વીધવા

જે સમાજમાં લગ્ન જ ન હોય, કે ગણલગ્ન અથવા બહુપતી લગ્ન હોય તે સમાજમાં વીધવા હોય? શું લગ્નની પ્રથા જન્મી ત્યારથી જ વીધવાનો જન્મ થયો? ને ત્યારથી જ તેની અવગતી શરુ થઈ…?

ખંડ–1 : લગ્નસંસ્થાનો વીકાસ, અધ્યાય –  9

વીધવા

 નરસીંહ પટેલ

જ્યાં પુરુષ કાંડાબળે સ્ત્રી ઉપર આધીપત્ય મેળવે, એને વેચે કે ખરીદે, ભાડે કે ઉછીની આપે, બદલામાં કે વારસામાં આપે ત્યાં વીધવાની અવદશા કેવી હોય એ કંઈ સમજાવવા જવું પડે એમ છે? જ્યાં સ્ત્રી ઢોર પેઠે પુરુષની મીલકત મનાતી હોય ત્યાં વીધવા તો નધણીયાતું ઢોર કે બીજું કંઈ? विधवा (वि = વીના + धव = ધણી) જેનો કોઈ ધણી નહીં, તેના (वि = વીશેષ + धव = ધણી) સૌ કોઈ ધણી!

જે સમાજમાં લગ્ન જ ન હોય, કે ગણલગ્ન અથવા બહુપતી લગ્ન હોય તે સમાજમાં વીધવા હોય જ નહીં, એ કદી પતી વીનાની થતી જ નથી, એને તો પતી ચાલતા જ રહે છે; પણ સ્ત્રીને માથે એક જ પતી હોય એવી અનેકપત્ની કે એકપત્ની લગ્નની પ્રથા જન્મી ત્યારથી જ વીધવાનો જન્મ થયો ને ત્યારથી જ તેની અવગતી શરુ થઈ.

અફધાન મુસલમાનોમાં સ્ત્રી વીધવા થતાં તેનાં માબાપ તેનાં સાસરીયાંને લીધેલાં પૈસા પાછા આપી તેને પોતાને ઘેર લાવે છે ને સારું ઘરાક ખોળી એ સ્ત્રીને વેચી નાખે છે. આફ્રીકાની કાબીલ જાતીમાં પણ એમ જ છે; પણ જો તેને દીકરો હોય તો તેને વેચી શકાય નહીં. તેની કીંમતના પૈસા તેનાં માબાપ પાછા આપીને તેને મુક્ત કરી લે. પ્રાચીન જર્મનોમાં પણ વીધવાને એનાં માબાપ ખરીદી લેતાં. યુરોપમાં મધ્ય યુગમાં એવો કાયદો હતો કે દીકરો પંદર વર્ષનો થયો એટલે વીધવા માતાનો મુખત્યાર ગણાય અને લોમ્બર્ડીના કાયદા પ્રમાણે તો દીકરાની સમ્મતી વીના વીધવા માતાથી પુનર્લગ્ન થઈ શકે નહીં.

આફ્રીકાની ગાબુન (Gaboon) અને બીજી અનેક જાતીઓમાં વારસને વીધવા પણ મીલકતનાં ઢોર સાથે મળે છે. ગ્રીસની સંસ્કૃતીનાં આજે પણ વખાણ સાંભળીએ છીએ; પણ પ્રાચીન સમયમા ત્યાં એથેન્સમાં પતીના મરણ પછી પણ સ્ત્રી તેની મીલકત જ ગણાતી અને તે વીલ કરીને બીજી મીલકત સાથે પોતાની સ્ત્રી પણ કોઈ મીત્રને સોંપી જતો.

આફ્રીકાની બામ્બારા (Bambara) જાતીમાં રાજાના મરણ પછી તેનો વારસ તેની બધી વીધવા રાણીઓને લીલામથી વેચી નાખે છે. તે ગમે એટલી ઘરડી ને વરવી હોય તોય ભારે કીંમતે વેચાઈ જાય છે, કારણ કે રાજાની રાણીને વહુ કરવાનો શોખ સૌને હોય છે! ચીનમાં વીધવાને વેચી દેવાય છે, અને તેને ધાવણું બાળક હોય તો સાથે તેની પણ કીંમત ઠરાવી લેવાય છે. વીધવાના વેચાણ માટે વધારે પૈસા ઉપજી શકે એમ હોય તો શોકનો સમય પુરો થતા સુધી તેને ઘરમાં બેસાડી મુકે છે.

