આયુર્વેદના વૈદ્યો

ચરક અને સુશ્રુત જેવા વૈદ્યરાજોએ બહુ જ સંશોધન, પ્રયોગો અને અનુભવોના આધારે ચીકીત્સા–પદ્ધતીનું સર્જન કર્યું હતું. કોણ જાણે શા માટે ભારતના વૈદ્યો–વૈજ્ઞાનીકો તેને જ અંતીમ સત્ય માનીને વધારે સંશોધન કે પ્રયોગો કર્યાં નહીં? શું આ પદ્ધતીની પ્રગતી અટકી ગઈ અને ખાબોચીયું બની ગયું?

આયુર્વેદના વૈદ્યો

લક્ષ્મીદાસ ખટાઉ

વેદ–સંસ્કૃતી જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી ત્યારે જે ચાર વેદો તથા ચાર ઉપવેદો લખાયા, તેમાંનો એક ઉપવેદ તે આયુર્વેદ છે. તે સમયના સન્દર્ભમાં જોઈએ તો આયુર્વેદ–પદ્ધતી બીજા દેશો અને સંસ્કૃતીઓની ઉપચાર–પદ્ધતીઓ કરતાં થોડી વધારે વૈજ્ઞાનીક અને અસરકારક હતી. તે સમયે એલૉપથી તો તદ્દન ભુવા–ઉપચાર–પદ્ધતી જેવી ઉપચાર–પદ્ધતી હતી. યુનાની અને આયુર્વેદ બન્ને સમકાલીન હતી. કુદરતી ઔષધીઓ, જડીબુટ્ટીઓ, રસાયણો, ભસ્મોમાંથી આ ઉપચાર–પદ્ધતીઓની દવાઓ બનાવવામાં આવતી. ચરક, સુશ્રુત જેવા મહાન વૈદ્યરાજાએ બહુ જ સંશોધન, પ્રયોગો અને અનુભવોના આધારે ચીકીત્સા–પદ્ધતીનું સર્જન કર્યું. જ્યાં સુધી અંગ્રેજોનું શાસન આવ્યું ન હતું ત્યાં સુધી તો ભારતમાં આયુર્વેદ અને યુનાની એ બે જ ઉપચાર–પદ્ધતીઓ પ્રચલીત હતી.

એલૉપથી–પદ્ધતીએ છેલ્લાં બસો વર્ષો દરમીયાન સારી પ્રગતી કરી અને આ પદ્ધતી ઉંટવૈદામાંથી વૈજ્ઞાનીક ઉપચાર–પદ્ધતી બની. બ્રીટીશશાસન દરમીયાન એલૉપથી ભારતમાં લોકપ્રીય બનવા લાગી અને વખત જતાં આયુર્વેદ તથા યુનાની ઉપચાર–પદ્ધતીઓનું મહત્ત્વ તદ્દન ઘટી ગયું. આજે તો હવે જ્યાં સુધી એલૉપથીની સારવારથી કોઈ રોગ મટતો હોય ત્યાં સુધી કોઈ અન્ય ઉપચાર–પદ્ધતીની સારવાર લેવાતી નથી.

