સામાજીક સમ્બન્ધો કેટલા ઉપકારક?

શું આપણા સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો જેટલા વધારે એટલા આપણે વધુ સફળ અને વધુ લોકપ્રીય ગણાઈએ? શું આપણે એવી ગેરસમજનો શીકાર છીએ? તમે તમને પોતાને છેલ્લા ક્યારે મળેલા?

આનન્દનું આકાશલેખાંક :  7

સામાજીક સમ્બન્ધો કેટલા ઉપકારક?

ડૉ. શશીકાંત શાહ

        ‘એક ચીન્તકે ચોંકાવનારી સલાહ આપી છે; ‘આજે વધુ એક દીવસ પુરો થયો. તમે વધુ એક મીત્ર બનાવ્યો કે નહીં? જો આજે તમે એક મીત્ર ન બનાવ્યો હોય તો તમારો આજનો દીવસ નકામો ગયો સમજજો.’ આ સલાહને પુર્ણત: અવગણવાનું રાખજો. રોજ એક નવો મીત્ર બનાવીએ તો પચાસ વર્ષની ઉમ્મરે આપણી પાસે કેટલા મીત્રો હોય? એ બધા સાથે સમ્બન્ધ જાળવવા કેટલો સમય આપવો પડે? એમની વચ્ચે ઘેરાયેલા રહીએ તો પરીવારના સભ્યોને અન્યાય ન થાય? સમ્બન્ધોના જંગલમાં ખોવાઈ જતો માણસ છેવટે પોતાને માટે પરાયો બની જાય છે. જેઓ હજારો મીત્રો ધરાવે છે અને રોજેરોજ એ બધાને મળતા રહે છે એમને પ્રેમથી પુછવા જેવું છે : તમે તમને પોતાને છેલ્લા ક્યારે મળેલા, મહાશય?’

વરીષ્ઠ નાગરીકો માટે સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો આશીર્વાદ કે અભીશાપ’ એ વીષય પર વરીષ્ઠ નાગરીક મંડળો વ્યાપક ચર્ચાઓ ગોઠવે, પરીસંવાદોનું આયોજન કરે અને સામાજીક સમ્બન્ધો અંગે નીર્ણય લેવામાં ઉપકારક નીવડે એવી ગાઈડલાઈન્સ પ્રસીદ્ધ કરે એવો મારો અનુરોધ છે.

આપણે એવી ગેરસમજનો શીકાર છીએ કે આપણા સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો જેટલા વધારે એટલા આપણે વધુ સફળ અને વધુ લોકપ્રીય ગણાઈએ. સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કોને અનુલક્ષીને હું વરીષ્ઠ નાગરીકોને ત્રણ વીભાગોમાં વહેંચવાનું પસન્દ કરું :

(1)  ખુબ મોટી સંખ્યામાં સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો ધરાવતા વરીષ્ઠ નાગરીકો :

આ વીભાગમાં સ્થાન મેળવતા કેટલાક વરીષ્ઠ નાગરીકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે : ‘મારું મીત્રમંડળ ખુબ વીશાળ છે. મારા મીત્રોની સંખ્યા ચાર આંકડામાં લખવી પડે.’ એક વરીષ્ઠ નાગરીકે ફેસબુક પર ચાર હજારથી વધુ ફ્રેન્ડ્ઝ હોવાનો દાવો કરેલો. કવીશ્રી સુરેશ દલાલે લખ્યું હતું : ‘મીત્ર એટલે એવો માણસ જેની સામે તમે કંઈ પણ છુપાવ્યા વગર જેવા છો તેવા અનાવૃત્ત થઈ શકો.’ બીજી વ્યાખ્યા એમણે એવી આપેલી કે ‘જો તે માણસના પરીવારના તમામ સભ્યોને તમે નામથી ઓળખતા હો તો એ માણસ તમારો મીત્ર ગણાય.’ શાન્તીથી વીચાર કરીએ અને આ બે માપદંડોને ધ્યાનમાં લઈએ તો કોઈ માણસને બે પાંચથી વધારે મીત્રો હોઈ ન શકે એવાં તારણ પર આવી શકાય.

