“નો લાફીંગ મેટર” : ડૉ. આંબેડકરના કાર્ટુનની કીતાબ

યુવા કાર્ટુનીસ્ટ ઉન્નામતી સ્યામ સુંદર સંપાદીત ‘નો લાફીંગ મેટરબાબાસાહેબ ડૉ. આંબેડકરનાં કાર્ટુનની કીતાબ છે. ‘આંબેડકરી સાહીત્ય‘માં આ ગ્રંથ નોંધપાત્ર ઉમેરણ છે. બાબાસાહેબના સૌ ચાહકો માટે તેમનાં કાર્ટુન હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં, ગંભીર અભ્યાસનો વીષય બની રહે એટલું ભાથુંસંપાદન પુરું પાડે છે.

નો લાફીંગ મેટર:
ડૉ. આંબેડકરના કાર્ટુનની કીતાબ

  ચંદુ મહેરીયા

અમેરીકી પ્રેસીડેન્ટ ટ્રમ્પના એક વીવાદીત કાર્ટુન પછી નીડર અને સ્વતંત્ર અખબાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ને રાજકીય કાર્ટુન નહીં છાપવાનો નીર્ણય કરવો પડ્યો છે. એ જ દીવસોમાં દુનીયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના પ્રમુખ સંવીધાન નીર્માતા બાબાસાહેબ ડૉ. આંબેડકર પરનાં કાર્ટુનની કીતાબ પ્રગટ થઈ અને તેનું સર્વત્ર સ્વાગત થયું. આ માટે ડૉ. આંબેડકરના ચાહકોની હીંમત અને સંયમની દાદ દેવી પડે.

લાગણી દુભામણીના કા૨ણે થતા વીરોધથી ડૉ. આંબેડકરનાં કાર્ટુન પણ મુક્ત નહોતાં. 2012ના વરસમાં સી.બી.એસ.સી.ના ધોરણ-11ના સમાજવીજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ડૉ. આંબેડકરના એક કાર્ટુનનો વીવાદ થયો હતો અને કેન્દ્રની તત્કાલીન યુ.પી.એ. સરકારે તેને અભ્યાસક્રમમાંથી દુર કરવું પડ્યું હતું. છેક 1949માં પ્રગટ કે. શંકર પીલ્લઈના એ કાર્ટુનમાં બંધારણના ઘડતરની ધીમી ગતીને વાચા આપવામાં આવી હતી. આ કાર્ટુનમાં ડૉ. આંબેડકરને બંધારણરુપી ગોકળગાય પર બેઠેલા અને તેને વડાપ્રધાન પંડીત નહેરુ ચાબુક ફટકારતા ચીતરવામાં આવ્યા હતા. ડૉ. આંબેડકરના અનુયાયીઓને તે બાબાસાહેબનું અપમાન લાગ્યું હતું, એટલે સંસદથી સડક સુધી તે કાર્ટુનનો ભારે વીરોધ થયો હતો. આ સ્થીતીમાં ડૉ. આંબેડકરનાં કાર્ટુનોનું પુસ્તક દલીત સંશોધક અને દલીત પ્રકાશક થકી કશા વીરોધ વીના પ્રકાશીત થાય તે આનંદપ્રદ ઘટના છે.

દીલ્હીની જવાહ૨લાલ નહેરુ યુનીવર્સીટીના આર્ટ ઍન્ડ ઍસ્થેટીક્સ ડીપાર્ટમેન્ટમાં પીએચ.ડી કરી રહેલા યુવા કાર્ટુનીસ્ટ ઉન્નામતી સ્યામ સુંદર સંપાદીત ડૉ. આંબેડકરનાં કાર્ટુનનો ગ્રંથ ‘નો લાફીંગ મેટર (ધ આંબેડક૨ કાર્ટુન્સ 1932-1956)’ આંબેડકરી સાહીત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. 2012માં થયેલા આંબેડકર કાર્ટુન વીવાદ પછી રચાયેલી તત્કાલીન યુજીસી ચૅ૨૫ર્સન સુખદેવ થોરાત સમીતી સમક્ષ રજુ કરવાના આશયે ઉન્નામતી સ્યામ સુંદરે બાબાસાહેબ આંબેડકરનાં કાર્ટુનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલાં અને અંગ્રેજી મીડીયામાં છપાયેલાં 124 કાર્ટુન નવયાન પ્રકાશીત આ પુસ્તકમાં સંગ્રહીત છે. 9 અંગ્રેજી અખબારો-સામયીકોમાં પ્રગટ દેશના જાણીતા 11 કાર્ટુનીસ્ટોનાં કાર્ટુન અહીં છે. હીંદુસ્તાન ટાઈમ્સ, ટાઈમ્સ ઑફ ઈન્ડીયા, પાયોનીયર, નેશનલ હેરાલ્ડ, ડૉન, લીડર, શંકર્સ વીકલી, ફીલ્મ ઈન્ડીયા અને ઑર્ગેનાઈઝરમાં પ્રગટ કે. શંકર પીલ્લઈ, આર. કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બીરેશ્વર, આર. બેનરજી, એરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં 124 કાર્ટુન અહીં સાત કાળખંડમાં વીભાજીત કરવામાં આવ્યાં છે. 1932થી 1936 અને 1942-43ના પહેલા બે તથા 1953થી 56ના સાતમા કાળખંડનાં 11-11 કાર્ટુન છે. 1944થી 46નાં વરસનાં 12, 1947-48નાં 16, 1949-50નાં 27 અને 1951-52નાં 36 કાર્ટુન છે. ડૉ. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વરસો અને ઘટનાઓ આ કાર્ટુનમાં આલેખાયાં છે. અડધોઅડધ (63) કાર્ટુન 1949થી 1952નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટુનનાં અડધાં કરતાં વધુ કાર્ટુન શંકરનાં છે. 1932ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટસ’ (તણાવની ક્ષણો)થી આરંભાતી અને 1956ના ધર્મપરીવર્તન અંગેના ‘ભીખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટુનકીતાબ ડૉ. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વીસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટુન સાથે ડૉ. આંબેડકરના જીવનનો સમયસન્દર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને બાબાસાહેબનું રાજકીય જીવનચરીત્ર પણ બનાવે છે.

