સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ  

શું પશ્ચીમના સત્યશોધકો પ્રયોગશાળાના માધ્યમથી, પોતાના જ પુરુષાર્થથી તથા પુર્વગ્રહ વીનાના ચીંતન–પ્રયોગથી સત્ય શોધે છે? શું પશ્ચીમ જ્ઞાનનો ભંડાર બન્યું છે, તેઓનું જ્ઞાનવીજ્ઞાન આજે વીશ્વ ઉપર છવાઈ ગયું છે? શું તેઓએ શોધેલાં સત્યો વીશ્વભરની ધાર્મીક માન્યતાઓને ધ્રુજાવી રહ્યાં છે?

સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ  

રમણ પાઠક (વાચસ્પતી)

ધર્મધુરંધરોની તો એ મનગમતી પ્રવૃત્તી જ રહી છે કે ધર્મ સંપુર્ણ શુદ્ધ અવસ્થામાં સીધો સ્વર્ગમાંથી જ ઉતરી આવ્યો છે એવો દાવો કરવો. આ સંજોગોમાં ઈતીહાસકારોને માથે એક દુખદ જવાબદારી આવી પડે છે : ધર્મે ખાસ કરીને પછાત તથા ભ્રષ્ટ પ્રજાઓમાં, એના લાંબા અસ્તીત્વ દરમીયાન જે ક્ષતીઓ, અનીષ્ટો તથા ભ્રષ્ટતાઓ ગ્રહણ કરી લીધી હોય તેને શોધી કાઢીને ખુલ્લી પાડવી.

– એડવર્ડ ગીબ્બન

ડીક્લાઈન ઍન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયર’ (રોમન સામ્રાજ્યનું પતન) નામક ગ્રંથમાં મહાન ઈતીહાસકાર ગીબ્બને જે ઉપર્યુક્ત વીધાન કર્યું છે તે અમુકઅંશે કે કદાચ મહદંશે ભારતને પણ લાગુ પડે જ છે. માટે અત્રે હું ઉક્ત અવતરણમાંથી એક જ શબ્દ બદલીને ‘સંશયની સાધના’ યા એના સમર્થનમાં લખનારા ચર્ચાપત્રી મીત્રોના પુરુષાર્થની સાર્થકતા સ્પષ્ટ કરું : ‘આ સંજોગોમાં વીચારકો તથા વીજ્ઞાનીઓને માથે એક દુખદ જવાબદારી આવી પડે છે…’ મીત્રો, આ આપણી એક ગંભીર જવાબદારી છે, માટે પુરતા વીચાર તથા ઉંડા અભ્યાસ વીના કશું પણ લખીને ફંગોળવું એ કેવળ મહામુલા અખબારી કાગળનો બગાડ જ નહીં, સમાજની કુસેવા બની રહેશે.

દા.ત.; એક ચર્ચાપત્રી મીત્રે ‘લીખીતંગ’માં લખ્યું કે સેક્સ–ફ્રીડમ = મુક્ત જાતીય વ્યવહારને પરીણામે પશ્ચીમની પ્રજાઓમાં એઈડ્સ જેવો જીવલેણ રોગ ઉદ્ભવ્યો છે અને માણસો કાગડાકુતરાને મોતે મરે છે. આ મીત્રને એ ઐતીહાસીક હકીકતની જ ખબર નથી કે એઈડ્સ નામક રોગનો ઉદ્ભવ પશ્ચીમી દેશોમાં નહીં; પરન્તુ આફ્રીકાના અમુક દેશોમાં થયો અને પ્રવાસીઓ દ્વારા એ દુનીયાભરમાં ફેલાયો છે. બીજી વળી ગંભીરતર હકીકત એ છે કે બીનસત્તાવાર સર્વેક્ષણ મુજબ એઈડ્સ ભારત દેશમાં ભયજનક રીતે ફેલાઈ ચુક્યો છે અને છેલ્લા એક હેવાલ મુજબ સુરત શહેરમાં એઈડ્સના રોગીઓની સંખ્યા સૌથી વધુ છે. ઉપરાંત ભયાવહ પરીસ્થીતી તો વળી એ ગણવી રહી કે એઈડ્સ પરત્વે આ પછાત દેશમાં કોઈ જાગૃતી નથી અને વેશ્યાગમન, વ્યભીચાર યા સજાતીય સમાગમ આપણા નાગરીકોમાં પણ એટલાં જ વ્યાપક જોખમો છે. ફરક હોય તો એટલો જ કે અહીં બધું ચોરીછુપીથી ચાલે છે. ઉપરાંત એઈડ્સના ચેપના ફેલાવાનું કારણ ઈન્જેક્શનની સોય તથા રક્તની બૉટલ પણ છે. તો આપણા કેટલા તબીબો એ પરત્વે ફરજભાનથી સાવધ રહે છે? ઈન્જેક્શનની સોય પ્રત્યેક ‘શોટ’ પ્રસંગે નવી જ વાપરવી યા પુર્વચકાસણી વીના કોઈનુંય લોહી ન લેવું– એ બાબતે આપણા દેશમાં કેટલી સજાગતા છે? આ દેશમાં તો બન્ને અર્થમાં ‘લોહીનો વેપાર’ ધમધોકાર ચાલે છે. ઝીણવટથી તપાસો તો પરીસ્થીતી પ્રલયંકારી જ પ્રતીત થશે. આભાર માનો પશ્ચીમના વીજ્ઞાનીઓનો કે તેઓ એઈડ્સ પ્રતીકારક રસીની શોધમાં, રાતદીવસ પણ જોયા વીના નીરંતર તનતોડ પ્રયોગોમાં વ્યસ્ત છે અને કદાચ થોડા જ વખતમાં એ શોધાય એવો સંભવ પણ છે.

