કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  

સારવાર ભલે ડૉક્ટરે કરી પણ જીવ તો ભગવાને બચાવી લીધો એવું કહેનારાં લોકો શ્રદ્ધાળુ કહેવાય કે નગુણા?

કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં
હૉસ્પિટલની વધુ જરૂર છે?  

– વર્ષા પાઠક

એવું કહેવાય છે કે સુખમાં સાંભરે સોની, ને દુઃખમાં સાંભરે રામ.

પણ કપરા કૉવીડકાળમાંથી પસાર થઈ ગયા બાદ એવું કહી શકાય કે દુઃખમાં સાંભરે ડૉક્ટર અને સુખમાં સાંભરે રામ. યાદ છે જયારે કોરોના વાયરસે સપાટો બોલાવ્યો અને મયખાનાથી માંડીને મન્દીરોના દરવાજા પણ બંધ થઈ ગયેલા, ત્યારે આપણે સહુ કોને શરણે ગયેલાં અને શું કહેતાં હતાં? રાતદીવસ જોયા વીના ખુદના જીવની પરવા કર્યા વીના કામે લાગી ગયેલાં ડૉક્ટરોમાં આપણને ત્યારે સાક્ષાત ભગવાનના અને હૉસ્પીટલોમાં મન્દીરના દર્શન થવા માંડેલા. અનેક લોકોએ ત્યારે કહેલું, લખેલું કે મન્દીરોને બદલે વધુ હૉસ્પીટલો અને પ્રાથમીક આરોગ્યકેન્દ્રો બનવા જોઈએ, દાન આપવું હોય તો હૉસ્પીટલોને આપવું જોઈએ, ડૉક્ટરો અને નર્સીંગ સ્ટાફની કદર થવી જોઈએ વગેરે વગેરે.

પણ રાત ગઈ ને બાત ગઈ. કોરોનાનો ડર ઓછો થતાની સાથે આપણે હતાં ત્યાંને ત્યાં. માંદગીમાંથી ઉગરી ગયેલાં લોકોએ ડૉક્ટરને ભુલીને ભગવાનને યશ આપ્યો. રોગચાળા વખતે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા કથીત ધર્મરક્ષકો પાછા મેદાનમાં આવી ગયા. વધુને વધુ ધર્મસ્થાનો બાંધવાની અને જુના સ્થાનકોનો ખર્ચાળ જીર્ણોદ્ધાર કરવાની જાણે હરીફાઈ ચાલી નીકળી. હૉસ્પીટલ બાંધવાની કે ગરીબની સારવાર માટે મદદ કરવાની વાતોનું બાષ્પીભવન થઈ ગયું. મોટા મન્દીરો અને એથીયે આગળ જઈએ તો ભગવાનના દર્શન માટે મન્દીરે પણ ન જવું પડે એટલે ખુલ્લામાં એવી પ્રતીમાઓ બનવા લાગી કે દુરદુરથી જોઈ શકાય. ઉંચાઈ ઈઝ ઈમ્પોર્ટન્ટ. અને એ પણ પાછી ઝળહળવી જોઈએ. ત્યાં લાલ, કાળા કે સફેદ પથ્થર ન ચાલે. આપણાં ગૉડ માટે ગોલ્ડથી ઓછું કંઈ ન ખપે. ભગવાન શીવ ભલે કૈલાસની ટોચે અડધા ઉઘાડા શરીરે માત્ર ભસ્મ ચોળીને બીરાજે; પણ એમને ધરતી પર ઉતારવા હોય તો સોનાનો સુટ પહેરાવવો જરુરી છે. આપણા દેશને ગરીબ, કંગાળ કહેતાં બહારના લોકોને પણ ખબર પડવી જોઈએ કે અમે તો ભગવાનને પણ સોનાથી મઢી શકીએ છીએ. અને વડાપ્રધાન પણ કંઈ નાનાસુના મન્દીરની મુલાકાતે થોડા જવાના?