અફસોસની વાત તો એ છે કે એક સમયે આયુર્વેદીક એલૉપથીથી પણ વધારે શાસ્ત્રીય અને અસરકારક ઉપચાર–પદ્ધતી હતી. કોણ જાણે શા માટે ભારતના વૈદ્યો–વૈજ્ઞાનીકો પ્રમાદી બની ગયા અને ચરક અને સુશ્રુત જેવા વૈદ્યરાજો જે કંઈ લખી ગયા તેને અંતીમ સત્ય માનીને આ પદ્ધતીમાં વધારે સંશોધન કે પ્રયોગો કર્યાં નહીં. તેથી આ પદ્ધતીની પ્રગતી અટકી ગઈ અને ખાબોચીયું બની ગઈ. આયુર્વેદનો મુળભુત સીદ્ધાંત એ છે કે કફ, વાયુ અને પીત્તના દોષ–પ્રકોપના કારણે બધા રોગો થાય છે. આ સીદ્ધાંત સંપુર્ણ વૈજ્ઞાનીક સત્ય નથી પણ આંશીક સત્ય છે. આ ત્રણ તત્ત્વોની માત્રામાં શરીરમાં વધઘટ થાય તો રોગ થાય. આ માન્યતાની વાડાબંધીમાં આયુર્વેદ ફસાઈ ગયું. એટલે આયુર્વેદની દવાઓ ફક્ત પાચનક્રીયાના કેટલાક રોગો તથા અન્ય સામાન્ય પ્રકારના ખાંસી, ચામડીના સામાન્ય રોગોમાં અસરકારક બને છે. પણ પછી સુક્ષ્મ જીવાણુઓથી થતા ટાઈફૉઈડ, ક્ષય, સીફીલીસ જેવા રોગોમાં આયુર્વેદનો ઉપચાર જરા પણ અસરકારક બની શકતો નથી; કારણ કે સુક્ષ્મ બૅક્ટરીયા, વાઈરસના અસ્તીત્વની અને તેમના કારણે રોગો થાય છે તેની જાણકારી આયુર્વેદના વૈદ્યો પાસે ન હતી. અને હવે તેની જાણકારી હોવા છતાં પણ જડીબુટ્ટી, રસાયણોમાંથી આ રોગો મટાડવા માટેની દવાઓ આયુર્વેદના ડૉક્ટરો બનાવી શક્યા નથી. સુક્ષ્મ જીવાણુઓથી થતો જીવલેણ રોગ મટાડી દેવાનો કોઈ વૈદ્ય દાવો કરે તો તેનો ભરોસો કરશો નહીં. પૈસા કમાવવાની ખાતર તમને તે એવો તદ્દન જુઠ્ઠો દાવો કરે છે. જીવલેણ રોગમાં વૈદ્યની સલાહ મુજબ સારવાર લેવાય તો પૈસા તો છુટી જાય, આરોગ્ય વધારે બગડે અને જીવનું પણ જોખમ ઉભું થાય.

સ્વામી સચ્ચીદાનંદજીએ તેમનું પુસ્તક ‘આપણે અને આપણો સમાજ’માં આયુર્વેદ વીશે લખ્યું છે કે ‘આયુર્વેદનું અસ્તીત્વ રહ્યું પણ વીકાસ ન થયો. એક તરફ ભુતકાળની ભવ્યતાના મોહમાંથી જન્મેલી અન્ધશ્રદ્ધાએ તેમાં (આયુર્વેદમાં) પુર્ણતાનું પુર્ણવીરામ મુકી તેને પ્રગતીહીન બનાવ્યો. બીજું રોગો, સુખદુઃખ બધું પુર્વના પ્રારબ્ધથી થાય છે, માટે તેનું નીરાકરણ કર્યા વગર ભોગવી લેવામાં જ ઉત્તમ જ્ઞાનપણું છે, તેવી આધ્યાત્મીક ફીલસુફીએ જીવનને નકારાત્મકતા તરફ ધકેલ્યું. પરીણામે આયુર્વેદ સ્થગીત થઈ ગયો.’

પુર્વજન્મના પાપને કારણે કોઢ થાય છે એમ આયુર્વેદનાં પુસ્તકોમાં કહેવામાં આવ્યું છે. તે હકીકત સ્વામીજીના મંતવ્યને સમર્થન આપે છે કે મનુષ્યને થતા રોગોને પાપ–પુણ્યની ફીલસુફી સાથે સાંકળવાથી આયુર્વેદ–પદ્ધતી વૈજ્ઞાનીક ઉપચાર–પદ્ધતીને બદલે ફીલોસૉફી બની ગઈ. ચરક, સુશ્રુતનાં પુસ્તકોમાં તો શલ્ય–ઉપચાર એટલે ઑપરેશન સર્જરી વીશે પણ ઉલ્લેખ છે અને આયુર્વેદના પ્રશંસકો આ હકીકતનો ઉલ્લેખ કરવામાં ગૌરવ માને છે; પણ ખરેખર તો આ એક શરમની વાત છે કે શલ્યવીદ્યામાં કંઈ પ્રગતી ન થતાં તે વીદ્યા તદ્દન ભુલી જવાઈ. જો તે સમયથી જ શલ્યવીધી વીશે વધારે સંશોધન–પ્રયોગો ચાલુ રાખવામાં આવ્યાં હોત તો આયુર્વેદની શલ્યવીદ્યા એલૉપથીની સર્જરીથી પણ આગળ વધેલ હોત. આ તો હવે ઢોળાયેલા દુધ પર પસ્તાવો કરવા જેવી વાત છે.