પ્રાચીન સમયમા આરબોમાં પીતાના વારસા–સાથે જ તેની બધી સ્ત્રીઓ પણ–પુત્રને મળતી, એટલે પુત્ર બધી વીધવા માતાઓનો ધણી થતો. મહમદ સાહેબે એ રીવાજ બંધ કર્યો : ‘જે સ્ત્રીઓ તારા પીતાની પત્નીઓ હતી, તેમની સાથે તારે લગ્ન કરવું નહીં, એ બહુ ભુંડું છે.’ અને આફ્રીકાની અનેક સીદી જાતીઓમાં હજીયે એ રીવાજ ચાલે છે. ફ્રેંચ લેખક દુપ્રે (Dupre) લખે છે કે માડાગાસ્કરમાં એક જાતીનો સુલતાન રાદામા (Radama) ગાદીએ બેઠો એટલે પોતાના પીતાની તમામ રાણીઓને પોતાના જનાનામાં લીધી. થોડા વખતમાં એ મરણ પામ્યો. એને પુત્ર નહોતો; પણ પેલો વારસાનો નીયમ તો અભેદ્ય હતો, એટલે થોડા વખતને માટે તેની મુખ્ય વીધવા રાનાવાલો (Ranavalo) ગાદીએ બેઠી. એના પતીની વીધવાઓને-પોતાની સૌ શૌક્યોને પોતાની રાણીઓ કરી નવા કરેલા જનાનામાં રાખવી પડી! પછી રાજસભાએ ઠરાવ્યું કે રાનાવાલો પુનર્લગ્ન કર્યા વીના ગમે તે અને ગમે તેટલા પુરુષને રાખી શકે, તેમનાથી થયેલો પહેલો પુત્ર તેના પીતા રાદામાનો વારસ થઈ શકે અને તેની તમામ રાણીઓને પોતાની માતા સુધ્ધાંને પોતાના વારસામાં લઈ લે! કંઈક સંસ્કાર પામતાં વીધવા પુત્રને નહીં પણ દીયરને વારસે જવા લાગી ને દીયેરવટાનો રીવાજ શરુ થયો.

પણ એટલેથી જ પતતું હોય તો વીધવાની દશા આકરી શેની? ખરીદીને લાવેલી પત્ની એટલે એ તો પતીનાં જીવતાંય વહુ ને મુઆ પછીયે વહુ! વારસામાં જાય તો તો એટલેથી  જ પત્યું; પણ પતી મરી ગયા પછી એ બીચારો એક્લો ક્યાં અટવાય? સાથે વહુએ જવું જ રહ્યું! એ ધર્મહેતુએ એણે સતી થવું જ રહ્યું! ન્યુઝીલેન્ડમાં મરી ગયેલા પતીની કબર પાસે તેની વીધવાને ગળે ફાંસો દઈને મારી નાખે છે. આફ્રીકાના યુરીબા (Yourriba) પ્રાન્તમાં રાજા મરે ત્યારે તેની ચાર રાણીઓએ અને અનેક ગુલામોએ ઝેર પીવું પડે છે. પોપટના ઈંડામાં કાણું કરીને તેમાં ઝેર રેડે છે અને પછી પોતે પી જાય છે. જો ઝેરથી જલદી ન મરાય તો ગળે ફાંસો ખાઈ લે છે. નાઈજર નદીને કાંઠે જેના (Jenna) પ્રાન્તમાં રાજા મરતાં એની એક બે રાણીઓએ તો તે જ દીવસે મરવું જોઈએ, નહીં તો છેટું પડી જતાં રાજા મુંઝાય! કાટુંગા (Katunga) પ્રાન્તમાં રાજાની પટરાણીઓએ પોતાના સૌથી મોટા દીકરા ને બીજા દરબારીઓ સાથે કબર પાસે બેસીને ઝેર પીવું પડે છે, પછી એ બધાં મરેલાને રાજાની સાથે જ દાટવામાં આવે છે. દાહોમી (Dahomay) પ્રદેશના રાજાના મરણને પ્રસંગે તો ભારે કતલ થાય છે ને તેમાં બધી રાણીઓ પણ કપાય છે. પ્રાચીન જર્મનોમાં પણ એવો જ રીવાજ હતો. સમાન પ્રકારની અવસ્થામાં મનુષ્યસ્વભાવ સર્વત્ર સમાન જ હોય છે.