અસંખ્ય મીત્રો હોય એ માણસ બહીર્મુખી વ્યક્તીત્વ ધરાવતો હોવાની સમ્ભાવના છે. જેઓ સમાજસેવાના હેતુથી વ્યાપક સામાજીક સમ્બન્ધો કે સમ્પર્કો ધરાવતા હોય તેમના કીસ્સામાં ચર્ચાને અલગ દૃષ્ટીકોણથી હાથ ધરવી પડે. પરન્તુ હોદ્દો, સત્તા કે પ્રસીદ્ધીના હેતુથી સામાજીક સમ્બન્ધો વીકસાવ્યા કરતો માણસ છેવટે પોતે જ ખોવાઈ જતો હોય છે. હજારો મીત્રોની સાથે સમ્પર્ક જાળવી રાખવા રોજ કેટલો સમય ફાળવવો પડે, કલ્પના આવે છે ? આવું બને ત્યારે માણસ પરીવાર સાથેના સમ્પર્કો ગુમાવે છે. પત્ની અને અન્ય સભ્યો માટે તેઓ પરાયા બની જાય છે; કારણ કે વહેલી સવારથી મોડી રાત સુધી ઘરમાં એમની હાજરી હોતી નથી. આ વીભાગમાં સ્થાન જમાવતાં ‘મોટા માણસો’ને નજીકથી ઓળખ્યા પછી હું એવા નીષ્કર્ષ પર આવ્યો છું કે તેઓ જીવનમાંથી નૈસર્ગીક આનન્દ ગુમાવે છે, સતત રઘવાયા થઈને ફરવાનું હોવાથી સ્વાસ્થ્ય પર તેની અસર નોંધાય છે. જે બે ચાર કલાક દરમીયાન તેઓ ઘરમાં હોય છે ત્યારે પણ તેઓ ઘરમાં પરીવારના સભ્યો સાથે હોતા નથી. મોબાઈલ ફોન કે લૅન્ડલાઈનના ફોન પર વળગેલા રહીને હજારો મીત્રો સાથે જીવન્ત સમ્પર્કમાં રહેવાની કોશીશ કરે છે. માણસની આ પ્રકૃતી પાછળ હોદ્દાઓ મેળવવા, સત્તા ભોગવવી, રુપીયા કમાવા અને પ્રસીદ્ધી મેળવવી એ ઈચ્છાઓ જવાબદાર હોય છે. હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે કોઈ અપેક્ષા વગર, ની:સ્વાર્થ ભાવથી સમાજની સેવા કરી રહેલા મહામાનવો અહીં અપવાદમાં આવે છે. સત્તા અને પ્રસીદ્ધી સાથે એમને કોઈ નીસબત હોતી નથી.

સીત્તેર વર્ષના એક સજ્જન પોતાના જેવા વરીષ્ઠ નાગરીકોને લાઈટનું કે ટેલીફોનનું બીલ ભરી આપવામાં, દુધ અને દવા લાવી આપવામાં મદદ કરે છે. ‘રોજ ચારથી છ કલાક આવાં સેવાકાર્યોમાં પસાર કરવાથી તમને શું મળે છે ?’ એવા મારા પ્રશ્નના ઉત્તરમાં એમણે મનમોહક સ્મીત આપીને કહ્યું, ‘કોઈને મદદરુપ બન્યાનો આનન્દ ! હું નીજાનન્દ માટે બધું કરું છું. કોઈ ઈચ્છા નથી, અપેક્ષા નથી. અરે, કોઈ મને ‘થૅન્ક યુ’ કહે તો એ પણ મને ગમતું નથી. પ્રભુએ આપેલું મહામુલું જીવન કોઈની સેવામાં પસાર થાય તો એનાથી રુડું બીજું શું ?’

વ્યાપક સામાજીક સમ્બન્ધો ધરાવનારા માણસોનો દીવસ સામાન્ય રીતે ‘તારી–મારી’ કરવામાં પુરો થઈ જતો હોય છે. સમયને મારવા માટે પસાર કરવા માટે આ કનીષ્ઠ અને છેલ્લી કક્ષાનો વીકલ્પ છે. સીત્તેર–પંચોતેરની વય વટાવ્યા પછી માણસની અન્દર તરફની યાત્રા શરુ થવી જોઈએ, જે અહીં શક્ય બનતું નથી. આ કક્ષામાં સ્થાન પામતા વરીષ્ઠ નાગરીકોને છેવટે એકલા પડી જઈને તીવ્ર મુંઝવણ અનુભવતા મેં જોયા છે. બહારની દુનીયામાં હજારો મીત્રો ભલે હોય, પરન્તુ જે પોતાનો જ સાચો મીત્ર ન બની શકે, તે માણસ છેવટે એકલો પડી જાય તેમાં નવાઈ શાની ?