ચાલો, મુળ વાત પર આવવા માટે અન્ય એક વીચારકનું વીધાન ટાંકીએ : ‘વૈજ્ઞાનીક વ્યક્તી નવાં નવાં સત્યો શોધે છે, જ્યારે ધર્મના વીદ્વાનો જુનાં સત્યોને અથવા જુની માન્યતાઓને રક્ષવા તથા દૃઢતર કરવા પ્રયત્નરત રહે છે. પરીણામે વીજ્ઞાનીઓની માફક ધાર્મીક વીદ્વાનો સરળતાથી સત્યને શોધી કે સ્વીકારી શકતા નથી. પશ્ચીમના સત્યશોધકો ધર્મગ્રંથોની અપેક્ષા વીના જ પ્રયોગશાળાના માધ્યમથી અને પોતાના જ પુરુષાર્થથી તથા પુર્વગ્રહ વીનાના ચીંતન–પ્રયોગથી સત્ય શોધવા માંડ્યા જેને પરીણામે આજે પશ્ચીમ જ્ઞાનનો ભંડાર બન્યું છે, તેઓનું જ્ઞાનવીજ્ઞાન વીશ્વ ઉપર છવાઈ ગયું છે. તેઓએ શોધેલાં સત્યો વીશ્વભરની ધાર્મીક માન્યતાઓને ધ્રુજાવી રહ્યાં છે. પુર્વની પ્રજા ગમેતેટલો વીરોધ કરે તો પણ એણે એમની પાછળ પાછળ જ ચાલવું પડે છે.’

આ ટાંચણ તો અત્રે એટલા માટે કે ચર્ચાપત્રીમીત્ર મુકુંદ શાહે લખ્યું કે ‘કેટલાક ધાર્મીકો આજે પણ પૃથ્વી ગોળ હોવા વીશે મતભેદ ધરાવે છે. તેઓને શું કહેવું?’ તેઓએ કદાચ એમ પણ લખ્યું હતું કે આવી અસત્ય કપોળકલ્પના અંગે સંશોધન ચલાવવા કરોડોને ખર્ચે એક સંસ્થા ચલાવવામાં આવે છે ઈત્યાદી. આ ચર્ચાપત્રના પ્રતીભાવરુપે, પાલીતાણાથી પ્રગટતા ‘શ્રી જંબુદ્વીપ’ નામક સામયીકના બે અંકો મોકલી આપવામાં આવ્યા, જે મને પણ મળ્યા છે. (નવેમ્બર, ડીસેમ્બર –1993, જાન્યુ ‘94 અને ફેબ્રુ, માર્ચ, એપ્રીલ – 1994) આ સામયીકની સામગ્રી જોતાં મુકુંદ શાહની બે ફરીયાદોને મજબુત સમર્થન મળે છે કે ‘પૃથ્વી ગોળ નથી’ અને ‘માનવી ચંદ્ર પર ગયો જ નથી’– એવો દુરાગ્રહ સેવે તેમને શું કહેવું? અને બીજું એ કે આવી કેવળ પાયાવીહોણી માન્યતા વીશે સંશોધન કરવા પાછળ કરોડો રુપીયા બેરોકટોક, બેફામપણે ખર્ચાય એ દેશની ગરીબ પ્રજાની તો દયા જ ખાવી રહી અને આવા દેશનો આર્થીક ઉદ્ધાર વળી થાય જ શી રીતે ? ‘શ્રી જંબુદ્વીપ વીજ્ઞાન રીસર્ચ કેન્દ્ર’ના નીયામક જણાવે છે કે ‘નાસા વૈજ્ઞાનીક નહીં, લશ્કરી સંસ્થા છે.’ તેઓશ્રીની આવી ખોટી માન્યતાના જવાબમાં અત્રે ‘નાસા’ જે શબ્દ તો સંક્ષીપ્ત રુપ છે, એનું પુર્ણ રુપ જણાવું : ‘નેશનલ એરોનોટીક્સ ઍન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન’. અર્થાત્‌ ‘રાષ્ટ્રીય ઉડ્યનશાસ્ત્ર અને અવકાશશાસ્ત્ર અંગેની સંસ્થા’. હવે રૉકેટો તો લશ્કરમાં પણ અચુક વપરાય, કીંતુ એટલા માત્રથી ‘નાસા’ કેવળ લશ્કરી સંસ્થા નથી બની જતી,. એથી ઉલટું, અવકાશવીષયક જે હેરતભર્યા સંશોધન થયાં છે એ સમગ્ર માનવજાતનું આજે ગૌરવ ગણાય છે.

