એક્યુપ્રેસરીસ્ટો

એક્યુપ્રેસર નામ જ ઠગારું છે. તેમાં એક્યુ એટલે સોઈનો ઉપયોગ જ થતો નથી. તેને બદલે હાથની આંગળીઓનો ઉપયોગ થાય છે. જે ઉપચાર–પદ્ધતી વૈજ્ઞાનીક છે એવો દાવો કરવામાં આવે તેમાં નીપુણતા મેળવવા માટે કોઈ શૈક્ષણીક ધોરણની જરુર નથી? ફક્ત ત્રણ–ચાર દીવસમાં કોઈ પણ વ્યક્તી એક્યુપ્રેસરનો નીષ્ણાત બની જાય?

એક્યુપ્રેસરીસ્ટો

✒  લક્ષ્મીદાસ ખટાઉ

એક્યુપંક્ચર એ ચીનની એક પરમ્પરાગત ઉપચાર–પદ્ધતી છે. તે વીશે આગલા પ્રકરણમાં વીગતવાર ચર્ચા કરી છે. આ ઉપચાર–પદ્ધતીમાંથી એક્યુપ્રેસર–પદ્ધતીએ પંક્ચરને સ્થાને પ્રેસર શબ્દ મુકીને એક્યુપ્રેસર નામ ગોઠવી દીધું. આ ઉપચારને જરા ભભકાવાળું નામ આપવા માટે તેને રીફ્લેક્ષોલૉજી જેવું મોટુંમસ નામ પણ આપી દીધું. એક્યું એટલે સોઈ. એક્યુપંક્ચરમાં સોઈનો ઉપયોગ કરીને સારવાર અપાય છે. આ સારવાર–પદ્ધતી જરા અટપટી છે. તે શીખવા માટે સમય જોઈએ. આખા શરીરમાં એક્યુપંક્ચર પોઇન્ટ્સ ક્યાં છે અને કયા કયા રોગ પર કયા સ્થાને એક્યુપંક્ચરથી સારવાર કરવી તે વધારે અભ્યાસ માગી લેતી ઉપચાર–પદ્ધતી છે. પણ એક્યુપ્રેસરવાળા બેશરમ બનીને કહે છે કે દરેકની પાસે એક્યુપંક્ચરના અભ્યાસ માટે સમય ન હોય અથવા બુદ્ધીક્ષમતા ન હોય એટલે એક્યુપંક્ચર–પદ્ધતીને તદ્દન સરળ બનાવી એક્યુપ્રેસર–પદ્ધતીનું તુત ઉભું કરી દીધું.

એક્યુપ્રેસર નામ જ ઠગારું છે. તેમાં એક્યુ એટલે સોઈનો ઉપયોગ જ થતો નથી. તેને બદલે હાથની આંગળીઓનો ઉપયોગ થાય છે અને એક્યુપંક્ચરમાં તો પંક્ચર કરવાના કંઈ હજારથી વધારે પોઇન્ટ  છે. તે આખા શરીરમાં પથરાયેલા છે. એક્યુપંક્ચરના બની બેઠેલા ઉંટવૈદોને શરીરમાં કયા કયા સ્થાને કયા કયા રોગ માટેના પંક્ચર પોઇન્ટ  છે તે યાદ ન રહે. એટલે હજારેક પંકચર પોઇન્ટ ને સ્થાને ઉસ્તાદ એક્યુપ્રેસરીસ્ટોએ ફક્ત બે હથેળી તથા પગના તળીયાંઓમાં બસો એક્યુપ્રેસર પોઇન્ટ્સ ઉભા કરી દીધા!