આયુર્વેદ ઉપચારકો લોકોને કેવી રીતે છેતરે છે તે જોઈએ. આયુર્વેદની દવાઓમાં એલૉપથીની દવાઓ ભેળવી દે છે અથવા તો સીધે–સીધો એલૉપથીની દવાઓનો ઉપયોગ કરે છે. આ એક બહુ જ ખતરનાક માર્ગ છે; કારણ કે એલૉપથીની કેટલીક દવાઓમાં ઝેરી રસાયણો હોય છે. કયા રોગમાં કેટલા પ્રમાણમાં આ દવાઓ વાપરવી તેની પુરેપુરી જાણકારી વૈદ્યોને હોતી નથી. આ દવાઓની આડઅસર થાય તો વળતો શું ઉપાય કરવો તેની જાણકારી પણ તેઓને હોતી નથી. કોઈ વખત વૈદ્યની અજ્ઞાનતાના કારણે અપાયેલ એલૉપથીની દવાઓ જીવલેણ પણ બની જાય. જો કોઈ વૈદ્ય તમને વીટામીન્સ, ટૉનીક્સ સીવાયની એલૉપથીની કોઈ દવા લખી આપે તો લેવી નહીં. નહીંતર પસ્તાવાનો સમય આવે.

આયુર્વેદની દવાઓની આડઅસર હોતી નથી એવો પ્રચાર આયુર્વેદના સમર્થકો કરે છે તે વાત અર્ધસત્ય છે. એટલું ખરું કે જડીબુટ્ટીઓમાંથી બનાવેલી મોટા ભાગની દવાઓની આડઅસર હોતી નથી પણ તે સાથે કેટલાય રોગોમાં આ દવાઓની સીધી સારી અસર પણ હોતી નથી. આયુર્વેદની કેટલીક દવાઓથી આડઅસર પણ પેદા થાય છે. કેટલાક હઠીલા અને જીવલેણ રોગો માટે કેટલીક દવાઓમાં પારો, ગંધક, ધાતુઓ, ભસ્મ વગેરે વાપરવામાં આવે છે. તેવી દવાઓ જો વધારે લાંબો સમય લેવામાં આવે તો આડઅસર પેદા કરે છે. કીડની કે લીવરને હાની પહોંચાડી શકે છે. પુરુષવંધ્યત્વ (વીર્યમાં શુક્રાણુઓનો અભાવ કે અલ્પ સંખ્યા), સંધીવા, પથરી, ક્ષય, સીફીલીસ, ગોનોરીયા વગેરે રોગો માટે બનાવવામાં આવતી આયુર્વેદીક દવાઓમાંથી કેટલીકમાં સીસું અને આર્સેનીકનું પ્રમાણ હોય છે. ઉપરાંત આ દવાઓને વધારે અસરકારક બનાવવા તેમાં એલૉપથીની દવાઓની પણ ભેળસેળ કરવામાં આવે છે. આવી દવાઓ લાભને બદલે હાની કરી શકે છે.

એલૉપથીની દવાઓ બજારમાં વેચાવા મુકાય તે પહેલાં તેની અસરકારકતા અને આડઅસર વીશે ચકાસણી થાય છે. તે પછી બજારમાં વેચવા માટે સરકારી મંજુરી મળે છે; પણ આયુર્વેદની દવાઓ પર એવું નીયંત્રણ નથી. એટલે આ દવાઓ ખરેખર અસરકારક છે કે નહીં અથવા તેની ગુણવત્તા, ક્વૉલીટી કંટ્રોલના અભાવે જાણી શકાતાં નથી. તેનો ગેરલાભ આયુર્વેદની દવા બનાવનારો ઉઠાવે છે. એઈડ્સ, કૅન્સર, દમ, સંધીવા, ડાયાબીટીસ માટે સચોટ ઉપાય એવા તદ્દન જુઠ્ઠા દાવા સાથે જાહેરખબરો અખબારોમાં છપાય છે. તેથી લોકો છેતરાય છે.

ચ્યવનપ્રાશ આયુર્વેદીક ટોનીક તરીકે પ્રાચીન સમયથી જાણીતો છે. તેમાં મુખ્ય તત્ત્વ તો આમળાં છે. તેમાં વીટામીન સી વધારે પ્રમાણમાં હોય છે. આ વીટામીન આરોગ્યની જાળવણી માટે આવશ્યક છે.

