યજ્ઞશાસ્ત્રીઓ

રામાયણ, મહાભારત તથા વેદસંસ્કૃતી તેની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્યારે ભારતમાં ભયંકર દુકાળો પડ્યા હતા, અસંખ્ય યુદ્ધો થયાં હતા. તો તે સમયે યજ્ઞવીદ્યા જાણનારા અનેક ઋષીમુનીઓ, પુરોહીતો હોવા છતાં યજ્ઞથી વરસાદ વરસાવી દુકાળો અટકાવી કેમ ન શક્યા? જો યજ્ઞથી શાંતી સ્થાપી શકાતી હોત, યુદ્ધો ટાળી શકાતાં હોત તો તે સમયે કેમ અસંખ્ય યુદ્ધો થયાં?

યજ્ઞશાસ્ત્રીઓ

–લક્ષ્મીદાસ ખટાઉ

પ્રાચીન સમયમાં યજ્ઞનો કર્મકાંડ પણ કંઈ કલ્યાણકારી કર્મકાંડ ન હતો. રાજા–મહારાજાઓ યજ્ઞો કરાવતા. તે સમયે હીંદુઓ પણ બધા માંસાહારી હતા. યજ્ઞમાં પશુઓનું બલીદાન અપાતું, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો અને યજમાનો, મહેમાનો સોમરસ–માદક પ્રવાહીનું પાન કરતા. યજ્ઞમાં હોમવામાં આવતાં અનાજ–ઘીનો વ્યય થતો. યજ્ઞની અમુક વીધી તો અતી બીભત્સ હતી. આપણે સામ્રાજ્ય સ્થાપવા માટેનું પ્રથમ પગથીયું હતું. અશ્વમેધ યજ્ઞ એ તો સામ્રાજ્ય સ્થાપવા માટેનું પ્રથમ પગથીયું હતું. અશ્વમેધ યજ્ઞની વીધી પુરી થાય પછી યજ્ઞ કરાવનાર રાજા પોતાના થોડા સૈનીકો સાથે અશ્વમેધના અશ્વને છુટો મુકે. આ અશ્વ જે જે પ્રદેશમાંથી પસાર થાય ત્યાંનો રાજા, સામંત, જાગીરદાર કે ગામનો મુખી અશ્વને આવકાર આપીને રાજાની તે પ્રદેશ પર સર્વોપરીતા કબુલ કરે. જો કોઈ તેમ કરવા તૈયાર ન થાય તો યજ્ઞ કરાવનાર રાજા તે પ્રદેશ પર આક્રમણ કરીને તેનો કબજો લઈ લે.

હવે આ તો ભુતકાળની વાત થઈ ગઈ છે. તેને વાગોળવાની જરુર નથી. આજકાલ યજ્ઞો થાય છે. તેમાં પશુઓનું બલીદાન અપાતું નથી. સોમરસ પીવાતો નથી. બીભત્સ વીધી થતી નથી અને અશ્વમેધ પ્રકારના યજ્ઞો પણ થતા નથી. એ એક આવકારદાયક પરીવર્તન ગણાય; પણ તેથી આજકાલ થતા યજ્ઞોને પણ કલ્યાણકારી ગણી ન શકાય. જે રીતે ધર્મ, યોગનું વ્યાપારીકરણ થઈ ગયું છે, કમાણીનું સાધન બનાવી દેવામાં આવ્યું છે તેમ યજ્ઞ યોજનારાઓએ પણ યજ્ઞનું વેપારીકરણ કરી નાખ્યું છે અને પૈસા કમાઈ લે છે. અમદાવાદમાં યોજાયેલ લક્ષચંડી યજ્ઞમાં પોણા પાંચ લાખ કીલો શુદ્ધ ઘી તેમ જ સવા લાખ કીલો તલ, ચોખા અને જવની આહુતી અપાઈ. આવા તો વારંવાર અનેક યજ્ઞોનું આયોજન ભારતભરમાં થાય છે. જ્યારે દેશની 30–40 ટકા વસતી ગરીબી રેખાની નીચે જીવતી હોય, ગરીબોનાં બાળકને બે ટંક દુધ કે અનાજ પણ ના મળતું હોય, ગામડાંઓની શાળાઓમાં બ્લૅકબોર્ડ માટે પણ પૈસા ન હોય કે શાળા પર છાપરું ન હોય, અંગ ઢાંકવા પુરતાં વસ્ત્રો પણ ન હોય, દવા માટે પૈસા ન હોય અને તેના અભાવે ગરીબો મરતા હોય ત્યારે ધર્મના નામે યજ્ઞોમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવો એ તો પાપ ગણાય. તે સમાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ પણ ગણાય.

