નરમેધ યજ્ઞ

આ મહાન આધ્યાત્મીક લોકશાહી રાષ્ટ્રમાં વળી ઐહીક જીવનની કીંમત શું? શું યજ્ઞો ભયાનક ભ્રષ્ટાચાર નાબુદ દેશે કે? મતલબ કે ભારતને જીવવા લાયક બનાવી શકશે કે?

સ્વપ્નસંકેત’ લેખાંક :  8

નરમેધ યજ્ઞ

  રમણ પાઠક

ગતી-સ્થીતીના, સચરાચરના લોખંડી ટકરાવથી વાતાવરણને ધમધમાવતી ઈન્ટરસીટી તોતીંગ પુલના પીંજરીયા બોગદામાં પ્રવેશી કે તરત સામે બેઠેલાં સુખીયાંબહેને પાકીટમાંથી એક રુપીયાનો સીક્કો કાઢ્યો; રસ્તે ચાલતાં, રુપીયાભાર પુણ્ય કમાઈ લેવા માટે! નીચે વીસ્તરેલ રેવામાનો વીશાળ પટ અને ગહેરાં પાણી, વીજ્ઞાનીઓના પુણ્યકર્મે, અમે બેફીકર આસાનીથી, અનાયાસ ઓળંગી રહ્યાં હતાં. કોઈ બુઢ્ઢાનો અવાજ કાને પડયો, ‘જય નર્મદે! હર નર્મદે!’

હું મનોમન બબડ્યો, જય રેલવે માતા! હર પુલના ઈજનેરો! માનવસર્જીત આવાં પ્રચંડ બાંધકામોનાં દર્શન મને ખુબ ગમે છે. ‘ફાઉન્ટહેડ’ નવલકથામાં લેખીકા આઈન રેન્ડ એક સ્થળે આલેખે છે : એક પાત્ર બીજાને પુછે છે : ‘આ અસીમ આકાશ, આ અગાધ ઉંડા મહાસાગરો, ઉંચા ઉંચા આ દુર્ગમ પહાડો, અફાટ અરણ્યો, અસંખ્ય કોટયાનુકોટી તારકો, સુર્ય, ચંદ્ર અને આ અનાદી – અનંત એવા રહસ્યમય બ્રહ્માંડને જોતાં, તને એવો અનુભવ નથી થતો કે, આ સુવીરાટ વીશ્વમાં આપણે મનુષ્યો કેટલાં પામર, કેવાં તુચ્છ જંતુડાં માત્ર છીએ ?’

ત્યારે સાંભળનાર પાત્ર પ્રત્યુત્તર વાળે છે : ‘ના, બલકે મને મહાનતા તથા ગૌરવનો જ અનુભવ થાય છે. કારણ કે એ જ વામનસ્વરુપ માનવ જ ઉક્ત અસીમ અને અભેદ્ય બ્રહ્માંડનાં અગણીત રહસ્યોને તાગવા રૉકેટ છોડી શકે છે. એ જ માનવ, પોતાનાં જ સર્જેલાં વીમાનો દ્વારા ઉંચે આકાશમાં વીહાર કરતો, ગણતર કલાકોમાં પૃથ્વીના આ છેડેથી સામે છેડે પહોંચી જાય છે. સ્વનીર્મીત સ્ટીમરો વડે તે જ મનુષ્ય સેંકડો યોજન લાંબા-પહોળા અને અતાગ ઉંડા એવા આ મહાસાગરને રમતોજમતો ઉલ્લંઘી જાયે છે. તે અફાટ વગડા વીંધે છે અને પહાડોનાં ગગનચુંબી શીખરોનેય સર કરી આવે છે. અનંત અવકાશ અને એમાં યુગોના સનાતન રહસ્ય સમા સળગતા-ઝળહળતા તારકોનો પાર પામવાય તે સમર્થ બન્યો છે. સુર્ય, ચંદ્ર, ગ્રહાદીને તો તે હસ્તામલકવત્ ઓળખી શક્યો છે. આમ પ્રકૃતીના આ વીરાટ વીશ્વરુપદર્શન સમક્ષ કોઈ પણ વાતે, મને માનવીની પામરતા પ્રતીત થતી જ નથી. એથી ઉલટું, મને એના સર્વગ્રાહી તથા સર્વોપરી સામર્થ્યનાં દર્શનનો રોમાંચ જ અનુભવાય છે. વૉટ એ પીચ ઑફ વર્ક ઈઝ મેન!