ચીનના એક સરદારનું યુદ્ધમાં મરણ થતાં તેની બે વીધવાઓએ ઝેર ખાઈ આત્મહત્યા કર્યાની વાત ઈ. સ. 1857માં The Peking Gazetteમાં પ્રસીદ્ધ થઈ હતી. ત્યાર પછી 1860ના ડીસેમ્બરમાં એક અને 1861ના જાન્યુઆરીમાં બે વીધવાઓએ આ રીતે આત્મહત્યા કરી હતી. એટલે છેક અર્વાચીન કાળમાં પણ પતી પાછળ વીધવાએ આત્મહત્યા કરવી પડે છે. ચીનમાં મોટે ભાગે અમુક વીધવા આમ સતી થાય છે. એક લેખના વર્ણન પ્રમાણે આ ક્રીયા બહુ ભપકાથી કરવામાં આવે છે. એક માસ અગાઉ મોટું સરઘસ નીકળે છે, આગળ વાજાંવાળા વાજાં વગાડતા ચાલે છે. તેમની પાછળ બીજા લોકો ચાલે છે. સૌથી છેલ્લે રકત વસ્ત્રો પહેરેલી સતી પાલખીમાં બેસીને આવે છે. એનાં વસ્ત્રો હીરામોતીને ભરતથી ભરેલાં હોય છે, એનું આખું શરીર શણગારેલું હોય છે. આ સરઘસ એમ જાહેર કરે છે કે બીજા માસની એ જ તીથીએ એ વીધવા અમુક સ્થળે સતી થવાની છે, માટે ત્યાં સૌ આવજો. બરાબર જણાવેલી તીથીએ જણાવેલ સ્થળે એ બાઈ આવે છે ને બહુ શાન્તીથી ધાર્મીક ક્રીયા કરીને ગળે ફાંસો ખાય છે.

યુરોપીયન આર્યોમાં પણ પ્રાચીન સમયમા સતી થવાનો રીવાજ હતો.

કેટલીક જાતીઓમાં આત્મહત્યાને બદલે શરીરમાં જુદાં જુદાં અંગ ઉપર નાના નાના ઘા કરવા પડે છે. હોટેંટોટ, મેલાનેસીયા, પોલીનેસીયા, ચારુઆ વગેરે પ્રદેશોમાં પોતાના મોં અને બીજાં અંગ ઉપર વીધવાઓ ઘા કરે છે. અમેરીકાના નૌકાહીવા પ્રદેશમાં મેાં, ગરદન, છાતી અને હાથ ઉપર નાના ઘા વાળી એક વીધવા પોતે ખલાસીઓ સાથે ગુપ્ત સમ્બન્ધ જોડવા રાતે આવેલી તે પોર્ટર (Porter) નામના પ્રવાસીએ જોઈ હતી.

કેટલીક જાતીઓમાં પતીની પાછળ વીધવા તેનું શ્રાદ્ધ કરે છે, અને એમ કરવું એ એનો ધર્મ મનાય છે. મધ્ય અમેરીકાના મેક્સીકો અને સામ્બો પ્રદેશોમાં મરનારની કબર ઉપર એક વર્ષ સુધી વીધવા ખાવાનું મુકી આવે છે.

અનેક જાતીઓમાં વીધવાને પુનર્લગ્ન કરવાની છુટ છે; પણ તેમ કરતા પહેલાં અમુક સમય સુધી તેણે શોકમાં ખુણો પાળવો પડે છે. ચીનમાં છથી બાર માસ સુધી શોક પાળ્યા પછી જ વીધવાથી પુનર્લગન થઈ શકે. પશ્ચીમ આફ્રીકાની ગાબુન (Gaboon) નદીને કાંઠે વસનારી સીદી જાતીમાં વીધવાઓ મરનારના વારસને મળે છે; પણ તેની સાથે પરણતા પહેલાં બેએક વર્ષ વીધવાઓએ શોકમાં રહેવું પડે છે. શોક ઉતર્યા પછીની એવી એક લગ્નક્રીયા દુ ચાઈલુ (DuChaillu) નામના એક પ્રવાસીએ જોએલી તેનું વર્ણન તે આમ કરે છે : ‘મરનારની સાતેય વીધવાઓ આનન્દમાં આવી ગઈ હતી…. તેઓ શોકવસ્ત્ર ઉતારવાની હતી અને કન્યાઓ પેઠે ઉત્સવમાં જવાની હતી, તે સૌની સાથે તેમના પતીના વારસને પરણવાનો અધીકારી હતો; પણ તે વારસદારે ઉદારતા દેખાડીને તેમાંની બે પોતાના નાના ભાઈને અને એક પીત્રાઈ ભાઈને આપી દીધી. ઉત્સવમાં દારુનાં તુમ્બાં ઉપર તુમ્બાં સૌએ પીધાં ને ખુબ નાચ્યાં. પેલી વીધવાઓ હવે સધવાઓ થઈ ને ખુબ નાચી; પણ એ નાચ તે કેવો? સભ્ય ગણાતો એમનો મરોડ આપણે હીસાબે છેક અશ્લીલ!’

