એકપત્ની લગ્ન

સંસ્કૃતીમાં ઉન્નત હોવાનું મીથ્યાભીમાન ધરાવનાર માનવીના અનેકપત્ની લગ્નના મુળમાં ક્યારે ઘા પડવા લાગ્યા? બેશક સંયોગોને બળે અનેક જાતીઓમાં એકપત્ની લગ્નનો વીકાસ થયો છે; છતાંયે પોતાને સર્વોત્તમ માનતા માનવીએ ઘણી છટક બારી રાખી છે. ગુપ્ત રીતે તો એ શું શું નથી કરતો?

ખંડ–1 : લગ્નસંસ્થાનો વીકાસ, અધ્યાય – 5

એકપત્ની લગ્ન

 નરસીંહ પટેલ

ગયા અધ્યાયમાં જણાવ્યું કે ‘વાઘસીંહ જેવાં પ્રચંડ ને ભયંકર પશુઓ તો નીર્ભય છે, એટલે તેમને સમુહમાં રહેવાની ૫૨વા નથી’ એ તો પોતાની મેળે નરનારીનું યુગલ વનમાં ફરતું ફરે છે ને શીકાર કરે છે. નીર્બળ પશુઓ સમુહમાં રહે છે એટલે એમનામાં અનેકપત્ની લગ્નનો વીકાસ થયો એ પણ ગયા અધ્યાયમાં જણાવ્યું છે.

પણ હવે જણાવવાની જરુર છે કે સમુહમાં રહેતાં બધાં પક્ષી અને પશુ અનેકપત્ની લગ્ન કરે છે જ એમ કંઈ નથી. આપણાં સારસ પક્ષી એકપત્ની લગ્ન કરે છે. કવીઓનું ચક્રવાક પક્ષી પણ એકપત્ની લગ્ન કરતું અને બેમાંથી એક મરતાં બીજું માથું પટકી મરતું ગવાયું છે. પાણીમાં રહેનારું વ્હેલ (Whale), વનમાં રહેનારું રીંછ અને બીજાં અનેક પશુ સ્વભાવથી જ ઘણું કરીને એકપત્ની લગ્ન કરે છે.

આપણા હરણ વીષે તો સુંદર કથા છે :

मध्याहने  दववह्रनोष्मसमये  दंदह्यमानागिरेः
कृच्छ्रात्रिर्गतमुतषं जलमथा वीक्ष्यैकरक्षाक्षम् ।

प्रेम्णा जीवयितुं मिथः पिब पिबेत्युच्चार्य मिथ्या पिबन्
निर्मग्नोस्यमपीतवारि हरिणद्वद्वं विपन्न वने ॥

‘ઉનાળાને ખરે બપોરે હરણદંપતી પાણીની શોધમાં દોડયે જાય છે. આગલી રાતે માવઠું થયેલું, તેના પાણીમાં ગાયનું પગલું પડેલું; એ પગલામાં થોડું પાણી રહી ગયું છે. એ હરણદંપતી મહાઆનંદે એ પગલામાંનું પાણી પીવા ધાય છે. પણ બન્ને જુએ છે કે એટલું થોડુંક પાણી બન્નેની તરસ છીપાવી શકે એમ નથી, એકની જ છીપાવી શકે એમ છે. હરણને થયું : ‘ભલે હું તરસે મરી જાઉં, મારી પ્રીયા એટલું પાણી પીને જીવે તો બસ. હું નહીં પીઉં તો એ પણ નહીં પીએ, માટે હું પીઉં છું એમ એને દેખાડું. એમ વીચારીને એ ખાબોચીયાના અંજલી જેટલા પાણીને મોં અડાડે છે. હરણીને પણ એમ જ થાય છે ને એમ જ વીચારીને એ પણ પાણીને મોં અડાડે છે. પોતે મરીને પણ પોતાના પ્રીયજનને જીવાડવાની ઈચ્છાથી એ બન્ને પાણીને મોં અડાડી એક બીજાને ફોસલાવી રહ્યાં છે, કોઈ પણ પાણી પીતું નથી. બન્ને તરસે તરફડી પડે છે. વનની ધખધખતી ધરતી ઉપર શેકાઈ મરે છે!’ પશુ કરતાં પોતે સંસ્કૃતીમાં ઉન્નત હોવાનું મીથ્યાભીમાન ધરાવનાર માનવીમાં પણ હરણના જેવું એકલગ્ન વીરલ છે એમ આપણા સંસ્કૃત કવીએ ગાયેલું આ સુંદર ઉદાહરણ કહી દે છે.