(અત્રે કેવળ પ્રસ્તુત નવલકથામાં આવતા સંબંધીત પ્રસંગમાંથી ભાવાનુવાદ જ રજુ કર્યો છે. પુસ્તક સામે રાખી, શબ્દશઃ અનુવાદ ટાંક્યો નથી. અલબત્ત, લેખીકાનો મર્મ યથાવત પ્રગટ કર્યો છે.)

કોઈ પણ મહાનદીમાં, નીચે જયારે ઘોડાપુર ઘુઘવતાં હોય, ત્યારે માનવસર્જીત પુલ અને રેલવે દ્વારા, આરામથી ખાતાંપીતાં, ગાતાંનાચતાં એને બેફીકર ઉલ્લંઘી જતાં આબાલવૃદ્ધોને જ્યારે હું જોઉં છું, ત્યારે ત્યારે ચીત્તમાં, માનવીના આવા સર્વવીજેતા સામર્થ્યનો ગૌરવદાયી અનુભવ જ રોમાંચ જગાડે છે… પરન્તુ જ્યારે કોઈ શ્રદ્ધાળુ બહેન યા વડીલ નદીના પવીત્ર જળમાં પધરાવવા આમ રુપીયો કાઢે છે, ત્યારે વળી મનમાં ખીન્નતાની આગ જલી ઉઠે છે, જેમાં મારી તમામ માનવીય અસ્મીતા બળીને ભસ્મીભુત થઈ જાય છે…. પરન્તુ આશ્ચર્ય! પાકીટમાંથી સીક્કો કાઢનાર બહેનને બાજુમાં બેઠેલ એક સદ્ગૃહસ્થ બે હાથ જોડી વીનવી રહ્યા હતા : ‘મહેરબાની કરીને બહેન, આ પૈસા આમ પાણીમાં ના નાંખશો. એને બદલે બાપડા કોઈ ગરીબને આપો, તો ચા, નાસ્તો કરીને એ તમને આશીર્વાદ આપશે.’

અને ખરેખર, તે જ ઘડીએ ડબ્બામાં બે બાળકો – એક બાબો ને બીજી બાલીકા હાથમાં ચપ્પણીયું વગાડતાં, બસુરાં ફીલ્મી ગીતો ગાતાં ને નાચતાં ભીખ માંગી રહ્યાં હતાં. મેરા ભારત મહાન, જ્યાં ખીચોખીચ સફર સાથે મફત મનોરંજન! કેટલાંક જવાનીયાં હાહાઠીઠી કરતાં આ બેઢંગ ગીત – સંગીત માણી પણ રહ્યાં હતાં. સંવેદનજડતા એ આઝાદી પછીનો આપણો અસાધ્ય રાષ્ટ્રરોગ છે. સ્વતંત્રતાએ આપણને શું આપ્યું? બેફામ વસ્તી, ઘનઘોર ગીર્દી, જીવલેણ દારીદ્રય, હૃદયહીન ભોગવીલાસ, બીનધાસ્ત લુંટ, ભીખમંગાં બાળકો, માસુમ અને લાચાર! માથાફાડ ગંદકી, કાનફાડ કોલાહલો, સંકુચીત રગડાઝઘડા, અડાબીડ અજ્ઞાન, વહેમો અને અન્ધશ્રદ્ધાઓ, અગવડો, અવ્યવસ્થાઓ, અન્યાયો અસલામતીઓ-એક નઘરોળ, નફફટ, ફુવડ જીંદગાની! ચોમેર આક્રંદ, યાતનાઓ, ક્રુરતાઓ તથા મજબુરીનો ઘુઘવતો મહાસાગર… કમ સે કમ, મારે તો આવી આઝાદી નથી જ જોઈતી….

ચપ્પણીયું એટલે પથ્થરના બે પટ્ટીદાર ટુકડા, જેને આંગળાં વડે પરસ્પર ટકરાવી ગીત સાથે એક પ્રકારનો કરતાલ જેવો તાલ આપવામાં આવે છે એ કોઈ પણ કીમતી, એટલે કે કીંમતવાળું સાધન નહીં વસાવી શકનાર, ખાસ કરીને બાળભીખારીઓ આવું ચપ્પણીયું વગાડતાં ગાય છે ને નાચે છે…..

પેલાં દાનેશ્વરી બહેને દલીલ કરી, ‘કેમ, પાણીમાંય જીવ છે ને?’

પેલા ભાઈ કહે, ‘ના બહેન, પાણી તો નીર્જીવ કહેવાય, એમાં જીવ ના હોય. હા, પાણીની ભીતર જીવજંતુ ને માછલાં ખરાં, પરન્તુ એ પૈસા ના ખાય….’

