પ્રત્યેક ઘટના પર કુદરતની મહોર હોય છે…

આધુનીક સમયમાં વહેલી સવારથી મોડી રાત સુધી દોડતા રહેતા સક્સેસફુલ માણસોને ઉદ્દેશીને રીચર્ડ કાર્લસને ખુબ મહત્ત્વની વાતો કરી છે. આપણે એવી વધુ ચાર ટીપ્સની ચર્ચા હાથ ધરવા જઈ રહ્યા છીએ.

લેખાંક :  5

પ્રત્યેક ઘટના પર કુદરતની મહોર હોય છે

  ડૉ. શશીકાંત શાહ

રીચર્ડ કાર્લસન લખે છે; અત્યારે મળસકે સાડા ચાર થયા છે. દરરોજ થોડો સમય શાંતી પામવા માટેના સમય તરીકે પોતાને માટે ફાળવો’ એ સ્ટ્રેટીજી અંગે હું લખવા બેઠો છું. પત્ની અને બાળકો ઉઠે ત્યાં સુધીનો દોઢ કલાક – નીરવ શાંતીનો સમય – મારી પાસે છે. બહાર પુર્ણતઃ શાંતી પથરાયેલી છે. આ એકાંત મને વધુ યુવાન હોવાનો અનુભવ કરાવે છે અને મનને તાજગી બક્ષે છે. હું એવા કોઈ અસાધારણ પ્રતીભા ધરાવતા માણસને ઓળખતો નથી જે દરરોજ પોતાને માટે થોડો શાંતીનો સમય ન ફાળવતો હોય’

આધુનીક સમયમાં વહેલી સવારથી મોડી રાત સુધી દોડતા રહેતા સક્સેસફુલ માણસોને ઉદ્દેશીને રીચર્ડ કાર્લસને ખુબ મહત્ત્વની વાતો કરી છે. આપણે એવી વધુ ચાર ટીપ્સની ચર્ચા હાથ ધરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનને વધુ ગુણવત્તાપુર્ણ, આનન્દમય અને શાંત બનાવી શકે છે. જેઓ આ લેખમાળાની સફરમાં જોડાયા છે તે સૌને એક જ વીનંતી છે; પ્રત્યેક સલાહને પુરી નીષ્ઠાથી પ્રેક્ટીસમાં મુકવાની કોશીશ કરજો. માત્ર માહીતી કોઈ કામની નથી. તેને જ્ઞાન અને શાણપણમાં પરીવર્તીત કરવાની છે.

  1. વધુ સારા શ્રોતા બનો :

કાર્લસન લખે છે; આપણે સારા શ્રોતા બનવાનું છે. હું દસ વર્ષ પુર્વે હતો તેના કરતાં આજે વધુ સારો શ્રોતા બન્યો છું; પરન્તુ શ્રોતા તરીકે હું સાધારણ કક્ષામાં જ મુકાઈ શકું. જયારે કોઈ પોતાના વીચારો રજુ કરતું હોય ત્યારે આપણે શું કરીએ છીએ?

– એમને સાંભળવાને બદલે બોલવા માટે આપણો ટર્ન કયારે આવે તેની રાહ જોઈએ છીએ.

– આપણો વારો આવે ત્યારે શું બોલવું તેનું માળખું ગોઠવતા હોઈએ છીએ.

– ક્યારેક અધીરા બનીને સામેના માણસને બોલતા અટકાવી દઈ આપણું સંભાષણ શરુ કરી દઈએ છીએ.

– બોલનાર વ્યક્તી પ્રત્યે બેધ્યાન બનીને આજુબાજુમાં બેઠેલા માણસો સાથે વાતે વળગી જઈએ છીએ. (શ્રોતામાંથી વક્તાની ભુમીકામાં પ્રવેશવાનો શ્રેષ્ઠ ઈલાજ!)