અને આવા પ્રોજેક્ટ ચાલતા હોય ત્યારે એક વાત ફરીફરીને કહેવાય કે, આ ભવ્ય નીર્માણ માટે સામાન્ય લોકોએ સહયોગ આપ્યો છે. અને આ સાચું પણ હશે. કારણ સીધું છે. આપણાં દીમાગમાં ફીટ કરી દેવાયું છે કે પુણ્ય કમાઈને સ્વર્ગે જવાનો આ સહુથી સીધો રસ્તો છે. ધર્મસ્થાનકો અને ઉંચા ઉંચા પુતળાં બાંધવા માટે આ સામાન્યજન એની હેસીયત મુજબ પૈસા આપે એટલે એનું ચેરીટી બજેટ ખલ્લાસ. હૉસ્પીટલ બાંધવા માટે, અરે કોઈ ગરીબની સારવાર માટે મદદ કરી શકાય એટલા પૈસા બચે જ નહીં. અને ડૉક્ટરોને તો ભુલી જ જાવ. ઓછા પગારે, ઓછા સાધને લોકોની સારવાર કરતા ડૉક્ટરોને ભલે કોરોનાકાળમાં ફુલ વરસાવીને, ભગવાનના સ્થાને બેસાડી દીધેલાં; પણ હવે એ લોકો પોતાની માંગણી સાથે મોરચા કાઢે, હડતાલ પર જાય, અરે એવી ધમકી પણ આપે તો લોકોની નજરે હીરોમાંથી સીધા વીલન બની જાય. ભવ્ય ધર્મસ્થાનકો અને પ્રતીમાઓની સુરક્ષા માટે કડક સીક્યુરીટીની વ્યવસ્થા હોય છે; પરન્તુ હૉસ્પીટલમાં દાખલ કરાયેલા પેશન્ટને કંઈ થઈ જાય તો એના સગાંસંબંધીઓ ડૉક્ટરને ટીપી નાખે, એવા કીસ્સા વારંવાર બને છે. સરકારી હૉસ્પીટલમાં કામ કરતા અને સતત આવા ટેંશનમાં રહેતા ડૉક્ટરો એમની સુરક્ષા માટે માંગણી કરતાં રહે છે. પણ સરકાર, મ્યુનીસીપલ કોર્પોરેશન કે હૉસ્પીટલના સંચાલકો હેલ્થકેર માટે જે બજેટ બનાવે એમાં સ્ટાફને સલામત રાખવા માટેનો ખર્ચ ફીટ નહીં થતો હોય. દર્દીની યોગ્ય સારવાર માટે જરુરી ગણાય એવા સાધનો અને મશીન ખરાબ થઈ જાય, તો એ પણ રીપેર નથી થતાં. કારણ એક જ હોય– પૈસા નથી. અને કૉવીડ વખતે જે લોકોએ હૉસ્પીટલોને નાનામોટા ડૉનેશન આપવાની વાતો કરેલી એ તો પાછાં ધર્મસ્થાનકો માટે પૈસા આપવા ઉઘરાવવામાં વ્યસ્ત થઈ ગયાં.

અને બીજી વાત– ધાર્મીક સ્થળના નીર્માણ કે જીર્ણોદ્ધાર માટે જે લોકો મોટો ફાળો આપે, એના નામની તકતી ત્યાં મુકાય છે. અરે, કોના હાથે ઉદ્ઘાટન થયું, એ પણ મોટા અક્ષરે લખાય છે; પરન્તુ કૉવીડકાળમાં અનેક ડૉક્ટરો દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે મોતના મુખમાં ધકેલાઈ ગયાં, એમાંથી કોઈનું પણ નામ હૉસ્પીટલની દીવાલ પર વાંચ્યું છે? કોઈને શહીદ તરીકેનો મરણોત્તર અવોર્ડ અપાયો છે? એ ડૉક્ટરના હાથે સાજા થયેલા દર્દીઓમાંથી એકેય જણ એ મૃતકના પરીવારને સાંત્વના આપવા પણ ગયું છે? ત્યાં તો એવું કહેવાનું કે ડૉક્ટરે એની ફરજ બજાવી અને હૉસ્પીટલ, સરકારે એના ફેમીલીને વળતર આપી જ દીધું હશે. વળી સારવાર ડૉક્ટરે કરી પણ આખરે બચાવી લીધાં તો ભગવાને. ચાલો મન્દીરે ભેટ ધરાવવા.

