‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી પગ દબાવે, સેવા કરે.
સંસારી મહાન કે સન્યાસી?
– જગદીશ બારોટ
જનસેવા એ જ પ્રભુસેવા છે એમ માની દરીદ્રનારાયણની સેવામાં રત છે, માનવીએ ઘડેલી પથ્થરની નીર્જીવ મુર્તીઓ નહીં; પણ પ્રભુએ ઘડેલી જીવતી માનવ મુર્તીઓની સેવાને સાચો ધર્મ માને છે, માનવ સેવા એ જ માધવસેવા માને છે, એવા સાચા સંતોની ક્ષમા યાચના સાથે સંસારી લોકોની સાચી સમજ માટે થોડી સ્પષ્ટતા આજે કરવી છે. એક ગેરસમજ ઘર કરી ગઈ છે કે ‘સાત પેઢીના પુણ્ય હોય તો કુળમાં કોઈ સન્યાસી પાકે.’ સન્યાસી બનવાથી જ મોક્ષ, સ્વર્ગ કે પુણ્ય મળે, પ્રભુ મળે કે પરલોક સુધરી જાય એ ગેરસમજ કહો કે સન્યાસી ના થયાનો પસ્તાવો દુર કરવો છે. વાસ્તવીકતા સમજાવવી છે.
સંત વીનોબાજી યુવાનવયે અભ્યાસનાં બધાં પ્રમાણપત્રો (એમ.એ.ની ડીગ્રી સહીત) નીરર્થક જણાતાં સળગાવી સન્યાસ લેવા હીમાલય તરફ નીકળી પડ્યા. રસ્તામાં એમણે ગાંધીજીને સાંભળ્યા અને હીમાલય જવાને બદલે સાબરમતી આશ્રમ પહોંચી ગયા. પછીનો ઈતીહાસ તો સુવીદીત છે. ભુદાન યજ્ઞ કોઈ વેદના યજ્ઞથી ઉતરતો હતો શું? સંસારમાં રહી ભગવાં ને બદલે સફેદ વસ્ત્રધારી મહાન સંત તરીકે પુજાયા.
મારી જનેતા માત્ર ચાલીસ વરસની યુવાન વયે વીધવા થઈ. એક નાનકડા ગામમાં મેડા ઉપરના એક જર્જરીત રુમમાં પાંચ બાળકો સાથે પુરાઈ ગઈ. હા સમાજે પાંચ વરસ ખુણો પળાવ્યો. દીવસે કુદરતી હાજતે પણ બહાર ના જઈ શકે. 70 વરસ પહેલાં એક નાના ગામડામાં પાણીના નળ, લાઈટ કે સંડાસ બાથરુમની તો કલ્પના પણ ના થઈ શકે. દીવસે બહાર ના નીકળાય એટલે ‘મા’ રાતે અંધારામાં દુર ઝાડીમાં સંડાસ કરવા જાય. લેખ લાંબો થઈ જાય એ બીકે ‘મા’ની બધી યાતનાઓ વર્ણવતો નથી; પણ સમાજે બલૈયાં ફોડી નંખાવ્યા, માથુ મુંડી નંખાવ્યુ, કાળો સાડલો પહેરાવ્યો, કપાળનો ચાંદલો ભુસી નંખાવ્યો, અને ધરના ખુણે પુરી દીધી. સાધ્વી જેવા વેશમાં ‘મા’ તપસ્વીનીથી જરાય ઓછી નહોતી. ‘મા’એ ગરીબીમાં અપાર વેદનાઓ વેઠી પાંચ બાળકોને ભણાવી ગણાવી સંસ્કાર આપી પરણાવી સમાજની સેવામાં જોતરી દીધાં. શુ આ ત્યાગ, આ સમર્પણ કોઈ સંન્યાસીનીથી જરાય ઓછુ હતું? ‘મા’ અમારે મન ભગવાનથી જરાય ઓછી નથી.
