અન્ધશ્રદ્ધા

–નાથુભાઈ ડોડીયા

અન્ધશ્રદ્ધા બે શબ્દોનો સમુહ છે. અન્ધ + શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ શ્રત્ + ધા = શ્રદ્ધા એટલે કે સત્યનું ધારણ કરવું. આ ‘શ્રદ્ધા’ શબ્દનો સાચો યૌગીક અર્થ છે. પરન્તુ વ્યવહારમાં મોટાભાગના લોકો પોતપોતાની ‘સામ્પ્રદાયીક માન્યતાનો સ્વીકાર કરી તેના ઉપર વીશ્વાસ રાખવો’ એવો કરે છે. આ સામ્પ્રદાયીક માન્યતાઓ હમ્મેશાં સો ટકા સાચી નથી હોતી. તેમાં સત્ય અને અસત્યનું મીશ્રણ હોય છે તથા સત્ય કરતાં અસત્યનું પ્રમાણ વીશેષ હોય છે. આ સામ્પ્રદાયીક માન્યતાઓને તર્ક, શાસ્ત્રપ્રમાણ અને વીજ્ઞાનની કસોટી પર ચકાસણી કરવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરે છે. આ કહેવાતા ધર્માચાર્યોએ તેમના અનુયાયીઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ધર્મમાં અક્કલની દખલ કરવી નહીં. અન્ધનો અર્થ આંધળી કે સમજ વગરની થાય છે. એટલે ટુંકમાં, અન્ધશ્રદ્ધાનો અર્થ ‘આંધળી અને સમજ વગર’ની માન્યતાઓ થાય છે.

માન્યતા અને જાણકારીને ઘનીષ્ઠ સમ્બન્ધ છે. જાણકારીને આધારે જ માન્યતા ઉદ્ ભવે છે. આ જાણકારી–જ્ઞાન આપણને ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. (૧) ગુરુનો ઉપદેશ (૨) શાસ્ત્રોનો સ્વાધ્યાય અને (૩) આપણો કે બીજી પરીચીત વ્યક્તીનો અનુભવ. આ યથાર્થ જ્ઞાનની જાણકારી મેળવી તેની ઉપર વીવેકબુદ્ધીથી ઉંડાણપુર્વકનું ચીન્તન–મનન કરવું જોઈએ. પરન્તુ મનુષ્ય અલ્પજ્ઞ છે. તે હમ્મેશાં સમ્પુર્ણ સત્યજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. કેટલીક વાર કહેવાતા ધર્માચાર્યો પોતાના અનુયાયીઓને પોત–પોતાની સામ્પ્રદાયીક માન્યતાઓમાં જકડી રાખવા સત્ય જ્ઞાનથી વંચીત રાખે છે.

શાસ્ત્રઅધ્યયન, તર્ક અને વૈજ્ઞાનીક અભીગમ સત્ય શોધવામાં હમ્મેશાં મદદરુપ થાય છે. એને આધારે આપણે જે જાણકારી પ્રાપ્ત કરી છે તે સાચી છે કે ખોટી તે આપણે જાણી–સમજી શકીએ છીએ. ખરેખર સાચી જાણકારી જ સત્ય જ્ઞાન છે અને બીજું અજ્ઞાન છે. અ–જ્ઞાનનો અર્થ ફક્ત જ્ઞાનનો અભાવ જ નથી; પરન્તુ તેમાં અસત્ય જ્ઞાન–જાણકારીનો પણ સમાવેશ થાય છે.

સાચી જાણકારી અને ખોટી જાણકારી બન્ને માન્યતાઓને ઉત્પન્ન કરે છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જે કાંઈ જાણીએ છીએ તે બધું જ સત્ય છે. કોઈપણ વ્યક્તી જાણી જોઈને અસત્ય જ્ઞાન–જાણકારી સ્વીકારતો નથી; પરન્તુ તે પોતાની પાસે ઉપલબ્ધ જ્ઞાન–જાણકારીને સતત સુધારે છે, અદ્યતન કરે છે. આમ છતાં કેટલાંય એવાં કારણો છે કે જેને આધારે આપણે ખોટી જાણકારી પ્રાપ્ત કરીએ છીએ. કેટલીક વાર તો આપણે જાણી કે સમજી શકીએ છીએ કે આપણી પાસે જે જાણકારી છે તે સત્યથી વેગળી છે, ખોટી છે.

