સ્વમુત્ર–ઉપચારકો, પ્રચારકો

સ્વમુત્ર–ઉપચારમાં મુત્રમાં રહેલાં ઝેરી તત્ત્વો પીવાય? તેની ખરાબ આડઅસર થાય? શું મુત્રઉપચારના પ્રચારકો આ હકીકત છુપાવે છે? પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ વર્ષો સુધી સ્વમુત્રપાન કરેલ છતાં પણ તેમને મગજમાં ગાંઠ થઈ હતી તે સ્વમુત્રથી ન મટી?

સ્વમુત્ર–ઉપચારકો, પ્રચારકો

✒  લક્ષ્મીદાસ ખટાઉ

એક્યુપ્રેસર, લોહચુંબક, રેકી જેવાં ઉંટવૈદાં અને શ્રદ્ધા–ઉપચારો કરતાં સ્વમુત્ર–ઉપચાર વધારે ખતરનાક છે. અન્ય ઉપચારોથી જેમ કંઈ ફાયદો ન થાય તેમ કંઈ નુકસાન પણ ન થાય. નુકસાન થાય ખરું પણ તે ઉંટવૈદા ઉપચારના સીધા કારણે ન થાય પણ રોગ માટે યોગ્ય સારવાર કરવાને બદલે ફક્ત ઉંટવૈદને રવાડે ચડી જવાય તો રોગ વકરે. સ્વમુત્ર–ઉપચારમાં મુત્રમાં રહેલાં ઝેરી તત્ત્વો પીવાય તો તેની બહુ જ ખરાબ આડઅસર થાય પણ મુત્રઉપચારના પ્રચારકો આ હકીકત છુપાવે છે.

સ્વમુત્ર–ઉપચારનો મુળભુત સીદ્ધાંત એ છે કે મુત્રમાં શરીરના પોષણ અને આરોગ્યના રક્ષણ માટે આવશ્યક તત્ત્વો હોય છે. તેથી મુત્રમાં રહેલાં એ આવશ્યક તત્ત્વોનો ફરી ઉપયોગ કરવાથી રોગ મટે અને સ્વમુત્ર પીનાર નીરોગી બની રહે. મુત્ર–ઉપચારકો કહે છે કે મુત્રમાં વીટામીન્સ, ક્ષારો, મીનરલ્સ, હૉર્મોન્સ, એન્ઝાઈમ્સ વગેરે હોય છે. તે ઉપરાંત લગભગ 200થી 2000 તત્ત્વો મુત્રમાં હોય છે. એટલે મુત્ર બધા રોગો માટેની એક જ દવા – PANACEA છે. એ તો અમૃત છે. ગમે તેવો હઠીલો કે જીવલેણ રોગ હોય કે સામાન્ય રોગ હોય, નામ આપો તે રોગ સ્વમુત્ર–ઉપચારથી મટી જાય. ન તો તમારે ડૉક્ટરની સલાહ લેવી પડે, ન તો દવા માટે પૈસા ખર્ચવા પડે. દીવસમાં જેટલીવાર મુત્ર–વીસર્જન કરો તેટલીવાર મુત્રને ઢોળી દેવાને બદલે ગ્લાસમાં ભરીને પી જાઓ. બસ પછી તમને એઈડ્સ, કૅન્સર, ડાયાબીટીસનો રોગ હોય કે કબજીયાત, ઝાડાની તકલીફ હોય – બધા રોગોમાં આ એક જ અમૃત જેવી દવા કામ આવે! બુદ્ધીનું દેવાળું કાઢવા જેવી વાત છે ને. સ્વમુત્રના આંધળા પ્રચારકો એટલેથી અટકતા નથી. તેઓ તો અતીશયોક્તી કરવામાં અને હળાહળ જુઠા દાવા કરવામાં વીવેકબુદ્ધી પણ ચુકી જાય છે. તેઓ કહે છે કે સ્વમુત્ર પીવાથી હાઈબ્લડપ્રેસર ઘટે અને લો–બ્લડપ્રેસરની તકલીફ હોય તો બ્લડપ્રેસર વધે. વજન વધારવું છે? સ્વમુત્ર પીઓ. ઘટાડવું છે? તો પણ સ્વમુત્ર પીઓ. ઝાડા થયા છે? કંઈ ફીકર નહીં, સ્વમુત્ર પીઓ! બધું બરાબર થઈ જશે. ક્યાંય સાંભળ્યું છે કે એક જ દવા તદ્દન પરસ્પર વીરોધી અસર પેદા કરે