ફળ, શાકભાજીમાં પણ આ વીટામીન હોય છે. ખાસ કરીને મોસંબી, સંતરાં જેવાં ખાટા ફળોમાં તે વધારે પ્રમાણમાં હોય છે. જો તાજાં ફળ તરીકે તેનો ઉપયોગ થાય તો લાભદાયી બને છે. પછી તેમને રાંધવામાં આવે અથવા સુકાઈ જાય તો વીટામીન્સ ઓછાં થઈ જાય કે તદ્દન નષ્ટ પણ થઈ જાય. ચ્યવનપ્રાશમાં આમળાનું વીટામીન સી કેટલા પ્રમાણમાં જળવાઈ રહે છે તેની તપાસ કોઈ કરતું નથી. તેમાં બીજાં અનેક ખાદ્ય તત્ત્વો – લગભગ 35–40 હોય છે. એટલે આમળાંની માત્રા તેમાં ઓછી હોય છે. તમે એક ચમચો ચ્યવનપ્રાશ ખાઓ અને એક–બે તાજાં આંબળાંની ચટણી ખાઓ તો ચ્યવનપ્રાશ કરતાં ચટણીમાંથી તમને વધારે વીટામીન મળે. ચ્યવનપ્રાશમાં મધ હોય છે. (કેટલાક મધ બનાવટી હલકી ક્વૉલીટીમાં તો ખાંડની ચાસણી પણ હોય છે). આ બધાં કારણોસર અખબારોમાં ચ્યવનપ્રાશની જાહેરખબરથી પ્રભાવીત થઈને પૈસા બરબાદ કરવામાં ડહાપણ નથી.

આયુર્વેદીક દવાઓમાં એકીસાથે અનેક ઔષધીઓ, જડીબુટ્ટીઓ વપરાય છે. જેમ આ ઔષધીઓની યાદી લાંબી તેમ તે દવા વધારે અસરકારક એવી માન્યતા પ્રચલીત છે. શું દરેક દવામાં 15–20 ઔષધીઓ, જડીબુટ્ટીઓની જરુર હોય છે? અરે ખુદ વૈદ્યોને પણ ઘણીવાર ખ્યાલ નથી હોતો કે આટલી બધી ઔષધીઓમાંથી કઈ ચોક્કસ ઔષધી ચોક્કસ રોગને દુર કરવામાં સહાયભુત બને છે. લાગે તો તીર નહીં તો તુક્કો એવા વલણથી 15–20 ઔષધીઓમાંથી કોઈ પણ એક–બે જ રોગ–નીવારણમાં સહાયભુત બની જશે એવા અનુમાન પર દવાઓ બનાવવામાં તો નથી આવતી ને, એવી શંકા જાગે.

આજકાલ જંગલો કપાતાં જાય છે. કેટલીક ઔષધીઓ, જડીબુટ્ટીઓ હવે પુરતી માત્રામાં મળતી નથી. કેટલીક તો તદ્દન નષ્ટ થઈ ગઈ છે. એટલે દવા બનાવનારાઓ આ ઔષધીઓને બદલે આ ઔષધી જેવી જ દેખાતી જડીબુટ્ટીઓ વાપરે છે. આ નકલી જડીબુટ્ટીઓ રોગ–નીવારણમાં કામ ન આવે. દાખલા તરીકે અશોકારીષ્ટ નામનું રસાયણ, જે સ્ત્રીઓની માસીક સ્રાવ સમ્બન્ધી તકલીફોમાં અત્યંત ઉપયોગી થાય છે, તેની બનાવટમાં વપરાતી વનસ્પતીનું અશોક નામનું ઔષધીય તત્ત્વ ધરાવે છે. આ છોડ અંદાજે બસ્સો રુપીયાનો મળે છે; પણ તેનું નકલી સ્વરુપ વીસ રુપીયે કીલોના ભાવે વેચાય છે. ઘણા ઉત્પાદકો આ બનાવટી અશોકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે એમ ડૉ. સરોજીની સંઘવીએ સમકાલીન દૈનીકમાં લખ્યું છે.

