મગનભાઈ મથુરભાઈ

વેઠીયા મજુરી નાબુદી માટે કાયદા બનાવાયા છે તેમ છતાં મગનભાઈ જેવા કેટલાયને વેઠીયા મજુરી કરવી પડે છે. વેઠીયા મજુરી એ ભારત જેવા લોકશાહી દેશ માટે શરમજનક ન કહેવાય?

મગનભાઈ મથુરભાઈ

સંપાદક : જગદીશ પટેલ

ધોરણ–6 સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો છે તે મગનભાઈ જીવણભાઈની ઉમ્મર હાલ 28 વર્ષ છે. તેમના પીતા મથુરભાઈ અકીક પથ્થર ઘસવાથી થયેલા સીલીકૉસીસથી 2009માં મૃત્યુ પામ્યા. મથુરભાઈના પત્ની પણ અકીક પથ્થર ઘસવાને કારણે 1993ની સાલમાં મરણ પામ્યા તેને 23 વર્ષ વીતી ગયા. માના મરણ સમયે મગન છ વર્ષનો હતો. મગનને બીજો એક ભાઈ અને એક બહેન હતા. ત્રણે બાળકો નમાયા થયા. પછી પીતા મથુરભાઈએ જ આ બાળકોનો ઉછેર મા થઈને કર્યો. નાની બહેન તો બે જ વર્ષની હતી; છતાં પણ મથુરભાઈએ બીજા લગ્ન કર્યા નહીં.

મથુરભાઈને માથે ત્રણ બાળકો ઉપરાંત વૃદ્ધ માતાની પણ જવાબદારી હતી. મથુરભાઈ ખુશમીજાજ વ્યકતી હતા. હમ્મેશાં તેઓ હસતા રહેતા. અમે વારંવાર તેઓના કારખાને મહેમાનોની મુલાકાત કરાવતા પણ કયારેય તેઓએ ના નથી પાડી કે મોં બગાડયું હોવાનું યાદ નથી. મથુરભાઈ પાટીયાનું કામ કરતા હતા. તેઓ કહેતા કે આ બધા કારીગરો કામ કરે છે પણ પડદા પલાળતા નથી. મોં ઉપર બાંધતા નથી. એમ કરે તો થોડી ઓછી ધુળ શ્વાસમાં જાય. મથુરભાઈ લગભગ 50 વર્ષની ઉમ્મર સુધી કામ કરતા રહ્યા તે તે સમયે અકીક કારીગરો માટે એક રકોર્ડ ગણાય. એટલું લાંબુ બીજા અકીક કારીગરો જીવતા નહીં. તેઓ લગભગ એક વર્ષ બીમાર રહ્યા અને 2009માં ગુજરી ગયા.

તેઓના મરણ પછી મગનભાઈના માથે નાનીબહેન તથા વૃદ્ધ દાદીમાની જવાબદારી આવી ગઈ. મથુરભાઈના પત્ની ગુજરી ગયા ત્યાર પછી તેમના મોટા દીકરાને મામાના ઘરે લઈ ગયા હતા. તે ત્યાં જ ઉછરીને મોટો થયો. મગન બીજા નંબરનો. મગને પોતે કમાવવા જવાનું અને બહેન તથા દાદીની જવાબદારી નીભાવવાની. મગન ઝવેરાત ઘસવાની મજુરી કરતો હતો. માલીક 2009માં તેને રુપીયા 70/– નો રોજ આપતા હતા. તેમાંથી ગુજરાન ચલાવતા. મોટોભાઈ તો કશી મદદ કરતો નહીં. દીવસે દીવસે ઘર ચલાવવામાં તકલીફ પડવા લાગી એટલે મગન સતત વીચાર્યા કરતો કે શું કરું? દેવું વધતું જતું હતું. ઘર ખર્ચ તથા સમાજના વ્યવહાર રીતરીવાજો પણ કરવા પડતા. મથુરભાઈના મરણ સમયે મગને માલીક પાસેથી રુપીયા 5,000/– (પાંચ હજાર) અંતીમક્રીયાના ખર્ચ પેટે લીધા હતા. તેથી હવે તે વેઠીયો મજુર બન્યો. બીજે વધુ મજુરી મળતી હોય તો પણ માલીક જવા દેતા નહીં. ગમે તેમ સુખે દુખે બે વર્ષ તે જ માલીકને ત્યાં કામ કર્યું. મા–બાપ ન હોવાના કારણે બહેનના લગ્ન જેટલા જલદી કરી દઈએ તેટલું સારું એમ તેને લાગ્યા કરતું. નાનીબહેનના સગપણ માટે એણે સમ્બન્ધીઓ સાથે વાત કરવાનું ચાલુ કર્યું અને સંજોગ એવા કે પાદરા તાલુકાના ગામમાં બહેનનું ગોઠવાઈ ગયું. સગાઈ કરી અને તેજ મહીનામાં લગ્ન પણ ગોઠવાઈ ગયા.

