ઉંઘ્યો કહે, ઉંઘ્યો સામ્ભળે

‘ગુરુ/સ્વામી/બાપુઓ’ સામાજીક સંવાદીતા ઉપર ભાર મુકે છે; પણ તેમની વચ્ચે એકતા છે? બધા પોતપોતાનાં સીંહાસનો ઉપરથી સામાજીક એકતાનો ઉપદેશ આપે છે; પરન્તુ તેઓનું આચરણ સંકુચીત, સડેલી વીચારધારા મુજબનું અને સામન્તશાહી ઢબનું હોય છે. ભોળા લોકોની ધાર્મીક લાગણીઓ સાથે રમતા આ ગુરુ/સ્વામી/બાપુઓ પાક્કા વેપારી જેવા છે. ગુરુઓની પ્રવૃત્તીની પ્રબળ અસર પડતી હોય તો અનાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર ઓછા થવા જોઈએ. શોષણ ઓછું થવું જોઈએ. વંચીતોની હાડમારી ઓછી થવી જોઈએ; પણ તેમ થાય છે? તેમ થયું? સ્વામી સચ્ચીદાનન્દજી, કેદારનાથજી, કીશોરલાલ મશરુવાળા, પ્રો. મકરન્દ મહેતા, પંડીત સુખલાલજી, સ્વામી દયાનન્દજી અને હીટલરના વીચારો માણવા ‘અભીવ્યક્તી’ની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

3

ઉંઘ્યો કહે, ઉંઘ્યો સામ્ભળે

–રચના નાગરીક

1994માં ગુજરાતીઓ માટે ચાર શરમજનક મહોત્સવો થયા (1) મોરારીબાપુએ ચાર કરોડના ખર્ચે આકાશી કથાનું આયોજન કર્યું. (2) ‘મન્ત્ર’માંથી ‘દેવી’ બનાવનારાઓએ રાજકોટમાં ગાયત્રીયજ્ઞ કર્યો. (3) અમદાવાદમાં સ્વાધ્યાય પરીવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીના જન્મદીનની ભવ્ય ઉજવણી થઈ. (4) વડોદરામાં હરીપ્રસાદસ્વામીએ આત્મીય મહોત્સવ ગોઠવ્યો.

આ બધા ‘ગુરુ/સ્વામી/બાપુઓ’ની પ્રતીષ્ઠાનો આત્મા, એમની પ્રવૃત્તીઓનો આત્મા છે : ભૌતીક ભભકો, વાતો નીતીની, સદાચારની અને આચરણ અધર્મનું. આ મહોત્સવો માટેનાં નાણાં આપનારા કોણ છે? વંચીતોની આંતરડી ચુસી ખાનારાં સ્થાપીત હીતો, મજુરોને પુરતી મજુરી નહીં ચુકવતા શોષણખોરો, કરચોરો, ભોળી પ્રજાને પગ નીચે દબાવતાં અસામાજીક તત્ત્વો આ ગુરુ/સ્વામી/બાપુઓની આજુબાજુ વીંટળાઈ વળ્યાં છે, અને એમાંથી પોષણ મેળવનારા આ ગુરુ/સ્વામી/બાપુઓ સદાચારનો, નીતીનો, ધર્મનો ઉપદેશ આપે છે! ભક્તી દ્વારા ક્રાંતીની વાતો કરે છે, વેદકાલીન સંસ્કૃતી પુન: સ્થાપીત કરવા હાકલ કરે છે. ગુરુ/સ્વામી/બાપુઓને સંસ્કૃતીની, હીન્દુ ધર્મની, હીન્દુઓની થોડી પણ ચીન્તા થતી હોત તો આવા પ્રતીષ્ઠા મેળવવાના મહોત્સવો ઉજવવાને બદલે વંચીત હીન્દુઓ વચ્ચે જઈને એમની આર્થીક પ્રગતી, સામાજીક પ્રગતી માટે કાર્ય કરત. ભોળા લોકોની ધાર્મીક લાગણીઓ સાથે રમતા આ ગુરુ/સ્વામી/બાપુઓ પાક્કા વેપારી જેવા છે. ધર્મક્ષેત્રમાં ગાય વાળે એ ગોવાળ. ધર્મક્ષેત્રમાં સાચ કરતાં સ્વાંગ વધારે અસરકારક કામ કરે છે.

