અન્ધશ્રદ્ધાનું મુળ ધાર્મીક વીચારપદ્ધતી

ભારતમાં ‘બુદ્ધીનીષ્ઠા’ના સહારે જીવનના પ્રશ્નો ઉકેલવાની વીચારસરણીએ ક્યારે પગરણ માંડ્યા હતા? આજે આપણને પશ્ચીમનું જે જગત દેખાય છે તેનાં બીજ ક્યારે નંખાયાં હતાં? ધાર્મીક પુનરુત્થાનવાદી પ્રવૃત્તી એટલે શું?

અન્ધશ્રદ્ધાનું મુળ
ધાર્મીક વીચારપદ્ધતી

  બીપીન શ્રોફ

અન્ધશ્રદ્ધાળુ મનુષ્ય તેના જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલ માટે સ્વપ્રયત્નોથી પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કરતો નથી; પરન્તુ દરેક બનાવનું અર્થઘટન કોઈ દૈવી ચમત્કારીક શક્તીનું પરીણામ છે તેવું સ્વીકારી પોતાનું જીવનનાવ હંકારે છે. આ અભીગમને ધાર્મીક જીવન પર આધારીત વીચારપદ્ધતી (religious mode of thought) તરીકે ઓળખવામાં આવે છે.

માનવ– ઈતીહાસમાં ધર્મોની ઉત્પત્તી અને માનવ જીવનનો વીકાસ આ વીચારપદ્ધતી પર આધારીત છે. તેનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે :

  1. માનવશક્તી અને પ્રયત્ન ઉપર નીયંત્રણ કરનાર કોઈ દૈવી પરીબળ અસ્તીત્વ ધરાવે છે.
  2. આ દૈવી (divine) એકમોને માનવ વર્તનમાં (conduct of man) અને તેના નીયમનમાં રસ છે.
  3. મનુષ્ય વર્તન માટે સારું શું કે ખોટું શું તેના ન્યાયધીશો તેઓ છે.
  4. આ દૈવી તત્ત્વો (deity) જે કાંઈ હુકમો મોકલે તેમનું મનુષ્યે પાલન કરવાનું છે. કેટલીક નક્કી કરેલી શરતો મુજબ તેમના પ્રતીનીધીઓ (ધર્મગુરુ, પાદરી, મૌલવી, પીર, ગોર, ભુવા વગેરે) દ્વારા વ્યક્તીગત કલ્યાણ માટે તેઓ પોતાની સેવાઓ આપી શકે છે. દુન્યવી પ્રતીનીધીઓ દ્વારા તેમની સાથે સારા સમ્બન્ધ રાખી માનવી સતત જીન્દગીભર સુખ પ્રાપ્ત કરી શકે છે.
  5. મૃત્યુ બાદ દરેક મનુષ્યને આ તત્ત્વો સાથેના જીવનવ્યવહાર મુજબ સારો બદલો અથવા શીક્ષા મળે છે. તેમાં જરુરી ફેરફાર અથવા ઈચ્છા મુજબનો ફેરફાર તેમના પ્રતીનીધીઓએ નક્કી કર્યા મુજબની જુદી જુદી વીધીઓ, પુજાઓ વ્યક્તી પોતે જીવતાં કરાવે અથવા મૃત્યુ બાદ તેના વારસો પાસે કરાવડાવે તો તેને મળી શકે છે.
  6. મનુષ્યનો છેલ્લો પ્રયત્ન એ છે કે તેનો આત્મા પેલા દૈવી પરમાત્મા સાથે એવું ચૈતસીક ચમત્કારીક જોડાણ પ્રાપ્ત કરે જેથી આ માનવ આત્મા– પરમાત્મા બની જાય. જન્મ લેવાથી માંડીને શરુ થતાં બધાં જ દુન્યવી દુઃખોમાંથી ચીરંજીવ મુક્તી મળે. અન્ધશ્રદ્ધા સતત ટકી રહે તેવી જીવનપદ્ધતીને આ ધાર્મીક વીચાર પદ્ધતીએ જન્મ આપ્યો છે. સમાજમાં માનવી મોટેભાગે આ વીચારોની આસપાસ જ પોતાનું સમગ્ર જીવન પસાર કરે છે, તેને આધારે પેદા થયેલું માનવવ્યક્તીત્વ ડરપોક, ભયભીત, અન્ધશ્રદ્ધાળુ, નસીબવાદી, ગુલામ અને સામંતશાહી સમાજવ્યવસ્થાને પુરસ્કારે તેવું હોય છે.

માનવઉત્ક્રાંતી બાદ લગભગ ઈસ્વીસનની 14મી સદી સુધી સમગ્ર માનવજાત અન્ધકાર યુગમાં (dark ages) જીવી હતી; પરન્તુ પ્રાચીન સમયમાં પણ ગ્રીક યુગમાં અને ભારતમાં સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મના યુગમાં સમાધાન પામવા ‘બુદ્ધીનીષ્ઠા’ના સહારે જીવનના પ્રશ્નો ઉકેલવાની વીચારસરણીએ પગરણ માંડ્યા હતા; પરન્તુ યુરોપમાં રોમન આક્રમણે અને ભારતમાં શંકરાચાર્યના બ્રાહ્મણવાદે આ વીચારસરણીનાં મુળીયાં ઉખાડી નાંખ્યાં હતાં.