આવી ગાંડીઘેલી વાતો કરીને પોતાનાં પુસ્તકો વેચવાનો ધંધો કરનારા તથા પ્રતીષ્ઠા વધારનારાની વાતોથી અભણ લોકો જ પ્રભાવીત થઈ જાય તેવું નથી, કેટલાય ભણેલા લોકો પણ પ્રભાવીત થઈ જાય છે. અભણ લોકોને પ્રભાવીત કરવા તેઓ કહે છે કે આ ઉપચારનો તો આયુર્વેદમાં ઉલ્લેખ છે. ખુદ શીવે પાર્વતીને મુત્ર–ઉપચાર વીશે વીસ્તૃત જાણકારી આપી છે! એટલે સ્વમુત્ર–ઉપચાર માટે ‘શીવામ્બુ’ જેવું રુડું–રુપાળું, પ્રભાવ પડે તેવું નામ આપી દીધું જેથી શ્રદ્ધાળુઓ તેમાં માનતા થાય. ભણેલાઓને પ્રભાવીત કરવા વીટામીન્સ, મીનરલ્સ, હૉર્મોન્સની વાતો ઉપજાવી કાઢીને તેમને આ ઉપચારમાં માનતા કરી દેવા પ્રયાસ કરવામાં આવે છે.

સ્વમુત્રનાં, મુળભુત સીદ્ધાંત તથા માન્યતાઓને આધુનીક વીજ્ઞાનનાં એલૉપથી, આયુર્વેદ અને નીસગૉપચારનું સમર્થન નથી. સ્વમુત્ર–ઉપચાર એ તો પ્રકૃતીના આયોજન અને ઉદ્દેશથી વીરુદ્ધ છે. પ્રકૃતીએ તો અબજો વર્ષોની ઉત્ક્રાંતીથી – ધીમા વીકાસથી મનુષ્યના શરીરનાં અંગોનું સર્જન કર્યું છે. દરેક અંગ પોતપોતાનું શું કાર્ય છે તે જાણે છે. હૃદય, હોજરી, ફેફસાં વગેરે શરીરનાં બધાં અંગોને આગવું કાર્ય કરવાનું હોય છે. હૃદય લોહીનું પરીભ્રમણ કરે, હોજરી ખાધેલું અન્ન પચાવવાનું કામ કરે, ફેફસાં લોહીમાં રહેલા કાર્બનને ચુસી લઈને ઉચ્છવાસ મારફતે બહાર ફેંકી દે અને શ્વાસ વાટે ઑક્સીજનનો પુરવઠો લોહીને આપે. તે પ્રમાણે કીડનીનું કામ લોહીમાં રહેલી અશુદ્ધી દુર કરવાનું છે. કીડની કચરો ગાળવાની ગળણીનું કામ કરે છે. પાચનપ્રક્રીયાથી શરીરમાં યુરીક ઍસીડ, યુરીયા અને બીજાં કેટલાક શરીરને ઉપયોગી ન હોય તેવાં તત્ત્વો તથા ઝેરી તત્ત્વો પેદા થાય છે. તે લોહીમાં ભળે છે અને લોહી જ્યારે કીડનીમાં પ્રવેશે છે ત્યારે કીડની આ તત્ત્વોને લોહીમાંથી છુટા પાડીને મુત્ર–વીસર્જન દ્વારા બહાર ફેંકી દે છે. કીડનીની અદ્ભુત ક્રીયા મનુષ્યને તંદુરસ્ત રાખે છે. જો કીડની બરાબર કામ ન કરે તો આરોગ્યને લગતી કેટલીય સમસ્યાઓ ઉભી થાય. જો કીડની બગડે તો જીવન પર ખતરો ઉભો થાય. કીડનીના રોગીને ડાયાલીસીસની સારવાર લેવી પડે અથવા બગડેલી કીડનીને સ્થાને બીજી તંદુરસ્ત કીડની બેસાડવી પડે. તો જ તે જીવતો રહી શકે.