હું ચુપચાપ આ સંવાદ સાંભળી રહ્યો. અગાઉનો યુગ મારો પર્વાશ્રમ કાળ હોત તો, મેં જરુર ગરમાગરમ ચર્ચામાં ઝંપલાવ્યું જ હોત; પરન્તુ હવે હું બહુધા ચુપ જ રહું છું. બેચાર મીત્રો સીવાય ભાગ્યે જ દીલ ખોલું છું કે ખીલું છું. કદાચ એકદમ શાણો બની ગયો છું અથવા તો હતાશ!

મનોમન મને સવાસો ઉપરાંત વર્ષ પુર્વે બનેલી એક યાદગાર ઘટના યાદ આવી રહી હતી – બરાબર આ જ નમામી દેવી નર્મદે! અને આવા જ લોખંડી પુલની વાત, જે અલબત્ત, આજે જુનો પુલ કહેવાય છે… પવીત્ર લોકમાતા મા રેવામા ઉપર તે વળી, આવો લોહપુલ બંધાતો હશે? આ તો હડહડતો કળજુગ… પાપી યવનોને આ પવીત્ર નર્મદામાતાની દૈવી તાકાતની કશી ગતાગમ જ નથી. માનો પુણ્યપ્રકોપ કદીય આવો અત્યાચાર સહી નહીં લે, જોજો ને…! અને ધમધમાટ કરતી, પાણી સહીત નર્મદાના વીશાળ પટને ધ્રુજાવતી પ્રથમ રેલવે ટ્રેન ગોલ્ડન બ્રીજના લોખંડી બુગદામાં પ્રવેશી. સીસોટી મારતી ને સુસવાટા કાઢતી આગગાડી તો ભરુચ સ્ટેશને આવી, હાંફતી થોભી ગઈ…

સુમારે અઢારસો ને પંચાવનના અરસાનો, પુરાં એકસો અને આડત્રીસ વર્ષ પુર્વેનો આ બનાવ. એ પછી તો આ પતીત પાવની મા નર્મદા માતાને માથેથી લાખો આગગાડીઓ ને અબજો ઉતારુઓ પસાર થઈ ગયાં. છતાં હજી આજેય અસંખ્ય ભાવીકો ચેનથી ગાડીમાં બેઠાં બેઠાં બે હાથ જોડી, નર્મદા માના પવીત્ર જળમાં પાઈપૈસો પધરાવ્યે જ જાય છે… એ જોતાં, વળી મને થોડા માસ પુર્વે બનેલો એક દુઃખદ ધર્મપ્રસંગ યાદ આવી ગયો : નર્મદા માતા જેટલો જ લોક ભક્તીભાવ ગુજરાતમાં તો કદાચ મા મહીસાગર નદીનોય સેવાય છે, એમાં પણ પ્રવાસીઓ પુલ ઉપરથી પાઈપૈસો ને નાળીયેર પધરાવે છે. એક દીવસ બન્યું એવું કે, પસાર થતી ગાડીમાંથી કોઈકે નાળીયેર જોરમાં નદીમાં ફગાવ્યું, જે નીચે નાહી રહેલા એક યુવાનના માથામાં જીવલેણ અથડાયું. માથું ફુટ્યું ને કોઈનો એ લાડકવાયો ત્યાંનો ત્યાં જ મરણશરણ થઈ ગયો! ન દાદ, ન ફરીયાદ! આ મહાન આધ્યાત્મીક લોકશાહી રાષ્ટ્રમાં વળી ઐહીક જીવનની એવી કીંમત જ શું? અરે, મહીમાતાને ખોળે મરીને એ ભાગ્યવંતો નર તો અમર થઈ ગયો! જ્યાં આયુષ્ય જ ખુટ્યું, ત્યાં નાળીયેર તો કેવળ નીમીત્ત માત્ર, એ આત્મા તો છુટી ગયો બીચારો, આ ભવસાગરમાંથી! (ભાવસાગરમાંથી!)