આવી ખોટી જાણકારી – અજ્ઞાન એ જ અન્ધશ્રદ્ધા છે. અન્ધશ્રદ્ધા હમ્મેશાં તદ્દન ખોટી એટલે કે સો એ સો ટકા ખોટી હોતી નથી. અન્ધશ્રદ્ધાના પાયામાં કંઈક સત્યના અંકુર તો હોય જ છે અને તેના આધારે જ તેનો વીકાસ થાય છે અને પછી સ્થીર થાય છે. આ પછી એને આધારે અન્ધશ્રદ્ધાનો ગઢ ચણાય છે. પછી ભલે આ ગઢ નબળો હોય. આ અન્ધશ્રદ્ધાનો ગઢ તર્ક, શાસ્ત્રપ્રમાણ અને વૈજ્ઞાનીક અભીગમના પ્રહારો સહન કરવા સક્ષમ પણ નથી હોતો.

માનવજીવનનો મુખ્ય હેતુ સત્યને હાંસલ કરવાનો છે અને એ પણ સો ટકા સત્ય, કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું સત્ય. આપણી બધી શીક્ષણ અને ધાર્મીક સંસ્થાઓનો અન્તીમ ધ્યેય સત્ય પ્રાપ્તીમાં મદદરુપ થવાનો જ છે.

મનુષ્યની શક્તીઓ મર્યાદીત છે. તે બધું જાણવાની ઈચ્છા રાખે છે અને તેને માટે પ્રયત્ન પણ કરે છે. પરન્તુ થોડાક સમયમાં તે થાકી જાય છે અને તેની જાણવાની ઉત્કંઠા સમ્પુર્ણ રીતે ન સન્તોષાતાં તે મંદ પડી જાય છે. પછી તે તેને માટે વધારે પ્રયત્ન નથી કરતો. તે મનમાં પોતાની જાત સાથે સમાધાન કરી લે છે કે આટલી જાણકારી પુરતી છે. અહીં અસત્યને ચોરી–છુપીથી પ્રવેશવાની તક મળે છે. આ અસત્ય માન્યતા સત્યના નામે તેના મનમાં બીલ્લીપગે પ્રવેશે છે અને ધીમે ધીમે દૃઢતાપુર્વક તેના મન ઉપર કબજો જમાવી દે છે. આ વેળાએ તે સત્ય પ્રાપ્ત કરવાની નીષ્ઠાનો ત્યાગ કરી ધીમે ધીમે પોતાની સ્વેચ્છાથી અસત્યનો ગુલામ બની જાય છે. તે મનમાં સત્ય પ્રત્યેના પ્રેમનો ત્યાગ કરે છે એટલું જ નહીં; પણ પુર્ણ સત્ય પ્રાપ્ત કરવું શક્ય નથી એવું મનોબળ સ્વીકારે પણ છે. સત્ય પ્રત્યેનો પ્રેમ તો દરેક મનુષ્યના સ્વભાવમાં બીજરુપે હોય જ છે; પરન્તુ અસત્ય જેવું દેખાવાથી તે ભ્રમમાં રહે છે. અહીં તેનો પોતાનો અસત્યનો સત્ય તરીકે દેખાડવાનો હેતુ પણ હોતો નથી. અને તે માટે તે કોઈ ઢોંગ કે પાખંડ પણ કરતો નથી. આ જ અન્ધશ્રદ્ધાનું ઉદ્ભવસ્થાન છે. ખરેખર અન્ધશ્રદ્ધા સત્ય અને અસત્યનું મીશ્રણ છે. જેમાં સત્ય કરતાં અસત્યનું પ્રમાણ વીશેષ હોય છે. અહીં આપણે સ્વીકારીએ છીએ કે મનુષ્ય માટે સમ્પુર્ણ સત્ય જાણવું મુશ્કેલ છે. અહીં બુદ્ધીશાળી મનુષ્ય પોતે જાણે છે, સમજે છે કે હું બધું જાણતો નથી અને જાણી પણ શકતો નથી; આમ છતાં, તે વધારેમાં વધારે જાણવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. પરન્તુ મોટા ભાગની સામાન્ય વ્યક્તીઓ પોતાના મનમાં સ્વીકારી લે છે કે મેં જે કાંઈ જાણકારી મેળવી છે તે પુરતી છે. તેનાથી વધુ જાણકારી મેળવવી અસંભવીત છે. આવા મનમાં જ અન્ધશ્રદ્ધાનાં બીજ રોપાય છે અને તે ધીમે ધીમે ફુલેફાલે છે. એટલે અન્ધશ્રદ્ધાનો પાયો મજબુત થઈ વૃદ્ધી પામે છે. અહીં શૈક્ષણીક અને ધાર્મીક સંસ્થાઓએ જાગૃત રહેવું જોઈએ કે અસત્ય – અજ્ઞાનના નામે અન્ધશ્રદ્ધા માનવસમાજમાં ન પ્રવેશી જાય. એક વખત આ અન્ધશ્રદ્ધા સમાજમાં ફેલાઈ જાય તે પછી તેને નીર્મુળ કરવી, દુર કરવી એ ઘણું જ કઠીન કાર્ય છે.