સ્વામી સચ્ચીદાનન્દજીનો આક્રોશ જોઈએ : ‘કરોડો રુપીયાના ધુમાડા કરીને અનાવશ્યક ધાર્મીક મહોત્સવો, સામૈયાંઓ રચવાં, ધનનું લજ્જાજનક પ્રદર્શન કરી ગૌરવ અનુભવવું, વ્યક્તીવીશેષને સુપરમૅન દેખાડવા પ્રોપેગેન્ડા કરવો. આવા હેતુથી નીમ્ન કક્ષાના ભ્રષ્ટ રાજકારણીઓનો સાથ લેવો અને પોતાનો જયજયકાર કરાવવો… આવી વૃત્તીથી ધાર્મીક ક્ષેત્ર ઉભરાઈ રહ્યું છે. લોકોનું ઘડતર મોટી મોટી કથાઓથી કે મોટા મોટા મહોત્સવોથી નથી કરી શકાતું. પોતાની પાછળ ટોળાંઓને આંધળાં કરવાં એ ધર્મપ્રચાર નથી. એ વ્યક્તીપ્રચાર છે. વ્યક્તીઘેલા માણસો માનસીક અને બૌદ્ધીક રીતે સ્વસ્થ નથી હોતા. તેમની અસ્વસ્થતા એ રાષ્ટ્રની અસ્વસ્થતા બની જાય છે. ધનાઢ્ય લોકો મહોત્સવો, સામૈયાં માટે ધનના ઢગલા કરે છે. તેમની પાસે કાળું નાણું ઘણું છે. પ્રતીષ્ઠાની ભુખ છે. સૌની વચ્ચે જયજયકાર કરાવી લેવાની તૃષ્ણા છે. તેથી ધનાઢ્ય લોકો ધર્મપુરુષનો અને ધર્મપુરુષો ધનાઢ્ય લોકોનો ઉપયોગ કરે છે.’

ભોળા લોકોને આ ગુરુઓમાં ચમત્કાર દેખાય છે. કોઈને કૃષ્ણનો અવતાર લાગે છે, તો કોઈને ભગવાન. ગુરુના પ્રભાવથી અમુક લોકો સુધરી ગયા, અમુક વાલીયાઓ વાલ્મીકી બની ગયા, અમુક લાભ થયો એવી વાતો, દીવ્યકથાઓ ચાલે છે. ભક્તો તેમના ગુરુનું જીવન ચમત્કારોથી ભરી દે છે. તેમ કરવામાં ભક્તોને ભક્તી, શ્રદ્ધા, આનન્દનો અનુભવ થાય છે. શ્રદ્ધાને કારણે ગરજુ, નીરાધાર લોકોને થોડો માનસીક આધાર મળે છે અને ગુરુઓને પૈસા તથા પ્રતીષ્ઠા મળે છે, ગરજુ લોકોની ભક્તીમાં શ્રદ્ધા વધારે હોય છે, જ્યારે ધનીક લોકો, ખાધેપીધે સુખી લોકો પોતાની મોટાઈ, વૈભવ બતાવવા માટે ભક્તીમાં જોડાય છે. ગુરુઓ પોતાની ગાદીઓ સ્થાપીને દુરાચરણ, ભોળપણ, અજ્ઞાનની પરમ્પરા ચાલુ રાખે છે. પોતાને ઈશ્વર કહીને, પ્રગટબ્રહ્મસ્વરુપ કહીને, લોકો તરફથી પુજા લેતા ગુરુઓને સંકોચ થવો જોઈએ તેને બદલે મહોત્સવ ઉજવે છે! લોકોનું અજ્ઞાન જેમ વધુ તેમ મહોત્સવમાં સંખ્યા વધુ.

કેદારનાથજીએ કહ્યું છે : ‘માનપ્રતીષ્ઠાની એક વાર ચટ લાગ્યા પછી અને તેનું વ્યસન પડી ગયા પછી માણસની પહેલી સ્થીતી રહેતી નથી. તે દીવસે દીવસે અવનતી તરફ ધકેલાતો જાય છે. સાત્ત્વીકતાથી રહેનારા ભક્ત કોટીના માણસો પણ લોકોએ આપેલી માનપ્રતીષ્ઠાને લીધે અને કીર્તીને લીધે પોતાને ઈશ્વર માનવા લાગે છે. એટલો મદ અને નશો આ મોહમાં છે કે થોડા દીવસમાં જ માણસને પોતાની મનુષ્યતા ભુલાવી દે છે. આ મોહમાં માણસ સપડાય એટલે પહેલી વાત એ બને છે કે તેની સત્ય પરની શ્રદ્ધા ઓછી થાય છે. પોતામાં હોય તે ગુણો સાથે, ન હોય તે ગુણો પણ પોતામાં છે એમ બતાવવાની વૃત્તી થાય છે. તે ગુણો વીશે લોકો પ્રશંસા કરે તો તેને સારું લાગે છે. ઈશ્વરનો ભક્ત કહેવડાવનારા પણ પોતાનામાં ન હોય એવી ચમત્કારીક શક્તી પોતામાં છે એવો ભાસ કરાવે છે, અથવા તેવી શક્તી છે એમ લોકો કહેવા લાગે એટલે તે તેને માન્ય કરે છે. અહંકાર જાગ્રત થયા પછી વીવેક રહેવો કઠણ છે. આ રીતે સત્ય છુટી ગયા પછી, અનુચીત બાબત તેના તરફથી થવા લાગે છે.’