યુરોપમાં 14મી સદીની શરુઆતથી જુદા જુદા દેશોમાં જુદી જુદી વ્યક્તીઓએ દા.ત. ગેલીલીયો, કોપરનીકસ, ન્યુટન, લીયોનાર્દો દ વીન્ચી, માઈકલ એન્જેલો વગેરેએ તેમના જીવનકાળ દરમ્યાન પોતપોતાનાં ક્ષેત્રોમાં પ્રચલીત ધાર્મીક વીચારપદ્ધતીને પડકારી હતી. આ બધાએ યુરોપમાં નવજાગૃતીરેનેસાં યુગના મંડાણ કર્યાં. ઈશ્વર, પરમાત્મા વગેરેલક્ષી જીવનપદ્ધતીને બદલે તેઓએ માનવકેન્દ્રી વીચારસરણીની શોધ શરુ કરી. ખગોળશાસ્ત્ર, ભૌતીકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા સ્થાપત્ય કલા વગેરે દ્વારા જ્ઞાનની જે નવી ક્ષીતીજો પ્રાપ્ત થઈ તેને કારણે મનુષ્ય અને કુદરતના સમ્બન્ધ નવેસરથી માનવીની તરફેણમાં શરુ થયા. આજે આપણને પશ્ચીમનું જે જગત દેખાય છે તેનાં બીજ આ રેનેસાં યુગમાં નંખાયાં હતાં.

ભારત, પશ્ચીમી જગતના આધારસ્તંભ ગણાતા બ્રીટીશ સમાજના સમ્પર્કમાં ઓગણીસમી સદી દરમ્યાન આવ્યું. તેણે રાજા રામમોહનરાય જેવા સુધારક પેદા કર્યા. તેમણે નવજાગૃતીની ચળવળ અહીં શરુ કરી; પરન્તુ આ ચળવળ તેનાં મુળ ઉંડાં નાખી વટવૃક્ષ બનીને વીકસે તે પહેલાં જ રુઢીચુસ્ત હીંદુ ધાર્મીક મનોદશાવાળી સ્વતંત્રતા પહેલાંની અને પછીની રાષ્ટ્રીય નેતાગીરીએ તેનાં મુળ ઉપર મરણતોલ ઘા માર્યા. આ હુમલાનું સ્વરુપ ધાર્મીક પુનરુત્થાનવાદી પ્રવૃત્તીનું છે.

ધાર્મીક પુનરુત્થાનવાદી પ્રવૃત્તી એટલે શું? જે ધાર્મીક અન્ધશ્રદ્ધાઓ અને માન્યતાઓ, જ્ઞાન અને સમયની પરીક્ષામાં વાહીયાત, બોગસ અને નીષ્ફળ સાબીત થઈ તેમના વીકલ્પે મનુષ્યને નવી સુધારેલી ધાર્મીક માન્યતાઓ વીજ્ઞાન અને આધુનીક સાધનોની મદદથી આપવી અને ફેલાવવી : જે જુના દેવો, ભગવાનો સમયના પ્રવાહમાં પોતાનું અસ્તીત્વ ટકાવવામાં નીષ્ફળ ગયા હોય, તેમની જગ્યાએ નવા દેવો, બાબાઓ, ગુરુઓ, તાત્કાલીક ચમત્કાર અને પરચો બતાવી શકે તેમનામાં વીશ્વાસ પેદા કરાવવો. આ ધાર્મીક પુનરુત્થાનવાદી પ્રવૃત્તીનું કાર્યક્ષેત્ર તે આપણો પડકાર છે. ભારતીય નવજાગૃતી માટે એવા બુદ્ધીનીષ્ઠો અને કર્મનીષ્ઠો (એક્ટીવીસ્ટ)ની જરુર છે, જેમની પાસે ગેલીલીયો જેવી વેધક પારદર્શક દૃષ્ટી હોય, સર આઈઝેક ન્યુટન જેવું શંકાશીલ વૈજ્ઞાનીક મન હોય અને ધાર્મીક પુનરુત્થાનને પડકારવા બ્રુનો જેવી આત્મસમર્પણની ભાવના હોય.

  બીપીન શ્રોફ

રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના સંનીષ્ઠ, સક્રીય અને કર્મનીષ્ઠ કાર્યકર્તા ડૉ. જેરામ જે. દેસાઈએ ભાતીગળ ગુજરાતી સમાજને પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર કાઢવા માટે વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : ડૉ. જેરામ જે. દેસાઈ, વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, વલ્લભ વીદ્યાનગર – નડીયાદ; બીજી આવૃત્તી : 2007; પાનાં : 606 મુલ્ય : રુપીયા 40/- આ ગ્રંથ આઉટ ઑફ પ્રીન્ટ છે.) આ ગ્રંથના ‘જરા આટલું તો વીચારીએ?’ વીભાગનું પહેલું પ્રકરણ]માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13/05/2024

2 Comments

  1. કોમેંટ’ શ્રી બીપીન શ્રોફે ,’અન્ધશ્રદ્ધાળુ મનુષ્ય તેના જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલ માટે સ્વપ્રયત્નોથી પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કરતો નથી;’ વાતે અભ્યાસપૂર્ણ લેખ બદલ ધન્યવાદ સાથે સટિક વાત’ભારતીય નવજાગૃતી માટે એવા બુદ્ધીનીષ્ઠો અને કર્મનીષ્ઠો (એક્ટીવીસ્ટ)ની જરુર છે, જેમની પાસે ગેલીલીયો જેવી વેધક પારદર્શક દૃષ્ટી હોય, સર આઈઝેક ન્યુટન જેવું શંકાશીલ વૈજ્ઞાનીક મન હોય અને ધાર્મીક પુનરુત્થાનને પડકારવા બ્રુનો જેવી આત્મસમર્પણની ભાવના હોય.’ ગમી’ પોસ્ટ થતી નથી યથા યોગ્ય તથા કુરુ

    Liked by 1 person

Leave a comment