અન્ધશ્રદ્ધા મીઠું ઝેર છે. ઝેર એટલા માટે છે કે તે મનુષ્યની સત્ય જાણવાની જીજ્ઞાસાને અને ઉત્સાહને મારી નાખે છે અને કાયમ માટે તેને અન્ધશ્રદ્ધાની પથારીમાં સુવડાવી દે છે. બીજું, આ ઝેર મીઠું એટલા માટે છે કે તેને લોકો હોંશેહોંશે સહેલાઈથી સ્વીકારી લે છે. જેમ કે અમુક દેવી કે દેવતાની માનતા રાખવાથી પરીક્ષામાં ઉંચી ટકાવારી પ્રાપ્ત થશે અથવા પોતાનું દર્દ દુર થશે. આ માનતા ફળીભુત થાય છે ત્યારે તેમાં પ્રાપ્ત થયેલી સફળતાની વાતો બધાને કરે છે અને જ્યારે તેમાં નીષ્ફળતા પ્રાપ્ત કરે છે ત્યારે તે ચુપકી સાધી લે છે. આવી અન્ધશ્રદ્ધા અંગે સામાન્ય મનુષ્યને સમજાવવામાં આવે છે. ત્યારે તે બચાવ કરે છે કે આવી માનતાઓ રાખવામાં આપણને શું વીશેષ નુકસાન થવાનું છે ? થોડા રુપીયા કે સમયનો વ્યય થશે એ જ ને ? તેને અજમાવી જોવામાં શું વાંધો ? લાગ્યું તો તીર નહીંતર તુક્કો ! બીજું, તેના મનના એક ખુણામાં સતત ભય રહે છે કે હું માનતા નહીં રાખું અથવા તેનો વીરોધ કરીશ તો તે દેવી–દેવતા મારા પર કોપાયમાન થઈ મને પાયમાલ કરી દેશે.

અન્ધશ્રદ્ધા એ નીંદામણ છે એટલે કે નકામું ઘાસ અને છોડ છે જે બાગમાં ફુલોની સાથે અને ખેતરમાં અનાજની સાથે ઉગે છે અને વીકાસ પામે છે. જેમ નીંદામણ ફુલોને અને અનાજને પુરતા પોષણથી વંચીત રાખે છે અને તેથી જ તેના ઉછેર અને વીકાસમાં હાનીકારક છે. આથી હોશીયાર અને સમજદાર માળી બાગમાં અને ખેડુત ખેતરમાં નીંદામણ ઉગવા જ દેતા નથી અને ઉગી નીકળે તો તરત જ તેને દુર કરવા પ્રયત્ન કરે છે. આવી જ રીતે અન્ધશ્રદ્ધા સમાજને સત્યના પ્રચારથી વંચીત રાખે છે અને વ્યક્તી, સમાજ, રાષ્ટ્ર તથા માનવજાતીના ઉત્થાન માટે નડતરરુપ બને છે. મોટાભાગની ધાર્મીક, સામાજીક કે શૈક્ષણીક સંસ્થાઓ પ્રજાને સત્યને માર્ગે દોરી જવા પ્રસ્થાપીત થઈ છે તેઓ સત્યને બદલે અન્ધશ્રદ્ધાને સમર્થન આપે છે અને જ્યાં અન્ધશ્રદ્ધાને સમર્થન આપતા નથી ત્યાં તેનો સ્પષ્ટ વીરોધ કરતા નથી; પરન્તુ તેની ઉપેક્ષા કરે છે. ધર્મ જેનો મુખ્ય હેતુ સત્યનો અને ફક્ત સત્યનો જ પ્રચાર કરવાનો છે. જેઓએ સત્યને સમર્થન આપી અસત્ય, અન્ધશ્રદ્ધાનો વીરોધ કરવાનો છે, તેઓ જ અન્ધશ્રદ્ધાના આધાર સ્તંભ બની તેનો વીકાસ કરે છે. ધર્મના પ્રચારકો જ મુખ્યત્વે અન્ધશ્રદ્ધાના પ્રચારકો બને છે. મનુષ્ય સ્વયમ્ જ્ઞાનમાં અપુર્ણ છે અને પ્રયત્નથી વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આવી જાગૃતતા તેને જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રેરણાદાયી થઈ અન્ધશ્રદ્ધામાંથી મુક્ત થવા મદદરુપ થાય છે. પરન્તુ મનુષ્ય જ્યારે એમ સમજે છે કે અમુક પદાર્થ કે કાર્ય અંગે હું જાણતો કે સમજતો નથી અને જાણવા કે સમજવા માટે પણ શક્તીમાન નથી ત્યારે તે વીશેષ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છોડી દે છે અને પ્રચલીત માન્યતાને સત્ય તરીકે સ્વીકારીને અન્ધશ્રદ્ધાનો સ્વીકાર કરે છે.