આના સમર્થનમાં એ નોંધવું ઘટે કે અમેરીકાએ પ્રથમ વાર મનુષ્યને ચંદ્રની ધરતી પર ઉતાર્યો, એ બાબતે મહદંશે એ લોકો એમ જ ઉલ્લેખ કરે છે કે ‘માનવીએ પ્રથમ વાર ચંદ્ર પર પગ મુક્યો.’ તેઓ ભાગ્યે જ એવું બોલે છે કે ‘ચંદ્રની સપાટી પર પ્રથમ વાર એક અમેરીકને પગ મુક્યો.’ – આવી માનવજાતની સમગ્રતાની વીનમ્ર વૈજ્ઞાનીક ભાવના એ લોકોની મહાનતા દર્શાવે છે, જ્યારે બીજી બાજુ આપણે મીથ્યાભીમાનથી કુટ્યા જ કરીએ છીએ કે પશ્ચીમના લોકો આપણા પ્રાચીન ગ્રંથો ઉપાડી ગયા અને વર્તમાન વીજ્ઞાનની બધી જ અદ્ભુત શોધો તેઓ આપણા એ પુરાણા ગ્રંથોને આધારે જ કરે છે, છતાં કબુલતા નથી અને એવી શોધો પોતાને નામે ચડાવી દે છે. હવે આવી આક્ષેપબાજી માટે આપણી પાસે કશો આધાર તો છે જ નહીં, કોઈ ધર્મવીર ભારતીય પાક્કા–નક્કર પુરાવાઓ સાથે અદ્યાપી એમ દર્શાવી શક્યો નથી કે આપણા પુર્વજો અમુકતમુક વીદ્યાની મદદથી રૉકેટો બનાવતા અને અન્ય ગ્રહોને પણ એ વડે આંબી શકતા. હા, એક ‘વૈમાનીક શાસ્ર’ નામક ગ્રંથ ઉપલબ્ધ છે ખરો; પરન્તુ એનું કર્તૃત્વ શંકાસ્પદ છે (એના રચયીતા ઋષી ભારદ્વાજ ગણાય છે) અને વળી એમાં દર્શાવેલા કસબ વડે વીમાન ઉડાડવાના પ્રયોગમાં ખાસ સફળતા પણ મળી નથી.

