વીવેકબુદ્ધીનીષ્ઠ કર્મ–અકર્મ

શું રૅશનાલીઝમ અર્થાત્‌ વીવેકબુદ્ધીવાદની કોઈ ઢાંચાઢાળ આચારસંહીતા છે? રૅશનાલીઝમમાં પાપ–પુણ્યની વ્યાખ્યા શી? કોઈ ધાર્મીક પંથ યા સંપ્રદાયની જેમ આમ થાય અને આમ ના થાય – એવા વીધીનીષેધો અફરપણે પાળવાના હોય છે?

સ્વપ્નસંકેત’ લેખાંક :  5

વીવેકબુદ્ધીનીષ્ઠ કર્મઅકર્મ

  રમણ પાઠક

કીં કર્મ કીમકર્મેતી
કવયો–પ્યત્ર મોહીતાઃ
(શ્રીમદ્ ભગવદ્‌ગીતા)

શું કરવા જેવું છે, કર્મ છે અને શું અકર્મ છે, કરવા જેવું નથી?– એ બાબતે કવીઓ પણ મોહ પામે છે, અર્થાત્‌ નીર્ણય કરી શકતા નથી. સંસ્કૃત ભાષામાં કવી શબ્દનો અર્થ વૈદ્ય થતો હતો. આજે પણ પંજાબ–બંગાળમાં વૈદ્યો–તબીબો પોતાના નામ આગળ ‘કવીરાજ’ બીરુદ લગાડે છે. વળી, વૈદ્ય શબ્દ પણ ‘વીદ્‌’ ક્રીયાપદ પરથી બનેલો છે, જેનો અર્થ છે– જાણનારો અર્થાત્‌ વીદ્ધાન. મતલબ કે ગીતા કહે છે કે, કયું કર્મ અને કયું અકર્મ – એ વીદ્વાનો પણ નક્કી કરી શકતા નથી.

હમણાં અમદાવાદથી એક મીત્રનો અચાનક ફોન આવ્યો કે, ‘ફલાણા લેખકના વાર્તાસંગ્રહની પ્રસ્‍તાવનામાં તમે કેમ એનાં વખાણ કર્યા છે? એની વાર્તાઓ તો નબળી છે. અને તમે તો રૅશનાલીસ્ટ છો! તમારે સ્પષ્ટ કહી દેવું જોઈએ કે વાર્તાઓ નબળી જ છે. રૅશનાલીસ્ટ તો તડ અને ફડ, જેવું હોય તેવું જ કહી દે!’ ઓ તારી ભલી થાય, આ તે કેવો ઉપાલંભ?

લ્યો, કરો વાત! એક માણસ રૅશનાલીસ્ટ વીચારધારા પ્રમાણે જીવતો હોય, તો જાણે કે તે કોઈ ધાર્મીક સંપ્રદાયનો ચેલો કે ગુરુ જ થઈ ગયો, યા રાષ્ટ્રપતી! પછી એનાથી અમુક રીતે અમુક કામ થાય ને અમુક કામ ના જ થાય – એવા નીતીનીયમો! વળી, ક્યારેક તો ખુદ રૅશનાલીસ્ટો જ આવી નીયમાવલી ઠોકી બેસાડે. હમણાં જ એક સાચા રૅશનાલીસ્ટે વાતવાતમાં કહ્યું કે, ‘જો કે જુઠું બોલવું એ ઈરરૅશનલ છે– મતલબ કે રૅશનાલીસ્ટ માટે ઉચીત નથી; વીવેકબુદ્ધીવાદની વીરુદ્ધ છે; તેમ છતાંય….’

