ઈશ્વર છે કે નહીં..? એક પત્રચર્ચા

હાલમાં હું ચાઈના ગયો હતો. ત્યાંના મુળ 70 ટકા ચાઈનીઝ લોકોને સરકારે નાસ્તીક બનાવ્યા છે તેથી ત્યાં કોઈ મન્દીર, મસ્જીદ કે ચર્ચ જોવા મળતાં નથી. ત્યાં શોભાયાત્રા કે ધાર્મીક ઉત્સવો પણ થતાં નથી.  એથી તેમણે દેશને ખુબ શીસ્તબદ્ધ, પ્રગતીશીલ અને સમૃદ્ધ  દેશ બનાવ્યો છે. ચીનની સમૃદ્ધી મને તો અમેરીકા કરતાં પણ વધારે લાગી.ડૉ. બીપીન દેસાઈ, ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ, સુરત 

ઈશ્વર છે કે નહીં..?
એક પત્રચર્ચા

                                    દીનેશ પાંચાલ

સુરતના ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ ડૉ. બીપીન દેસાઈ એક ટુંકા પત્રમાં લખે છે : તમારી ‘ગુજરાતમીત્ર’ની કૉલમ અને રૅશનાલીસ્ટ ગોવીન્દ મારુના અભીવ્યક્તી બ્લૉગ પર રજુ થતા તમારા લેખો હું નીયમીત વાંચું છું. વર્ષોથી રૅશનલ રહ્યો છું. મારી ચીલ્ડ્રન હૉસ્પીટલનું ઉદ્ઘાટન મેં 1980માં અમાસને દીવસે કર્યું હતું. હાલમાં હું ચાઈના ગયો હતો. ત્યાંના મુળ 70 ટકા ચાઈનીઝ લોકોને સરકારે નાસ્તીક બનાવ્યા છે તેથી ત્યાં કોઈ મન્દીર, મસ્જીદ કે ચર્ચ જોવા મળતાં નથી. ત્યાં શોભાયાત્રા કે ધાર્મીક ઉત્સવો પણ થતાં નથી. ત્યાં વાતવાતમાં લોકોની લાગણી દુભાતી નથી. પ્રજા નાસ્તીક અને ખુબ મહેનતુ છે. એથી છેલ્લા ત્રીસ જ વર્ષમાં તેમણે દેશને ખુબ શીસ્તબદ્ધ, પ્રગતીશીલ અને સમૃદ્ધ  દેશ બનાવ્યો છે. ચીનની સમૃદ્ધી મને તો અમેરીકા કરતાં પણ વધારે લાગી. આ સ્થીતી બતાવે છે કે ધર્મ વીકાસને આડે કેટલો મોટો અવરોધ ઉભો કરે છે? મેં એક મીત્રને કહ્યું કે, હું ઘણી વખત પૃથ્વીની ઉપર 35,000 ફુટ ગયો છું; પણ મને ઈશ્વર, સ્વર્ગ કે નર્ક કાંઈ દેખાયું નથી. અવકાશયાત્રી સુનીતા વીલીયમ્સે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં કહેલું : ‘છ છ મહીના અવકાશમાં ફરવા છતાં મને ગૉડ– God ક્યાંય દેખાયો નથી’, તો ભગવાનને હવે બીજે ક્યાં શોધવો? તમારી કૉલમમાં લખતા રહો… પણ આ જાડી ચામડીના અન્ધશ્રદ્ધાળુઓ કેટલા બદલાશે તે એક પ્રશ્ન છે!