એક વધુ અંગત વાત. અભ્યાસમાં હું સદાય તેજસ્વી હતો. મેડીકલમાં જવાની ખુબ ઈચ્છા. પણ ટકામાં સહેજ ટુંકુ પડ્યું. નીરાશા ખુબ વ્યાપી ગઈ. પહોંચ્યો એક સંન્યાસી પાસે. બાપજી મારે સન્યાસ લેવો છે. ના બેટા, સન્યાસ નથી લેવાનો. સંસારમાં રહી ફરજો અને જવાબદારીઓ નીભાવો. આજે કુમળી વયના બાળકો ને કે ભણેલા (ડૉક્ટર, એન્જીનીયર)ને સંન્યાસ કે દીક્ષા લેતા સાંભળુ છુ ને કમ કમાં આવે છે. સ્વામીજીની સોનેરી સલાહ માની બાકીનો પીએચ.ડી. સુધીનો અભ્યાસ શ્રેષ્ઠ રીતે પુરો કરી પ્રમાણીકતા અને નીષ્ઠાથી મારું અવતાર કાર્ય કરુ છું. અલબત્ત એ વંદનીય સ્વામીજીના ઋણ સ્વીકાર સાથે.
ગાંધીબાપુ પાસે આશ્રમમાં એક સન્યાસી આવ્યા. બાપુ મારે દેશસેવા કરવા આપની સાથે જોડાવું છે. બાપુ કહે આવવું હોય તો આ ભગવાં ઉતારી સફેદ વસ્ત્રો પહેરી લો. કેમ બાપુ? બાપુ કહે ભગવાં વસ્રોમાં કોઈ આપની પાસેથી સેવા લેવા તૈયાર નહીં થાય. ઉલ્ટાનું લોકો આપની સેવા કરવા લાગશે. બાપુ સાચા હતા. ‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી પગ દબાવે, સેવા કરે. બાપુએ કહ્યું છે કે, “હીમાલયમાં જઈ તપ કરવું સહેલું છે, આકરું તો સંસારમાં રહી પોતાની જવાબદારીઓ અને ફરજો નીભાવવી તે છે.”
શાણા જનો સમજાવે છે કે, ‘વૈરાગ્ય મનથી લેવાનો છે, સંસારથી નહી.’ વનમાં જશો પણ મન તો સાથે જ રહેશે. જે ઈચ્છાઓ કરશે અને આપને શાંતીથી રહેવા નહીં દે. મન્દીરો બાંધવાં, મીલ્કતો વસાવવી, ધન ભેગુ કરવુ, ચેલાઓની ફોજ રાખવી, મારો પંથ મોટો ને બીજો ખોટો એજ કરવાનું હોય તો પછી સંસાર શું ખોટો?
ગાંધી બાપુ, રવીશંકર મહારાજ, ઠક્કરબાપા, રવીન્દ્નનાથ ટાગોર, બાબા સાહેબ આંબેડકર, બીરશા મુંડા વીગેરે સફેદ વસ્ત્રધારી સંતોની સેવાની બરોબરી કોઈ ભગવાધારી કરી શકે ખરો? ઈશ્વરમાં નહી માનનાર વીર ભગતસીંહથી મોટો કોઈ સંત કે દેશ સેવક હોઈ શકે? કોરોના કાળમાં જીવના જોખમે દરદીઓની સેવા કરતા દાક્તરોને, નર્સો, પ્રયોગશાળામાં જીવલેણ રોગોની દવા શોધતા ને જીવનોપયોગી આવીષ્કાર કરનાર વૈજ્ઞાનીકો, જીવ મુઠીમાં લઈ આપણી રક્ષા કરતા સૈનીકો અને પોલીસમેનો, સંસ્કારોથી આપણું ઘડતર કરતા શીક્ષકો, સાહીત્યકારો, ટાઢ, તડકો, વરસાદ વેઠી આપણા માટે અનાજ પકવતા ખેડુતો, પથ્થર તોડતા મજુરો, સરકારી સેવકો, સફાઈ કામદારો, ટ્રક બસ ચલાવનાર ડ્રાઈવરો વગેરે શું સાચા સંતો નથી? ખ્રીસ્તી પાદરીઓ લગ્ન કરે છે (બ્રહ્મચારી હોવાનો દાવો નથી કરતા) પણ દરીદ્રનારાયણોની સેવા કરે છે. રોગી અને અશક્ત લોકોની સેવા સુશ્રુષા કરે છે. માનવતાના પુજારી છે.