મેં તરત પ્રતીકાર કર્યો કે, ભાઈ, રૅશનાલીસ્ટ એટલે યુધીષ્ઠીર યા રાજા હરીશ્ચન્દ્ર નહી કે આડેધડ તે સાચું જ બોલ્યા કરે. તે તો વીવેકનીષ્ઠ પુરુષ, જરુર પડ્યે જુઠું પણ પ્રેમથી બોલે. મેં અગાઉ એક વીચક્ષણ ડૉક્ટરમીત્રનો દાખલો ટાંકેલો અને એમને યુધીષ્ઠીર કરતાં સવાઈ સત્યવાદી ગણાવેલા; કારણ કે એક કુમળી કન્યાનું જીવન બરબાદ થતું અટકાવી સુધારી લેવા માટે તેઓ ધરાર જુઠું બોલેલા. મેં કહેલું કે, આ નરો વા કુંજરો વા–ની સરખામણીમાં તો ઘણું જ ઉમદા અસત્ય છે; કારણ કે એમાં મુદ્દલે સ્વાર્થ નથી, કેવળ પરહીતને જ કેન્દ્રમાં રાખી, સત્ય કરતાંય એને ચઢીયાતું ગણી ડૉક્ટરસાહેબ અસત્ય બોલ્યા.

મીત્ર તો તત્કાળ મારી વાત માની ગયા; કારણ કે તેઓ સજાગ પુરુષ છે. વળી એના અનુસંધાનમાં એમણે એક મજાનો, વીચારણીય પ્રસંગ પણ ટાંક્યો : એક ગામમાં કોઈ ભાઈના ઘર ઉપર રાત્રે પથરા પડતા હતા. ગામલોક તો એના સ્વભાવ મુજબ એમ જ માનતું કે, ફલાણાફલાણાનું ભુત ભાઈ ઈશ્વરને હેરાન કરવા માટે રાત્રે પથ્થર ફેકે છે. પણ ઈશ્વર જાગ્રત માણસ, એટલે આ પ્રશ્ન લઈને તે સુરતની ‘સત્યશોધક સભા’ પાસે આવ્યો. સભાવાળા જાતતપાસ માટે તેને ગામ, એને ઘેર ગયા. જઈને જોયું, પથરા પડવાની દીશા, એ પડવાનું કેન્દ્ર ઈત્યાદી બરાબર તપાસી, નજીકનાં સગાંસંબંધીઓ, પડોશીઓ વીશે જાણકારી મેળવી અને સત્ય શોધી કાઢ્યું. પરન્તુ એ નીમીત્તે ઈશ્વરના ઘર આગળ તો મોટું લોકટોળું ભેગું થઈ ગયેલું. સત્યશોધક સભાના આગેવાનોએ વીવેકનીષ્ઠ નીર્ણય લીધો અને જાહેર કર્યું કે, ‘ભાઈઓ, આમાં અમને કંઈ સમજ પડતી નથી.’ અને ગ્રામજનોએ સભાનો હુરીયો બોલાવ્યો…..

હકીકત એમ હતી કે, ઈશ્વરની એક બહેન વીધવા–બાલવીધવા હતી અને એ બરાબર ઈશ્વરના બેડરુમની સામે જ રહેતી હતી. વીધવા, ઉપેક્ષીતા સ્ત્રી; વળી જાતીય અસંતોષથી પીડાય. એટલે રાતવરત એકલી હોય; ત્યારે એને ઉન્માદ ઉપડે. બરાબર એની ઓરડી સામે જ, સગો ભાઈ શયનખંડમાં પોતાની પત્ની સાથે જાતીય સુખ ભોગવતો જણાય, એ ખ્યાલે તે ઉશ્કેરાય. અને પછી પથરા ફેંકી ખલેલ પહોંચાડ્યાનો આનન્દ લે. સત્યશોધક સભાએ તો આ હકીકત બરાબર શોધી કાઢેલી; પરન્તુ ગામલોક સમક્ષ તથા ઈશ્વરની પત્ની આગળ આવું સત્ય ખુલ્લું કરી દેવાથી, પેલી દુઃખીયારી બાઈને અપરંપાર હાની થવાનો સંભવ હતો. એથી સત્યશોધક વીવેકનીષ્ઠો અસત્ય જ વદ્યા કે, ‘ભાઈ, આમાં અમને કંઈ સમજણ પડતી નથી.’ અને અપવાદનો, બેઆબરુનો કલંક ખુશીથી સ્વીકારી લીધો. જો કે પાછળથી ઈશ્વરને એકલો બોલાવીને કાનમાં કહી દીધું કે, ‘ભાઈ, તારી સગી બહેન જ આ કરતુત કરે છે. માટે તેરી બી ચુપ ઔર મેરી બી ચુપ– રાખવામાં જ ડહાપણ છે’.