‘ગુરુ/સ્વામી/બાપુઓ’ સામાજીક સંવાદીતા ઉપર ભાર મુકે છે; પણ તેમની વચ્ચે એકતા નથી. બધા પોતપોતાનાં સીંહાસનો ઉપરથી સામાજીક એકતાનો ઉપદેશ આપે છે. અસ્પૃશ્યતાનાબુદીની, દલીત–ઉદ્ધારની વાતો કરે છે; પરન્તુ પોતાનું આચરણ સંકુચીત, સડેલી વીચારધારા મુજબનું અને સામન્તશાહી ઢબનું હોય છે. સમાજના ભાગલા પાડનારાઓ સામાજીક સંવાદીતાની વાતો કરતાં થાકતા નથી. સ્વામીનારાયણ સમ્પ્રદાયના 200 વર્ષની અન્દર અનેક ફાંટા પડી ગયા છે. મુળ ગાદીવાળા બીજાને વીમુખ રહે છે, કુતરા અને સાપ જેવા કહે છે. આ પ્રગટબ્રહ્મસ્વરુપો અન્દરોઅન્દર અસ્પૃશ્યતા પાળે છે અને દ્વેષ રાખે છે અને વાતો ‘સોશીયલ હારમની’ની કરે છે! આ ગુરઓ સમાજને કઈ રીતે ઉપકારક બની શકે તે સમજવું મુશ્કેલ છે.

ગુરુઓ વૈચારીક સ્વાતન્ત્ર્ય ઉપર, અભીવ્યક્તી–સ્વાતન્ત્ર્ય ઉપર જોખમ ઉભું કરે છે. ગુરુઓ કહે છે : ‘વીમુખનો સંગ તજો તત્કાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી’ ઉપરાન્ત : ‘નઠારો સંગ નરસાતણો કહું છું કોઈ કરશો નહીં. નાગ, વાઘ, વીષ, વન્હી એ વીમુખથી સારાં સહીં… ઢેઢ, ઢેમર, ઢોલવી, મ્લેચ્છ, પારધી, ગૌમાર. એના સ્પર્શના પાપથી વીમુખનું પાપ અપાર,’ ગુરુઓનો મુદ્રાલેખ હોય છે : ‘વીમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત.’ ગુરુઓ હુકમ કરે છે : ‘વીમુખને અધર્મી જાણવો અને સર્વે મુરખનો રાજા જાણવો. અમારા કહેવા પ્રમાણે નહીં રહે તે અમારો નથી, એને ચંડાળ જેવો ગણવો.’ ગુરુઓ અલગ અલગ સીંહાસનો ઉભાં કરી લોકોને અન્દરોઅન્દર લડાવી મારે છે, વૈચારીક સ્વાતન્ત્ર્ય હણી લે છે, અને સામાજીક બન્ધીયારપણું ઉભું કરે છે. આવા ગુરુઓ લોકોની નૈતીક પ્રગતીની વાતો કરે છે. શાબ્બાશ!

કીશોરલાલ મશરુવાળા લખે છે : ‘આપણા દેશના સાધુ–સન્ત, આચાર્ય, સદ્ગુરુ, મહાત્મા અને સમ્પ્રદાયપ્રવર્તકોએ લોકોને શ્રદ્ધાને નામે દુર્બળ તથા સગુણભક્તીનેનામે મનુષ્યપુજક બનાવી મુક્યા છે… શીષ્યો ભક્તો જે પોતે પ્રાપ્ત કર્યું નથી તે જગતને પ્રાપ્ત કરાવવા અધીરા થઈ પોતાના ગુરુનું શરણ લેવા જગતને નોતરે છે. શીષ્યોનું ટોળું ગુરુની પાછળ ભેગું થતાં એમાંથી એક પંથ નીર્માણ થાય છે. ગુરુ પોતે પણ કેવળ શબ્દજ્ઞાની જ હોય, અથવા કોઈક પ્રકારના મોહમાં રહ્યો હોય, તો એ પંથ સ્થાપવામાં જગતનું કલ્યાણ માની કે મનાવી એ પ્રયત્નને ઉત્તેજન આપે છે. આમાંથી આગળ જતાં ગાદીઓની પરમ્પરા ચાલે છે…’