આપણે વાતચીતને સ્પર્ધા બનાવી દીધી છે. પ્રત્યાયનમાં જોડાયેલો પ્રત્યેક શખ્સ એવી કોશીશમાં રહે છે કે મને સૌથી વધુ બોલવાની તક સાંપડે. આપણે સારા શ્રોતા બનવામાં નીષ્ફળ જઈએ તો એક રીતે એ આપણી (નીષ્ફળ) જીવનશૈલીનો નીર્દેશ કરે છે. સામેનો માણસ બોલવાનું પુરું કરે અને વચ્ચે થોડી ક્ષણો છોડ્યા વગર આપણું બોલવાનું શરુ થઈ જાય તો સામેના માણસની વાતોનો નીષ્કર્ષ શોધવાની તક તો આપણને મળતી જ નથી. માણસને ધીરજથી સાંભળવાનું રાખીએ તો જીવનમાં શાંતીને પામી શકાય છે. વધુ બોલનારાઓ વધુ પ્રશ્નો સર્જે છે અને પોતાની જીંદગીને નહીં ઉકેલી શકાય એવો કોયડો બનાવી દે છે. સારા શ્રોતા બનવાનો મોટો ફાયદો એ છે કે તમે વાર્તાલાપ કરનાર સાથેના સમ્બન્ધને મજબુત બનાવી શકો છો. કોઈ આપણી સાથે વાત શા માટે કરે છે? પોતાના પ્રશ્નની રજુઆત માટે, પોતાની ચીંતા, સમસ્યાઓ કે દુઃખને વહેંચવા માટે. સારા શ્રોતા બન્યા વગર આપણે એમને કઈ રીતે મદદરુપ બનવાના?

  1. શાંતી મેળવવા દરરોજ થોડો સમય અલગ ફાળવો :

આખા દીવસમાં આપણને એકાંત પ્રાપ્ત થાય એવી મીનીટો કેટલી? કાર્લસન નોંધે છે; ‘હું રોજ કારમાં ઑફીસે જાઉં છું અને ઘરે પાછો આવું છું. ઘરે જતી વખતે હું ઘરથી થોડે દુર એક સુંદર નૈસર્ગીક સૌંદર્ય ધરાવતા સ્થળે થોડી મીનીટ કારને થંભાવી દઉં છું. કુદરતના સાન્નીધ્યમાં ઉંડા શ્વાસો લઉં છું, આંખો બંધ કરીને પ્રકૃતીને માણું છું, ધ્યાન ધરું છું અને પછી ઘર તરફ પ્રયાણ કરું છું. રોજ માત્ર દસ મીનીટ પોતાની સાથે ગાળો. પોતાને માટે સહેજ પણ સમય મળતો નથી એવી ફરીયાદ કરનારા અનેક મીત્રો સાથે મેં મારા આ દૈનીક ક્રમની ચર્ચા કરી છે.’ દોડધામ ભરેલી જીંદગીમાં હળવાશ અનુભવવા માટે દસ પંદર મીનીટ ફાળવવામાં મુશ્કેલી શાની છે? પોતાની સાથે પસાર કરાયેલી આ ક્ષણો મનને તાજગી બક્ષે છે અને જીંદગીમાં પરમ શાંતીનો અનુભવ કરાવે છે. આપણો આખો દીવસ પ્રદુષણ, કશ્મકશ, વાદવીવાદ, મુંઝવણો તથા કટુ અનુભવોથી છવાયેલો હોય ત્યારે આવી પોતાની સાથે ‘સંવાદ’ સાધવાની તક આપણે ઉભી કરતા રહેવું પડશે.

  1. પ્રત્યેક ઘટના પર કુદરતની મહોર છે એ વાત હમ્મેશાં યાદ રાખો :

કુદરતનું પ્રત્યેક સર્જન પવીત્ર છે, મંગલમય છે. જયાં આપણને અમંગલ થતું દેખાય ત્યાં એ ઘટનામાંથી મંગલ તત્ત્વ શોધવાની જવાબદારી આપણી છે. સુર્યોદય અને સુર્યાસ્ત ટાણે રંગ બદલતું આકાશ, ૨મણીય બરફવર્ષા, ત્રણ વર્ષની દીકરીનું અપ્રદુષીત સ્મીત, સમુદ્ર તટ પર ઉછળતાં મોજાંઓનું મનભાવન સંગીત… બધું જ આપણને ગમે છે અને એ પ્રત્યેક ક્રીયામાં આપણે કુદરતની મહોર જોઈ શકીએ છીએ. પરન્તુ નીકટના સ્વજનનું અવસાન, પત્નીને કેન્સર હોવાનું નીદાન, નોકરી છુટી જવી, વીદેશ જવા માટે વીઝા ન મળવો… આવી અમંગલ ઉપાધીઓ પર પણ કુદરતની મહોર હોય છે. જે બની રહ્યું છે તેને કુદરતની કૃપા સમજીને સ્વીકારી લો… આનન્દની અવસ્થાને જાળવી રાખો. દરરોજ બનતા બનાવોમાં મંગલ તત્ત્વ જોવાનું શીખી લઈએ તો બધી યાતનાઓનો અંત આવી જાય અને માનસીક શાંતીનો અનુભવ થવા માંડે છે. કુદરત જે કંઈ પણ કરે છે તે આપણી માવજત લેવા અર્થે કરે છે એવી અનુભુતી મનને અદ્ભુત શાંતી બક્ષે છે. જયારે કંઈક અણગમતું બને છે ત્યારે એ અણગમતાંની પાછળ ગમતું બનવાની સંભાવના છુપાયેલી છે જે આપણે જોઈ શકતા નથી, સમજી શકતા નથી. પ્રત્યેક ઘટના પર કુદરતની મહોર છે, દુ:ખનો અહેસાસ પણ કુદરતનો પ્રસાદ છે એટલું સમજાઈ જાય પછી જીંદગીની કોઈ આપત્તી આપણને હરાવી – ડરાવી શકતી નથી.