પત્ર માટે ડૉ. બીપીનભાઈનો આભાર. તેમણે સુંદર વીષય છેડ્યો છે; પણ એમની એક વાત સાથે થોડું ઓછું સમ્મત થવાય છે. લાંબા સમયથી આ લખનાર ઈશ્વરના અસ્તીત્વ વીશે અસમંજસમાં રહ્યો છે. એ અવઢવમાંથી જ એક આખું પુસ્તક– ‘બોલો, ઈશ્વર છે કે નથી…?’ જન્મ્યું છે. તેમાં આ લખનારે પેટછુટી વાત કરી છે. જો ઈશ્વર હોય તો સૃષ્ટી પર આટ આટલી અરાજક્તાઓ કેમ છે? અને ન હોય તો આટલી અદ્ભુત દુનીયા અને પ્રકૃતીનું સમયબદ્ધ સંચાલન કોણ અને કેવી રીતે કરે છે? કોઈનું ચોક્કસ કાંઈ પ્રયોજન ના હોય તો પ્રકૃતીમાં ગુરુત્વાકર્ષણનું બળ શા માટે છે? તથા મનુષ્યમાં લાગણી (પ્રેમ, ક્રોધ, માયા, મમતા, વાત્સલ્ય…) વગેરે કેમ છે? આવા સેંકડો પ્રશ્નોનો સંતોષકારક જવાબ મળી શકતો નથી. કદાચ હજીય સદીઓ સુધી ઈશ્વરનું અસ્તીત્વ વીવાદાસ્પદ જ રહેવાનું છે; પણ અહીં આપણી મુળ ચર્ચા ધર્મએ માણસને ઘડ્યો છે કે તોડ્યો છે તે અંગેની છે.

પશ્ચીમના વીકસીત દેશોના લોકોની જીવનશૈલી તરફ નજર કરીશું તો એક વાત જરુર સમજાશે કે આપણી માફક તેમણે મન્દીરોમાં બેસીને મન્જીરા વગાડ્યા કર્યા હોત તો તેઓ કદી ઉંચા આવી શક્યા ના હોત. સખત મહેનત અને વૈજ્ઞાનીક અભીગમ દ્વારા જ તેમનો વીકાસ થઈ શક્યો છે. અમેરીકા, ચીન અને જાપાનમાં પણ ઘણા લોકો આસ્તીક છે જ; પરન્તુ તેઓ રાત દીવસ ઈશ્વરભક્તીની પીપુડી વગાડયે રાખતા નથી. આસ્તીક્તા તેમની અંગત લાગણી કે વીચારસરણી છે. તેઓ વીચારે છે કે સૃષ્ટી છે તો ‘સૃષ્ટા’ પણ હોવો જોઈએ પણ વીજ્ઞાનની બેટરી વડે હજી સુધી તેનું પગેરુ મળી શક્યું નથી. પ્રકૃતીના અનેક ગુઢ રહસ્યો અને અજીબોગરીબ લીલા જોયા પછી ઈશ્વર હોવાની અનુભુતી થાય છે ખરી; પણ ઈશ્વરનું મુળ સ્વરુપ કેવું છે તે સમજી શકાતું નથી. ઈશ્વર આકાશ, પાતાળ કે પૃથ્વી પર જ્યાં રહેતો હોય ત્યાં… પણ તે કેવા સ્વરુપમાં રહીને સૃષ્ટીનું સંચાલન કરતો હશે તે સમજી શકાતું નથી. એથી જ અમેરીકાના ખગોળશાસ્ત્રી એલન સેન્ડેઝે કહ્યું છે કે, ‘ઈશ્વર માત્ર અનુભુતીનો વીષય છે. તે તમને દુરબીનને સામે છેડે દેખાવાનો નથી.’