એક્યુપ્રેસરીસ્ટોની માન્યતા મુજબ દરેક મનુષ્યના હાથ તથા પગના તળીયામાં જ્ઞાનતંતુ સાથે જોડાયેલાં બીંદુઓ હોય છે અને આ બીંદુઓ–પોઇન્ટ્સ શરીરનાં બધા અંગો સાથે જ્ઞાનતંતુઓથી જોડાયેલા છે. જેમ ઘરમાં વીજળીના બલ્બના પોઇન્ટ્સ તથા ઉપકરણ–સાધનો એક મુખ્ય સ્વીચબોર્ડ સાથે વાયરથી જોડાયેલો હોય છે તેમ શરીરના બધા અંગો, ઉપાંગો પણ હથેળી, તળીયારુપી સ્વીચબોર્ડથી જોડાયેલાં હોય છે. એક્યુપ્રેસરનો આ મુળભુત સીદ્ધાંત – જેના પર એક્યુપ્રેસર–પદ્ધતીની રચના થઈ છે તે સીદ્ધાંત – તદ્દન અવૈજ્ઞાનીક છે. એક કલ્પનાથી વધારે કંઈ નથી. હથેળી તથા તળીયામાં આવાં પ્રેસર પોઇન્ટનું અસ્તીત્વ ન હોય. તે તો ફક્ત કલ્પના જ હોય. તો તેવાં કાલ્પનીક બીંદુઓ પર દબાવ લાવવાથી કોઈ રોગ ન મટે. એક્યુપંક્ચરની સારવાર–પદ્ધતી સરળ બનાવી એક્યુપ્રેસરીસ્ટોએ તો આ પદ્ધતીને તદ્દન બાલીશ અને હાસ્યાસ્પદ બનાવી દીધી.

એક્યુપ્રેસર–પદ્ધતીના ત્રણ પ્રકાર છે : એક રીફ્લેક્ષોલૉજી, બીજી સુજોક પદ્ધતી અને ત્રીજી કર્ણ–એક્યુપ્રેસર–પદ્ધતી. મજાની વાત તો એ છે કે એક્યુપ્રેસરનાં પુસ્તકોમાં જુદાં જુદાં અંગો સાથે જોડાયેલાં પ્રેસર બીંદુઓનાં સ્થાન અલગ અલગ હોય છે. તે જ પ્રમાણે એક્યુપ્રેસર–પદ્ધતી, સુજોક પદ્ધતી અને કર્ણ એક્યુપ્રેસર–પદ્ધતીઓનાં પ્રેસર–બીંદુઓનાં સ્થાન અલગ અલગ બનાવવામાં આવે છે! કોઈ એક રોગ માટે રીફ્લેક્ષોલૉજીસ્ટ – હાથના એક ચોક્કસ પ્રેસર–બીંદુ પર દબાવ કરે તો એ જ રોગ માટે બીજો એક્યુપ્રેસરીસ્ટ, સુજોક ચીકીત્સક કે કર્ણ એક્યુપ્રેસરીસ્ટ એ જ રોગ મટાડવા, અલગ અલગ સ્થાને દબાવ લાવી, સારવાર કરે; છતાં પણ ત્રણે જણ દાવો કરે કે તેમની સારવારથી રોગ મટ્યો! એક જ પ્રકારનો રોગ અને ત્રણ ઉંટવૈદો ત્રણ અલગ અલગ સ્થાને પ્રેસરની સારવાર કરીને રોગ મટાડવાનો દાવો કરે!

કર્ણ–એક્યુપ્રેસર–પદ્ધતીની માન્યતા પ્રમાણે મનુષ્યની હથેળી તથા તળીયામાં પ્રેસર–બીંદુઓ નથી હોતાં પણ બન્ને કાનના બહારના ભાગમાં એક્યુપ્રેસર પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ્સ શરીરનાં બધાં અંગો સાથે જ્ઞાનતંતુઓથી જોડાયેલાં હોય છે. આ બીંદુઓ પર આંગળી વડે દબાવ લાવીને પાચનતંત્રના, હૃદયના, સંધીવા, ડાયાબીટીસ વગેરે કોઈ પણ રોગો મટાડી શકો છો! કેટલી બધી હાસ્યાસ્પદ વાત છે. આમ તો આ ત્રણે ઉપચાર–પદ્ધતીઓ ઉંટવૈદાં છે પણ તેમના ઉપચારકોને પુછવામાં આવે કે દરેક પદ્ધતીના એક્યુપ્રેસર પોઇન્ટ્સ અલગ હોવાથી ત્રણે પદ્ધતી તો સાચી ન હોય; કોઈ પણ બે પદ્ધતી ખોટી હોવી જોઈએ, તો દરેક ઉપચારનો નીષ્ણાત ફટ કરીને કહી દેશે, પોતાની પદ્ધતી સાચી છે, બાકીની બે ખોટી છે!