આશ્ચર્યકારક વસ્તુ કે ઘટના અન્ધશ્રદ્ધાની માતા છે અને છેતરપીંડી તેની પરીચારીકા કે નર્સ છે જે તેને પોષે છે. આશ્ચર્યકારક વસ્તુ કે ઘટના એટલે કે મનુષ્ય જેને સમજવા અશક્તીમાન છે આ વસ્તુ કે ઘટના ત્યાં સુધી જ આશ્ચર્યજનક હોય છે જ્યાં સુધી તેને સમજવા અશક્તીમાન છીએ. જાદુના પ્રયોગો જ્યાં સુધી આપણે તેને સમજી શકતા નથી ત્યાં સુધી જ આશ્ચર્યજનક છે; પરન્તુ જ્યારે આપણે જાદુગરની ચાલાકી–કરામતને સમજી લઈએ છીએ ત્યારે તેની આશ્ચર્યજનકતા નાશ પામે છે. ઈન્ટરનેટ પર એક હજાર પૃષ્ઠનું પુસ્તક પાંચ મીનીટમાં જ અમદાવાદથી કલકત્તા પહોંચી જાય છે. સામાન્ય પ્રજા માટે આ આશ્ચર્યજનક ઘટના છે; પરન્તુ કમ્પ્યુટર ભણતો વીદ્યાર્થી તેને કમ્પ્યુટરની એક સામાન્ય પ્રક્રીયા જ માને છે. આપણે જ્યારે અન્ધશ્રદ્ધાને આશ્ચર્યજનક વસ્તુ કે ઘટનાનું બાળક કહીએ છીએ ત્યારે આપણા કહેવાનો અર્થ ગેરકાયદેસર બાળક છે, કારણ કે આશ્ચર્યને સારી રીતે સમજવામાં આવે તો તે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આજની મોટાભાગની શોધખોળનું ઉદ્ભવસ્થાન આ આશ્ચર્ય જ છે. ન્યુટનને ઝાડ પરથી નીચે સફરજન પડતાં આશ્ચર્ય થયું કે આ સફરજન શા માટે નીચેની જ દીશામાં આવ્યું ? ઉપર કે આજુબાજુ કેમ ન ગયું ? ગુરુત્વાકર્ષણનો નીયમ શોધવામાં આ આશ્ચર્યજનક તત્વે જ તેને પ્રેરણા આપી.

આપણે ઉપર જોયું કે છેતરપીંડી અન્ધશ્રદ્ધાની પરીચારીકા છે. એટલે કે તે અન્ધશ્રદ્ધાને ઉછેરે છે. જો દુનીયામાં છેતરપીંડીનું અસ્તીત્વ જ ન હોય તો અન્ધશ્રદ્ધા ઉત્પન્ન થવાની સાથે જ કુદરતી રીતે નાશ પામવાની છે. આશ્ચર્ય અન્ધશ્રદ્ધાને જન્મ આપે છે પણ તેને ઉછેરતું નથી, છોડી દે છે. કોઈપણ માતા અવૈધ – બીનકાયદેસર બાળક માટે ગૌરવ નથી લેતી. અહીં છેતરપીંડી મદદે આવે છે તે તેને (અન્ધશ્રદ્ધાને) ખોળામાં લે છે અને તેનો ઉછેર કરે છે. અંતે અન્ધશ્રદ્ધાનો વધુને વધુ ફેલાવો થાય છે. ટુંકમાં છેતરપીંડી જ અન્ધશ્રદ્ધાનો ફેલાવો કરવામાં અગત્યનો પાઠ ભજવે છે. ચાલાક મનુષ્યો અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરીને સામાન્ય પ્રજા – ભોળી પ્રજાને અન્ધશ્રદ્ધામાં કેવી રીતે જકડી રાખી તેનું આર્થીક શોષણ કરે છે. તે અંગે આપણે હવે પછીના પ્રકરણમાં ચર્ચા–વીચારણા કરીશું