(2) પસન્દગીના સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો ધરાવતા વરીષ્ઠ નાગરીકો :

સામાજીક સમ્બન્ધો ધરાવવા સન્દર્ભે મધ્યમ માર્ગ અપનાવતા વરીષ્ઠ નાગરીકોનો આ સમુહ છે, ‘નેમ ઍન્ડ ફેમ’ની પાછળ ગાંડપણ ગણાય એટલી હદે તેઓ દોડતા નથી. અખબારોમાં વારંવાર નામ અને ફોટો છપાયા કરે એવી ધખણામાં તેઓ જીવતા નથી. આંગળીના વેઢે ગણી શકાય એટલા મીત્રોની વચ્ચે તેઓ આનન્દપુર્વક જીન્દગી જીવે છે. હું કેટલીક વાર જીજ્ઞાસાથી પ્રેરાઈને વરીષ્ઠ નાગરીકોને બે પ્રશ્નો પુછું છું : ‘આપ કેટલા વરીષ્ઠનાગરીક મંડળોમાં સભ્યપદ ધરાવો છો ?’ જે એક કોઈ સંસ્થાનું પ્રમુખપદ ધરાવે છે તેમને મારો પ્રશ્ન હોય છે : ‘આપ કેટલા વર્ષથી આ સંસ્થામાં પ્રમુખસ્થાને છો ?’ જે વરીષ્ઠ નાગરીકોને મેં પ્રથમ વીભાગમાં આદરપુર્ણ સ્થાન આપ્યું છે, તેઓ ત્રણ કે તેથી વધુ વરીષ્ઠ નાગરીક મંડળોમાં સભ્યપદ ધરાવે છે અને કેટલાક તો દાયકાઓથી કોઈ એક, બે કે ત્રણ સંસ્થાઓમાં પ્રમુખપદ શોભાવે છે.

બીજા વીભાગમાં આવતા વરીષ્ઠ નાગરીકો પરીવાર માટે સમય ફાળવે છે અને પરીવારના સભ્યો સાથે જીવન્ત સમ્પર્કો જાળવી રાખે છે. સામાજીક સમ્બન્ધો અને સમ્પર્કો તેમનો એક હદથી વધુ સમય ઝુંટવી લેતા નથી. આવું મધ્યમમાર્ગી જીવન તેમને આનન્દમાં રહેવા માટે ઉપકારક નીવડે છે. તમે એમની સાથે બેઠા હો તો દર બીજી ત્રીજી મીનીટે એમના ફોનની રીન્ગ વાગે એવું કદી જોવા મળશે નહીં. પ્રથમ વીભાગના મહાનુભવોથી તેઓ આ મુદ્દે ભીન્ન રીતરસમો ધરાવે છે. એક વખત પહેલા વીભાગનું સભ્યપદ ધરાવતા ‘વીઆઈપી’ મને મળવા આવ્યા હતા. અમારી મુલાકાત માટે મેં ત્રીસ મીનીટ ફાળવી હતી. મારે ત્યાં આવીને એમણે સ્થાન લીધું અને તરત જે સંસ્થામાં તેઓ પ્રમુખ છે એ સંસ્થાના મન્ત્રીનો એમના પર ફોન આવ્યો, ભોજનનો કૉન્ટ્રેક્ટ લેનારો માણસ એક ડીશના દોઢસો રુપીયાથી ઓછા લેવા તૈયાર નથી એવી વાત મન્ત્રીએ કરી હશે એટલે પ્રમુખે કહ્યું, ‘એમને ફોન આપો’. ત્યાર પછી એ મહાશયે ફોન પર કૉન્ટ્રાક્ટર સાથે અઠ્ઠાવીસ મીનીટ સુધી મગજની નસ ખેંચી… એ ફોન મુકાયો અને ત્રીજી મીનીટે બીજો ફોન આવ્યો. મારા ચહેરા પર નારાજીના ભાવ વાંચીને એમણે એ ફોન રીસીવ કરવાની હીમ્મત ન દાખવી. બીજા વીભાગમાં આવતા વરીષ્ઠ નાગરીકો આવી બધી પળોજણોમાંથી એકંદરે મુક્ત હોય છે એવું મારું અવલોકન છે.