એલૉપથી–દવાઓની આડઅસરથી તથા આ મોંઘીદાટ દવાઓથી લોકો કંટાળ્યા છે એટલે હર્બલ મેડીસીન તરફ લોકો ખેંચાય છે. આજકાલ તો હવે યુરોપ–અમેરીકામાં પણ હર્બલ શબ્દ ચલણી સીક્કો બની ગયો છે. હર્બલ શૅમ્પુ, ફેઈસક્રીમ, સાબુ, હૅરટૉનીક્સ, દવાઓ, ટૉનીકની માંગ વધતી જાય છે. દવા બનાવતી એક જર્મન કંપનીએ તો ગોવામાં હર્બલ મેડીસીન બનાવવાનું કારખાનું ખોલ્યું છે. આયુર્વેદ ઔષધીઓની નીકાસ કરોડો રુપીયા સુધી પહોંચી ગઈ છે. અમેરીકામાં બહુ સફળતા અને પ્રતીષ્ઠા પામેલા ડૉ. દીપક ચોપરા તો ત્યાં આયુર્વેદીક અને એલૉપથી–પદ્ધતી બન્ને પદ્ધતીઓથી સારવાર કરીને આયુર્વેદ–પદ્ધતીને બહુ લોકપ્રીય બનાવવામાં સફળ થયા છે.

કેટલાક અપવાદ સિવાયના એલૉપથીના ડૉક્ટરો ધનલોભી છે તો આયુર્વેદના વૈદ્યો કંઈ સમાજસેવકો નથી. હવે તો તેઓ પણ દર્દીનું શોષણ કરવામાં એલૉપથીના ડૉક્ટરોથી ઓછા ઉતરે તેવા નથી. તેઓ પણ ઍક્સ–રે, લોહી–પેશાબના રીપોર્ટ કરાવવાની ભલામણ કરી પૈસા કમાય છે. આયુર્વેદની મોટા ભાગની દવાઓની આડઅસર હોતી નથી પણ જે દવાઓની આડઅસર હોય છે તે વીશે વૈદ્યો ચુપ રહે છે અને લોકો જાણતા નથી. શ્રીમંત દર્દીઓને સુવર્ણભસ્મો, સાચાં મોતીની ભસ્મો ચઢાવી પૈસા કમાય છે. ભસ્મવાળી કોઈ પણ આયુર્વેદીય દવા લાંબો સમય વાપરવામાં આવે તો તેની આડઅસર થાય છે. એલૉપથી દવાઓની આડઅસરની વાતો કરતાં વૈદ્યો પોતાની આવી કેટલીક દવાઓની પણ આડઅસર થાય છે તે વીશે ચુપ રહે છે.

હવે તો એલૉપથીની હૉસ્પીટલો જેટલી જ મોંઘી અને વૈભવી આયુર્વેદની હૉસ્પીટલો ખુલી છે. તમને ત્યાં દરરોજ રુપીયા પાંચસો–હજારના ખર્ચે સારવાર આપવામાં આવે છે. નીદાન માટે એલૉપથીનાં આધુનીક સાધનો વપરાય છે અને મોટે ભાગે સારવાર આયુર્વેદીક પદ્ધતીથી થાય છે. આવી હૉસ્પીટલોમાં વેચાતી આયુર્વેદીક દવાઓનાં બોટલ્સ, પેકીંગ પર આ દવાઓમાં કઈ કઈ ઔષધીઓ વપરાઈ છે તેની નોંધ પણ હોતી નથી અને બજારમાં મળતી આ પ્રકારની દવાઓ કરતાં આ હૉસ્પીટલોની દવાઓ બે–ત્રણ ગણા વધારે ભાવે વેચાય છે.

આજકાલ શ્રીમંતોના પૈસા ખંખેરવા માટે પંચકર્મની આયુર્વેદીક વીધીનું પુનરુત્થાન કરવામાં આવ્યું છે. તેમાં શરીરનાં બધાં અંગોમાં એકત્રીત થયેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢી નાખવા માટે પંચકર્મવીધી થાય છે. માથા પર શુદ્ધ ઘીની ધાર કરવામાં આવે છે. નેતીની વીધીથી નાક, ગળાના કફને બહાર કાઢી નાખવામાં આવે. વીરેચન, ઉપવાસ, બસ્તી–એનીમા તથા પથ્ય ખોરાકથી પાચન–અંગોનું વીશુદ્ધીકરણ થાય છે. સુગંધીત ઔષધીય તેલોથી માલીશ–મર્દન થાય છે અને પ્રાણાયામ–આસન વડે લોહીની શુદ્ધી તથા સ્નાયુઓને મજબુત બનાવવામાં આવે છે; પણ આ વીધી માટેની ફી સાંભળીને તો સામાન્ય દર્દીને તો ચક્કર જ આવી જાય. કેટલી ફી લે છે, ખબર છે? પંચોતેર હજાર રુપીયા! [આ પુસ્તક છપાયું તે સમય (ઓગસ્ટ, 2002)ની ફી.] અને એટલો ખર્ચ કર્યા પછી પણ બીજે દીવસે તમે માંદા નહીં પડો તેની કોઈ બાંહેધરી નહીં. જેમની પાસે બે નમ્બરનાં નાણાં હોય તેવા રાજકારણીઓ, ઉદ્યોગપતીઓ, વેપારીઓને જ આ પંચકર્મની વીધી પોષાય. ફલાણા–ફલાણા પ્રતીષ્ઠીત રાજકારણીઓ, સમાજના આગેવાનોએ આ હૉસ્પીટલમાં સારવાર કરાવી કે પંચકર્મવીધી કરાવી તેવા અહેવાલો અખબારોમાં પ્રસીદ્ધ થાય; પછી તો શ્રીમંતોનો ગાડરીયો પ્રવાહ ચાલુ થઈ જ જાય. આને કહેવાય ‘દુનીયા ઝુકતી હય, ઝુકાનેવાલા ચાહીયે.’