પેલા અમદાવાદવાળા ટેલીફોનકારી મીત્રને મેં જવાબ વાળ્યો કે ભાઈશ્રી, ગામના કોઈ અતીદુષ્ટ અને પાપીયા આગેવાનની શોકસભામાં તમને બે શબ્દ બોલવાનું કહેવામાં આવે અને તમારાં સ્થાન–માન પણ એવાં જ હોય કે એ વીનંતી સ્વીકારવી પડે. તો શું તમે ઉભા થઈને, પેલા મર્હુમ નેતાને બસ ગાળો જ દેવા માંડો? કારણ કે તમે રૅશનાલીસ્ટ છો અને એટલે તમારે સત્ય જ બોલવું જોઈએ; નહી જ નહી! કારણ કે તમે રૅશનાલીસ્ટ અર્થાત્‌ વીવેકનીષ્ઠ પુરુષ છો, એટલે તમારે પ્રસંગનું મહત્ત્વ સમજવું જ જોઈએ અને એનું ગૌરવ જાળવવું જોઈએ. બીજો વધુ મુંઝવણકારક દાખલો : ધારો કે, એવા દુષ્ટ આગેવાન તમારા પોતાના સ્વર્ગસ્થ પીતાશ્રી જ છે અને એમના અવસાન નીમીત્તે જ ઉક્ત શોકસભા યોજાઈ છે. ત્યારે એમાં શું તમે ગેરહાજર રહેશો? અથવા તમારા પીતાની તારીફ કરતા વક્તાઓને અધવચ્ચે અટકાવી, શું તમે તમારા બાપની નીંદા કરવાનું ચાલું કરી દેશો? આવું કરનારને હું તો રૅશનાલીસ્ટ ના જ કહું.

પ્રસ્તાવનાઓનું પણ એવું જ છે. તમે એક વાર કોઈ લેખકને એના પુસ્તકની પ્રસ્‍તાવના લખી આપવાનું કબુલો, એ પછી જ તમને એની ચોપડી વાંચવા મળે. હવે પુસ્તકની પ્રસ્‍તાવનાનું કામ, એય પેલી શોકસભા જેવું જ છે…. લેખક સારો ન હોય, તો આપોઆપ જ એ તેની શોકસભા બની જવાની! તમે ખુબ સીદ્ધાંતવાદી, અકડું, ઉન્નતભ્રુ, ઘૃષ્ટ, ઉદ્ધત, અવીનયી, અસામાજીક પુરુષ હો, તો તો પ્રારંભે જ જણાવી દો કે, ‘તમારા જેવા લેખકોની પ્રસ્‍તાવના હું લખતો નથી.’ પરન્તુ બધા રૅશનાલીસ્ટ હમ્મેશાં ધૃષ્ટ, ઉદ્ધત, અવીનયી, કડવા વખ જેવા કે ઝઘડાખોર માણસો જ હોય; એવી અપેક્ષા રાખી શકાય નહી. કોઈ પ્રેમાળ, નમ્ર પ્રકૃતીનો, ઉદારમતવાદી, બાંધછોડવાદી રૅશનાલીસ્ટ પણ હોઈ શકે. સૃષ્ટી તથા માનવજાત અપરંપાર વૈવીધ્યોથી ભરીભરી છે– એ સત્ય સૌ પ્રથમ સત્યશોધક એવા રૅશનાલીસ્ટોએ તો સ્વીકારવું જ રહ્યું.

ટુંકમાં, રૅશનાલીઝમ અર્થાત્‌ વીવેકબુદ્ધીવાદની કોઈ ઢાંચાઢાળ આચારસંહીતા હોઈ શકે જ નહી. એ કોઈ ધાર્મીક પંથ યા સંપ્રદાય નથી કે એમાં આમ જ થાય અને આમ ના થાય – એવા વીધીનીષેધો અફરપણે પાળવા પડે. કાવ્યશાસ્ત્રમાં કહેવાયું છે કે, ‘ઔચીત્યં કાવ્યસ્ય જીવીતમ્‌’ અર્થાત્‌ કાવ્યનો આત્મા ઔચીત્ય જ છે. એવું જ જીવનના

