માર્કશીટમાં પાંચ ટકા વધારવા હોય તો વીદ્યાર્થીને આ ફીલ્મ ચોક્ક્સ બતાવો

મવાલી જેવા લુખ્ખા, વાતે વાતે કશ ખેંચતા અને ગુટકા ખાતા, બાપના પૈસે તાગડધીન્ના કરતા છોકરા સાથે હવે આજની છોકરીઓ પ્રેમના નામે કશું જ બલીદાન કરવા તૈયાર નથી. પ્રત્યેક શાળાએ ધોરણ 10 અને 12ના વીદ્યાર્થીઓને આ ફીલ્મ બતાવવી જ રહી.

માર્કશીટમાં પાંચ ટકા વધારવા હોય તો
વીદ્યાર્થીને આ ફીલ્મ ચોક્ક્સ બતાવો

   ડો. સંતોષ દેવકર

વીધુ વીનોદ ચોપડા ફીલ્મ જગતનું જાણીતું નામ. તેમણે બનાવેલી ‘પરીન્દા’, ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘3 idiots’, ‘પરીણીતી’, ‘એકલવ્ય’, અને હવે ‘12th  FAIL’.

ખુબ ઓછી ફીલ્મો આવે છે જે સહકુટુમ્બ જોવા જેવી હોય!

હીન્દી ફીલ્મોમાં ખુન લલીત કળાનો દરજ્જો પામતું રહ્યું છે. માણસને રીબાવી રીબાવીને મારવાની નવી નવી તરકીબો લોકો સમક્ષ મનોરંજન તરીકે પીરસાતું રહ્યું છે. આપણું ફીલ્મી મનોરંજન લગભગ ખુનરંજન બની ગયું છે. ઓસ્કારમાં નોમીનેટ થયેલી 12th FAIL ફીલ્મ જરા હટકે છે. ફીલ્મની માવજત એટલી સુંદર રીતે થઈ છે કે અભીનન્દન સીવાય બીજો કોઈ શબ્દ જડતો નથી.

આઈટમ સોંગ, ખુન, પ્રેમના અતીરેકના નામે અશ્લીલતા, અસંભવ મારધાડ, ગાડીઓનો ઉછાળો એવું આ ફીલ્મમાં કાંઈ જ નથી.

માત્ર બે કલાકની આ ફીલ્મ  મોટું વળતર આપીને જાય છે. નાયીકા કહે છે કે “પ્રેમ મહોબ્બત કે લીયે મેરે પાસ ટાઈમ નહીં હૈ. તુ પ્રીલીમ નીકાલ લે ઉસકે બાદ મીલુંગી”. પેશનના અભાવે ખુબ ઓછા લોકો સફળ થતાં હોય છે.આ ફીલ્મ પેશન શીખવાડે છે.

નાયકના કુટુમ્બ પ્રેમના મુળીયાં ખુબ મજબુત છે. ઘરની આર્થીક સ્થીતી અને મા–બાપનો ચહેરો તેના માટે ઈન્સ્પાયરીંગ બની રહે છે.

“તુજસે નહીં હો પાયેગા”…આ વાક્ય નકારાત્મક હોવા છતાં નાયક માટે ઈન્સ્પાયરીંગ બને છે.

ફીલ્મમાં બતાવ્યું છે કે ઈંગ્લીશ મીડીયમની સામે હીન્દી મીડીયમનો વીદ્યાર્થી મેદાન મારી જાય છે. પૈસો, સગવડ, પૌષ્ટીક આહાર જેવું કશું જ નથી. છતાં તેની પાસે છે માત્ર જજબા, કંઈક કરવાનું જનુન.

“મૈં કર લુંગા”…ખીસ્સામાં એક રુપીયો નથી, ભુખ લાગેલી છે, આઈપીએસનો આઈ ખબર નથી. રહેવાનાં ઠેકાણાં નથી અને છતાં કહે છે કે “મૈ કર લુંગા.”

