ લાંબી થાય.18
આ સ્તુપને ત્રણ ભાગમાં વહેંચી શકાય. નીચલી પીઠીકા, ઉપલી પીઠીકા અને અંડાકાર ભાગ. નીચલી પીઠીકા સમચોરસ છે. કેવાલને મથાળેથી પ્રથમ પીઠીકા ઉપર પ્રદક્ષીણા પથ છે. પ્રદક્ષીણા પથ ઉપર જવાના પગથીયા નથી પણ એક અનુમાન એ થાય છે કે કદાચ પુર્વ બાજુ હોય.
સ્તુપનો સૌથી રમણીયભાગ એ તેની બીજી પીઠીકા હતી. તેનો ઘણો ખરો ભાગ તુટી ગયો છે; પણ બચેલા અવશેષો પરથી તેનો અંદાજ આવી શકે છે. આ પીઠીકાના કુંભાની ઉપર સ્તુપના કટીભાગ ઉપર દરેક બાજુએ ગોખ મુકવામાં આવ્યો હતો આ ગોખને સુંદર કુંભી, સ્તંભો અને કમાનોથી અલંકૃત કરવામાં આવ્યો હતો. આમાં જુદી જુદી ભાતમાં અલંકરણો (motifs) હતા.19
આ મનોહર ગોખની આજુબાજુની જગ્યામાં પ્રથમ પીઠીકા જેવી થાંભલીઓ અને તેની વચ્ચે ચૈત્યગવાક્ષોના સુશોભનોની અંદર બૌદ્ધ પ્રતીમાઓ સ્થાપવામાં આવી હતી. આ સુશોભનની રમણીયતામાં વધારો કરવા ચોરસ સુશોભીત ઈંટો વપરાતી અને તેના ઉપર સાદા ચોરસ, શંખ, ગ્રાસ, પાન, ઈત્યાદીની ભાત તથા આકૃતીઓ કંડારેલી છે. પ્રત્યેક ગોખની મધ્યમાં માટીની બનાવેલી, માટીના ફલકની પશ્ચાદ્ભુ ઉપર ઉપસાવેલી કંડારેલી બુદ્ધની ધ્યાનસ્થ મુર્તીઓ બીરાજેલી હતી. જેથી સ્તુપની પ્રદક્ષીણા કરવા માટે પ્રદક્ષીણા પથ ઉપર ફરતા ફરતા ઉપાસકો તેમ જ શ્રાવકોની દૃષ્ટી, જ્ઞાન, અનુકંપા અને કારુણ્યના પ્રભાવનીધી એવા સમ્યક સંબુદ્ધ તથાગતના ચરણકમળ પર રહે અને તેમના ઉપર સમ્યક સંબુદ્ધ દશબલ શાક્ય મુનીની મુદીત કરુણાયુક્ત દૃષ્ટી પડે. આ પીઠીકામાં પણ દરેક બાજુએ 10 અર્ધસ્તંભો વડે 9 ગોખલામાં ચંદ્રકવાળી ચૈત્યકમાન કોતરેલી છે આ પીઠીકાની દરેક બાજુ દશ અર્ધસ્તંભો છે દરેક બાજુએ નવ ગોખલા અને તેમાં બુદ્ધની મુર્તીઓ હોઈ ચારે તરફની કુલ મુર્તીઓ 20 હોવાનું જણાય છે.20
આ મહાસ્તુપની રચનાનો ત્રીજો ભાગ તેની ઉપરનો અર્ધગોળ અંડ છે. એ બહારથી વર્તુળાકાર દેખાય છે; પરન્તુ તેનો ઘણો ભાગ તુટી ગયેલો હોવાથી તેનો મુળ દેખાવ કેવો હશે તે સ્પષ્ટ થતું નથી. સ્તુપની ઉપરની હર્મીકા અને છત્રયષ્ટી તદ્દન નાશ પામ્યા છે. તેના કોઈ અવશેષ મળ્યા નથી; પરન્તુ સ્તુપની અંદરની બાંધણી અણીશુદ્ધ રહી છે. સ્તુપના કેન્દ્ર ઉપર એક ચોરસ રચના કરીને તેની ચારે બાજુ વલયો બનાવ્યા છે એટલે કે ઈંટો એ રીતે ચણાય છે. આ વલયોની બાજુઓ પહોળી અને એક બાજુ અણીયારી બનાવીને તેને પીપળના પાનનો ઘાટ આપવામાં આવતો. આવા પીપળના પાનના ઘાટવાળા વલયોની વચ્ચે આ સ્તુપ જેના અંગે બંધાયો તે બુદ્ધના શરીરાવશેષનું પાત્ર અથવા દાબડો મુકવામાં આવ્યો હતો.21
બુદ્ધની પ્રતીમાઓ22 :
સ્તુપના કટીભાગ પરના મનોહર ગોખની આજુબાજુની જગ્યામાં પ્રથમ પીઠીકા જેવી થાંભલીઓ અને એની વચ્ચે ચૈત્ય–ગવાક્ષોના સુશોભનોની અંદર બુદ્ધની પ્રતીમાઓ સ્થાપવામાં આવી હતી. સ્તંભના ચણતર વડે ઉભા કરેલા ગોખમાં બુદ્ધની ધ્યાનસ્થ મુર્તીઓ સ્થાપેલી હતી. ચારે તરફથી બધી મળી કુલ 20 પ્રતીમાઓ હોવાનું જણાય છે. પ્રતીમાની ઉંચાઈ 2’ અને પહોળાઈ 13” છે. 2.5”થી 3” ઉંચી માટીની બેઠક પર આ મુર્તીઓ બેસાડેલી છે. આ પ્રતીમાની વેશભુષા તથા મુખાકૃતીની રચના ગંધાર શૈલીની છે. અહીંયા અન્ય સુશોભનો પણ આ શૈલીના છે.
આ પ્રતીમાઓ દુરથી એકસરખી લાગે છે પણ સુક્ષ્મ અવલોકન કરતાં જણાશે કે વસ્ત્રો, આસનો તેમ જ દેહપુષ્ટીનું વૈવીધ્ય કલાકારોએ રજુ કર્યું છે. તથાગત બુદ્ધનું ઉતરીય કેટલીક પ્રતીમાઓમાં બેઉ ખભા અને હાથ ઢાંકીને અંગ ઉપર ઓઢેલું છે. જ્યારે કેટલીકમાં જમણો હાથ તથા ખભો ખુલ્લા છે. ઉત્તરીય ઓઢ્યા પછી એના જે વળ (વલ્લી Folds) પડે તે જુદી જુદી મુર્તીઓમાં જુદી જુદી રીતે બતાવ્યા છે. કેટલીકમાં ઉત્ક્ષણ રેખા વડે કોઈમાં ઉપસાવેલી રેખા વડે મસ્તક ઉપરના કેશ દક્ષીણાવર્ત નાના ગુંચળામાં બતાવ્યા છે. અથવા કેટલીક પ્રતીમામાં ઉભા ઓળેલા છે. મુખાકૃતી પણ જુદી જુદી છે. કેટલીક પ્રતીમાઓ ગુપ્ત યુગની સુંદર બુદ્ધ પ્રતીમાઓની યાદ આપે છે. કેટલીક મથુરાની કૃષાણકાળની ત્રીજા સૈકા આસપાસની પ્રતીમાઓની યાદ આપે છે.23
Video credit: Youtube.com