તમામ આવકાર્ય વ્યવહારો બાબતે પણ સ્વીકારવું રહે; અર્થાત્‌ જીવનમાં જે ઉચીત સીદ્ધ થાય યા તર્ક, અનુભવ તથા પ્રયોગથી પ્રતીત થાય; તદનુસાર માણસે વર્તવું ઘટે. રૅશનાલીઝમમાં તો ખાસ એવું છે; કારણ કે એનો તો બધો આધાર તેના અનુયાયી એવા રૅશનાલીસ્ટની વીવેકશક્તી ઉપર રહે છે. આથી તેણે તો દરેક પ્રશ્નને સ્વતંત્ર રીતે, તેના ગુણદોષને અધારે જ પ્રમાણવો રહે અને તદનુસાર પોતાનો વ્યવહાર નક્કી કરવો ઘટે. એમાં ક્યારેક ભુલ થાય પણ ખરી; ત્યારે તે કબુલી, સ્વીકારી લેવી.

હમણાં સુરતના ચર્ચાપત્રીઓ રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ ઉપર સારો પ્રકાશ પાડી રહ્યા છે, એના અનુસંધાનમાં તથા ઉપર્યુક્ત ચર્ચાના સન્દર્ભે, અત્રે એક ખુબ આવકાર્ય, વીચારણીય તથા અનુકરણીય મુદ્દો પ્રસ્તુત કરું : અને તે એ કે, રૅશનાલીઝમમાં પાપ–પુણ્યની વ્યાખ્યા શી? અલબત્ત, અત્રે પાપ યા પુણ્ય તે ચીત્રગુપ્તને કહેવાતે ચોપડે જમા–ઉધાર થતું તમારા જીવનનું સરવૈયું નહી; પરન્તુ સારું કૃત્ય અને નરસું અર્થાત્‌ અનુચીત કર્મ. તદનુસાર, એ વ્યાખ્યા હું આપી દઉં : બીજાનું ખરાબ કરવું, અન્યને નુકસાન પહોંચડવું એ પાપ અને બીજાનું ભલું કરવું, હીત કરવું એ પુણ્ય. માટે જ રૅશનાલીસ્ટ જે અસત્ય બોલે, ઉપર પ્રારંભે ટાંકેલ દાખલાઓમાં ડૉક્ટર તથા સત્યશોધક સભાના અગ્રણીઓ જે જુઠું બોલ્યા, તે અન્યના પ્રાણભુત હીતાર્થે જ અને વળી કેવળ નીઃસ્વાર્થ ભાવે. આવું અસત્યવચન વીવેકની સરાણે મોટું પુણ્ય જ છે…. સારી પ્રસ્‍તાવનાથી પણ કવચીત્‌ કોઈને પ્રોત્સાહન મળીય જાય!

મીત્રો! પ્રેમ, લાગણી, દયા, માયા, આત્મીયતા, ઔદાર્ય, વાત્સલ્ય એ બધા અત્યંત ઉમદા એવા માનવભાવો છે. રૅશનાલીઝમ એ કોઈ એવો જડસુ સંપ્રદાય નથી જ કે આવી ઉમદા લાગણીઓનો એમાં ભોગ આપવો પડે. અને જો આપવો જ પડતો હોય, તો કોઈ પછી રૅશનાલીસ્ટ થાય જ શા માટે? કારણ કે રૅશનાલીઝમના પાલનથી સ્વર્ગમાં ચીત્રગુપ્તને ચોપડે આપણું પુણ્ય જમા થાય અને આત્માનો ઉદ્ધાર થઈ જાય– એવું તો રૅશનાલીસ્ટ માને જ નહી. તો પછી શા માટે આવી વીચારસરણી સ્વીકારવી? આ પ્રશ્નનો જવાબ છે : પોતાનાં સુખશાંતી માટે, બીજાનાં સુખશાંતી માટે અને એમ સમગ્ર માનવસમાજનાં સુખશાંતી માટે. હવે જો ઉપર્યુક્ત પ્રેમ–વાત્સલ્ય આદી ઉત્તમ માનવભાવોનો જ ત્યાગ કરી દેવામાં આવે; તો તમે માનો છો કે, એથી કોઈનેય સુખશાંતી મળે?