હવે આપણા દેશ તરફ નજર કરો. આપણી ધાર્મીક પ્રજા ખાઈપીને ઈશ્વરપ્રાપ્તી માટે  આંધળી ભક્તીના રવાડે ચડી ગઈ છે. આપણા ધ.ધુ.પ.પુ.ઓએ લોકોની કોણીએ ઈશ્વરનો ગોળ જડબેસલાક ચોંટાડી આપ્યો છે. (એ તો સારુ થયું કે શ્રદ્ધાળુઓમાં પણ થોડા બુદ્ધીશાળી લોકો નીકળ્યા અને મોડે મોડે તેમણે શ્રદ્ધામાં બુદ્ધીનો ઉપયોગ કર્યો તેથી દેશભરના લાખો મન્દીરોની આવકને હવે ટ્રસ્ટીઓ માનવકલ્યાણના કામોમાં વાપરવા લાગ્યા છે. નવસારીના રામજી મન્દીર અને જલારામ મન્દીર સહીત ગુજરાતના સેંકડો મન્દીરોની કરોડોની આવક હવે ગરીબ વીદ્યાર્થીઓના શૈક્ષણીક વીકાસ માટે વપરાવા લાગી છે. વીધવા સહાય, મફત અનાજ, ગરીબોને મફત પુસ્તકો, નોટબુકો, મફત મેડીકલ ટેસ્ટ વગેરે અનેક ઉપયોગી કામો એ લોકો મન્દીરની આવકમાંથી કરે છે. ઈશ્વરની પેટીમાં પડેલું આસ્થાનું ઉપાર્જન ઈશ્વરના આશીર્વાદ બની ગરીબોના જીવનમાં થોડીક રાહત આપી જાય છે એથી શ્રદ્ધા સમાજમાં ઉજળે મોઢે જીવતી થઈ છે. પ્રમુખ સ્વામીજીએ 300 મન્દીરો બંધાવ્યા તેથી તેમનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું. આ દેશની ગરીબ પ્રજાને માટે 300 મન્દીરોની કોઈ કલ્યાણમય ઉપયોગીતા નથી. જોકે અત્રે ન્યાય ખાતર સ્વીકારવું રહ્યું કે મન્દીરો બાંધવાની સાથોસાથ તેઓ શાળા, કૉલેજો, હૉસ્પીટલો કે દવાખાનાઓ પણ ખોલે છે. હવે રૅશનાલીસ્ટોની પાસબુકમાં નજર કરો. તેમનું બેંક બેલેન્સ ઝીરો છે. રૅશનલ વીચાર એ જ તેમની મુડી છે. વળી જ્યાં 95થી અધીક ટકા લોકો શ્રદ્ધાળુ છે ત્યાં નાસ્તીકવાદનું ચલણ ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવું કપરું છે. ‘ભગવાન નથી…!’ એવો ઉદ્ગાર સાંભળી લોકોની આંખો રાતી ચોળ થઈ જાય છે. શ્રદ્ધાળુઓ પાસે મન્દીરોની ટોચ ડુબી જાય એટલું નાણુ છે. અને રૅશનાલીસ્ટો પાસે એક પરબ બન્ધાવવા જેટલા પૈસા પણ નથી. મોરારીબાપુએ રામકથામાં થોડાક સુર રૅશનાલીઝમની તરફેણમાં રેલાવ્યા પણ આજેય તેમનો પ્રધાન સુર તો ધર્મ અને શ્રદ્ધા જ છે. જો તેઓ રૅશનાલીઝમને ખોળે કાયમી ધોરણે બેસી જાય અને રામકથાને બદલે વીજ્ઞાનકથા યોજે તો લાખો રુપીયા ભેગા થઈ જ ન શકે. એટલે ધર્મ અને શ્રદ્ધાનો ભરપુર વીરોધ કર્યા પછીય એક નક્કર સત્ય સ્વીકારવું પડશે કે ધર્મપ્રધાન સંસ્કૃતીમાં ઈશ્વરવાદથી જે કામો થઈ શકે છે તે વીજ્ઞાનવાદથી થઈ શકતાં નથી. કમ સે કમ આજનો સમય તો એવું જ કહે છે. ભવીષ્યની વાત ભવીષ્યમાં!