પ્રત્યેક ગોખની મધ્યમાં માટીની બનાવેલી, માટીના ફ્લકની પશ્વાદ્રાભુ ઉપર ઉપસાવેલી બુદ્ધની ધ્યાનસ્થ મુર્તીઓ છે. જેથી સ્તુપના પ્રદક્ષીણાપથ ઉપર ફરતા ફરતા ઉપાસકો તેમ જ શ્રમણોની દૃષ્ટી જ્ઞાન અનુકંપા અને કારુણ્યના પ્રભાવનીધી એવા સમ્યક્ સંબુદ્ધ દશબલ શાક્ય મુનીની મુદીત કરુણાયુક્ત દૃષ્ટી પડે.24 ‘દેવની મોરી’ના સ્તુપના અવશેષો તો ભારતીય કલાના ઈતીહાસમાં એક નવો દૃષ્ટીકોણ રજુ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
ક્ષત્રપકાલીન સીક્કાઓ :
શ્રી એમ. એસ. મોરે25 લખે છે કે ‘દેવની મોરી’માંથી પ્રાપ્ત થયેલ ક્ષત્રપકાલીન રાજાઓના સીક્કામાં ચૈત્યની આકૃતી છે. બધા જ ક્ષત્રપકાલીન રાજાઓના સીક્કાઓ ચૈત્યની આકૃતી દર્શાવે છે કે તેઓ બૌદ્ધ ધર્મ પ્રતી શ્રદ્ધા ધરાવતા હતા.26 આ રાજાઓ નીચે મુજબના છે. જેમના સીક્કા ‘દેવની મોરી’માંથી મળ્યા છે.
1. મહાક્ષત્રપ સુદ્રસેન 1લો (203 – 220 ઈ.સ.), 2. મહાક્ષત્રપ રુદ્રસેન 2જો (258 – 270 ઈ.સ.), 3. રાજનહક્ષત્રપ વીરદામાનો પુત્ર, 4. ક્ષત્રપ ભર્તૃદામા, 5. મહાક્ષત્રપ રુદ્રસેનપુત્ર, 6. મહાક્ષત્રપ રુદ્રદામા, 7. મહાક્ષત્રપ વીશ્વસેન, 8. મહાક્ષત્રપ ભાતૃદામાનો પુત્ર, 9. ક્ષત્રય વીશ્વસેન 2જો, 10. સ્વામી જીવદામાપુત્ર ક્ષત્રપ રુદ્રસીંહ, 11. યશોદામા 2જો રુદ્રસીંહ બીજાનો પુત્ર અને 12. મહાક્ષત્રપ રુદ્રસેન ત્રીજો (348 – 378 ઈ.સ.)
‘દેવની મોરી’ માંથી 69 સીક્કાઓ મળ્યા છે. જેમાં 59 સીક્કાઓ ચાંદીના, 4 તાંબા ઉપર ચાંદીનો ઢોળ ચડાવેલા, 2 સીક્કા તાંબાના અને 4 સીક્કાઓ સીસાના છે. મોટા ભાગનાં (59) સીક્કાઓ ક્ષત્રપ વંશના (ઈ.સ. 100થી ઈ.સ. 400)ના છે. આ બધામાં ચૈત્યની આકૃતી છે. કેટલાક વીદ્વાનો ચૈત્ય નહીં પણ ત્રીકુટ પર્વત છે તેવું જણાવે છે. પર્વતના પ્રતીકને રેટસને ચૈત્ય તરીકે ઓળખાવેલું છે. આંધ્રના રાજાઓના સીક્કા ઉપર સામાન્ય રીતે આ પ્રતીક યોજાયેલું હોઈ ક્ષત્રપોએ પણ એમનું અનુકરણ કર્યું હોવાનો એમનો મત ઠીક ઠીક સમય સુધી પ્રચલીત રહ્યો.27 એલેકઝાન્ડર કલીંગહામે સૌ પ્રથમવાર સુચવ્યું કે આ ચીન્હ પર્વતનું છે.28 ભગવાન લાલ ઈંદ્રજીએ29 શ્રી ડી. આર. ભંડારકરે પણ આ સુચન સ્વીકાર્યું. માત્ર સામાન્ય પર્વતના પ્રતીક તરીકે30 પર્વત પ્રતીક નીશ્ચીત બન્યું છે.