હવે આ ઉંટવૈદો લોકોને કેવી રીતે છેતરે છે તે જોઈએ. આધુનીક વીજ્ઞાન અને મૅડીકલ સાયન્સની પરીભાષાના મોટા મોટા શબ્દો ઉછીના લઈને પોતાની ઉંટવૈદા–પદ્ધતીમાં મારી–મચડીને બેસાડી દે છે. જેથી ભણેલાઓ પણ પ્રભાવીત થઈ જાય. બાયોકૅમીસ્ટ્રી, બાયોઍનર્જી ઈમ્યુનીટી, પ્લાઝમા, લાઈફ એનર્જી જેવા શબ્દોને એક્યુપ્રેસર સાથે સ્નાનસુતકનો પણ સમ્બન્ધ નથી પણ આ ઉપચાર–પદ્ધતીનો પ્રચાર કરનારા ચાલાક ઉંટવૈદો મૅડીકલ સાયન્સની ટર્મીનોલૉજીનો આડેધડ ઉપયોગ કરીને ભણેલાઓમાં પણ ભ્રમ પેદા કરી દે છે. આ તો સાયન્ટીફીક પદ્ધતી છે. હકીકતમાં તો આ સ્યુડો–સાયન્સ – ફરેબી વીજ્ઞાન છે.

આ પદ્ધતીઓ તો હમણાં થોડાંક વર્ષોથી ફુટી નીકળી છે. ઘણા લોકોએ તેમનાં નામ પણ સાંભળ્યાં નહીં હોય. એટલે ચાલાક ઉંટવૈદો આ પદ્ધતીના પ્રચાર માટે બહુ જ ચાલાકીપુર્વક, મનોવૈજ્ઞાનીક ઢબે આયોજન કરે છે. ધાર્મીક અને સમાજસેવાની સંસ્થાઓના નેજા હેઠળ એક્યુપ્રેસરની સલાહ અને સારવારનાં મફત કેન્દ્રોનું આયોજન કરે છે અને બીજી તરફ પ્રવચનો, અખબારો અને પુસ્તકોમાં આ ઉપચાર–પદ્ધતીનાં અતીશયોક્તીભર્યા ગુણગાન ગાય છે. તથા આ ઉપચારોથી કેવા કેવા અસાધ્ય, જીવલેણ રોગો પણ મટી જાય છે એના હળાહળ જુઠા દાવા કરે છે. મફતમાં કે સસ્તામાં કંઈ મળતું હોય અને ચમત્કારીક ઉપચાર છે એવી વાત આપણા શ્રદ્ધાળુ, ભોળા લોકો પાસે આવે એટલે તો પછી ટોળાબંધ લોકો આ મફત અને ચમત્કારીક સારવારનો લાભ લેવા ઉમટી પડે.

હકીકતમાં તો આ કહેવાતાં મફત સારવાર–કેન્દ્રો મફત હોતાં નથી અને ચમત્કારીક પણ હોતાં નથી, છેતરપીંડી હોય છે. મફત સલાહ–સારવાર–કેન્દ્રની જાહેરાત તો લોકોને આકર્ષવા માટેની તરકીબ હોય છે. બે–ત્રણ કલાકમાં પંચોતેર–સો દર્દીઓને તપાસવામાં આવે છે. એટલે સમયના અભાવે દરેક દર્દીને બે ચાર–મીનીટ હથેળી પર દબાવ લાવીને રોગનું નીદાન થાય છે. તેને કહેવામાં આવે છે કે તે એક્યુપ્રેસરની પદ્ધતીને બરાબર સમજવા માટે એક્યુપ્રેસરનું પુસ્તક ખરીદે, એક્યુપ્રેસરનાં રમકડાં જેવાં પ્લાસ્ટીકનાં સાધનો ખરીદે અને પોતાને ઘેર નીરાંતે તેને બતાવવામાં આવે તે પ્રમાણે ચોક્કસ પ્રેસર પોઇન્ટ પર દરરોજ દબાવ લાવી સારવાર કરશે તો રોગ મટી જશે. આમ મફત સલાહ, સારવાર લેવા ગયેલ દર્દી જ્યારે આ કેન્દ્રમાંથી બહાર નીકળે ત્યારે તેના ખીસ્સામાંથી રુપીયા સો–બસો ઓછા થયા હોય. આ રીતે મફત સલાહ સારવારના નામે પુસ્તકો, સાધનો વેચીને ઉંટવૈદો કમાણી કરી લે છે.