(ક્રમશ)

–નાથુભાઈ ડોડીયા

સાચા, નીષ્ઠાવંત આર્યસમાજી શ્રી. નાથુભાઈ ડોડીયાએ સમાજસુધારા તથા ધર્મસુધારાના ક્રાન્તીકારી કાર્ય અન્તર્ગત 53 જેટલાં પુસ્તકો પ્રકાશીત કર્યાં છે. તે પૈકી ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ નામે આ પુસ્તક પ્રગટ કરીને, અન્ધશ્રદ્ધાના થઈ રહેલા વ્યાપારીકરણને તથા તે ક્ષેત્રે જામી પડેલાં સ્થાપીત હીતોને પડકારે છે. આ પુરુષાર્થ બદલ તેઓ અભીનન્દનના અધીકારી છે. અઢળક અભીનન્દન… ‘અભીવ્યક્તી’ને ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ પુસ્તક ભેટ મોકલવા માટે આભાર.(પ્રકાશક: ચરોતર પ્રદેશ આર્યસમાજ, સ્ટેશન રોડ, આણંદ – 380 001 ફોન: (02692) 244 191 પ્રથમ આવૃત્તી: 2014, પૃષ્ઠસંખ્યા: 96, મુલ્ય: 20/- મુખ્ય વીતરક: આર્યસમાજ, નવા ડેરા, ભરુચ – 392 001) લેખકશ્રી અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક: શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર–ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન: (02642) 225671 સેલફોન: 99988 07256

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11–07–2014

12 Comments

  1. છેતરપીંડી જ અન્ધશ્રદ્ધાનો ફેલાવો કરવામાં અગત્યનો પાઠ ભજવે છે.

    સાચી વાત છે .સમાજમાં અંધ શ્ર્ધાનો કોઈ પાર નથી . અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરીને

    સામાન્ય પ્રજાને ગેર માર્ગે દોરવામાં આવે છે . લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા .

    Like

  2. Very good analytically article. Yes, its true. When the question of religion and faith comes many educated persons too don’t think the other way. They are afraid of the majority and have no courage to swim against tides. They prefer ‘To follow.’

    Rationalism is there for a very long time still it hasn’t gain the place that it deserves! Why? Rationalists have to introspect to find answer. I have seen so called ‘Rationalists’ in the forefront of religious gatherings!!

    Like

  3. સાચી જાણકારી અને ખોટી જાણકારી શું છે?

    “ગમે તેવા પાપ કરો, અને પાપોને ધોવા માટે પાણીમાં સ્નાન કરો” આ શું ઈશ્વરનો આદેશછે?

    અમારા મુસલમાનોમાં પણ એવી માન્યતા છે કે “ફલાણી દુઆનું પઠન કરો, અને તમાર સર્વે પાપો ધોવાય જશે. એવી પણ માન્યતા છે કે ૨૦૦ વર્ષના પાપો ધોવાય જશે!”. શું આ ઈષ્વર/અલ્લાહનો આદેશ છે? આ તો વધુ ને વધુ પાપો કરવાનુ “લાયસન્સ: છે, એટલે કે પાપો કરવાની ખુલ્લી છુટ કહેવાય! શું પાપોનું “સેલ” લાગેલ છે!

    કોઈના અધિકારો પર ત્રાપ મારો, કોઈની હત્યા કરો, કોઈની આબરુ લુંટીલો વગેરે કુકર્મો કરીને પાપોમાં વધારો કરો, અને પછી ઈશ્વરના કહેવાતા આદેશો અનુસાર સ્નાન કરીને કે અમુક દુઆઓનું પઠન કરીને પાપોને ધોઈ નખો! આ તે ધર્મ છે કે અધર્મ?

    મુસ્લીમ ધર્મશાસ્ત્રનું એક બોધવચન આ પ્રમાણે છે:

    “હે શ્રધ્ધાળુઓ, ઘણા પીર (સંત) અને દરવેશ (સન્યાસી) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહના સત્ય માર્ગે થી ભટકાવી દે છે.”