પાલી ગ્રંથોમાં ચાંદીના સીક્કાને કાર્ષાપણ કહ્યા છે.31 कर्ष અને पण એ બે શબ્દોથી બનેલો कार्षापण છે. कर्ष એક પ્રકારનું વજન છે. તેથી कर्षના વજનનો સીક્કો कार्षापण વીનયપીટકની સંમતપ્રાસાદીકા ટીકામાં માલવ અને સૌરાષ્ટ્રના ચાંદીના સીક્કાને રુદ્રદામક તરીકે ઓળખાવ્યા છે. જેનું વજન જુના કાર્ષાપણથી ૩/૪ હતું.32 અન્ય બૌદ્ધ ગ્રંથોમાં પણ રુદ્રદામક, રુદ્રદામીકાદી, રુદ્રદામકાદીની જેવા રુપ જોવા મળે છે. ‘સારત્થદીપની’માં રુદ્રદામેણ ઉપ્પાદીતો એવી વ્યાખ્યા પણ રુદ્રદામકન્ત છે.33 વીસુદ્ધી મગ્ગ (ઈ.સ. 5મી સદીનો આરંભકાળ)માં એક સ્થળે બુદ્ધધોષે વીવીધ આકારના સીક્કાઓની વાત કરે છે. જેમાં પરીમંડળ (ગોળ) સીક્કાઓ પણ છે.34
ક્ષત્રપ કાળમાં બૌદ્ધધર્મ :
સ્તુપ તથા બુદ્ધની પ્રતીમાઓની આલેખનશૈલીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના ક્ષત્રપોના શાસન દરમ્યાન ખાસ કરીને ચોથી સદી દરમ્યાન મુર્તી–વીધાનની કલા–કારીગરી ઉત્તમ રીતે વીકાસ પામી હતી. સુંદરતા અને કોતરણીની દૃષ્ટીએ આ બધા શીલ્પો ઉત્કૃષ્ટ જણાય છે. ચોથી સદીના ઉત્તરાર્ધમાં તો એટલી પુર્ણતા પામી ચુકી હતી કે એ કલાના લક્ષણોને ‘પશ્ચીમ ભારતની શૈલી’ તરીકે ઓળખાવી શકાય.
ઉત્તર ગુજરાતમાં ‘દેવની મોરી’ના વીહાર–સ્તુપો–બુદ્ધની પ્રતીમાઓ, અસ્થીધાતુનું પાત્ર (દાબડો)ની શોધ થવાથી ઈ.સ.ની પ્રથમ સદીથી ચોથી સદી સુધી બૌદ્ધ ધર્મ અહીંયા પ્રજાધર્મ બન્યો હતો. રાજા અને પ્રજા બન્નેમાં બૌદ્ધધર્મ પ્રતી શ્રદ્ધા હતી. ‘દેવની મોરી’ના પુરાતત્વીય અવશેષો શામળાજી મેશ્વોનદી કીનારે બંધની નજીક મ્યુઝીયમ બનાવી તેમાં મુકવામાં આવે તો ઉત્તર ગુજરાતના પ્રાચીન બૌદ્ધ સ્થાપત્ય વીશે પ્રચાર થઈ શકે.