પત્રકારત્વ અને કલાના મીશ્રણસમાં કાર્ટુનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટુન વૈકલ્પીક ઈતીહાસનો દસ્તાવેજ બની શકે છે. પરન્તુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તીને વ્યક્તીવીશેષને બદલે વીષયવસ્તુ કે વ્યક્તી તરીકે વ્યક્ત કરે. સત્તાનશીનોને જમીન અને જનમાનસનું સત્ય બતાવવાની તાકાત પણ કાર્ટુનમાં હોય છે. આ માપદંડે ચકાસીએ તો કાર્ટુનમાં આલેખીત ડૉ. આંબેડકરનું કેવું ચીત્ર એ સમયના અંગ્રેજી મીડીયાએ ઉપસાવ્યું હતું તે જાણવું રસપ્રદ છે. કાર્ટુનીસ્ટો નેતાઓના ઠઠ્ઠાચીત્રમાં તેમના શારીરીક દેખાવની કેટલીક ખુબીઓ (જેમ કે અડવાણીની મુછો, રાજીવ ગાંધીનું નાક, નરસીંહરાવનો લબડતો હોઠ) ઉપસાવીને તે દ્વારા નેતાનું વ્યક્તીત્વ ઉપસાવે છે. કાર્ટુનમાં ડૉ. આંબેડકરનું વ્યક્તીત્વ નાનું કે ઠીંગણું કદ દર્શાવીને ઉપસાવ્યું છે. એ સમયના મોટાભાગના કાર્ટુનીસ્ટોએ તેમને નકારાત્મક ભાવના સાથે વ્યક્ત કર્યા છે. એટલે તેમના કાર્ટુનમાં બાબાસાહેબને બેઢંગ, કાર્ટુનફ્રેમના ખુણામાં જમીન પર બેઠેલા, રોતલ બાળક, સાડી પહેરેલી મહીલા તરીકે એમ સરવાળે સ્વાર્થી અને આત્મમુગ્ધ દર્શાવ્યા છે. કાર્ટુનીસ્ટોએ તેમને અપમાનીત કરવામાં કોઈ કસર છોડી નથી તેમ ભારોભાર ઉપેક્ષા પણ કરી છે. ડૉ. આંબેડકરનું જાહેરજીવન આરંભાયાના દોઢ-બે દાયકા બાદ જ્યારે 1932ના પુના કરા૨ વખતે તેઓ ગાંધીજીના વીરોધી તરીકે જાણીતા થયા તે પછી જ તે કાર્ટુનનો વીષય બન્યા હતા, તે હકીકત ડૉ. આંબેડકર પ્રત્યે તત્કાલીન માધ્યમોની ઉપેક્ષા અને અનુદાર વલણ દર્શાવે છે.