દોસ્તો, એટલું યાદ રાખવું પડશે કે વીજ્ઞાન યુનીવર્સલ પાવર છે. અને શ્રદ્ધા આંતરીક લાગણી છે. વીજ્ઞાન વીના વીશ્વની પ્રગતી શક્ય નથી; પરન્તુ આપણા ધર્મઘેલા દેશને લાગે વળગે છે ત્યાં સુધી ધર્મના પાયામાં ભારોભાર અન્ધશ્રદ્ધા છે. જે સમાજમાં સર્વત્ર ધર્મની ધજા લહેરાય છે ત્યાં વીજ્ઞાનનો વાવટો ફરકાવવો મુશ્કેલ છે. ધર્મ અને વીજ્ઞાન બન્ને શ્વાસનળી અને અન્નનળી જેવાં છે. જુદી જુદી રીતે બન્ને ઉપયોગી છે. સરવાળે તો એ બધું માનવીની વીવેકબુદ્ધી પર નીર્ભર રહે છે કે સુખી થવા માટે શ્રદ્ધાવાદનો સહારો લેવો કે વીજ્ઞાનવાદનો..? ઉત્તમ તો એ જ કે જીવનમાં એ બન્નેનો બુદ્ધીપુર્વકનો વીનીયોગ કરીને સમગ્ર મનુષ્યજાત સુખી થઈ શકે તેવો માનવધર્મ સ્થાપવો. યાદ રહે જીવવા માટે અન્નનળી જેટલી જરુરી છે તેટલી જ શ્વાસનળી પણ જરુરી છે. પણ બન્ને અંગને અન્ધશ્રદ્ધાના કેન્સરથી બચાવવું રહ્યું.

ધુપછાંવ

સુખી થવા માટે  ધર્મ અને વીજ્ઞાન જરુરી હોય તો પણ એ બન્નેમાં વીવેકબુદ્ધીની હાજરી જરુરી છે. જો એવું ના હોય તો બન્નેનો દુરુપયોગ થઈ શકે. જેમકે વીજ્ઞાન વડે ન્યુટ્રોન બોમ્બ બનાવી એક સેકન્ડમાં સૃષ્ટીનો વીનાશ કરી નાખો તો તે વીજ્ઞાનનો દુરુપયોગ ગણાય. અને રામજન્મભુમી અને બાબરી મસ્જીદના નામે દેશના તમામ હીન્દુ મુસ્લીમો કપાઈ મરે તો તે ધર્મનું નુકસાન ગણાય.

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેલ : dineshpanchal.249@gmail.com

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/03/2024

10 Comments

  1. ટૂંકી દૃષ્ટિ ના માણસ ને વિશ્ર્વ મા લય દેખાય છે. પણ વાસ્તવ મા વિશ્ર્વ મા વિનાશ અને સર્જન બન્ને ચાલુ છે. એ એટલૂ દુર છે કે નરી આંખે દેખાતુ નથી.

    આપણી આસપાસ પણ એજ પૃકિયા ચાલુ છે.

    Liked by 1 person

  2. ઈશ્વર છે કે નહીં..?    આ પ્રશ્ન નો ઉત્તર “કપાળે કપાળે જુદી મતિ” કહેવત અનુસાર જુદો જુદો મળશે.  આ સંદર્ભ માં લોકો કે કોઈ સંસ્થાઓ ના ઉત્તરો થી ૧૦૦ ટકા સાચા જવાબ ની બાંયધરી નથી મળતી. તેમ છતાં આ પ્રશ્ન નો ઉત્તર જગત ના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા સરકાર તરફ થી જાણવો હોય તો એ બહુજ સહેલાઈ થી જાણી શકાય છે.  અમેરિકા નું ચલણ ડોલર છે.  અમેરિકા ના એક ડોલરની નોટ પર અંગ્રેજી માં છપાયેલું છે:  IN GOD WE TRUST  ( ઈશ્વર માં અમોને વિશ્વાસ છે ).  આવી ડોલર ની નોટો દરેક અમેરિકન, જે કોઈ પણ ધર્મ થી સંબંધ રાખતો હોય, તેના જીવન માં તેના હાથ માં કંઈક હજારો વાર આવી હશે.  શું આ વાત થી આપણે એમ કહી શકીયે કે અમેરિકન સરકાર પોતાની પ્રજાને “ઈશ્વર નું અસ્તિત્વ છે” એવો સંદેશો પહોંચાડી ને એ વાત નેસિદ્ધ  કરે છે કે “ઈશ્વર નું અસ્તિત્વ છે ?