‘બોચાસણબંડનો ઈતીહાસ’ નામનું પુસ્તક સ્ફોટક છે. તેમાં ‘અક્ષરપુરુષોત્તમ’ નામનો અલગ પંથ કેવી કેવી તરકીબોથી ઉભો થયો તેનું વર્ણન કરેલું છે. ‘જેણે મુકી લાજ એને નાનું સરખું રાજ’ એ સીદ્ધાન્ત મુજબ પંથોનું નીર્માણ થાય છે; પછી ભક્તો ગુરુનું શરણ લેવા જગતને નોતર્યા કરે એટલે પંથો પુષ્ટ થાય. સાહીત્યકાર રધુવીર ચૌધરીએ ‘સ્વામીનારાયણ સન્ત સાહીત્ય’ નામના ગ્રન્થનું સમ્પાદન કર્યુ છે. આ ગ્રન્થમાં સાહીત્યકારે સ્વામી સહજાનન્દને ‘ભગવાન’, ‘અવતારી પુરુષ’, ‘દૈવી શક્તી ધરાવનાર’ અને ‘લીલા કરી ગેલા યુગપુરુષ’ તરીકે ચીતર્યા છે અને સમ્પ્રદાયના ગુણગાન ગાયાં છે. સહજાનન્દજીનું સાહીત્ય જોતાં સ્પષ્ટ થાય છે કે તે મનુવાદી હતા, વર્ણવાદી હતા.

પ્રો. મકરન્દ મહેતા‘સમ્પ્રદાયઘેલા’ સાહીત્યકારોની ચામડી ખોતરીને જોયું તો સ્પષ્ટ થયું કે આ તો ભક્તીભાવથી સંશોધન કરી રહ્યા છે. સાહીત્યભાવથી નહીં. મકરન્દ મહેતાએ લખ્યું છે : ‘જેવી રીતે મુડીવાદી સમાજમાં પ્રયોજકો પુંજી પ્રાપ્ત કરવાના હેતુથી પોતાની આસપાસના આર્થીક વાતાવરણનું બારીકાઈથી અવલોકન કરીને તેમાં રહેલી ગર્ભીત તકોના તાગ કાઢે છે, નફા–તોટાની ત્રીરાશી માંડે છે, મુડી, મજુરી અને કુદરતી સાધનોને સહેતુક સાંકળે છે, વ્યાપારી સંસ્થા સ્થાપીત કરે છે અને આકર્ષક જાહેરાતો દ્વારા પોતાનો માલ ખરીદવા ગ્રાહકોને લલચાવે છે તેવી રીતે ધર્મસમ્પ્રદાયોના સ્થાપકો પણ લોકસમુદાયને તેમની તરફ આકર્ષવા પોતાની આસપાસનાં તર્ક–વર્તુળોનો તાગ મેળવે છે. તેને ઝડપે છે. વ્યક્તીઓ અને પંથોને નભાવે છે તેમ જ કાર્યક્ષમ વ્યવસ્થાતન્ત્ર ઉભું કરીને અનુયાયીઓનું સંખ્યાબળ વધારે છે. ઘણાખરા સમ્પ્રદાય–સ્થાપકો, મન્દીરોને અંગત મીલકત ગણીને છેવટે કુટુમ્બીજનોમાં વહેંચી આપે છે.’

આધુનીક સમસ્યાઓનો ઉકેલ રામાયણમાં છે તેમ કહેનાર બાપુએ આકાશીકથા કોના માટે કરી હશે? ભુમી ઉપર જીવતા વંચીતોની સમસ્યાઓ જોવા માટે બાપુને આકાશમાં જવું પડ્યું? નજીકથી વંચીતોમાં, ભક્તોમાં બાપુને રામ નહીં દેખાયો હોય તેથી આકાશે ચડ્યા હશે? દીકરીનાં લગ્નનો ખર્ચ જોઈ ગયેલા ઈન્કમ ટેક્સવાળાઓને અંગુઠો બતાવવા બાપુ આકાશે ચડ્યા હશે?