સલાહ આપવી બહુ સહેલી છે. પાલન કરવું જ કઠીન છે. આજે જ્યારે સાધુ મહારાજો ને કથા પ્રવચનોમાં સંસારની ફરજો અદા કરવાની, મા બાપની સેવા કરવાની, ગૃહસંસાર કેમ ચલાવવો વીગેરેની આદર્શ સલાહો આપતા જોઉ છું ત્યારે મને હસવું આવે છે સાથે સાથે તેમની દયા ઉપજે છે. અરે ભાઈ તમે પોતે તમારી ફરજમાંથી પલાયન થઈ આ એશ આરામની જીન્દગી જીવો છો, તમને સંસારની જવાબદારીઓનો કોઈ અનુભવ નથી તો પછી તમને આ બધી સલાહ આપવાનો શું અધીકાર છે. આચરણ વીનાની વાંઝણી સલાહ નો શું પ્રભાવ હોય? પોતાના મોક્ષના (મોક્ષનો અર્થ સમજ્યા વગર) નીજી સ્વાર્થ ખાતર તમે તમારી ફરજો જવાબદારીઓથી ભાગી, પરાધીન જીવન જીવો છો. શું તમે સ્વાર્થી નથી?
શાસ્રોમાં તો કહ્યુ છે. असमर्थ संभावित साधु: । જે અશક્ત છે. લુલો, આંધળો કે નામર્દ છે, પોતાનો જીવન નીર્વાહ સંભાળી શકે તેમ નથી તેને સાધુ થવાનો અધીકાર છે. એવા માણસોને સંસારીઓએ ભીક્ષા આપી નીભાવવા જોઈએ. નહીં કે હટ્ટા કટ્ટાઓને. શ્રીમદ્ ભાગવત પણ કહે છે, પ્રભુ મેળવવા સંન્યાસ લેવાની જરુર નથી. વૃંદાવનની ગોપીઓ અને ભક્ત પ્રહ્લાદે ક્યાં સન્યાસ લીધો હતો? પગરખાં સાંધતા સંત રૈદાસજી ચમાર હતા તો સંત કબીરજી વણકર હતા ને કાપડ વણતા. ભગવદ્ગીતા પણ કહે છે, આપણી ફરજો અને કર્તવ્ય કુશળતાથી નીભાવવા એ જ ભક્તી છે. યોગ છે. योग: कर्मषु कौशलम નરસીંહ મહેતા કહે છે, પરાઈ પીડ જાણનાર, ઉપકાર કરનાર, સેવા કરનાર સજ્જન સંસારી (વૈષ્ણવ જન)ના દર્શન માત્રથી ઈકોતેર કુળ તરી જાય. (વૈષ્ણવ જન તો તેને રે કહીએ…)
ભર્તુહરીજીનું એક બહુ જાણીતું પદ છે. ‘ધન્યો ગૃહસ્થાશ્રમ.’ જેનુ આચાર્ય ચાણક્યજી એ પણ સમર્થન કર્યુ છે. ‘ધન્યો ગૃહસ્થાશ્રમ.’ હે ગૃહસ્થ સંસારી તને ધન્ય છે. આ ગૃહસ્થ કે સંસારી જેણે પ્રકૃતીના માનવ વંશવેલાને આગળ વધારવાના ઉદ્દેશનુ પાલન કરી સંતાનો પેદા કર્યાં, ભણાવી, ગણાવી સંસ્કારી બનાવી સમાજને આદર્શ નાગરીકો આપ્યા. મા બાપ અને પરીવારની સેવા કરી. માંદા કે અશક્તને મદદ કરી. નોકરી ધંધો કરી અર્થ વ્યવસ્થાને સમૃધ્ધ કરી. નીશાળો, પુસ્તકાલય, દવાખાના, બાગ બગીચા, સદાવ્રતો, રોડ રસ્તા, વાહન વ્યવહાર, તાર–ટેલીફોનની વ્યવસ્થા કરી. દીકરીઓને ભણાવી ગણાવી કન્યાદાન આપ્યુ. સાધુઓને ભીક્ષા આપી એમનો જીવન નીર્વાહ નીભાવ્યો એટલું જ નહી મન્દીરો પણ બંધાવ્યા. આ કેટલું મોટુ તપ છે. પોતાના સુખો, એશ આરામનો ત્યાગ છે. એમાં પણ મહીલાઓ તો ત્યાગ અને કરુણા, સેવા, સમર્પણની મુર્તીઓ છે. સ્વયં દેવીનો અવતાર છે. પુજવાને લાયક છે. વંદનીય છે. સાચા સેવકો છે. સંતો છે.