મફત સલાહ, સારવારના કેન્દ્રના નામે પુસ્તકો, સાધનો વેચીને કમાણી કરવી એ તો ઉંટવૈદોની તરકીબનું પહેલું પગથીયું છે. ફક્ત ચોપડીઓ અને સાધનો વેચીને કમાણી થાય તેથી ઉંટવૈદના ઘરનાં ટૅલીવીઝન, રેફ્રીજરેટર વસાવી ન શકાય. તે માટે તો શ્રીમંત દર્દીઓની જરુર પડે. આ કહેવાતાં મફત કેન્દ્રોમાં મોટે ભાગે જે દર્દીઓ આવે છે તેઓ અસાધ્ય અને હઠીલા રોગોથી પીડાતા હોય છે. એલૉપથી, આયુર્વેદ જેવી માન્ય ઉપચાર–પદ્ધતીઓથી જે રોગો ન મટે તેવા રોગના દર્દીઓ ઉંટવૈદોના શીકાર બને છે. કહેવત છે ને કે ડુબતો માણસ બચવા માટે તરણાને પકડે. મફત સારવાર–કેન્દ્રમાં ગયેલા દર્દીઓમાંથી કેટલાક શ્રીમંત હોય છે. તેઓ સારવાર–કેન્દ્રમાં જલદી જલદી અપાતી સારવારથી સંતોષાતા નથી અને આ લોકો એક્યુપ્રેસરીસ્ટને ઘેર સારવાર લેવા જાય છે અથવા તો દર્દી શ્રીમંત હોય તો એક્યુપ્રેસરીસ્ટને પોતાને ઘેર સારવાર માટે બોલાવે છે. પછી તો આ ઉંટવૈદ શ્રીમંતને બરાબર ખંખેરી લે. એક શ્રીમંત વ્યક્તીએ કોઈ એક્યુપ્રેસરીસ્ટને સંધીવાની તકલીફ માટે ઘેર સારવાર આપવા બોલાવેલ. એક્યુપ્રેસરીસ્ટને પુછવામાં આવ્યું કે શું ફી થશે? તો તેણે કહ્યું કે તમને ઠીક લાગે તે ફી આપજો. સારવાર શરુ કરી. એક માસની સારવાર પછી જરાપણ લાભ ન થયો. સારવાર બંધ કરી અને ફી માટે પુછ્યું તો એક્યુપ્રેસરીસ્ટે રુા. વીસ હજાર માંગ્યા. દર્દી શ્રીમંત હોવા છતાં પણ આ રકમ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છેવટ રુપીયા પંદર હજાર આપીને છુટ્યો. ફક્ત અભણ લોકો કે ગામડીયાઓ ઉંટવૈદોના શીકાર બને છે એવું નથી. શહેરમાં વસતા ભણેલાઓ પણ ઉંટવૈદોના સકંજામાં ફસાઈ જાય છે, પૈસા ગુમાવે છે અને મુર્ખ બને છે. એક્યુપ્રેસરનાં પ્લાસ્ટીકનાં રમકડાં જેવાં સાધનો વાપરવાથી કોઈ રોગ મટતો નથી. તદ્દન નકામાં હોય છે. રબરના એક્યુપ્રેસર ચંપલ પહૅરવાથી જરા પણ ફાયદો થતો નથી.