વેદકાલીન સમાજમાં, વૈદીક જીવનમાં અવતારવાદ કે મુર્તીપુજાને સ્થાન ન હતું તેમ દયાનન્દજીએ કહ્યું છે. ‘ગાયત્રીમન્ત્ર’માંથી ‘ગાયત્રીદેવી’ની મુર્તી ઉભી કરી, શ્રદ્ધાળુ લોકોના કરોડો રુપીયા અગ્નીમાં ફુંકી દેવામાં આવે તે શરમજનક છે. તેમાં સ્થાપીત હીતોને સંસ્કૃતીનો દીગ્વીજય દેખાય છે! ક્યાં સુધી આવી અન્ધશ્રદ્ધા ચાલુ રહેશે? 4 જાન્યુઆરી, 1995ના રોજ જામનગર જીલ્લાના ધુનડા ગામની સીમમાં હરીરામબાપાના ભક્તે પોતાના સગા દીકરાનું માથું વાઢીને લાશની પુજા કરેલી! ગાયત્રીયજ્ઞમાં, મહોત્સવોમાં ભેગા થયેલાં લાખો ભક્તોનાં માથાં ધડ સાથે ભલે જોડાયેલાં હોય; પરન્તુ તેમાં કોઈ ચેતના આ ગુરુઓએ રહેવા દીધી છે? ગુરુઓ માણસને ચોકઠાબધ્ધ કરે છે. ગુરુઓ ભક્તની વીવેકશક્તી છીનવી લે છે. ભક્તો સંકુચીત અને ઝનુની બને છે. શાસ્ત્રકારો, ગુરુઓ, ઈશ્વર પર પોતાનો કબજો જમાવી બેઠા છે. ઈશ્વરનો ઉપયોગ પ્રાચીન કાળને નભાવવામાં જેમનો સ્વાર્થ છે એમને માટે જ મોટેભાગે થાય છે. ગુરુઓ પોતાની કીર્તી ફેલાવવા માટે વેદોનો આધાર લે છે અને મુર્તીપુજાનું પાખંડ ચલાવે છે. મન્ત્રોચ્ચારથી પથ્થર ધાતુની જડ મુર્તીઓમાં જો પ્રાણનું સ્થાપન થઈ શકતું હોય તો આ ગુરુઓ પોતાનાં મા–બાપના શબમાં મન્ત્રો દ્વારા પ્રાણસ્થાપના શા માટે કરતા નથી? નકલી સીંહથી પશુઓ પણ ડરતા નથી. માટીના ઉન્દર ઉપર બીલાડી તરાપ મારતી નથી. માણસ શા માટે મુર્તીને વળગી રહ્યો હશે? મન્ત્રોચ્ચારથી જો અગ્ની પ્રગટ થતો હોય તો પ્રથમ મન્ત્ર ઉચ્ચારનારની જીભ દાઝી જવી જોઈએ! યજ્ઞો, મહોત્સવો કરવાથી ભુખે મરતા શ્રદ્ધાળુ માણસોના આંતરડામાં ખોરાક આવી જતો નથી. સાધનહીન સાધનસજ્જ બની જતા નથી. સમસ્યાઓ ઘટવાને બદલે વધે છે. વકરે છે. બધો નફો ગુરુઓને, ભક્તોને નકરું નુકસાન. શંકરાચાર્ય પુછે : સર્વવ્યાપી છે તેને ઘંટઘંટડી વગાડીને બોલાવવો શું? જે સમસ્ત ભુમંડળનો આધાર છે તેને આસન આપવું શું? જે સ્વચ્છ છે તેને પાદપ્રક્ષાલન અને મુખપ્રક્ષાલન કેવું?

કેદારનાથજી કહે છે : ‘વૈદીક મન્ત્રોના સામર્થ્યથી મુર્તીમાં દૈવત્ય અને દીવ્યત્વ આવે છે એવી લોકમાન્યતાને લીધે અથવા તે પર જેમનો નીર્વાહ ચાલે છે; તેમના લોભને લીધે સમાજમાં જેટલા ભ્રમ અને દમ્ભ પેદા થાય છે અને જેટલાં અનીષ્ટ પરીણામો આવેલાં છે; તેના કરતાંયે વધારે ભ્રમ અને દમ્ભ નામસ્મરણથી ઈશ્વર સન્તુષ્ટ થઈને દર્શન આપે છે અને જેને ઈશ્વરજ્ઞાન અને દર્શન થયેલું છે; તે સાધુની દીવ્ય શક્તીથી ગમે તે ચમત્કારો થાય છે અને તેનામાં દીવ્ય સામર્થ્ય હોય છે એ શ્રદ્ધાને લઈને પેદા થાય છે. સમાજ પર તેનાં વધારે અનીષ્ટ પરીણામો થયેલાં છે અને થાય છે. ધાર્મીક નીરુપયોગી કર્મકાંડના નીમીત્તે આપણે બાહ્ય આડમ્બર, દમ્ભ અને ધુર્તતાનું પોષણ કરીએ છીએ. ક્રીયાકાંડથી પ્રાપ્ત થતા પુણ્યના બળે આ લોકમાં અને પરલોકમાં આપણને સુખ મળશે એ શ્રદ્ધા પર આપણે સમાજદ્રોહ કરીએ છીએ. અનાચાર કરતાં રહેવું અને સાથે સાથે તેમાંથી મુક્તી મેળવવા કાલ્પનીક ખોટા ઉપાય કરવા એ મહાભ્રાંતી છે.’ પંડીત સુખલાલજી નોંધે છે : હું પોતે ચમત્કારની ચર્ચામાં પડતો નથી; કારણ કે એથી ચીત્ત બન્ધાઈ જાય છે.