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–09–2023

6 Comments

  1. ✒ લક્ષ્મીદાસ ખટાઉનો આયુર્વેદના વૈદ્યો અંગે અભ્યાસપુર્ણ લેખ.તેમનો ખાસ ઉદેશ્ય સામાન્ય જન ક્યાં છેતરાય તે તરફ ધ્યાન દોરવાનુ છે.તેની સાથે એલોપથીના નિષ્ણાતો આયુર્વેદ અનુરાગી ૠષિ ડૉ. શ્રી પ્રાણજીવનદાસ માણેકચંદ મહેતા અગમ્ય કારણોસર તથા જગતનિયંતા ની લીલા ને આધીન આધુનિક તબીબી વિજ્ઞાન ના નિષ્ણાંત – સંશોધક આયુર્વેદ પ્રતિ આકર્ષાયા અને આયુર્વેદ શાસ્ત્ર નો ઊંડો અભ્યાસ તથા ચિંતન કર્યુ. .
    તેઓએ ઘણી સંસ્થાઓ નુ નિર્માણ કરી સંચાલન થકી પોતાની સમગ્ર શક્તિ આયુર્વેદ શાસ્ત્ર ના અધ્યયન, અનુશીલન, વિકાસ તથા પ્રસાર માટે સમર્પિત કરી.
    ૬૦ ના દશક માં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ વિશે મુખ્ય ત્રણ ખોટા ખ્યાલ / માન્યતાઓ હતી.
    1.આયુર્વેદ માત્ર ગ્રામ્ય વૈદક તરીકે ઉપયોગી છે.
    2. આયુર્વેદ ઔષધ ચિકિત્સા સસ્તી હોઇ માત્ર ગરીબ પ્રજા માટે છે.
    3. આશુકારી અને વિશ્વવ્યાપી મોર્ડન મેડિસિન ની સાપેક્ષે આયુર્વેદ ચિકિત્સા , વૈજ્ઞાનિક તથ્યો અને સિદ્ધાંતોથી પૂર્ણ નથી .
    આ માન્યતાઓ ને સૈદ્ધાંતિક રીતે તથા શાસ્ત્રાર્થ દ્વારા દૂર કરવા…1964 માં આયુર્વેદ સંબંધિત કેટલીક વાતો જણાઇ ના હોય, સમજાઇ ના હોય અથવા રૂઢ પરંપરાવશ જુદા જુદા અર્થ માં સમજી ને બેઠા હોય અથવા પક્ષ – વિપક્ષ ની વિતંડા તથા વાક્ જાળ માં અતિશયોક્તિ કે મિથ્યા અર્થ નુ ગ્રહણ થયુ હોય તો; એનુ યથાર્થ, પક્ષપાત રહીત, તથા વૈજ્ઞાનિક ઢબે વિવેચન, સરળ અને શકય બને એ દ્રષ્ટિએ ગુજરાત યુનિવર્સિટી – અમદાવાદ ના એ સમય ના કુલપતિ મગનભાઇ દેસાઈ એ ડૉ . મહેતા ને આયુર્વેદ વિષયે વ્યાખ્યાનો તૈયાર કરવા કહ્યુ. .. જે પૈકી ના છ વ્યાખ્યાનો ઉપકુલપતિ લાલભાઇ દેસાઈ એ ગ્રંથબધ્ધ કરી ” આયુર્વેદ ના મૂળસિદ્ધાંત ” નામે ગુજરાત યુનિ. તરફ થી પ્રકાશીત કર્યા. ..
    1985 માં આ પુસ્તક ની ચૌખમ્બા સંસ્કૃત સિરીઝ – વારાણસી દ્વારા કવિરાજ બાગીશ્વર શુકલ પાસે હિન્દી અનુવાદીત આવૃતિ પ્રકાશિત કરાઈ.
    જેમાં ૧. આયુર્વેદ માં પ્રકૃતિ વિજ્ઞાન
    ૨. આયુર્વેદ માં સ્વાસ્થ્ય તથા દિર્ઘજીવન
    ૩. આયુર્વેદીય ઔષધદ્રવ્યવિજ્ઞાન
    ૪. આયુર્વેદ માં વ્યાધિવિજ્ઞાન