આવા કલ્યાણકરી અંગને સ્વમુત્ર–ઉપચારકો દુશમન માને છે અને કહે છે કે કીડની તો શરીરનાં વધારાનાં આવશ્યક તત્ત્વોને ફેંકીને શરીરના વીકાસ અને તંદુરસ્તીમાં બાધા મુકે છે! તેમની આ વાત સાચી માની લઈએ તો તેનો એ અર્થ થાય કે મુત્રનું શરીરમાંથી બહાર વીસર્જન થતું અટકાવવા માટે કીડનીને હોજરી સાથે સીધું જોડાણ કરાવી લીધું હોય તો મુત્ર સીધું હોજરીમાં જાય અને મુત્રમાં રહેલાં તત્ત્વોને હોજરી ફરી પચાવે! અથવા તો કીડનીનું ઑપરેશન કરાવી નાખવામાં આવે તો મુત્રમાં વહી જતાં આવશ્યક તત્ત્વો લોહીમાં જળવાઈ રહે! બુદ્ધી અને તર્કનું કચુંબર કરી નાખવા જેવી વાત છે ને?

મુત્રમાં 97–98 ટકા તો પાણી હોય છે. બાકીના દોઢ–પોણા બે ટકા યુરીક ઍસીડ, યુરીયા અને બીજાં ઝેરી અથવા બીનજરુરી તત્ત્વો હોય છે. બાકીનાં તત્ત્વોમાં સોડીયમ, પોટેશીયમ, કૅલ્શીયમ, મૅગ્નેશીયમ વગેરે તથા કોઈકવાર વીટામીન્સ હોય છે. આમાંથી યુરીયા, યુરીક ઍસીડ જેવાં તત્ત્વો તો ઝેરી પદાર્થો છે, શરીરને નુકસાનકર્તા છે અને મુત્રમાં તો આ જ તત્ત્વોની માત્રા વધારે હોય છે. બાકીના સોડીયમ વગેરે ક્ષારો તથા વીટામીન્સ જો કે શરીરના પોષણ કે આરોગ્ય–જાળવણી માટે આવશ્યક હોવા છતાં પણ મુત્રમાં હોય છે. તેનું કારણ એ છે કે શરીરને અમુક ચોક્કસ માત્રામાં આ તત્ત્વોની જરુર હોય છે. તે માત્રાથી વધારે પ્રમાણમાં નીમકમાં રહેલ સોડીયમ તથા અન્ય ખાદ્ય પદાર્થોમાં રહેલ પોટેશીયમ, મૅગ્નેશીયમ વગેરે ખાવામાં આવે તો વધારાની માત્રાનાં તત્ત્વોની શરીરને જરુરી ન હોય કીડની તેને બહાર ફેંકી દે છે. તે જ પ્રમાણે જો મુત્રમાં વીટામીન્સ જતાં હોય તો તેનો અર્થ એ થાય કે ખોરાકમાં શરીરને આવશયક હોય તે માત્રાથી વધારે પ્રમાણમાં વીટામીન્સ લેવાય છે. એટલે ફક્ત વધારાનાં બીનજરુરી વીટામીન્સ કીડની બહાર ફેંકે છે અને આવશ્યક માત્રામાં વીટામીન્સ તો શરીરમાં જળવાઈ રહે છે. આ પરથી હવે સ્પષ્ટપણે વાચકોને સમજાશે કે કીડનીએ બહાર ફેંકી દીધેલાં ઝેરી તત્ત્વો તથા જરુરી હોય તેથી વધારે માત્રામાં વીટામીન્સ, મીનરલ્સને પેટમાં પાછાં પધરાવવાથી કંઈ ફાયદો ન થાય. કીડની ફરી એ તત્ત્વોને બહાર ફેંકી દે. સ્વમુત્રપાન કરનાર ફરી તેને પીએ. આ રીતે તો વીષચક્ર પેદા થાય. એટલું ખરું કે કોઈ વ્યક્તી ફળ–શાકભાજી ઓછા પ્રમાણમાં ખાતો હોય અને તેના શરીરમાં વીટામીન્સની અછત હોય. તેના મુત્રમાં તો વીટામીન હોય જ નહીં. તેણે તો જેના મુત્રમાં વીટામીન્સ હોય તેવી અન્ય વ્યક્તીનું મુત્ર પીવું પડે! વીટામીન્સવાળું કે વીટામીન વગરનું પોતાનું મુત્ર પોતાને કામ ન આવે. બીજાનું મુત્ર પીવા જેટલું અઘોરી બાવા જેવું મનોબળ તો કોઈમાં ન હોય. એટલે મુત્ર–ઉપચારકોએ સ્વમુત્રનો સીદ્ધાંત આપ્યો, જે તદ્દન બીનઉપયોગી છે.