(‘બુદ્ધની અસ્થી ધાતુનો દાબડા’ની ઉપર કોતરેલી ગાથાઓ અને તેનો અર્થ 960 શબ્દોમાં છે. જો વાચકમીત્રોને તે જાણવામાં રસ હોવા અંગેના પ્રતીભાવો મને મળશે તો જ તે ગાથાઓની પોસ્ટ મુકવાનો હું પરીશ્રમ કરીશ. …ગો.મારુ)
સંદર્ભો – Reference:
(14) राहुल सांकृत्यायन दीधनिकाय पृ. 141, (15) – એજન – પૃ. 151, (16) આર. એન. મહેતા અને ચૌધરી – એજન – પૃ. 95, (17) ડૉ. હરીપ્રસાદ ગં. શાસ્ત્રી – ગુજરાતીનો પ્રાચીન ઈતીહાસ – પૃ. 78, (18) – એજન – પૃ. 95, (19) ઉમાકાંત પી. શાહ ‘ગુજરાતમાં બૌદ્ધ ધર્મ’ પૃ. 288, (20) રસેશ જમીનદાર – ક્ષત્રપકાલનું ગુજરાત – પૃ. 200, (21) આર. એન. મહેતા અને ચૌધરી – એજન – પૃ. 96, (22) રસેશ જમીનદાર – ક્ષત્રપકાલનું ગુજરાત – પૃ. 209, (23) ડૉ. હરીપ્રસાદ ગં. શાસ્ત્રી – ભારતનું બૌદ્ધ સ્થાપત્ય પૃ. 2, (24) રસીકલાલ છો. પરીખ – ડૉ. હ. ગ. શાસ્ત્રી – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતીક ઈતીહાસ ગ્રંથ–2 પૃ. 385, (25) M. S. Moray – History of Buddhism in Gujarat P. 64, (26) Excavation of Devnimori – M. S. University, Baroda 1780 P. 104, (27) કેટલોગ 92 અને 100 – ભારતીય સીક્કા પૃ. 104–105, (28) ન્યુમીસ્મેટીક કોનીકલ પૃ. 13 અને પૃ. 188, (29) ગેઝેટીયર્સ ઑફ ધ બોમ્બે પ્રેસીડન્સી ભાગ–1 પૃ. 30, (30) આર્કીયોલૉજીકલ સર્વે ઑફ ઈન્ડીયા રીપોર્ટ – પૃ. 197 ભા. સી. પૃ. 14–16, (31) – એજન – પૃ. 197, (32) – એજન – પૃ. 198, (33) રસેશ જમીનદાર – ક્ષત્રયકાલનું ગુજરાત – પૃ. 158, (34) Law B. C. History of Pali Litereture Vol. II P. 377.
– ડૉ. જયવર્ધન હર્ષ
નેશનલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઑફ બુદ્ધિસ્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરના નિયામકશ્રી ડૉ. જયવર્ધન હર્ષ લિખિત ‘ઉત્તર ગુજરાતમાં બૌદ્ધધર્મ’ પુસ્તકમાં પ્રગટ થયેલ ‘તથાગત બુદ્ધના અસ્થીધાતુની શોધ’ લેખમાંથી ટુંકાવીને; લેખકના, મૈત્રી પ્રકાશનના અને સૌજન્યથી સાભાર…
Image credit: Gujarat tourism and Google Images.
ડૉ. જયવર્ધન હર્ષ સાહેબના મિત્ર અને પડોશી શ્રી કનુભાઈ સુમરા સાહેબનો સમ્પર્ક કરીને મારા મીત્ર નરેન્દ્ર પ્રીયજને ‘ઉત્તર ગુજરાતમાં બૌદ્ધધર્મ’ પુસ્તક ‘અભીવ્યક્તી’ને મોકલ્યું. અમદાવાદના આ બન્ને મીત્રોનો અઢળક આભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણસ્થ ડૉ. જયવર્ધન હર્ષ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 8/05/2023
Very interesting & informative article 👍
LikeLiked by 1 person
.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમનું સપનું છે કે ‘દેવની મોરી’ ખાતે “ભવ્ય બુદ્ધસ્મારક” બનાવવું.
અમને શ્રધ્ધા છે કે આ સુંદર સ્વપ્ન જરુર સાકાર થશે
LikeLiked by 1 person
‘દેવની મોરી’ ખાતે “ભવ્ય બુદ્ધસ્મારક” બનાવવાનું આ સુંદર સ્વપ્ન જરુર સાકાર થશે.
LikeLiked by 1 person