સામે સાધુ સન્યાસીઓએ ભંડારા કર્યા, પોથીયાત્રા અને શોભાયાત્રાઓ કરી, મેળા અને તાયફા કર્યા, દેખાદેખીમાં પથરામાં પૈસા નાખ્યા, કથા પારાયણો કર્યા શતાબ્દી ઉજવી. શુ આ બીન ઉત્પાદક પ્રવૃત્તીઓ નથી? સમય અને શક્તીની બરબાદી નથી?
આજે જે કંઈ પ્રગતી દેખાય છે, સગવડો ઉપલધ્ધ છે, આનંદ પ્રમોદ કરીએ છીએ, વીકાસ, પ્રગતી કરી છે. સ્વર્ગ આકાશમાં નહીં, ધરતી ઉપર ખડું કર્યું છે તે આ સંસારીઓના પ્રતાપે થયું છે. નથી કોઈ સાધુ એ પરસેવો પાડ્યો કે નથી કોઈ દૈવે ચમત્કાર કર્યો. હા સાધુ બાવાઓએ ભાષણ કર્યાં છે, સંસાર જુઠી માયા છે, પૈસો હાથનો મેલ છે, પરલોક સુધારી લો, જે નારીએ એમને જનમ આપ્યો એ જ નારીને નરકની ખાણ કહે છે. મનુષ્ય જનમ તમારા પુર્વનાં પાપોની શીક્ષા છે, બધુ કામ ધંધો છોડી, બધુ ત્યાગી હરી ભજીલો, સ્વર્ગની ટીકીટ પાકી કરી લો, આવતો ભવ સુધારી લો (આ ભવમાં ભલે નરક ભોગવો, ઉપર સ્વર્ગ મળશે), ત્યાગ કરો, કષ્ટ વેઠો, તપ કરો, ઉપવાસ કરો, વગેરે વગેરે. અરે ભલા માણસ અમે ત્યાગ કરીશું, મોહ માયા ત્યાગી દઈશું, મંજીરા વગાડશું તો પછી આપ ખાશો શું? દાનપેટીઓ કોણ ઉભરાવશે? મન્દીરો કોણ બંધાવશે?
– જગદીશ બારોટ
તા. 20 નવેમ્બર, 2022ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકશ્રીની પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/100003385563239/posts/5418882838234515/?flite=scwspnss)માંથી, લેખકશ્રીના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Prof. Jagdish Barot (Ph.D.), 1745, California Avenue, Windsor, Ontario state, Canada. Post code: N9B3T5 TEL: (001) 519 254 6869 eMail: jagdishbarot@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે સવારે મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 26–05–2023
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘સંસારી મહાન કે સન્યાસી?’ પોસ્ટને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
1…..જટા ધારી ના પણ એજ ત્રણ લાભ
2… જૈનો માં દીક્ષા જ દીક્ષા
LikeLiked by 1 person
સંતાનોનાં સુખ, સલામતી, સુરક્ષિત સંસાર અને સુદૃઢ સમાજ માટે સ્ત્રી અને પુરુષ સંઘર્ષ જે કરે છે, જાતને સમર્પિત કરે છે એના માટે એ વંદનીય છે જ.
પણ, કોણ જાણે એમનાં મનની કઈ નબળાઈ છે કે પછી તણખલું ઝાલીને તરવાની મથામણ છે જેના લીધે જ સંસારીઓ સંન્યાસીના પગે પડતા જાય છે. એનાં લીધે જ તો સંસારમાં સંન્યાસીનું પ્રભુત્વ છે.
