એકાદ ક્ષણ કોઈનો આભાર માનવા ફાળવો…

રીચર્ડ કાર્લસનેનજીવી વાતોની ફીકર કરશો નહીં અને બધી વાતો નજીવી હોય છે’ એ પુસ્તકમાં ગણીને સો ટીપ્સ આપી છે જે જીંદગીને વધુ હળવાશથી અને આનન્દથી જીવવામાં સહાયક નીવડે છે. આવો, આપણે એમાંની ચાર ટીપ્સ અંગે થોડી વાતો કરી લઈએ.

લેખાંક :  3

એકાદ ક્ષણ કોઈનો આભાર માનવા ફાળવો…

ડૉ. શશીકાંત શાહ

રીચર્ડ કાર્લસને પોતાના વીશ્વ પ્રસીદ્ધ પુસ્તકમાં જીંદગી જીવવા માટેની સો ટીપ્સ આપેલી છે. એમાંની મોટા ભાગની આપણને ઉદ્દેશીને લખાયેલી હોય એવું લાગે છે. મને સૌથી મહત્ત્વની અને ઉપયોગી જણાયેલી ચોવીસ ટીપ્સ હવે પછીના છ લેખોમાં ચર્ચવાનો ઈરાદો છે. પ્રત્યેક લેખમાં ચાર ટીપ્સ અંગે વાતો થઈ શકશે. આખા દીવસમાં થોડી પળો કોઈનો આભાર માનવા માટે ફાળવવી જોઈએ. તમામ નૈતીક મુલ્યોમાં કૃતજ્ઞતાના મુલ્યને હું સર્વોચ્ચ સ્થાન આપું છું અને તેથી જ આપણે સૌ પ્રથમ આ જીવન મુલ્યને ચર્ચા માટે પસંદ કર્યું છે. ‘જીવનમાં મેં કોઈની મદદ લીધી નથી’ એવું જાહેર કરવાની સ્થીતીમાં કોઈ છે ખરું?

રીચર્ડ કાર્લસને ‘નજીવી વાતોની ફીકર કરશો નહીં અને બધી વાતો નજીવી હોય છે’ એ પુસ્તકમાં ગણીને સો ટીપ્સ આપી છે જે જીંદગીને વધુ હળવાશથી અને આનન્દથી જીવવામાં સહાયક નીવડે છે. આવો, આપણે એમાંની ચાર ટીપ્સ અંગે થોડી વાતો કરી લઈએ.

(1) દ૨રોજ એકાદ ક્ષણ કોઈનો આભાર માનવા માટે ફાળવો :