અને છેક અડીને આપણા પીત્રાઈ વાનરમાં પણ કેટલીક જાતીઓ એકપત્ની લગ્ન કરે છે. પણ છતાંયે સમસ્ત પશુજગતમાં અનેકપત્ની લગ્ન ઘણું કરીને પ્રવર્તે છે અને તેમાંથી વીકાસ પામેલા માનવજગતમાં પણ પ્રાચીનકાળે અનેકપત્ની લગ્ન પ્રવર્તતું. આજે પણ અનેક જાતીઓમાં પ્રવર્તે છે. બેશક તેમાંથી સંયોગોને બળે અનેક જાતીઓમાં એકપત્ની લગ્નનો વીકાસ થયો છે. અને હવે એ સંયોગો વીષે આપણે વીચાર કરીએ.

અનેકપત્ની લગ્ન જ્યારે પ્રવર્તી રહ્યું હતું ત્યારે અમીરો ને સુલતાનો સ્ત્રીઓની આખી સેના રાખતા, ત્યારે અનેક પુરુષોને સ્ત્રી વીના રહેવું પડતું, વાંઢા રહેવું પડતું, બળાત્કારે બ્રહ્મચર્ય – જો એ સ્થીતીને આ – શબ્દ શોભે તો!– પાળવું પડતું. આ સ્થીતી કયાં સુધી નભે? અનેકપત્ની લગ્નના કારણે જનાનખાનું (અંત:પુર)ની જે સ્ત્રીઓ પોતાના પતીથી અને પોતાની પરીસ્થીતીથી અસન્તુષ્ટ હતી તેની તરફ પેલા વાંઢાઓ તાકવા લાગ્યા ને તે અસન્તુષ્ટ સ્ત્રીઓને ત્યાંથી કાઢી ભાગવા લાગ્યા. આમ ધીરે ધીરે અનેકપત્ની લગ્નના મુળમાં ઘા પડવા લાગ્યા. સ્વાભાવીક પ્રેરણાએ તો માનવી ગણલગ્ન તરફ વળે; પણ હવે અશક્ય બન્યું હતું. એટલે એણે એકપત્ની લગ્ન તરફ વળવા માંડ્યું, હરેરો (Herrero) કહે છે કે હોન્ડુરાસમાં (Honduras) હલકા વર્ગના યુવકોને કોઈએ છાંડેલી વૃદ્ધ નારીથી સન્તોષ પામવો પડતો; પણ ધીરે ધીરે એવા યુવકોએ પેલા અમીરઉમરાવોના જનાનામાં ગાબડાં પાડવા માંડ્યા.

વળી અનેકપત્ની લગ્ન કરનાર લોકો પોતાની બધી પત્નીઓને સરખો સન્તોષ ન આપી શકે એ તો દીવા જેવી વાત છે. અમીરઉમરાવોની સ્થીતી એથીયે વીષમ હોય. તેઓ થોડીકને માનીતી પટરાણીઓને સ્થાને સ્થાપે, બાકીનીને અણમાનીતી ગુલામડીઓ બનાવી તેમની પાસે મજુરી કરાવે, તેમને વેચે, ઉછીની આપે કે ભાડે આપે. બદલામાં આપે કે પાલવે એમ કરે આવી સ્થીતીમાં એ અણમાનીતી ગુલામડીઓ અસન્તુષ્ટ થાય અને અંતે મનફાવતા યુવકની સાથે નીકળી જાય.