આવા યજ્ઞો યોજનારાઓનું તો તેમાં સ્થાપીત હીત હોય છે. થોડાક પ્રગતીશીલ વીચારકો સીવાયની બાકીની પ્રજા તો ધર્મના નામે થતાં કોઈ પણ ધતીંગને સમજી શકતી નથી અને યજ્ઞમાં ભેટ, પ્રસાદ અને પૈસા ધરીને પુણ્ય કમાવવાની ભાવના સેવે છે. યજ્ઞથી ન તો પ્રજાનું ભલું થાય કે ન તો સમાજ કે દેશનું ભલું થાય છે. ભલું થતું હોય તો તે આધ્યાત્મીક પ્રકારનું નહીં પણ નાણાકીય પ્રકારનું થાય છે. યજ્ઞના આયોજકો, અગ્નીહોત્રીઓ, યજ્ઞકુંડ પર બેસી જાપ કરનારા જપીઓ, બ્રાહ્મણોનું ભલું થાય છે. યજ્ઞના દીવસો દરમીયાન બાસુંદી પક્વાન આરોગે અને દક્ષીણા મેળવીને આ લોકો ઘર ભેગા થઈ જાય. પછી યજ્ઞથી પ્રજાને કે દેશને શું ફાયદો થયો ? કંઈ જ નહીં.

પણ યજ્ઞના આયોજકો બહુ ચાલાક હોય છે. ધર્મના નામે યજ્ઞથી થતા કેટલાય કલ્પીત ફાયદાઓ ઉપજાવી કાઢે છે. તે નીચે પ્રમાણે છે :

(1) યજ્ઞથી વાતાવરણ શુદ્ધ અને સુગંધીત બને છે. રોગ પેદા કરતાં જંતુઓ નાશ પામે છે.

(2) યજ્ઞથી વરસાદ વરસાદી શકાય છે.

(3) યજ્ઞ કરાવનારની મનોકામનાઓ પરીપુર્ણ થાય છે. સંતાન પ્રાપ્તી થાય છે.

(4) યુદ્ધ ને બદલે શાંતી સ્થપાય છે.

યજ્ઞની તરફેણમાં કરાતા દાવાઓમાંથી એક પણ દાવામાં જરા પણ તથ્ય નથી. યજ્ઞ વખતે સુખડનું તર્પણ અપાય અથવા સુગંધીત પદાર્થો યજ્ઞકુંડમાં હોમવામાં આવે તો તત્કાલીન વાતાવરણ સુગંધીત થતું હશે પણ વાતાવરણ શુદ્ધ થવાને બદલે પ્રદુષીત બને; કારણ કે યજ્ઞમાં લાકડાં, તલ, ઘી વગેરે બળે. તેથી તો વાતાવરણમાં કાર્બનવાયુનો વધારો થાય એ તો તંદુરસ્તી માટે હાનીકારક ગણાય.

યજ્ઞના અગ્નીના તાપથી હવામાંનાં સુક્ષ્મ જંતુઓ નાશ પામે છે. જુના સમયમાં યજ્ઞો થતા હતા ત્યારે તો તેઓને જાણ ન હતી કે હવામાં, પાણીમાં નરી આંખે દેખી ન શકાય તેવાં અતીસુક્ષ્મ બૅક્ટરીયા, વાઈરસ વગેરે હોય છે. એટલે યજ્ઞથી હવા શુદ્ધ બને છે, જંતુરહીત બને છે એ હકીકત તો આધુનીક વીજ્ઞાન પાસેથી ઉછીની લેવામાં આવી છે. આધુનીક વીજ્ઞાન વીશે નહીંવત્ જેવી જાણકારી ધરાવતા યજ્ઞના સમર્થકોને એ વાતની જાણ નથી હોતી કે સુક્ષ્મ જીવાણુઓ તો હવામાં અબજો ગુણ્યા, અબજોની સંખ્યામાં હોય છે. યજ્ઞકુંડની આસપાસના થોડાક ફુટના અંતરમાં કદાચ થોડાંક જંતુઓ નાશ પામતાં હશે પણ તે બધાં જંતુઓ કંઈ રોગજનક હોતાં નથી અને હોય તો પણ એટલા મર્યાદીત વીસ્તારમાં થોડાંક સુક્ષ્મ જંતુઓ મરે. તેથી કંઈ સમસ્ત વીશ્વ કે દેશ કે પ્રદેશના વાતાવરણને યજ્ઞનો અગ્ની શુદ્ધ તો ન કરી શકે. જે શહેર કે સ્થળે યજ્ઞ થતો હોય તે શહેર કે સ્થળની આસપાસના વાતાવરણને પણ શુદ્ધ કરી ન શકે.