  1. વીનમ્રતા ધારણ કરો :

વીનમ્રતા અને મનની આંતરીક શાંતી એકબીજા સાથે હાથ મીલાવીને ચાલતા હોય છે. પોતાને સાચા ઠેરવવા માટે આક્રમક વલણ ધારણ કરવાનું જેટલું ઓછું રાખશો એટલી મનની શાંતી જળવાયેલી રહેશે. પોતાનું મહત્ત્વ સાબીત કરવાની વૃત્તી, પોતાને સાચા ઠેરવવાનો ક્રેઝ એક ભયાનક ફાંસો છે જે આપણી ઉર્જા અને મનની શાંતીને હણી નાંખે છે. સમાજને એવા માણસો ગમે છે જે બોલકણા નથી, સર્વત્ર પોતાના મતની સ્વીકૃતી ઝંખતા નથી, એકંદરે વીનમ્ર, શાંતીપ્રીય અને મીતભાષી હોય છે. વીનમ્રતા એ દુર્ગુણ નથી, ઉત્તમ કક્ષાનો સદગુણ છે. ‘નમે તે સૌને ગમે’ એ કહેવત લોકપ્રીય બની તેમાં નવાઈ શાની?

મેઘધનુષ

એમ મારો સ્વભાવ રાખ્યો છે
મેંય મારો પ્રભાવ રાખ્યો છે
સાવ ધીક્કારના આ રસ્તા પર
પ્રેમનો મેં પડાવ રાખ્યો છે.

સુનીલ શાહ

(ક્રમશ:)

  ડૉ. શશીકાંત શાહ

ગુજરાતમીત્ર’ દૈનીકમાં ડૉ. શશીકાંત શાહની વર્ષોથી દર બુધવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’ (હવે બંધ)ના 8 લેખોની પુસ્તીકા ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’  [પ્રકાશક : ડૉ. શશીકાંત શાહ કોપી રાઈટ : શ્રી. સમીર શશીકાંત શાહ, 35, આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, રાંદેર રોડ, સુરત. તૃતીય  આવૃત્તી (આ પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક , પ્રકાશક અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :  અફસોસ, સ્મરણસ્થ ડૉ. શશીકાંત શાહ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–02–2024

8 Comments


  1. Very Inspiring View-Point!

    If we are blessed with humility, we will be able to review / understand other’s view-point i.e. GOD’s Blessings!

    Liked by 1 person

  2. કુદરતે આપણે માનવજાત ને જે સુવિધાઓ અર્પણ કરેલ છે તેને હંમેશા યાદ રાખવી જોઈએ, અને તે અનુસાર કુદરત પ્રત્યે ભરપુર આભાર વ્યકત કરવો જોઈએ, અને માનવતા ના પ્રતિક તરીકે માનવતા ના પાઠો હંમેશા યાદ રાખવા જોઈએ, અને ખરા અર્થ માં માનવતા ના પ્રતિક “માનવી” બનવું જોઈએ.

    Liked by 1 person

  3. આપણે શાંતિ થી એકાંત થોડોક સમય તો રાખવો જરૂરી છે

    આખા દિવસ નો થાક ઉતરી જાય

    Liked by 1 person

  4. Good evening to all friends,

    It is a very nice article and can be very helpful for all of us.

    Lord Buddha says that knowledge without kindness and compassion is nothing.

    Be kind and modesty and humility is required in life.

    Thanks for sharing with us.

    Thanks

    Pradeep H. Dessi

    Indianapolis USA

    Liked by 1 person

  5. Absolutely correct assessment of the need in busy lifestyle

    Goal is to reach total presence in Present and enjoy all rewards of natur

    Liked by 1 person

  6. થાક વિચારો નો જ હોય

    એટલેજ ધારી લીધેલ ભવિષ્ય, એ પળ આવવા પહેલાં જ થકવી દે છે.

    Liked by 1 person

Leave a comment