    ૫. આયુર્વેદ ના મૂળ સિદ્ધાંત
    ૬. આયુર્વેદ ના સુવર્ણસુવર્ણયુગ માં વૈદ્યકીય શિક્ષા વ્યવસ્થા. .
    આ છ વ્યાખ્યાનો ને લીપીબદ્ધ કરાયા છે તથા પુસ્તક ની શરૂઆત ” આયુર્વેદ ની પ્રગતિ ના ઇતિહાસ” નામે પ્રકરણ થી કરાઇ છે. ડૉ મહેતા ના સંનિષ્ઠ પ્રયાસો થી જ 1966 માં ભારતભર માં સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ની સ્થાપના થઇ.
    ચરકસંહિતા નુ છ ભાગ માં ગુજરાતી હિંદી તથા અંગ્રેજી ભાષા માં અનુવાદીત કરી જામનગર થી પ્રકાશીત કરવા માં એમનુ યોગદાન અજોડ છે. તેવા હાલ અમેરીકામા પણ ખૂબ જાણીતા ડૉ હેગડે આયુર્વેદ કે જે આરોગ્ય અને એકંદર સુખાકારી પ્રત્યે સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તે સમસ્યાઓના મૂળ કારણ શોધવા જાય છે અને કુદરતની મદદથી ખોવાયેલ સંતુલન પુનઃસ્થાપિત કરે છે. તેઓ બોલ્ડ નિવેદનો કરવામાં અને આયુર્વેદિક અસરકારકતાના તથ્યો જણાવવામાં શરમાતા નથી. હકીકતમાં, તેણે બહુવિધ પ્લેટફોર્મ પર એમ પણ કહ્યું કે નાળિયેરનું તેલ હૃદય માટે શ્રેષ્ઠ તેલ છે.
    તે સકારાત્મક વિચારસરણી અને સદાચારી જીવન દ્વારા જીવનના આયુર્વેદિક અભિગમ સાથે પણ ઊભા છે. વિજ્ઞાની કહે છે, “તમે જે ખાઓ છો તે નથી પણ તમને જે ખાય છે (વિચારો) તમને મારી નાખે છે,” તે કહે છે. “ચાવી એ છે કે સકારાત્મક વિચારો કેળવો અને તમારી જાતને હકારાત્મક લાગણીઓથી ઘેરી લો. ક્વોન્ટમ હીલિંગ એ હીલિંગની નવી પદ્ધતિ છે. તમારું મન તમને સાજા કરી શકે છે”
    ડો. હેગડે, યુવા શહેરી ભીડમાં વધતા ફિટનેસ ક્રેઝનો વધુ વિરોધ કરે છે કે ફિટનેસ સારા સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. પરંતુ ફિટનેસનો પીછો કરવો એ સ્વાસ્થ્યનો પીછો નથી. સ્વસ્થ રહેવું એ ખુશ રહેવું, તિરસ્કાર અને રોગમુક્ત હોવું છે.
    તેથી, આયુર્વેદ વિ એલોપેથીની આ લડાઈમાં, ડૉ. હેગડે ‘સંકલિત દવા’ પસંદ કરે છે, તે ભવિષ્યવાદી અને મેટા સારવાર છે. તે દવાઓની વિવિધ શૈલીઓનું સંયોજન છે. તે કહે છે કે આધુનિક દવા કટોકટીની સંભાળ અને સુધારાત્મક શસ્ત્રક્રિયા માટે યોગ્ય છે અને આયુર્વેદ ઊંડાણપૂર્વક અને કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ વસ્તુ છે.
    દરેક પધ્ધતિમા દુષણો હોય તેમા વૈદ્યોનો દોષ હોય જે અંગે જાગ્ર્ત કરવા બદલ ધન્યવાદ.