(2) યજ્ઞથી વરસાદ વરસાવી શકાય તેવો તદ્દન ખોટો દાવો યજ્ઞના સમર્થકો કરે છે. જો યજ્ઞથી વરસાદ વરસાવી શકાતો હોય, તે વાત સાચી હોય તો, ભુતકાળમાં રામાયણ, મહાભારતના તથા વેદસંસ્કૃતી જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્યારે પણ ભયંકર દુકાળો પડ્યા હતા. તે સમયે તે યજ્ઞના જાણકાર ઋષીમુનીઓ અસંખ્ય હતા છતાં પણ તે સમયે દુકાળ તો પડ્યા હતા. તો તેઓ યજ્ઞથી વરસાદ વરસાવી દુકાળો અટકાવી કેમ ન શક્યા? આવા તર્કબદ્ધ પ્રશ્નો, ધર્મ અને યજ્ઞના નામે છેતરનારા તકસાધુઓને પુછવા ફોકટ છે. તેઓ સારી રીતે સમજે છે કે યજ્ઞથી વરસાદ વરસાવી ન શકાય. અન્ધશ્રદ્ધાળુઓને તો પ્રશ્ન પુછવા વ્યર્થ છે.

(3) રાજા દશરથે સંતાનપ્રાપ્તી માટે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞકુંડમાંથી અગ્નીદેવ પ્રગટ થયા. દશરથ રાજાને સંતાનો થશે તેવા આશીર્વાદ આપ્યા. આ તો એક પૌરાણીક કથા છે. વાસ્તવમાં યજ્ઞ કરાવવાથી કે યજ્ઞમાં ભાગ લેવાથી સંતાનપ્રાપ્તી કે અન્ય કોઈ મનોકામના પુરી કરી શકાતી નથી. એ એક હકીકત છે. જો ખરેખર યજ્ઞથી મનોકામના પુરી થઈ શકતી હોત તો પૃથ્વી પર કોઈ ગરીબ ન હોત, બીમાર ન હોત, સંતાનહીન ન હોત. ત્રણ–ચાર વર્ષો પહેલાં દક્ષીણ ભારતમાં પત્રકામના યજ્ઞનું આયોજન થયું. હજારેક દંપતીઓ, જેમને લગ્ન પછી લાંબા સમય સુધી સંતાનો ન થયેલ તેઓએ પાંચથી દસ હજાર રુપીયા ભેટ ધરી, યજ્ઞમાં ભાગ લીધો. ત્યાર પછી તેમનામાંથી કેટલાંને સંતાનપ્રાપ્તી થઈ તે તો તે દંપતીઓ જાણે. સંભવ છે કે કદાચ ચાર–પાંચ દંપતીઓને યોગાનુયોગ સંતાનપ્રાપ્તી થઈ ગઈ હશે. બાકી 995 દંપતીઓએ પોતાના પૈસા ગુમાવ્યા હશે અને મુર્ખા ઠર્યાં હશે. અંદરની વાત તો એ હતી કે કોઈ ઝવેરીએ આ યજ્ઞનું આયોજન કરેલ અને યજ્ઞના પુરોહીત સાથે સમજુતી કરી હતી. યજ્ઞમાં ભાગ લેનાર દરેક દંપતીને પુરોહીતે અમુક રંગનાં રત્ન, માણેક, હીરાની વીંટી પહેરવા માટે અનુરોધ કર્યો. ઝવેરીએ યજ્ઞસ્થળે જ સ્ટોલ રાખેલ. એક હજાર દંપતીઓએ રુપીયા 50 લાખ ભર્યા હશે! ઉપરાંત નંગવાળી વીંટીઓમાં કેટલા પૈસા ખર્ચાયા હશે તેનું અનુમાન કરવું પડે. ટુંકમાં આ યજ્ઞના આયોજકે ઓછામાં ઓછો એક કરોડનો નફો કર્યો હશે. યજ્ઞનું શુભ ફળ દંપતીઓને નહીં મળ્યું હોય પણ યજ્ઞના આયોજકોને તો જીવનભરની કમાણી થઈ ગઈ. આને કહેવાય– દુનીયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે.