કૃતજ્ઞતાનો ભાવ વીનમ્રતામાંથી જન્મે છે. આભાર શબ્દને પોતાનું વીશીષ્ટ સૌંદર્ય છે. પ્રત્યેક માણસ જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને કોઈ મદદગારનો હાથ પકડીને આગળ વધે છે. ડૉ. કાર્લસન સુચવે છે કે દરરોજ એકાદ ક્ષણ કોઈને આભારના ભાવ સાથે મનોમન યાદ કરો. મદદ કરનારને મળવા જવાની કે ફોન કરવાની જરુર નથી. માત્ર મનોમન એમનું સ્મરણ કરો, આપ હતા તો હું વીકાસના ઉચ્ચતમ શીખરને સ્પર્શી શક્યો.. થૅન્ક્સ! માત્ર ક્ષણના ઝબકારામાં કોઈનો આભાર માની લેવાય. કૃતજ્ઞતા અને મનની શાંતી હાથમાં હાથ પરોવીને ચાલતા હોય છે એવું ડૉ. કાર્લસન ભારપુર્વક નોંધે છે. આ જીંદગી બક્ષનારા પ્રભુથી અને માતા-પીતાથી આભાર માનવો પડે એવા પવીત્ર નામોની યાદી શરુ થાય. એ નામોમાં કોનો કોનો સમાવેશ થાય, કલ્પના આવે છે? આપણે અસ્વસ્થ તબીયત સાથે ટ્રેનમાં અનીવાર્ય મુસાફરી કરી રહ્યા હતા. બેભાન થઈ જવાય એટલી ભીડ હતી. સાડા ચાર કલાક તાવની સાથે કેવી રીતે ઉભા રહેવાશે તેની ચીંતા હતી અને એક યુવાને ઉભા થઈને આપણને બેસવાની જગ્યા કરી આપી. પરીવારના સ્વજનો, મીત્રો, અજાણ્યા રાહદારીઓ, પ્રેમાળ ડૉક્ટર, દયાળુ કામવાળી, દીકરાને વ્યસનમાંથી છોડાવનાર વર્ગીશક્ષક… રોજ એકાદ-બે ઉપકાર દાતાઓનું સ્મરણ કરીને એમને હૃદયપુર્વક આભાર માનીને વંદન કરી લો. હૃદયમાં જ્યારે ઈર્ષ્યા, અદેખાઈ, નફરત વગેરે ભાવો તોફાન જન્માવે છે ત્યારે નકારાત્મક વીચારોને હાંકી કાઢી હકારાત્મક લાગણીનું સ્થાપન કરવા આ પદ્ધતી ખુબ કામ લાગે છે. ડૉ. કાર્લસન લખે છે, મારા જે વાચકોએ મને મહાન બનાવ્યો, વીશ્વભરમાં મશહુર બનાવ્યો.. હું એમને કેવી રીતે ભુલી શકું? જીંદગીમાં જેમને થૅન્ક્સ કહેવું પડે એવા પાત્રો ઘણા હોય છે…

કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં કૃપણતા ન દાખવીએ. કેટલાયે માણસો એ આપણને મહાનતા બક્ષવા સમય, શક્તી, નાણાં, પ્રેરણાબળ પુરાં પાડ્યાં છે. એમણે કોઈએ ‘આભાર, તમારો’ એવું સાંભળવા માટે આ બધું નથી કર્યું. માત્ર તમારા પ્રત્યેના પ્રેમથી ખેંચાઈને આ બંધ કર્યું છે. એમને મનોમન ‘થૅન્ક્ યુ’ લહેવામાં પણ દીલચોરી શા માટે?

(2) તમારી લડાઈઓને કાળજીપુર્વક પસંદ કરો :

‘તમારી લડાઈઓને શાણપણ દાખવીને પસંદ કરો’ એવી ખુબ જાણીતી કહેવતને લડાઈઓ, સંઘર્ષ, વીવાદ, કડવાશ, તંગદીલી વહોરી લેતી વખતે સ્મરણમાં રાખવી જોઈએ. સીદ્ધાંત માટેનો ઝઘડો યોગ્ય છે; પરન્તુ નાની નાની વાતોને ઝઘડા માટેનું નીમીત્ત બનાવતા રહીશું તો આખી જીંદગી યુદ્ધ-મેદાનમાં ફેરવાઈ જશે. સાચી વાત એ છે કે જીંદગીમાં દરેક વખતે આપણે ઈચ્છતા હોઈએ એવું બનતું નથી અને લોકો પણ આપણે અપેક્ષા રાખી હોય તે રીતે વર્તતા નથી. પરન્તુ ઝઘડાઓ નોતરતી વખતે શાણપણ દાખવીને આગળ વધવું સલાહભરેલું છે. જીંદગીમાં આનન્દ અને શાંતી ઈચ્છતા હોઈએ તો કઈ લડાઈને આગળ વધારવી અને કયા ઝઘડાને જતો કરવો એ વીવેકપુર્વક વીચારવું જોઈએ. નહીં તો જીંદગીમાં વીષાદ, સ્ટ્રેસ, નીરાશા અને હતાશા સીવાય બીજું કંઈ બચશે નહીં.