    વાંચકો પોતે આ વાત નો નિર્ણય લે.

    Liked by 1 person

  3. ઘણા બધા મહાન વિજ્ઞાનીઓએ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરેલો છે, પરંતુ ઘણા બધા વિજ્ઞાનીઓ એવા પણ છે, જેમણે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સમન્વય માટેની પણ કોશિશ કરી હોય.

    તેમાંના ઘણા વિજ્ઞાનીઓ માનતા હતા કે બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ માટેની તેમની ઝંખના ઈશ્વરના સર્જનની નજીક પહોંચવાનો જ પ્રયાસ હતો.

    नाम चतुर्गेन पंचयुग कृत धै गुनी बसु भखी

    जीव चराचर जगतमे तुलसी राम ही देखो ।

    નામ – કોઈ પણ નામના અક્ષરો ગણો [અનુપ = 3]

    ચતુર્ગેન – તેને ચાર વડે ગુણો [3 x 4 = 12]

    પંચયુગ – તેમાં પાંચ ઉમેરો [12 + 5 = 17]

    કૃત ધૈ ગુની – બે વડે ગુણો [17 x 2 = 34]

    બસુભખી – આઠ વડે ભાગતા શેષ 2 મેળવો

    “રામ” એ બે અક્ષરનું નામ છે.

    પ્રત્યેકના નામને ઉપરનું ગણિત કરવાથી શેષ રામ બચે છે અર્થાત પ્રત્યેકના હ્રદયમાં રામ વસેલા છે.

    આમ ગણિત પણ ઈશારો કરીને કહે છે કે “ઈશ્વર છે”.

    Liked by 1 person

    1. આ ખોટું ડીંડક છે. એનાથી અંધશ્રાધ્ધા ફેલાય છે.

      ઉપરના ગણિત મુજબ ૪ અક્ષર નાં નામ માટે ખોટું પડે છે.

      Liked by 1 person

  4. I absolutly agree with you . Science vagar to ishvar sudhi pahochvu shakya j nathi . Mans ne jo koi chetna aptu hoi to e science chhe karma chhe ne ishvar ne melavvo hoi to bina karm kyare pan na male . Fakt mala japvathi kai na thay palayan vruti sivay . Ishvar antrik tej to j ape jo karm karo . Ishvar no bhakt kyare pan nirash na thay je karmshil hoi

    Liked by 1 person

  5. नाम चतुर्गेन पंचयुग कृत धै गुनी बसु भखी

    जीव चराचर जगतमे तुलसी राम ही देखो ।

    Wow! આ અનુસાર તો મુસ્લિમ માટે આઠ વડે ભાગતા શેષ 2 થી શબ્દ “ખુદા” થશે અને ખ્રિસ્તી માટે “ઈસુ” થશે. આ હિસાબે બંને ધર્મ માં માનનારાઓ માટે પણ ઈશ્વર નું અસ્તિત્વ છે.

    તે ઉપરાંત:

    GOD SAVE THE KING (ઈશ્વર રાજા ની રક્ષા કરે) એ બ્રિટિશ સરકાર (ઇંગ્લેન્ડ) નું રાષ્ટ્રગીત છે, અને દરેક જે બ્રિટિશ રાજાશાહી ના તાબા માં હોય, એ સૌ નું શાહી ગીત છે, ન્યુઝીલેન્ડના બે રાષ્ટ્રગીતોમાંથી એક છે અને મોટા ભાગના કોમનવેલ્થ ક્ષેત્રોનું શાહી — રાજવી, ગીત છે.

    આ અનુસાર અમેરિકા પછી ઇંગ્લેન્ડ વાસીઓ ને પણ તેમની સરકાર ઈશ્વર ના અસ્તિત્વ વિષે સંદેશો આપે છે.

    Liked by 1 person

Leave a comment