સ્વમુત્રના પાનથી કેટલીક ભયંકર આડઅસર પેદા થાય છે; પણ સ્વમુત્રના પ્રચારકો આ હકીકત પોતાના વાચકો, શ્રોતાઓથી છુપાવે છે. સ્વમુત્રપાન કરવાથી નીચે મુજબના રોગો થવાનો સંભવ રહે.

(1) મુત્રમાં રહેલ યુરીયા ઝેરી તત્ત્વ છે. અલ્પ માત્રામાં તો તે શરીરમાં દરરોજ પેદા થતું રહે છે અને કીડની તેને લોહીમાંથી ગાળીને મુત્રનળી મારફતે બહાર ફેંકી દે છે. પણ જો શરીરમાં યુરીયાનો ભરાવો થઈ જાય તો યુરેમીયા નામનો ભયંકર રોગ થાય. મુત્ર પીનારાઓ તો હાથે કરીને શરીરમાં યુરીયાનો વધારો કરે છે. તેને કીડની ફરી બહાર ધકેલવાનું કામ કરે. તેથી કીડની પર કામનો બોજો વધે છે.

(2) એલૉપથી, આયુર્વેદ, નીસર્ગોપચાર એક મતે માને છે કે શરીરમાં યુરીક ઍસીડની માત્રા વધી જાય તો સંધીવા થાય. મુત્ર પીનારાઓ પોતાના શરીરમાં યુરીક ઍસીડનો વધારો કરીને સંધીવા GOUTSના રોગને આમંત્રણ આપે છે.

(3) કીડનીમાં પથરી થાય છે તે બે પ્રકારની હોય છે. એક કેલ્શીયમની અને બીજી યુરીક ઍસીડની. શરીરમાં યુરીક ઍસીડનું પ્રમાણ વધી જાય તો પછી તેનું ઝીણી ઝીણી કણીઓમાં રુપાંતર થાય છે. યુરીક ઍસીડની આ કણીઓ હાડકાંના સાંધાઓમાં ભરાય તો સંધીવા થાય અને કીડનીમાં એકઠી થાય તો પથરી બને. સ્વમુત્ર પીનારાઓને સંધીવા અને કીડનીમાં પથરી થવાની સંભાવના ઘણી વધી જાય.

(4) ડાયાબીટીસનો રોગી સ્વમુત્ર પીએ તો તેના મુત્રમાં રહેલ સાકર ફરી શરીરમાં જાય. તેથી તો લોહીમાં સાકરનો વધારો થાય અને સમસ્યા ઉભી કરે; પણ સ્વમુત્ર–ઉપચારના પ્રચારકોની બુદ્ધી એટલી હદ સુધી બહેર મારી ગઈ હોય છે કે આ સાદી વાત પણ તેઓ સમજતા નથી અને ઉલટાના કહે છે કે ડાયાબીટીસનો દર્દી પોતાનું મુત્ર પીએ તો ડાયાબીટીસ મટી જાય!