વેવાઈ સજ્જન હતા. તેઓએ હીમ્મત આપી હતી. તમે ચીંતા કરશો નહીં, તમારા ઘરે મંડપ પણ હું મોકલીશ અને જમણવાર પણ મારા તરફથી ગોઠવી દઈશ એવી દરખાસ્ત એમણે કરેલી. તેમ છતાં મગને પણ પોતાની રીતે તૈયારી કરવી પડે. તેથી કારખાનું બદલવાનું નક્કી કર્યું. ખંભાતના અણલખ્યા નીયમ મુજબ જે માલીક મજુરને રાખવા માગતા હોય તેમણે જુના માલીકની બાકી રકમ ચુકવી દેવી પડે. એટલે કે વેઠીયો વેચાતો લેવો પડે. હવે મજુર નવા માલીકનો વેઠીયો બને. નવા માલીક પાસેથી પંદર હજાર ઉપાડ લઈને મગને જુના માલીકને બાકી ચુકવી દીધા. લગ્નના કપડાંની ખરીદી વગેરે પેટે ખર્ચ થયો. મગનના મામાએ પણ કપડાં ખરીદવાના ખર્ચમાં મદદ કરી. 2011માં બહેનના લગ્ન કરી દીધા એટલે મોટી જવાબદારીમાંથી મુકતી મળી.

હવે ઘરમાં રહ્યા મગન અને દાદીમાં. મગનના માસી–કમ–કાકી પાડોશમાં જ રહે. તેઓ દાદીમાને જમાડી દેતા એટલે મગનને તેની ચીંતા ન હતી. માસીને મહીને જમવાના ખર્ચ પેટે ઉચ્ચક રકમ આપી દેતો. એક જ વર્ષની અંદર એટલે 2011માં દાદીનું 80 વર્ષની ઉમ્મરે મરણ થયું. હવે મગન એકલો થઈ ગયો.

માસીના ઘરેથી બે મહીના સુધી જમવાનું આવ્યું. પછીથી તેઓએ જણાવ્યું કે જાતે બનાવીને ખાવાનું ચાલુ કર, મને તકલીફ પડે છે. કામ કરવા વાળું મારે પણ કોઈ નથી.

મગનને તો રસોઈ બનાવતાં આવડતું ન હતું. એટલે થોડા દીવસ બજારમાં નાસ્તા–પાણી કરીને ચલાવ્યું. માંડ મહીના સુધી આમ ચલાવ્યું. તેવું પોસાય તેમ પણ ન હતું. તેથી ઘરે કરીયાણાનો થોડો સામાન લાવ્યો. બન્ને  ટાઈમ ખીચડી બનાવવાનું ચાલુ કર્યું; પરન્તુ  કાયમ માટે રાઘેલું ભાવે નહીં. એટલે એ આજુ– બાજુમાં લોટ આપી આવતો કે મારા રોટલા બનાવી આપજો. આવું છ મહીના ચાલ્યું. પછી તેને થયું કે લોકો કયાં સુધી બનાવી આપશે? જાતે જ ખાવાનું છે તો આપણે જ બનાવવું જોઈએ તે સમજાયું. પોતે બનાવીને ખાવાનું શરુ કર્યું. હાલમાં એને બધી રસોઈ બનાવતાં આવડી ગયું છે.