(3) નજીવી વાતની ચીંતા ન કરો… બધી વાતો નજીવી હોય છે :

દીકરીની સગાઈ તુટી ગઈ. દીકરાએ બીજી નોકરી શોધ્યા વગર પહેલીમાંથી રાજીનામું આપી દીધું. દાયકાઓ જુની મૈત્રી નાની અમસ્તી ગેરસમજને કારણે તુટી ગઈ… જીંદગીનો પ્રત્યેક સુર્યોદય કોઈને કોઈ સમસ્યા લઈને આવે છે. આપણે પ્રત્યેક નાની નાની સમસ્યાને મોટું સ્વરુપ આપીને દુઃખી થવા ટેવાયેલા છીએ. કોઈ લાઈન તોડીને આગળ નીકળી ગયું, સરકારી બેંકમાં ઑફીસર ચા પીવા ગયા અને વીસ મીનીટ પછી આવ્યા, રોંગ સાઈડ પરથી ઓવરટેક કરીને ટાબરીયો તમને ટચ કરીને પસાર થઈ ગયો… કઈ કઈ વાતોની ચીંતા કરશો? કોઈની બેવકુફી આપણે માટે વીષાદનું કારણ શા માટે બને? રીચર્ડ લખે છે, નાની નાની વાતોની ચીંતા કરીને આપણે જીંદગીનું સૌંદર્ય અને જીંદગીનો જાદુ માણવાનું ચુકી જઈએ છીએ. એક સત્તાવીસ વર્ષની યુવતી જીંદગીની ગંભીર સમસ્યા ચર્ચવા ત્રીસ મીનીટનો સમય માંગીને મને મળવા આવી. એમની સમસ્યા કઈ હતી? સર, મારા દીકરાને પ્રથમ પસંદગીની શાળામાં પ્રવેશ ન મળ્યો. અમારે સમાધાન કરીને બીજી શાળામાં પ્રવેશ સ્વીકારવો પડ્યો. હવે એની સમગ્ર કારકીર્દી ખતમ થઈ જવાની… સર, અમને કોઈ સારા ટ્યુશન શીક્ષક સજેસ્ટ કરો જે રોજ ઘરે આવીને (ત્રણ વર્ષના) દીકરાને બે ત્રણ કલાક ટીચીંગ કરાવે! માત્ર ત્રણ વર્ષના દીકરાની કારકીર્દી કોઈ એક નીશ્ચીત શાળામાં પ્રવેશ ન મળવાથી રગદોળાઈ ગઈ… બોલો, આપણે રોજ ઉઠીને નવી નવી ઉપાધીઓને સામે ચાલીને શોધવા નીકળીએ છીએ ને? પછી મીત્રો સામે આપણો બળાપો એ હોય છે કે… જીંદગી જીવવાની મજા નથી આવતી, રોજ કોઈને કોઈ ઉપાધી આવ્યા જ કરે છે. ડોન્ટ સ્વેટ ધ સ્મૉલ સ્ટફ.. એન્ડ ઈટ્સ ઓલ સ્મૉલ સ્ટ!

(4) ધૈર્ય કેળવવા પ્રેક્ટીસ સેશન ગોઠવો :

આપણે ધીરજનો ગુણ ખોઈ બેઠા છીએ. કારમાં ગેસ પુરાવવા ગયેલા એક સજ્જને જોયું કે લાંબી લાઈન હતી અને આપણે સાતમાં ક્રમે ઉભા રહેવાનું છે. ડ્રાઈવીંગ સીટ પર બેઠેલા ચાળીસેક વર્ષના એ યુવાને પત્નીને કહ્યું, ઘરે પાછા જઈએ… સાંજે નીક્ળીશું ત્યારે ગેસ પુરાવી દઈશું.