એક્યુપ્રેસરીસ્ટો મફત પ્રશીક્ષણ–વર્ગોનું આયોજન કરીને એક બીજું તુત ઉભું કરીને આડકતરી રીતે પૈસા કમાય છે. એક્યુપ્રેસર–પ્રશીક્ષણ માટે મફત વર્ગોની જાહેરાત અખબારમાં કરવામાં આવે છે. તેમાં ભાગ લેનારાઓનાં નૈતીક, શૈક્ષણીક, આર્થીક ધોરણ શું છે તેની ચકાસણી કર્યા વગર જે કોઈ મફત પ્રશીક્ષણ માટે અરજી કરે તે દરેકને પ્રશીક્ષણ અપાય છે. ત્રણ–ચાર દીવસ અને ફક્ત દસ–બાર કલાકની તાલીમ આ લોકોને આપવામાં આવે છે અને પછી નીપુણતાનું સર્ટીફીકેટ આપવામાં આવે છે! હદ થઈ ગઈ કહેવાયને! જે ઉપચાર–પદ્ધતી વૈજ્ઞાનીક છે એવો દાવો કરવામાં આવે તેમાં નીપુણતા મેળવવા માટે કોઈ શૈક્ષણીક ધોરણની જરુર નહીં, ફક્ત ત્રણ–ચાર દીવસમાં કોઈ પણ વ્યક્તી એક્યુપ્રેસરનો નીષ્ણાત બની જાય. ધાર્મીક સંસ્થાઓ, રૉટરી ક્લબ, લાયન્સ ક્લબ જેવી સમાજ–સંસ્થાઓ તથા જ્ઞાતીસંસ્થાઓ આ પ્રકારના પ્રશીક્ષણ વર્ગોનું આયોજન કરે છે. તેમના તરફથી ચાર દીવસની તાલીમ લેનારાઓને નીપુણતાનાં સર્ટીફીકેટ અપાય છે. પછી આ પ્રમાણે સેંકડો ઉંટવૈદો પોતાની વીદ્યા લોકો પર અજમાવવા બહાર પડે છે. એઈડ્સ, કૅન્સર, ડાયાબીટીસ, દમ, સંધીવાથી કરીને કોઈ પણ રોગનું નામ આપો. તે રોગ આ ઉંટવૈદો ચપટી વગાડીને – હથેળી પર દબાવ લાવીને મટાડી દેવાનો ધંધો શરુ કરે છે. આ રીતે ધાર્મીક સંસ્થાઓ, રૉટરી ક્લબ, લાયન્સ ક્લબના ભણેલાગણેલા સભ્યો અને જ્ઞાતીસંસ્થાના પટેલો અજાણતાં આ છેતરપીંડીમાં ભાગીદાર બને છે. તેમાં વળી બળતામાં ઘી ઉમેરવા કેટલાક અખબારો એક્યુપ્રેસર જેવા ઉંટવૈદા માટે સળંગ લેખમાળા પ્રસીદ્ધ કરે છે. ત્યારે આ અખબારો અજાણતાં ઉંટવૈદોના છેતરામણીભર્યા ધંધામાં ભાગીદાર બની જાય છે. અખબારોમાં પ્રસીદ્ધ થતા એક્યુપ્રેસરીસ્ટોના જુઠા દાવાઓને અખબારોમાં પત્ર લખીને કે અંગત પત્ર લખીને પડકારવામાં આવે છે ત્યારે આ લોકો ચુપ રહે છે.

  ✒  લક્ષ્મીદાસ ખટાઉ

ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–12–2023

1 Comment

  1. મોટાભાગે આવી આંખ ખોલે એવી જાણકારી લોકો સુધી પહોંચતી નથી અને વ્યક્તિ જ્યારે અતિશય પીડામાં હોય ત્યારે ખરાં-ખોટાંની જાણ લીધા વગર એ ટ્રીટમેન્ટ લેવા તૈયાર થઈ જતી હોય છે.

    Liked by 1 person

Leave a comment