રૅશનાલીસ્ટ તો ભર્યોભર્યો ઐહીક દુનીયાનો, આ સંસારનો જ માણસ; એટલે સ્વજનો પ્રત્યે તેને આત્મીયતા હોય જ. અને એવું સ્વજન જેમ નીક્ટનું તેમ પ્રેમ – વાત્સલ્ય ઉત્કટતર જ હોય. આવા નીકટના સ્વજનના હીતાર્થ તે અમુક એવું કાર્ય કરવા પણ પ્રેરાય કે જેમાં થોડી બાંધછોડ કરવી પડતી હોય. માનવીનું અને એમાંય સ્વજનનું યા આશ્રીત આત્મીય જનનું સુખ મોટું કે પછી અમુકતમુક સીદ્ધાંત? ‘ભલે સ્વજન દુઃખમાં ઝીંકાય, હું તો સીદ્ધાંત નહીં જ છોડું’– એવો હઠાગ્રહ આવા સંજોગોમાં લાગણીહીન વેદીયાવેડા જ ગણવા ઘટે.  આ કોઈ અમુકતમુકની લાગણીને માન આપવા જેવો તુચ્છ કે સહેલોસાદો પ્રશ્ન નથી; આ તો સ્વજન પર – જેને માટે તમને અસીમ પ્રેમ હોય એવી કોઈ વ્યક્તી ઉપર જ્યારે નક્કર, ત્રાસદાયક, જીવલેણ આપત્તી ત્રાટકવાની શક્યતા હોય; ત્યાં વીવેકનીષ્ઠ પુરુષે શાંત ચીત્તે નીર્ણય લેવાની વાત છે. પછી આવો નીર્ણય કેટલાકની નજરે બીનરૅશનલ લાગે; તોય એ સ્ખલન (એબરૅશન) નથી, એને મોટો ત્યાગ જ લેખવો ઘટે. જો કે હું માનું છું કે, રૅશનાલીસ્ટોએ લોકાપવાદની પરવા કરવી જ નહીં.

ખરેખર તો, આવા બધા પ્રશ્નો મુળભુત રીતે રૅશનાઈલીઝમના છે જ નહીં. રૅશનાલીઝમ–વીવેકબુદ્ધીવાદ તો, પંચેન્દ્રીય દ્વારા ગ્રાહ્ય, તર્ક સાથે સુસંગત તથા અનુભવ–પ્રયોગથી સત્ય–પ્રતીત થતી હકીકતો જે કેવળ સ્વીકારવી અને એના સારા–નરસાપણાનું વીવેકનીષ્ઠ મુલ્યાંકન કરવું – એવી વીચારધારા છે. એથી મોટો લાભ એ જ કે, અલૌકીકતા, પારલોકીકતા, આત્મા–પરમાત્મા, ચમત્કારો, વહેમો, અન્ધશ્રદ્ધાઓ, ધર્મધતીંગો, ધર્મ–અધ્યાત્મ પાછળ વેડફાતી સુખસમૃદ્ધી, એ નીમીત્તે થતું શોષણ, અમુક વર્ગ પર ગુજરતો ત્રાસ, ઝનુન, વૈમનસ્ય જેવાં અનીષ્ટો નીર્મુળ કરી શકાય. જેથી માનવસમાજ વધુ સ્વસ્થ તથા સુખશાંતીપુર્ણ બની રહે. અસ્તુ!

  રમણ પાઠક

ગુજરાતમીત્ર દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના 23 લેખોનું સંકલન એટલે ‘સ્વપ્નસંકેત’ પુસ્તક [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ– 380 001; પ્રથમ આવૃત્તી : 1995; પાનાં : 180 મુલ્ય : રુપીયા 56/- (‘સ્વપ્નસંકેતપુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 2710–2023

3 Comments

  1. પ્રા. રમણ પાઠક ના પ્રેરણાદાયી લેખો અંગે ચર્ચાઓ થતી મતભેદ પણ થતા મનભેદ કદી નહી…તેમનામા દંભ ન હતો.તેઓ એ આવા બધા મત જીવનમા ઉતારેલા જોયા છે અને હવે નથી છતા હ્રુ છે
    ફરી ફરી આવા લેખ માણવા ગમે છે
    ધન્યવાદ

    Like

Leave a comment