મનોજની અંદર રહેલો મનોજ ખુબ જ પાવરફુલ છે. ઈચ્છાશક્તીની સામે આ બધી અ- છત અને અ- ગવડ ગૌણ બની જાય છે. આ ફીલ્મનું સૌથી મજબુત પાસું હોય તો તે સ્ટ્રોંગ સ્ટોરી લાઈન છે. સત્ય ઘટના પર આધારીત હોઈ હૃદયને સ્પર્શે છે. નાયક વીક્રાંત મેસી હાલમાં મનોજકુમાર શર્મા આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફીલ્મમાં સીન છે : ચા ની કીટલી પર  નાયક નાયીકા હાથમાં હાથ પરોવીને બેઠા છે, ત્યારે તેનો મીત્ર ખુબ જ કડવી ભાષામાં જીવનની સચ્ચાઈ બયાન કરે છે કે આ છોકરી હાથ છોડીને જતી રહેશે. છોકરી તો જ સમ્બન્ધ રાખશે જ્યારે તું કંઈક બની જઈશ.

મવાલી જેવા લુખ્ખા, વાતે વાતે કશ ખેંચતા અને ગુટકા ખાતા, બાપના પૈસે તાગડધીન્ના કરતા છોકરા સાથે હવે આજની છોકરીઓ પ્રેમના નામે કશું જ બલીદાન કરવા તૈયાર નથી. પ્રત્યેક શાળાએ ધોરણ 10 અને 12ના વીદ્યાર્થીઓને આ ફીલ્મ બતાવવી જ રહી.

વીસ કરોડમાં તૈયાર થયેલી આ ફીલ્મે આ લખાય છે ત્યાં સુધી સીત્તેર કરોડનો વરસાદ વરસાવ્યો છે. વાર્તાની ગુંથણી એટલી કલાત્મક છે કે તે પ્રેક્ષકના મન પર કબજો જમાવી દે છે. અદ્ભુત દીગ્દર્શન વચ્ચે રચાયેલી આ ફીલ્મમાં ક્યાંય અભીનયનો અતીરેક નથી. આઈટમ સોંગના થીગડાં નથી. હસાવવા માટે જોક્સના લપેડા નથી. શાંતનુ મોઈત્રાનું બૅક ગ્રાઉન્ડ મ્યુઝીક ફીલ્મને ચાર ચાંદ લગાવે છે.

નાયીકા-શ્રદ્ધા જોશીએ લખેલી ચીઠ્ઠી નાયક માટે પ્રેરણા બને છે. “તુ આટે કી ચક્કી ચલાયેગા યા ફીર આઈપીએસ બનેગા મૈ તેરે સાથ રહુંગી.” સાચો પ્રેમ હમ્મેશાં પોષક હોય છે મારક નહીં.

ફીલ્મમાં કોઈ જાણીતા ચહેરાઓ નથી, છતાં અભીનયમાં દરેકે પ્રાણ રેડ્યો છે. દીવ્યકીર્તી સર યુ.પી.એસ.સી.ના ક્લાસ ચલાવે છે મુળભુત રીતે મનોજ શર્મા તેમનો જ વીદ્યાર્થી છે.

ઉચ્ચ શીક્ષણ માટે દીકરીને હૉસ્ટેલમાં મુકવી પડતી હોય છે એવો એક પ્રસંગ ફીલ્મમાં છે. મા–બાપ અને દીકરીનો પરસ્પરનો વીશ્વાસ કેવો રંગ લાવે છે તે ઘટનાનું નીરુપણ અદ્ભુત રીતે થયું છે. રીસ્ટાર્ટ શબ્દ આ ફીલ્મનો પ્રાણ છે. ગૌરી ભૈયા અને દુષ્યંત સર જેવા સર મળે તો અનેક મનોજ ઉભા થાય. આ જગતને દુષ્યંત સરની જરુર છે.

મીસરી
#Restart
હતાશા ખંખેરી નાખે છે. તેનો અર્થ ફીલ્મ જોવાથી ખબર પડે છે.

✒   ડો. સંતોષ દેવકર

ગાંધીનગર મેટ્રો’ દૈનીકમાં દર મંગળવારે પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મધુવનની મહેક’ (તા. 16, જાન્યુઆરી, 2024)માંથી.. લેખકશ્રીના અને ‘ગાંધીનગર મેટ્રો’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Dr. Santosh Devkar, Latiwala D. El. Ed. College, MODASA – 383 315 Dist: Arvalli (North Gujarat) eMail: santoshdevkar03@gmail.com Mobile: 94265 60402

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તનના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને આતુરતા નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  ઈ.મેલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–01–2024

3 Comments

Leave a comment