    Liked by 1 person

  2. અમે 1975થી ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ કર્યો. તે સમયથી જ મને ગંધશક્તીની સમસ્યા શરુ થયેલી. જ્યારે ભારત આવવાનું થયું ત્યારે આયુર્વેદીક દવા લઈ આવ્યો હતો. જો કે ખાસ ફેર પડ્યો ન હતો, પણ ત્યાર પછીના શીયાળામાં મને સૌ પ્રથમ વાર ચ્યુબલેઈનની તકલીફ થયેલી. મને એ તકલીફનું કારણ આયુર્વેદીક દવાની આડાસર હોવાનું લાગ્યું હતું, કેમ કે કેટલાંયે વર્ષ સુધી ન્યઝીલેન્ડમાં રહેવા છતાં ચ્યુબલેઈનની તકલીફ મને થઈ ન હતી.
    આ લેખમાંથી ઘણું બધું જાણવા મળ્યું, અને ભારતમાં બધા વૈદોના પર ભરોસો રાખી ન શકાય એ વાત મને નવી જાણવા મળી. આભાર ગોવીન્દભાઈ.

    Liked by 1 person

  3. મુમ્બઈના વોટ્સએપ જુથમાંથી મળેલ પ્રતીભાવ સાદર…

    Charak happened to practice as doctor or Ayurveddacharya during 2nd CE and he was one of persons of significance in the court of Kanishka. Charak was Buddhist by religion. Vedic tradition was established in 4th and 5th CE. Vedic culture was very small culture. It expanded after 8th and 9th century. Before that Nalanda University, Odantapuri University, Vikramsila,Somapura University etc etc used to have curriculum in medicine. Most of records were burnt in the end of 12th CE. Brahmanwad really appeared in 13th CE with great number of false claims and beliefs. This is one of reasons why Ayurveda couldn’t make progress. Secondly with Islamic rule in 1206 in Northern Indian subcontinent and by 16th CE in almost all Indian subcontinent another branch of medicines emerged which is known as Unani System of Medicine which was invented in South Asia and it was based on the principles of Greek Physicians. Tibetan system of medicines too were in vogue. The Congress government had started AYUSH DEPARTMENT as alternative medical facilities and healing system. It stands as A( Ayurveda) Y(Yoga & Naturopathy) U(Unani)S(Siddha)H(Homeopathy). The presently, AYUSH is Ministry of Government of India. But, coverage of AYUSH system of healing is so wide that even someone is taking turmeric powder to increase immunity then that is also covered under AYUSH healing system. 🤔
    -Rabhdia Himmatbhai

    Like

  4. થેલેસેમિયા મેજર બીમારી માં વૈદ્યો લોહી વધે તેવી જડીબુટ્ટીઓ સૂચવતા હોય છે તે કોઈએ વાપરવી નહીં આ બીમારી માં લોહી ની ઉણપ નથી હોતી પણ લોહી બનાવનાર તંત્ર માં જ ખામી હોય છે જેથી કરીને લોહી વધે તેવી દવા થી બીમારી મટતી નથી ઊલ્ટા નું બરોળ ને નુકસાન થાય છે આ બીમારી માં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય નથી જેથી કોઈ જડીબુટ્ટી વાપરવી નહીં.લેખ માં જણાવ્યું તેમ વૈદ્યો ને બીમારી ની કોઈ માહિતી હોતી નથી ને દવા સૂચવી દેતા હોય છે you tube માં પણ એવા ઘણા વૈદ્યો ના વિડિયો જોવા મળશે તેવું કઈ કરવું નહિ મારા ભાણેજ ને આ બીમારી છે એટલે મને એની વિગતવાર માહિતી છે અમેય આવી જડીબુટ્ટી વાપરતા જેનાથી લોહી ચઢાવવાનો સમય લંબાઈ જતો પણ બરોળ મોટી થઈ ગઈ અઢાર વર્ષે જે બરોળ નું ઓપરેશન આવે એ ચૌદ વર્ષે કરવું પડ્યું આવડા બાળક ના પેટ માંથી સાડા ચાર કિલો ની ગાંઠ કાઢી ફરી થી યાદ રાખજો થેલેસેમિયા માં બોન્મેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય નથી કોઈ આયુર્વેદિક દવા આ બીમારી માં કરવી નહિ.અનુભવ માંથી સાભાર.

    Liked by 1 person

Leave a comment