કોલંબીયાની એક જાતીમાં એક વર્ષ ખુણો પાળ્યા પછી વીધવા પુનર્લગ્ન કરી શકે છે. સેલીશ (Selish) વીધવા બે વર્ષ પછી પુનર્લગ્ન કરી શકે. તેઓના ધર્મગ્રંથની આજ્ઞા છે કે વીધવા 4 માસ અને 10 દીવસ શોક પાળ્યા પછી પુનર્લગ્ન કરી શકે; પણ જો તે ગર્ભવતી હોય તો બાળક અવતર્યા પછી જ લગ્ન કરી શકે. આરબોમાં એવો રીવાજ છે કે પતીના મરણસમયે તેની પત્નીને એમ લાગે કે પોતાને ગર્ભ છે, તો મૃત પતીના દેહ ઉપર પોતાનો પટો મુકે. લોકો વાત સમજી જાય અને અગીયાર માસ સુધી વાટ જુએ, ત્યાર પછી સ્ત્રીઓ તેની તપાસ કરે, અને જે બાળક અવતરે એ બાળક ગુજરી ગયેલા પીતાનું ગણાય છે, ને તેનો વારસો તેને મળે છે. અમેરીકાની ઓમાહા (Omaha) જાતીમાં ચારથી સાત વર્ષ સુધી શોક પાળ્યા પછી પુનર્લગ્ન થઈ શકે છે; ઉતાવળ કરીને તે પહેલાં લગ્ન કરી નાખનાર વીધવાના શરીર ઉપર ઘા કરવાનો તેનાં સાસરીયાંને અધીકાર છે, જો કે તે તેનું ખુન તો ન જ કરી શકે. ત્યાંની કેટલીક જાતીઓમાં વળી એવો રીવાજ છે કે વીધવાને બાળક હોય તો તે બરાબર મોટું થતા સુધી તેનાથી પરણાય નહીં.

કેટલીક જાતીઓમાં વીધુરને પણ આવો શોક પાળવો પડે છે. ઉપર જણાવેલી કોલંબીયાની જાતીમાં પણ વીધુરથી પોતાની પત્ની ગુજર્યા બાદ એક વર્ષ સુધી પુનર્લગ્ન થાય નહીં. સેલીશ જાતીમાં બે વર્ષ સુધી પુનર્લગ્ન થાય નહીં. ઓમાહા જાતીમાં ચારથી સાત વર્ષ સુધી પુનર્લગ્ન થાય નહીં; ઉતાવળ કરીને તે પહેલાં લગ્ન કરી નાખનાર વીધુરનો ઘોડો ખુંચવી લેવાનો તેનાં સાસરીયાંને અધીકાર છે. આમ અમેરીકાની એ ત્રણેય આદીમાનવ જાતીઓમાં વીધવાને અને વીધુરને એ કાયદા સરખી રીતે લાગુ પડે છે અને તેથી ત્યાં એ વીષયમાં સ્ત્રીપુરુષના સરખા ધર્મ છે. પણ વળી ઓમાહા જાતીનો વીધુર સાત વર્ષ વીત્યા પછીયે પુનર્લગ્ન ન કરે તો તેનાં સાસરીયાં વચ્ચે પડે : ‘આ બીચારાને ચંપલ શીવવા કોઈ બૈરી નથી, ચાલો આપણે એને પરણાવીએ.’ એ વીધુરને ઈચ્છા હોય કે ન હોય તોય એ ભાઈ સાહેબને સાસરીયાંના પરણાવ્યા જખ મારીને પરણવું પડે છે!

યહુદીઓમાં વીધવાને વારસો મળતો નહીં; તેને પુત્ર ઉપર, તે ન હોય તો તેના કુટુમ્બ ઉપર, માત્ર પોતાના નીર્વાહનો અધીકાર હતો. બાઈબલે પણ એને એથી વધારે અધીકાર આપ્યો નથી. કુરાન આ વીષયમાં વધારે ઉદાર છે. પતીની મીલકતમાંથી પુત્ર હોય તો આઠમો, પુત્ર ન હોય તો ચોથો ભાગ લેવાનો વીધવાને અધીકાર છે.