પત્નીએ સલાહ આપી, ઘરેથી પંદર મીનીટ આવવાની અને પંદર મીનીટ પાછા જવાની.. અત્યારે ત્રીસ મીનીટથી ઓછા સમયમાં આપણે કામ પતાવીને બહાર નીકળી જઈશું. અને બન્યું પણ એવું જ. અઢારમી મીનીટે ગેસ પુરાવીને તેઓ બહાર આવી ગયા. એક મીનીટ પણ રાહ જોવાની આપણી તૈયારી નથી હોતી. ડૉ. કાર્લસન પોતાનો અનુભવ ટાંકીને લખે છે, મેં ધૈર્ય જાળવવા માટેનો પ્રારંભ પાંચ મીનીટના સેશનથી કર્યો. નક્કી કર્યું કે પાંચ મીનીટ ધ્યાન ધરીને બેસું છું.. એક પણ ચીંતા કે સમસ્યાને મારા ચીત્તમાં પ્રવેશવા નહીં દઉં. સહીષ્ણુતા કેળવવાનો એ પ્રયોગ સફળ થાય એટલે ધૈર્ય સેશનનો સમય લંબાવી શકાય. ધૈર્ય જાળવવાથી ત્રણ લાભ થાય છે;

(1) તમે વર્તમાન ક્ષણમાં જીવી શકો છો.

(2) ઉભી થયેલી નાની અમસ્તી સમસ્યા થોડી ક્ષણોમાં ઉકેલાઈ જશે એવો ધૈર્યવાદ આપણને હતાશ, નીરાશ, વીષાદગ્રસ્ત બનતા રોકે છે.

(3) ઉભી થયેલી પ્રતીકુળતાને તમે યોગ્ય પરીપ્રેક્ષ્યમાં મુલવી શકો છો.

જીવનને આનન્દમય રાખવા માટે ડૉ. કાર્લસને સુચવેલી તરકીબોને અમલમાં મુકવાનું લગીરે મુશ્કેલ નથી, અજમાવી જોઈએ.

મેઘધનુષ

એવા માણસોને મારા અંતીમ પ્રણામ જેઓ મારી અપુર્ણતા જાણે છે છતાં મને ચાહે છે.

રવીન્દ્રનાથ ટાગોર

(ક્રમશ:)

  ડૉ. શશીકાંત શાહ

ગુજરાતમીત્ર’ દૈનીકમાં ડૉ. શશીકાંત શાહની વર્ષોથી દર બુધવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’ (હવે બંધ)ના 8 લેખોની પુસ્તીકા ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’  [પ્રકાશક : ડૉ. શશીકાંત શાહ કોપી રાઈટ : શ્રી. સમીર શશીકાંત શાહ, 35, આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, રાંદેર રોડ, સુરત. તૃતીય  આવૃત્તી (આ પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક , પ્રકાશક અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણસ્થ ડૉ. શશીકાંત શાહ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–01–2024

7 Comments

  1. તમે વર્તમાન ક્ષણમાં જીવી શકો છો. ઉભી થયેલી નાની અમસ્તી સમસ્યા થોડી ક્ષણોમાં ઉકેલાઈ જશે એવો ધૈર્યવાદ આપણને હતાશ, નીરાશ, વીષાદગ્રસ્ત બનતા રોકે છે. ઉભી થયેલી પ્રતીકુળતાને તમે યોગ્ય પરીપ્રેક્ષ્યમાં મુલવી શકો છો.જીવનને આનન્દમય રાખવા માટે ડૉ. કાર્લસને સુચવેલી તરકીબોને અમલમાં મુકવાનું લગીરે મુશ્કેલ નથી, અજમાવી જોઈએ.
    જેવી પ્રેરણાદાયી વાતો વિગતે સમજાવવા બદલ હ્રુ.ડૉ. શશીકાંતને ધન્યવાદ

    Liked by 1 person

  2. ખૂબ સરસ લેખ છે વિચારવા જેવું છે સમજવા જેવું છે ટ્રાય કરીશું જીવન માં ઉતારવાનો

    Liked by 1 person

  3. નમસ્કાર!

    આજના સુપરફાસ્ટ ગણાતા જીવનમાં આવી મૂલ્યવાન સૂચનો લોકો સમક્ષ મૂકવા બદલ ગોવીંદભાઈનો અને લેખક્નો ખુબ ખુબ આભાર!.

    Liked by 1 person

Leave a comment