“સમાજમાં અનાથ તરીકે જીવન ગુજારવું ખરેખર ખુબ જ કઠીન છે. કોઈના ઘરે જઈએ તો આવકાર પણ ન મળે. તેને ડર લાગે કે આ હમણાં અહી ચોંટી જશે તો ખાવા પીવાની જવાબદારી આપણા માથે આવશે.” મગન જીવનનો સાર કહે છે.

“મારે લગ્ન કરવાના છે પણ મારા માટે કોણ વીચારે? મારા બનેવી દસેક જગ્યાએ જોવા માટે લઈ પણ ગયા; પરન્તુ  સામેવાળા સવાલ પુછે કે ખેતીની જમીન કેટલી છે? ખેતીની જમીન નથી એટલે છોકરી પક્ષવાળા તૈયાર થતા નથી.”

મગને હવે માની લીધું છે કે એના લગ્ન નહીં જ થાય. તેથી દારુના રવાડે ચડી ગયો છે. હાલમાં ત્રણ ટાઈમ દારુ પીએ છે. માસીએ તેમના બે છોકરાઓના લગ્ન કરાવી દીધા. જયારે મગન માટે સગા આવે ત્યારે તેઓ તેમની જુની કહાની કરવા બેસી જાય કે હું તો બે ઠેકાણે નાતરે ગયેલી, પથ્થર ઘસતી અને ઘર ચલાવતી. એટલે સામાવાળા સગાઈ કરવા અંગે વીચારમાં પડી જાય અને પોતાની દીકરી આવા કુટુંબમાં આપવા તૈયાર ન થાય.

મગનને મનથી એવું લાગી ગયું છે કે મારા માસી મારું લગ્ન થવા નહીં દે; કારણ કે તેમની નજર મગનના ઘર ઉપર છે. “મારું લગ્ન ન થાય તો મારું ઘર તેઓને મળી જાય. કેમ કે તેઓના બન્ને છોકરાના લગ્ન થઈ ગયા છે. તેઓ એક જ ઘરમાં 10 વ્યકતી રહે છે. મારા લગ્ન ન થાય તો તેઓને મકાન મળી જાય. તે માટેના તેઓના પ્રયત્ન છે. મારી બહુ ચીંતા કરતા હોય તેમ લોકોની સામે દેખાડો કરે છે. મારા માતા–પીતા હતા ત્યાં સુધી સમ્બન્ધ સારા રાખ્યા છે. મારા મોટાભાઈ સાથે સમ્બન્ધ રાખે છે; કારણ કે તે મામાને ઘરે રહે છે. એ અહીંયાં આવવાનો નથી. બીજી ખાસ વાત તો એ છે કે હમણાં તમારી ઑફીસમાં એક લાખની સરકારી સહાયના ફોર્મ ભરાય છે. તેથી તેઓ મારી પાછળ પડ્યા છે કે તું ઍફીડેવીટ કરાવી લાવ, બેંકની પાસબુક લઈ આવ વગેરે. દરરોજ મારી પાછળ આંટા મારે છે. માસી કહે છે કે આ પૈસા આવે તો તારા લગ્ન કરાવી દઈએ. અત્યાર સુઘી તો કયારેય એવી વાત કરી નથી. આ પૈસા આવે તો તેઓને વહીવટ કરતાં ફાવે એટલે મારી પાછળ આંટા મારે છે. હાલ મહીનામાં 10 દીવસ ઝવેરાત ઘસવા જઉં છું. બાકી તો કોઈની સાથે ખેતરમાં મજુરીએ જતો રહું છું. તો ત્યાં ખાવાનું મળી જાય. ઘરે બનાવવાની ચીંતા મટી જાય.”

વેઠીયા મજુરી એ ભારત જેવા લોકશાહી દેશ માટે મોટી શરમજનક કહેવાય. વેઠીયા મજુરી નાબુદી માટે કાયદા બનાવાયા છે પણ તેનો અમલ, અન્ય કાયદાઓની જેમ જ બહુ નબળો. રાજયમાં વેઠીયા મજુર છે તેવી જાહેરાત વહીવટી તંત્ર માટે શરમજનક ગણાય છે તેથી તેઓ એમ સ્વીકારવા તૈયાર હોતા જ નથી. તે કારણે સમસ્યા વણઉકલી રહી જાય છે. મગન જેવા કેટલાયને વેઠીયા મજુરી કરવી પડે છે. સ્વતંત્ર દેશમાં આવા નાગરીકો હોય તો દેશ મજબુત શી રીતે થાય?