––––––––––––––––––––––––

ઈન્ટરનેટ–ઉપવાસ(Keeping Away from Internet)

હું 8 ડીસેમ્બર, 2018થી એક મહીના માટે મારી આંખની સારવાર અર્થે ઈન્ટરનેટ દ્વારા કાર્યરત મારાં બધાં ઉપકરણોથી અળગો રહેવાનો છું. આમ છતાં, દર શુક્રવારે સવારે ‘લેખ’ અને સોમવારે સાંજે ‘વીડીયો’ નીયમીત પ્રગટ થાય તેવો આગોતરો ઉપક્રમ ગોઠવ્યો છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના સબસ્ક્રાઈબર્સને ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ દ્વારા તેમ જ ‘ફેસબુક–પેજ’, ‘ગુગલ+’ અને ‘ટ્વીટર’ જેવા સોશીયલ મીડીયા દ્વારા નવી પોસ્ટ (‘લેખ’ અને ‘વીડીયો’) પ્રગટ થયાની જાણ થતી રહેશે.

લેખકમીત્રો અને વાચક/પ્રતીભાવકમીત્રો, જેઓ મારા ‘ઈ.મેઈલ’ કે ‘વૉટસએપ’ દ્વારા નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી મેળવે છે, તેવા મીત્રો ‘અભીવ્યક્તી’ બ્લૉગની જમણી બાજુએ ‘સભ્યપદ’ વીભાગમાં તેમની ‘ઈ.મેઈલ’ આઈડી લખી, ‘સબસ્ક્રાઈબર’ બનશે તો તેમને નવી પોસ્ટ પ્રગટ થયાની જાણકારી ‘વર્ડપ્રેસ.કોમ’ વેબસાઈટ તરફથી આપોઆપ મળી રહેશે.

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––

કીશોરલાલ મશરુવાળા કહે છે : ‘આજે રાજકીય થઈ પડેલા કેટલાયે સવાલો અને ઝઘડાઓના મુળમાં ઉતરીશું તો જણાશે કે પ્રચલીત મોટા ધર્મો વીશેની ખોટી શ્રદ્ધાઓ તથા તે વીશેનાં મીથ્યાં અભીમાનોએ તે નીર્માણ કર્યા છે. એ હવે ધર્મોના માર્ગો રહ્યા નથી; પણ એવા તુટી ગયેલા, ભુંસાઈ ગયેલા અવશેષો છે કે એ પરથી જવાનો પ્રયત્ન ઘોર અરણ્યમાં જ માનવસમાજને લઈ જાય છે. અને મોહવશ થઈ આપણે સૌ પોતપોતાના ચીલાને જ સાચો માની ખોટી કેડીને દુરસ્ત કરવાનો પ્રયત્ન કરી પાકી કરવા મથીએ છીએ. રામ, કૃષ્ણ વગેરે પુરુષોમાંથી જે કોઈ ખરેખર થઈ ગયા હોય તેમને બીજા સર્વે મનુષ્યો જેવા મનુષ્ય જ સમજવા જોઈએ. એ સમર્થ હતા, ઐશ્વર્યવાન હતા. આથી વધારે દીવ્ય શોભા એમના નામની આજુબાજુ રચી, એમને કાલ્પનીક પદે ચડાવી, એમની કૃત્રીમ પુજા કરવાથી મનુષ્યને કે સમાજને કોઈ લાભ થતો નથી. એનાં નુકસાનો ઘણાં છે. દરેક સમ્પ્રદાયપ્રવર્તક પોતાની કે બીજી પેઢીમાં ઈશ્વરનો અવતાર બને છે.’ મોટાભાગના ભક્તો માનસીક રીતે આળસુ હોય છે. તે મનથી કોઈ પણ જાતનો શ્રમ કરવા ઈચ્છતા નથી. તેથી જ દુનીયામાં આટલા વાદ, આટલા ઈશ્વર, આટલા ગુરુ અને આટલા ભક્તોની લાંબી હારમાળા જોવા મળે છે. ભક્તોનું આર્થીક શોષણ કરતાં માનસીક શોષણ વધારે થાય છે. હીટલરે લખ્યું છે : પ્રચારનું આક્રમણ જો પ્રપંચી અને સતત હોય તો લોકો પોતાના ભયાનક વેદનામય જીવનને સુખી સમજતા થઈ જાય.

સમાજશાસ્ત્રનાનામે, આધુનીક વીચારોના નામે, વૈદીક સંસ્કૃતીના નામે પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું છે : ‘શુદ્રત્વ સાયન્ટીફીક છે. વર્ણ કર્મથી નહીં, જન્મથી નક્કી થવો જોઈએ. વીધવાલગ્ન નૈતીક દૃષ્ટીએ ખરાબ છે કેમ કે વીધવા બીજું લગ્ન કરે અને તેને પુત્ર થાય તો તેની આકૃતી પહેલા પતી જેવી હોય છે.’ એમના જન્મદીને લાખો માણસો ભેગા થાય તેનો અર્થ એ કે સમાજમાં શાસ્ત્રીની આવી વીચારધારામાં વીશ્વાસ રાખનારા દરીયામાં ન સમાય તેટલા છે.