‘શ્રી જંબુદ્વીપ’ના ઉક્ત અંકોમાં જે વીગતો આપવામાં આવી છે તથા આધુનીક વીજ્ઞાનને અસત્ય ઠરસાવતી જે દલીલો કરવામાં આવી છે એ એટલી તો બેબુનીયાદ, અતાર્કીક, અસત્યમુલક તથા હાસ્યાસ્પદ છે કે એનો રદીયો આમ તો આપવાનો હોય જ નહીં (જોકે ‘શ્રી જંબુદ્વીપ’ના પ્રકાશનમાં તો એ જ આધુનીક વીજ્ઞાન તથા ટેક્નોલૉજીનો ઉપયોગ થયો છે), છતાં વીષય છેડ્યો જ છે તો એક–બે રમુજી દાખલા રજુ કરું : ‘પૃથ્વી ગોળ નથી’ એવા જંબુદ્વીપીય પ્રચારના સમર્થનમાં આ સામયીકના ‘પ્રશ્નોત્તર વીશેષાંક’માં લખવામાં આવ્યું છે કે સાગરમાં આગળ વધતી સ્ટીમરનો નીચેનો ભાગ પ્રથમ દેખાતો બંધ થાય છે એ પૃથ્વીનો ગોળ હોવાનો પુરાવો છે એવો દાવો થાય છે; પરન્તુ આવો પ્રયોગ કોણે, ક્યારે કર્યો, કેવી રીતે કર્યો ? એની કોઈ આધારભુત માહીતી મળતી જ નથી, અને છતાં દુનીયાભરના વીદ્યાર્થીઓને આવું આખુંય જુઠાણું ભણાવ્યા જ કરાય છે…

અરે મુરબ્બી, સદીઓથી ‘વહાણો–સ્ટીમરો સમુદ્રોમાં ઘુમે છે, પછી આવી બાબતમાં વળી ખાસ પ્રયોગ શા માટે કરવાનો ? મુમ્બઈના દરીયાકાંઠે કલાકેક ઉભા રહો અને વીદાય થતી સ્ટીમરોનું નીરીક્ષણ કરો ! એટલે તમે જાતે જ–જો તટસ્થ ભાવે પામવા ચાહો તો–આ સત્ય પામી શકશો.

જ્યારે, ‘માનવી ચંદ્ર પર ગયો જ નથી’ ‘ચંદ્રયાત્રા પોલીટીકલ સ્ટંટ જ હતો’ એવા ઉક્ત સંસ્થાના જોરદાર પ્રચાર સન્દર્ભે એક એવી દલીલ કરવામાં આવી છે કે ‘ચંદ્ર કરતાં પૃથ્વી ચાર ગણી મોટી છે, છતાં ચંદ્રની કહેવાતી યાત્રા દરમીયાન, એપોલો આઠના અવકાશયાત્રીઓને 2,24,000 કી.મી. દુરથી પૃથ્વી ડૉલરના સીક્કા જેવડી દેખાઈ, જ્યારે એપોલો દસના અવકાશયાત્રીઓને વળી સાડાત્રણ લાખ કી.મી. કરતાં વધારે દુરથી પૃથ્વી ગોલ્ફના દડા કરતાં મોટી અને ટેનીસ બૉલ કરતાં નાની દેખાઈ… નજીકથી નાની અને દુરથી મોટી દેખાય છે. એ અસત્ય… અવકાશયાત્રીઓએ કરેલી માનવજાતની ક્રુર મજાક છે…’ માનનીય મુરબ્બી, આવી વાત તમે ક્યાંક ખોટી જ વાંચી હોય યા હકીકત સમજી ન શક્યા હો, એમ જ સ્પષ્ટ સમજાય છે; કારણ કે પ્રસ્તૃત ચંદ્રયાત્રીઓએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરેલું કે ‘અમને પૃથ્વી એક વીશાળ ચંદ્ર જેવી અવકાશમાં તોળાઈ રહેલી દેખાઈ, જેનો ભુવીસ્તાર અને સમુદ્રવીસ્તાર પણ આછો આછો કળી શકાતો હતો…

અને છેલ્લે, જંબુદ્વીપ સંસ્થાના સુત્રધારો એવો દાવો કરે છે કે ‘સુર્યગ્રહણ– ચંદ્રત્રહણની આગાહી કરવાની કોઈ પદ્ધતી આધુનીક વીજ્ઞાન પાસે આજેય નથી… પશ્ચીમી વીજ્ઞાનીઓ ગ્રહો–નક્ષત્રોની ગતી–સ્થીતીની સાચી ગણતરી પણ કરી શકતા નથી. તેઓ પ્રાચીન ભારતીય ખગોળગ્રંથોને આધારે જ આવી ગણતરીઓ તથા આગાહીઓ કરે છે; પણ એ કબુલતા નથી અને એવું બધું પોતાને નામે ચઢાવી દઈ, બડાશ હાંકે છે વગેરે…’