પુરુષની સંખ્યા ઓછી હોય, ત્યાં સુધી તો અનેકપત્ની લગ્ન પાલવે. પણ પુત્રીહત્યાને કારણે કે નારીજાતીની અવગણનાને કારણે નારીસંખ્યા ઘટી જાય, અથવા કઠોર પરીશ્રમ કે યુદ્ધને પરીણામે નરસંખ્યા ઘટી જાય, તોય કુદરતના સ્વાભાવીક નીયમે ઘટેલી સંખ્યા વધી વધીને પાછી પોતાની સીમાએ પહોંચવાનું વલણ લે. આમ નરનારીની સંખ્યા લગભગ સરખી ને સરખી રહે. આથી ગણલગ્ન પાલવે કે એકલગ્ન પાલવે. સંસ્કૃત માનવીને ગણલગ્ન ન પાલવ્યું એટલે એ દીશાએ તો એ પાછો ના વળ્યો; પણ એક લગ્ન તરફ ચાલ્યો.

આમ ધીરે ધીરે ગણલગ્નમાંથી અનેકપતી લગ્ન તેમ જ અનેકપત્ની લગ્નમાંથી એકપત્ની લગ્નનો વીકાસ થયો. લોકમતને અને કાયદાને બળે અનેક દેશમાં અને અનેક જાતીમાં તેણે મુળ નાખ્યાં. પણ છતાંયે માનવજાતીના સ્વભાવમાં એણે મુળ નથી નાખ્યાં; સ્ત્રીજાતીમાં કામલોલુપતા, કાંડાબળ અને ધનબળ ઓછાં હોવાથી એ પ્રકટ રીતે અનેકપતી લગ્ન તરફ જઈ શકતી નથી; પુરુષમાં એ ત્રણે વધારે છે; પણ પ્રકટ રીતે અનેકપત્ની લગ્ન તરફ જઈ શકતો નથી, કારણ કે લોકમત કે કાયદો તેને એમ કરતો અટકાવે છે. છતાંયે એણે છટક બારી રાખી છે. વેશ્યાસંસ્થા જેવી છટક બારી રાખી છે. અને ગુપ્ત રીતે તો એ શું શું નથી કરતો? અને છતાંયે એ પોતાને સંસ્કૃતીમાં સર્વોત્તમ માને છે.

એવા બહારના દંભ કરતાં તો હજી જે જાતીઓ અનેકપતી લગ્નને કે અનેકપત્ની લગ્નને પકડી રહી છે તે જાતીઓ સંસ્કૃતીમાં નીચી ગણાતી હોવા છતાં સારી છે. દંભનો પડદો ઓઢીને સંસ્કૃતી દેખાડતી નથી, પોતે જેવી છે તેવી પ્રકટ રુપે દેખાય છે.

 નરસીંહ પટેલ

સ્મરણસ્થ ગુલાબભાઈ ભેડા, જેઓ ‘વીવેકપંથી’ માસીકના સંપાદક, તંત્રી અને પ્રકાશક હતા. તેમની સુપુત્રી બહેન પ્રૉ. હર્ષા બાડકર તરફથી ‘અભીવ્યક્તી’ને 600 પાનાંનું ‘લગ્નપ્રપંચ’ પુસ્તક પ્રાપ્ત થયું. તે પુસ્તક હાલ અલભ્ય છે. તેના પ્રકાશકો સ્મરણસ્થ જમનાદાસ કોટેચા અને ભાઈશ્રી અબ્દુલ વકાનીએ માર્ચ, 2000માં 63 વરસ પછી તે પુસ્તકની બીજી આવૃત્તી પ્રગટ કરી હતી. તે પુસ્તકમાંથી લીધેલો આ લેખ, લેખક અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણસ્થ નરસીંહ પટેલ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ થાય છે. તમારી આતુરતા અને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–10–2023

1 Comment

  1. ‘એકપત્ની લગ્ન ‘અંગે શ્રી નરસીંહ પટેલનો અભ્યાસ પૂર્ણ લેખ.ઘણી નવી વાત જાણવા મળી

    Liked by 1 person

Leave a comment