મહોત્સવરોગનો ચેપ અખબારોને લાગ્યો છે. આકાશીકથા, ગાયત્રીયજ્ઞ, જન્મોત્સવ, આત્મીય મહોત્સવના સમાચારો જ્યારે અખબારોમાં મોટાં મોટાં મથાળા સાથે છપાયા ત્યારે ઝીણાંઝીણાં મથાળાં સાથે ઠંડી–ગરમી–વરસાદથી આટલાં વંચીતો મર્યા, આટલા ઉપર અત્યાચારો થયા વગેરે સમાચારો પણ છપાયા હતા. કોઈ તન્ત્રીને સુઝતું નથી કે આ વીરોધાભાસ કેમ છે? ગુરુઓની પ્રવૃત્તીની પ્રબળ અસર પડતી હોય તો અનાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર ઓછા થવા જોઈએ. શોષણ ઓછું થવું જોઈએ. વંચીતોની હાડમારી ઓછી થવી જોઈએ; પરન્તુ પરીણામ ઉલટું આવે છે. મહોત્સવમાં એકત્ર થયેલ ટોળાઓમાં અખબારોને ‘સર્ક્યુલેશન’ દેખાય છે. ગુરુઓને ‘ભક્ત’ દેખાય છે, રાજકીય નેતાઓ તેમાં ‘મતદાર’ ભાળે છે. ‘માસ મીડીયા’ ધારે તો આ ગુરુઓનો વરખ ઉતારી શકે છે; પરન્તુ આ કામ થતું નથી. ગુરુઓ સુવર્ણથી તોળાય ત્યારે માસ મીડીયા ગુરુઓ ઉપર વધારે ઢોળ ચડાવે છે. ‘સંદેશ’ના તન્ત્રીએ પાંડુરંગજીના ફોટા નીચે લખેલું : કૃષ્ણનું જ એક નામ છે પાંડુરંગ’ ‘જનસત્તા’ના તંત્રીએ પાંડુરંગજીની તસવીર નીચે લખેલું : ‘માણસના આતમરામને જગાડવાનું પુણ્યકાર્ય કરી રહેલા અર્વાચીન હીન્દુ સંસ્કૃતીના ધ્રુવતારક.’ ‘ગુજરાત સમાચાર’માં પાંડુરંગજીના ફોટા નીચે લખેલું : ‘ઋષી–સંસ્કૃતી સજીવન કરનાર પુજ્ય દાદાનો અસીમ જયજયકાર હો.’ અખબારો વાચકોને અવાસ્તવીક, કાલ્પનીક દુનીયામાં ખેંચી જાય છે. ‘માસ મીડીયા’ની આ બીમારી અને ‘મહોત્સવરોગ’ અંગે અખાએ પરફેક્ટ ભવીષ્યવાણી કરેલી :

ઉંધ્યો કહે, ઉંધ્યો સામ્ભળે, તેથી જડપણું ન ટળે,

જ્યમ ચીતરામણના દીપકથી અખા અન્ધારું ન ટળે.

 –રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના તા. 16 માર્ચ, 1995ના અંકમાંથી, લેખીકાના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક–4, પુસ્તીકાનાં પાન 34થી 40 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–12–2018

10 Comments

  1. રચનાબેન નાગરીક તમને હાર્દિક સલામ. તમારા લેખનો અેકે અેક શબ્દ સચચાઇનો પુરાવો છે. ભારતમાં….હિન્દુઓમાં બે પ્રબળ ચીલાઓ છે….ઘાર્મિક અને બીજા પોલીટીશીયનો. આ બન્ને ભારતને ડૂબાડીને જ રહેશે. વઘતી વસ્તી તે બન્નેને માટે….વિશાળ પટાગણ પુરુ પાડે છે. ડાર્વિનના ત્રણ નિયમો અહિં પુરે પુરા લાગુ પડે છે….૧. વિશાળ જન્મપ્રમાણ. ૨. જીવનનિર્વાહ માટે સંગ્રામ અને ૩. શક્તિશાળીનો વિજય. આ શક્તિશાળી અેટલે….ઘનાઘ્ય હોવું..જે પ્ૈસાથી કાંઇ પણ ખરીદી લઇ છકે અને બીજો ઘાર્મિક વડો…ગુરુઓ, કથાકારો, જેવા બીજા. રીચ અને પોલીટીશીયનો….દેશ ને દેશના નાગરીકોની ચિંતા નથી કરતાં. બે પુસ્તકો વાંચવા લાયક છે. ૧ સૌરભ શાહનું પુસ્તક : મહારાજ. ૨. સ્વામી સચ્ચીદાનંદજીનું પુસ્તક : અઘોગતિનું મૂળ, વર્ણવ્યવસ્થા..
    રચનાબેનના આ આર્ટીકલને છાપીને ગોવિંદભાઇઅે ગુજરાતીઓ ઉપર મોટો ઉપકાર કર્યો છે. ( આ લેખ ગુજરાતી ભાષામાં લખાયો છે તે માટે.)
    આવા લેખો વઘારે છપાય અને વઘારે વંચાય તેવું કાંઇક કરવું રહ્યુ.
    હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  2. ખૂબ જ સુંદર અનૈ સમકાલીન લેખ.
    આજે મોટા મહોત્સવો ને મંદીરો ના દાનવિરો, બિલ્ડરો ને શેરબજારીયા જ હોયછે….
    હિરા બજાર ના દાનવૅર નો કિસ્સો તાજો જ છે