(4) યજ્ઞથી વીશ્વ–શાંતી સ્થાપી શકાય. મહેશ યોગીએ આ તુત ઉભું કર્યું છે. યોગની સાધના, પ્રાણાયામ, ધ્યાનની વીધી વીશ્વના બધા દેશોમાં યોગસાધનાવાળા કરે તો વીશ્વશાંતી સ્થપાઈ જાય! અને તેવો કાર્યક્રમ પણ મહેશ યોગીએ યોજ્યો. યુરોપ, અમેરીકાના કેટલાક દેશોમાં ચુંટણીમાં પણ મહેશ યોગીના ચેલાઓએ વીશ્વશાંતી સ્થાપી દેવાનાં વચનો આપ્યાં અને ચુંટણીમાં ઉભા રહ્યા; પણ વીશ્વ–સમાજના કમભાગ્યે કે સદ્ભાગ્યે) એક પણ ઉમેદવાર ચુંટાયો નહીં!

જો યજ્ઞથી શાંતી સ્થાપી શકાતી હોત, યુદ્ધો ટાળી શકાતાં હોત તો છેક રામાયણ–મહાભારતના સમયથી ભારતમાં તો અસંખ્ય યુદ્ધો થયાં છે. તે સમયે તો યજ્ઞવીદ્યા જાણનારા અનેક ઋષીમુનીઓ, પુરોહીતો હોવા છતાં પણ કેમ યુદ્ધો થયાં? ફરીને એ જ જવાબ કે આવા તર્કબદ્ધ પ્રશ્નો ધર્મના નામે છેતરનારાઓને તેમ જ અન્ધશ્રદ્ધાળુઓને પુછવાની મનાઈ છે અને પુછો તો પણ વ્યર્થ છે, જવાબ નહીં મળે.

વેદ–સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં, ધર્મમાં પણ જળ, વાયુ અને અગ્નીને દેવ માનવામાં આવ્યા છે. જરથુસ્ત્ર ધર્મમાં પણ અગ્નીને દેવ માનીને તેની પુજા થાય છે. પ્રાચીન સમયમાં અગ્નીને દેવ માનીને તેની પુજા કરાતી તે તો તે સમયના સન્દર્ભમાં યોગ્ય ગણાય; પણ એ તો એક ભાવના હતી. અગ્ની એટલે પ્રકાશ અને ગરમી મનુષ્યના અસ્તીત્વ માટે તદ્દન આવશ્યક એવાં બે પ્રાકૃતીક પરીબળો. તેની પુજારુપે દીવો પ્રગટાવવાની વીધી પાછળ સારી ભાવના છે. પણ આજના સમયમાં જ્યારે જંગલોનો નાશ થતો જાય છે, પર્યાવરણ પ્રદુષીત થતું જાય છે ત્યારે યજ્ઞો માટે લાકડાં બાળવાં એ તો માનવ–સમાજ માટે હીતમાં નથી. યજ્ઞોથી થતાં નુકસાન તથા છેતરપીંડીથી લોકો સજાગ બને તો જ યજ્ઞોના નામે થતાં તુત અને ધતીંગ અટકાવી શકાય.

– લક્ષ્મીદાસ ખટાઉ

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  19–05–2023

 

5 Comments

 1. ‘ યજ્ઞોથી થતાં નુકસાન તથા છેતરપીંડીથી લોકો સજાગ બને તો જ યજ્ઞોના નામે થતાં તુત અને ધતીંગ અટકાવી શકાય.’ અંગે શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો સ રસ લેખ

  Liked by 1 person

  1. ‘યજ્ઞશાસ્ત્રીઓ’ પોસ્ટને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Like

 2. યજ્ઞોથી થતાં નુકસાન તથા છેતરપીંડીથી લોકો સજાગ બને તો જ યજ્ઞોના નામે થતાં તુત અને ધતીંગ અટકાવી શકાય✅.

  Liked by 1 person

 3. યજ્ઞોથી થતાં નુકસાન તથા છેતરપીંડીથી લોકો સજાગ બને તો જ યજ્ઞોના નામે થતાં તુત અને ધતીંગ અટકાવી શકાય.✅

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s