(5) પ્રજનન, મુત્ર–વીસર્જનના અંગોમાં કોઈ વીષાણુજન્ય રોગ હોય અને તે વ્યક્તી પોતાનું મુત્ર પીએ તો તે પોતાના જ શરીરમાં મુત્રમાં રહેલા વીષાણુઓને પાછા પેટમાં મુકે. કેટલી હદ સુધીની મુર્ખાઈ કહેવાય! પણ મુત્ર–ઉપચારકો તો કહે છે કે વીષાણુયુક્ત મુત્ર પણ અમૃત સમાન છે! વીષાણુયુક્ત મુત્ર પણ વીષાણુજન્ય રોગને મટાડી દે! આ બધી હકીકતો તમને મુત્ર–ઉપચારના કોઈ પણ પુસ્તકમાં વાંચવા મળશે નહીં.

સ્વમુત્રથી કૅન્સર મટી ગયાનો દાવો કરનાર એક વેપારીને જાહેરમાં પડકારવામાં આવ્યો કે તેને કૅન્સર હતો તે સ્વમુત્રથી મટ્યો તે સાબીત કરે. તો તે વેપારી તેમ સાબીત કરવા તૈયાર ન થયો અને ચુપ રહ્યો.

સ્વમુત્રનાં પ્રવચનો, પુસ્તકોમાં જે કંઈ કહેવામાં આવે છે તે વાતો, તદ્દન અવૈજ્ઞાનીક અને હળાહળ જુઠી વાતો હોય છે. હવે તો શીવામ્બુ ક્લીનીક્સ પણ શરુ થઈ ગયાં છે. ભુલેચુકે પણ આ ઉંટવૈદોને રવાડે ચડશો નહીં. આ લોકો તમને છેતરે છે.

ગોબેલ્સે કહ્યું છે કે તમે એક જુઠી વાત સો વાર કરો તો પછી લોકો તે વાત સાચી છે એમ માનતા થઈ જાય. સ્વમુત્રના પ્રચારકો હીટલરના પ્રચારમંત્રી ગોબેલ્સની આ ટૅકનીક વાપરી લોકોને મુર્ખ બનાવે છે. સ્વમુત્ર–ઉપચારને વીશ્વસનીય બનાવવા માટે ધાર્મીક ગ્રંથોનાં અવતરણો ટાંકીને શ્રદ્ધાળુઓને છેતરે છે. અને વીજ્ઞાનની ભાષાના શબ્દો વાપરીને અથવા કોઈ અગ્રગણ્ય વ્યક્તી સ્વમુત્રમાં માને છે તેવી વાતો કરીને ભણેલાઓને મુર્ખ બનાવે છે.

બાઈબલમાં કહેવામાં આવ્યું છે કે ‘તમારી ટાંકીનું પાણી પીઓ.’ આર્મસ્ટ્રોંગ નામના એક અંગ્રેજ ઉંટવૈદે આ ઉપદેશનો મનફાવતો અર્થ બેસાડીને કહ્યું કે બાઈબલમાં જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ એ થાય કે તમારા શરીરમાં પેદા થતું પાણી એટલે મુત્ર પીઓ! આપણા દેશી મુત્ર–ઉપચારકો પોતાના દરેક પ્રવચનમાં, પુસ્તકમાં મુત્ર–ઉપચારના સમર્થનમાં બાઈબલનું આ વાક્ય ટાંકે છે. આયુર્વેદમાં પણ ક્યાંય સ્વમુત્રના ઉપચારનો ઉલ્લેખ નથી એમ આયુર્વેદના નીષ્ણાત વૈદ્ય ચંદ્રશેખર ઠાકુરે લખ્યું છે; પણ મુત્ર–ઉપચારકો તો વારંવાર કહેતા રહે છે કે આયુર્વેદમાં સ્વમુત્ર–ઉપચારનો ઉલ્લેખ છે. એટલું ખરું કે આયુર્વેદમાં તો પશુઓના મુત્રનો ઉપયોગ દવા તરીકે કરવા ઉલ્લેખ છે, મનુષ્યમુત્ર વીશે ઉલ્લેખ નથી. પણ ગોબેલ્સના વારસદારો તો બાઈબલ અને આયુર્વેદના નામે જુઠો પ્રચાર કરતા રહે છે.