છેલ્લે એટલું કહેવાનું કે તમારા પૈસા ગમે ત્યાં વાપરવાનો તમને અધીકાર છે. પણ તો એટલું સ્વીકારી લો કે કૉવીડકાળ દરમ્યાન ધર્મસ્થાનોને બદલે હૉસ્પીટલો બનાવવાની જે વાતો કરેલી એ માત્ર ગુબ્બારા હતા. અને હા, દુર ગામડામાં હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સ કે પૈસાના અભાવે ગર્ભવતી પત્નીને રેંકડી પર સુવાડીને દસબાર કીલોમીટર દુર આવેલી હૉસ્પીટલ ભણી દોડી રહેલા પતી કે મૃત બાળકને હાથમાં ઉંચકીને હૉસ્પીટલથી ઘેર જઈ રહેલા ગરીબનો વીડીયો જોઈને અરેરાટી નહીં બોલાવતા કે ફોરવર્ડ નહીં કરતા.

– વર્ષા પાઠક

સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકનું ‘ફેસબુક પેજ’ અને ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આપણી વાત’ (તા. 15 માર્ચ, 2018)માંથી.. લેખીકા બહેન, ‘ફેસબુક’ અને  ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

Image credit: Internet Images.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/04/2023

9 Comments

  1. ‘કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?’ પોસ્ટને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

 1. “અને વડાપ્રધાન પણ કંઈ નાનાસુના મન્દીરની મુલાકાતે થોડા જવાના?”
  અને માનનીય વડાપ્રધાન કંઈ નાની અમથી મુર્તીને થોડા જ પગે લાગે, એમને માટે તો બહુ જ ધાર્મીક હોવાના પ્રમાણ તરીકે ગગનચુંબી મુર્તી જોઈએ.
  ખુબ સુંદર લેખ, પણ આપણા લોકોની આંખ કદી કોઈ લેખ ખોલી શકે તેમ લાગતું નથી.

  Liked by 2 people

 2. માનવીની પ્રકૃતિ તો ઢાળ મળે ત્યાં ઢળી જાય એવી છે. જ્યારે જ્યાં જેની જરૂર પડે ત્યારે તેને ઊંચા આસને બેસાડી દેતાં જરાય વાર નથી લગાડતો.

  Liked by 2 people

 3. Hospitals,clinics and dispensaries are modern mandirs(temples). also please don’t forget the schools,libraries and educational institutes. Timely reminder and need!

  Liked by 2 people

 4. જવાહરલાલ નહેરુ એટલા માટેજ મંદિર જતા નહતા. જેથી કરીને પ્રજા અંધશ્રધાળું ન બને. અને આજે તેથી જ નહેરુ ને ગાળો આપનાર અંધ ભક્તો ની સંખ્યા વધુ છે.

  Liked by 1 person

 5. સત્ય તો એ છે કે પરદેશ માં એટલે ઉત્તર અમેંરિકા તથા યુરોપ માં પણ ધાર્મિક સ્થાનો એટલે મંદિરો અને મસ્જિદો બનાવવા માટે આંધળી દોટ લાગેલી છે. પ્રજા ના પૈસે આવા ધર્મસ્થાનો બનાવી ને પછી એના પાર કબ્જો કરી લઈ ને જીવન ભર પ્રજા ના પૈસે ( દાન અને ડોનેશન ) થકી પોતાનું જીવન વિતાવવું એ એક ધંધો બની ગયું છે.

  Liked by 2 people

 6. મન્દિર,હૉસ્પિટલ, શાળા,લાયબ્રેરી,સારા રહેઠાણો,ખોરાક,પાણી બધાની જરૂર છે.
  વધુ જરુર છે સત્ય અસત્યને જુદા જુદા કરીને દેખાડનારી આંખો -સમ્યગ દર્શન.
  જાણીતા નાણા નિષ્ણાત ડો અંકીત શાહ ડી-ડોલરાઇઝેશન: વૈશ્વિક અનામત ચલણનો દરજ્જો પ્રાપ્ત કરવાની દોડમા મંદીરની જરુરીઆત વિષે વિગતે સમજાવ્યું છે.

  Liked by 1 person

 7. This kind of belief of the people cannot be changed. This has been buried in their blood. They will not give credit to physical presence but give credit to nonexistent things. they don’t mind giving money to temples but reluctant to donate money for health-related or education facilities.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s