LikeLiked by 3 people
ધન્યો ગૃહસ્થાશ્રમ કે ધન્યો સંન્યાસ- જગદીશ બારોટનો સ રસ લેખ
ધન્યવાદ
આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચાતો આવ્યો છે અને તેનો સુંદર ઉતર અમને ગીતાના આ શ્લોકોમા લાગ્યો છે
મારામાં મનને પ્રોઈ, નિત્યયુક્ત થઈ મ’ને,
ભજે પરમ શ્રદ્ધાથી, તે યોગી ચડતાં ગણું
જેઓ અચિંત્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂ, અનિર્દેશ્ય, ધ્રુવ અક્ષરને ભજે;
ઈન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુદ્ધિના,
સર્વભૂતહિતે રક્ત, તેયે મ’ને જ પામતા.
અવ્યક્તે ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ;
મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ.
મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,
અનન્ય યોગથી મારાં કરે ધ્યાન-ઉપાસના;
મારામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે,
વિના વિલંબ ઉદ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં.
હું—માં જ મનને સ્થાપ, નિષ્ઠા મારી જ રાખ તું;
તો મારામાં જ નિ:શંક, તું વસીશ હવે પછી.
જો ન રાખી શકે સ્થિર હું—માં ચિત્ત સમાધિથી.
તો મ’ને પામવા ઈચ્છ, સાધી અભ્યાસયોગને.
ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ બન્ને ગુણાત્મક પરીવર્તન પર આધારીત છે
LikeLiked by 1 person
જગદીશ બારોટ નો આલેખ ખૂબ જ મનનીય છે.
સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંતુલન રાખતા શીખવાનું જરૂરી છે.
LikeLiked by 1 person
No Religion is grater than Humanity.
Serving Humanity is Serving God.
માનવતા ની સેવા એટલે કે મનુષ્યો ની સેવા માનવ રૂપ માં રહી ને જ કરી શકાય, ન કે મહારાજ, પંડિત, મહંત, પુજારી કે પીર, ફકીર, મુલ્લા, મોલવી બની ને કરી શકાય.
કોઈ ધર્મ એ આદેશ નથી આપતો કે જગત નું જીવન છોડી ને, સંસાર નો ત્યાગ કરી ને ૧૦૦ ટકા તમારું જીવન ધર્મ ને અર્પણ કરી દો. બીજા જીવન માં વિશ્વાસ ધરાવનારાઓ માટે એ જાણવું જરૂરી છે કે બીજા જીવન ને સાર્થક કરવા માટે જગત જીવન માં સદ્કાર્યો કરવા જરૂરી છે, અને માનવતા ની સેવા કરવી છે, અને તે માટે સંસાર ત્યાગ કરવો એ મુર્ખાઈ છે. સર્જનહારે જગત નું સર્જન કરેલ છે, તો જગત માં રહી ને જગતવાસીઓ ની સેવા કરો અને પોતાનું જીવન પણ જગત માં રહી ને જીવન જીવી જાણો.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
‘સંસારી મહાન કે સન્યાસી?’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
Waah saras
LikeLiked by 1 person
बहुत सुंदर लेख।
LikeLiked by 1 person
बहुत सुंदर लेख। मुंडन के 3 लाभ – “सिर की मिटे खाज, खाने को मिलें लड्डू और लोग कहें महाराज।” वाह, क्या सुंदर कटाक्ष है!
हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर ने कहा है:-
धर्मराज, संन्यास खोजना, कायरता है मन की।
है सच्चा मनुजत्व, गुत्थियां सुलझाना जीवन की
(कुरुक्षेत्र- सप्तम सर्ग)
हम ह्यूमनिस्ट लोग तो गृहस्थाश्रम को ही सर्वश्रेष्ठ मानते हैं। साधु-संन्यासी तो परजीवी होते हैं। इनमें से अधिकांश जीवन से थक-हारकर साधु बनते हैं।जबकि गृहस्थ मेहनत करके न केवल अपना परिवार चलाता है, बल्कि समाज में भी योगदान करता है।
मनोज मलिक, चंडीगढ़
LikeLiked by 1 person