ચીનમાં ઈચ્છા હોય તો વીધવા મરણપર્યંત વૈધવ્ય પાળે છે; નીર્વાહનું સાધન ન હોય તો સાધ્વી થઈને મઠમાં બેસે છે. આથી એની ભારે સ્તુતી થાય છે. પણ જે કન્યાનું વાગ્દાન થયું હોય, અને લગ્ન થતા પહેલાં તેનો માનેલો પતી ગુજરી જાય, છતાં તે કન્યા બીજા સાથે લગ્ન ન કરતાં સાધ્વી બની મઠમાં બેસે તો એની તો એથી યે ભારે સ્તુતી થાય.

પ્રાચીન કાળે રોમમાં પણ એમ જ હતું; પણ પછી પુનર્લગ્નને ઉત્તેજન આપવામાં આવ્યું. પછી તો એના વારસાના અધીકાર પણ સુધર્યા; એવું ઠર્યું કે વીધવાને ત્રણ બાળક હોય તો તેને પોતાને પતીની મીલકતમાંથી ચોથો ભાગ મળે, બાળક ન હોય તો પુરો ભાગ મળે; પણ ત્યાં ખ્રીસ્તી ધર્મનું પરીબળ થતાં વાત વણસી. મહારાજા કોન્સ્ટેાઈને (Constantine, ઈ.સ. 280–337) પાછા વળીને એવો કાયદો કર્યો કે વીધવા પુનર્લગ્ન કરે તો તેણે પોતાના પુર્વપતીના વારસોને અમુક દંડ આપવો. કારણ કે એ રાજા ખ્રીસ્તી ધર્મનો ભારે ઉપાસક હતો; અને જે ખ્રીસ્તી ધર્મ ઈવના લગ્નને જ જગતનું પ્રથમ પાપ માને, તે ધર્મ પુનર્લગ્નને તો સાંખે જ કેમ? માત્ર ખ્રીસ્તી ધર્મમાં જ નહીં; પણ બીજા અનેક ધર્મોમાં વીધવા લગ્ન પ્રત્યે બહુ તીરસ્કાર છે, વીધુર લગ્ન માટે બીલકુલ નથી. આનું ઉંડું કારણ એ જ છે કે અબળા સ્ત્રી એ કાંડાબળીયા પુરુષની મીલકત છે. પોતાની મીલકત બીજો કોઈ વાપરે તે તેને ગમે નહીં, એવી ઈર્ષ્યા સૌને સ્વાભાવીક છે. અને ધણી વીનાની થઈ પડેલી એ મીલકત (वि + धवा = અંગ્રેજી Widow, જર્મન Witwe, ગોથીક Widuwo) પારકો લઈ જાય, એ એનો ધણી ગયા પછી પણ એનો વારસો મેળવનાર કુટુમ્બને કેમ પાલવે? અને તેમ છતાંય આજે સૌ સુધરેલી જાતીઓમાં વીધવા પુનર્લગ્ન કરવાને સ્વતંત્ર બનતી જાય છે.

 નરસીંહ પટેલ

સ્મરણસ્થ ગુલાબભાઈ ભેડા, જેઓ ‘વીવેકપંથી’ માસીકના સંપાદક, તંત્રી અને પ્રકાશક હતા. તેમની સુપુત્રી બહેન પ્રૉ. હર્ષા બાડકર તરફથી ‘અભીવ્યક્તી’ને 600 પાનાંનું ‘લગ્નપ્રપંચ’ પુસ્તક પ્રાપ્ત થયું. તે પુસ્તક હાલ અલભ્ય છે. તેના પ્રકાશકો સ્મરણસ્થ જમનાદાસ કોટેચા અને ભાઈશ્રી અબ્દુલ વકાનીએ માર્ચ, 2000માં 63 વરસ પછી તે પુસ્તકની બીજી આવૃત્તી પ્રગટ કરી હતી. તે પુસ્તકમાંથી લીધેલો આ લેખ, લેખક અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણસ્થ નરસીંહ પટેલ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ થાય છે. તમારી આતુરતા અને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  25–03–2024

2 Comments

  1. વીધવા

    શ્રી નરસીંહ પટેલનો વિવિધ દેશોમા વીધવા અંગે અભ્યાસુ લેખ    

    ‘ શું લગ્નની પ્રથા જન્મી ત્યારથી જ વીધવાનો જન્મ થયો?

    અને ત્યારથી જ તેની અવગતી શરુ થઈ? ‘મા હવે નવા સમાજમા ઘણો ફેર થયો છે.લગ્નની પ્રથા જ બદલાઇ ગઇ… હવે તો ઘણા ડરના માર્યા ઘણા લગ્ન જ કરતા નથી !

    Liked by 1 person

Leave a comment