આના જવાબમાં, આધુનીક વીજ્ઞાન, જે મહદંશે પશ્ચીમી પ્રજાની જ દેન છે એની અવકાશી ગણતરી તથા આગાહી કરવાની અદ્ભુત શક્તી–સીદ્ધીનો એક તાજો જ વીસ્મયકારક દાખલો ટાંકું : જોકે ચોક્કસ નામઠામ હું ભુલી ગયો છું; પરન્તુ એકાદ વર્ષ પુર્વેની જ આ ઘટના છે, એથી સર્વ મીત્રોના મનમાં એ તાજી જ હશે : એક વીરાટ ધુમકેતુ (લેવી–શુમાકર ?) અમુક દીવસે, અમુક સમયે ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને, તે ગ્રહ પર તુટી પડવાનો છે એની આગાહી પુરાં બે વર્ષ પહેલાં એક વીજ્ઞાનીએ કરેલી, જે અક્ષરશઃ સાચી ઠરી. ત્યારે પરીતોષના બ્રહ્માનન્દથી પ્રસન્ન એવા ઉક્ત વીજ્ઞાનીએ પોતાની આવી અદ્ભુત સીદ્ધીની કશીય બડાશ મારવાને બદલે શેમ્પેઈનની બૉટલ ખોલીને હર્ષોલ્લાસથી ‘ચીયર્સ’ કર્યું. આવો બ્રહ્માનન્દ દુર્ભાગી–દુર્બળ ભારતવાસીના ભાગ્યમાં તો હોય જ ક્યાંથી ? અહીં શેમ્પેઈન તો શું, ગુજરાતમાં તો દેશી દારુનાય ફાંફાં છે ! પછી આ પ્રજા મહાન સીદ્ધીઓ પામી–માણી શકે જ કેવી રીતે ? ચેખોવ કહે છે તેમ, એરેરેરે, આપણે જીવનનો આનન્દ શો છે એ જાણ્યા વગર જ એક દીવસ મરણશરણ થઈ જવાના !

હવે, અવકાશી પીંડોની આવી, સુક્ષ્મ, સચોટ અને વળી ઘણી વહેલી ગણતરી કરવાની કોઈ વીદ્યા આપણા પુર્વજોને સાધ્ય હતી ખરી ? તેઓ તો ધુમકેતુ શું છે, એ જ જાણતા નહોતા અને વળી એનાં શુભાશુભ ફળની ફેંકાફેંક કરતા હતા !

વધુ અફસોસની હકીકત તો એ કે કેવળ આવી કપોળકલ્પીત માન્યતાઓ અને સાવ આધારહીન જરીપુરાણી ધારણાઓની કહેવાતી ‘રીસર્ચ’ પાછળ આ અતીદરીદ્ર દેશની ભુખી, લાચાર, ગરીબડી પ્રજાના કરોડો રુપીયા છડેચોક વેડફાય છે. જો કોઈ વીજ્ઞાની યા નાસ્તીક–રૅશનાલીસ્ટ ધર્મગ્રંથોની વાતોને અસત્ય સીદ્ધ કરવા આવાં ‘રીસર્ચકેન્દ્ર’ કે પ્રયોગવૃત્તી ચલાવતો હોત તો ધાર્મીકો અચુક એના પર ઝનુનથી તુટી જ પડ્યા હોત અને ગેલીલીયો કે ડાર્વીનની જેમ એના પર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હોત… પરન્તુ વીજ્ઞાનીઓરૅશનાલીસ્ટો ઝનુનમુક્ત એવા પુરા સહીષ્ણુ પુરુષો હોય છે અને એમને પોતાનાં કાર્ય, સીદ્ધી તથા સત્યમાં સંપુર્ણ વીશ્વાસ હોય છે… બડાશો તો નીર્બળ અને દરીદ્ર પ્રજાઓ જ હાંકે !

રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં :  381 મુલ્યરુપીયા 200/-) તે પુસ્તકમધુપર્કમાંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન|વહોટ્સ એપ : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26/04/2024

4 Comments

  1.  