    વાહ રે ધર્મ! તું કેવો ધર્મ?

    તારામાં પણ બેવડું ધોરણ!

    ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.

    કાસીમ અબ્બાસ

    Like

  4. સાચી વાત છે .સમાજમાં અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી . અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરીને

    સામાન્ય પ્રજાને ગેર માર્ગે દોરવામાં આવે છે . લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા .
    Very Nice article.

    Like

  5. શ્રીયુત નાથુભાઈ ડોડીયાએ સમજાવ્યું છે કે મનુષ્યની શક્તીઓ મર્યાદીત છે. ૬૦-૮૦ વરસ પહેલાં દેશમાં બધો વ્યવહાર પગે અથવા બળદ ગાડા પુરતો સીમીત હતો. પછી તો રેલ્વેની ઝાડ વીસ્તરતી ગઈ. બધા નજીક આવવા લાગ્યા. ગામડાંથી શહેરમાં ધસારો શરુ થયો. વીજળીના દીવા આવતા આંબલીના ઝાડ ઉપરના ભુતો અદશ્ય થવા લાગ્યા. હાથે લખેલ હસ્તપ્રતોને બદલે પ્રીન્ટ અને ટાઇપ થયેલા અહેવાલ આવવા માંડ્યા અને કોમ્પ્યુટરે પ્રવેશ કર્યો. નેટ અને વેબનો જમાનો આવ્યો. અવાજ, ચીત્ર, હલન ચલન બધું નજરસમક્ષ દેખાવા લાગ્યું અને ગોવીન્દભાઈ મારુ જેવાની વેબ સાઈટ અભીવ્યક્તી શરુ થઈ. ગુરુઓ છેતરપીંડી કરી અંધશ્રદ્ધાને પોસે છે. થોડાક અક્ષરો, શબ્દો અને વાક્યો પોતાની જીભ ઉપર લાવી ખુલ્લેઆમ છેતરપીંડી કરે છે. મોબાઈલ અને એન્ડ્રોઈડના જમાનામાં હવે બધું આગળીના વેઢે આવી ગયું છે. અંગ્રેજી માધ્યમે રામાયણ અને મહાભારતની કથાઓ ઉપર ટીકા ટીપ્પણીઓ કરીને બધી પોલ ખુલ્લી કરી નાખી છે. સીતા કે દ્રૌપદીની કથામાં મહીલા અત્યાચાર સીવાય કંઈજ નથી. શ્રીયુત નાથુભાઈએ મર્યાદીત શક્તીઓમાં શોષણને ખુલ્લુ મુક્યું છે. હવે તો વાત વાતમાં એથીક્સ આવશે. વ્યાપારીઓની છેતરપીડી, સરકારની છેતરપીંડી અને કોઈજ કારણ વગર ઈન્સ્પેકટરોની જોહુકમી બધાનું અંત આવવાનો છે. સાધુ સમાજને પણ નીયમો લાગુ પડશે. રસ્તા ઉપર કે જાહેરમાં આ છેતરપીંડી ખુલ્લી થતી જશે. મહમદ્દ ગજનવી સોમનાથ મંદીરના તગડા સાધુ પુજારીઓને ગુલામ બનાવી સોમનાથની બધી સંપતી એમના હાથે જ ઉંચકી ગજની લઈ ગયો અને અંધશ્રદ્ધાએ ભારતમાં ઈસ્લામ માટે દરવાજા ખુલ્લા કર્યા.

    Like

  6. Perfect helpful, very well written analysis. સંપુર્ણ સુંદર સમજ આપતો અને સંપુર્ણ પૃથ્થકરણવાળો લેખ. ખૂબ ગમ્યો. વ્યાખ્યાઓ સમજ અને જ્ઞાન વઘારનારી છે.
    આનંદ થયો.
    અમૃત હઝારી.

    Like

  7. વિગતવાર અને તર્ક બધ્ધ લેખ થયો છે,ગમ્યો.

    Like

  8. बहुत सुन्दर और सचची समज देनेवाला लेख. जारी रख्खो ऐसे लेख.
    सदियों पहले कबिरज़ी और कई कितने सच्चे संतोने खुब सही क्रांतिका निस्वार्थ भावसे अभियान जगाया था. फिरभी हम नहीं बदले.
    हमें चमत्कार करनेवाले ठग, धुतारे ओर लुटेरे साधुओकी सतत ख़ोज रहती हे.

    કરસન ભક્તા ટેકસાસ, યુએસએ

    Like

Leave a comment