મોરારજી દેસાઈ સ્વમુત્ર–ઉપચારના સમર્થક હતા. એટલે આ ઉપચારના સમર્થકોને તો જાણે કે એક બહુ જ પ્રબળ દલીલ મળી ગઈ. તેઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ તરફ પુરા સન્માન સાથે લખવું પડે છે કે મોરારજીભાઈ ભલે એક અગ્રગણ્ય ગાંધીવાદી રાજનીતીજ્ઞ હોય પણ આરોગ્યશાસ્ત્રના વીષયમાં તેમનો અભીપ્રાય આધારભુત ન ગણાય. તેમણે તો વર્ષો સુધી સ્વમુત્રપાન કરેલ છતાં પણ તેમને મગજમાં ગાંઠ થઈ હતી તે સ્વમુત્રથી ન મટી. ઑપરેશન કરાવવું પડ્યું!

મોરારજીભાઈ 100 વર્ષો જીવ્યા તેનો યશ મુત્રોપચારના સમર્થકો આ ઉપચારને આપે છે આ પણ એક તદન જુઠો દાવો છે. લાંબા આયુષ્ય માટે નીચે મુજબના કારણો હોય છે.

(1) લાંબુ આયુષ્ય માબાપ તરફથી વારસામાં મળે છે.

(2) જે વ્યક્તીએ નાનપણથી જ સમતુલ પૌષ્ટીક ખોરાક ખાધેલ હોય તે લાંબુ આયુષ્ય ભોગવે.

(3) તમાકુ, સીગારેટ, દારુ વગેરેના વ્યસનોથી જે મુક્ત હોય તે લાંબુ આયુષ્ય ભોગવે.

(4) નીયમીત કસરત યોગ સાધના કરનાર લાંબુ આયુષ્ય ભોગવે.

(5) માનસીક તણાવ વગરનું શાંતીમય જીવન જીવનાર પણ લાંબુ આયુષ્ય ભોગવે. (6) શુદ્ધ હવા, પાણી અને ખોરાક લેનાર લાંબુ આયુષ્ય ભોગવે. મોરારજીભાઈએ લાંબુ આયુષ્ય ભોગવ્યું તેમાં ઉપરોક્ત પરીબળોનું યોગદાન હતું

સ્વમુત્રપાન ન કરનારા પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.