મારા હાથમાં વડોદરાનું અખબાર હતું, જેના છેલ્લા પાને મોટા અક્ષરે મથાળું મારેલું : ‘અશ્વમેધ યજ્ઞની ભવ્ય તૈયારીઓ અને પછી બૉકસમાં મુકેલ સુક્તો હતાં : પચીસ સો કીલો શુદ્ધ ઘી ને તેર હજાર મણ લાકડાં હોમાશે. હીમાલયથી યજ્ઞમાં હોમવા માટે આવી પહોંચેલી ત્રણસો કીલો ઔષધીઓ. પચીસ લાખ માણસોને માટે જમવાની વ્યવસ્થા. ભવ્ય પ્રવેશદ્વાર. અમુક હજાર તંબુઓ ને તમુક હજાર ટોયલેટો વગેરા.. વગેરા. આ અશ્વમેધ યજ્ઞમાં ઘોડાનો બલી નહીં ચઢાવાય! આ આયોજનને ‘દૈવી સંસ્કૃતી દીગ્વીજય અભીયાન’ એવું નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે, ઉક્ત યજ્ઞથી વીશ્વમાં દીવ્ય સંસ્કૃતીની સ્થાપના થશે, પર્યાવરણ શુદ્ધ થશે, વીશ્વશાંતી સ્થાપીત થશે, અનીષ્ટો તથા પાપો બળીને ભસ્મ થઈ જશે, પ્રજાનાં ચીત્ત શુદ્ધ તથા શાંત થઈ જશે, સંસારમાં સુસંવાદ વધશે, પ્રકૃતીનાં તત્ત્વો પ્રસન્ન થશે, સુકાલે પર્જન્ય વરસશે, ધનધાન્યની રેલંછેલ થશે અને જગતમાં સુખ, શાંતી અને સમૃદ્ધી વ્યાપી રહેશે ઈત્યાદી.

આ વાંચતાં મને એક પ્રસંગ યાદ આવી ગયો : આ યજ્ઞ ગાયત્રી પરીવાર દ્વારા યોજવામાં આવ્યો છે. એ નીમીત્તે સુરતમાં એક સભા મળેલી, જેમાં પ્રસ્તુત સંપ્રદાયના એક મોવડીએ ગાયત્રી મંત્ર તથા ઉપર્યુક્ત યજ્ઞનું મહત્ત્વ સમજાવ્યું. ગાયત્રીના જાપથી હૃદયરોગ સુધ્ધાં મટી ગયાના દાખલા તેઓએ ટાંક્યા! એ તો જાણે કે ઠીક, પરન્તુ ગાયત્રીજપ તથા સંબંધીત યજ્ઞને પરીણામે વીશ્વશાંતી, સંસારમાં સુમેળ, બંધુત્વ, સુસંવાદ આદી સ્થાપીત થાય જ અને થશે જ એવો દાવો પણ તેઓએ ભારપુર્વક કર્યો.

આ મોવડી પ્રકાંડ ગાયત્રી-ઉપાસક છે : માટે એમણે પોતે તો ઉક્ત મંત્રના લાખો જાપ કર્યા જ હશે. છતાં તેઓના એવા સીદ્ધ, પવીત્ર, પાવનકારી અસ્તીત્વનો કોઈ મંગલ પ્રભાવ વ્યાખ્યાનખંડમાં તો શું, મંચ ઉપર બેઠેલ વ્યક્તીઓનાં ચીત્તમાં પણ પડ્યો નહીં. વ્યાસપીઠ પર વીરાજમાન ફક્ત છસાત મહાનુભાવો પણ અંદર અંદર ઝઘડ્યા અને ભારે અશાંતી, કડવાશ તથા ઉગ્રતા વ્યાપી. એ દુર કરવામાં ગાયત્રીમંત્રનો પ્રભાવ નીષ્ફળ જ ગયો! પ્રસ્તુત સભાના ખુદ ગાયત્રીભક્ત આયોજકો તથા સંચાલકોએ પણ આપખુદી, પક્ષપાત, અસહીષ્ણુતા તથા અન્યાય દાખવ્યાં. ખેર, હે સવીતાનારાયણ, અમારી બુદ્ધીને પ્રેરો!

ભરતવાક્ય

આ લખતો હતો, ત્યાં જ મુંબઈથી જાણીતા લેખક શ્રી રજનીકુમાર પંડયાએ ફોન રણકાવ્યો : ‘અમેરીકાનો વીઝા મળી ગયો છે…. પણ એક લખવા જેવો ભયંકર પ્રસંગ કહું : જેવો વીઝા લઈને બહાર આવ્યો કે, એક કફની – પાયજામામાં સજજ ‘સજ્જને’ મને પુછ્યું,

‘વેચવો છે?’

ઘડીભર તો મને સમજ ના પડી કે એ શું કહેવા માંગે છે! પછી પ્રકાશ પડતાં, કેવળ જાણ ખાતર સામે પુછ્યું,

‘કેટલા આપશો?’