(3) પોતાનામાં મસ્ત રહીને જીન્દગી જીવતા વરીષ્ઠ નાગરીકો :

આ ત્રીજા વીભાગમાં સ્થાન પામનારા વરીષ્ઠ નાગરીકો વાસ્તવમાં ‘એ–ગ્રેડ’ને પાત્ર એવા નાગરીકો છે. તેઓ દીવસનો મહત્તમ સમય પોતાને માટે ફાળવે છે. સાદગી અને સરળતા એમના રક્તમાં વણાઈ ગયેલાં હોય છે. સામાજીક સમ્બન્ધો સ્થાપવામાં તેઓ ખુબ કાળજી રાખે છે અને સાવચેત રહે છે. માત્ર પોતાની સાથે રહેવાની એમને સારી ફાવટ હોય છે. એમણે એવા શોખ અને પ્રવૃત્તીઓ વીકસાવ્યા હોય છે જેથી ઘરમાં એકલા રહીને પણ સમય પસાર કરી શકાય. તેઓ હોદ્દાના વળગણથી અને પ્રસીદ્ધીના મોહથી પુર્ણત: મુક્ત હોય છે. કોઈ મંડળનું સભ્યપદ એમને બાંધી શકતું નથી. બીલકુલ પોતાની મસ્તીમાં જીવતા એક વરીષ્ઠ નાગરીકને મેં પુછયું હતું : ‘આપ એક પણ મંડળમાં સભ્ય નથી એ જાણીને મને આશ્ચર્ય થાય છે! સામાજીક મંડળોમાં ન જોડાવાનું કારણ?’ એમનો જવાબ સાંભળો, ‘એ વળી પાછી એક પ્રકારની ગુલામી જ છે, બન્ધન છે, વરસતા વરસાદમાં મારે મનગમતા કવીની ગઝલો માણવી છે; પરન્તુ એવું કરવાને બદલે મારે તૈયાર થઈને મંડળના કાર્યક્રમમાં જઈને અણગમતા વક્તાને સાંભળવા પડે… મને આ નથી ગમતું. નોકરીમાંથી નીવૃત્ત થયા પછી મુક્તીનો અનુભવ થાય તો જ જીન્દગી જીવવાની મજા આવે ને!’

મેઘધનુષ

લોકો પીઠ પાછળ તમારી નીન્દા–ટીકા કરતાં હોય તો એમ કરવા પાછળ ત્રણ કારણો હોઈ શકે;

(1) જ્યારે તેઓ તમારી કક્ષા સુધી પહોંચી શકતાં નથી.

(2) જે તમારી પાસે છે, તે એમની પાસે નથી.

(3) જ્યારે તેઓ તમારી લાઈફ–સ્ટાઈલની નકલ કરવા પ્રયત્ન કરે છે; પરન્તુ કરી શકતા નથી.

ડૉ. શશીકાંત શાહ

ગુજરાતમીત્ર’ દૈનીકમાં ડૉ. શશીકાંત શાહની વર્ષોથી દર બુધવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’ (હવે બંધ)ના 22 લેખોનું પુસ્તક ‘આનન્દનું આકાશ’  (પ્રકાશક : ડૉ. શશીકાંત શાહ કોપી રાઈટ : શ્રી. સમીર શશીકાંત શાહ, 35, આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, રાંદેર રોડ, સુરત. બીજી આવૃત્તી : જાન્યુઆરી, 2016; આ પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણસ્થ ડૉ. શશીકાંત શાહ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  2–10–2023

1 Comment

  1. હૃ. ડૉ. શશીકાંત શાહનો સામાજીક સમ્બન્ધો કેટલા ઉપકારક? અંગે ખૂબ સ રસ ચિંતન લેખ.ઘણું નવુ જાણવા મળ્યુ.ધન્યવાદ

    Liked by 1 person

Leave a comment