30મી જુલાઈ, 1932નું શંકરનું કાર્ટુન અલગ મતદાર મંડળ સમ્બન્ધી કોમી ચુકાદો ઝંખતા નેતાઓની તણાવની ક્ષણો વ્યક્ત કરે છે. કાર્ટુનમાં બ્રીટીશ મંત્રી સેમ્યુઅલ હોરેને કૉમ્યુનલ એવૉર્ડરુપી મરઘી ૫૨ બેઠેલા બતાવી તેના ઈંડાની પ્રતીક્ષા કરતા ડૉ. આંબેડકર સહીતના મુસ્લીમ, શીખ અને અન્ય નેતાઓને ઓશીયાળા ચહેરે જમીન પર બેસાડ્યા છે. યેવલા પરીષદમાં ધર્મપરીવર્તનની જાહેરાત પછી પુના કરારનો અમલ ડૉ. આંબેડકરના પુના કરારરુપી ફોડ્યા વીનાના ઈંડાથી ઑમ્લેટ પકવતા વ્યક્તી તરીકેના મર્માળા કાર્ટુનમાં વ્યક્ત થયો છે. ડૉ. આંબેડકરનાં ચુંટણી-જોડાણોને તકવાદ તરીકે આલેખતાં કેટલાંક કાર્ટુન અહીં છે. તેમાંનાં એકમાં બાબાસાહેબને સાડી પહેરાવી પાંચ પાંડવોની પત્ની દ્રોપદી તરીકે દર્શાવ્યા છે તો એક અન્ય કાર્ટુનમાં (ફીલ્મ ઈન્ડીયા, 1951, એરાન) તેમને કૉંગ્રેસી આખલાને ભગાડતા ચીતર્યા છે. બંધારણના ઘડતરમાં તેમના પ્રદાન સન્દર્ભે 1949માં પ્રગટ ‘ધ મૉર્ડન મનુ’ અને ‘મનુ મીટ્સ મનુ’ કાર્ટુન માણવાલાયક છે. હીંદુ કોડ બીલ સન્દર્ભે તે સમયે જાગેલા વીરોધને વ્યક્ત કરતાં એકાધીક કાર્ટુન્સ પૈકી, 12 ફેબ્રુઆરી, 1951ના ‘ઑર્ગેનાઈઝર’માં પ્રગટ રવીન્દ્રનું અને 19 સપ્ટેમ્બર, 1951નું નેશનલ હેરાલ્ડ’નું બીરેશ્વરનું કાર્ટુન ધ્યાનપાત્ર છે. આંબેડકરના કાર્ટુનીસ્ટોએ માત્ર તેમને નકારાત્મક જ ચીતર્યા નથી. 1933ના એક કાર્ટુનમાં કાર્ટુનીસ્ટ શંકર, વર્ણાશ્રમ ૫૨ હથોડાથી પ્રહાર કરતા આંબેડકરને અને વર્ણાશ્રમની દેવીના મોં પર કાળો કુચડો ફેરવતા પેરીયારને તથા વર્ણાશ્રમને બચાવવાનો પ્રયાસ કરતા અને વર્ણાશ્રમની દેવીના મોં પરથી કાળો રંગ ભુંસી તેને ઉજળાં કરતાં મહાત્મા ગાંધીને પણ આબાદ દર્શાવે છે!!

નીર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટુનનો વીષય બનતા રહ્યા છે. વી. પી. સીંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ‘ભારતરત્ન’થી નવાજે તો કાર્ટુનીસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારત રત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કૅશલેસ માટે ‘ભીમ ઍપ’ બને તો તે પણ કાર્ટુનીસ્ટને કાર્ટુનના વીષય તરીકે આકર્ષીત કરે જ. બાબાસાહેબ આંબેડકરના સૌ ચાહકો માટે તેમનાં કાર્ટુન હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં, ગંભીર અભ્યાસનો વીષય બની રહે એટલું ભાથુંસંપાદન પુરું પાડે છે.

  ચંદુ મહેરીયા

શ્રી. ચંદુ મહેરીયા લીખીત કેટલાક મહત્ત્વના રાજકીયસામાજીકસાંસ્કૃતીકઆર્થીક મુદ્દા વીશેના વીચારપ્રેરકવીશ્લેષણાત્મક લેખોનો સંગ્રહ ‘ચોતરફ’માં પ્રગટ થયેલ લેખમાંથી; લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

પ્રકાશક : સાર્થક પ્રકાશન’, 14, ભગીરથ સોસાયટી, શાંતી ટાવર સામે, વાસણા  બસસ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ – 380 007 પ્રથમ આવૃત્તી : 2022 પૃષ્ઠ : 196 + 4, મુલ્ય : રુપીયા 230/– ઈ.મેલ : spguj2013@gmail.com

મુખ્ય વીક્રેતા : ‘બુક શેલ્ફ’, 16, સીટી સેન્ટર, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – 380 009.

લેખક–સમ્પર્ક : શ્રી. ચંદુ મહેરીયા, નીરાંત, 1416/1, સેકટર 2બી, ગાંધીનગર – 382007 સેલફોન : 98246 80410 ઈ.મેલ : maheriyachandu@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/10/2023

1 Comment

  1. ‘યુવા કાર્ટુનીસ્ટ ઉન્નામતી સ્યામ સુંદર સંપાદીત ‘નો લાફીંગ મેટર’ બાબાસાહેબ ડૉ. આંબેડકરનાં કાર્ટુનની કીતાબ તેમનાં કાર્ટુન હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં, ગંભીર અભ્યાસનો વીષય બની રહે એ સમજનારા આનો વિરોધ ન કરે પણ જેને આ વાત ન સમજાય કે રાજકીય સ્વાર્થ,આતંકવાદી પ્રચારને કારણે તેનો વિરોધ કરે તેમની વાત તેઓ જાણે!
    ધન્યવાદ
    ‘નીડર અને સ્વતંત્ર અખબાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ અંગે સમંત નથી.એવા અનેક લેખો જાહેર ખબરની કરોડોની કમાણી માટે છપાયા છે.હાલ તો તે દરેક જગ્યાએ ચર્ચામા છે જ……

    Liked by 1 person

Leave a comment