    ‘સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ ‘ હ્રુ, રમણ પાઠક (વાચસ્પતી)નો સુંદર લેખે
    યાદ આવે સત અસત અંગે તેઓ સાથે ચર્ચા થઇ હતી તે વાત.         ઘર્મ અંગે અંધશ્રધ્ધા પર આદીકાળથી અનેક સંતોએ પણ ધ્યાન દોર્યું છે અને આપની વાત સાચી છે સાથે સચ્ચિદાનંદ જેવા સંતની વાણી પર પણ ચિંતન કરવુ રહ્યું…
    સત્ અસત્’ નુ યોગેશ્વર-‘સત્ નો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય. અવિનાશી હોય ને જોડે ,જોડે ગુણ-પર્યાય સહિત હોય અને અગુરુ-લઘુ સ્વભાવવાળો હોય. અગુરુ-લઘુ એટલે પૂરણ ના થાય, ગલન ના થાય, વધે નહીં, ઘટે નહીં, પાતળું ના થઈ જાય, એનું નામ સત્ કહેવાય. આત્મા એ સત્ છે. પછી પુદ્ગલ એ ય સત્ છે.
    સાથે વૈજ્ઞાનિક સત્ય અંગે રવીન્દ્રનાથ અને આઇન્સ્ટાઇન વચ્ચે જે વાદવિવાદ થયો હતો એમાં આઇન્સ્ટાઇનનો પ્રશ્ન હતો, ’ ‘વૈજ્ઞાનિક સત્યનું મૂલ્ય મનુષ્યની એ મૂલ્ય વિશેની સૂઝસમજથી નિરપેક્ષ હોઈ શકે ?’;
    રવીન્દ્રનાથનો પ્રશ્ન હતો, ‘સત્ય, મનુષ્યના એ સત્ય વિશેના અનુભવથી જ સિદ્ધ થઈ શકે ?’ આ વાદવિવાદમાં ધર્મ સાહિત્યમાં જે સત્ય-જ્ઞાન છે તે બાહ્ય જગતમાં અને આંતરજીવનમાં સ્ફુરણા, કલ્પના, સંવેદના દ્વારા પ્રાપ્ત થાય છે. એ સત્ય-જ્ઞાન મૂર્ત સ્વરૂપે કલ્પન, ઉપમા, રૂપક, પ્રતીક આદિ રૂપે પ્રગટ થાય છે. એથી વિજ્ઞાન ફિલસૂફીમાં જે સત્ય-જ્ઞાન છે તેમાં શક્તિ છે, જ્યારે ધર્મ સાહિત્યમાં જે સત્ય-જ્ઞાન છે એમાં ભક્તિ છે. આજે જ્યારે મનુષ્યજાતિના જીવનમાં વિજ્ઞાન નો પ્રબળ પ્રભાવ છે ત્યારે અને ધર્મ સાહિત્યમાં જે સંવેદના છે એનું પૂર્વે ક્યારેય ન હતું એવું અને એટલું મહત્વ છે. અને ધર્મસાહિત્યમાં જે ભક્તિ છે એ દ્વારા વિજ્ઞાન અને ધર્મમાં જે શક્તિ છે એને વિશે સંવેદના ન પ્રગટે તો મહાસંકટ સર્જાય એવી આજે મનુષ્યજાતિની કરુણ પરિસ્થિતિ છે.                       આવી ચર્ચામા થોડો મતભેદ હતો પણ મનભેદ કદી નહી.

    Liked by 1 person

  2. ‘સત્યમાર્ગનું યાત્રી વીજ્ઞાન – ઘર્મ નહીં જ ‘-રમણ પાઠક (વાચસ્પતી)

    ‘ધર્મ સંપુર્ણ શુદ્ધ અવસ્થામાં સીધો સ્વર્ગમાંથી જ ઉતરી આવ્યો છે એવો દાવો કરવો’ આ પરિસ્તીથી અસહનીય છે. મોટી ઉમરના માણસોની બુદ્ધિની પાટી પર આ સ્ટેટમેંટ નો કૂચડો કેટલીયે વાર ફરી ગયો હોય છે. આ કુંચડામાથી માણસને બહાર કાઢવો અતિ મુશ્કેલ છે, લોકોને સ્હેજ પણ સમજવું નથી, આપણી વાતો સાંભળતા નથી, દિવસેને દિવસે આ કૂચડો મજબૂત થતો જાય છે, તે પડ ઉઘાડવા બહુ કઠિન છે. ભણેલા ગણેલા વિજ્ઞાન વાળા પણ બિલકુલ સમજતા નથી. Rational ફૌજ ની જરૂર પડશે, ઘરે ઘરે, શેરીએ શેરીએ સત્યમ જોશી, પિયુષ જાદુગર અને લંકેશ, જેવા જેવા હજારો સૈનિકોની જરૂર પડશે. સફળતા બહુ દૂર છે પણ સતત પ્રયત્નો ચોવીસે કલાક કરવા પડશે.

    Liked by 1 person

Leave a comment