એટલે પેલો કહે, ‘બે લાખ રુપીયા, રોકડા !’ વળી મેં આનાકાની કરી તો કહે, ‘ચાલો, પચીસ હજાર વધારે!’

ખેર, મારે તો ક્યાં એ વેચવો હતો? પણ ભય લાગે, કમકમાં આવે, છાતી બેસી જાય એવી ઘોર આ ઘટના છે ને?….. સાંભળવા મુજબ ભારતીય નાગરીકોને આવા બનાવટી પાસપોર્ટ-વીઝા ઉપર અમેરીકામાં ઘુસાડવાની ફી પાંચ પાંચ લાખ રુપીયા બોલાય છે.., યજ્ઞો આવો ભયાનક ભ્રષ્ટાચાર પણ નાબુદ કરી દેશે કે? મતલબ કે ભારતને જીવવા લાયક બનાવી શકશે કે?

  રમણ પાઠક

ગુજરાતમીત્ર દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના 23 લેખોનું સંકલન એટલે ‘સ્વપ્નસંકેત’ પુસ્તક [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ– 380 001; પ્રથમ આવૃત્તી : 1995; પાનાં : 180 મુલ્ય : રુપીયા 56/- (‘સ્વપ્નસંકેતપુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26-01-2024

3 Comments

  1. અત્યારે હું પ્રધ્યાપક રમણભાઈ પાઠકની આત્મકથા ‘આત્મઝરમર’ વાંચતો હતો અને મારા ઈમેલ પર નજર પડતાં ગોઅને રમણવીન્ભાઈ આપની અભીવ્યક્તી પર નજર પડી. રમણભાઈના બધા જ લેખો મને ખુબ ગમે છે. લોકજાગૃતી માટે એમનું લખાણ અજોડ છે. એમના આ લેખને માણવાની તક આપવા બદલ આપનો ખુબ આભાર. રમણભાઈના વધુ ને વધુ લેખ માણવાના મળશે એવી આશા.

    Liked by 1 person

  2. ✒હ્રુ. રમણ પાઠક નરમેધ યજ્ઞ સ રસ લેખ.કેટલીક સટીક વાતો પચાવતા તકલીફ પડે’ત્યારે યાદ આવે કે જ્યારે સટિક વાતો કરવાની હોય ત્યારે બને કે સુકા ભેગું લીલુ પણ બળે..અંતે ‘‘અમેરીકાનો વીઝા મળી ગયો છે…. પણ એક લખવા જેવો ભયંકર પ્રસંગ કહું : જેવો વીઝા લઈને બહાર આવ્યો કે, એક કફની – પાયજામામાં સજજ ‘સજ્જને’ મને પુછ્યું,

    ‘વેચવો છે?’

    ઘડીભર તો મને સમજ ના પડી કે એ શું કહેવા માંગે છે! પછી પ્રકાશ પડતાં, કેવળ જાણ ખાતર સામે પુછ્યું,

    ‘કેટલા આપશો?’

    એટલે પેલો કહે, ‘બે લાખ રુપીયા, રોકડા !’ વળી મેં આનાકાની કરી તો કહે, ‘ચાલો, પચીસ હજાર વધારે!’

    ખેર, મારે તો ક્યાં એ વેચવો હતો? પણ ભય લાગે, કમકમાં આવે, છાતી બેસી જાય એવી ઘોર આ ઘટના છે ને?….. સાંભળવા મુજબ ભારતીય નાગરીકોને આવા બનાવટી પાસપોર્ટ-વીઝા ઉપર અમેરીકામાં ઘુસાડવાની ફી પાંચ પાંચ લાખ રુપીયા બોલાય છે.., યજ્ઞો આવો ભયાનક ભ્રષ્ટાચાર પણ નાબુદ કરી દેશે કે? મતલબ કે ભારતને જીવવા લાયક બનાવી શકશે કે?’
    આજે જ જાણ્યો અને આઘાત લાગ્યો.

    Liked by 1 person


  3. આજના જમાનાનાં લોકોને પુસ્તકિયું જ્ઞાન આપવા કરતાં સાચું બૌદ્ધિક જ્ઞાન આપવું જરૂરી બની ગયું છે.

    સ્વતંત્ર રીતે વિચારી શકે અને ચિલાચાલુ ગાડરીયા પ્રવાહમાં ન તણાય એ સારું

    આભાર ગોવિંદભાઈ અને લેખકશ્રીનો.

    Liked by 1 person

Leave a comment