લક્ષ્મીદાસ ખટાઉ

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–12–2023

1 Comment

  1. અમેરિકાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા ધનપતિઓમા એલોપથી સારવાર તથા ફાર્મસી ઉદ્યોગો પણ આવે છે. હાલ અમુક રોગોમા માનવ મળનો ઉપયોગ વધુ સફળ મનાયો છે અને શીટ ટ્રાંસપ્લાંટ-માનવ મળનુ સેવન ઘણા રોગોમા કરવામા આવે છેં અને ઘણી કમાણી કરાય છે!
    શિવામ્બુ અંગે એક તરફી વિચારો કરવા યોગ્ય નથી.
    પ્રાચીન જમાનામાં સોળમી સદીમાં કાશીના પંડિત ભાવમિશ્રે પોતાના પુસ્તક ભાવપ્રકાશમાં જણાવ્યું હતું કે માનવ મૂત્ર ઝેરી પદાર્થને બહાર ફેંકી દે છે અને સ્વમૂત્રનું નિયમિત સેવન કરવાથી તેમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે મૂત્રનો સ્વાદ તીવ્ર અને ખારાશ પડતો હોય છે અને તેનામાં ચામડી અને લોહીના દરદો મટાડવાની તાકાત રહેલી છે.
    ગુજરાતના માજી મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતા (એમ. ડી. લંડન) એ ‘માનવ મૂત્ર’ નામના અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે ‘મૂત્ર એ શરીરમાંથી નીકળતો મળ નથી પણ શરીરના રોગોને દૂર કરવા માટે કુદરતે આપેલી બક્ષિસ છે.’ આ ‘શિવામ્બુ ઉપચાર પધ્ધતિ’ હિન્દુ ધર્મશાસ્ત્રો, જૈનશાસ્ત્રો, આયુર્વેદ અને ખ્રિસ્તી ધર્મના પુસ્તકો પર આધારિત છે.
    સેંકડો વર્ષ પહેલાં ખાસ કરીને હઠયોગીઓમાં સ્વમૂત્ર પીવાની પ્રથા પ્રચલિત હતી. આ વખતે દરેક સાધકનો યોગની સાધન કરતાં પહેલાં પોતાના શરીરનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે જાળવી લેવા માટે શિવામ્બુ કલ્પનો પ્રયોગ કરવો પડતો. તેનાથી તેમની તંદુરસ્તીમાં સુધારો થતો અને મન અને ઇન્દ્રિયો આદિના વિકારો ટાળવામાં સરળતા પડતી.એ સમયમાં પણ શિવામ્બુ ઉપચાર પધ્ધતિને વધુ પ્રસિધ્ધિ મળી નહિ. છેવટે ભારતીય પ્રજાને આ પધ્ધતિનું જ્ઞાાન આપવાનું કાર્ય ઇંગ્લેન્ડના શ્રી જોન આર્મસ્ટ્રોંગે કર્યું. આર્મસ્ટ્રોંગ ક્ષય રોગની બીમારીથી લાંબા વખતથી પીડાતો હતો.નિષ્ણાત ડોક્ટરોએ એમની બીમારી અસાધ્ય હોવાનું જણાવ્યું. ‘સ્વમૂત્ર’ સમજી ઉપચાર શરૂ કર્યો અને બીમારી થોડા જ સમયમાં ગાયબ થઈ ગઈ. પછી તો તેણે ‘શિવામ્બુ ઉપચાર પધ્ધતિ’ને જ પોતાનું મીશન બનાવી દીધું. લગભગ ત્રીસ વર્ષ સુધી અનેકાનેક દરદીઓના ઉપચાર કરતાં મળેલા અનુભવો પર આધારિત તેણે ‘વોટર ઓફ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું.
    શિવામ્બુના રંગ, સ્વાદ અને વાસના કારણે ઘણા લોકો તેનો સરળતાથી સ્વીકાર કરતા નથી તે હકીકત છે. પરંતુ જેને જેને આ પધ્ધતિના ફાયદા થયા છે તે આનો પ્રચાર કરી અન્યોને પણ તેનો લાભ લેવા પ્રેરિત કરે છે. ફક્ત ભારતમાં જ નહીં પણ ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુ. કે. સ્વિત્ઝરલેંડ વગેરે જેવા દેશોમાં પણ આ પધ્ધતિ પ્રચલિત થઈ રહી છે. અને તે અંગેનું સાહિત્ય પણ તૈયાર થઈ રહ્યું છે. અને રસપૂર્વક વંચાઈ રહ્યું છે.
    આપણા પ્રાચીન ગ્રંથોમાં ડાબર તંત્રમાં શિવામ્બુના વિવિધ ઉપયોગ દર્શાવતા ૧૦૭ શ્લોક દ્વારા આ પધ્ધતિનો મહિમા સવિસ્તાર સમજાવ્યો છે. ‘યોગ રત્ન ધન્વન્તરી નિધંતુ, હારિત સુશ્રુત’ વગેરે જેવા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં સ્વમૂત્ર તથા પ્રાણીઓના મૂત્રના વિવિધ ઉપયોગ અંગે વર્ણન જોવામાં આવે છે.
    તેની પધ્ધતી સમજી ઉપચાર કરતા શિવામ્બુ શ્રેષ્ઠ ઔષધ તરીકે અમે સારા અનુભવો જોયા છે.

    Liked by 1 person

Leave a comment