મગન જેવા યુવાનો જે સાવ એકલાવાયાપણું અનુભવે છે તેમને માનસીક સહારો આપવા કોઈ મળતું નથી ત્યારે દારુ તેમને સહારો આપે છે અને ઘીમે ઘીમે તેઓ ઉંડી ગર્તામાં ધકેલાતા જાય છે. આવા પીડીતોનું સમાજ પુનઃસ્થાપન કઈ રીતે કરશે તે મોટો પડકાર છે. સીલીકૉસીસ જે અટકાવી શકાય તેવો રોગ છે તે અટકાવી શકાયો નહીં તેમાંથી કેવી કેવી સમસ્યાઓ ઉભી થઈ! મગનને હવે સીલીકૉસીસ નહીં, દારુ જ પી જશે. સરકારની દારુબંધીની નીતી કેવી નીષ્ફળ નીવડી છે તે અવા બનાવો પરથી સમજાય છે.

ખાસ નોંધ : આ વીતકકથામાં પાત્રની અંગતતાના રક્ષણ સારું અસલ નામ બદલી નાખ્યું છે. જેથી કોઈએ બંધબેસતી પાઘડી ન પહેરવા વીનંતી.

સંપાદક : જગદીશ પટેલ

પી.ટી.આર.સી.ના નીયામકશ્રી જગદીશ પટેલ સંપાદીત ‘સીલીકૉસીસ’ના ભોગ બનેલા કારીગરો અને તેના કુટુંબની વ્યથાકથા વ્યક્ત કરતું પુસ્તક ‘આપ ક્યું રોએ…’ (પ્રકાશક :  ‘પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર’, 43, શ્રીનાથધામ ડુપ્લેક્સ, દીનેશ મીલ–ઉર્મી રોડ, વડોદરા – 390007 સેલફોન : 94264 86855 ઈ.મેલ : ptrcvdr@yahoo.co.in વેબસાઈટ : http://peoplestraining.org/ પાનાં : 120, મુલ્ય : રુપીયા 100/–)માંથી સંપાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

સંપાદક–સમ્પર્ક : શ્રી જગદીશ પટેલ, નીયામક, પી.ટી.આર.સી. (સરનામું ઉપર મુજબ છે.)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ થાય છે. તમારી આતુરતા અને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  25–12–2023

2 Comments

  1. યાદ આવે -‘રોજ રોજ વેઠના વારા હવાલદાર એ લોકગીત..
    .’વેઠીયા મજુરી અંગે સાહીત્યકારો ,સમાજસેવકો અને સરકાર તરફથી ઘણો વિરોધ થયો છે. યુરોપમાં ઔદ્યોગિકીકરણ શરૂ થયા પછી મજૂરોને યંત્ર સાથે બાંધીને સોળ કલાક કામ કરાવતા! ભયંકર અત્યાચારની ખરી પીડા આજના ચીનમાં વસનારા ઉઇગર મુસલમાનો રોજ રોજ વેઠી રહ્યા છે. લગભગ વીસ લાખ જેટલાં મુસ્લિમ વેઠ પ્રથાના ભોગ બન્યા છે.વારલી આંદોલન વેઠના સોટાંનો વારો. જમીનદારોની વાડીમાં! આજે મગનભાઈ મથુરભાઈની વાતે આંખ ભીની થઇ…
    ભારતમા હજુ પણ વેઠ પ્રથા સંપુર્ણ નાબુત થઇ શકી નથી! વેઠીયા મજુરી એ ભારત જેવા લોકશાહી દેશ માટે મોટી શરમજનક કહેવાય. વેઠીયા મજુરી નાબુદી માટે કાયદા નો અમલ સખ્ત કરવાની જરુર છે…

    Liked by 1 person

  2. ખૂબ જ માર્ગ એક વાત અને સમાજ સેવકોએ આગળ આવીને આ પ્રકારે વેઠીયાઓને વારે આવવાની જરૂર છે ્

    Liked by 1 person

Leave a comment