    Liked by 2 people

  3. સરસ લેખ. હાર્દીક આભાર રચનાબહેન અને ગોવીન્દભાઈ. મુશ્કેલી માત્ર એટલી જ કે જે લોકોએ આ જાણવાની જરુર છે તેમાંના કેટલા આ વાંચશે? જેમ ઉપર રચનાબહેને જે મહાનુભાવોનો ઉલ્લેખ કર્યો છે, તેમને આપણા સમાજે સાંભળ્યા હોત તો આજે છે તેટલા અંધ અને બહેરા લોકો આજે ન હોત.

    Liked by 2 people

  4. ઉંધ્યો કહે, ઉંધ્યો સામ્ભળે, તેથી જડપણું ન ટળે,

    જ્યમ ચીતરામણના દીપકથી અખા અન્ધારું ન ટળે
    KETLU SARAL VAKYA PAN KETLU UNDU SATYA…KYARE APNE SAMAJISHU KE SATYA AEJ PARMESHWAR

    Liked by 1 person

  5. મોરારી બાપુને કહો કે રામ કથા કરવાને બદલે જન કલ્યાણ કેમ કરવું એના ઉપર પ્રવચન આપે. પત્થર ઉપર ગમે તેટલું પાણી રેડો તોય પત્થર પીઘળવાનો નથીજ . રચનાબેન નાગરીક, આપનો લેખ ખરેખર હૃદયસ્પર્શી છે. મોરારીબાપુએ ચાર કરોડના ખર્ચે આકાશી કથાનું આયોજન કર્યું. પૈસા ક્યાંથી આવ્યા એ જાણવું જરૂરી નથી પણ આકાશી કથાથી કેટલાને લાભ થયો? બની બેઠેલા ખોટા ધર્મગુરુનાં ચમત્કારને જે લોકો નમસ્કાર કરે છે. -જય જીનેન્દ્ર .

    Liked by 1 person

  6. રચનાબહેન અભિનન્દન, પણ આપણો ઘેટા ના ટોળા જેવો સમાજ જાગશે ખરો?
    અને પોતાની પ્રસિદ્ધિ માટે કથાકારો જનમાનસને વધારે અન્ધ બનાવે છે. પણ સમાજને ઢંઢોળવાની જરૂર તો છે જ.

    Liked by 1 person

  7. Rachanaben,
    Kudos and congratulations for this Open, Honest, Frank, Bold and Fearless article with naming names. It requires a lot of courage to write against and about such goons either in politics,religions or business and industry! You are true to your name NAGARIK by full filling a Civic duty or Nagrikta.
    Just think how much courage Akho must have mustered about 350 years ago for writing about such thugs, openly in his Chappas.
    Congratulations to you Govindbhai also for publishing this article, and wish only for more and more of this kind of write ups.

    Liked by 1 person

  8. બહુજ સરસ લેખ. આપ લોકોની જાણ માટે લખવાનું કે આ ધતિન્ગ હિન્દુઓ પૂરતું મર્યાદિત નથી. મુસ્લિમોમાં પણ ઍવુ થઈ રહયું છે. વારે તહેવારે, ખાસ કરી ને મહોરમ મહિનાના તાજીયા જુલુસ, પયગંબર સાહેબના જન્મદીને તથા અન્ય અવસરોઍ કરોડૉ રૂપીયાનો ધુમાડો કરી ને જે ધતિન્ગો થાય છે, તેના બદલે જો આ જ નાણા દરિદ્રોના કલ્યાણ કાજે ખરચવામાં આવે, તો તે સાર્થક કહેવાય. મોટા મોટા પાખંડીઓ બે નંબરના કામ કરીને ઍ પૈસાથી જાત્રા (હજ) પર જાય છે, તથા ઍ જ કાળા નાણાથી ધાર્મિક કાર્યક્રમો યોજે છે, અને પાખંડી ધર્મગુરૂઓ આવા ધતિન્ગો ને પ્રોત્સાહન આપે છે.

    Liked by 1 person

Leave a comment